31 December, 2013

સંશોધનોના નામે સાયન્સ જર્નલોમાં ચાલતું ધુપ્પલ


તાજેતરના વર્ષોમાં ઘણાં વિજ્ઞાનીઓએ જાહેરમાં કબૂલ્યું છે કે, વિજ્ઞાન જગતમાં પણ ‘લોબિંગ’ જેવું દુષણ ઘૂસી ગયું છે. આ સંજોગોમાં ક્યારેક સારા આઈડિયા પર નકામા આઈડિયા પણ હાવી થઈ જાય છે. કારણ કે, સારા આઈડિયા ધરાવનારા વિજ્ઞાનીઓ પોતે જે કંઈ કામ કર્યું છે તે કેટલું બધું મહત્ત્વનું છે એવો પ્રચાર કરવાની તેમજ ‘સ્વપ્રચાર’ કરવાની તરકીબ જાણતા ના પણ હોય એવું બની શકે છે. એવું કહેવાય છે કે, ધારદાર ટીકા વિજ્ઞાનના વિકાસ માટે અત્યંત જરૂરી છે, પણ કદાચ ઘણાં સમય પછી વિજ્ઞાન જગત ધારદાર ટીકાનો સામનો કરી રહ્યું છે, અને આ ટીકા નોબલ પ્રાઈઝ વિજેતા વિજ્ઞાની દ્વારા થઈ રહી છે. વર્ષ 2013નું મેડિસિનનું નોબલ પ્રાઈઝ જીતનારા વિજ્ઞાની રેન્ડી શેકમેને તાજેતરમાં જાહેરમાં નિવેદન કર્યું છે કે, તમે જેને આપણે સામાન્ય રીતે, અતિ પ્રતિષ્ઠિત વિજ્ઞાન જર્નલો ગણીએ છીએ તે ‘સેલ’, ‘નેચર’ કે ‘સાયન્સ’ જેવી જર્નલને હું ‘લક્ઝરી જર્નલ’ કહું છું. નોબલ પ્રાઈઝ વિજેતા વિજ્ઞાનીના આવા આકરા નિવેદનને લઈને વિજ્ઞાન જગતમાં ઘર કરી ગયેલા દુષણો પર ફરી એકવાર ચર્ચા (યોગ્ય રીતે) છેડાઈ ગઈ છે.

વિજ્ઞાન જગતનો સીધોસાદો નિયમ છે, વિશ્વાસ કરો પણ તેની ખરાઈ કરો. વિજ્ઞાનમાં કોઈ સાચી લાગતી વાતને પણ સાબિત કરવા પ્રયોગો કરતા રહો. આ સીધાસાદા નિયમમાં વિશ્વાસ કરીને જ આધુનિક વિજ્ઞાન અહીં સુધી પહોંચી શક્યું છે. સદીઓ પહેલાં આધુનિક વિજ્ઞાનનો પાયો નંખાયો ત્યારથી અત્યાર સુધી વિજ્ઞાનના કારણે દુનિયા ધરમૂળથી બદલાઈ ચૂકી છે અને આ વિકાસગાથા હજુ વણથંભી છે. પરંતુ અત્યારના સંશોધકો વિજ્ઞાનમાં વિશ્વાસ તો બહુ કરી રહ્યા છે પણ તેની સંપૂર્ણ ખરાઈ કરવાની તસદી બહુ ઓછી લેવાય છે. પ્રો. રેન્ડી શેકમેન જેવો મુદ્દો આ પહેલાં પણ અનેક વિજ્ઞાનીઓ ઉઠાવી ચૂક્યા છે. પરંતુ પ્રો. શેકમેન અને તેમની સાથે સંયુક્ત રીતે મેડિસિનનું નોબલ જીતનારા બે વિજ્ઞાનીઓએ 10મી ડિસેમ્બરે નોબલ પ્રાઈઝ અંતર્ગત મળનારા ચંદ્રકો અને ચેક સ્વીકાર્યા એ દરમિયાન જાહેરમાં જ આ નિવેદન કર્યા પછી આ ચર્ચાએ જોર પકડ્યું છે. 

પ્રો. શેકમનની તર્કબદ્ધ દલીલો

પ્રો. શેકમેને કરેલી ટીકાઓ પણ એક વિજ્ઞાનીને છાજે એવી તાર્કિક છે. તેઓ પ્રોસિડિંગ્સ ઓફ ધ નેશનલ એકેડેમી ઓફ સાયન્સના પૂર્વ એડિટર ઈન ચિફ રહી ચૂક્યા છે. હાલ તેઓ યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં પ્રોફેસર તેમજ પ્રતિષ્ઠિત જર્નલ ‘ઈ-લાઈફ’ના એડિટર-ઈન-ચિફ તરીકે કાર્યરત છે. આ કારણોસર તેમણે પ્રતિષ્ઠિત જર્નલો પર કરેલા પ્રહાર વધુ મજબૂત અને તાર્કિક છે.

પ્રો. રેન્ડી શેકમેન

પ્રો. શેકમેનનું કહેવું છે કે, જે પહેલેથી જ વિજ્ઞાન જગતમાં સારી એવી નામના ધરાવે છે તેવી જર્નલો પોતાની શાખ જાળવી રાખવા માટે અનેક સારા સંશોધન પેપરોનો પણ અસ્વીકાર કરીને ‘કૃત્રિમ નિયંત્રણ’ ઊભું કરે છે. આ જર્નલો વિખ્યાત અખબારોમાં આવી માહિતી પણ આપતી રહે છે. પ્રો. શેકમેને વિજ્ઞાન જર્નલોના વલણની સરખામણી ફેશનની દુનિયા સાથે કરતા કહ્યું છે કે, કેટલાક ડિઝાઈનરો પોતે ડિઝાઈન કરેલા ડ્રેસ, હેન્ડબેગ કે રિસ્ટ વૉચ ‘લિમિટેડ એડિશન’ છે એવી જાહેરાત કરીને કૃત્રિમ અછત ઊભી કરતા હોય છે. આવી જાહેરાત પાછળ એવો છુપો ઈરાદો હોય છે કે, પોતે ડિઝાઈન કરેલી ચીજવસ્તુઓ બને એટલી ઝડપથી વેચાઈ જાય. આટલું કહ્યા પછી પ્રો. શેકમેન જણાવે છે કે, વિજ્ઞાન જર્નલોના આવા વર્તન પાછળ વધુને વધુ લવાજમ ઉઘરાવવાની ગુપ્ત લાલસા હોય છે, નહીં કે ઉત્તમ સંશોધન પેપરોને પ્રકાશિત કરવા.

છેલ્લાં ત્રણેક દાયકામાં પ્રો. શેકમેનની ઉપરોક્ત દલીલ માનવાના અનેક કારણો વિજ્ઞાન જગતને મળી ચૂક્યા છે. છેલ્લાં કેટલાક વર્ષોમાં દુનિયાભરની વિજ્ઞાન જર્નલોમાં હજારો સંશોધન પેપરો પ્રકાશિત થયા છે પણ સમય જતાં આવા અનેક પેપરો નકામા સાબિત થયા છે. આ પ્રકારના સંશોધન પેપરોની મદદથી કોઈ વેન્ચર કેપિટાલિસ્ટ કંપની તેનો અમલ કરવા જાય ત્યારે આ પ્રકારના સંશોધનોની પોલ ખૂલી જાય છે. જેમ કે, બાયોટેક્નોલોજી ક્ષેત્રે કાર્યરત વેન્ચર કેપિટાલિસ્ટો કોઈ સંશોધનોને વ્યવહારમાં મૂકવાનો પ્રયાસ કરે ત્યારે ખ્યાલ આવે કે, આ સંશોધનો તો હજુ ઘણાં અધૂરા છે અને તેનો વ્યવહારુ અમલ પણ લગભગ અશક્ય છે. જાણીતી બાયોટેક કંપની ‘એમજિન’ના સંશોધકોએ કેન્સર ક્ષેત્રે થયેલા ‘અત્યંત મહત્ત્વ’ના 57 સંશોધનોને અમલમાં મૂકવાનો પ્રયાસ કર્યો ત્યારે ખબર પડી કે, આમાંથી ફક્ત છ સંશોધન જ ખરું મહત્ત્વ ધરાવે છે.   

વિજ્ઞાનીઓને વિકૃત પ્રોત્સાહન

આ સ્થિતિમાં વિજ્ઞાનીઓ પોતાના સંશોધનો મહત્ત્વની જર્નલોમાં છપાય છે એને જાણ્યે-અજાણ્યે ખૂબ મહત્ત્વ આપવા માંડે છે. પરિણામે સંશોધકોને ‘વિકૃત પ્રોત્સાહન’ મળી રહ્યું છે. આ પ્રકારની જર્નલોમાં જે સંશોધકોના પેપર છપાય છે એ લોકો બઢતી, પગાર વધારો અને વ્યવસાયિક ધોરણે મળતા સન્માનોની અપેક્ષા રાખે છે. સંશોધકોની દુનિયામાં એવો વિચાર મજબૂત થઈ ગયો છે કે, જો તેમના સંશોધન પેપરો નહીં છપાય તો તેમની પ્રતિષ્ઠાને ઝાંખપ લાગી જશે. પ્રો. શેકમેન કહે છે કે, સંશોધન જગતમાં ‘પબ્લિશ ઓર પેરિશ’નો વણલખ્યો સિદ્ધાંત અમલી થઈ રહ્યો છે. તેમનો કહેવાનો અર્થ એ છે કે, તમારા સંશોધનો પ્રકાશિત કરો, કરાવડાવો અથવા તો ખતમ થઈ જાઓ. કારણ કે, અનેક વિજ્ઞાનીઓ પણ પોતાનું સંશોધન કોઈ પ્રતિષ્ઠિત જર્નલમાં પ્રકાશિત થાય એને જ સફળતાનો એકમાત્ર માપદંડ માનવા માંડે છે.

આવા સંશોધનોથી વિજ્ઞાન જગતને બીજું પણ એક નુકસાન ભોગવવું પડે છે. જેમ કે, માનવશરીર વિજ્ઞાન ક્ષેત્રે કોઈ અધૂરા અને અસ્પષ્ટ સંશોધનો પ્રકાશિત કરાય ત્યારે કેટલીક કંપનીઓ તેમાં રસ લઈને માણસો પર પ્રયોગો પણ કરે છે. આ સંજોગોમાં અનેક માણસોના જીવ જોખમાય છે, પૈસાનો વ્યય થાય છે અને અન્ય કેટલાક સંશોધકોનો મહત્ત્વનો સમય બરબાદ થાય છે. નવાઈની વાત તો એ છે કે, અનેક સંશોધકો ફક્ત અખબારોની હેડલાઈનોમાં ચમકવા માટે ‘બનાવટી સહસંબંધ’ સાબિત કરતા સંશોધનો કરે છે અને જર્નલોમાં તે છપાય પણ છે. જેમાં કોફીના શોખીનોને વધુ સારી પત્ની મળે છે, વીડિયો ગેમ રમતા બાળકો જીવનમાં વધુ સફળ હોય છે અને ચોકલેટ ખાવાથી આયુષ્ય વધે છે એવા સંશોધનો પણ સામેલ હોઈ શકે છે. ખરેખર વૈજ્ઞાનિક રીતે આવી કોઈ વાત સાબિત થઈ શકતી નથી. એટલું જ નહીં, આ પ્રકારના સંશોધનોથી વિજ્ઞાન જગત કે સમાજને પણ કોઈ જ ફાયદો હોતો નથી.

એવી જ રીતે, જૂના સંશોધનો ખોટા પુરવાર થયા હોય એવા સંશોધનો વિજ્ઞાન જગતમાં ખૂબ જ મહત્ત્વના ગણાય, પરંતુ આ પ્રકારના સંશોધનોનું પ્રમાણ સતત ઘટી રહ્યું છે. વિજ્ઞાન જગતમાં શું સાચું છે એની જાણકારી જેટલું જ મહત્ત્વ શું ખોટું છે એનું પણ હોવું જોઈએ.  

મુશ્કેલીનો ઉપાય 

આ મુશ્કેલી દૂર કરવા સૌથી પહેલાં પ્રતિષ્ઠિત વિજ્ઞાન જર્નલોએ જ સંશોધન પેપરોના ધારાધોરણ અત્યંત ઊંચા રાખવા પડશે. આ ઉપરાંત અન્ય સંશોધકોની મદદથી એ જ ક્ષેત્રે થયેલા સંશોધનોના ડેટા સાથે સરખામણી કરીને જ નવા સંશોધનો છાપવાના નિયમો પણ ઘડવા જોઈએ. જેમ કે, જનીનશાસ્ત્રામાં મોટા ભાગે આ જ પદ્ધતિ અનુસરવામાં આવે છે. આ સિવાય દરેક ક્ષેત્રના વિજ્ઞાનીઓ માટે રિસર્ચ પ્રોટોકોલની પદ્ધતિનો પણ ઉપયોગ કરી શકાય. આ પ્રોટોકોલ દરેક જર્નલ ઓનલાઈન જાહેર કરી જ શકે છે. ખાસ કરીને દવાઓના ક્લિનિકલ ટ્રાયલમાં આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. જોકે, તેનો અમલ કેટલો થાય છે એ પણ એક સવાલ છે. આ તમામ સંશોધનો અને તે કેવી રીતે થયા છે તેની વિસ્તૃત જાણકારી અન્ય સંશોધકોને સરળતાથી ઉપલબ્ધ હોય એવી વ્યવસ્થા કરવી પણ અત્યંત જરૂરી છે. આમ કરવાથી નકામા સંશોધનો પેપરો પ્રકાશિત કરવા ઉત્સાહી સંશોધકો અને જર્નલો પર ટીકાનું આડકતરું દબાણ રાખીને તેમને કાબૂમાં રાખી શકાશે. સંશોધન પેપરો પ્રકાશિત થયા પછી તેનું સાચું મૂલ્યાંકન કરવા અન્ય સંશોધકોની કમેન્ટ છાપવાનો નિયમ પણ જાણીતો છે.

આ પ્રકારના સંશોધનો પર કાબૂ રાખવા વિવિધ દેશોની સરકારો અને સંશોધન માટે ભંડોળ આપતી સંસ્થાઓએ નિષ્ણાતોની મદદથી જ ભંડોળ આપવાના નિયમો બનાવવા જોઈએ. જોકે, આ મુશ્કેલી વિકસિત દેશોની છે, જ્યારે ભારત જેવા દેશોમાં તો વૈજ્ઞાનિક સંશોધનો માટે સૌથી પહેલાં વધુ ભંડોળ આપવાની જરૂરિયાત છે. વિકસિત દેશોમાં થતાં સંશોધનો સમગ્ર વિશ્વના સમાજ પર અસરકર્તા હોય છે એટલે તેઓની જવાબદારી ખૂબ વધી જાય છે.

પ્રતિષ્ઠિત વિજ્ઞાન જર્નલોમાં જથ્થાબંધના ધોરણે પ્રકાશિત થતાં સંશોધન પેપરોને લઈને પ્રો. શેકમેનની ચિંતા વાજબી છે. આ મુદ્દે અનેક વિજ્ઞાનીઓએ તેમને સમર્થન આપ્યું છે. આ મુશ્કેલીના ઉપાય અનેક વિજ્ઞાનીઓને ઈ-જર્નલમાં જુએ છે. પ્રો. શેકમેન પણ ઓનલાઈન જર્નલ ‘ઈ લાઈફ’ના એડિટર ઈન ચિફ તરીકે ફરજ બજાવી રહ્યા છે, જે વાંચવા માટે વાચકોને કોઈ લવાજમ ભરવાની જરૂર નથી, તેમાં સંશોધન પેપરો પબ્લિશ કરવા માટે અન્ય પ્રતિષ્ઠિત જર્નલોની જેમ જગ્યાની પણ કોઈ મુશ્કેલી નથી તેમજ યોગ્ય સંશોધનો દુનિયા સમક્ષ મૂકવા સંશોધકોને વર્ષોવર્ષ રાહ જોવડાવવાની પણ જરૂર નથી. વળી, ઈ જર્નલોમાં અધૂરા સંશોધનો છપાય ત્યારે વિશ્વના કોઈ પણ ખૂણામાં બેઠેલાં સંશોધકો તેના પર ખૂબ જ ઝડપથી પ્રતિક્રિયા આપી તેનું મૂલ્યાંકન કરી શકે છે.

2 comments: