જાપાનના યુવા બોક્સર ઈવાઓ હાકામાડાને વર્ષ
1968માં ચાર લોકોની હત્યા કરવા બદલ ફાંસીની સજા સંભળાવાઈ હતી,
પણ જાપાનની અદાલતે આ કેસમાં ફેર સુનવણીનો હુકમ કરીને તેને મુક્ત કરવાનો
આદેશ કર્યો છે. પહેલી નજરે ખૂબ જ સામાન્ય લાગતા આ સમાચારને વિશ્વભરના
મીડિયામાં સ્થાન મળ્યું છે. કેમ? કારણ કે,
જાપાન જેવા સમૃદ્ધ અને વિકસિત દેશની જેલમાં મૃત્યુદંડની રાહ જોઈ રહેલા હાકામાડાને ‘યોગ્ય પુરાવાના અભાવે’ 48 વર્ષ પછી મુક્ત કરવો પડ્યો છે. આ સમાચારોથી જાપાન સહિતના દેશોમાં
હાકામાડા પ્રત્યે સહાનુભૂતિનું મોજું ફરી વળ્યું છે અને ન્યાય પ્રક્રિયા ઝડપી બનાવવા જે કોઈ સુધારા જરૂરી હોય તેનો તાત્કાલિક અમલ કરવાની માગ પ્રબળ બની છે. આ દરમિયાન કેટલાક લોકોએ મૃત્યુદંડની
સજા નાબૂદ કરી દેવાનો પણ મુદ્દો ઉઠાવ્યો છે. પરંતુ આ કેસ પર નજર
કરતા જણાય છે કે, હાકામાડાને મૃત્યુદંડની સજા સંભળાવવાના કારણે નહીં પણ કાયદાકીય પ્રક્રિયાની વિવિધ ખામીઓના કારણે વધારે નુકસાન પહોંચ્યું છે. કમનસીબે ભારત જાપાન સાથે બીજી કોઈ વાતમાં નહીં પણ ન્યાય પ્રક્રિયાના વિલંબમાં તેની સાથે સ્પર્ધામાં છે અને એટલે જ ઈવાઓ હાકામાડાનો કેસ ભારત માટે પણ દાખલારૂપ છે.
વર્ષ
1960માં હાકામાડાને જેલ થઈ ત્યારે તેની ઉંમર બત્રીસેક વર્ષ હતી તે જાપાનનો
જાણીતો પ્રોફેશનલ બોક્સર હતો. હાકામાડા પર એક જ કુટુંબના ચાર
લોકોની હત્યાનો આરોપ છે. આટલા વર્ષોની કાયદાકીય પ્રક્રિયા પછી
27મી માર્ચે અદાલતે હાકામાડાને મુક્ત કરવાનો આદેશ કર્યો ત્યારે તેની
ઉંમર 78 વર્ષ છે. મૃત્યુદંડની રાહ જોવામાં
જેલમાં સૌથી વધુ સમય વીતાવવાનો વિશ્વ વિક્રમ હાકામાડાના નામે છે. 10મી માર્ચ, 2011ના રોજ હાકામાડાના 75મા જન્મદિવસે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે તેને આ અંગેનું પ્રમાણપત્ર પણ
આપ્યું હતું. જાપાનની અદાલતોએ તેની સામે પુરાવા એકત્રિત કરવા
માટે આશરે અડધી સદી જેટલો સમય લીધો, પરંતુ તેઓ ‘ઠોસ પુરાવા’ એકત્રિત ના કરી શક્યા. હાકામાડાને જે પુરાવાના આધારે દોષી જાહેર કરાયો હતો તેમાં જાપાન પોલીસે તેની
પાસે લખાવેલું કબૂલાતનામું મુખ્ય હતું, પણ પોલીસ પર આરોપ છે કે,
આ ગુનો કબૂલવા તેની પર પાશવી અત્યાચાર કરાયા હતા. જોકે, તેનો અર્થ એ નથી કે, હાકામાડા
દોષી ન હતો પણ એ પછી એકત્રિત કરાયેલા તમામ પુરાવા પરથી હાકામાડા નિર્દોષ હોય એવું વધુ
યોગ્ય રીતે સ્પષ્ટ થયું છે.
અરધી સદી જેટલો સમય જેલમાં વીતાવ્ય પછી બહાર આવી રહેલો વૃદ્ધ ઈવાઓ હાકામાડા |
હાકામાડા આ કાયદાકીય ચુંગાલમાં
કેવી રીતે સપડાયો એ સમજવા તેનો કેસ પહેલેથી જાણવો જરૂરી છે.
હાકામાડા ફિધરવેઇટ બોક્સર તરીકે નિવૃત્ત થયો એ પછી જાપાનના શિઝુઓકા પ્રાંતમાં
મિસો (જાપાનની પરંપરાગત વાનગી)ની ફેક્ટરીમાં
કામ કરતો હતો. અહીં તેણે નોકરી શરૂ કરી એના કેટલાક વર્ષો પછી
વર્ષ 1966માં આ કંપનીના મેનેજર, તેની પત્ની
અને તેમના બે બાળકોની બળી ગયેલી લાશો મળી આવી હતી. આ કેસમાં પ્રથમ
દૃષ્ટિએ પોલીસે નોંધ્યું હતું કે, આ ચારેય વ્યક્તિની હત્યા કરીને
તેમની લાશો સળગાવી દેવાઈ છે અને તેમની સાથે લૂંટફાટ થયાના પણ પુરાવા છે. આ ઘટનાના એક મહિના પછી પોલીસે હાકામાડાની ધરપકડ કરી હતી. હાકામાડાને ગુનેગાર ઠેરવવા માટે પોલીસે લોહીથી લથબથ કેટલાક કપડાં પુરાવા તરીકે
રજૂ કર્યા હતા, જેમાં એક પેન્ટનો પણ સમાવેશ થતો હતો અને ખરી મુશ્કેલી
પણ તેના કારણે જ થઈ હતી.
હાકામાડાને અદાલતમાં ન્યાયાધીશ
સામે આ પેન્ટ પહેરાવીને સાબિત કરાયું હતું કે, આ પેન્ટ
હાકામાડાનું છે જ નહીં, કારણ કે તેની સાઈઝ ખૂબ જ નાની છે.
હજુ થોડા મહિના પહેલાં જ હાકામાડાના વકીલોએ પુરાવા તરીકે રજૂ કરાયેલા
વિવિધ કપડાં પરથી મળેલા લોહીનો ડીએનએ ટેસ્ટ કરાવવાનું સૂચન કર્યું હતું. નવાઈની વાત તો એ છે કે, લોહીથી લથબથ એક પણ કપડાં પર હાકામાડાનું
લોહી ન હતું. જાપાનની અદાલતે ઈવાઓ હાકામાડાને મુક્ત કરવાનો હુકમ
કર્યો ત્યારે ડીએનએ રિપોર્ટની ખાસ નોંધ લઈને કહ્યું હતું કે, “...તેની નિર્દોષ હોવાની સંભાવના સન્માનજનક રીતે સ્પષ્ટ થઈ ગઈ છે અને હજુ તેને
વધુ સમય ગોંધી રાખવો એ અસહ્ય અન્યાય છે...”
આ સમગ્ર કેસની રૂપરેખા જોતા એટલું સ્પષ્ટ છે કે, ઈવાઓ હાકામાડાના કેસની આડમાં ફાંસીની સજા યથાવત્ રાખવી જોઈએ કે નહીં એના કરતા જાપાનની ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમમાં વહેલી તકે સુધારા થવા જોઈએ એની વ્યાપક અર્થમાં ચર્ચા થવી વધુ જરૂરી છે. છેલ્લાં કેટલાક દાયકામાં જાપાનની ન્યાય પ્રણાલી સામે અનેકવાર આંગળી ચીંધાઈ છે. વર્ષ 2007માં જાપાન પોલીસે દારૂ અને રોકડના બદલામાં ચૂંટણીમાં મતો ખરીદવાના આરોપસર કુલ 13 વ્યક્તિની ધરપકડ કરી હતી, જેમાંથી એક વ્યક્તિએ તે નિર્દોષ જાહેર થાય એ પહેલાં જ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ તમામ લોકો પાસે જાપાન પોલીસે બળજબરીથી ગુનાની કબૂલાત કરાવી હોવાની શંકા વ્યક્ત કરાઈ હતી. આ દરમિયાન પણ જાપાનની ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમમાં સુધારાની ચર્ચા થઈ હતી પણ આ ઘટનાને હાકામાડાના કેસ જેટલું મહત્ત્વ મળ્યું ન હતું.
આ સમગ્ર કેસની રૂપરેખા જોતા એટલું સ્પષ્ટ છે કે, ઈવાઓ હાકામાડાના કેસની આડમાં ફાંસીની સજા યથાવત્ રાખવી જોઈએ કે નહીં એના કરતા જાપાનની ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમમાં વહેલી તકે સુધારા થવા જોઈએ એની વ્યાપક અર્થમાં ચર્ચા થવી વધુ જરૂરી છે. છેલ્લાં કેટલાક દાયકામાં જાપાનની ન્યાય પ્રણાલી સામે અનેકવાર આંગળી ચીંધાઈ છે. વર્ષ 2007માં જાપાન પોલીસે દારૂ અને રોકડના બદલામાં ચૂંટણીમાં મતો ખરીદવાના આરોપસર કુલ 13 વ્યક્તિની ધરપકડ કરી હતી, જેમાંથી એક વ્યક્તિએ તે નિર્દોષ જાહેર થાય એ પહેલાં જ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ તમામ લોકો પાસે જાપાન પોલીસે બળજબરીથી ગુનાની કબૂલાત કરાવી હોવાની શંકા વ્યક્ત કરાઈ હતી. આ દરમિયાન પણ જાપાનની ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમમાં સુધારાની ચર્ચા થઈ હતી પણ આ ઘટનાને હાકામાડાના કેસ જેટલું મહત્ત્વ મળ્યું ન હતું.
હાકામાડાને અદાલતમાં પેન્ટ પહેરાવીને ખરાઈ કરાઈ ત્યારની ફાઈલ તસવીર |
આ પ્રકારની ચર્ચાને અંતે
વર્ષ 2009થી જાપાન સરકારે ન્યાય પ્રક્રિયામાં સુધારાના
ભાગરૂપે દરેક ફોજદારી કેસમાં કબૂલાતને લગતી પ્રક્રિયામાં કેટલાક ફેરફાર કર્યા છે.
આમ છતાં, જાપાનમાં આજે પણ અદાલતોમાં નોંધાતા
99 ટકાથી વધુ ગુનાનો મુખ્ય પુરાવો પોલીસે તૈયાર કરેલું કબૂલાતનામું હોય
છે. માનવાધિકારવાદીઓ આ આંકડાથી પરેશાન છે કારણ કે, જાપાન પોલીસ ગુનાની કબૂલાત કરાવવા દુનિયાભરમાં બદનામ છે. આ ઉપરાંત જાપાનમાં પોલીસ આરોપીની પૂછપરછ કરતી હોય ત્યારે ફરજિયાત વીડિયો રેકોર્ડિંગ
કરવાના નિયમો બનાવવાના પ્રયાસ કરાયા છે પણ પોલીસ વિભાગ દ્વારા તેનો જોરદાર વિરોધ થાય
છે. પોલીસનું કહેવું છે કે, કોઈ પણ આરોપીની
પૂછપરછ કરતી વખતે રેકોર્ડિંગ મશીન બંધ કરવાની સત્તા પોલીસ પાસે હોવી જ જોઈએ.
આ મુદ્દે પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા ખોરવાઈ જવાની જાણીતી દલીલ
કરાય છે.
અમેરિકા જેવા દેશોમાં
અદાલતી ચુકાદા આપતી વખતે ગુનાની કબૂલાતને નહીં પણ સાંયોગિક પુરાવાને વધુ મહત્ત્વ અપાય
છે. જાપાન જેવા નાનકડા અને એડવાન્સ ટેક્નોલોજી
ધરાવતા દેશમાં સીસીટીવી કેમેરા ગોઠવીને જડબેસલાક સિસ્ટમ ઊભી કરવી પ્રમાણમાં સહેલી છે.
આમ છતાં, જાપાન સરકાર ખૂબ ધીમી ગતિએ ન્યાય પ્રક્રિયામાં
સુધારા કરી રહી છે. અમેરિકા જેવા દેશોમાં પણ ખોટી રીતે કબૂલાત
કરાવ્યાના સમાચારો ચમકતા રહે છે. માનવાધિકારવાદીઓની ચળવળના કારણે
અમેરિકાએ ‘ઈનોસન્સ પ્રોજેક્ટ’ શરૂ કરવો
પડ્યો હતો, જે અંતર્ગત ડીએનએ ટેસ્ટની મદદથી 300 જેટલા કહેવાતા ગુનેગારોને નિર્દોષ જાહેર કરીને મુક્ત કરવા પડ્યા હતા.
જોકે, આ મુદ્દે જાપાન કે અમેરિકાની સીધી સરખામણી
થઈ શકે નહીં. જાપાનમાં મૃત્યુદંડની સજામાં ક્યારેય ફેર સુનવણીના
આદેશ કરાતા નથી, અને ઈવાઓ હાકામાડાનો કિસ્સો એ રીતે પણ વિશિષ્ટ
છે. જાપાનમાં વકીલો ભાગ્યેજ ફેર સુનવણીની અપીલ કરે છે.
કારણ કે, જો કોઈ વ્યક્તિ ગુનેગાર જાહેર થયા પછી
નિર્દોષ છૂટી જાય તો વકીલ તેને પોતાની અને ન્યાયાધીશની કારકિર્દી પરના ધબ્બા તરીકે
જુએ છે.
આ કેસમાં હાકામાડાને ગુનેગાર
માનતા સરકારી વકીલો ફેર સુનવણીના હુકમથી જ નારાજ છે, જ્યારે
હાકામાડાને ન્યાય અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનારી આંતરરાષ્ટ્રીય સંસ્થા એમ્નેસ્ટી
ઈન્ટરનેશનલે તેના સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે, “આ કેસમાં
અદાલતના ફેર સુનવણીના હુકમને પડકારવો એ ખૂબ ક્રૂર અને અન્યાયી પગલું લેખાશે...
હાકામાડાને ન્યાય આપવાનો સમય પણ વીતી ગયો છે... આ ગુનો તેણે કર્યો જ નથી એવું તે ચાર દાયકા પહેલાં જ જણાવી ચૂક્યો છે...”
ટોકિયો અદાલતે વર્ષ 1968માં અને જાપાનની સર્વોચ્ચ
અદાલતે વર્ષ 1980માં હાકામાડાની મૃત્યુદંડની સજા યથાવત્ રાખી
હતી. આ સંજોગોમાં જાપાન સરકાર તેને ગમે ત્યારે મૃત્યુદંડ ફટકારી
શકે એમ હતી. આ દરમિયાન હાકામાડાના વકીલોએ ફેર સુનવણી માટે અરજી
કરી અને છેક વર્ષ 2008માં આ અરજીને ફગાવી દેવાઈ ત્યારે ત્રણ દાયકા
નીકળી ગયા હતા. છેવટે 27મી માર્ચ,
2014ના રોજ અદાલતે હાકામાડાના કેસમાં ફરી એકવાર ફેર સુનવણીનો આદેશ આપ્યો,
જે બીજી વાર કરાયેલી અરજી પરનો ચુકાદો હતો. જાપાનની
ન્યાય પ્રણાલીમાં તાકીદે સુધારા કરવાનો અવાજ હાકામાડાના કેસના કારણે જ મજબૂત બન્યો
છે.
હાકામાડાને ન્યાય અપાવવા
માટે માનવાધિકારવાદીઓ, તેની બહેન હિડેકો હાકામાડા
અને બોક્સિંગની દુનિયાના તેના મિત્રોએ ભંડોળ ભેગું કર્યું હતું. આજે પણ સ્થાનિક બોક્સિંગ ફેડરેશન બોક્સિંગ રિંગની બાજુમાં એક ખુરશી હાકામાડાના
માનમાં ખાલી રાખે છે. જાપાનના જાણીતા ન્યાયાધીશ નોરીમિચી
કુમામોટોનો સૂર પણ હાકામાડાની તરફેણમાં ઉઠ્યો એ પછી આ કેસ વધુ હાઈ પ્રોફાઈલ બન્યો હતો. રસપ્રદ વાત એ છે કે, હાકામાડાને મૃત્યુદંડ ફટકારનારા
ત્રણ ન્યાયાધીશોની ખંડપીઠમાં કુમામોટોનો પણ સમાવેશ થતો હતો. આ અંગે તેમણે કહ્યું હતું કે, “હું માનું છું કે, હાકામાડા નિર્દોષ છે, પણ અન્ય બે ન્યાયાધીશો હાકામાડાને
નિર્દોષ જાહેર કરવા અસંમત હોવાથી અદાલતે એ નિર્ણય લીધો હતો...” આ ચુકાદાના સાત મહિના પછી તેમણે રાજીનામું આપી દીધું હતું.
ઈવાઓ હાકામાડાનો કેસ આખા
વિશ્વ માટે દાખલારૂપ છે. હાલના સંજોગોમાં મૃત્યુદંડની
સજા નાબૂદ કરવી જોઈએ કે નહીં એ નહીં પણ ન્યાય પ્રક્રિયામાં તમામ સ્તરે ખામીઓ દૂર થાય
અને લોકોને ઝડપથી ન્યાય મળે એ મુદ્દો વધારે મહત્ત્વનો છે. આશા રાખીએ કે ફક્ત જાપાન જ નહીં, પણ ભારત પણ આવા
કોઈ હાકામાડાની રાહ જોયા વિના ન્યાય પ્રણાલીની ખામીઓ દૂર કરવા તાકીદે પગલાં ભરે.
નોંધઃ તસવીર ગૂગલ પરથી લીધી છે.
સલામ છે..હાકામાડા ને..
ReplyDeleteન્યાયની આશાએ અડધી સદી જેલમાં વિતાવી પડે એ જ સાબિત કરે છે કે જાપાન જેવા દેશમાં ઝડપી ન્યાય મળવો મુશ્કેલ છે..
અને, આવી સુંદર વાત અમારા સુધી લાવવા માટે આપનો આભાર...