પશ્ચિમ આફ્રિકામાં ઘાનાની બાજુમાં
આવેલો નાનકડા દેશ ટોગો રાજકીય સ્થિતિની હાલ વિશ્વભરના સમાચાર માધ્યમોમાં ચર્ચા
ચાલી રહી છે. ફક્ત 57 હજાર સ્ક્વેર કિલોમીટરનું ક્ષેત્રફળ ધરાવતો ટોગો દેશ સત્તાવાર
રીતે ટોગોનીઝ રિપબ્લિક તરીકે જાણીતો છે. આશરે 60 લાખની વસતી ધરાવતા ટોગોમાં
મુખ્યત્વે આફ્રિકાની આદિજાતિઓનો સમાવેશ થાય છે, જ્યારે લઘુમતી પ્રજામાં મુખ્યત્વે
ખ્રિસ્તી અને મુસ્લિમો છે. હજુ વર્ષ 1960માં ટોગો ફ્રાંસ પાસેથી આઝાદી મેળવીને
રિપબ્લિક જાહેર થયું છે, પરંતુ ટોગો નામનું જ રિપબ્લિક છે. અહીં છેક વર્ષ 1963થી
ગ્નાસિંગ્બે પરિવારનું શાસન ચાલી છે, પરંતુ આ વખતે આ પરિવાર સામે ટોગોમાં સજ્જડ
વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે અને આખી દુનિયાના માધ્યમોનું ધ્યાન આ નાનકડા દેશ તરફ
ગયું છે. કારણ કે, ટોગોમાં પડદા પાછળની સરમુખત્યારશાહીનો વિરોધ કરવા ટોગોનીઝ
મહિલાઓએ ‘લેટ્સ સેવ ટોગો’ અભિયાન અંતર્ગત સેક્સ સ્ટ્રાઈકનું નવતર હથિયાર અજમાવ્યું
છે. આફ્રિકાના ટોગો જેવા નાનકડા દેશમાં સેક્સ સ્ટ્રાઈકની દુનિયાભરના માધ્યમોએ નોંધ
લીધી હોવાથી હાલ એવો માહોલ સર્જાયો છે કે, મહિલાઓએ ઉપાડેલું સેક્સ સ્ટ્રાઈકનું
હથિયાર અકસીર સાબિત થશે! બીજી તરફ, ટોગોમાં સર્જાયેલી સ્થિતિએ સાબિત કરી દીધું છે
કે, સેક્સ હંમેશાં વેચાય છે, અને વિરોધ પ્રદર્શનોમાં પણ ‘સેક્સ’નું તત્ત્વ ઉમેરીને
સરળતાથી લોકોનું ધ્યાન ખેંચી શકાય છે.
પશ્ચિમ આફ્રિકામાં ટોગોનું કદ |
ટોગોને ફ્રાંસ પાસેથી આઝાદી અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા સિલ્વાનુસ ઓલિમ્પિઓ |
ટોગોએ વર્ષ 1960માં સિલ્વાનુસ ઓલિમ્પિઓની આગેવાનીમાં ફ્રાંસ પાસેથી આઝાદી મેળવી હતી. પરંતુ 13 જાન્યુઆરી, 1963ના રોજ સાર્જન્ટ એટિને ઈયાડેમા ગ્નાસિંગ્બેએ લશ્કરી બળવો કરીને તેમની હત્યા કરાવી દીધી અને વિરોધ પક્ષના નેતા નિકોલસ ગ્રૂન્ટિઝકીને પ્રમુખ બનાવ્યા. ત્યાર પછી વર્ષ 1967માં ખુદ એટિને ઈયાડેમા ગ્નાસિંગ્બેએ સત્તાનું સુકાન સંભાળ્યું અને છેક પાંચમી ફેબ્રુઆરી 2005માં તેમનું મૃત્યુ થયું ત્યાં સુધી સતત 38 વર્ષ સુધી તેઓ ટોગોના પ્રમુખ રહ્યા. આફ્રિકામા કોઈ સરમુખત્યારે આટલુ લાંબુ શાસન નથી કર્યું. તેમના મૃત્યુ પછી લશ્કરે તુરંત જ ગ્નાસિંગ્બેના પુત્ર ફોરે ગ્નાસિંગ્બેને સત્તા સોંપી દીધી. પરંતુ આફ્રિકા યુનિયનમાં વિરોધ ફાટી નીકળતા તેમણે ચૂંટણી જાહેર કરી અને બે મહિના પછી તેઓ વિજેતા પણ જાહેર થયા. જોકે, વિરોધ પક્ષે આ આખેઆખી ચૂંટણી જ છેતરપિંડી હોવાનું કહીને ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો કર્યા. પરંતુ મોટા સરમુખત્યાર દેશોમાં બને છે એમ ટોગોના બળવાને પણ ક્રૂરતાપૂર્વક ડામી દીધો, અને અનેક લોકોને જેલમાં નાંખી દીધા. હવે, ઓક્ટોબર 2012માં ફરી એકવાર ટોગોમાં ચૂંટણીઓ યોજાવાની છે, પરંતુ સરકાર કોઈને કોઈ કારણસર તેને પાછી ઠેલી રહી છે. જોકે, સરકારના આવા વલણના કારણે હાલ ટોગોનીઝ મહિલાઓનો રોષ ભભૂકી ઉઠ્યો છે, અને તેમણે સેક્સ સ્ટ્રાઈક જાહેર કરીને ફોરે ગ્નાસિંગ્બેના રાજીનામાની માંગ કરી છે.
એટિને ઈયાડેમાના મૃત્યુ બાદ ગાદી સંભાળનાર તેમના પુત્ર ફોરે ગ્નાસિંગ્બે |
ટોગોમાં મૃત્યુપર્યંત 38 વર્ષ શાસન કરનારા એટિને ઈયાડેમા ગ્નાસિંગ્બે |
સેક્સ સ્ટ્રાઈક મુદ્દે મહિલાઓની આગેવાની લઈ રહેલા વિરોધ પક્ષના નેતા ઈસાબેલ એમેગનવીનું કહેવું છે કે, “હાલ ટોગોમાં માનવ અધિકારની સ્થિતિ અત્યંત કથળેલી છે અને વિરોધ કરનારા લોકો પર અમાનવીય રીતે જુલમ ગુજારાય છે. ટોગોના સમાચાર માધ્યમોને સેક્સ સ્ટ્રાઈકમાં કોઈ રસ નથી, કારણ કે સરકારના પ્રોબેશન પર છે. જોકે, ટોગોનીઝ મહિલાઓને આશા છે કે, સેક્સ સ્ટ્રાઈકનું હથિયાર અકસીર સાબિત થશે.” અગાઉ પણ ટોગોની મહિલાઓ મોટા ભાગના હથિયારો અજમાવી ચૂકી છે, પરંતુ તેનાથી શાસનકર્તાઓના પેટનું પાણી પણ હલ્યું ન હતું. પરંતુ સેક્સ સ્ટ્રાઈકમાં જોડાયેલી મહિલાઓ માની રહી છે કે, હવે પુરુષો સરકારની નીતીઓનો સજ્જડ વિરોધ કરવા મેદાનમાં આવશે અને સ્થિતિમાં સુધારો થશે. તાજા અહેવાલો મુજબ, ટોગોમાં ધાર્મિક ગુરુઓએ પણ મહિલાઓની સેક્સ સ્ટ્રાઈકને ટેકો આપ્યો છે, અને હાલની રાજકીય સ્થિતિનો યોગ્ય ઉકેલ શોધવામાં સહભાગી થવાની ખાતરી આપી છે. એટલું જ નહીં, ધાર્મિક ગુરુઓએ મહિલાઓને ટેકો જાહેર કરતા સરકારે ધરપકડ કરેલા અનેક લોકોને મુક્ત કરી દીધા છે. ટોગોના લોકો દ્વારા વિરોધ થતા વિરોધ પ્રદર્શનો, ધરણાં, પ્રાર્થના કે ઉપવાસની સેક્સ સ્ટ્રાઈક જેવી વિશ્વવ્યાપી અસર થઈ ન હતી. પરંતુ સેક્સ સ્ટ્રાઈકની શરૂઆત થતાં જ ગ્રીનલેન્ડથી લઈ ઓસ્ટ્રેલિયા અને જાપાનથી લઈ સેનેગલના સમાચાર માધ્યમોને ટોગોની દુર્દશામાં રસ પડતા મહિલાઓના મનોબળમાં ખાસ્સો વધારો થયો છે.
સેક્સ સ્ટ્રાઈકની આગેવાની લેનારા ઈસાબેલ એમેગનવી |
જોકે, એવું પણ નથી કે કોઈ રાજકીય હેતુ સિદ્ધ કરવા મહિલાઓએ પહેલી જ વાર ‘નો-સેક્સ’નું હથિયાર અજમાવ્યું હોય. મહિલાઓએ કોઈ લક્ષ્યાંક હાંસલ કરવા સેક્સ સ્ટ્રાઈકના હથિયારનો ઉપયોગ કર્યાના સૌથી જૂના ઉલ્લેખ ગ્રીસમાં મળે છે. એરિસ્ટોટલના પ્રખ્યાત નાટક ‘લિસિસ્ટ્રાટા’માં એવો ઉલ્લેખ છે કે, એથેન્સની મહિલાઓ પેલોપોનેસિયનના યુદ્ધનો અંત લાવવા પોતાના પતિ સમક્ષ સામૂહિક રીતે નો-સેક્સનું હથિયાર ઉગામે છે. આ ઉપરાંત વિશ્વના અનેક દેશોની મહિલાઓ કોઈને કોઈ હેતુ માટે સેક્સ સ્ટ્રાઈકનો ઉપયોગ કરી ચૂકી છે. હજુ ગયા વર્ષે જ 2011માં ફિલિપાઈન્સમાં બે ગામ વચ્ચે થયેલી હિંસાને રોકવા મહિલાઓએ સેક્સમાં હડતાળ જાહેર કરી દીધી હતી. કેન્યામાં વર્ષ 2009માં રાજકીય હિંસા રોકવા મહિલાઓએ અઠવાડિયા સુધી નો-સેક્સનું હથિયાર ઉગામ્યું હતું, અને આ અભિયાનમાં દેશભરની સેક્સ-વર્કરો પણ જોડાતા સેક્સ સ્ટ્રાઈકની ધારી અસર થઈ હતી. તો, વર્ષ 2008માં ઈટાલીમાં નૂતન વર્ષની ઉજવણી નિમિત્તે ગેરકાયદે અને પૂરતી તકેદારી રાખ્યા વિના ફટાકડા ફોડતા પુરુષોને રોકવા હજારો મહિલાઓએ ‘પુરુષોને સોફા પર સૂવાડવા’ના સોગંદ લીધા હતા.
ટોગોની જેમ વર્ષ 2003માં લાઈબેરિયાની
સેક્સ સ્ટ્રાઈકે વિશ્વભરના સમાચાર માધ્યમોનું ધ્યાન ખેંચ્યુ હતુ. જેમાં
લાઈબેરિયામાં સતત 14 વર્ષથી ચાલતા આંતરવિગ્રહનો અંત લાવવા વિમેન ઓફ લાઈબેરિયા માસ
એક્શન ફોર પીસ નામની સંસ્થા અને લેમાહ જીબોવી નામના મહિલા શાંતિદૂતે અપનાવેલા
અહિંસક આંદોલનના શસ્ત્રોમાં સેક્સ સ્ટ્રાઈકનો પણ સમાવેશ થતો હતો. હાલ, એલન જ્હોન્સન
સિરલિફ નામના મહિલા નેતા લાઈબેરિયાના પ્રમુખ છે. આ અહિંસક આંદોલનના ભાગરૂપે જ કોઈ
મહિલા નેતા દેશના સર્વોચ્ચ સ્થાને પહોંચ્યા હતા અને હાલ પણ તેઓ આ પદે બિરાજમાન છે.
જ્યારે લેમાહ જીબોવીને રાજકીય સુલેહ-શાંતિ સ્થાપવામાં મહત્ત્વનો ભાગ ભજવવા બદલ
વર્ષ 2011નો નોબલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. પરંતુ અહીં સૌથી
મહત્ત્વનો પ્રશ્ન એ છે કે, શું દરેક વખતે સેક્સ સ્ટ્રાઈક સફળ થાય છે?
લાઈબેરિયાના પહેલાં મહિલા પ્રમુખ એલન જ્હોન્સન સિરલિફ સાથે નોબલ શાંતિ પુરસ્કાર વિજેતા લેમાહ જીબોવી (જમણે) |
આ અંગે અમેરિકાની યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનના સોશિયોલોજીના પ્રોફેસર પીપર શ્વાર્ટ્ઝ કહે છે કે, “જો તમે થોડા દિવસની વાત કરતા હોવ તો, સ્ત્રીઓનું સેક્સનું હથિયાર ચોક્કસ અકસીર સાબિત થાય છે. પરંતુ જો તમે એમ વિચારતા હોવ કે, આવું હથિયાર આખા દેશના પુરુષો પર ઉગામવું શક્ય નથી. કારણ કે, મને નથી લાગતું કે, લોકો લાંબા સમય સુધી સેક્સ સ્ટ્રાઈક રાખે. હા, તમારા સાથીદારનો અંતરાત્મા જગાડવા માટે તે યોગ્ય છે, પરંતુ તેના પર લાંબા સમય સુધી ચોંટી રહેવું પ્રમાણમાં અઘરું છે. હા, તમે લાંબા સમય સુધી સેક્સ સ્ટ્રાઈક રાખી પણ લો, તો પણ તમે સામેની વ્યક્તિનો ટેકો હંમેશાં માટે ગુમાવી શકો છો, તેથી આ જટિલ મુદ્દો છે. મને લાગે છે કે, હેડલાઈનો માટે આ સારો મુદ્દો છે, પરંતુ અમલમાં અઘરો છે.”
આ તો એક સોશિયોલોજિસ્ટનો મત છે,
પરંતુ અહિંસક આંદોલનોમાં સેક્સ સ્ટ્રાઈક સહિતના હથિયારો અજમાવી ચૂકેલા નોબલ શાંતિ
પુરસ્કાર વિજેતા લાઈબેરિયાના શાંતિદૂત લેમાહ જીબોવીએ ખુદ પોતાના સંસ્મરણોમાં
લખ્યું છે કે, લાઈબેરિયાની એક મહિનો લાંબી સેક્સ સ્ટ્રાઈકની બહુ સામાન્ય અથવા
નહીંવત અસર થઈ હતી. પરંતુ નો-સેક્સના હથિયારના કારણે અમને જે મીડિયા એટેન્શન
મળ્યું તે ખૂબ મહત્ત્વનું હતું. આજે આશરે દસ વર્ષ પછી પણ જ્યારે હું કોઈ મુદ્દે
સામૂહિક વિરોધની વાત મૂકુ છું ત્યારે મહિલાઓનો પહેલો સવાલ એ જ હોય છે, “સેક્સ
સ્ટ્રાઈક વિશે શું વિચારો છો?”
સેક્સ સ્ટ્રાઈકને પગલે ગેંગસ્ટરો પણ ઝૂક્યા
જોકે, એ વાત પણ
એટલી જ સાચી છે કે, કેટલીકવાર સેક્સ સ્ટ્રાઈક જેવા હથિયારોને કારણે સફળતા મળી જતી
હોય છે. પરંતુ એ સફળતાનું રાજકીય કદ કેટલું મજબૂત છે તે જોવું પણ અત્યંત જરૂરી છે.
જેમ કે, વર્ષ 2011માં રિપબ્લિક ઓફ કોલમ્બિયાના બાર્બાકોસ પ્રોવિન્સમાં ફક્ત સારા
રસ્તા માટે સ્ત્રીઓએ નો-સેક્સનું હથિયાર અજમાવ્યું હતું, અને તેમના વિસ્તારમાં
ટૂંક સમયમાં સારી માળખાગત સુવિધાઓ ઊભી થઈ ગઈ હતી. કોલમ્બિયામાં સેક્સ સ્ટ્રાઈકનો
ઈતિહાસ આમ પણ જૂનો છે. હજુ થોડા વર્ષ પહેલાં જ કોલમ્બિયાના પેરેરા શહેરમાં વર્ષે એક
લાખ લોકોએ 97 હત્યા થતી હતી. પરંતુ પેરેરા શહેરની મહિલાઓએ અને ખાસ કરીને અનેક ગેંગસ્ટરોની
ગર્લફ્રેન્ડે નો-સેક્સનું હથિયાર ઉગામતા વર્ષ 2010 સુધીમાં ગુનાખોરીનું પ્રમાણ
26.5 ટકા જેટલું નીચું લાવી શકાયું છે.
nice article...keep it up ..
ReplyDelete