01 December, 2013

પ્રાચીનકાળમાં પર્વત જેવા પથ્થરો કેવી રીતે ખસેડાતા હતા?


ઈજિપ્તના પિરામિડો, ઈંગ્લેન્ડની પ્રખ્યાત સ્ટોનહેન્જ સાઈટ કે કંબોડિયામાં આવેલું વિશ્વનું સૌથી મોટું હિંદુ મંદિર જોઈને એવો વિચાર આવવો સ્વાભાવિક છે કે, આટલા વર્ષો પહેલાં પર્વત જેવા મહાકાય પથ્થરોને જે તે સ્થળ સુધી કેવી રીતે પહોંચાડાયા હશે? વિશ્વમાં અનેક સ્થળોએ પ્રાચીન સમયમાં બનેલા આવા આકારો જોવા મળે છે અને એ અસ્તિત્વમાં આવ્યા ત્યારે હાઈડ્રોલિક ક્રેન કે ભારે વજન વહન કરી શકે એવા ટ્રક પણ ન હતા. તો પછી આજના આધુનિક માનવો જેના વખાણ કરતા થાકતા નથી એવા મંદિરો અને પૂતળાનું બાંધકામ કરવા એ સમયે પથ્થરો બાંધકામ સ્થળે કેવી રીતે પહોંચાડાતા હતા? આ પ્રશ્નોના જવાબ અત્યાર સુધી ઘણાં વિજ્ઞાનીઓ આપી ચૂક્યા છે, પરંતુ પ્રોસિડિંગ્સ ઓફ ધ નેશનલ એકેડેમી ઓફ સાયન્સ જર્નલમાં પહેલીવાર આ દિશામાં પદ્ધતિસરનો અભ્યાસ લેખ પ્રકાશિત કરાયો છે.

અહીં આપણે અંગકોર વાટનું મંદિર, ઈજિપ્તના પિરામિડો અને ઈંગ્લેન્ડમાં સ્ટોનહેન્જની જાણકારી મેળવીશું તેમજ તેનું સર્જન કરવા મહાકાય પથ્થરોની હેરફેર કેવી રીતે કરાઈ હશે એ મુદ્દો આ વૈજ્ઞાનિક અભ્યાસના આધારે સમજીશું. 

અંગકોર વાટનું મંદિર

કંબોડિયામાં નવમીથી 15મી સદી દરમિયાન મેર સામ્રાજ્યમાં અંગકોર વાટનું વિશાળ હિંદુ મંદિર બાંધવામાં આવ્યું હતું. આ મંદિરના કારણે કંબોડિયા વિશ્વભરમાં જાણીતું બની ગયું છે. આવા ઐતિહાસિક સ્થળોનો અભ્યાસ કરીને ઘણી બધી માહિતી મેળવી શકાય છે. ફ્રેન્ચ ઈન્સ્ટિટ્યુટ ફોર એશિયન સ્ટડીઝ ઈન બેંગકોકના આર્કિયોલોજિસ્ટ અને પ્રાચીન શહેરોના નિષ્ણાત ક્રિસ્ટોફર પોટિર જણાવે છે કે, “અંગકોર વાટ એ બીજા લોકો માટે ફક્ત એક મંદિર છે. પરંતુ આ સૌથી મોટુ મંદિર છે અને તેની ડિઝાઈનમાં ભારત અને ચીનની સંસ્કૃતિની બહુ મોટી અસર જોવા મળે છે. એનો અર્થ એ છે કે, ભારત અને ચીન વચ્ચે મેર સામ્રાજ્ય વખતે પણ વેપારી સંબંધો હતા. અંગકોર વાટ બે સમૃદ્ધ સંસ્કૃતિઓનો સુભગ સમન્વય છે, તેને બંને સંસ્કૃતિઓનો લાભ મળ્યો છે.”

કંબોડિયામાં આવેલું અંગકોર વાટનું મંદિર

પોટિરનું માનવું છે કે, આ મંદિરોની રચના કેવી રીતે થઈ એ સારી રીતે સમજવા અંગકોર વાટને સારી રીતે સમજવું જોઈએ. જેમ કે, અંગકોર વાટના મંદિરની સ્થાપના પાછળ ભારતીય ધર્મે મહત્ત્વની ભૂમિકા ભજવી છે. આ મહેલ નથી, તેમાં કોઈ રહેતું ન હતું, તે ભગવાનનું ઘર છે. આ મંદિર બંધાતું હતું ત્યારે મેર સામ્રાજ્યના લોકોની માન્યતા હતી કે, તેમના ભગવાન માઉન્ટ મેરુ (એક પૌરાણિક પર્વત) પર રહે છે. આ માન્યતાના કારણે જ અંગકોર વાટનું એક જ પથ્થરમાંથી બાંધવામાં આવ્યું છે, જે પર્વતનું પ્રતીક છે. વળી, તેનું બાંધકામ કાંપ ધરાવતી વિશાળ જમીન પર કરાયું છે. નવમી સદીમાં આ મંદિરનું બાંધકામ શરૂ કરાયું હશે ત્યારે તેમણે આસપાસની જમીનની માટી ખોદીને જ ઈંટો બનાવી હતી અને દસમી સદીમાં તેમણે પથ્થરના બ્લોકનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું હતું.

વિજ્ઞાનીઓની મુશ્કેલી હવે શરૂ થાય છે. આ પથ્થરો જે ખાણોમાંથી તોડાતા હતા તે બાંધકામ સ્થળથી 50થી 70 કિલોમીટર દૂર હતી. અંગકોર વાટમાં ઉપયોગમાં લીધેલા પથ્થરના 95 ટકા બ્લોક 200થી 300 કિલોના છે. આ દિશામાં ઊંડા સંશોધનો કર્યા પછી વિજ્ઞાનીઓને માલુમ પડ્યું છે કે, ખાણથી બાંધકામ સ્થળ સુધી પથ્થરો લાવવા માટે તેમણે પાણીનો ધસમસતો પ્રવાહ ધરાવતી કેનાલનો ઉપયોગ કર્યો હતો. આ કામ માટે તેઓ મોટા ભાગે ચોમાસાની ઋતુ પસંદ કરતા હતા. જ્યારે ચોમાસા સિવાયની ઋતુમાં પથ્થરોના બ્લોકની કોતરણી અને તેમને એકબીજા સાથે જોડવાનું કામ કરાતું હતું. પથ્થરના બ્લોકને બાંધકામ સ્થળે પહોંચાડ્યા પછી કારીગરો ગોળાકાર લાકડા પર બ્લોકને ગગડાવીને આગળ લઈ જતા હતા. જ્યારે ભારેખમ બ્લોકને ચોક્કસ સ્થિતિમાં મૂકવા માટે તેઓ પાલખી અને ગરગડી જેવા સાધનોનો ઉપયોગ કરતા હતા.

ઈજિપ્તના પિરામિડો

ઈજિપ્તના પિરામિડો રેતાળ જમીન પર આવેલા છે અને ઘણાં વર્ષો સુધી સંશોધકોને એ સવાલ સતાવતો હતો કે, રણપ્રદેશની વચ્ચે ચૂનાના અને રેતીના હજારો ટન વજન ધરાવતા પથ્થરો બાંધકામ સ્થળે કેવી રીતે પહોંચ્યા હશે? ફાયુમના રણમાં બાંધવામાં આવેલા પિરામિડો બાંધવા બાસાલ્ટ ખાણના પથ્થરોનો ઉપયોગ થયો છે, જે બાંધકામ સ્થળથી 60 કિલોમીટર દૂર છે. પિરામિડો બાંધવા માટે આ ખાણોમાં તૈયાર થતાં બ્લોકનું વજન દસ ટન જેટલું છે. સ્વિત્ઝર્લેન્ડની આર્કિયોલોજી એન્ડ કન્ઝર્વેશન સર્વિસના જિયો-આર્કિયોલોજિસ્ટ અને ઈજિપ્તની પ્રાચીન ખાણોના નિષ્ણાત પેર સ્ટોમેર કહે છે કે, “આ પથ્થરો લાવવા તેમણે પણ કદાચ નાઈલ (નદી)નો ઉપયોગ કર્યો હોવો જોઈએ. કારણકે પ્રાચીન ઈજિપ્તમાં પથ્થરની ખાણો નાઈલ નદીની આસપાસ હતી અને રેતાળ પ્રદેશો સુધી પથ્થરો પહોંચાડવાનો એ જ સૌથી ટૂંકો રસ્તો હતો. જોકે, ખાણો પિરામિડના બાંધકામ સ્થળેથી હજારો કિલોમીટર દૂર હતી. એટલે પ્રાચીન ઈજિપ્તિયનોએ પાણી માર્ગ, માનવબળ તેમજ રોલર અને સ્લેજગાડી જેવા સાધનોની મદદથી આ કામ પાર પાડ્યું હોવું જોઈએ.”

ઈજિપ્તના પિરામિડો

પિરામિડોનું બાંધકામ આજથી ચાર-પાંચ હજાર વર્ષ પહેલાં થયું હતું. આ સમયે કોઈ ટેક્નોલોજી ન હતી એટલે કારીગરોએ ખાણ નજીક સાતેક માઈલ એક સાંકડો રસ્તો તૈયાર કર્યો હતો, જે નાઈલ નદી સાથે જોડાયેલા એક તળાવ સુધી જતો હતો. જોકે, હાલ આ તળાવ સૂકાઈ ગયું છે. જોકે, સંશોધકો કબૂલે છે કે, તળાવમાંથી નદી અને નદીથી બાંધકામ સ્થળ સુધી વજનદાર બ્લોક તેઓ કેવી રીતે પહોંચાડતા હતા તે જાણવું અઘરું છે. ગોળાકાર લાકડામાંથી બનાવેલા સાધનો ટૂંકા અંતર માટે અકસીર છે, પણ લાંબા અંતર માટે તેઓ ચોક્કસપણે બીજી પદ્ધતિનો ઉપયોગ કરતા હતા. સંશોધકોનું અનુમાન છે કે, પથ્થરોના વહન માટે તેમણે રેલવે જેવું કોઈ વાહન તૈયાર કર્યું હોઈ શકે છે. જોકે, આ રેલવે આજની રેલવે જેવી નહીં પણ લાકડામાંથી બનાવેલી સ્લેજગાડી જેવું કોઈ વાહન હોઈ શકે છે, જેના પર પથ્થર મૂકીને ઢસડીને લઈ જઈ શકાય. આ માટે તેઓ માનવબળ, દોરડા અને પશુઓનો ઉપયોગ કરતા હશે. ટૂંકમાં પથ્થરની ખાણોથી બાંધકામ સ્થળ સુધીનું બહુ મોટું અંતર કાપવા તેમણે કેનાલ, તળાવ અને નદીનો ઉપયોગ કર્યો હતો.

ઈંગ્લેન્ડના સ્ટોનહેન્જ

પ્રાચીન ઈંગ્લેન્ડમાં પણ આવું જ એક રહસ્યમય સર્જન છેલ્લાં ઘણાં દાયકાથી પુરાતત્ત્વવિદોને મૂંઝવતું હતું. ઈંગ્લેન્ડના વિલ્ટશાયર નામના પ્રદેશમાં વિશાળ પથ્થરોને ચોક્કસ આકારમાં ગોઠવવામાં આવ્યા છે, જે સ્ટોનહેન્જ તરીકે ઓળખાય છે. સ્ટોનહેન્જની અંદરનો ગોળાકાર ભાગ બ્લુસ્ટોન અને બહારનો ભાગ સાર્સેન તરીકે ઓળખાતા પથ્થરોનો છે. ઈંગ્લેન્ડની બર્નમાઉથ યુનિવર્સિટીના પુરાતત્ત્વવિદ્ ટિમોથી ડાર્વિલ કહે છે કે, વિલ્ટશાયરમાં આ પથ્થરો આશરે 50 કિલોમીટર દૂરથી લાવવામાં આવ્યા હતા. આ પથ્થરો લાવવા માટે સ્લેજગાડી જેવા વાહનનો ઉપયોગ કરાયો હશે એવું કહી શકાય.

ઇંગ્લેન્ડમાં આવેલા સ્ટોનહેન્જ

સ્ટોનહેન્જના કેટલાક પથ્થરો 40 ટન જેટલું વજન ધરાવે છે અને જો સ્લેજગાડી જેવા વાહનનો ઉપયોગ કરવામાં આવે તો પણ તેને ખેંચવા માટે આશરે 150 માણસો જોઈએ. આ માટે તેમણે જાતભાતના પ્રયોગો પણ કરી જોયા હશે. યુનિવર્સિટી કોલેજ લંડનના પુરાતત્ત્વવિદ માઈકલ પાર્કર પિયર્સને નોંધ્યું છે કે, આ પથ્થરોને ખેંચવા માટે તો ‘રોલર’ પદ્ધતિ પણ અકસીર સાબિત ના થઈ શકે. કારણ કે, સ્ટોનહેન્જનો નાનામાં નાનો પથ્થર પણ વીસ ટન વજન ધરાવે છે. આટલું વજન લાકડાના રોલરને નુકસાન કરવા માટે પૂરતું છે. એવી જ રીતે, પથ્થરોને ચોક્કસ પ્રકારના લાકડાના ગોળાકાર સાધનો બનાવીને ગગડાવીને અહીં સુધી પહોંચાડ્યા હોય એ માનવું પણ અઘરું છે.

સ્ટોનહેન્જના પથ્થરોની હેરફેર અંગે પિયર્સને નવી થિયરી આપવાનો પ્રયાસ કર્યો છે. પિયર્સનનું માનવું છે કે, આ પથ્થરોને સ્લેજગાડી જેવા વાહનો પર રાખ્યા હશે અને ત્યારે પાણીનો પણ ઉંજણ (લુબ્રિકન્ટ) તરીકે ઉપયોગ કરાયો હશે. કારણ કે, ઈજિપ્તના પિરામિડો ઊભા કરવા આવી પદ્ધતિનો ઉપયોગ કર્યાના પુરાવા મળ્યા છે. જોકે, ટિમોથી ડાર્વિલે નોંધ્યા મુજબ બ્લુસ્ટોન વેલ્સથી 250 કિલોમીટર દૂર મળી આવે છે. આ કારણોસર પ્રાચીન ઈંગ્લેન્ડના લોકોએ એકથી વધુ પદ્ધતિઓનો ઉપયોગ કરીને મહાકાય પથ્થરોને અહીં સુધી પહોંચાડ્યા હશે. જેમાં પ્રાચીન નદી કે દરિયાઈ માર્ગનો પણ સમાવેશ થતો હોઈ શકે.

જ્યારે પિયર્સને સાબિત કર્યું છે કે, બ્રિટનમાં એ સમયે આઈસ રૂટ (બર્ફીલી જમીન પરનો રસ્તો)નો વિકલ્પ હતો જ નહીં. આ પદ્ધતિનો ઉપયોગ મધ્યયુગીન ચીનમાં થતો હતો, પરંતુ ઈંગ્લેન્ડમાં એ સમયે આવું વાતાવરણ ન હતું. ઊલટાનું એ વખતનું વાતાવરણ અત્યાર કરતા થોડું ગરમ હતું. ટૂંકમાં સ્ટોનહેન્જના પથ્થરોને વિલ્ટશાયર સુધી લાવવા માટે પાણી અને રોલર પદ્ધતિનો જ ઉપયોગ થયો હોવાની પૂરેપૂરી સંભાવના છે.

જોકે, આ દિશામાં હજુ પણ સંશોધન ચાલી રહ્યું છે, પરંતુ આ પહેલાં વિજ્ઞાનીઓને આટલા મજબૂત પુરાવા હાથ લાગ્યા નહીં હોવાથી તેનું મહત્ત્વ વધારે છે. 

No comments:

Post a Comment