રાજકારણીઓ પોતાની નિષ્ફળતા કે કૌભાંડોને છુપાવવા માટે મરણિયા પ્રયાસ કરતા હોય
છે ત્યારે ખૂબ હાસ્યાસ્પદ લાગતા હોય છે. કેન્દ્ર સરકાર દ્વારા આયોજિત 2G સ્પેક્ટ્રમની હરાજી નિષ્ફળ જતાં જ કોંગ્રેસના
અગ્રણી નેતાઓએ નિષ્ફળ હરાજીનો દોષનો ટોપલો કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ પર
નાંખવાનો પ્રયાસ કર્યો ત્યારે તેઓ પણ કંઈક આવા જ લાગતા હતા. 2G સ્પેક્ટ્રમની હરાજી નિષ્ફળ જતાં જ નવા નવા
માહિતી અને પ્રસારણ મંત્રી બનેલા મનીષ તિવારીએ ગેલમાં આવી જઈને કહ્યું કે, “મિ.
કેગ, ક્યાં છે રૂ. 1,76,000 કરોડ.” જાણે 2G સ્પેક્ટ્રમના કૌભાંડ માટે એ. રાજા નહીં પણ ‘કેગ’
વિનોદ રાય જવાબદાર હોય!
યુપીએ સરકારના કાર્યકાળમાં એક પછી એક કૌભાંડો બહાર આવતા હતા ત્યારે મનીષ
તિવારી જ પ્રવક્તા તરીકે બખૂબી ‘ડેમેજ કંટ્રોલ’ કરતા હતા. કદાચ એટલે જ કોંગ્રેસ
સુપ્રીમોએ ખૂબ સમજી વિચારીને જ તેમને માહિતી અને પ્રસારણ મંત્રી બનાવ્યા હશે! નવાઈની વાત તો એ છે કે, ટેલિકોમ મંત્રી
કપિલ સિબ્બલ પણ પ્રેસ કોન્ફરન્સમાં તિવારી જેવા મૂર્ખામીભર્યા નિવેદનો કરી રહ્યા
હતા. સિબ્બલે કહ્યું હતું કે, “‘કેગ’ના સનસનીખેજ અહેવાલના કારણે જ દેશની ‘ટેલિકોમ
સ્ટોરી’ને જંગી નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.” જ્યારે પી. ચિદમ્બરમે શાણી
ભાષામાં વાત કરતા કહ્યું કે, “હવે, ભારત દુનિયાને પોતાની ‘ટેલિકોમ સ્ટોરી’ બતાવી
નહીં શકે. કારણ કે, હવે તેના પર સનસનીખેજ સમાચારો હાવી થઈ ગયા છે.”
આ બંને સિનિયર મંત્રીઓ એમ કહેવા માંગતા હતા કે, હવે ભારત સરકાર ટેલિકોમ
ઈન્ડસ્ટ્રીમાં ભરેલી હરણફાળની વાત વિશ્વ સમક્ષ નહીં વહેંચી શકે. યુપીએ સરકારના આ
બંને સિનિયર મંત્રીઓ ખૂબ હોંશિયાર છે અને તેઓ સારી રીતે જાણે છે કે, લોકો સુધી વાસ્તવિકતાને
તોડી-મરોડીને પોતાની અને પક્ષની તરફેણમાં કેવી રીતે રજૂ કરવી. શું મનીષ તિવારી,
કપિલ સિબ્બલ અને પી. ચિદમ્બરમ એ નથી જાણતા કે, 2G સ્પેક્ટ્રમનું કૌભાંડ બહાર આવ્યા પછી સર્વોચ્ચ અદાલતે પણ સ્પેક્ટ્રમની
ફાળવણીને લગતા 122 લાયસન્સ રદ કર્યા હતા. એટલું જ નહીં, ‘કેગ’ જેવી જવાબદાર સંસ્થા
ફક્ત સનસનાટી ફેલાવવા માટે જ કોઈ અહેવાલ રજૂ ન કરે તે વાત પણ તેઓ બરાબર જાણે છે.
પરંતુ કૌભાંડોમાં થયેલી બદનામીથી વ્યથિત થઈને યુપીએ સરકારના મંત્રીઓ બેફામ નિવેદનબાજી
પર ઉતરી આવ્યા ત્યારે ખૂબ ભદ્દા લાગતા હતા.
કપિલ સિબ્બલ, પી. ચિદમ્બરમ અને મનીષ તિવારી |
2G સ્પેક્ટ્રમની હરાજી નિષ્ફળ ગયા મુદ્દે વધુ એક ખુલાસો આપતા કપિલ સિબ્બલે કહ્યું હતું કે, અમે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ટ્રાઈ)એ આપેલી લઘુતમ કિંમતોના આધારે હરાજી કરી હતી. પરંતુ જો ટ્રાઈએ કિંમતો થોડી ઓછી રાખી હોત તો આ હરાજી સફળ રહી હોત! આમ કહીને સિબ્બલ હરાજીની નિષ્ફળતા માટે ટ્રાઈને પણ જવાબદાર ઠેરવે છે. બીજી તરફ, કપિલ સિલ્લબ એ. રાજાએ કરેલી 2G સ્પેક્ટ્રમ ફાળવણીને પણ આડકતરી રીતે યોગ્ય ઠેરવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
કપિલ સિબ્બલ કંઈક એવું ઠસાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે, વર્ષ 2008માં ટેલિકોમ ઈન્ડસ્ટ્રીમાં જબરદસ્ત તેજી હતી અને વર્ષ 2010થી ટેલિકોમ ક્ષેત્રના કપરા સંજોગોની શરૂઆત થઈ હતી. વર્ષ 2008માં તત્કાલીન ટેલિકોમ મંત્રી એ. રાજાના કાર્યકાળમાં થયેલા 2G સ્પેક્ટ્રમના સોદા અંગે ‘કેગ’ દ્વારા 3G સ્પેક્ટ્રમની હરાજીમાંથી થયેલી આવકને આધાર તરીકે લેવાઈ હતી. નોંધનીય છે કે, ટેલિકોમ મંત્રાલયે વર્ષ 2010માં 3G સ્પેક્ટ્રમની હરાજી કરીને રૂ. 67,719 કરોડની કમાણી કરી હતી. આ આર્થિક ફેરફારો સમજવામાં ‘કેગ’ થાપ ખાઈ ગયું અને એ. રાજાના સમયમાં થયેલી સ્પેક્ટ્રમ ફાળવણીને મોટું કૌભાંડ માની લેવાયું!
જોકે તેમની આ વાતનો છેદ ઉડાડતા સીપીઆઈ-એમના નેતા નિલોત્પલ બાસુએ એક ટીવી કાર્યક્રમમાં દલીલ કરી હતી કે, “તત્કાલીન ટેલિકોમ મંત્રી એ. રાજાએ માત્ર રૂ. 9,200 કરોડમાં 2G સ્પેક્ટ્રમના 122 લાયસન્સની લ્હાણી કરી હતી. પરંતુ આ વખતે માત્ર 22 લાયસન્સની હરાજીમાંથી જ રૂ. 9,200 કરોડ કરતાં વધુ આવક થઈ છે.” જો ટેલિકોમ ક્ષેત્રમાં મંદી હોવા છતાં આટલી રકમ મેળવી શકાઈ હોય તો આપણે અંદાજ લગાવી શકીએ છીએ કે, યુપીએ સરકારના મંત્રી એ. રાજાએ 2G સ્પેક્ટ્રમની ફાળવણીમાં કેવા ગોટાળા કર્યા હશે! અહીં એ પણ યાદ રાખવું જોઈએ કે, વર્ષ 2008માં એ. રાજાએ હરાજીથી નહીં, પણ ‘વહેલાં તે પહેલાં’ના ધોરણે 2G સ્પેક્ટ્રમની ફાળવણી કરી દીધી હતી.
આ કેસમાં સીબીઆઈએ સ્પેશિયલ સીબીઆઈ કોર્ટમાં ફાઈલ કરેલી ચાર્જશીટમાં એ. રાજા પર જાહેર સેવક તરીકે લોકોના વિશ્વાસનો ભંગ, ગુનાઈત કાવતરું, છેતરપિંડી, બનાવટી દસ્તાવેજો બનાવવા વગેરે આરોપો લગાવ્યા હતા. છેવટે ફેબ્રુઆરી 2011માં એ. રાજાની પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. હવે, આવા ‘રાજા’ને બચાવવા પડેલા યુપીએ સરકારના મંત્રીઓને એક સવાલ પૂછવાનું મન થાય છે કે, શું તમે 2G સ્પેક્ટ્રમના સમગ્ર કૌભાંડમાં એ. રાજાના બદલે ‘કેગ’ વિનોદ રાયને ગુનેગાર ઠેરવવા માંગો છો?
કદાચ એટલે જ મનીષ તિવારીએ 2G સ્પેક્ટ્રમની હરાજીની નિષ્ફળતા બાદ ખુશખુશાલ થઈને ‘કેગ’ને સવાલ કર્યો હતો કે, “મિ. કેગ, ક્યાં છે રૂ. 1,76,000 કરોડ?” તો તેમના આ મૂર્ખામીભર્યા સવાલનો જવાબ તેમના સાથીદાર કપિલ સિબ્બલે આપી જ દીધો છે. કપિલ સિબ્બલ કહે છે તેમ વર્ષ 2008ની તેજીને વર્ષ 2010 સાથે સરખાવી ન શકાય. કારણ કે, વર્ષ 2010માં ટેલિકોમ ઈન્ડસ્ટ્રીના વળતા પાણી શરૂ થયા હતા. એટલે મનીષ તિવારીએ પણ સમજી લેવું જોઈએ કે, હાલ ટેલિકોમ ઈન્ડસ્ટ્રી કપરા સંજોગોમાંથી પસાર થઈ રહી હોય તો હરાજીમાંથી રૂ. 1,76,000 કરોડ ઉપજે કેવી રીતે? તેમણે વર્ષ 2010ની સરખામણી વર્ષ 2012 સાથે ન કરવી જોઈએ.
જોકે, કેટલાક આર્થિક નિષ્ણાતો આ હરાજીને નિષ્ફળ નથી ગણી રહ્યા. તેમનું કહેવું છે કે, ટેલિકોમ મંત્રાલયે નેશનલ સ્પેક્ટ્રમ 5 મેગા હર્ટ્ઝની બેઝ પ્રાઈઝ રૂ. 14,000 કરોડ નક્કી કરી હતી. તેઓને આશા હતી કે, બેઝ પ્રાઈઝના 48 ટકા રકમ તો દિલ્હી, મુંબઈ અને કર્ણાટક એમ ફક્ત ત્રણ જ સર્કલમાંથી મળી જશે! આમ સરકારે આ ત્રણેય સર્કલને અગાઉથી જ ‘ઓવરપ્રાઈઝ’ રાખ્યા હતા. પરંતુ તેમાં ધાર્યા મુજબની હરાજી ન થઈ. જોકે આ ત્રણેય સર્કલ સિવાયની હરાજીને નિષ્ફળ ન ગણી શકાય. કારણ કે, ટેલિકોમ મંત્રાલય કુલ બેઝ પ્રાઈઝના 67.9 ટકા રકમ તો મેળવી જ ચૂક્યું છે. બીજી તરફ, ઉપરોક્ત ત્રણેય સર્કલમાં બીજી વાર હરાજી કરવાનો વિકલ્પ તો ખુલ્લો છે જ.
આ પરથી એવું કહી શકાય કે, યુપીએ સરકારના નેતાઓએ હરાજીની નિષ્ફળતા માટે ‘કેગ’ને જવાબદાર ઠેરવીને ‘ડેમેજ કંટ્રોલ’ કરવાનું આગોતરું આયોજન કર્યું હોઈ શકે છે! જોકે, તેઓ એ. રાજાને ક્યારેય નિર્દોષ સાબિત નહીં કરી શકે. કારણ કે, ખુદ વડા પ્રધાન મનમોહન સિંહ અને તત્કાલીન નાણાં મંત્રી પી. ચિદમ્બરમ પણ ઈચ્છતા હતા કે, 2G સ્પેક્ટ્રમની હરાજી કરવામાં આવે. પરંતુ છેવટે તેઓ પણ એ. રાજાની ‘યોજના’માં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહભાગી બન્યા હતા. તેઓની આ બેદરકારીના કારણે જ દેશની તિજોરીને રૂ. 1,76,000 કરોડ (‘કેગ’ના અહેવાલ મુજબ)નું જંગી નુકસાન ભોગવવું પડ્યું હતું. નિષ્ણાતોના મતે, વર્ષ 2008માં 2G સ્પેક્ટ્રમની હરાજી કરાઈ હોત તો આ અંદાજિત આંકડા કરતા ઓછામાં ઓછી અડધી રકમ તો મેળવી જ શકાઈ હોત!
2G સ્પેક્ટ્રમ મુદ્દે ‘કેગ’એ રજૂ કરેલા અહેવાલમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે, એ. રાજાના સમયગાળામાં કરાયેલી 2G સ્પેક્ટ્રમની ફાળવણીમાં થયેલા અંદાજિત નુકસાનની ગણતરી ચાર રીતે ગણતરી કરી શકાય એમ છે. આ ચારેય રીતથી કરેલી ગણતરીના આંકડા અનુક્રમે રૂ. 67,364 કરોડ, રૂ. 69,626 કરોડ, રૂ. 57,666 કરોડ અને રૂ. 1,76,645 કરોડ છે. ‘કેગ’ વિનોદ રાયે આખરી અભિપ્રાય તરીકે રૂ. 1,76,645 કરોડના અંદાજિત નુકસાનનો આંકડો નહોતો આપ્યો. આમ છતાં, કોંગ્રેસના સિનિયર મંત્રીઓ ‘કેગ’ જેવી સન્માનીય સંસ્થા પર કાદવ ઉછાળીને તેમની બુદ્ધિનું પ્રદર્શન કરી રહ્યા છે.
જોકે, મનીષ તિવારી કે કપિલ સિબ્બલ પણ આ વાત સારી રીતે જાણે છે, પરંતુ તેઓ લાફો મારીને ગાલ લાલ રાખી રહ્યા છે. કારણ કે, કદાચ તે જ કોંગ્રેસ પક્ષના ‘હિત’માં છે. જો, મનીષ તિવારીનું ચાલે તો તેઓ ‘કેગ’ને જ તેમના ‘જઘન્ય’ અપરાધ બદલ શૂળીએ ચઢાવી દે. વળી, મનીષ તિવારી એ. રાજાએ કરેલી 2G સ્પેક્ટ્રમની ફાળવણીને કૌભાંડ ગણતા જ થી. ઊલટાનું તેઓ બેશરમીથી કહી રહ્યા છે કે, વિપક્ષોએ 2G સ્પેક્ટ્રમ મુદ્દે કરેલા અપપ્રચાર બદલ દેશની માફી માંગવી જોઈએ. તથાસ્તુ.
નોંધઃ તસવીર ઈન્ટરનેટ પરથી લીધી છે.
No comments:
Post a Comment