“કસાબની ફાંસીની સજા યથાવત્ રાખવામાં કોઈ દુર્ભાવના નથી. આ વ્યક્તિએ ભારત સામે
યુદ્ધ છેડ્યું છે. ભારતના સાર્વભૌમત્વને પડકાર્યું છે અને યુદ્ધનું એલાન કર્યું
છે. એટલે આ વ્યક્તિની મૃત્યુદંડની સજા યથાવત્ રાખવામાં કોઈ અડચણ નથી... મુંબઈના
આતંકવાદી હુમલાના તથ્યો, સાક્ષીઓ અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા કસાબને
ફાંસીની સજા આપવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી.”
મુંબઈમાં 26/11ના રોજ પોતાના
સાગરિતો સાથે ભારતના સાર્વભૌમત્વ પર હુમલો કરનારા મોહમ્મદ અજમલ આમિર કસાબની અપીલ
ફગાવતા સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો આફતાબ આલમ અને સી.કે. પ્રસાદની ખંડપીઠે પોતાના
ચુકાદામાં ઉપરોક્ત શબ્દો નોંધ્યા છે. આ આતંકવાદી હુમલામાં 166 લોકોના મૃત્યુ
થયા હતા અને અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આમ છતાં એક આતંકવાદીને વિશ્વની
સૌથી મોટી લોકશાહી ધરાવતા દેશની સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરવાની તક અપાઈ હતી. જેમાં
કસાબે કહ્યું છે કે, મારું એક ‘રોબોટ’ની જેમ બ્રેઈનવૉશિંગ કરાયું હતું. તેથી મારી
યુવાન વય (25 વર્ષ) જોતા મને ફાંસીની સજા ન આપવી જોઈએ. જોકે, સર્વોચ્ચ અદાલતે છત્રપતિ શિવાજી ટર્મિનસ પર
હાથમાં એકે 47 અને બેકપેક લગાવીને ફરી રહેલા કસાબના વીડિયો ફૂટેજ જેવા સજ્જડ પુરાવાના આધારે
બોમ્બે હાઈકોર્ટે ફટકારેલી ફાંસીની સજા માન્ય રાખી છે. પરંતુ હવે સવાલ છે કે, આખરે કસાબને
ફાંસી ક્યારે અપાશે?
મુંબઈ હાઈકોર્ટના પબ્લિક પ્રોસિક્યુટર ઉજ્જવલ નિકમ |
શું કસાબ પણ ભારતમાં બીજો ‘અફઝલ ગુરુ’ બનીને રહી જશે? શું ભવિષ્યમાં ભારતના સૌથી મોંઘા કેદી
તરીકેનો વિશ્વવિક્રમ તેના નામે હશે? સર્વોચ્ચ અદાલતે વર્ષ 2001માં ભારતીય
સંસદ પર હુમલો કરનારા અફઝલ ગુરુની મૃત્યુદંડની સજા પણ માન્ય રાખી હતી, પરંતુ સંસદ પર
હુમલો કરીને દેશના સાર્વભૌમત્વ પર હુમલો કરનારા અફઝલને આજ સુધી ફાંસીના માંચડે
લટકાવી શકાયો નથી. અફઝલે વર્ષ 2005માં રાષ્ટ્રપતિ સમક્ષ દયાની અરજી કરી હતી. પરંતુ ગૃહ
મંત્રાલયને અફઝલ જેવા ગુનેગારની ફાઈલ ક્લિયર કરતા છ વર્ષ લગાડી દીધા, અને છેક વર્ષ 2011માં તેની અપીલ
ફગાવી. હવે કસાબ પાસે બે વિકલ્પ છે. કસાબ સર્વોચ્ચ અદાલત સમક્ષ ટેકનિકલ ગ્રાઉન્ડ
પર રિવ્યૂ પીટિશન કરી શકે છે, અને જો તે ફગાવી દેવાય તો મહારાષ્ટ્રના રાજ્યપાલ થકી
રાષ્ટ્રપતિ સમક્ષ દયાની અરજી પણ કરી શકે છે.
જોકે, રાષ્ટ્રપતિ કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સલાહ-સૂચનના આધારે જ દયાની અરજી અંગેના
નિર્ણયો લે છે. હાલ, રાષ્ટ્રપતિ ભવનમાં આવી 16 અરજી પેન્ડિંગ છે. નવાઈની વાત તો છે કે, રાષ્ટ્રપતિએ
દયાની અરજીનો નિકાલ કરવા કોઈ બંધારણીય સમયમર્યાદા નથી, પરંતુ ન્યાય તંત્રમાં ઊભી થયેલી આ આળસ
ખંખેરવાની હિંમત કોઈ રાષ્ટ્રપતિ કરી શકતા નથી. બીજી તરફ, ભારત સરકાર માટે કસાબ કે અફઝલ જેવા કેદીઓને ‘સાચવવા’ માથાનો દુઃખાવો
બની જાય છે કારણ કે, તેની સુરક્ષા વ્યવસ્થાથી લઈને કાનૂની ખર્ચ કરોડોમાં
પહોંચી જતો હોય છે.
અફઝલને ફાંસીની માંગ |
ભારતીય બંધારણમાં ફાંસીની સજા માન્ય રાખવામાં આવી હોવા છતાં ભારત સરકાર ભાગ્યે
જ કોઈ ગુનેગારને ફાંસી આપે છે, અને મોટા ભાગના કિસ્સામાં ફાંસીની સજા જન્મટીપની
સજામાં પરિવર્તિત કરી નાંખે છે. પશ્ચિમ બંગાળમાં ધનંજય ચેટરજીને 14 વર્ષીય કિશોરી
પર બળાત્કાર અને હત્યા બદલ વર્ષ 1995માં ફાંસીની સજા અપાઈ હતી અને વર્ષ 2004માં તેનો અમલ
કરાયો હતો. આમ ભારતમાં વર્ષ 1995 પછી ફક્ત એક જ વાર ફાંસી અપાઈ છે. નવાઈની વાત તો એ
છે કે, આજે ભારતમાં કુલ 400 ગુનેગારો ફાંસીની સજાની રાહ જોઈ રહ્યા છે, પરંતુ કોઈને કોઈ
કારણોસર તેમની સજાનો અમલ થઈ શક્યો નથી. વળી, આ 400માંથી અનેક કેદીઓ દયાની અરજીના ચુકાદાની રાહ
જોઈ રહ્યા છે. દયાની અરજી કરનારા સાત કેદીઓ તો 12 વર્ષથી અને છ કેદીઓ 11 વર્ષથી કોઈને
કોઈ કાયદાકીય ગુંચવાડા ઊભા કરીને ફાંસીના માંચડાને દૂર ધકેલી રહ્યા છે.
જોકે, રાષ્ટ્રપતિ સમક્ષ કેટલા કેદીઓની દયાની અરજી પેન્ડિંગ છે તેના આંકડા પણ
વિરોધાભાસી અને વિવાદાસ્પદ છે. પરંતુ એક વાત નક્કી છે કે,
આ બધા કેદીઓમાં કાયદાકીય
છટકબારીઓ શોધીને ફાંસીની સજાને દૂર ધકેલનારો છેલ્લો ગુનેગાર અફઝલ ગુરુ જ છે. જો
અમેરિકા સદ્દામ હુસૈન જેવા સરમુખત્યારને ફાંસી આપી શકતું હોય તો, ભારતે પણ કસાબ
જેવા ‘મોસ્ટ હેટેડ’ આતંકવાદીને ફાંસીની સજા આપીને સાબિત કરવું જોઈએ કે તે એક મજબૂત રાષ્ટ્ર છે.
વળી, મુંબઈ હુમલામાં પોતાના સ્વજનો ગુમાવનારા લોકો સહિત મોટા ભાગના લોકોનો મત
કસાબને ફાંસી આપવાની તરફેણમાં છે, ત્યારે ભારત સરકારે ખૂબ ઝડપથી આ તક સ્વીકારી લેવી
જોઈએ. કારણ કે, હવે સર્વોચ્ચ અદાલતે પણ ચુકાદામાં લખ્યું છે કે, આ એક ‘રેરેસ્ટ ઓફ ધ રેર’ કેસ છે, અને આરોપીને ફાંસીની સજા સિવાય બીજી કોઈ સજા
આપી શકાય એમ છે જ નહીં.
આખરે કસાબને ફાંસી આપશે કોણ?
નાટા મલિક અને તેમનો પુત્ર મહાદેવ મલિક |
ભારતમાં છેલ્લે વર્ષ 2004માં ધનંજય ચેટરજીને ફાંસી અપાઈ હતી,
જેને નાટા મલિક
નામના જલ્લાદે ફાંસી આપી હતી. જોકે, હવે નાટા મલિક પણ નથી રહ્યા અને
ભારતમાં આજે એક પણ જલ્લાદ હયાત નથી. હજુ થોડા મહિના પહેલાં જ પંજાબમાં બલવંતસિંહ
રાજોઆનાને ફાંસીની ફટકારાઈ હતી, પરંતુ જલ્લાદ નહીં હોવાથી તેને
ફાંસી આપી શકાઈ ન હતી. પરંતુ જલ્લાદ ન હોય એનો અર્થ એ નથી કે, કોઈ ગુનેગારને ફાંસી આપી જ ન શકાય. ભારતીય જેલ મેન્યુઅલ
મુજબ કોઈ પણ પોલીસ અધિકારી તાલીમ લઈને ફાંસી આપી શકે છે. એટલે કે, કસાબને ફાંસી આપવા માટે મુંબઈ પોલીસના કોઈ પણ અધિકારીને
તૈયાર કરી શકાય છે. જોકે, પશ્ચિમ બંગાળના જલ્લાદ મહાદેવ
મલિકે બે વર્ષ પહેલાં અપીલ કરી હતી કે,
તેઓ કસાબને ફાંસી
આપવા તૈયાર છે. મહાદેવ એ જ નાટા મલિકના પુત્ર છે, જેમણે ધનંજય ચેટરજીને ફાંસી આપી હતી. નાટા મલિકે તેમના જીવનમાં કુલ 25 લોકોને ફાંસી આપી હતી, જ્યારે તેમના પિતાએ 600 લોકોને ફાંસી આપી હતી.
ભારત સરકારે વર્ષ 2004માં ધનંજય ચેટરજીને ફાંસી આપી ત્યારે સ્થાનિક અને
આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠનોએ ફાંસીની સજા રદ કરવા દબાણ કર્યું હતું. આમ છતાં
વર્ષ 2007માં યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીમાં ભારત એવા કેટલાક દેશો પૈકીનું એક
રાષ્ટ્ર હતું જેણે ફાંસીની સજામાં માફીની વિરુદ્ધમાં સહી કરી હતી. આ રાષ્ટ્રોમાં
અમેરિકા, ચીન અને પાકિસ્તાન પણ સામેલ હતા. ભારતમાં ફાંસીની સજા મુદ્દે છેક વર્ષ 1937થી ચર્ચા ચાલી
રહી છે, જ્યારે ગાંધીજીએ લખ્યું હતું કે, તેઓ માને છે કે, “મૃત્યુદંડ અહિંસાની વિરુદ્ધ છે. ગુનેગારને
પ્રાયશ્ચિત કરવાની અને સુધરવાની તક મળવી જોઈએ.” જોકે, વર્ષ 1967માં ભારતીય બંધારણમાં ફાંસીની સજાનો કાયદો
ઘડવામાં આવ્યો. આ દરમિયાન મૃત્યુદંડની સજા રદ કરવા અનેક ખરડા પસાર થયા, પરંતુ ભારત
સરકારે જાહેર કર્યું કે, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે
ફાંસીની સજા રદ કરવાનું જોખમ લઈ શકાય એમ નથી. બાદમાં વર્ષ 1980માં સર્વોચ્ચ
અદાલતે ‘રેરેસ્ટ ઓફ ધ રેર’ કેસમાં જ મૃત્યુદંડની સજા ફટકારવાનો વચ્ચેનો રસ્તો
કાઢ્યો, અને આજે પણ સર્વોચ્ચ અદાલત આ મુજબની પ્રેક્ટિસ કરે છે. નોંધનીય છે કે, સર્વોચ્ચ અદાલતે
મુંબઈ હુમલાને ‘રેરેસ્ટ ઓફ ધ રેર’ કેસ ગણીને કસાબની ફાંસીની સજાને વાજબી ઠેરવી છે.
નોંધઃ તમામ તસવીરો પ્રતીકાત્મક છે અને ઈન્ટરનેટ પરથી લીધી છે. સર્વોચ્ચ અદાલતે મુંબઈ હુમલા પર આપેલો સંપૂર્ણ ચુકાદો જોવા આ લિંક પર ક્લિક કરો.
http://164.100.9.38/judis/bitstream/123456789/34277/1/CR1CONF210.pdf#search=kasab
No comments:
Post a Comment