જો પ્રીતમદાસ જેવા ભક્તકવિ આજે ફેસબૂક પર હોત તો ‘હરિનો મારગ છે શૂરાનો, નહીં કાયરનું કામ’ એના બદલે ‘ફેસબૂકનો મારગ છે શૂરાનો, નહીં કાયરનું કામ’ એવું લખી નાંખત. આજકાલ અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના નામે
સોશિયલ મીડિયા પર અંધાધૂંધી ચાલી રહી છે. ફેસબૂક પર એક રાજકીય પક્ષના સમર્થક માટે
બીજા પક્ષનો સમર્થક એ દુશ્મન છે, પછી ભલે તેઓ ફેસબૂક ફ્રેન્ડ્સ હોય. ફેસબૂક પર કોઈ રાજકીય
મુદ્દે ચર્ચા થવાના બદલે અર્થહીન નિવેદનોની ફેંકાફેંકી વધારે થાય છે. હદ તો ત્યારે
થાય છે જ્યારે કોઈ સામાન્ય વ્યક્તિ, લેખક કે પત્રકાર દ્વારા તટસ્થ રીતે રજૂ કરાતા વિચારને ડામી
દેવા જે તે પક્ષોના ભક્તો તૂટી પડે છે. હા, આવા તટસ્થ લેખોને વાંચ્યા વિના ‘લાઈક’ કરવામાં આવે છે, પણ તેમાં કમસેકમ અભિવ્યક્તિને દબાવી દેવાની કોશિષ નથી કરાઈ
હોતી.
ફેસબૂકની મજા એ છે કે, ફેસબૂક પર કોઈ પક્ષની તરફેણમાં વિચાર રજૂ થાય તો તે પક્ષના
સમર્થકોની ‘લાઈક’ મળે છે. જો તે પક્ષની વિરુદ્ધમાં કોઈ વિચાર રજૂ થાય તો તેના વિરોધીઓની ‘લાઈક’ મળે છે, પરંતુ આવા સામસામેના છેડાના મત ફેસબૂક પર ભેગા થવાની
સંભાવના બહુ ઓછી હોય છે. એટલે કે ફેસબૂક યુઝર્સને પોતાની વૉલ પર તેમને ગમતી હોય
એવી જ પોસ્ટ દેખાય છે. આ કારીગરી પાછળ ‘એજરેન્ક’ નામનું ફેસબૂક અલગોરિધમ કામ કરે છે. સોશિયલ મીડિયા
સામાન્યમાં સામાન્ય વ્યક્તિ માટેનું અભિવ્યક્તિનું અત્યંત મજબૂત માધ્યમ છે. જોકે,
આ માધ્યમની પણ કેટલીક
મર્યાદા છે. જેમ કે, કોઈ પણ યુઝર્સની વૉલ પર કઈ પોસ્ટ દેખાશે તે નક્કી કરવા
ફેસબૂક એજરેન્ક અલગોરિધમની મદદ લે છે અને આ ટેક્નોલોજી ત્રણ પરિબળની મદદથી કામ કરે
છે. 1) જે વ્યક્તિ
પોસ્ટ કરે છે તે અને ફેસબૂક યુઝર વચ્ચેનો ફેસબૂક સંબંધ કેટલો છે તે,
2) લાઈક,
કમેન્ટ કે ટેગ સંબંધિત
પોસ્ટનો પ્રકાર અને 3) જે તે પોસ્ટ મૂક્યાને કેટલો સમય થયો હોય તે. આ ત્રણેયમાં
પહેલું પરિબળ અત્યંત મહત્ત્વનું છે કારણ કે, તમે જે વ્યક્તિ સાથે ફેસબૂક પર વધારે સમય વીતાવતા હોવ,
તેની પોસ્ટ તમારી વૉલ પર
દેખાય એવી શક્યતા વધારે હોય છે.
આજકાલ જોવા મળતા જે તે રાજકીય પક્ષોના કે જે તે રાજકીય પક્ષ તરફ ઝોક ધરાવતા ‘ફેસબૂકિયા ગ્રૂપ’નો વિકાસ આ અલગોરિધમના કારણે થઈ રહ્યો છે એવું કહી શકાય.
ટૂંકમાં ફેસબૂક પર એક જ રાજકીય પક્ષનું સમર્થન કરતા, સમાન રાજકીય ઝોક ધરાવતા કે સમાન વિચારો અને રસ ધરાવતા લોકો
એકસાથે રહે એમાં ટેક્નોલોજી પણ મદદરૂપ થઈ રહી છે. આ ટેક્નોલોજીના કારણે એક
પ્રકારનો મત ધરાવતા લોકોને ફેસબૂક પર તેમનાથી વિરુદ્ધ મત ધરાવતા લોકો મળે એવી
સંભાવના બહુ ઓછી હોય છે. જોકે, પોતાનાથી વિરુદ્ધ મત ધરાવનારની ફેસબૂક વૉલ પર જઈને
નિવેદનોની ફેંકાફેંક કરતા રાજકીય પક્ષોના પીઠ્ઠુ જેવા ‘પ્રોફેશનલ ફેસબૂકિયા’ઓને દૂર રાખવા એજરેન્ક અલગોરિધમ પણ દૂર રાખી નથી શકતું અને
કદાચ એ જ ‘ડિજિટલ ડેમોક્રેસી’ છે. ભારતીય પ્રજાનો મૂળ સ્વભાવ ‘પોલિટિકલ પરફેક્ટ’ રહેવાનો છે. રાજકારણ જેવા ક્ષેત્રમાં ડાબું કે જમણું,
સાચું કે ખોટું એની
વચ્ચે પણ કંઈક હોય છે એ વાત સ્વીકારવી સરેરાશ ભારતીય માટે અઘરી છે.
લોકો ભૂલી જાય છે કે, ફેસબૂક એ ચ્હાની કિટલી નહીં પણ બહુ મોટું નેટવર્ક છે. અહીં
બધા જ તમારા મિત્રો નથી પણ ‘ફેસબૂક ફ્રેન્ડ્સ’ છે અને એ બંનેમાં આસમાન જમીનનો તફાવત છે. ફેસબૂક પર તમે
તમારા ફ્રેન્ડ્સના ફ્રેન્ડ્સના ફ્રેન્ડ્સ સાથે નેટવર્કમાં હોવ છો. ભારતમાં દસેક
કરોડ લોકો ફેસબૂકનો ઉપયોગ કરે છે. ફેસબૂક પર જે મૂકાય છે તે જોનારા-વાંચનારા લોકો
તમારા ફ્રેન્ડ્સ લિસ્ટથી અનેકગણા વધારે હોઈ શકે છે. ફેસબૂક પર લખાયેલા શબ્દો એ
અમુક લોકો વચ્ચે થયેલો સંવાદ નથી. અહીં એવા અનેક લોકો છે જે તમને ઓળખતા નહીં હોવા
છતાં તમારી વાત સાંભળે છે અને એ વાંચ્યા પછી તમારો માનસિક વિકાસ કેટલો થયો છે એનું
માપ કાઢે છે. આપણા દેશમાં ઓનલાઈન રાજકીય પ્રચાર માટે ફેસબૂક અને ટ્વિટરનો મહત્તમ
ઉપયોગ થાય છે. આ ઓનલાઈન રાજકારણમાં કોઈને વિરુદ્ધ મત તો ઠીક,
વિરુદ્ધ મત ધરાવતો યુઝર
પણ સ્વીકાર્ય નથી એવું તેમનું વર્તન હોય છે.
રાજકીય મુદ્દે ગરમાગરમી થયા પછી અનેક ફેસબૂક યુઝર્સે પોતાના ફ્રેન્ડ્સ
લિસ્ટમાંથી આવા લોકોને શોધી શોધીને બ્લોક કરવા પડ્યા હોય એવા દાખલા આપણી આસપાસ
મોજુદ છે. કારણ કે, રાજકીય મુદ્દે ચર્ચા કરતી વખતે અંગત ટિપ્પણી કરતા પણ લોકો
ખચકાતા નથી. ફેસબૂક પર આપણે સામાન્ય રીતે જાહેરમાં ના બોલતા હોઈએ એવી રીતે (એ
પ્રકારની શૈલીમાં) અભિવ્યક્તિ ઠાલવતા રહીએ છીએ. ફેસબૂક પર ખેલાતા રાજકારણનો સમાજશાસ્ત્રીયથી
લઈને મનોવૈજ્ઞાનિક અભ્યાસ થઈ શકે છે. આપણે રુબરુ મળીએ ત્યારે એકબીજા સાથે રાજકારણ
સહિતના મુદ્દે જુદો મત ધરાવતા હોઈએ તો પણ પ્રમાણમાં સારી રીતે વાતચીત કરી છીએ કારણ
કે, આપણને
બે આંખની શરમ નડતી હોઈ શકે છે. જોકે, સોશિયલ મીડિયા પર બે આંખની શરમ નહીં હોવાથી લોકો ઝનૂન,
દુરાગ્રહ અને પાગલપનની
હદ સુધી ટીકા-ટિપ્પણી કરીને પોતાનું ચરિત્ર ઉજાગર કરતા રહે છે.
આવી ‘સાયબર અંધાધૂંધી’માં જાહેર જીવનમાં હોય એવા લોકો અને રાજકીય મુદ્દે લખતા લેખક-પત્રકારે અંગત
ટિપ્પણીનો સામનો વધારે કરવો પડે છે, પણ જો તેઓને આ મુશ્કેલી વ્યાપક સ્તરે સહન કરવી ના પડતી હોય
તો તેની પાછળ એજરેન્ક અલગોરિધમની બહુ મહત્ત્વની ભૂમિકા છે.
રાજકીય દલીલબાજીઃ હકીકતોથી દૂર, પ્રચારની નજીક
ફેસબૂક પર રાજકીય મુદ્દે લખતા લેખકો-પત્રકારોએ ઓનલાઈન બૂમબરાડા વધારે સહન કરવા
પડે છે. ફેસબૂક પર નિયમિત રીતે હાજરી પુરાવીને ‘ફેસબૂકિયું રાજકારણ’ ખેલનારા લોકો બે પ્રકારના હોય છે. પહેલાં પ્રકારમાં રાજકીય
પક્ષોના ‘પ્રોફેશનલ ફેસબૂકિયા’ હોય છે અને બીજા પ્રકારમાં ફેસબૂક પર હાજરી પુરાવીને રાજકીય
પક્ષોનું મફતમાં કામ કરતા ફેસબૂકિયા હોય છે. પહેલાં પ્રકારના ફેસબૂકિયા કદાચ પોતાના
પક્ષની નબળાઈઓ જાણે છે પણ તેમણે જાત છેતરીનેય આગળ વધવાનું છે. આ લોકો કોઈ પક્ષનો
પ્રચાર કરવામાં આવી રીતે મદદરૂપ થતા રહે છે, જ્યારે બીજા પ્રકારના ફેસબૂકિયા રાજકીય પક્ષોની નબળાઈઓથી
પૂરતા માહિતગાર નથી હોતા અને એટલે જ તેમની દલીલો હકીકતોથી દૂર અને રાજકીય પક્ષોએ
કરેલા પ્રચારની નજીક હોય છે.
આ બીજા પ્રકારના ફેસબૂકિયાઓનું સમગ્ર રાજકીય વ્યક્તિત્વ રાજકીય પક્ષોના કુપ્રચારમાંથી
ઘડાયું હોય છે. કોઈ પણ લાભ વિના રાજકીય પક્ષોની કંઠી પહેરેલા આ ફેસબૂકિયા પ્રોફેશનલ ફેસબૂકિયાઓથી પણ વધુ ખતરનાક હોય છે. આ લોકો ગમે તેમ કરીને પોતાના વિરોધીઓને ચૂપ કરવા ઈચ્છતા હોય છે. આ નવા પ્રકારની ગુંડાગીરીને આપણે ‘સાયબર ગુંડાગીરી’ કહી શકીએ. સોશિયલ મીડિયામાં નિયમિત રીતે હાજર આ
એન્ટી-સોશિયલ તત્ત્વોની દલીલો ઠાલી અને અધકચરી હોવા છતાં તેઓ પોતાની ઓળખ જાહેર
કરતા ખચકાતા નથી. આ લોકોને રાજકીય પક્ષોએ ખરીદી લીધા હોઈ શકે છે. સોશિયલ મીડિયા પર
પોતાના પક્ષ સામે ઉઠતા અવાજને દબાવી દેવા તેઓ ઉત્સુક હોય છે. આ લોકો વાસ્તવિક
જીવનમાં પ્રશ્ન પૂછી શકે એટલા સક્ષમ નથી હોતા પણ સોશિયલ મીડિયા પર શૂરા હોય છે.
કારણ કે, પોતાના પર પસ્તાળ પડે ત્યારે અહીં શાહમૃગની જેમ મોંઢું જમીનમાં સંતાડવું વધારે
સરળ છે.
પરંપરાગત મીડિયાનું સ્થાન લઈ રહેલું સોશિયલ મીડિયા
અણ્ણા હજારે, જનલોકપાલ બિલ, દિલ્હી સામૂહિક બળાત્કાર કેસ, અરવિંદ કેજરીવાલ, નરેન્દ્ર મોદી અને સત્યમેવ જયતે જેવા અનેક ઉદાહરણો પછી
એટલું સાબિત થઈ ગયું છે કે, સોશિયલ મીડિયાના કારણે આજના યુવાનો અને મધ્યમ વર્ગને રાજકીય,
સામાજિક રીતે વધુ સક્રિય
થવાની તક મળી છે. આજે મોટા ભાગના રાજકારણીઓએ ફેસબૂક કે ટ્વિટર પર હાજરી પુરાવવી
જરૂરી બની છે. દેશના મોટા ભાગના અખબારો, સામાયિકો અને સમાચાર ચેનલો તેમના સમાચારની ફિડ સોશિયલ
મીડિયા પર મૂકે છે. સોશિયલ મીડિયા મુખ્ય પ્રવાહમાં પ્રવેશી ચૂક્યું છે અને એટલે જ
રાજકારણીઓ પોતાના વિરોધીઓનો વિરોધ કરવા પોસ્ટ મૂકે છે અને ટ્વિટ કરે છે. આ
સમાચારોની મુખ્ય પ્રવાહના મીડિયામાં પણ નોંધ લેવાય છે. નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશ
અને બિહારની રાજકીય રેલીઓમાં બિહારના મુખ્યમંત્રી નીતીશકુમાર પર હુમલો કર્યો
ત્યારે નીતીશકુમારે ફેસબૂક પોસ્ટની મદદથી મોદીને વિસ્તૃત જવાબ આપ્યો હતો,
અને આવા અનેક ઉદાહરણો
આપણી સામે છે.
ઈન્ટરનેટનો ઉપયોગ શહેરી વર્ગમાં વધુ હોવાથી સોશિયલ મીડિયા શહેરની બેઠકોના
ચૂંટણી સમીકરણો બદલવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. ફેસબૂક કે ટ્વિટર જેવી
સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર મોટા ભાગે રાજકારણની જ ચર્ચા થાય છે,
જે દર્શાવે છે કે
રાજકારણ હવે શેરીઓમાંથી સોશિયલ મીડિયાની ગલીઓમાં પ્રવેશી ગયું છે. હવે લોકો જ
પોતાને મનપસંદ સમાચારો ‘શેર’ કરે છે અને પોતે જ સમાચારોનું સર્જન કરે છે. એક રીતે આ પત્રકારત્વનું પણ
લોકશાહીકરણ છે. ભવિષ્યમાં હજુ પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ વધશે અને લોકો દરેક રાજકીય
મુદ્દામાં ભાગીદાર બનવા થનગનશે. કારણ કે, અહીં કંઈ કહેવા માટે ‘માઈક’ માગવુ નથી પડતું. અહીં જે પણ કંઈક લખાય છે તેનો ત્વરિત
પ્રતિભાવ મળે છે અને ત્વરિત પ્રતિભાવ આપી પણ શકાય છે. આ મજબૂત માધ્યમની મદદથી લોકો
ગેરમાર્ગે દોરાઈ શકે છે અને એટલે જ તેના પર કંઈક કહેતા પહેલાં આંખ-કાન ખુલ્લા
રાખીને, વિચારીને બોલવું વધારે જરૂરી છે.
ખેર, ફેસબૂક જેવા માધ્યમનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરતા લોકોએ ‘સાયબર ગુંડાગીરી’ની ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે,
તેમની સાથે ફેસબૂક
ફ્રેન્ડ્સ હોય કે ના હોય, એજરેન્ક અલગોરિધમ જરૂર છે. આવા ઓનલાઈન વાતાવરણમાં ફેસબૂક પર
પૂર્વગ્રહમુક્ત અને વિશ્લેષણ કરીને રાજકીય મત રજૂ કરવો એ ખરેખર ‘શૂરા’નું કામ છે.
સરસ રજૂઆત. :)
ReplyDelete