29 September, 2012

વિચિત્ર શોધો માટે અપાતું આઈજી નોબલ પ્રાઈઝ


કોઈનું ભાષણ સાંભળતી વખતે આપણે કંટાળી ગયા હોઈએ એવું અનેકવાર અનુભવી ચૂક્યા છીએ. પરંતુ બધા જ લોકો આપણી જેમ ભાષણકારને ગાળો દઈને કે અધવચ્ચેથી ભાષણ છોડી દઈને અટકી નથી જતા. જાપાનના બે સંશોધકોએ આવું લાં..બુ ભાષણ કર્યે રાખતા વક્તાઓને કાબૂમાં રાખવા સ્પીચ જામર નામનું સાધન વિકસાવ્યું છે. આ સાધન સેકન્ડના 100માં ભાગમાં વક્તાના ચાળા પાડી-પાડીને તેમને અટકાવી દે છે. આ સાધન વિકસાવનારા જાપાની વિજ્ઞાની કાઝુતાકા કુરિહરા અને કોજી સુકાડાને એકોસ્ટિક કેટેગરીમાં આ વર્ષનું આઈજી નોબલ પ્રાઈઝ જીત્યું છે. હા, આઈજી નોબલ પ્રાઈઝ આવા વિચિત્ર સંશોધનો કરનારા વિજ્ઞાનીઓને જ અપાય છે. આઈજી નોબલ એવી શોધોને આપવામાં આવે છે, જે સાંભળીને પહેલાં હસવું આવે અને પછી સામાન્ય માણસને જ નહીં પણ ભલભલા વિજ્ઞાનીઓને પણ વિચારતા કરી મૂકે એવી હોય છે.  

જેમ કે, સ્પીચ જામર નામનું સાધન વિકસાવીને એકોસ્ટિક કેટેગરીમાં આઈજી નોબલ જીતેલા જાપાની વિજ્ઞાનીઓ પર પહેલાં તો આપણને હસવું જ આવે. પરંતુ આ સાધન બનાવવા પાછળ તેમનો હેતુ ખૂબ ઝડપથી બોલતા તેમજ ફાળવેલા સમય કરતા વધુ સમય લઈને લાંબુ ભાષણ કર્યે રાખતા વક્તાઓને એલર્ટ કરવાનો હતો. આ અંગે નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ ઈન્ડસ્ટ્રિયલ  સાયન્સ એન્ડ ટેક્નોલોજી, જાપાનના વિજ્ઞાની કાઝુતાકા કોરિહરા કહે છે કે, “આ ટેક્નોલોજી મીટિંગમાં પણ ઉપયોગી થઈ શકે છે. જેમ કે, કોઈ વ્યક્તિ બોલતી હોય ત્યારે વચ્ચે બોલતા લોકોને કાબૂમાં રાખવા પણ તે ઉપયોગી છે.” તેઓ ઉમેરે છે કે, “એક ધૂની વિજ્ઞાની તરીકે મારું સપનું હતું કે, હું આઈજી નોબલ પ્રાઈઝ જીતું.” કાઝુતાકા જેવા અનેક વિજ્ઞાનીઓનું સ્વપ્ન હોય છે કે, તેઓ આઈજી નોબલ પ્રાઈઝ જીતે. વળી, આ પ્રાઈઝ નોબલ પ્રાઈઝ વિજેતા વિજ્ઞાનીઓના હસ્તે અપાય છે. આઈજી નોબલ પ્રાઈઝ સમારંભમાં ખુદ નોબલ પ્રાઈઝ વિજેતા વિજ્ઞાનીઓ હાજર રહીને વિજેતાઓને એવોર્ડ આપે છે, અને તેમનો ઉત્સાહ વધારે છે.

સ્પીચ જામરનું નિદર્શન કરી રહેલા એકોસ્ટિક કેટેગરીના
આઈજી નોબલ વિજેતા વિજ્ઞાની કોજી સુકાડા  

આઈજી નોબલ પ્રાઈઝ સમારંભ દર વર્ષે હાવર્ડ યુનિવર્સિટીના સેન્ડર્સ થિયેટરમાં યોજવામાં આવે છે. આ સમારંભમાં નોબલ પ્રાઈઝની જેમ જ ફિઝિક્સ, કેમેસ્ટ્રી, ન્યૂરોસાયન્સ, સાઈકોલોજી, મેડિસિન, એનેટોમી અને લિટરેચર જેવી વિવિધ કેટેગરીમાં આઈજી નોબલ અપાય છે. પરંતુ આઈજી નોબલની વિશિષ્ટતા એ છે કે, તે ચિત્રવિચિત્ર શોધ-સંશોધન કરનારા વિજ્ઞાનીઓને જ અપાય છે. જેમ કે, આ વખતે સાઈકોલોજીનું આઈજી નોબલ ડચ સંશોધકો અનિતા એર્નાલ્ડ, રોલ્ફ ઝ્વાન અને તુલિયો ગડાલૂપને એનાયત કરાયું છે. આ ત્રણેય વિજ્ઞાનીઓએ એ વાતનો જવાબ આપ્યો છે કે, ડાબી તરફ ઝૂકીને જોતા એફિલ ટાવર કેમ નાનો લાગે છે? જ્યારે ન્યૂરોસાયન્સ કેટેગરીમાં ચાર અમેરિકન સંશોધકોએ પ્રાઈઝ જીત્યું હતું. આ સંશોધકોએ એવું સાધન વિકસાવ્યું છે કે જે મૃત માછલીના મગજમાં થતા ફેરફારો દર્શાવી શકે છે.

લિટરેચરનું આઈજી નોબલ પ્રાઈઝ ‘અહેવાલોના અહેવાલો’ તૈયાર કરવા બદલ યુ.એસ. જનરલ એકાઉન્ટેબિલિટી ઓફિસને ફાળે ગયું હતું. આ ડિપાર્ટમેન્ટે અહેવાલોના અહેવાલો પર અહેવાલ કર્યો હતો જેમાં અહેવાલોના અહેવાલો અને તેના પણ અહેવાલોનો અહેવાલ તૈયાર કરવાની ભલામણ કરાઈ હતી.  તો, ફિઝિક્સનું આઈજી નોબેલ બ્રિટિશ-અમેરિકન વિજ્ઞાનીઓની ટીમને ગયું હતું. આ ટીમે શોધી કાઢ્યું હતું કે, આખરે ચાલતી વખતે પોની ટેઈલ (વાળની ચોટલી) કેવી રીતે અને કેમ ઉછળે છે? આ ટીમના સભ્ય અને યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજના ભૌતિકશાસ્ત્રી રેમન્ડ ગોલ્ડસ્ટેઈનને યુનિલિવર કંપનીએ પોનીટેઈલનું ફિઝિક્સ સમજવાનું કામ સોંપ્યુ હતું. આ માટે રેમન્ડ અને તેમની ટીમે 3D ઈમેજિંગ સિસ્ટમની મદદથી અવલોકન કર્યું હતું કે, ચાલતી કે દોડતી વખતે પોની ટેઈલ કેવી રીતે ઉછળે છે.

આઈજી નોબલ પ્રાઈઝ સમારંભમાં એફિલ ટાવરની પ્રતિકૃતિ સામે
નોબલ પ્રાઈઝ વિજેતા વિજ્ઞાનીઓ એરિક માસ્કિન (2007માં
ઈકોનોમિક્સમાં નોબલ પ્રાઈઝ વિજેતા), રિચાર્ડ રોબર્ટ્સ
(1993માં મેડિસિનમાં નોબલ પ્રાઈઝ વિજેતા) અને
ડૂડલી હેર્શબાચ (1986માં કેમિસ્ટ્રીમાં નોબલ પ્રાઈઝ વિજેતા)  

રેમન્ડ કહે છે કે, “વાળનો જથ્થો એકસાથે સ્પ્રિંગની જેમ જ ઉછળે છે. જ્યારે પણ વાળના જથ્થાને ઓછી જગ્યામાં બળ સમાવી લેવાની જરૂર પડતી ત્યારે તે એટલા જ પ્રમાણમાં ઉછળતા જેટલી જગ્યામાં તેનું બળ સમાઈ ગયું હોય! જોકે, આ એક સાદો નિયમ છે, પરંતુ તેને કોઈ મોટી સિસ્ટમમાં લાગુ કરી શકાય છે.” ખેર, આઈજી નોબલ પ્રાઈઝ આવા વિચિત્ર સંશોધનો માટે જ આપવામાં આવે છે. પરંતુ નવાઈની વાત એ છે કે, યુનિલિવર જેવી કંપનીએ આવું સંશોધન કરવા આટલો ખર્ચ કેમ કર્યો હશે? યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા સાન્તા બાર્બરાના એન્જિનિયરિંગ પ્રોફેસર રોઝલાન ક્રેચેટનિકોવ અને તેમના વિદ્યાર્થી હેંસ મેયરને ફ્લૂઈડ ડાયનેમિક્સમાં આઈજી નોબલ પ્રાઈઝ મળ્યું છે. તેમણે સંશોધન કર્યું છે કે, કોફીનો કપ લઈને ચાલતી વખતે તેમાં શું ફેરફારો થાય છે. ક્રેચેટનિકોવ અને મેયરને કોફી બ્રેક વખતે ચાલતા-ચાલતા વાતો કરવાની આદત હતી. આ દરમિયાન તેમના કોફી-મગમાં કોફી છલકાતી જોઈને આ ગુરુ-શિષ્યને આવું સંશોધન કરવાનો વિચાર આવ્યો હતો.

ક્રેચેટનિકોવનું કહેવું છે કે, આ દિશામાં અગાઉ પણ સંશોધનો થઈ ચૂક્યા છે. જેમ કે, રોકેટરી સાયન્સ. જો બળને અયોગ્ય રીતે ખસેડવામાં આવે તો મિસાઈલ કે રોકેટ અસ્થિર થઈ શકે છે. પરંતુ અત્યાર સુધી કોઈએ કોફી મગમાં આવો અભ્યાસ નહોતો કર્યો. આ અભ્યાસમાં અમને જાણવા મળ્યું કે, કોફી મગ કેટલો છલકાશે તે વ્યક્તિની ચાલવાની ગતિ, તે વ્યક્તિની એકાગ્રતા અને આસપાસના ઘોંઘાટ પર આધાર રાખે છે. જોકે, આવું સંશોધન કરવાનો અર્થ શું છે? આવો સવાલ પૂછતા ક્રેચેનિટોવ કહે છે કે, અરે, અમારા સંશોધનોનો ઉપયોગ કરીને સારા કોફી મગ ડિઝાઈન કરી શકાય છે, અને વ્યક્તિ ચાલતા ચાલતા પણ કોફીનો આનંદ માણી શકે છે. જોકે, તેઓ કબૂલે છે કે, “અમે ફક્ત અમારી જિજ્ઞાસા સંતોષવા ખાતર આવું સંશોધન કર્યું છે અને પછી અન્ય વિજ્ઞાનીઓ સાથે અમારું સંશોધન વહેંચવા અમે આઈજી નોબલ પ્રાઈઝમાં ભાગ લીધો હતો.”

ફિઝિક્સનું આઈજી નોબલ સ્વીકારવા હાથમાં ચોટલી
લઈને આવેલા રેમન્ડ ગોલ્ડસ્ટેઈન 

આ ઉપરાંત કેમિસ્ટ્રીનું પ્રાઈઝ સ્વિડનના વિજ્ઞાની જોઆન પેટરસનને ફાળે ગયું છે. સ્વિડનના એન્ડરસ્લોવ નામના શહેરમાં લોકોના વાળ લીલા કેમ થઈ જાય છે એ અંગે સંશોધન કરવા બદલ તેમને આ પ્રાઈઝ અપાયું છે. જ્યારે શાંતિનું નોબલ પ્રાઈઝ રશિયાની એસકેએન કંપની જીતી છે, જેણે રશિયાના જૂના દારૂગોળાને નવા પ્રકારના હીરામાં પરિવર્તિત કરવાની ટેકનિક શોધી છે. આમ આઈજી નોબલ પ્રાઈઝ હસવું આવે તેવા સંશોધનો કરનારા લોકોને અપાય છે, પરંતુ આવી કોઈ શોધ ભવિષ્યના વિજ્ઞાનને વિકસવામાં મદદરૂપ થઈ શકે એવી પણ હોઈ શકે છે. જેમ કે, એનેટોમી એટલે કે, શરીરરચનામાં અપાતું આઈજી નોબેલ પ્રાઈઝ ફ્રાન્સ દ વાલ અને જેનિફર પોકોર્ની નામના વિજ્ઞાનીઓ જીત્યા છે. તેમણે શોધી કાઢ્યું છે કે ચિમ્પાન્ઝી એવું પ્રાણી છે જે અન્ય ચિમ્પાન્ઝીની પાછળથી પાડેલી તસવીરો ઓળખી શકે છે. પ્રાણીઓનું વર્તન સમજવામાં આ પ્રકારના સંશોધનો ભવિષ્યમાં મદદરૂપ થઈ શકે છે.

વિશ્વભરના પ્રોફેસરો અને વિદ્યાર્થીઓને શોધ-સંશોધનો માટે પ્રોત્સાહિત કરવામાં આઈજી નોબલનો મહત્ત્વનો ફાળો છે.

આઈજી નોબલ પ્રાઈઝ શું છે?

આઈજી નોબલ પ્રાઈઝમાં ‘આઈજી’ શબ્દ ‘ઈગ્નોબલ’ નામના અંગ્રેજી શબ્દ પરથી લેવામાં આવ્યો છે, જેનો અર્થ ‘અપ્રતિષ્ઠિત’ થાય છે. જોકે, આઈ નોબલ પ્રાઈઝ સમારંભના સંચાલન વખતે ‘ઈગ્નોબલ’ના ઉચ્ચારમાં જાણી જોઈને ‘નોબલ’ શબ્દ પર વધુ ભાર મૂકાય છે. વર્ષ 1991થી સાયન્ટિફિક હ્યુમર મેગેઝિન ‘એનલ્સ ઓફ ઈમપ્રોબેબલ રિસર્ચ’ આ એવોર્ડ સમારંભનું આયોજન કરે છે. હાવર્ડ યુનિવર્સિટીના સેન્ડર્સ થિયેટરમાં યોજાતા આ સમારંભમાં નોબલ પ્રાઈઝ વિજેતા વિજ્ઞાનીઓ પણ હાજર રહે છે, અને તેમના હસ્તે જ ચિત્રવિચિત્ર સંશોધનો કરનારા સંશોધકોનો એવોર્ડ અપાય છે. આ કારણથી આઈજી નોબલ પ્રાઈઝનું મહત્ત્વ વધી જાય છે અને મીડિયામાં પણ તેને સારું એવું કવરેજ મળે છે. આ સમારંભ પછી માસાચ્યુસેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાં આઈજી નોબલ પ્રાઈઝ વિજેતાઓ દ્વારા નોબલ પ્રાઈઝ વિજેતાઓના લેક્ચર્સનું આયોજન કરાય છે. ‘નેચર’ જેવા પ્રતિષ્ઠિત મેગેઝિને આઈજી નોબલ પ્રાઈઝ વિશે લખ્યું હતું કે, “...અહીં જે સંશોધનોને ઈનામ આપીને સન્માનિત કરાય છે, તે પહેલાં લોકોને હસાવે છે, પરંતુ તેમને વિચારતા પણ કરી મૂકે છે.

આઈજી નોબલ અને નોબલ પ્રાઈઝ જીતેલા એકમાત્ર વિજ્ઞાની

આંદ્રે ગેમ 
નેધરલેન્ડની યુનિવર્સિટી ઓફ રેડબાઉન્ડના બ્રિટિશ-ડચ ભૌતિકશાસ્ત્રી આંદ્રે ગેમ અને યુનિવર્સિટી ઓફ બ્રિસ્ટોલના સર માઈકલ બેરીએ પ્રયોગ કરીને સાબિત કર્યું હતું કે, જીવતો દેડકો પણ લોહીચુંબકથી હવામાં અદ્ઘર કરી શકાય છે. આ બદલ તેમને વર્ષ 2000નું આઈજી નોબલ પ્રાઈઝ મળ્યું હતું. ત્યાર પછી વર્ષ 2010માં આંદ્રે ગેમ ગ્રેફેન નામના 2મટીરિયલમાં અત્યંત મહત્ત્વનું સંશોધન કરવા બદલ અન્ય એક વિજ્ઞાની સાથે સંયુક્ત રીતે ભૌતિકશાસ્ત્રનું નોબલ પ્રાઈઝ જીત્યા હતા. સાદી ભાષામાં કહીએ તો, કાર્બનનું આણ્વિક બંધારણ ગ્રેફેન તરીકે ઓળખાય છે. આમ આઈજી નોબલ અને નોબલ પ્રાઈઝ બંને જીત્યા હોય એવા તે એકમાત્ર વિજ્ઞાની છે.



આઈજી નોબલ પ્રાઈઝનો વિશિષ્ટ સમારંભ

આઈજી નોબલ પ્રાઈઝ સમારંભ છેલ્લાં ઘણાં વર્ષોથી હાવર્ડ યુનિવર્સિટીના સેન્ડર્સ થિયેટરમાં યોજવામાં આવે છે. અહીં દરેક વિજેતાને નોબલ પ્રાઈઝ વિજેતા વિજ્ઞાનીઓના હસ્તે જ એવોર્ડ અપાય છે. આમ છતાં સમારંભ ભારેખમ ન થઈ જાય એ માટે મિસ સ્વિટી પૂ નામની એક બાળકી હાજર જ હોય છે. જો કોઈ વિજ્ઞાની વધુ પડતુ લાંબુ ભાષણ કરે તો આ મિસ સ્વિટી પૂ જોરથી રડવા લાગે છે અને કહે છે, “પ્લીઝ સ્ટોપ, આઈ એમ બોર”. આ સમારંભમાં હાવર્ડ કમ્પ્યુટર સોસાયટી, હાવર્ડ-રેડક્લિફ સાયન્સ ફિક્શન એસોસિયેશન અને હાવર્ડ-રેડક્લિફ સોસાયટી ઓફ ફિઝિક્સ સ્ટુડન્ટ્સ સંયુક્ત ધોરણે સ્પોન્સર હોય છે. દરેક સમારંભ કોઈને કોઈ થીમ આધારિત હોય છે. જેમ કે, આ વખતનો 22મો સમારંભ યુનિવર્સ થીમ પર હતો. જ્યારે દરેક સમારંભ “ઈફ યુ ડીડ નોટ વિન અ પ્રાઈઝ, એન્ડ એસ્પેશિયલી ઈફ યુ ડીડ, બેટર લક નેક્સ્ટ યર!” શબ્દો સાથે પૂર્ણ કરવામાં આવે છે. 

નોંધઃ તમામ તસવીરો ઈન્ટરનેટ પરથી લીધી છે. 

2 comments:

  1. આઈજી નોબલ પ્રાઈઝ વિષે જાણ હતી , પણ તમે અત્યંત ઝીણવટ ભરી માહિતી આપી , મજા કરાવી દીધી :)

    ReplyDelete
  2. ખૂબ ખૂબ આભાર નીરવ :-)

    ReplyDelete