06 November, 2012

હંમેશા પ્રસ્તુત ફિલ્મ ‘જાને ભી દો યારો’


વર્ષ 1983માં રિલીઝ થયેલી કુંદન શાહની કલ્ટ ક્લાસિકલ ફિલ્મ ‘જાને ભી દો યારો’ બીજી નવેમ્બરે રિ-રિલીઝ થઈ ગઈ છે. દેશમાં રોજેરોજ જાતભાતના કૌભાંડો બહાર આવી રહ્યા છે ત્યારે ભ્રષ્ટ રાજકારણીઓ પર વ્યંગ કરતી ફિલ્મ રિલીઝ થઈ છે તે એક યોગાનુયોગ છે. આપણે નસીબદાર છીએ કે, ચૂંટણી પંચે આ ફિલ્મની રિલીઝ અટકાવી હોય એવા કોઈ સમાચાર નથી! ‘જાને ભી દો યારો’માં શરૂઆતથી અંત સુધી રાજકારણીઓ, બ્યુરોક્રેસી અને મીડિયાકર્મીઓના ભ્રષ્ટાચાર પર જોરદાર કટાક્ષ કરાયા છે. જોકે, આટલી ગંભીર વાત પણ ફિલ્મમાં અત્યંત કટાક્ષમય રીતે વણી લેવાઈ હોવાથી તેનું મહત્ત્વ ખૂબ વધી જાય છે.

કુંદન શાહ 
નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા અને પીવીઆર સિનેમાએ સંયુક્ત રીતે ‘જાને ભી દો યારો’ના ડિજિટલી રિ-સ્ટોર વર્ઝનને મુંબઈ, પૂણે, દિલ્હી, ગુરગાંવ, બેંગલુરુ, ચેન્નાઈ, કોલકાતા, ચંદીગઢ, સુરત, અમદાવાદ અને વડોદરા સહિતના 11 શહેરોમાં રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. આ ફિલ્મની આવી ધમાકેદાર રિ-રિલીઝથી ખુશખુશાલ ‘જાને ભી દો યારો’ના ડિરેક્ટર કુંદન શાહ કહે છે કે, “આ સમાચારથી હું અત્યંત ખુશ છું અને આશા છે કે, ‘જાને ભી દો યારો’ને થિયેટરમાં જોવા દર્શકો પણ આતુર હશે.” આજથી 29 વર્ષ પહેલાં રિલીઝ થયેલી ‘જાને ભી દો યારો’નું ડિરેક્શન સંભાળનારા કુંદન શાહે સુધીર મિશ્રા સાથે મળીને આ ફિલ્મનું સ્ક્રીપ્ટિંગનું કામ પણ પાર પાડ્યું હતું. જ્યારે ફિલ્મના સંવાદો રણજિત કપૂર અને સતીષ કૌશિકે લખ્યા હતા. આ ફિલ્મ માટે કુંદન સાહેબે નસીરુદ્દીન શાહ, ઓમ પુરી, રવિ બાસવાની, પંકજ કપૂર, સતીશ શાહ, ભક્તિ બર્વે, સતીશ કૌશિક અને નીના ગુપ્તા જેવા એક એકથી ચડિયાતા ધુરંધર કલાકારો પસંદ કર્યા હતા. તેનું કારણ એ હતું કે, એ વખતે આમાંના મોટા ભાગના કલાકારો ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નવાસવા હતા અને તેમને ફિલ્મ માટે સાઈન કરવા બહુ મોટી રકમ આપવાની જરૂર ન હતી.

ફિલ્મમાં દારૂડિયા ‘બિલ્ડર’ની ભૂમિકા કરનારા ઓમ પુરી ‘જાને ભી દો યારો’ના શૂટિંગની યાદો વાગોળતા કહે છે કે, “ફિલ્મનું શૂટિંગ ચાલતું હતું ત્યારે અમને કલ્પના પણ ન હતી કે, આ ફિલ્મ ભવિષ્યમાં ક્લાસિકલમાં ખપી જશે. અમે અલીબાગમાં શૂટિંગ કરતા હતા અને ડિરેક્ટર પાસે પૈસા નહોતા. અમારું આખુ ફિલ્મ ક્રૂ પથારી કે ઓશિકા વિના જમીન પર સૂઈ જતું હતું. અમે ક્યારેક અમારા ટોવેલ નીચે પાથરીને સૂઈ  જતા.” ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા, પૂણેમાંથી અભ્યાસ કરીને બહાર આવેલા કુંદન શાહને પણ ખબર નહોતી કે, આવી સ્થિતિમાં બનાવેલી તેમની પહેલી જ ફિલ્મને સમય જતા ભારતની મહાન ફિલ્મોમાં સ્થાન મળવાનું છે

‘જાને ભી દો યારો’ પછી કુંદન સાહેબે વર્ષ 1993માં ‘કભી હા, કભી ના’, વર્ષ 2000માં ‘ક્યાં કહેના’, ‘હમ તો મહોબ્બત કરેગા’ અને વર્ષ 2002માં ‘દિલ હૈ તુમ્હારા’ જેવી ફિલ્મો બનાવી હતી. વર્ષ 1985માં આવેલી ‘ખામોશ’ની વાર્તા પણ તેમણે લખી હતી. જ્યારે વર્ષ 1986માં દેશભરમાં જબરદસ્ત લોકપ્રિયતા હાંસલ કરનારી ટેલિવિઝન સીરિઝ ‘નુક્કડ’નું ડિરેક્શન પણ કુંદન શાહે જ સંભાળ્યું હતું. પૂણે ફિલ્મ ઈન્સ્ટિટ્યૂટમાંથી સ્નાતક થયેલા વિદ્યાર્થી પાસે ફિલ્મ બનાવવાના પૈસા તો ક્યાંથી હોય! પરંતુ કુંદન સાહેબે ગમે તેમ કરીને ‘જાને ભી દો યારો’નું શૂટિંગ શરૂ કર્યું અને ફિલ્મ ક્રૂને ખાવાપીવાની વ્યવસ્થા કરવા માટે પોતાના ઘરે એક રસોઈયો રાખી લીધો.

‘જાને ભી દો યારો’ ફિલ્મનું પોસ્ટર 

આ વાત યાદ કરતા ઓમ પુરી કહે છે કે, “હા, એ વખતે અમારું ખાવાનું ડિરેક્ટરના ઘરેથી આવતું હતું, અને તે અમને રોજ દૂધીનું શાક અને દાળ ખવડાવતો હતો. મને આજે પણ યાદ છે કે, કોઈ એક કપ ચ્હા માંગે તો પણ પ્રોડક્શન મેનેજર બૂમ મારીને કહેતો હતો કે, અરે ભાઈ કલાક પહેલાં તો ચ્હા પીધી. અમે આવી સ્થિતિમાં શૂટિંગ કર્યું હતું. પરંતુ અમે બધા મિત્રો હતા અને આવા વિપરિત સંજોગો વચ્ચે પણ ગમે તેમ કરીને ફિલ્મ પૂરી કરી.” કમનસીબે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહી હતી, પરંતુ છેવટે તેને ક્લાસિકલ ફિલ્મનો દરજ્જો અપાયો હતો. કારણ કે, ‘જાને ભી દો યારો’ની વાર્તામાં એ સમયની દેશની રાજકીય અને સામાજિક પરિસ્થિતિ પર સખત વ્યંગ કરાયા હતા.

‘જાને ભી દો યારો’ની વાર્તા નસીરુદ્દીન શાહ અને રવિ બાસવાની નામના બે પ્રામાણિક ફોટોગ્રાફર પર આધારિત છે. તેઓ એક નાનકડો સ્ટુડિયો શરૂ કરે છે અને તેમને ‘ખબરદાર’ નામના એક નાનકડા છાપાનું એસાઈન્મેન્ટ મળે છે. બીજી તરફ, તેઓ રૂ. પાંચ હજારનું ઈનામ જીતવા શહેરમાં આયોજિત એક ફોટોગ્રાફી સ્પર્ધામાં ભાગ લે છે. સ્પર્ધામાં જીતવા માટે તેઓ મુંબઈમાં રખડપટ્ટી કરીને સંખ્યાબંધ તસવીરો લે છે. હવે ખરી ફિલ્મ શરૂ થાય છે. એક તસવીરમાં તેમને બંદૂક લઈને ઊભેલો એક માણસ દેખાય છે. આ તસવીર એનલાર્જ કરીને જોતા તેમને માલુમ પડે છે કે, મ્યુનિસિપલ કમિશનર ડીમેલો (સતીશ શાહ)નો હત્યારો બીજો કોઈ નહીં, પણ બિલ્ડર તર્નેજા (પંકજ કપૂર) જ છે.

હવે તેઓ તર્નેજાનો પર્દાફાશ કરવા કબ્રસ્તાનમાં જઈને લાશનો કબજો મેળવી લે છે. પરંતુ આ લાશ પણ ચોરાઈ જાય છે. બાદમાં તેમને જાણ થાય છે કે, તર્નેજાનો હરીફ બિલ્ડર આહુજા (ઓમ પુરી) દારૂના નશામાં કાર સાથે લાશને તેના ફાર્મહાઉસ પર લઈ ગયો છે. આ દરમિયાન તેઓ તર્નેજાને ખુલ્લો પાડવાની આશા સાથે ‘ખબરદાર’ના તંત્રી (ભક્તિ બર્વે) પાસે પહોંચીને બધી જ માહિતી આપે છે, પરંતુ તંત્રી તર્નેજાને બ્લેકમેઇલિંગ કરે છે. તર્નેજા છાપાના તંત્રી અને બંને ફોટોગ્રાફરનું કાસળ કાઢવા બોમ્બ વિસ્ફોટ કરાવે છે, પરંતુ આ વિસ્ફોટમાં તમામ લોકો બચી જાય છે. છેવટે બંને ફોટોગ્રાફરો લાશને પોતાની સાથે લઈ જાય છે.

ફિલ્મના એક દૃશ્યમાં ઓમપુરી
સૌથી મહત્ત્વની વાત એ છે કે, આટલી ગંભીર વાત કહેતી ફિલ્મમાં પણ હાસ્યની છોળો ઉડે છે. ફિલ્મમાં શરૂઆતથી અંત સુધીના દેશની રાજકીય અને સામાજિક સ્થિતિ પર સતત કટાક્ષ કરાયા છે. વળી, કુંદન શાહે ફિલ્મમાં લાશને પણ ભૂમિકા આપી છે, તે પણ એક સિદ્ધિ છે. ફિલ્મના છેલ્લા દૃશ્યમાં સ્ટેજ પર ‘મહાભારત’ ભજવાતું હોય છે, જેમાં વસ્ત્રાહરણ વખતે દ્રોપદીની ભૂમિકામાં ખુદ સતીશ શાહની લાશ હોય છે. દ્રોપદીનું આત્મસન્માન જાળવવા ઓમ પુરી સ્ટેજ પર જઈને સોગંદ લે છે. પરંતુ ખરેખર તે દુર્યોધન હોય છે. આ દૃશ્યમાં દુર્યોધને (ઓમપુરી) ગોગલ્સ પહેર્યા હોય છે.


આ અંગે ઓમપુરી કહે છે કે, “ફિલ્મનું શૂટિંગ ચાલતુ હતું ત્યારે મેં કુંદન શાહને ગોગલ્સ પહેરવા મુદ્દે પૂછ્યું હતું. કારણ કે, હું બિલ્ડરની ભૂમિકામાં હતો. તેમણે કહ્યું કે, કેમ નહીં? પછી મેં શૂટિંગ સાઈટ નજીકની એક નાનકડી દુકાનમાંથી ગોગલ્સ ખરીદી લીધા. પરંતુ મેં મહાભારતના દૃશ્યમાં પણ ગોગલ્સ પહેરી રાખતા કુંદન ગુસ્સે થયા. તેમને લાગ્યું હતું કે, હું મૂર્ખો લાગી રહ્યો છું. પછી મેં તેમને સમજાવ્યા કે, આખરે ફિલ્મમાં મારુ પાત્ર જ એવું છે તો તેમાં ખોટું શું છે. આ વાત તેઓ તરત જ સમજી ગયા હતા અને આખી ફિલ્મનું સૌથી રસપ્રદ દૃશ્ય એ જ બન્યું.” 

બીજી રસપ્રદ વાત એ છે કે, એ વખતે ઓમ પુરી પોતાની ઈમેજથી ખૂબ કંટાળી ગયા હતા અને તેથી તેમણે આ ફિલ્મ કરવાનો નિર્ણય લીધો હતો. તેઓ કહે છે કે, “ફિલ્મનું શૂટિંગ વર્ષ 1981માં શરૂ થયું હતું, અને હું 1976માં મુંબઈ આવ્યો હતો. આટલા સમયમાં લોકો મને મૂંગો, ગંભીર અને સેન્સ ઓફ હ્યુમરનો બિલકુલ અભાવ હોય એવો અભિનેતા સમજતા હતા. હું ગમે તે ભોગે આ ઈમેજ તોડવા માંગતો હતો અને તેથી મેં નાટકો કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન મારા પર દિલ્હીથી રણજિત કપૂરનો કૉલ આવ્યો. હું હોસ્ટેલમાં રહેતો હતો અને મારી પાસે ત્યાં જવા પૈસા નહોતા. છતાં ગમે તેમ કરીને મેં બે હજાર રૂપિયા ભેગા કર્યા.”

મ્હોં પર હાસ્ય સાથે તેઓ ઉમેરે છે કે, “પછી અમે એક નાટક બનાવ્યું અને તેનો પહેલો જ શૉ પૃથ્વી થિયેટરમાં હતો. આ નાટક જોરદાર હીટ ગયું અને 60 શૉ પૂરા કર્યા. આ સમાચાર બધે જ ફેલાઈ ગયા અને પછી મને આ ફિલ્મ મળી. જો મેં એ નાટક ના કર્યું હોત તો હું જાને ભી દો યારોમાં ના હોત!

જોકે, આટલા વર્ષો પછી ભારતીય દર્શકો ફિલ્મ પસંદ કરશે કે નહીં એ અંગે ‘જાને ભી દો યારો’ના બે મુખ્ય પાત્રો ઓમ પુરી અને નસીરુદ્દીન શાહ થોડા શંકાશીલ છે. નસીરુદ્દીન શાહ એક મુલાકાતમાં કહે છે કે, “અત્યારની દેશની સ્થિતિ જોતા લાગે છે કે, આ ફિલ્મની રિ-રિલીઝનો આનાથી ઉત્તમ સમય બીજો કોઈ ના હોઈ શકે! મને લાગે છે કે, આ વિષય ભારતમાં હંમેશાં પ્રસ્તુત રહેશે કારણ કે, મને નથી લાગતું ભ્રષ્ટાચાર ક્યારેય અટકવાનું નામ લે. ભલે આપણે તેને રોકવાના ગમે તેટલા પ્રયત્નો કરીએ.” ખેર, આપણે આશા રાખીએ કે નસીર સાહેબ કમસે કમ આ વાતમાં ખોટા પડે.

No comments:

Post a Comment