10 November, 2012

કાશ્મીર વેલીની ચૂંટણી, આતંકવાદીઓ અને ‘આશા’ની ચિનગારી


“સરકારી અધિકારીઓ લાંચ લીધા વિના પૈસા અહીં સુધી પહોંચવા જ નથી દેતા. જો અમે કંઈ કામ ગમે તેમ કરીને પાર પાડીએ તો અધિકારીઓ મજૂરોને ચૂકવવાના થતા બિલ પણ લાંચ વિના પાસ નથી કરતા. વિકાસમાં ભ્રષ્ટાચાર જ સૌથી મોટો અવરોધ છે. વળી, પંચાયત માટે પણ અમારા ખિસ્સામાંથી ખર્ચ કરવો પડે છે. અમે કેટલો સમય આવી રીતે ચલાવી શકીશું? હા, હજુ પંચાયત પદ્ધતિ પણ પૂરેપૂરી વિકસી નથી. ચૂંટણીઓ ફક્ત ગ્રામ્ય સ્તરે થાય છે, બ્લોક કે જિલ્લા સ્તરે નહીં. પંચાયત પદ્ધતિના વિકાસમાં પણ ભ્રષ્ટાચાર જ સૌથી મોટો અવરોધ છે. જ્યાં સુધી ભ્રષ્ટાચાર ખતમ નહીં થાય ત્યાં સુધી આપણે ગરીબી દૂર નહીં કરી શકીએ.” આ શબ્દો છે, કાશ્મીર વેલીમાં આવેલા નાનકડા ગામ વુસાનના મહિલા સરપંચ આશા ભાટના.

આશાબાઈની વાત પરથી આપણે સમજી શકીએ છીએ કે, વુસાન જેવા દેશના અંતરિયાળ ગામમાં શિક્ષણ, ગરીબી નાબૂદી, રોજગારીનું સર્જન અને અન્ય માળખાગત સગવડો કેમ પહોંચી શકતી નથી! ચિનારના ઊંચા વૃક્ષો અને ઝરણાના કારણે હિમાલયની ગોદમાં વસેલા નાનકડા વુસાન ગામનું સૌંદર્ય બારેમાસ ખીલેલું હોય છે. આ ગામમાં ફક્ત 105 પરિવાર રહે છે, જેમાં 100 મુસ્લિમ અને પાંચ કાશ્મીરી પંડિત પરિવારો છે. કાશ્મીરી પંડિત પરિવારોમાં આશા ભાટનું કુટુંબ પણ સામેલ છે. મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારમાં આશા ભાટને મળેલા જનસમર્થનના કારણે વિશ્વભરનું ધ્યાન આ ગામ તરફ ગયું હતું. કારણ કે, આ ઘટના ભારત-પાકિસ્તાનના સંબંધો માટે પણ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. બીજી તરફ, કાશ્મીર વેલીમાં એક મહિલા આતંકવાદીઓનો ભય રાખ્યા વિના મજબૂત નેતાગીરી પૂરી પાડે એ પણ એક અનોખી ઘટના છે.

વુસાનની પંચાયત બેઠકમાં આશા ભાટ (વચ્ચે)

હજુ ત્રીજી ઓક્ટોબરે જ આતંકવાદીઓએ કુલગામ, પત્તન અને સંગ્રામ ગામના ત્રણ સ્થાનિક નેતાને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ ત્રણેય સત્તાધારી પક્ષ નેશનલ કોન્ફરન્સના સ્થાનિક નેતાઓ હતા. આ હત્યાકાંડ પછી કાશ્મીરના ગ્રામ્ય અને પંચાયત વિકાસ મંત્રી અલી મુહમ્મદ સાગરે કહ્યું હતું કે, “બધા જ જાણે છે કે, આ હત્યાકાંડથી કોને ફાયદો થયો છે.” અલી મુહમ્મદ સાગરનો ઈશારો પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી તરફ હતો. કાશ્મીરમાં આવા કોઈ પણ હત્યાકાંડ વખતે નેશનલ કોન્ફરન્સ અને પીપલ્સ ડેમોક્રેટિકના નેતાઓનું આક્ષેપબાજી પર ઉતરી આવવું સામાન્ય છે. પરંતુ આ સ્થિતિમાં કાશ્મીરી પ્રજાને દાદ આપવી પડે. કારણ કે, આતંકવાદીઓના ભય અને જડભરત રાજકારણીઓ વચ્ચે પણ કાશ્મીરીઓ લોકશાહીના પાયાસમાન પંચાયતો અને સરપંચોમાં વિશ્વાસ કરે છે અને હિંમતથી મતદાન કરે છે.

આ સ્થિતિમાં આશાબાઈ જેવા મહિલા નેતાની હિંમતને ખરેખર બિરદાવવી પડે. આશાબાઈએ હજુ એકાદ વર્ષથી જ સ્થાનિક રાજકારણમાં ઝંપલાવ્યું છે, પરંતુ આટલા ઓછા સમયમાં તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાત મહિલા બની ગયા છે. આમિરખાનના બહુચર્ચિત શૉ ‘સત્યમેવ જયતે’માં પણ તેમને આમંત્રણ મળ્યું હતું. કારણ કે, કાશ્મીર વેલીના વુસાન ગામમાં એપ્રિલ 2011માં આશરે ત્રણ દાયકા બાદ યોજાયેલી પંચાયતની ચૂંટણીમાં મુસ્લિમ બહુમતી વિસ્તારમાં ચૂંટાઈ આવનાર તેઓ પહેલાં મહિલા નેતા હતા. ચૂંટણીમાં ઝંપલાવવા મુદ્દે તેઓ અત્યંત સહજતાથી કહે છે કે, “હું મારા ગ્રામજનોને કંઈક મદદ કરવા માંગતી હતી, ખાસ કરીને સ્ત્રીઓને. સ્ત્રીઓ માટે મારે રોજગારીનું સર્જન કરવું હતું. જેમ કે, ગરમ વસ્ત્રોનું ગૂંથણકામ કરી આપતું કેન્દ્ર કે પછી આંગણવાડી.”

આજે કાશ્મીર વેલીમાંથી મોટા ભાગના કાશ્મીરી પંડિતો જમ્મુ કે અન્ય સુરક્ષિત સ્થળોએ ચાલ્યા ગયા છે. પરંતુ આશા ભાટના પરિવાર જેવા કેટલાક લોકોએ અહીં જ રહેવાનું પસંદ કર્યું છે. આ વાતનો જવાબ આપતા તેઓ કહે છે કે, “અમે અહીં રહેવાનું પસંદ કર્યું. કારણ કે, અમને ક્યારેય કોઈનો ભય નથી લાગ્યો, આતંકવાદ તેની ચરમસીમાએ હતો ત્યારે પણ. અમે ક્યારેય વિચાર્યું જ નથી કે અમે હિંદુ છીએ અને મુસ્લિમોની વચ્ચે રહીએ છીએ. અમે હંમેશાં એવું જ વિચારીએ છીએ કે, અમે અમારા ભાઈ-બહેનો સાથે રહીએ છીએ.” કદાચ એટલે જ પંચાયતની ચૂંટણીમાં ઝંપલાવતી વખતે પણ આશા ભાટને એવો વિચાર સુદ્ધાં નહોતો આવ્યો કે, તેઓ એક હિંદુ છે અને પાછા મહિલા છે. તેથી કોઈ મુસ્લિમ તેમને મત નહીં આપે.

રસપ્રદ વાત તો એ છે કે, આશા ભાટને ચૂંટણી લડવાની પ્રેરણા તેમના મુસ્લિમ પાડોશીઓએ જ આપી હતી. વેલીમાં 100 મુસ્લિમ પરિવારોના સહકારના કારણે જ આજે તેઓ સ્થાનિક સ્તરના અગ્રણી નેતા બની શક્યા છે. આપણે સમજી શકીએ છીએ કે, ફક્ત પાંચ કાશ્મીરી પંડિત પરિવારોના ગામના 100 મુસ્લિમ પરિવારોનો વિશ્વાસ જીતનારા આશાબાઈની નેતાગીરીને ખરેખર દાદ આપવી પડે. તેઓ કહે છે કે, ચૂંટણીમાં ઝંપલાવ્યું એ પહેલેથી હું ગામના લોકોને વિવિધ મુદ્દે મદદ કરતી હતી. ગામના છોકરાઓને છોડાવવા માટે પણ વિવિધ પ્રસંગોએ મારે મિલિટરી અધિકારીઓ સાથે વાતચીત કરવાની થતી. આતંકવાદ જ્યારે ચરમસીમાએ હતો ત્યારે આર્મી શંકાના આધારે કોઈ પણ યુવાનોની અટકાયત કરી લેતી. તેથી ગામમાં મારી છાપ સામાજિક કાર્યકર્તાની પડી ગઈ, અને લોકોએ મને ચૂંટણીમાં જીતાડી દીધી.

જોકે, આશાબાઈ માને છે કે, હજુ ઘણું બધુ કરવાનું બાકી છે. અમે ગરીબ મહિલાઓને મદદ કરી શકીએ એટલા સક્ષમ નથી. અમારી પાસે લોકોને મદદ કરવા માટે પૂરતી સત્તા અને વિવિધ સ્રોતો નથી. નાના નાના કામ માટે સરકારી અધિકારીઓ પાસે જવું પડે છે. તેઓ અત્યંત ધીમી ગતિએ કામ પૂરા કરે છે. અમારે નાના નાના કામ માટે વારંવાર તેમની પાસે જવું પડે છે. પરિણામે અમે ગરીબ લોકોની અપેક્ષાઓમાં ખરા નથી ઉતરી શકતા. પરિણામે અમને પણ લાગે છે કે, અમે પૂરતું કામ કરવા સક્ષમ નથી. હજુ સુધી હું ગામમાં એક નાનું કેન્દ્ર સ્થાપી નથી શકી જેમાં મહિલાઓને રોજગારી આપી શકાય.

આમ છતાં, ખુશીની વાત એ છે કે ગામના લોકો આશાબાઈના કામથી ખુશખુશાલ છે. તેઓ સતત કહેતા રહે છે કે, “અમે આશાબાઈને મત આપીશું, અમે તેમને ચૂંટીશું.” હજુ તો આશાબાઈ ગામમાં ફક્ત પીવાના પાણી માટે હેન્ડ પંપ, નાનકડા રસ્તા અને ખાળમોરીઓ જ બંધાવી શક્યા છે. તેથી લોકો પ્રશ્ન કરે છે કે, જે મહિલા આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મેળવી ચૂકી છે તે તેના અને આસપાસના ગામને વધુ મદદરૂપ કેમ ન થઈ શકે? આ વાતનો જવાબ આપતા તેઓ કહે છે કે, “હા, હું બહુ પ્રખ્યાત છું અને શરૂમાં મને તે ગમતું હતું. હું મીડિયાને ઈન્ટરવ્યૂ આપતી હતી. મારા કામ અંગે કંઈક બોલવા માટે મને દિલ્હી, નાગપુર, પૂણે અને મુંબઈમાં આમંત્રણો મળતા હતા. પરંતુ આટલી પ્રસિદ્ધિના અંતે પણ ગામમાં કંઈ કામ કરવા માટે મને પૂરતી મદદ નથી મળી. આ મારી સૌથી મોટી મુશ્કેલી છે. લોકો મને ટીવી પર જુએ અને વિચારે છે કે, મારી પાસે દરેક મુશ્કેલીનો જવાબ છે. કેટલાક ગ્રામજનો પણ માને છે કે, આટલી પ્રસિદ્ધિ પછી પણ હું કંઈ ખાસ કરી શકી નથી.”

હિજબુલ મુજાહિદ્દીનો પાકિસ્તાન
સ્થિત વડો સૈયદ સલાહુદ્દીન 
આઘાતજનક સમાચાર તો છે કે, જ્યારથી કાશ્મીરમાં પંચાયતની ચૂંટણીઓ યોજાવાનું શરૂ થયું છે ત્યારથી આતંકવાદીઓએ હિંસાનું પ્રમાણ વધારી દીધું છે. કારણ કે, પાકિસ્તાન નથી ઈચ્છતું કે, ભારતમાં લોકશાહીના પાયા સમાન ગ્રામ પંચાયતો કે સરપંચો સ્થાનિક સ્તરે કાશ્મીરની પ્રજાને સબળ નેતૃત્વ પૂરું પાડે. આ અંગે પાકિસ્તાનસ્થિત આતંકવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનના વડા સૈયદ સલાહુદ્દીન ‘તહેલકા’ના પત્રકાર રિયાઝ વાનીને એક ઈન્ટરવ્યૂમાં કહે છે કે, “કાશ્મીરીઓને પોતાની તરફેણમાં કરવા ભારત કાશ્મીરી પંચો અને સરપંચોનું શોષણ કરે છે. તેઓ તેમને સતત નિશાન બનાવે છે. અમે એટલે જ સરપંચોને રાજીનામું આપવાનું કહી રહ્યા છીએ તેમજ અમે તેમને કાશ્મીર ચળવળમાં વિઘ્નો ઊભા કરવાના હાથા બનતા રોકવા માંગીએ છીએ. આ ઉપરાંત અમે કાશ્મીરીઓને ગ્રામ પંચાયતોનો વિરોધ કરવાની સલાહ આપીએ છીએ.” જોકે, હિજબુલ મુજાહિદ્દીન જેવા જૂથો કાશ્મીરીઓને ફક્ત સલાહ આપીને અટકી નથી જતા. તેઓ તેમની ‘સલાહ’ નહીં માનનારા સ્થાનિક નેતાઓની સરેઆમ હત્યા કરી નાંખે છે.

આ સ્થિતિમાં કાશ્મીર વેલીમાં અનેક પંચો અને સરપંચોએ રાજીનામા આપી દીધા છે. પરંતુ આશાબાઈ ડરે એ લોકોમાંના નથી. તેમના વિસ્તારમાંથી હજુ કોઈએ રાજીનામું આપ્યું નથી. તેઓ કહે છે કે, “હું અન્ના હજારેમાં વિશ્વાસ કરું છું. હું ભ્રષ્ટાચારની વિરોધી છું અને આપણે ભ્રષ્ટાચાર સામે લડવું જોઈએ. હું મરીશ ત્યાં સુધી ‘આશા’ નહીં ગુમાવું.”

No comments:

Post a Comment