25 November, 2012

‘ઝીરો બજેટ’ ફિલ્મ બનાવનારો ગુજરાતી બચ્ચો


છેલ્લાં કેટલાક સમયથી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અઢળક ખર્ચ કરીને ફિલ્મો બનાવવાનો દોર ચાલી રહ્યો છે. ફિલ્મના બિઝનેસનું ગણિત જ કંઈક એવું છે કે સારો એવો ખર્ચ કર્યો હોય એ જ ફિલ્મો બોક્સ ઓફિસ પર થોડી ઘણી કમાણી કરી શકે. ઓછા બજેટની ફિલ્મ બનાવવા માટે પણ કલાકારો અને ટેકનિશિયનોની ફી, કોસ્ચ્યુમ્સ, લોકેશન, ટ્રાન્સપોર્ટેશન અને પ્રમોશનનો ખર્ચ એટલો વધારે હોય છે કે દરેક ક્રિએટિવ વ્યક્તિ ફિલ્મ નિર્માણમાં ઝંપલાવી શકતી નથી. પરંતુ કેટલાક લોકો એવા પણ હોય છે જે સામા પ્રવાહે તરવામાં માનતા હોય છે. આવા જ એક યુવાને ઓછા બજેટની નહીં પણ ‘ઝીરો બજેટ’ની ફિલ્મ બનાવીને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના માંધાતાઓને પણ ચોંકાવી દીધા છે. પરંતુ મજેદાર વાત તો એ છે કે, આ વીરલો બીજો કોઈ નહીં પણ ગુજરાતના સૌરાષ્ટ્રના મહુવા ગામનો છે.

ઝીરો બજેટ ફિલ્મ બનાવનારા આ યુવા દિગ્દર્શક છે, તેજસ પડિયા. તેમણે ‘લો હો ગઈ પાર્ટી’ નામની ફૂલલેન્થ ફિચર ફિલ્મ બનાવવાનું મહાઅભિયાન પૂરું કર્યું છે. એવું પણ માની લેવાની જરૂર નથી કે, ‘લો હો ગઈ પાર્ટી’માં નવાસવા કલાકારોએ કોઈ ફી લીધા વિના કામ કર્યું હશે. કારણ કે, તેમાં ન્યૂકમર્સની સાથે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સ્થાપિત કલાકાર મનોજ જોશી અને જાણીતા ફિલ્મ દિગ્દર્શક સતીષ કૌશિકે પણ કામ કર્યું છે. કારણ કે, આ ઝીરો બજેટ ફિલ્મ બનાવવા માટે તેજસની પહેલી શરત એ હતી કે, ફિલ્મ મેકિંગના કોઈ પણ તબક્કે કોમ્પ્રોમાઈઝ નહીં કરવાનો. તેજસ આ પહેલાં વર્ષ 2006માં ‘એક શુક્કરવાર’ નામની ફિલ્મ બનાવી ચૂક્યા છે. ‘એક શુક્કરવાર’ની ખાસિયત એ છે કે, તે ભારતની પહેલી મોબાઈલ ફોનથી શૂટ થયેલી ફિલ્મ હતી.

‘લો હો ગઈ પાર્ટી’ના દિગ્દર્શક તેજસ પડિયા

‘લો હો ગઈ પાર્ટી’ના એક પણ કલાકારને ફી આપવાની નહીં હોવા છતાં તેમને પસંદ કરવા રીતસરના ઓડિશન્સ લેવાયા છે. આ અંગે તેજસ કહે છે કે,  “ફિલ્મમાં એક વાની નામની છોકરીની પણ ભૂમિકા છે. તે એકદમ નિર્દોષ છોકરી હોય છે. આ ભૂમિકા માટે મેં 33 છોકરીના ઓડિશન્સ લીધા હતા અને છેવટે પંજાબી છોકરી લવિના ભાટિયા પર પસંદગી ઉતારી હતી.” ‘લો હો ગઈ પાર્ટી’માં ‘હમારી દેવરાની’માં કામ કરી ચૂકેલા પરેશ ભટ્ટ, ‘સસુરાલ સિમરન કા’ સિરિયલમાં કામ કરતી વૈદેહી ધામેચા અને ‘ફૂલવા’માં કામ કરી ચૂકેલા અનિરુદ્ધ ભટ્ટ જેવા કલાકારોએ પણ કામ કર્યું છે.

એ બધું તો બરાબર, પરંતુ ફિલ્મમાં એવું તો શું છે કે, મનોજ જોશી જેવા જાણીતા નાટ્ય અભિનેતા અને સતીષ કૌશિક જેવા જાણીતા દિગ્દર્શક પણ તેમાં કામ કરવા તૈયાર થયા? ‘ગુજરાત ગાર્ડિયન’ સાથેની ટેલિફોનિક વાતચીતમાં આ સવાલનો જવાબ આપતા તેજસ કહે છે કે, “જેમ મારે જીવનમાં એકવાર ફિલ્મ બનાવવી હતી, કંઈક નવું કરવું હતું. એવી જ રીતે કલાકારોને પણ નવા નવા પ્રયોગો કરવા ગમતા હોય છે. હું કંઈક નવું કરવા જઈ રહ્યો હતો. હાલ, હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના 100માં વર્ષની ઉજવણી ચાલી રહી છે. 100 વર્ષ પહેલાં દાદાસાહેબ ફાળકેએ બનાવેલી મૂંગી ફિલ્મમાં પણ પૈસા ખર્ચવા પડ્યા હતા. તેથી અમે કરેલું કામ ખરેખર ‘યુનિક’ કહી શકાય.”

તેઓ ઉમેરે છે કે, “ફિલ્મની વાર્તા પાંચ મિત્રોની આસપાસ ફરે છે, જે બોલિવૂડમાં નામ કમાવવા ઈચ્છતા હોય છે. ત્યાર પછી તેમાંનો એક યુવાન સેકન્ડ હેન્ડ કાર ખરીદીને મિત્રોને પાર્ટી આપે છે. તેઓ કાર લઈને ફરવા નીકળે છે પરંતુ એ ભૂલી જાય છે કે તેમણે ખૂબ દારૂ પીધો છે. છેવટે તેઓ જાત પરનો કાબૂ ગુમાવી બેસે છે. ‘લો હો ગઈ પાર્ટી’માં બિલકુલ સરળ રીતે સામાન્ય માણસની વાત કરવામાં આવી છે. આનાથી વધુ કંઈ જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.”


‘લો હો ગઈ પાર્ટી’નું પોસ્ટર 
આવી સીધીસાદી કથાવસ્તુ ધરાવતી ફિલ્મ માટે પણ જાતભાતના ટેકનિશિયનોથી માંડીને ફિલ્મ રિલીઝના ખર્ચ મ્હોં ફાડીને ઊભા હોય છે. ‘લો હો ગઈ પાર્ટી’ ટીવી સિરિયલો જે કેમેરાથી શૂટ થાય છે તે ઝેડ-1 અને પીડી-170 કેમેરાથી શૂટ કરાઈ છે. આ કેમેરા ભાડેથી લેવા હોય તો પણ ઘણાં મોંઘા પડે છે. એટલે જે દિવસે શૂટિંગનું આયોજન કર્યું હોય તે દિવસે તેજસને બ્રોડકાસ્ટિંગ ઈમેજિંગ પ્રાઈવેટ લિમિટેડનાં દીપિકા પ્રકાશ એ દિવસ પૂરતો કોઈ ચાર્જ લીધા વિના કેમેરા ફ્રીમાં વાપરવા આપતા હતા.

આ અંગે તેજસ કહે છે કે, “મેં નાનકડી સ્ટેશનરીથી લઈને લોકેશન સુધીની તમામ ચીજવસ્તુ ઉધાર લીધી હતી. આમ તો માંડ 21 જ દિવસનું શૂટિંગ હતું, પરંતુ આટલા દિવસનું શૂટિંગ મેનેજ કરતા કરતા 13 મહિના લાગી ગયા. કેમેરા પણ મફતમાં જોઈતા હોય તો મારે આ તારીખે સાધનો જોઈએ જ, એવી દાદાગીરી તો શક્ય જ નહોતી. આ દરમિયાન એવું પણ થતું કે, ચાર કલાકારો આવે અને એકને ફાવે એમ ન હોય તો આખું શૂટિંગ કેન્સલ કરવું પડે.”

વળી, ફિલ્મનું 60 ટકા શૂટિંગ તેજસના મિત્રના ઘાટકોપર સ્થિત પોશ બંગલૉમાં કરવામાં આવ્યું છે. આ અંગે તેજસ કહે છે કે, “આ બંગલૉના માલિક હિરેન મહેતા અને આરતી મહેતાએ આખા બંગલૉનું રિનોવેશન કરાવ્યું હતું, જે મને ફિલ્મની વાર્તા સાથે બંધબેસતું લાગ્યું. મેં તેમને મારી ઝીરો બજેટ ફિલ્મની વાત કરી. આરતીબહેન મહુવાના હતા એટલે ગામના છોકરાને તુરંત જ મદદ કરવા તૈયાર થઈ ગયા. અહીં પણ શૂટિંગનો સમય એવી રીતે રાખતા કે, ખાવાપીવાનો ખર્ચ જ ન થાય. મેં બધાને કહી જ દીધું હતું કે, એક વાગ્યે શૂટિંગ હોય તો તમારે ઘરેથી જમીને જ આવવાનું. આમ છતાં, આરતીબહેને અમને ચા-નાસ્તાની ક્યારેય તકલીફ પડવા દીધી નથી.”

જ્યારે બાકીની ફિલ્મનું શૂટિંગ બાંદ્રા અને જોગેશ્વરીમાં કરાયું છે. હવે, જાહેરમાં શૂટિંગ કરવા માટે પોલીસની મંજૂરી લેવી પડે અને કદાચ પૈસા પણ આપવા પડે. જે ઝીરો બજેટની ફિલ્મમાં શક્ય ન હતું. તેથી આખું શૂટિંગ ચૂપકેથી પતાવી દેવાયું. આ પ્રસંગ યાદ કરતા તેજસ કહે છે કે, “એકવાર કાર્ટર રોડ પર શૂટિંગ ચાલતું હતું ત્યારે મ્યુઝિક થોડું લાઉડ થઈ જતા પોલીસ આવી. પૈસી આપીએ તો પોલીસ જવા દે એમ હતી, પરંતુ ઝીરો બજેટ ફિલ્મ હોવાથી એવું કરવું નહોતું. એટલે મેં પોલીસને સમજાવ્યું કે, બીજા લોકોને જવા દો, હું તમારી સાથે પોલીસ સ્ટેશન આવું છું. જોકે, તે કામ પણ એક ઓળખાણથી પતી ગયું.”

અભિનેતા મનોજ જોશી

‘લો હો ગઈ પાર્ટી”માં કોઈ ફી લીધા વિના કામ કરનારા ‘સપનાંના વાવેતર’ ફેઈમ અભિનેતા મનોજ જોશી ટેલિફોનિક વાતચીતમાં કહે છે કે, “તેજસ મારી પાસે ઝીરો બજેટ ફિલ્મનો પ્રસ્તાવ લઈને આવ્યો ત્યારે તેની કલ્પના જ મને ગમી ગઈ. બીજું, તેનું સિનેમા પ્રત્યેનું પેશન પણ મને ખૂબ જ આકર્ષી ગયું. આ ઉપરાંત તે આપણો ગુજરાતી બચ્ચો છે. જો તે કંઈ નવું કરી રહ્યો હોય તો આપણે તેનો ઉત્સાહ વધારવો જોઈએ. મને એ ટેલેન્ટેડ છોકરા માટે ગર્વ છે.”

આશરે 13 મહિનાની મહેનત પછી રિલીઝ માટે તૈયાર થયેલી ‘લો હો ગઈ પાર્ટી’ બોલિવૂડની પહેલી ઝીરો બજેટ ફિલ્મ છે. આ માટે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ખેરખાંઓ પણ આ ફિલ્મના સમગ્ર ક્રૂની પ્રશંસનીય કામગીરી બદલ ધન્યવાદ આપી રહ્યા છે. આ અંગે તેજસ કહે છે કે, “હું મૂળ ગુજરાતના સૌરાષ્ટ્રનો વતની છું અને આ ઈન્ડસ્ટ્રીમાં નવ વર્ષથી કામ કરું છું. આટલા વર્ષોની મહેનત પછી મેં ઝીરો બજેટ ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું હતું. આ કામ માટે મારી ફિલ્મ સાથે સંકળાયેલા તમામ કલાકારો અને ટેકનિશિયનોએ એક રૂપિયો લીધા વિના કામ કર્યું છે. પૈસા ખરેખર જરૂરી છે. પરંતુ અમે નસીબદાર છીએ કે, અમને અમારા વિઝનમાં વિશ્વાસ કરે એવા લોકો મળ્યા, અમને મદદ કરવાની તૈયારી બતાવી, અમારામાં વિશ્વાસ અને ધીરજ પણ રાખ્યા. ‘લો હો ગઈ પાર્ટી’ બની એ પાછળ આ બાબતોએ ચાવીરૂપ ભૂમિકા ભજવી છે.”

હવે, ફિલ્મ રિલીઝ કરવા માટે પણ થોડુંઘણું તો બજેટ તો જોઈએ ને? આ માટે ફિલ્મ દિગ્દર્શકે એક સુંદર તુક્કો અજમાવ્યો છે. આ ફિલ્મ મોટે ભાગે જાન્યુઆરી 2013માં ઓનલાઈન રિલીઝ થવાની છે અને તમામ લોકો ફિલ્મ ટિકિટ લીધા વિના જ જોઈ શકશે. આ અંગે તેજસ ઉત્સાહપૂર્વક કહે છે કે, “મેં એક પણ પૈસો ખર્ચ્યા વિના ફિલ્મ બનાવી છે, અને લોકોને પણ આ ફિલ્મ એક પણ પૈસો ખર્ચ્યા વિના જ જોવા મળશે.” એક ગુજરાતી યુવાને ઝીરો બજેટમાં સફળતાપૂર્વક ફિલ્મ બનાવી તે ખરેખર પ્રશંસનીય છે. ફિલ્મમેકિંગ જેવા ખર્ચાળ વ્યવસાયમાં આખી ફિલ્મ એક પણ પૈસો ખર્ચ્યા વિના પૂરી થઈ ગઈ એ માટે ખરેખર તેના નિર્માતાનો આભાર માનવો પડે. હા, નિર્માતા. ‘લો હો ગઈ પાર્ટી’ની ઓફિશિયલ વેબસાઈટ પર નિર્માતા તરીકે લખ્યું છે, ગોડ (ભગવાન). નવાઈની વાત તો એ છે કે, તેજસે આ વેબસાઈટ પણ ‘ઝીરો બજેટ’માં બનાવી છે.

2 comments:

 1. સરસ બ્લૉગ.સુંદર માહિતી. અભિનંદન.
  આ બ્લૉગ તરફ ધ્યાન દોરવા બદલ કાર્તિકભાઈનો પણ આભાર.

  ReplyDelete
  Replies
  1. ખૂબ ખૂબ આભાર એએસએઆરવાયસી :-)
   અને કાર્તિક‘ભાઈ’નો પણ ખૂબ ખૂબ આભાર... :-)))


   Delete