02 November, 2012

ભારતના કાર માર્કેટનું ‘ડીઝલાઈઝેશન’


કેન્દ્ર સરકારે પેટ્રોલપંપ ડીલરોને કમિશન આપવાનું બહાનું કાઢીને ફરી એકવાર પેટ્રોલમાં લિટરે 30 પૈસા અને ડીઝલમાં લિટરે 18 પૈસાનો ભાવવધારો કરવાનો નિર્ણય કર્યો છે. જોકે, પેટ્રોલની સાથે ડીઝલના પણ ભાવ સતત વધી રહ્યા હોવા છતાં હાલ દેશમાં ચાલી રહેલી ડીઝલાઈઝેશનની પ્રક્રિયાની ઝડપ બિલકુલ ઓછી થઈ નથી. અત્યારે  દેશની લગભગ બધી જ ઓટોમોબાઈલ કંપનીઓ વચ્ચે એકબીજા કરતા વધુ સારી ડીઝલ કાર લૉન્ચ કરવાની ગળાકાપ હરીફાઈ ચાલી રહી છે. એ વાતમાં બિલકુલ શંકા નથી કે, ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીનું ડીઝલાઈઝેશન થવાનું સૌથી મોટું કારણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રહેલો જંગી તફાવત પણ છે.

છેલ્લાં એક મહિનામાં જ અનેક ઓટોમોબાઈલ જાયન્ટે ડીઝલ કાર અંગે નીતિવિષયક જાહેરાતો કરી છે. જે જોતા લાગે છે કે, ફૂગાવાની ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રી પર બિલકુલ અસર નથી થઈ રહી. કારણ કે, દેશની મોટા ભાગની કંપનીઓ દ્વારા નવા ડીઝલ વ્હિકલ લૉન્ચ કરવાની પ્રક્રિયા હજુ ચાલુ છે. અત્યાર સુધી હોન્ડા સિવાય તમામ ઓટોમોબાઈલ કંપનીઓ ડીઝલ કારનું ઉત્પાદન કરતી હતી. ડીઝલ મોડેલના અભાવના કારણે હોન્ડા છેલ્લાં ઘણાં સમયથી કાર માર્કેટમાં હિસ્સો ગુમાવતી જતી હતી. પરિણામે હોન્ડા કાર્સ ઈન્ડિયા લિમિટેડે પણ આવતા ત્રણેક વર્ષમાં જ એક નહીં પણ ત્રણથી ચાર ડીઝલ કાર માર્કેટમાં મૂકવાની જાહેરાત કરી છે.

‘હોન્ડા’ની પણ ટૂંક સમયમાં ડીઝલ મોડેલ લાવવાની જાહેરાત 

એવી જ રીતે, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા પણ તેની પહેલી પ્રીમિયમ એસયુવી રેક્સટનનામનું ડીઝલ મોડેલ લઈને આવી રહી છે. મહિન્દ્રાએ વર્ષ 2011માં કોરિયાની સાંગયોંગ કંપનીનું હસ્તાંતરણ કર્યા પછી આ તેની  પહેલી ડીઝલ કાર હશે. અત્યાર સુધી કંપની બોલેરો, સ્કોરપિયો, ઝાયલો, ક્વેન્ટો અને વર્ટિગો જેવા મોડેલમાં ડીઝલનો વિકલ્પ આપતી હતી. ડીઝલના ભાવ વધી રહ્યા હોવા છતાં તેની કિંમત પેટ્રોલ કરતા ઘણી ઓછી હોવાના કારણે નજીકના ભવિષ્યમાં ડીઝલ કારની લોકપ્રિયતામાં ઘટાડો થાય એવી કોઈ શક્યતા નથી.

ડીઝલમાં ભાવવધારા મુદ્દે મહિન્દ્રા ગ્રૂપના પ્રેસિડેન્ટ અને સાંગયોંગ મોટર કંપનીના ચેરમેન પવન ગોયેન્કા કહે છે કે, મને નથી લાગતું કે જ્યાં સુધી એસયુવી સેગમેન્ટની વાત છે ત્યાં સુધી ડીઝલમાં ભાવવધારાની તેના વેચાણ પર બિલકુલ અસર નહીં થાય. બીજી બાજું, હેચબેક કેટેગરીમાં ગ્રાહકો પાસે ડીઝલ અને પેટ્રોલ બંને વિકલ્પ ઉપલબ્ધ હોય જ છે. જોકે, ડીઝલના ભાવવધારાની વેચાણ પર અસર થાય છે કે નહીં, એવા કોઈ આંકડા હજુ ઉપલબ્ધ નથી. તેથી કંઈ પણ કહેવું વહેલું ગણાશે.

ઓટોમોબાઈલ કંપનીઓ જાણે છે કે, ભારતના કાર માર્કેટમાં ટકી રહેવા માટે અત્યારે ડીઝલ કાર અત્યંત જરૂરી છે. હોન્ડાએ ડીઝલ માર્કેટમાં પ્રવેશ વખતે જ સિડન અને કોમ્પેક્ટ યુટિલિટી કાર આપવાનો નિર્ણય લીધો છે. હોન્ડાએ જાહેરાત કરી છે કે, કંપની તેનું પહેલું સિડન મોડેલ બ્રિયો કારના પ્લેટફોર્મ પર ઊભું કરશે. આમ કરીને તેઓ મારુતિના ડીઝાયર મોડેલને ટક્કર આપશે. ત્યાર પછી જેઝ, સિટી અને અન્ય એમપીવી/એસયુવી પણ ડીઝલ એન્જિનમાં લૉન્ચ કરાશે. જોકે, અત્યારે પ્રીમિયમ હેચબેક કેટેગરીમાં પણ ડીઝલ મોડેલ ઉપલબ્ધ હોવાના કારણે હોન્ડાએ પણ સિટીનું ડીઝલ મોડેલ લૉન્ચ કરવું જરૂરી બની ગયું છે.

હીરોનોરી કાનાયામા
હોન્ડા કારના પ્રેસિડેન્ડ અને એમડી હીરોનોરી કાનાયામાએ પણ જાહેરમાં નિવેદન કર્યું હતું કે, નજીકના વર્ષોમાં ડીઝલ કાર લૉન્ચ કરવા માટે અત્યંત મહત્ત્વકાંક્ષી યોજનાઓ બનાવી છે. અમારા લગભગ તમામ નવા મોડેલો ડીઝલ હશે અને આવતા વર્ષ સુધીમાં અમે સ્મૉલ સિડન મોડેલ પણ લૉન્ચ કરી દઈશું. અમને આશા છે કે, બે-ત્રણ વર્ષમાં જ અમે ત્રણથી ચાર ડીઝલ મોડેલ માર્કેટમાં મૂકી શકીશું. હાલ, અમે કાર લૉન્ચિંગની અંગે વિચારણા કરી રહ્યા છે. હમણાં સુધી લોકો મેઈન્ટેનન્સ, ફ્યૂલ કે એન્જિન પાવર જેવા કારણોસર ડીઝલ મોડેલ પર પસંદગી ઉતારતા નહોતા. પરંતુ અત્યારે અનેક કંપનીઓએ ઉત્તમ ડીઝલ એન્જિન વિકસાવ્યા છે અને હજુ પણ વધુ સારા એન્જિન બનાવવા માટે સંશોધન પાછળ ખર્ચ કરાઈ રહ્યો છે. હાલ ભારતીય બજારમાં ટાટા, શેવરોલે, ફોર્ડ, મારુતિ, સ્કોડા, ફિયાટ, ફોક્સવેગન, ટોયોટો, હ્યુન્ડાઈ, નિસાન, રીનોલ્ટ અને મિત્સુબિશી જેવી સંખ્યાબંધ કંપનીઓ ડીઝલ કાર વેચી રહી છે. આ ઉપરાંત ઓડી, વોલ્વો, મર્સીડિઝ બેન્ઝ, બીએમડબલ્યુ, રેન્જરોવર, જેગુઆર અને પોર્શમાં પણ ડીઝલ મોડેલ ઉપલબ્ધ છે.

કાનાયામાએ માહિતી આપતા કહ્યું હતું કે, કંપનીએ તેના રાજસ્થાન પ્લાન્ટમાં ડીઝલ એન્જિનનું ઉત્પાદન કરવાની તડામાર તૈયારી કરી દીધી છે. જોકે, આ માટે કંપની કેટલું રોકાણ કરી રહી છે એ અંગે જણાવવાની તેમણે ના પાડી હતી. તેમણે કહ્યું હતું કે, અમે માગના આધારે ઉત્પાદન કરવાના છીએ. ઉલ્લેખનીય છે કે, કંપનીએ એપ્રિલ, 2012માં જાહેરાત કરી હતી કે ડીઝલ કારના લૉન્ચિંગ માટે કંપની રાજસ્થાન પ્લાન્ટમાં ઉત્પાદના માટે રૂ. ત્રણ હજાર કરોડનું રોકાણ કરવાની છે. બીજી તરફ, મહિન્દ્રાએ ડીઝલ કારના ઉત્પાદન માટે તેના પૂણેના પ્લાન્ટનું વિસ્તરણ કરવાનો નિર્ણય લીધો છે.

અન્ય વિકસિત દેશોની સરખામણીમાં ભારતનું કાર માર્કેટ મર્યાદિત છે. વળી, દેશભરમાં નાની કારનું માર્કેટ 50 ટકા કરતા વધુ છે. પરિણામે ડીઝલ કાર માર્કેટમાં ઝંપલાવવા માંગતી કંપનીઓ સ્મોલ સેગમેન્ટમાં ડીઝલ કાર લૉન્ચ કર્યા વિના ટકી શકે એમ નથી. જોકે, હોન્ડા સહિતની કંપનીઓ હવે સ્મોલ અને સિડન મોડેલ રજૂ કરવા જઈ રહી છે.

વર્ષ 2011-12માં હોન્ડા કંપનીએ 54,427 કારનું વેચાણ કર્યું હતું, જે આગલા વર્ષ કરતા 8.46 ટકા ઓછું હતું. જ્યારે કંપનીએ ગયા વર્ષે 34,440 બ્રિયો કારનું વેચાણ કર્યું હતું, જે કંપનીની સત્તાવાર વેબસાઈટ મુજબ આગલા વર્ષ કરતા 47 ટકાનો જંગી વધારો દર્શાવે છે. કદાચ એટલે જ હોન્ડાએ બ્રિયો પ્લેટફોર્મ પર ડીઝલ કાર લૉન્ચ કરવાનો નિર્ણય લીધો છે.

બીજી તરફ, પેટ્રોલમાં થઈ રહેલા સતત ભાવવધારાના કારણે પણ ભારતનો મધ્યમ વર્ગ ડીઝલ કારને પ્રાથમિકતા આપી રહ્યો છે. એટલું જ નહીં, ભારતનો શ્રીમંત વર્ગ પણ ડીઝલ કારને પસંદ કરી રહ્યો છે. કદાચ એટલે જ છેલ્લાં કેટલાક સમયમાં શ્રીમંત વર્ગે એસયુવી પર પસંદગી ઉતારી છે. હાલ દેશમાં વિવિધ કેટેગરીની ડીઝલ કારના 400થી પણ વધુ મોડેલ ઉપલબ્ધ છે. આમ ભારતીય ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રી અત્યારે વિશિષ્ટ તબક્કામાંથી પસાર થઈ રહી છે. 

No comments:

Post a Comment