01 October, 2012

ઓસ્કાર માટે ‘બરફી’ની પસંદગી કેમ?


ઓસ્કાર એવોર્ડ માટે બેસ્ટ ફોરેન લેન્ગ્વેજ કેટેગરીની ફિલ્મ તરીકે અનુરાગ બાસુની ‘બરફી’ની પસંદગી કરાતા જ દર વખતની જેમ આ વખતે પણ કેટલાક ફિલ્મમેકરોએ ઓસ્કારમાં હંમેશાં નબળી ફિલ્મો જ મોકલાતી હોવાનું કહીને નારાજગી વ્યક્ત કરી છે. ‘બરફી’ ખરેખર એક સુંદર ફિલ્મ છે. પરંતુ કેટલાક ફિલ્મમેકરોના મતે, આ વખતે ઓસ્કારમાં મોકલવા માટે ભારત પાસે ‘બરફી’ કરતાં ઘણી સારી ફિલ્મો હતી. જેમ કે, ‘કહાની’, ‘પાનસિંઘ તોમર’, ‘ગેંગ્સ ઓફ વાસેપુર’, ‘ડર્ટી પિક્ચર’, ‘ફેરારી કી સવારી’, ‘વિકી ડોનર’ તેમજ તમિળ ફિલ્મ ‘7ઓમ અરિવુ’, તેલુગુ ફિલ્મ ‘ઈગા’, મલયાલમ ફિલ્મ ‘અક્ષનિન્થે નિરમ’ અને મરાઠી ફિલ્મ ‘દેઓલ’. આ તમામ ફિલ્મો ‘બરફી’ સાથે હરીફાઈમાં હતી, પરંતુ ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ રચેલી સમિતિએ ‘બરફી’ પર પસંદગી ઉતારી. આ નિર્ણયથી અનુરાગ બાસુ સ્વભાવિક રીતે જ ખુશખુશાલ છે, પરંતુ અન્ય ફિલ્મમેકરો આ નિર્ણયથી બિલકુલ ખુશ નથી. 

‘બરફી’ ફિલ્મનું પોસ્ટર 

એફઆઈઆઈએ રચેલી સમિતિના વડાં અને આસામી ફિલ્મમેકર મંજુ બોરાહ પર પણ ‘બરફી’ની પસંદગી કરવા બદલ ટીકાનો મારો થઈ રહ્યો છે. અનેક લોકોએ તેમની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવ્યા છે અને તેમને એવું પણ પૂછી લીધું છે કે, “શું તમને ‘બરફી’ની પસંદગી માટે પૈસા ચૂકવવામાં આવ્યા હતા?” આ પ્રકારની આકરી ટીકાઓથી તેઓ અત્યંત દુઃખી છે. તેઓ કહે છે કે, “સમિતિના 11 સભ્યોએ ‘બરફી’ પર પસંદગી ઉતારી હતી અને પછી જ આ નિર્ણય લેવાયો હતો.”

‘બરફી’ની પસંદગી કેમ ના કરવી જોઈએ એ અંગે સૌથી મોટી દલીલ નકલખોરીને લઈને કરવામાં આવી રહી છે. ‘બરફી’ ખરેખર સરસ ફિલ્મ છે. પરંતુ કેટલાકના મતે, ‘બરફી’ના અનેક દૃશ્યો ‘ચેપ્લિન સિટી’ (1931), જેકી ચાનનું ‘પ્રોજેક્ટ-એ’ (1983), ‘ધ ગૂનીઝ’ (1985), ‘બ્લેક કેટ, વ્હાઈટ કેટ’ (1988), ‘ફ્રાઈડ ગ્રીન ટોમેટોઝ’ (1991), કોરિયન ફિલ્મ ‘ઓઆસીસ’ (2002), ‘મિ. બિન્સ હોલિડે’, ‘ધ નોટબુક’ (2004), અને ‘મિ. નોબડી’ (2009) જેવી ફિલ્મોમાંથી ઉઠાવાયા છે.

મંજુ બોરાહ 
આ વાતનો જવાબ આપતા મંજુ બોરાહ કહે છે કે, “કોઈ ફિલ્મમેકર તેમના પસંદગીના ફિલ્મમેકરોથી પ્રભાવિત હોય તે સામાન્ય વાત છે. અનુરાગ બાસુ ખૂબ ક્રિએટિવ વ્યક્તિ છે અને ઈમાનદાર છે. કોઈ મહાન ફિલ્મમેકરોથી પ્રભાવિત હોવું એમાં કશું ખોટું નથી...અમારે ફક્ત સારી ફિલ્મ પસંદ કરવાની હતી અને રણબીરકપૂરે ચેપ્લિન શૈલીનો સુંદર અભિનય કર્યો છે.” તેઓ ઉમેરે છે કે, “જો તમે મને પૂછશો કે, અમે કેમ ‘બરફી’ પસંદ કરી તો હું કહીશ કે, ફિલ્મ પૂરી થયા પછી તે તમારા અંતરમાં કંઈક છોડી જાય છે. ઓસ્કાર માટેની ફિલ્મ પસંદ કરતી જ્યૂરીને ‘બરફી’ જોતી વખતે ચેપ્લિન અને બુસ્ટર કિટોનની મૂંગી ફિલ્મો જેવા રેફરન્સ મળ્યાં હતાં. પરંતુ અમને એવું નથી લાગ્યું કે, આવી કોઈ ફિલ્મની તેમાં નકલ કરાઈ હોય.”

આમ તો મંજુ બોરાહની વાત બિલકુલ સાચી છે. કોઈ ફિલ્મમેકર અન્ય કોઈ મહાન ફિલ્મમેકરથી પ્રભાવિત હોય તો તેની ફિલ્મોમાં તેની છાંટ વર્તાઈ શકે છે. રાજકપૂર પણ ચાર્લી ચેપ્લિનથી અત્યંત પ્રભાવિત હતા અને તેમની કેટલીક ફિલ્મોમાં ચેપ્લિનની સ્પષ્ટ છાંટ વર્તાતી હતી. તેનો અર્થ એ નથી કે, રાજકપૂર નબળા અભિનેતા હતા. અહીં કહેવાનો મતલબ એ છે કે, કોઈ મહાન ફિલ્મમેકર કે અભિનેતાથી પ્રભાવિત હોવું અલગ વાત છે અને આખેઆખા દૃશ્યોની નકલ કરવી તે અલગ વાત છે.

અનુરાગ બાસુ
જોકે, કેટલાક ફિલ્મ નિષ્ણાતો હોલિવૂડની અમુક ફિલ્મોના રેફરન્સ આપીને ‘બરફી’ પર નકલખોરીના ગંભીર આરોપ લગાવી રહ્યા છે. આ અંગે અનુરાગ બાસુ જણાવે છે કે, “મને નથી લાગતું કે અમે બેઠી નકલ કરી હોય. ફિલ્મ પ્રદર્શિત થઈ એ પહેલાં જ મેં કહ્યું હતું કે, મેં ચેપ્લિન પરથી પ્રેરણા લીધી છે. મેં આ વાત ક્યારેય છુપાવી નથી. વર્ષ 2011માં ઓસ્કાર વિજેતા ‘ધ આર્ટિસ્ટ’ પ્રેરણા લઈ શકતી હોય તો, અમે કેમ નહીં?” તેઓ ઉમેરે છે કે, “માર્ટિન સ્કોર્સીસ અને ક્વેન્ટિન તારાન્ટિનો પણ આવું કર્યું છે. તેનો અર્થ એ છે કે, તેઓ નકલખોર છે? તમે વર્ષો સુધી જે ફિલ્મો જુઓ છો, તેની છાંટ તમારામાં પણ આવી જાય છે. તેનો અર્થ એ નથી કે, તમે કોઈની નકલ કરો છો. થેંક ગોડ, ‘ધ આર્ટિસ્ટ’ કોઈ ભારતીય ફિલ્મમેકરે નહોતી બનાવી. જો આવું હોત તો તે ક્યારેય ઓસ્કારમાં નોમિનેટ જ ના થાત.

અનુરાગ બાસુનું ગમે તે કહેવું હોય પરંતુ એક વાત નક્કી છે કે, તેમણે ‘બરફી’માં હોલિવૂડની કેટલીક ફિલ્મોના દૃશ્યોની બેઠી ઉઠાંતરી કરી છે. કેટલાક ખટપટિયાઓએ અનુરાગે જે ફિલ્મના દૃશ્યો પરથી ‘પ્રેરણા’ લીધી છે તે વીડિયો પણ ઈન્ટરનેટ પર અપલોડ કર્યા છે. આ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, ‘બરફી’ના અમુક દૃશ્યો ચાર્લી ચેપ્લિનની કે બીજી ફિલ્મોમાંથી સીધેસીધા ઉઠાવી લેવાયા છે. પરંતુ અનુરાગ બાસુ કહે છે કે, “આ ફિલ્મ બનાવીને મેં ચાર્લી ચેપ્લિનને શ્રદ્ધાંજલિ આપી છે.”

‘બરફી’ને ઓસ્કારમાં મોકલવાના વિરોધીઓની બીજી દલીલ એ છે કે, આ એક યુનિક ભારતીય ફિલ્મ નથી. આમ પણ ઓસ્કારમાં અત્યાર સુધી ફક્ત ત્રણ જ ફિલ્મોને સંપૂર્ણ રીતે ભારતીય ગણી શકાય એમ છે, ‘મધર ઈન્ડિયા’, ‘સલામ બોમ્બે’ અને ‘લગાન’. આ ત્રણેય ફિલ્મો ભારત અને ભારતીયની વાત કરતી હતી અને ફિલ્મના સેટ, કોસ્ચ્યૂમ વગેરેમાં ભારતીયતાની છાંટ હતી. આ દલીલમાં થોડું વજુદ છે. કારણ કે, ઓસ્કારમાં મોટે ભાગે જે તે દેશ-પ્રદેશની વાત કહેતી અને તેમની મુશ્કેલીઓને વાચા આપતી ફિલ્મોને મહત્ત્વ આપવામાં આવે છે. રિતુપૂર્ણો ઘોષનું કહેવું છે કે, “ભારત પાસે પ્રાદેશિક ફિલ્મોનો અમૂલ્ય વારસો છે અને આખા દેશમાં તમામ ભાષામાં ફિલ્મો બને છે. તો પછી ઓસ્કાર માટે કેમ ફક્ત બોલિવૂડને જ મહત્ત્વ અપાય છે?

આ અંગે જવાબ આપતા રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા ફિલ્મમેકર મંજુ બોરાહ કહે છે કે, “મને પણ ઘણી વાર લાગતું હતું કે પસંદગી પ્રક્રિયામાં પ્રાદેશિક ફિલ્મોને કેમ મહત્ત્વ નથી અપાતું? પરંતુ હવે હું સમજી શકી છું. એફઆઈઆઈમાં તમારી ફિલ્મ માટે અરજી કરવી ખર્ચાળ છે. બીજું પ્રાદેશિક સ્તરે આવી જાગૃતિ પણ ઓછી છે. વળી, એકવાર ફિલ્મને ઓસ્કાર માટે મોકલ્યા પછી તેનું પ્રમોશન કરવું પણ ઘણું ખર્ચાળ હોય છે, અને સરકારનો પણ કોઈ સહકાર નથી હોતો.”

ખેર, એફઆઈઆઈ એક સમિતિની રચના કરીને ઓસ્કાર એવોર્ડમાં કઈ ફિલ્મ મોકલવી તે નક્કી કરે છે. આ સમિતિ જે ફિલ્મ પર પસંદગી ઉતારે તે ઓસ્કારમાં ભારતની સત્તાવાર ફિલ્મ ગણાય છે. ત્યાર પછી ભારતની કોઈ પણ ભાષાની ફિલ્મને ઓસ્કાર જ્યૂરી માટે અંગ્રેજી સબ-ટાઈટલ્સમાં તૈયાર કરીને મોકલવામાં આવે છે. જોકે, ભારત વર્ષ 1952થી બેસ્ટ ફોરેન લેન્ગ્વેજ કેટેગરીમાં અત્યાર સુધી કુલ 45 ફિલ્મ મોકલી ચૂક્યું છે, પરંતુ હજુ સુધી ‘મધર ઈન્ડિયા’ સિવાય એકપણ ફિલ્મ નોમિનેટ થઈ શકી નથી.

એફઆઈઆઈએ ઓસ્કારમાં મોકલાતી ફિલ્મો માટે ચોક્કસ ધારાધોરણો નક્કી કરવાનો સમય થઈ ગયો છે. કારણ કે, એફઆઈઆઈએ રચેલી સમિતિએ પસંદ કરેલી ફિલ્મો મોટે ભાગે બિગ બજેટ ફિલ્મો હોય છે, જે ભારતનું પ્રતિનિધિત્વ નથી કરતી. એના બદલે નાના બજેટની શ્રેષ્ઠ ફિલ્મો પસંદ કરીને એફઆઈઆઈ નાના નિર્માતાઓને તેમની ફિલ્મ ઓસ્કારમાં મોકલવા આર્થિક મદદ કરી શકે છે. આ વખતે કેટલીક પ્રાદેશિક ફિલ્મોના નિર્માતા-દિગ્દર્શકોએ દાવો કર્યો છે કે, જો તેમની ફિલ્મની ઓસ્કાર માટે પસંદગી થઈ હોત તો તેઓ પણ ફિલ્મના પ્રમોશન માટે મોટું બજેટ ફાળવત!  

નોંધઃ તમામ તસવીરો ઈન્ટરનેટ પરથી લીધી છે.

1 comment:

  1. બરફી ના કેટલાક દ્રશ્યો { જેમાં રણબીર કપૂર , પ્રિયંકા સામે અવનવી હરકતો કરે છે } , તે Sing'in in the Rain ( 1952 )માંથી પ્રેરિત છે .

    પણ બરફી છેલ્લે એક ઘેરી અસર છોડી જાય છે , તે બદલ તે એક ઉત્કૃષ્ટ સિનેમા તરીકે યાદ રખાશે

    ReplyDelete