બ્રિટનના જાણીતા ઈતિહાસકાર, રાજકારણી અને લેખક સર જ્હોન ડાલબર્ગે છેક 19મી સદીમાં કહ્યું હતું કે, “સત્તાનો ઝોક ભ્રષ્ટાચાર તરફ હોય છે, અને સંપૂર્ણ સત્તા સંપૂર્ણ ભ્રષ્ટાચાર પેદા કરે છે....” પરંતુ બાદમાં આ જાણીતું ક્વૉટ વિન્સ્ટન ચર્ચિલના નામે ચડાવી દેવાયું હતું. એની વે, આજે અહીં એવા જ આઈએએસ અધિકારીઓની વાત કરવી છે જેઓ ડાલબર્ગના એ પ્રખ્યાત ક્વૉટને સાચું સાબિત કરી રહ્યા છે. હાલ દેશમાં કૌભાંડોની મોસમ ખીલી છે અને આપણે રોજેરોજ નવા-નવા કૌભાંડી રાજકારણીઓના નામ બહાર આવી રહ્યા છે. આ રાજકારણીઓએ પોતાની અમર્યાદ સત્તાનો ઉપયોગ કોઈને કોઈ રીતે ભ્રષ્ટાચાર કરવામાં કર્યો છે. પરંતુ આ રાજકારણીઓને કૌભાંડો કરવામાં સૌથી વધુ મદદ આઈએએસ અધિકારીઓની મળે છે. એક તરફ વિનોદ રાય જેવા માથાફરેલ અધિકારી છે, જે એ વાતની સાબિતી આપે છે કે, એક અધિકારી ધારે તો શું નથી કરી શકતો? તો બીજી તરફ, કૌભાંડી આઈએએસ અધિકારીઓનો પણ પાર નથી.
એક આરટીઆઈમાં બહાર આવ્યું છે કે, જાન્યુઆરી 2011થી માર્ચ 2012 સુધીમાં જ
દેશભરમાં 24 સિનિયર આઈએએસ અધિકારી સામે સીબીઆઈએ ભ્રષ્ટાચાર મુદ્દે તપાસ કરી છે. આ તમામ
અધિકારીઓ સામે સીબીઆઈએ પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ હેઠળ જમીન કૌભાંડ, અપ્રમાણસર
મિલકત અથવા ખોટા નીતિવિષયક નિર્ણયો લેવા જેવા ગુના નોંધીને કાયદેસરની કાર્યવાહી
હાથ ધરી છે. નોંધનીય છે કે, આ હાઈ-પ્રોફાઈલ બ્યુરોક્રેટ્સ સામે કેસ આગળ વધારવા
સીબીઆઈએ ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનલ એન્ડ ટ્રેઈનિંગની મંજૂરી લેવી ફરજિયાત છે. અહેવાલો
છે કે, ટૂંક સમયમાં આ તમામ આઈએએસ અધિકારીઓ સામે ચાર્જશીટ ફાઈલ કરીને કાયદેસરની
પ્રક્રિયા હાથ ધરાશે.
અહીં આવા કેટલાક બ્યુરોક્રેટ્સની યાદી આપી છે, જેમની
સામે ભ્રષ્ટાચારના કેસમાં તપાસ ચાલી રહી છે.
સિદ્ધાર્થ બેહુરાઃ સીબીઆઈએ પૂર્વ ટેલિકોમ મંત્રી એ.રાજા સાથે બેહુરાની પણ 2G સ્પેક્ટ્રમ કેસમાં ધરપકડ કરી હતી. વર્ષ 1973ની બેચના યુ.પી. કેડરના આઈએએસ બેહુરા આ કૌભાંડના મુખ્ય આરોપીઓ પૈકીના એક છે. બેહુરાની ધરપકડ કરાઈ ત્યારે તેઓ નિવૃત્ત હતા. સીબીઆઈએ એ.રાજા અને અન્યો સહિત તેમની સામે પણ ચાર્જશીટ દાખલ કરી હતી.
પ્રદીપ વ્યાસઃ મહારાષ્ટ્રમાં આદર્શ હાઉસિંગ સોસાયટી કૌભાંડના આરોપી પ્રદીપ વ્યાસ વર્ષ 1989 બેચના મહારાષ્ટ્ર કેડરના આઈએએસ છે, જેમની સીબીઆઈએ તાજેતરમાં જ ધરપકડ કરી હતી. તેમની પર આરોપ છે કે, તેઓ મુંબઈમાં ઓગસ્ટ 2002થી મે 200દરમિયાન જિલ્લા કલેક્ટર તરીકે ફરજ બજાવતા હતા ત્યારે આદર્શ કૌભાંડમાં આંખ આડા કાન કર્યા હતા. આ ઉપરાંત તેમણે આદર્શમાં ઘર ખરીદવા જે લાયક ન હતા તેમને પણ ખોટા દસ્તાવેજો સ્વીકારી લઈને ઘર ફાળવી આપ્યા હતા. તેમના પત્ની સીમા વ્યાસ પણ આઈએએસ છે, અને આદર્શમાં ફ્લેટના માલિક છે.
પ્રદીપ વ્યાસ |
જયરાજ ફાટકઃ વર્ષ 1978ની બેચના મહારાષ્ટ્ર કેડરના જયરાજ ફાટક પણ આદર્શ કૌભાંડના આરોપી છે. આ કૌભાંડ વખતે તેઓ રાજ્ય શહેરી વિકાસ વિભાગમાં મુખ્ય સચિવ હતા, અને તેમના પર હાઈ-રાઈઝ કમિટીની મંજૂરી લીધા વિના મુંબઈમાં 100 મીટરથી ઊંચું બિલ્ડિંગ બનાવવાની સંમતિ આપવાનો આરોપ છે. આદર્શ બિલ્ડિંગમાં તેમના પુત્રના નામે ફ્લેટ છે.
કે. સુરેશકુમારઃ તેઓ વર્ષ 1982ની બેચના મધ્યપ્રદેશના આઈએએસ અધિકારી છે, અને તેમના પર વર્ષ 2007માં એક વિદેશી જહાજને ગેરકાયદે રીતે લંગરવાની મંજૂરી આપી હતી. એટલું જ નહીં, જહાજને લંગરવાની મંજૂરી આપ્યા પછી તેમણે જહાજના કેપ્ટન પાસેથી કોઈ ચાર્જ પણ વસૂલ્યો ન હતો. ઊલટાનું જહાજને વધારાની જગ્યા ફાળવી આપી હતી અને કોઈ કાયદેસરનો ખર્ચ પણ વસલ્યો ન હતો. આમ કરતા તંત્રને રૂ. 20 કરોડનું જંગી નુકસાન થયું હતું. સીબીઆઈએ તેમના ઘરે દરોડા પાડીને રૂ. 2.36 કરોડની જંગી રોકડ જપ્ત કરી હતી.
બી.વી. સેલવારાજઃ યુનિયન ટેરીટરી કેડરના વર્ષ 1981ની બેચના સેલવારાજે
લક્ષદ્વીપમાં એક કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવાની ખાતરી આપીને લાંચ લીધી હતી.
અબ્રાહમ વરિકમક્કલઃ યુનિયન ટેરિટરી કેડરના વર્ષ 1998 બેચના અધિકારી
વરિકમક્કલ વર્ષ 2006થી 2009 દરમિયાન એક કોન્ટ્રાક્ટર સાથે મળીને કાવતરું રચ્યું
હતું. તેમણે લક્ષદ્વીપમાં નિયમોનું ઉલ્લંઘન કરીને આ કોન્ટ્રાક્ટરને નદીની રેતી અને
ગ્રેનાઈટ પૂરો પાડવાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો.
એલ.વી. સુબ્રમણ્યમઃ આંધ્રપ્રદેશના વર્ષ 1983ની બેચના અધિકારી
સુબ્રમણ્યમ એમ્માર અને એજીએફ કૌભાંડમાં આરોપોનો સામનો કરી રહ્યા છે. તેમણે અન્ય
આઈએએસ બી.પી. આચાર્ય સાથે મળીને મિલકત સંબંધિત કૌભાંડ આચર્યું હતું, જેમાં
આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી વાય.એસ.આર. રેડ્ડી પણ સામેલ હતા.
બી.પી. આચાર્યઃ વર્ષ 1983ની બેચના આચાર્ય સામે હૈદરાબાદમાં ઔદ્યોગિક
માળખા સંબંધિત ભ્રષ્ટાચારનો આરોપ છે. તેઓ આંધ્રપ્રદેશના ગૃહ સચિવ તરીકે ફરજ બજાવી
રહ્યા હતા ત્યારે જાન્યુઆરી 2012માં તેમની ધરપકડ કરાઈ હતી.
વાય. શ્રીલક્ષ્મીઃ આંધ્રપ્રદેશના વર્ષ 1988ની બેચના અધિકારી
શ્રીલક્ષ્મી પર ઓબુલાપુરમ માઈનિંગ કંપનીને લાભ કરાવ્યા હોવાનો આરોપ છે. આ દરમિયાન
તેઓ આંધ્રપ્રદેશના ઔદ્યોગિક સચિવ હતા.
ઓ.રવિઃ વર્ષ 1983ની બેચના આઈએએસ રવિએ દમણ અને દીવ સ્થિત દારૂની ભઠ્ઠીઓ પાસેથી રૂ. 25
લાખની લાંચ માંગતા સીબીઆઈએ તેમની ધરપકડ કરી હતી. સીબીઆઈએ તેમના પર આરોપ મૂક્યો છે
કે, કેટલીક ભઠ્ઠીઓને લાભ કરાવી આપવાથી સરકારને રૂ. 340 કરોડનું નુકસાન થયું છે.
તેમની ધરપકડ થઈ એ પહેલાં તેઓ કેન્દ્રીય ગૃહ ખાતામાં સંયુક્ત સચિવ તરીકે ફરજ બજાવતા
હતા.
સદાકાંતઃ ઉત્તરપ્રદેશના વર્ષ 1983ની બેચના અધિકારી સદાકાંત સામે લેહમાં તૈયાર થઈ રહેલા
મહત્ત્વાકાંક્ષી રોડ પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટમાં શંકાસ્પદ કાર્યવાહી કરવા બદલ તપાસ
ચાલી રહી છે. અગાઉ તેઓ ગૃહ ખાતામાં બોર્ડર મેનેજમેન્ટમાં સંયુક્ત સચિવ તરીકે ફરજ
બજાવતા હતા.
મનોજકુમાર અગ્રવાલઃ પશ્ચિમ બંગાળના વર્ષ 1990ની બેચના અધિકારી મનોજકુમાર
સામે અપ્રમાણસરની મિલકત મુદ્દે તપાસ ચાલી રહી છે.
રાકેશ મોહનઃ વર્ષ 1978ની બેચના અધિકારી રાકેશ મોહન દિલ્હીમાં
ફાઈનાન્સિયલ કમિશનર હતા ત્યારે તેમણે પ્રાઈવેટ કંપની પાસેથી રૂ. ત્રણ કરોડની લાંચ
લીધી હતી. આ લાંચ લઈને તેમણે કંપનીને દિલ્હી જળ બોર્ડની પાઈપલાઈની મરમ્મત કરવાનો
રૂ. 35.84 કરોડનો ઓવર-વેલ્યૂ કોન્ટ્રાક્ટ આપી દીધો હતો.
પરિમલ રાયઃ વર્ષ 1985ની બેચના અધિકારી રાય સામે કોમનવેલ્થ
કૌભાંડના આરોપીઓ પૈકીના એક છે. આ કૌભાંડ આચરાયું ત્યારે તેઓ નવી દિલ્હી મ્યુનિસિપલ
કાઉન્સિલના અધ્યક્ષ હતા. કોમનવેલ્થ કોમ્પ્લેક્સમાં કન્વેન્શન સેન્ટર બાંધવામાં
તેમની અનિયમિતતાના કારણે સરકારી તિજોરીને રૂ. 15 કરોડનું નુકસાન થયું હતું.
વિનોદકુમારઃ વર્ષ 1989ની બેચના અધિકારી વિનોદકુમાર ઓરિસ્સા રૂરલ
હાઉસિંગ ડેવલપમેન્ટ કોર્પોરેશનમાં ફરજ બજાવતા હતા. તેમની સામે કુલ રૂ. 475 કરોડના
ગોટાળાના સાત કેસમાં તપાસ ચાલી રહી છે.
પ્રદીપ શુકલાઃ વર્ષ 1981ની બેચના આઈએએસ પ્રદીપ શુકલા સામે ઉત્તર
પ્રદેશના નેશનલ રૂરલ હેલ્થ મિશનના કૌભાંડમાં સંડોવણીનો આરોપ છે. પોતાની બેચના ટોપર
શુકલા ઉત્તરપ્રદેશમાં અનેક મહત્ત્વના હોદ્દા સંભાળી ચૂક્યા છે. તેમની પત્ની
અનુરાધા શુકલા પણ ઉત્તરપ્રદેશના આઈએએસ અધિકારી છે.
કે. ધનલક્ષ્મી ગૌડાઃ વર્ષ 2000ની બેચના આઈએએસ ગૌડા ઉત્તરપ્રદેશ સ્ટેટ
ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના જમીન કૌભાંડના આરોપી છે. તેમની સામે
અપ્રમાણસરની મિલકતના આરોપ છે.
ડૉ. પ્રદીપકુમારઃ ઝારખંડના પૂર્વ આરોગ્ય સચિવ પ્રદીપકુમારનું નામ
નેશનલ રૂરલ હેલ્થ મિશન કૌભાંડમાં ગાજ્યા બાદ તેઓ મહિનાઓ સુધી ભાગતા ફરતા હતા. વર્ષ
1991 બેચના અધિકારી પ્રદીપકુમાર રૂ. 130 કરોડ કરતા પણ વધુ રકમના કૌભાંડના આરોપી
છે. તેમની પર રૂ. 4.85 કરોડની લાંચ લેવાનો અને અપ્રમાણસરની મિલકતના આરોપ છે.
દેબાદિત્ય ચક્રબોર્થીઃ પશ્ચિમ બંગાળની વર્ષ 1976ની બેચના અધિકારી
ચક્રબોર્થીની કોલકાતામાં રૂ. 125 કરોડના કૌભાંડમાં સીબીઆઈએ ધરપકડ કરી હતી. તેમના
પર એક ચાઈનીઝ કંપની સાથે કાચું લોખંડ નિકાસ કરવાનો સોદો કરીને કટકી કરવાનો આરોપ
છે.
આર.એમ. જમીરઃ પશ્ચિમ બંગાળના વર્ષ 1977ની બેચના અધિકારી જમીર
ચક્રબોર્થી સાથેના કૌભાંડમાં સહ-આરોપી છે.
શિવશંકર શર્માઃ બિહારના વર્ષ 1981ની બેચના અધિકારી શર્મા સામે
અપ્રમાણસરની મિલકતનો કેસ ચાલી રહ્યો છે.
આ લેખની શરૂઆતમાં જ્હોન ડાલબર્ગનું ક્વૉટ ટાંક્યું છે કે, “સત્તાનો ઝોક
ભ્રષ્ટાચાર તરફ હોય છે, અને સંપૂર્ણ સત્તા સંપૂર્ણ ભ્રષ્ટાચાર પેદા કરે છે....”
પરંતુ જ્યોર્જ બર્નાડ શૉએ પણ છેક 19મી સદીમાં એવું અવલોકન કર્યું હતું કે,
“સત્તાના કારણે માણસ ભ્રષ્ટ નથી થતો. પરંતુ મૂર્ખાઓને સત્તા મળી જતા તેઓ સત્તાને
ભ્રષ્ટ કરે છે.” ખરેખર તો આપણે દેશની શિક્ષણ વ્યવસ્થાને પણ વ્યાપક ભ્રષ્ટાચાર માટે
દોષી ઠેરવવી જોઈએ. કારણ કે, આજની શિક્ષણ વ્યવસ્થા વિદ્યાર્થીમાં દેશપ્રેમ, નૈતિકતા
જેવા મૂલ્યોનું સિંચન કરવામાં સદંતર નિષ્ફળ ગઈ છે. વિદ્યાર્થી જાતભાતની પરીક્ષાઓમા
પાસ થઈને અમુક-તમુક હોદ્દા પર પહોંચી જાય તેના કરતા વધુ મહત્ત્વનું તે એક સારો
વ્યક્તિ બને. તાજા અહેવાલો મુજબ, એક આરટીઆઈમાં જાણવા મળ્યું છે કે જાન્યુઆરી
2009થી નવેમ્બર 2011 દરમિયાન વિવિધ રાજ્ય સરકારો અને ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનલ એન્ડ
ટ્રેઈનિંગે 312 આઈએએસ અધિકારી સામે વિવિધ ગુના બદલ તપાસ શરૂ કરી હતી. પરંતુ
તેમાંથી 86 અધિકારી સામેની તપાસ રદ કરાઈ છે અથવા તેમને નિર્દોષ જાહેર કરવામાં
આવ્યા છે.
નોંધઃ તસવીરો ઈન્ટરનેટ પરથી લીધી છે.
નોંધઃ તસવીરો ઈન્ટરનેટ પરથી લીધી છે.
No comments:
Post a Comment