20 March, 2014

માર્ક ઝકરબર્ગ કો ગુસ્સા ક્યું આતા હૈ?


ફેસબુક ચિફ માર્ક ઝકરબર્ગે સાયબર જાસૂસી મુદ્દે અમેરિકન સરકાર સામે નારાજગી દર્શાવતા ફરી એકવાર અમેરિકન સરકાર દ્વારા થતી જાસૂસીની યોગ્યતા મુદ્દે ચર્ચા છેડાઈ ગઈ છે. એડવર્ડ સ્નોડેને ધ ગાર્ડિયનઅને ધ વૉશિંગ્ટન પોસ્ટજેવા અખબારો સમક્ષ અમેરિકન સરકારના સર્વેઇલન્સ પ્રોગ્રામ પ્રિઝમની ટોપ સિક્રેટ વાતો જાહેર કરી દેતા અમેરિકન મીડિયાએ તેને વગર વિચાર્યે વ્હિસલ બ્લોઅરતરીકે વધાવી લીધો હતો. આ દરમિયાન અમેરિકન સરકારની તરફેણમાં એક સૂર એવો પણ ઉઠ્યો હતો કે, અમેરિકન સુરક્ષા એજન્સીઓ 9/11 પછી 45 જેટલા આતંકવાદી હુમલા રોકી શકી તેમાં સાયબર જાસૂસીએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. એ વખતે સુરક્ષાના કારણોસર યાહૂ, એપલ, ફેસબુક, ગૂગલ, એઓએલ અને માઈક્રોસોફ્ટ જેવી કંપનીઓએ જ અમેરિકાની નેશનલ સિક્યોરિટી એજન્સી (એનએસએ)ને પોતાના યુઝર્સની માહિતી આપી હતી.

જોકે, આ કંપનીઓએ સુરક્ષાના કારણોસર અમેરિકન સરકારને પોતાના યુઝર્સની કેટલી અને કેવી માહિતી આપી છે તે કદાચ ક્યારેય જાણી નહીં શકાય. પરંતુ હવે ફેસબુકના સર્વેસર્વા ઝકરબર્ગે જાસૂસીને લઈને વિરોધ નોંધાવવા સીધો અમેરિકન પ્રમુખ બરાક ઓબામાને ફોન કરતા અમેરિકન જાસૂસી કથામાં નવો ફણગો ફૂટ્યો છે. જો અમેરિકન કંપનીઓએ જ સરકારને જાસૂસી નેટવર્ક ઊભું કરવા કે જાસૂસીના કામમાં મદદ કરી હોય તો છેક હવે ઝકરબર્ગના પેટમાં તેલ કેમ રેડાયું? અમેરિકન સરકાર સામે ભડાશ ઠાલવતી વખતે ઝકરબર્ગે કહ્યું છે કે, “જાસૂસી મુદ્દે અમેરિકન સરકારના શંકાસ્પદ વર્તનના સતત આવી રહેલા અહેવાલોથી હું મૂંઝવણ અને નિરાશાની લાગણી અનુભવી રહ્યો છું...

માર્ક ઝકરબર્ગ

માર્ક ઝકરબર્ગનું આ નિવેદન બિટ્વિન ધ લાઈન્સસમજીએ તો એવું કહી શકાય કે, અમેરિકન સરકાર દ્વારા થતી જાસૂસી મુદ્દે સતત આવી રહેલા અહેવાલોથી તેઓ પરેશાન છે. કારણ કે, સોશિયલ મીડિયા નેટવર્કિંગમાં લગભગ એકહથ્થું શાસન ભોગવી રહેલા ફેસબુકનો ઉપયોગ લોકો એકબીજા સાથે ફક્ત સંપર્કમાં રહેવા માટે નથી કરતા પણ પોતાની અંગત માહિતીની આપ-લે કરવા પણ કરે છે. ફેસબુકના અમેરિકન અને યુરોપિયન દેશોના યુઝર્સ પ્રાઈવેસીને લઈને ફેસબુકનો ઉપયોગ કરવાનું બંધ કરી દેશે અથવા ઓછો કરી દેશે એવો તેમને ડર હોઈ શકે છે. ફેસબુક જેવી કંપનીઓ અમેરિકન સરકારને જાસૂસી કામમાં ઓછેવત્તે અંશે મદદરૂપ થતી હોવા છતાં અમેરિકન સરકારને તેનાથી સંતોષ ના હોય એવું પણ શક્ય છે. આ વાત પણ ઝકરબર્ગના ફેસબુક પેજ પર મૂકાયેલી પોસ્ટથી સાબિત થઈ જાય છે. ઝકરબર્ગે ફેસબુક પેજ પર અમેરિકન સરકાર સામે રોષ ઠાલવતા કહ્યું છે કે, “નેશનલ સિક્યોરિટી એજન્સીએ કેટલાક કમ્પ્યુટરને વાયરસની મદદથી નુકસાન પહોંચાડવા અમારા સર્વરની પણ નકલ કરી છે...આ કંપનીઓએ આપેલી માહિતીથી અમેરિકન સરકારને સંતોષ ના હોય તો જ નેશનલ સિક્યોરિટી એજન્સી જાસૂસી કરવા આટલી હદે ગઈ હોય એવી પૂરેપૂરી શક્યતા છે.  

એડવર્ડ સ્નોડેને મીડિયા સામે પ્રિઝમપ્રોગ્રામના વટાણાં વેરી નાંખ્યા એ પછી કોઈ અમેરિકન કંપનીના વડાએ પહેલીવાર અમેરિકન સરકાર સામે જાહેરમાં વ્યથા ઠાલવી છે. સ્નોડેનના કિસ્સામાં  કદાચ સરેરાશ અમેરિકનનું અમેરિકન સરકારને સમર્થન હતું. સ્નોડેન વિશે ટાઈમમેગેઝિને કરેલા એક સર્વેક્ષણ મુજબ, 53 ટકા અમેરિકનો તો સ્નોડેન સામે કાયદેસરના પગલાં લેવાની તરફેણ કરતા હતા. સ્નોડેનનો કિસ્સો ગાજ્યો ત્યારે પણ અમેરિકાના બે મુખ્ય પક્ષ ડેમોક્રેટ કે રિપબ્લિકનને પ્રિઝમ પ્રોગ્રામની કાયદેસરતા અંગે કોઈ ચિંતા વ્યક્ત કરી ન હતી. આ પ્રોગ્રામ હેઠળ નેશનલ સિક્યોરિટી એજન્સીએ તમામ અમેરિકનોની કૉલ ડિટેઇલ્સ, ઈ-મેઈલ, પાસવર્ડ અને ક્રેડિટ કાર્ડ ડેટા આંતરવા માટે ઈલેક્ટ્રોનિક જાસૂસી નેટવર્ક ઊભું કર્યાના સમાચારો વહેતા થયા તો પણ પ્રાઈવેસી મુદ્દે સંવેદનશીલ એવા અમેરિકામાં ખાસ કોઈ વિરોધ ઉઠ્યો ન હતો. આ દરમિયાન અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ જાહેરમાં કહ્યું હતું કે, “100 ટકા પ્રાઈવેસી અને થોડી ઘણી પણ મુશ્કેલી સહન કર્યા વિના તમે 100 ટકા સુરક્ષા મેળવી શકો નહીં...ઓબામાના આ નિવેદનનો પણ ખાસ કોઈ વિરોધ થયો ન હતો. પરંતુ ફેસબુક યુઝર્સની જાસૂસીના કિસ્સામાં અમેરિકન સરકારને અમેરિકનોનું સમર્થન મળશે કે કેમ એ કહેવું અત્યારે ઘણું વહેલું છે.

ફેસબુક યુઝર્સની પ્રાઈવેસીને લઈને ઝકરબર્ગના અચાનક ઊભરાઈ ગયેલા પ્રેમ પાછળ તેનો પોતાનો સ્વાર્થ જ છુપાયેલો છે. ઝકરબર્ગે ફેસબુક પેજ પર યુઝર્સને સંબોધીને એમ પણ લખ્યું છે કે, “અમારા એન્જિનિયરો સુરક્ષાને સુધારવા થાક્યા વિના કામ કરી રહ્યા છે, અમે તમને ગુનેગારો સામે સુરક્ષા આપી શકીએ છીએ, પણ આપણી જ સરકાર સામે નહીં. સરકાર દ્વારા જ આપણા ભવિષ્યને થતા નુકસાનને લઈને વ્યથા ઠાલવવા માટે મેં પ્રમુખ ઓબામાને કૉલ કર્યો છે. કમનસીબે, એવું લાગી રહ્યું છે કે સાચા અર્થમાં સંપૂર્ણ સુધારા થતાં હજુ ઘણી વાર લાગશે.પ્રમુખ ઓબામાને ફોન કરીને મેં વ્યથા ઠાલવી છે એવું ફેસબુકના વડાએ યુઝર્સ સાથે શેર કરવાની જરૂર કેમ પડી? આ જવાબ શોધવા માટે રોકેટ સાયન્સભણવાની જરૂર નથી. ઝકરબર્ગને ડર છે કે, અમેરિકા તો ઠીક વિશ્વના અનેક દેશોમાં કરોડો નાગરિકો પ્રાઈવેસી મુદ્દે અતિ સંવેદનશીલ હોઈ શકે છે અને જાસૂસી મુદ્દે સતત આવી રહેલા અહેવાલોથી ફેસબુક સામે વિશ્વસનિયતાનો બહુ મોટો પ્રશ્ન ઊભો થઈ શકે છે. સોશિયલ નેટવર્કિંગની દુનિયામાં પોતાના હરીફોને સતત પછાડીને આગળ વધી રહેલી ફેસબુકને વિશ્વસનિયતા સાથે સમાધાન કરવું જરાય પોસાય એમ નથી.
 
જોકે, ફેસબુક સિવાય બીજી કોઈ અમેરિકન કંપનીએ સરકાર સામે આટલા આકરા શબ્દોમાં વિરોધ નોંધાવ્યો હોય એવું હજુ સુધી બન્યું નથી. આ સ્થિતિમાં અમેરિકન સરકાર સામે ફેસબુકનો વિરોધ  મજબૂતાઈ હાંસલ કરે એવી શક્યતા બહુ ઓછી છે. અમેરિકન સરકારમાં ઝકરબર્ગથી પણ વધારે વજન ધરાવતા માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સે તો જાસૂસી મુદ્દે ઝકરબર્ગથી જુદું વલણ અપનાવ્યું છે. તાજેતરમાં જ બિલ ગેટ્સે એડવર્ડ સ્નોડેનની ટીકા કરી હતી અને કહ્યું હતું કે, ઈન્ટરનેટ પર સરકારે થોડીઘણી સર્વેઈલન્સ કેપેબિલિટીરાખવી જરૂરી છે. ગેટ્સે તો સ્નોડેન વિશે એમ કહ્યું છે કે, “મને લાગે છે કે, તેણે કાયદાનો ભંગ કર્યો છે અને હું તેનું હીરો તરીકે ક્યારેય ચિત્રણ નહીં કરું. તમને મારા તરફથી એના કોઈ વખાણ સાંભળવા નહીં મળે. સ્નોડેનના કૃત્યથી સરકારે સુરક્ષા સાથે સમાધાન કરવું પડ્યું છે.

એડવર્ડ સ્નોડેને જાહેર કરી દીધેલા ગુપ્ત દસ્તાવેજો પરથી જ ફેસબુકને જાણ થઈ હતી કે, નેશનલ સિક્યોરિટી એજન્સીએ કેટલાક કમ્પ્યુટરમાંથી માહિતી ચોરવા માટે તેના સર્વરની કેવી રીતે નકલ કરી હતી. અમેરિકન સરકાર કેવી રીતે જાસૂસી કરે છે પદ્ધતિ તો જાણી શકાઈ નથી, પરંતુ કેટલાક લોકોએ શંકા વ્યક્ત કરી છે કે કેટલાક યુઝર્સ ફેસબુકમાં લોગ ઈન કરે ત્યારે તેઓ આપોઆપ નેશનલ સિક્યોરિટી એજન્સીના કમ્પ્યુટર સાથે કનેક્ટ હોઈ શકે છે. આખરે ઝકરબર્ગને આટલો ગુસ્સો કેમ આવ્યો છે એ વિશે તેમણે હજુ સુધી મુદ્દાસરની સ્પષ્ટતા નથી આપી, પણ એવું કહેવાય છે કે તેમને આ કારણોસર જ સૌથી વધારે ગુસ્સો આવ્યો છે. અત્યારે દબંગ મૂડમાં આવી ગયેલા ખુદ ઝકરબર્ગ પહેલાં એવું કહી ચૂક્યા છે કે, સોશિયલ મીડિયામાં પ્રાઈવેસી જેવું કંઈ હોતુ નથી. તો પછી અમેરિકન સરકાર પર આટલા ભડકવાનું કારણ શું છે? કારણ સ્પષ્ટ છે. જો હવે કોઈ જુલિયન અસાન્જ કે એડવર્ડ સ્નોડેન પાણીમાંના દેડકાની જેમ કૂદીને બહાર આવશે તો વિશ્વભરમાં સૌથી વધુ યુઝર્સ ધરાવતા ફેસબુકને જ નુકસાન થશે એ નક્કી છે.

રસપ્રદ વાત તો એ છે કે, ઝકરબર્ગે સ્નોડેનની તરફેણ કે વિરુદ્ધમાં એક શબ્દ કહ્યો નથી, પરંતુ અમેરિકન સરકાર સામે વિરોધ નોંધાવ્યો છે. જ્યારે બિલ ગેટ્સે સ્નોડેનના કૃત્યનો સ્પષ્ટ વિરોધ કર્યો છે અને કહ્યું છે કે, “જો તેઓ આ મુદ્દો ઉઠાવવા માગતા હોત, દેશમાં જ રહીને અસહકાર કે એવું કંઈક કરવા માગતા હોત અથવા પોતે જે કંઈ જાહેર કરે છે એ માટે સાવચેત રહ્યા હોત તો હું તેમને સૌથી વધારે સહકાર આપત.એટલું જ નહીં ગેટ્સે અમેરિકન સરકારની તરફેણ કરતા હોય એમ કહ્યું છે કે, “સરકારે જાસૂસી કયા સંજોગોમાં કરી એવા વ્યાપક અર્થમાં તેની ચર્ચા થવી જોઈએ...

ટૂંકમાં, જાસૂસી મુદ્દે ઝકરબર્ગ ગમે તેટલી વ્યથા ઠાલવે તો પણ અમેરિકન કોર્પોરેટ્સ કે સરેરાશ અમેરિકનને તેમનું વ્યાપક સમર્થન મળે એવી સંભાવના બહુ ઓછી છે.

No comments:

Post a Comment