“હું એક પત્રકાર છું. હું હંમેશા પત્રકાર રહ્યો છું. જો હું પત્રકાર ના હોત તો
આ પુસ્તકો લખાયા ના હોત. કારણ કે, આ બધું જ લખાણ વાસ્તવિકતામાંથી લેવાયું
છે...” આ શબ્દો વીસમી સદીના મહાન સાહિત્યકાર ગેબ્રિઅલ ગાર્સિયા માર્કવેઝે
ઉચ્ચાર્યા હતા. 17મી એપ્રિલ, 2014ના રોજ મેક્સિકોના ન્યૂ મેક્સિકો શહેરમાં 87
વર્ષની વયે ગેબ્રિઅલ ગાર્સિયા માર્કવેઝનું અવસાન થયું છે. તેઓ વર્ષ 1999થી
લિમ્ફેટિક કેન્સરથી પીડાઈ રહ્યા હતા. અંગત મિત્રો તથા સાહિત્ય અને પત્રકારત્વની
દુનિયામાં ‘ગેબો’ નામે ઓળખાતા આ સાહિત્યકારે છ નવલકથા, ચાર ટૂંકી નવલ, પાંચ
વાર્તાસંગ્રહ અને સાત નોન-ફિક્શન પુસ્તકો આપ્યા છે. વર્ષ 1982માં તેમને ‘વન
હન્ડ્રેડ યર્સ ઓફ સોલિટ્યુડ’ નવલકથા માટે સાહિત્યનું નોબેલ પારિતોષિક મળ્યું હતું.
ગેબોની સૌથી પ્રખ્યાત કૃતિ ‘વન હન્ડ્રેડ યર્સ ઓફ સોલિટ્યુડ’એ વિશ્વભરના
સાહિત્યકારો, લેખકો, બૌદ્ધિકો અને સામાન્ય વાચકો પર પણ ઊંડી છાપ છોડી હતી. આ
પુસ્તકથી જ તેઓ વિશ્વભરમાં જાણીતા બન્યા હતા. આ નવલકથા વિષે ચીલીના મહાન કવિ
પાબ્લો નેરુદાએ કહ્યું હતું કે, “મિગુલ દ સર્વાન્ટિસની ‘ડોન ક્વિકસોટ’ (પર્સનલ ફેવરિટ) પછી તે સ્પેનિશ
ભાષાની સૌથી ઉત્તમ કૃતિ છે.” જ્યારે જાણીતા નવલકથાકાર વિલિયમ કેનેડીએ તો ત્યાં
સુધી કહ્યું હતું કે, “બુક ઓફ જિનેસિસ પછી આ સાહિત્યનું પહેલું સર્જન છે, જે આખી
માનવજાતે વાંચવું જોઈએ.” હિબ્રુ ભાષામાં લખાયેલા બાઈબલ ‘તનાખ’ કે ખ્રિસ્તીઓના ‘ઓલ્ડ ટેસ્ટામેન્ટ’નું પહેલું પુસ્તક ‘બુક ઓફ જિનેસિસ’ તરીકે ઓળખાય છે. આ પુસ્તકને મળેલી પ્રચંડ
લોકપ્રિયતાના કારણે ગેબોને એક સમયે એવો ડર લાગ્યો હતો કે, આ પુસ્તક પછી તેઓ જે કોઈ
પુસ્તક લખશે તેને વાચકોની દૃષ્ટિએ મૂલવવામાં નહીં આવે તો? ખેર, ગેબોનો ડર ખોટો સાબિત થયો હતો અને એ
પછી તેમણે લખેલા મોટા ભાગના સર્જનને સમીક્ષકો અને વાચકો બંનેએ ખૂબ પસંદ કર્યું છે.
આજે પણ વિશ્વના અનેક દેશોમાં તેમના પુસ્તકો એટલી જ ઉત્કટતાથી વંચાઈ રહ્યા છે.
ગેબ્રિઅલ ગાર્સિયા માર્કવેઝ |
વર્ષ 1967માં પ્રકાશિત થયેલી ‘વન હન્ડ્રેડ યર્સ ઓફ સોલિટ્યુડ’ નવલકથાનો વિશ્વની
37 ભાષામાં અનુવાદ થયો છે અને અત્યાર સુધી તેની પાંચ કરોડથી પણ વધારે નકલો વેચાઈ
ચૂકી છે. ગેબોની ‘ક્રોનિકલ ઓફ એ ડેથ ફોરટોલ્ડ’, ‘લવ ઈન ધ ટાઈમ ઓફ કોલેરા’ તેમજ ‘ઓટમ
ઓફ ધ પેટ્રિયાક’નું પણ ધૂમ વેચાણ થયું હતું. એક અંદાજ પ્રમાણે, ફક્ત બાઈબલ જ એક
એવું પુસ્તક છે જે ગેબોની કૃતિઓ કરતા વધારે વેચાયું છે. ગેબોએ તેમના જીવનમાં કંઈક
વિશિષ્ટ પ્રકારના સાહિત્યનું સર્જન કર્યું છે. તેમના મોટા ભાગના સર્જનનું
બેકગ્રાઉન્ડ લેટિન અમેરિકન સમાજ, સંસ્કૃતિ અને તેમની માન્યતાઓ છે પણ તેનો પ્રભાવ હંમેશા
વિશ્વ વ્યાપી રહ્યો છે. કદાચ એટલે જ તેમના સર્જનોનો વિશ્વની અનેક ભાષામાં અનુવાદ
થયો છે. ગેબોના લખાણોની ખાસિયત એ છે કે, તેમના સ્પેનિશમાં લખાયેલા પુસ્તકોનો બીજી
ભાષામાં અનુવાદ થાય એ પછી પણ વાચક વચ્ચેનો તેમનો નાતો અકબંધ રહે છે, અને કદાચ એટલે
જ ગેબોના પુસ્તકોનો પ્રભાવ હંમેશાં વ્યાપક રહ્યો છે.
ગેબો જે કંઈ લખતા હતા તેને સમીક્ષકો ‘મેજિકલ રિયાલિઝમ’ના ખાના (જોનર)માં મૂકે છે.
તેમની કૃતિઓમાં ચમત્કારિકતા અને વાસ્તવવાદનો સુંદર સમન્વય હતો. ગેબોની વાર્તાઓમાં
ઝંઝાવાતો વર્ષો સુધી શમવાનું નામ ન લેતા, આકાશમાંથી ફૂલો વરસતા અને જમીન પર તેના
ઢગલા થતાં, જુલમી શાસકો સદીઓ સુધી જીવિત રહેતાં, સંતો હવામાં બેસી શકતા અને
ખેતરોમાં લીધેલો પાક બગડતો નહીં. અરે, તેમના લખાણોમાં પ્રેમીઓની ઉત્કટતા પચાસ વર્ષ
પછી પણ સજીવન થઈ જતી. ફિલ્મ કે સાહિત્ય જગતમાં મેજિકલ રિયાલિઝમ શૈલીની નવાઈ નથી પણ
ગેબોએ સામાન્ય માણસની વાત કહેવા માટે આ શૈલીનો અદ્ભુત ઉપયોગ કર્યો હતો. ગેબોના
લખાણોની મદદથી લેટિન અમેરિકાના લોકોને પહેલીવાર ઓળખ મળી હતી અને ‘વન હન્ડ્રેડ યર્સ
ઓફ સોલિટ્યુડ’ કૃતિની મદદથી જ વિશ્વને લેટિન અમેરિકનોની સંસ્કૃતિ, આધ્યાત્મિકતા,
શક્તિ અને અંધશ્રદ્ધાની દુનિયામાં ડોકિયું કરવાની તક મળી હતી. આ પુસ્તક લેટિન
અમેરિકાની સામાજિક અને રાજકીય ઈતિહાસનો દસ્તાવેજ ગણાય છે.
વર્ષ 1982માં આ પુસ્તક બદલ નોબલ પુરસ્કાર સ્વીકારતી વખતે ગેબોએ લેટિન
અમેરિકાને ક્રિયેટિવિટીના પ્રચંડ સ્રોત સાથે સરખાવ્યું હતું. ગેબો અખબારોમાં નોન-ફિક્શન
લેખો પણ મજેદાર સાહિત્યિક શૈલીમાં લખતા, જે શૈલી ‘ન્યૂ જર્નાલિઝમ’ તરીકે ઓળખાય છે.
તેઓ ન્યૂ જર્નાલિઝમની શરૂઆત કરનારા લેખકો પૈકીના એક હતા અને તેમના કારણે જ આ શૈલી
વધુ જાણીતી બની હતી. તેમણે લખેલા નોન-ફિક્શન પુસ્તકોમાં ‘સ્ટોરી ઓફ એ શિપરેક્ડ
સેઈલર’ પણ ખૂબ જાણીતું છે. આ સિવાય ‘ન્યૂઝ ઓફ અ કિડનેપિંગ’ નામના નોન-ફિક્શન પુસ્તકમાં
લેટિન અમેરિકાના જાણીતા ડ્રગ માફિયા પાબ્લો એસ્કોબાર અને તેની ગેંગે પોતાના
જન્મસ્થળ કોલમ્બિયાને સામાજિક અને નૈતિક રીતે કેવો ફટકો પહોંચાડ્યો છે તેની વાત
કરી છે. વર્ષ 1994માં તેમણે ઈબરોઅમેરિકન ફાઉન્ડેશન ફોર ન્યૂ જર્નાલિઝમ નામની
સંસ્થા સ્થાપી હતી. આ સંસ્થા આજે પણ પત્રકારત્વની તાલીમ આપે છે અને વિવિધ
સ્પર્ધાઓનું આયોજન કરીને લેટિન અમેરિકામાં ઈન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ અને લખાણનું
સ્તર ઊંચું લાવવા કાર્યરત છે.
ગેબો લેટિન અમેરિકાના બીજા પત્રકારો-લેખકોની જેમ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય
રાજકારણમાં પણ સક્રિય રસ લેતા હતા. ક્યુબાના પૂર્વ પ્રમુખ ફિડેલ કાસ્ટ્રો સાથે
તેમની દોસ્તી જાણીતી હતી અને તેઓ પોતાના અપ્રકાશિત પુસ્તકોના ડ્રાફ્ટ પણ તેમને
વાંચવા આપતા હતા. ગેબો સામંતવાદી વિરોધી વલણ ધરાવતા હતા અને તેમના લખાણોમાં ડાબેરી
ઝોક રહેતો હતો. આ કારણોસર તેઓ ડાબેરી જૂથોના પ્રિય હતા. ગેબોની ડાબેરી છબિના કારણે
કોલમ્બિયાના જમણેરી જૂથોમાં તેમજ અમેરિકાના માધ્યમોમાં તેમની ટીકા થતી રહેતી.
જોકે, તેઓ વિયેતનામથી લઈને ચિલી સહિતના મુદ્દે અમેરિકાના વલણનો ખુલ્લેઆમ વિરોધ
કરતા. તેઓ વેનેઝુએલા અને નિકારાગુઆમાં ડાબેરી પક્ષોનું સમર્થન કરતા અને તેમને
આર્થિક મદદ પણ કરતા. ગેબોની કાસ્ટ્રો સાથેની દોસ્તી અને કોલમ્બિયન કોમ્યુનિસ્ટ
પાર્ટીના સભ્ય હોવાની શંકા તળે અમેરિકાએ તેમને સતત ત્રણ દાયકા સુધી વિઝા આપ્યા ન
હતા. છેવટે વર્ષ 1995માં અમેરિકન પ્રમુખ બિલ ક્લિન્ટને તેમને અમેરિકા આવવાનું
આમંત્રણ આપ્યું ત્યારે તેમનો વિઝા પ્રતિબંધ દૂર કરાયો હતો.
ખેર, એક પત્રકાર, લેખક અને સાહિત્યકાર તરીકે ગેબોને વિશ્વ યાદ રાખશે. કારણ કે,
તેમનો ઈરાદો લેખન થકી સામાન્ય માણસની લાગણીઓની વાત કરવાનો હતો. તેમણે લગભગ આખું
જીવન એક સૈનિકની શિસ્તથી લખ્યું હતું. એક યુવાન પિતા તરીકે તેઓ બાળકોને સવારે
સ્કૂલે મૂકવા અને બપોરે તેમને લેવા પણ જતા. આ દરમિયાન તેઓ સવારના આઠથી બપોરે બે
વાગ્યા સુધી સતત લખતા. એકવાર તેમણે કહ્યું હતું કે, “એક પુસ્તક પૂરું કરું એ પછી જલદીથી બીજું
લખી શકતો નથી. પછી હું શીખું છું કે, આવું બીજી વાર કેવી રીતે કરું. એ
વખતે હાથ ઠંડા પડી જાય છે. લખતી વખતે જે ઉષ્મા મળી હોય છે તે પાછી શોધવા તમારે
બીજી વાર એ શીખવાની પ્રક્રિયામાંથી પસાર થવાનું હોય છે...”
બાળપણથી જ મળી હતી લખવાની પ્રેરણા
ગેબ્રિઅલ ગાર્સિયા માર્કવેઝનો જન્મ છઠ્ઠી માર્ચ, 1927ના રોજ કોલમ્બિયાના
અરાકાટાકા નામના નાનકડા શહેરમાં થયો હતો. ગેબ્રિઅલ તેમના પિતા ગેબ્રિઅલ એલિજિયો
અને માતા લુસિયા સેન્ટિયાગાના બાર સંતાનમાં સૌથી મોટા હતા. તેમના પિતા સામાન્ય પોસ્ટલ
ક્લાર્ક હોવાથી પરિવાર કારમી ગરીબીમાં સબડતો હતો. આ દરમિયાન ગેબ્રિઅલે તેમનું
બાળપણ નાના-નાની સાથે એક ખખડધજ મકાનમાં વીતાવ્યું હતું અને આ મકાનમાં જ તેમનામાં
એક લેખકના બીજ રોપાયા હતા. નાનકડા ગેબ્રિઅલ નાની પાસે ચમત્કારોની વાર્તાઓ સાંભળીને
અને નાના નિકોલસ માર્કવેઝ મજિયા પાસેથી વીરકથાઓ સાંભળીને મોટા થયા. એટલે જ ગેબોના
લખાણોમાં નાની પાસેથી સાંભળેલી વાર્તાઓની સુંદર કલ્પના અને નાના પાસેથી સાંભળેલી
ક્રાંતિકથાઓની વાસ્તવિકતાનું સુંદર મિશ્રણ જોવા મળે છે. એકવાર ગેબોએ તેમના નાનાને
જીવનની સૌથી મહત્ત્વની વ્યક્તિ ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે, ‘વન હન્ડ્રેડ
યર્સ ઓફ સોલિટ્યુડ’ નવલકથાનો હીરો કર્નલ બ્યુન્દિયા મારા નાનાને મળતા આવે છે અને એ
પુસ્તકમાં જે જાદુઈ ગામ બતાવ્યું છે તે મારા જન્મ સ્થળ અરાકાટાકા જેવું છે.
ગેબો કિશોરવયે જ બોગોટા જતા રહ્યા હતા અને ત્યાં તેઓ કાયદાશાસ્ત્ર ભણ્યા હતા.
જોકે તેમણે ડિગ્રી લીધા વિના પત્રકારત્વમાં ઝંપલાવ્યું. એ દરમિયાન વર્ષ 1940થી
1950માં કોલમ્બિયામાં રાજકીય અસ્થિરતા અને ગૃહયુદ્ધ જેવી સ્થિતિ હતી. આ સ્થિતિમાં
ત્રણેક લાખ લોકોના મૃત્યુ થયા હતા અને ગેબોની અનેક નવલકથાઓમાં આ દુઃખદ ઘટનાનું
બેકગ્રાઉન્ડ ઝીલાયું છે. પત્રકારત્વમાં આવ્યા પછી ગેબોએ અર્નેસ્ટ હેમિંગ્વે,
વિલિયમ ફોકનર, માર્ક ટ્વેઈન, હર્માન મેલવિલે, ચાર્લ્સ ડિકન્સ, લિયો ટોલ્સટોય,
વર્જિનિયા વુલ્ફ અને ફ્રાંક કાફ્કા જેવા વિશ્વ પ્રસિદ્ધ લેખકોને વાંચવાનું ચાલુ
કરી દીધું હતું. તેઓ કેવા વાચક હતા તેનો અંદાજ તેમણે કહેલી એક વાત પરથી આવે છે.
તેમણે કહ્યું હતું કે, “હું કલ્પના પણ નથી કરી શકતો કે, દસેક હજાર વર્ષના ગાળાના
સાહિત્યનો થોડોઘણો અભ્યાસ કર્યા વિના કોઈ નવલકથા લખવાનું વિચારી પણ કેવી રીતે
શકે.” જોકે, તેઓ પ્રિય લેખકની નકલ ના થાય એ માટે હંમેશા સાવધ રહેતા. કદાચ એટલે જ
ગેબોના લખાણમાં આટલા વર્ષો પછી પણ તાજગી છે અને કદાચ હજુ પણ વર્ષો સુધી તે વંચાતા
રહેશે.
મુસીબતો જ્યારે મોં ફાડીને માણસની જરૂરિયાતોનું ભક્ષણ કરી જવા માટે ઊભી હોય ત્યારે કલ્પના, ચમત્કાર અને ધીરજનો સહારો તેને ટકાવી રાખે છે... રોજિંદી મુસીબતો સામે નાનીની કલ્પના અને ચમત્કારથી ભરેલી વાર્તા ગેબોના વિચારોમાં નવીનતા અને રોમાંચ આણતા રહ્યા હશે અને નાનાની વીરતા-ક્રાંતિની વાતો તેને ઝઝુમવાનું જોમ પૂરું પાડતા રહ્યા હશે... બચપણમાં વિચારો અને સર્જનાત્મકતાનું મજબૂત ભાથું બાંધીને ગેબો આખી જિંદગી કાગળ પર તેને પીરસતા રહ્યા અને વાચકોને તેનો અાસ્વાદ કરાવતા રહ્યા... ચોક્કસ ગેબોના અવસાનને ન્યૂ જર્નિલઝમનો યુગાંત જ કહી શકાય.. ખૂબ જ સરસ માહિતીપ્રદ લેખ..
ReplyDeleteઆભાર સંદીપ :)
ReplyDeleteસુંદર લેખ. મને નથી ખબર કે તમે ગેબોના બધા પુસ્તક વાંચ્યા છે કે નહિ, પણ લખાણ પરથી ગેબોને વાંચ્યા હોય એવી સહેજ છાપ ઉપસે છે.
ReplyDeleteવાહ.. આજે એક ઓર વિષયનુ રસપાન કરાવવા માટે આભાર
ReplyDelete