21 December, 2013

કિમ જોંગ ઉનઃ પ્લે સ્ટેશનથી સરમુખ્યાર સુધી...


અમેરિકા સહિતના રાષ્ટ્રો પરમાણુ શસ્ત્રો મુદ્દે ઈરાન સાથે વાટાઘાટો કરીને ઉકેલ લાવવાની કોશિશ કરી રહ્યા છે એ જ સમયે ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉને દેશના બીજા નંબરના સૌથી મજબૂત નેતા અને  પોતાના સગા ફુવાને મોતની સજા ફટાકારતા તે ફરી એકવાર ચર્ચામાં છેપશ્ચિમી દેશોનું માનવું છે કે છેલ્લાં કેટલાક સમયથી કિમ જોંગ ઉન પણ પરમાણુ શસ્ત્રો વિકસાવવા તરફ ધ્યાન આપી રહ્યા છે અને ચીન જેવો ખંધો દેશ પણ ઉત્તર કોરિયાને પાછલા બારણે મદદ કરી રહ્યો છે. અમેરિકા અને તેના મિત્ર રાષ્ટ્રો માટે ઉત્તર કોરિયાના અંગત મામલામાં ચંચુપાત કરવા આટલું કારણ પૂરતું છે.

ઉત્તર કોરિયાએ પીઢ નેતા જાંગ સોન્ગ થેક પર રાજદ્રોહ સહિતના આરોપો લગાવીને 12મી ડિસેમ્બરે તેમને સજા--મોત આપી દીધી છે. 67 વર્ષીય જાંગ સોન્ગ થેક પર આરોપ હતો કે, ડિસેમ્બર 2011માં કિમ જોંગ દ્વિતીયનું અવસાન થયું એ પછી તેમનામાં સર્વોચ્ચ સત્તા હાંસલ કરવાની લાલસા જાગી હતી. જાંગ સોન્ગ થેક પર ભ્રષ્ટાચાર, અનેક સ્ત્રીઓ સાથે અવૈધ સંબંધો, જુગારમાં સંપત્તિનો વેડફાટ તેમજ ડ્રગ્સ સેવનના આરોપો પણ મૂકાયા હતા. એશિયાઈ બાબતોના નિષ્ણાતોનું માનવું છે કે, કિમ જોંગ દ્વિતીયના પુત્ર કિમ જોંગ ઉન હજુ 30 જ વર્ષના છે અને પોતાના સગા ફુવાનીહત્યાકરાવીને તેઓ ઉત્તર કોરિયાના રાજકીય વર્તુળમાં સંદેશ આપવા માગે છે કે, પોતાની ઈચ્છા વિરુદ્ધ વિચાર સુદ્ધાં કરનારા પારિવારિક સભ્યને પણ તેઓ કચડી નાંખશે. જાંગ સોન્ગ થેકે કિમ જોંગ દ્વિતીયના બહેન કિમ ક્યોંગ હુઈ સાથે લગ્ન કર્યા હતા. એટલું જ નહીં, તેમણે ઉત્તર કોરિયાના સરમુખત્યાર તરીકે યુવાન ભત્રીજા કિમ જોંગ ઉનને આરૂઢ કરવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. જોકે, કિમ જોંગે ફુવાની હત્યા કરાવીને એ સંદેશ આપવાનો પણ પ્રયાસ કર્યો છે કે, હવે તેઓ દેશનું સુકાન સંભાળવા માટે કાબેલ છે, મજબૂત છે અને દેશની પ્રજાનું રક્ષણ કરવા પણ સક્ષમ છે.

જાંગ સોન્ગ થેક અને  યુવા સરમુખત્યાર કિમ જોંગ થેક 

જાંગ સોન્ગ થેક ઉત્તર કોરિયામાં પણ ચીન જેવા આર્થિક સુધારાના હિમાયતી હતા અને ચીન માટે તેઓ ઉત્તર કોરિયામાં રહેલી મહત્ત્વની વ્યક્તિ હતા. જોકે, ચીને હંમેશાંની જેમ પોતાના સ્વાર્થ ખાતર આ વાતને ઉત્તર કોરિયાનો અંગત મામલો ગણાવીને કોઈ ટિપ્પણી કરવાનું ટાળ્યું છે. સામ્યવાદી ચીનની લોખંડી દીવાલોની પેલે પાર શું ચાલે છે એની વિશ્વને બહુ ઓછી માહિતી મળતી હોય છે. એવી જ રીતે, સરમુખત્યારશાહી ધરાવતા ઉત્તર કોરિયામાં પણ જે કંઈ ચાલી રહ્યું છે તે વાત સરકાર ઈચ્છે એટલી જ જાહેર થાય છે. ઉત્તર કોરિયાની તમામ ન્યૂઝ એજન્સીઓ, રેડિયો અને છાપા પર સરકારનો સીધો કાબૂ છે. આ સ્થિતિમાં ઉત્તર કોરિયાની સંપૂર્ણ સાચી હકીકતો બહાર આવે એવી શક્યતા બહુ ઓછી હોય છે. એશિયાઈ બાબતોના નિષ્ણાતો કહે છે કે, કિમ જોંગ દ્વિતીયના મૃત્યુ પછી જાંગ સોન્ગ થેકમાં સત્તા હડપવાની ઈચ્છા જાગી હોઈ શકે છે. જો આ વાત સાચી હોય તો ઉત્તર કોરિયાના રાજકીય વર્તુળમાં તેમના બીજા પણ કેટલાક સાથીદારો હશે અને એ તમામની કિમ જોંગ ઉને હત્યા કરાવી દીધી હોઈ શકે છે.

એક મત છે કે, ઉત્તર કોરિયામાં પણ કિમ જોંગ ઉનની નીતિઓથી જુદો મત ધરાવતો તેમજ સ્પષ્ટ વિચારો ધરાવતોવિરોધ પક્ષઅસ્તિત્વમાં આવ્યો હોઈ શકે છે. જાંગ સોન્ગ થેક અને તેમના અનુયાયીઓનું પણ માનવું હતું કે, કિમની નીતિઓ ઉત્તર કોરિયાને અંધકારની ખાઈમાં ધકેલી રહી છે. કિમ જોંગ ઉન વિશ્વના તમામ દેશોના શાસકોમાં સૌથી યુવાન છે અને તેઓ સરમુખત્યારશાહી માટે વિશ્વનું સૌથી આદર્શ મોડેલ ઘડીનેઆધુનિક સરમુખત્યારહોવાનો દેખાવ કરી રહ્યા છે. કિમ જોંગ ઉન કિશોરવયથી જ સ્વિત્ઝર્લેન્ડની ઈન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતા હતા અને અહીં તેમનો મોટા ભાગનો સમય પ્લે સ્ટેશન રમવામાં વીતતો હતો. પ્લે સ્ટેશન રમતો આ યુવાન ઉત્તર કોરિયામાં પાછો આવીને જે રીતે રાજકાજ ચલાવી રહ્યો છે તે જોતા એવું બિલકુલ નથી લાગી રહ્યું કે, તે ઉત્તર કોરિયાનેઆદર્શ સરમુખ્તયાર રાષ્ટ્રબનાવી શકે.

કિમ જોંગ ઉન પણ ઉત્તર કોરિયાનું શાસન અન્ય સરમુખત્યારોની જેમ જ કોઈ માફિયાની જેમ ચલાવી રહ્યા છે. તેઓ વિશ્વકક્ષાએ અને ઘરઆંગણે પોતાનું વજન વધારવા જ પરમાણુ શસ્ત્રો વિકસાવવાની વાતો કરી રહ્યા છે. કિમ જોંગ પણ બીજા સરમુખત્યારોની જેમ પ્રજાને સતત ભયના ઓથાર તળે રાખીને સત્તા ટકાવી રાખવામાં પાવરધા છે. રાજકીય તંત્ર અને લશ્કરમાં પણ સરમુખત્યારનો ભય સતત છવાયેલો રહે એ માટે તેઓ પોતાના વિરોધીઓની જાહેરમાં જ ક્રૂરતાપૂર્વક હત્યા કરાવે છે. કિમ જોંગ ઉને ડિસેમ્બર 2011માં સત્તા સંભાળ્યાના એક જ વર્ષમાં ડેપ્યુટી ડિફેન્સ મિનિસ્ટર કિમ ચોલને તોપથી ઉડાવવાનો હુકમ કર્યો હતો. કારણ કે, તેમના પિતાના મૃત્યુ બાદ યોજાયેલી શોકસભામાં કિમ ચોલે સ્વ. કિમ જોંગ દ્વિતીયને સન્માન નહોતું આપ્યું. આ અંગે પાડોશી દેશ દક્ષિણ કોરિયાના મીડિયામાં અહેવાલ હતા કે, ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉનનું લશ્કર જ્યાં નિયમિત કૂચ કરે છે એ રણપ્રદેશમાં કિમ ચોલને તોપથી ફૂંકી મરાયા હતા. કિમ જોંગ ઉને આદેશ કર્યો હતો કે, “તેમના વાળ પણ બચવા ના જોઈએ...”

હજુ ગયા અઠવાડિયે જ દક્ષિણ કોરિયાની સરકારે બીજી એક ચોંકાવનારી વિગતો જાહેર કરી છે કે, ઉત્તર કોરિયાની સરમુખત્યાર સરકારે ફિમેલ મ્યુઝિકલ ગ્રૂપ ઉન્હાસુ ઓરકેસ્ટ્રાના તમામ સભ્યોને જાહેરમાં ગોળીએ વીંધી નંખાવ્યા છે. આ ગ્રૂપના સભ્યોમાં કિમ જોંગ ઉનની પૂર્વ પ્રેમિકાનો પણ સમાવેશ થતો હતો. આ ગ્રૂપ પર પોર્નોગ્રાફી જોવાનો અને પોતાનું નગ્ન રેકોર્ડિંગ કરવાનો આરોપ હતો. કિમની હાલની પત્ની રિ સોલ-જૂ પણ આ જ ગ્રૂપની ગાયિકા રહી ચૂકી છે. કિમ જોંગ ઉન આધુનિક દેખાવા પશ્ચિમી સંસ્કૃતિનું કઢંગુ અનુકરણ કરે છે. ઉત્તર કોરિયાએમોરાનબોંગ બેન્ડનામે સ્પાઈસ ગર્લનું ઉત્તર કોરિયાઈ વર્ઝન રજૂ કર્યું હતું, જેની પાંચેય ગાયિકાને ખુદ કિમ જોંગ ઉને પસંદ કરી હતી. ઉત્તર કોરિયાના કોન્સર્ટમાં યુવતીઓ મિની સ્કર્ટ અને હિલ પહેરીને પર્ફોર્મ કરતી હોય છે. જુલાઈ 2012માં આવા જ એક કોન્સર્ટમાં કિમ જોંગ ઉન પર્ફોર્મરો સાથે જાહેરમાં સ્ટેજ પર ગયા હતા. આ તમામ પર્ફોર્મરોએ મિકી માઉસ અને વિની ધ પૂહના કોસ્ચ્યુમ્સ પહેર્યા હતા. તેઓ  સિન્ડ્રેલા અને ટોમ એન્ડ જેરીની ધૂમ પર નાચી રહ્યા હતા, પરંતુ આ ધૂનની વચ્ચે અચાનક મિલિટરી ઓપરેશન અને મિસાઈલોના અવાજ આવવા માંડે છે અને સ્ટેજ પરના જાયન્ટ ટીવી સ્ક્રીન પર અમેરિકાના વ્હાઈટ હાઉસ અને ન્યૂયોર્ક પર પરમાણુ હુમલો થતો દર્શાવાય છે. જોકે, આ ફૂટેજ કમ્પ્યુટર જનરેટેડ હોય છે. આવી રીતે તેઓ પ્રજાના માનસમાં અમેરિકા વિરુદ્ધ સતત ઝેર ભરતા રહે છે.

કિમ જોંગ ઉનના શાસનમાં બધું આગોતરું આયોજન થયેલું હોય છે. તેમના બધા જ કાર્યક્રમો સારી રીતેકોરિયોગ્રાફ્ડહોય છે. તેઓ લોકો સાથે હળતા મળતા હોય ત્યારે અચાનક તેમને તેમની પર્સનલ બોટમાં લઈ જવાય છે. આ દરમિયાન અનેક લોકો પાણીમાં કૂદે છે અને કહે છે કે, “પ્લીઝ અમને છોડીને ના જાઓ... લોંગ લિવ કિમ જોંગ, લોંગ લિવ...” જોકે, કિમ જોંગ ઉન બીજા સરમુખત્યારો જેવા જ છે અને અંદરથી ભયભીત છે. તેમની વિચિત્ર હેર સ્ટાઈલ વિશે પણ એવું કહેવાય છે કે, તેઓ હેર સ્ટાઈલિસ્ટથી ડરતા હોવાથી પોતાના વાળ જાતે જ કાપે છે. પરંતુ ઉત્તર કોરિયામાં આ હેર સ્ટાઈલયૂથકેએમ્બિશનહેરકટ તરીકે ઓળખાય છે. લોકોનો નેતા હોવાનો દાવો કરનારા કિમ જોંગ ઉને ગયા વર્ષે વીસ લોકોની જાહેરમાં હત્યા કરાવી હતી અને આ વર્ષે આ આંકડો એંશીએ પહોંચી ગયો છે. નવાઈની વાત તો એ છે કે, જાહેરમાં થતા આવા ઘાતકી કૃત્યો જોવા નાગરિકોએ ફરજિયાત આવવાનું હોય છે, જેમાં સાત વર્ષથી મોટા બાળકોનો પણ સમાવેશ થાય છે.

ઉત્તર કોરિયાની જેલોમાં કેદીઓ માનસિક સંતુલન ગુમાવીને કિમ જોંગ ઉન કે સરકાર વિરુદ્ધ બોલે ત્યારે તેમના મ્હોંમાં પથ્થરો ખોસી દેવાય છે. આવા કેદીઓને જાહેરમાં જ બાંધીને ત્રણ વ્યક્તિની ફાયરિંગ સ્ક્વૉડ તેમના ચહેરા સુદ્ધાં ગોળીઓથી વીંધી નાંખે છે. ઉત્તર કોરિયાનીપ્રજા વિરુદ્ધનો ગુનોકરનારાને તો સજા અપાય જ છે, પણ તેમની ત્રણ પેઢી એટલે કે તેમના દાદા-દાદી અને બાળકોને પણ ભયાનક જેલો (પ્રિઝન કેમ્પ)માં ધકેલી દેવાય છે. આ પ્રકારના કેમ્પોમાં આજે પણ હજારો કેદીઓ સડી રહ્યા છે, જે ઉત્તર કોરિયામાં ક્વાન-લિ-સો એટલે કે, લેબર કોલોની તરીકે ઓળખાય છે. ઉત્તર કોરિયામાં સરકાર દ્વારા જાહેરમાં  જ આવા ઘાતકી કૃત્યો રોજિંદી ઘટના છે.

ખેર, પશ્ચિમી દેશોએ કિમ જોંગ ઉનને બાળક ગણીને કદાચ ઓછા આંક્યા હતા પણ એક જ વર્ષમાં તેઓ પણ બીજા સરમુખત્યારોની જેમ ક્રૂર શાસક બની ગયા છે. જોકે, તેમના હાલહવાલ પણ ઈરાકના સદ્દામ હુસેન, લિબિયાના મુઅમ્મર ગદ્દાફી કે ઈજિપ્તના હોશની મુબારક જેવા થશે કે નહીં એ તો સમય જ કહેશે

1 comment:

  1. તાનાશાહીમાં કિંગ જોગ ઉન એકદમ હિટલરના માર્ગે જણાય છે... ઉત્તર કોરિયાનો આ રાક્ષસ એકમદ ભેજાગેપ છે. પરમાણુ શસ્ત્રો મુદ્દે ચીન જો ઉત્તર કોરિયાનું સાથીદાર બનશે તો વિશ્વના શક્તિશાળી દેશોનું આંતરરાષ્ટ્રીય ધ્રુવીકરણ નવેસરથી સર્જાશે...

    ReplyDelete