03 September, 2012

કાશ્મીર વેલીમાં બોલિવૂડની રિ-એન્ટ્રી


હિન્દી ફિલ્મો અને કાશ્મીરનો બહુ જૂનો સંબંધ રહ્યો છે. વર્ષ 1990માં કાશ્મીરમાં અલગતાવાદી પ્રવૃત્તિ એટલી બધી વધી ગઈ કે પ્રવાસીઓ તો ઠીક યશ ચોપરા જેવા કાશ્મીરના વફાદાર પ્રેમીઓએ પણ કાશ્મીરને અલવિદા કહેવી પડી. યશ ચોપરાએ ‘સિલસિલા’ અને ‘કભી કભી’ જેવી પ્રેમની ઉત્કૃષ્ઠ અભિવ્યક્તિ કરતી ફિલ્મો આ જ વિસ્તારમાં શૂટ કરી હતી. આ ફિલ્મોમાં ચોપરાએ ખુદ કાશ્મીરને એક પાત્ર તરીકે રજૂ કરીને તેની પાસે પણ અભિનય કરાવ્યો હતો. હવે, તેઓ 25 વર્ષ પછી ફરી એકવાર કાશ્મીરમાં પ્રેમકથા શૂટ કરી રહ્યા છે. આ ફિલ્મમાં તેમના પ્રિય અભિનેતા શાહરૂખખાનની સાથે કેટરિના કૈફ અને અનુષ્કા શર્મા છે. જોકે આ ફિલ્મનું નામ હજુ સુધી નક્કી નથી કરાયું, પરંતુ એવા અહેવાલ છે કે આ ફિલ્મ પણ ‘સિલસિલા’ કે ‘કભી કભી’ની જેમ લવ-ટ્રાયંગલ જ હશે!

કાશ્મીર વેલીમાં શૂટ થઈ રહેલી યશ ચોપરાની ફિલ્મનું એક દૃશ્ય

યુદ્ધ પછી ભેંકાર શાંતિ ઓઢીને બેઠેલી કાશ્મીર વેલીમાં અત્યારે શાહરૂખ, કેટરિના અને અનુષ્કા મ્યુઝિકના તાલે નાચી રહ્યા છે. કાશ્મીર વેલી પહોંચતા જ શાહરૂખે માઈક્રોબ્લોગિંગ સાઈટ પર ટ્વિટ કર્યું હતું કે, “કાશ્મીર કેટલું સુંદર છે... હું અહીં છું તેને ભગવાનના આશીર્વાદ જ માનુ છુ...” હિન્દી ફિલ્મ સ્ટારોનું કાશ્મીરમાં હોવું અહીં રહેતા લોકો માટે પણ નવો અનુભવ છે. હા, વર્ષ 1970-80ના દાયકામાં અહીં અનેક ફિલ્મોના શૂટિંગ થતા રહેતા હતા. પરંતુ વર્ષ 1990માં આતંકવાદના કારણે કાશ્મીર વેલીમાં સરકારે થિયેટરો પણ બંધ કરી દેવા પડ્યા. પછી તો કાશ્મીરીઓ માટે બોલિવૂડ કે હોલિવૂડની એકમાત્ર બારી સેટેલાઈટ ચેનલો જ રહી. આ ચેનલો પર ફિલ્મો જોઈને કાશ્મીરીઓ કદાચ મુક્તિનો અહેસાસ કરી લેતા હતા.

કોલેજમાં બંક મારીને શમ્મીકપૂર અને શર્મિલા ટાગોરની ફિલ્મો જોઈને મોટા થયેલા કાશ્મીરીઓ પાસે આવી અઢળક યાદો સંઘરાયેલી પડી છે. તેમણે ફક્ત આવી યાદોના સહારે જ જીવનના બે દાયકા ભયાવહ શાંતિમાં વિતાવી દીધા છે. હાલ કાશ્મીર વેલીમાં રહેતા અનેક બુજુર્ગોએ તેમની જુવાનીના દિવસોમાં ‘કાશ્મીર કી કલી’, ‘જંગલી’, ‘જબ જબ ફૂલ ખીલે’, ‘અંદાજ’, ‘આરઝૂ’, ‘બેતાબ’ અને ‘મેરે સનમ’ જેવી અનેક પ્રેમકહાનીઓ જોઈ હશે. આ તમામ ફિલ્મના શૂટિંગ કાશ્મીર વેલીમાં જ થયા હતા. અબ્દુલ સમદ શેખ નામના આવા જ એક 72 વર્ષીય બુજુર્ગ એક ન્યૂઝ ચેનલના રિપોર્ટરને કહેતા હતા કે, “હું ‘કાશ્મીર કી કલી’ અને ‘જંગલી’નું શૂટિંગ જોવા એક સ્થળેથી બીજા સ્થળે રીતસરનો ભટકતો હતો. શર્મિલા ટાગોરે ‘કાશ્મીર કી કલી’થી જ પોતાની ફિલ્મ કારકિર્દી શરૂ કરી હતી.”

શેખ જણાવે છે કે, “શમ્મી અહીંના રેસિડેન્સી રોડ પરની એક મીઠાઈની દુકાનમાં પંજાબી નાસ્તો કરવા આવતા હતા અને અમે તેમની સાથે હાથ મિલાવવા લાઈનબંધ ઊભા રહેતા હતા. એ દિવસો ક્યારેય ભૂલી શકાય એમ નથી.” જોકે, હવે ફરી એકવાર આવા યાદગાર દિવસો ફરી એકવાર જીવંત થવાની ધીમી પણ મક્કમ શરૂઆત થઈ રહી છે. તાજેતરના વર્ષોમાં કાશ્મીરમાં ‘રોઝા’ (1992), ‘મિશન કાશ્મીર’ (2000), ‘યહાં’ (2005), ‘તહાન’, ‘શૌર્ય’ (2008) અને ‘હારૂદ’ (2012) જેવી ફિલ્મોના શૂટિંગ થઈ ચૂક્યા છે. પરંતુ યશ ચોપરાનું વેલીમાં પાછા આવવું કાશ્મીરીઓ માટે અલગ વાત છે. ખાસ વાત તો એ છે કે, યશજીના આવવાથી તેમના વફાદાર કાશ્મીરી ચાહકોની સાથે અહીંના ટ્રાવેલ ઓપરેટરો પણ ખુશખુશાલ છે.

કાશ્મીર વેલીના આતંકવાદે લગભગ બે દાયકા સુધી યશરાજ બેનરને સ્વિત્ઝર્લેન્ડ ધકેલી દીધું હતું. કદાચ યશજી સ્વિત્ઝર્લેન્ડના આલ્પ્સના પર્વતોમાં કાશ્મીર વેલીનું સૌંદર્ય ઝંખતા હતા. પરંતુ તેમણે કાશ્મીર વેલીમાં એન્ટ્રી કરતા જ સ્થાનિકો તેમજ ટ્રાવેલ ઓપરેટરો માની રહ્યા છે કે, હવે વેલીમાં આતંકવાદ ખતમ થઈ ગયો છે, અને ફરી એકવાર સુખશાંતિના દિવસો આવી ગયા છે. અહીં રહેતા વૃદ્ધોને આશા છે કે, કાશ્મીર ફરી એકવાર પ્રેમની કવિતાઓ રચવાનું કેન્દ્રબિંદુ બની જશે. ટ્રાવેલ ઓપરેટરોને આશા છે કે, રોમેન્ટિક ફિલ્મો માટે જાણીતા યશજી જેવા દિગ્દર્શક વેલી પર એક ‘હેપ્પી’ ફિલ્મ બનાવે, તો અમને પણ ફાયદો થાય, લોકોનો ખૌફ દૂર થાય અને લોકો અહીં આવતા થાય તો કદાચ અમારા બાળકોને ભવિષ્યમાં વતન છોડીને જવું ન પડે.

ભારત અને તેના પાડોશી દેશોમાં હિન્દી ફિલ્મો અત્યંત લોકપ્રિય છે. ફિલ્મો પ્રવાસનના વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે અને લાખો પ્રવાસીઓને આકર્ષી લાવવાની પણ તાકાત ધરાવે છે. સ્વિત્ઝર્લેન્ડ, સિંગાપોર, ન્યૂઝીલેન્ડ અને આયર્લેન્ડ જેવા દેશોની સરકારો આજે પણ હિન્દી ફિલ્મ નિર્માતાઓને તેમના દેશમાં શૂટિંગ કરવા બદલ સ્પેશિયલ ઈન્સેન્ટિવ આપે છે. કારણ કે, કોઈ પણ સ્થળને ‘લાર્જર ધેન લાઈફ’ રજૂ કરવા માટે ફિલ્મ ઉત્તમ માધ્યમ છે. આ વર્ષે જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં આમિરખાને પણ ‘ઈનક્રેડિબલ ઈન્ડિયા’નું શૂટિંગ કર્યું છે, જેનો હેતુ કાશ્મીરમાં પ્રવાસીઓ આકર્ષવાનો છે.

ખેર, એક સામાન્ય કાશ્મીરીના મગજમાંથી આતંકવાદનો ખૌફ નીકળતા દાયકાઓ લાગી શકે છે. આજે પણ અહીં ઠેર ઠેર સૈનિકો અને બંકર નજરે ચડી રહ્યા છે. ફિલ્મ શૂટિંગના સ્થળે પણ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા છે. દાલ લેક, ગુલમર્ગ અને પહલગામ જેવા સ્થળોએ તો પેરામિલિટરી ફોર્સના જવાનોની વચ્ચે ફિલ્મ ક્રૂ શૂટિંગ કરી રહ્યું છે. ફિલ્મ સ્ટારોના ચાહકો શૂટિંગ સ્થળે જઈને નિરાશ ચહેરે પાછા ફરી રહ્યા છે. શમ્મીકપૂર સાથે લાઈનમાં ઊભા રહીને હાથ મિલાવી શકાય એ દિવસો ફક્ત સંભારણા બનીને રહી ગઈ છે. આજનો કાશ્મીરી યુવાન સપનામાં પણ વિચારી નથી શકતો કે, શાહરૂખ કે કેટરિના સાથે હાથ મિલાવી શકાય છે.

No comments:

Post a Comment