ક્રિકેટર સચિન તેંદુલકર અને વિજ્ઞાની સી.એન.આર. રાવને દેશનું સર્વોચ્ચ સન્માન ‘ભારત રત્ન’ આપવાનું નક્કી કર્યું છે એ પછી સચિન વિશે થોકબંધ લખાયું છે. પરંતુ સચિન તેંદુલકર ભારતીયોની સૌથી લોકપ્રિય રમત ક્રિકેટનો ખેલાડી હોવાના નાતે તેના વિશે હવે ભાગ્યે જ કંઈ જણાવવાની જરૂર છે, જ્યારે સી.એન.આર. રાવ એક વિજ્ઞાની છે અને એટલે જ તેમના વિશે લોકો બહુ ઓછું જાણે છે. ડૉ. રાવને પચાસ વર્ષ લાંબી કારકિર્દીમાં નોબલ પ્રાઈઝ સિવાયના તમામ સન્માનો મળી ચૂક્યા છે. વિશ્વના વર્તમાન વિજ્ઞાન સમાજમાં સી.એન.આર. રાવ ભારતના સૌથી વધુ જાણીતા અને પ્રતિષ્ઠિત વિજ્ઞાની છે. ડૉ. રાવ એ ભારતીય વિજ્ઞાની છે જેમના સૌથી વધુ સંશોધન પેપર અને પુસ્તકો પ્રકાશિત થયા છે. તેમના નામે એક વિશિષ્ટ પ્રકારની સિદ્ધિ પણ છે. વિશ્વભરના વિજ્ઞાનને લગતા પ્રકાશનોમાં 40 હજારથી પણ વધુ વાર અવતરિત એટલે કે ટાંકવામાં આવ્યા હોય તેવા ભારતીય વિજ્ઞાની પણ ડૉ. રાવ છે. આ સિદ્ધિ બદલ તેમને એચ-ઈન્ડેક્સમાં પણ સ્થાન મળ્યું છે. વિજ્ઞાનીઓ દ્વારા પ્રસિદ્ધ થતાં સાહિત્યની શું અસર થાય છે એનું માપ કાઢવા માટે એચ-ઈન્ડેક્સ તૈયાર કરવામાં આવે છે.
ચિંતામણી નાગેશ રામચંદ્ર રાવનો જન્મ 30મી જૂન, 1934ના રોજ કર્ણાટકના બેંગલુરુના એક કન્નડ પરિવારમાં થયો હતો. પિતા હનુમંત નાગેશ રાવના કારણે ચિંતામણીને નાનપણથી જ શૈક્ષણિક વાતાવરણ મળ્યું હતું. ચિંતામણીનું પ્રાથમિક શિક્ષણ માતૃભાષા કન્નડમાં થયું હતું, પરંતુ તેઓ અંગ્રેજી પણ સારી રીતે શીખે એ માટે તેમના પિતાએ નાનપણથી જ ખાસ રસ લીધો હતો. જ્યારે માતા તરફથી તેમને ધાર્મિક સંસ્કારો મળ્યા હતા. ડૉ. રાવે વર્ષ 1951માં મૈસુર યુનિવર્સિટીમાંથી બેચલર ડિગ્રી લઈને બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી રસાયણ શાસ્ત્રમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી. જ્યારે વર્ષ 1958માં તેમણે અમેરિકાના ઈન્ડિયાના રાજ્યની પર્ડ્યુ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. કર્યું હતું. રસાયણ શાસ્ત્રમાં સંશોધન ક્ષેત્રે ડૉ. રાવની સિદ્ધિઓની નોંધ લઈને વર્ષ 1961માં મૈસુર યુનિવર્સિટીએ તેમને ડૉક્ટર ઓફ સાયન્સનું સન્માન આપ્યું હતું. ત્યાર પછી તેઓ વર્ષ 1963માં કાનપુરમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નલોજીમાં ફેકલ્ટી તરીકે જોડાઈ ગયા હતા રાવના સાથી વિજ્ઞાનીઓ તેમને પ્રેમથી મિસ્ટર સાયન્સ કે ડૉક્ટર સાયન્સ જેવા નામે ઓળખે છે.
પ્રો. સી.એન.આર. રાવ |
સી.એન.આર. રાવ વિશ્વભરમાં સોલિડ સ્ટેટ એટલે કે સ્ટ્રક્ચરલ કેમિસ્ટ્રીમાં મહત્ત્વના સંશોધનો કરવા માટે જાણીતા છે. સોલિડ સ્ટેટ કેમિસ્ટ્રી રસાયણ શાસ્ત્રની જ એક શાખા છે, જેમાં અણુઓના સંશ્લેષણ, બંધારણ અને તેના મૂળભૂત ગુણધર્મોનો ઊંડો અભ્યાસ કરવાનો હોય છે. તેમણે પોતાની દીર્ઘ કારકિર્દીમાં દેશભરના હજારો વિદ્યાર્થીઓને સંશોધન સહિતના કામ માટે પ્રેરણા આપી છે અને અનેક વિજ્ઞાન સંસ્થાઓને ઉંચાઈ બક્ષી છે. દેશની વિજ્ઞાન નીતિ ઘડવામાં પણ તેમનું અમૂલ્ય યોગદાન છે. હાલ વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત સોલિડ સ્ટેટ અને મટિરિયલ કેમિસ્ટમાં ડૉ. રાવની ગણના થાય છે. કારણ કે, આ દિશામાં તેમણે સતત પચાસ વર્ષ સંશોધન કર્યું છે. તેમના સંશોધનોના કારણે જ વિજ્ઞાન જગત કેટલીક ધાતુઓના ગુણધર્મો અને તેનું રાસાયણિક બંધારણ વધુ સારી રીતે સમજી શક્યું છે. યુવાનીકાળમાં જ તેમણે દ્વિપરિમાણીય ઓક્સાઈડનું સંશ્લેષણ કર્યું હતું અને આ કામ પછી તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતા થઈ ગયા હતા. કારણ કે, આ સંશોધનોની હાઈ ટેમ્પરેચર સુપર કન્ડક્ટિવિટી, ઓક્સાઈડ સેમીકન્ડક્ટર્સ અને મેગ્નેટો રેઝિસ્ટન્સ જેવા ક્ષેત્રોમાં થઈ રહેલા સંશોધનો પર ઊંડી અસર પડી હતી. જોકે, છેલ્લાં બે દાયકામાં તેમણે મોટા ભાગે નેનો-મટિરિયલ પર સંશોધન કર્યું છે. હાલ તેઓ હાઈબ્રિડ મટિરિયલ અને ગ્રેફિન પર સંશોધન કરી રહ્યા છે. આજકાલ ડૉ. રાવના દિવસો ગ્રેફિન પર સંશોધન કરવામાં વીતી રહ્યા છે.
આ ક્ષેત્રે મહત્ત્વની સિદ્ધિઓ મેળવવા બદલ વિશ્વની સાઈઠેક યુનિવર્સિટીએ તેમને ડૉક્ટરેટની માનદ્ પદવી આપી છે. આ યુનિવર્સિટીઓમાં ઓક્સફર્ડ, લિવરપુલ, વેલ્સ, પર્ડ્યુ, ખાર્ટુમ, કોલોરાડો, નોર્થવેસ્ટર્ન, આઈઆઈટી બોમ્બે, દિલ્હી, બનારસ, બંગાળ એન્જિનિયરિંગ, કોલકાતા, પટણા, કર્ણાટક, મેંગલોર, ઓસ્માનિયા, પંજાબ, રૂર્કી, વિદ્યાસાગર અને વિશ્વસરૈયા ટેક્નોલોજીકલ જેવી યુનિવર્સિટીઓનો સમાવેશ થાય છે. વિશ્વભરની જર્નલોમાં અત્યાર સુધી રાવના 1,400થી પણ વધુ સંશોધન પેપર પ્રકાશિત થઈ ચૂક્યા છે અને તેમના નામે 45 પુસ્તકો પણ બોલે છે. હાલ ડૉ. રાવ નેશનલ રિસર્ચ પ્રોફેસર તેમજ જવાહરલાલ નહેરુ સેન્ટર ફોર એડવાન્સ્ડ સાયન્ટિફિક રિસર્ચ, બેંગલુરુના માનદ્ પ્રોફેસર તરીકે ફરજ બજાવી રહ્યા છે. જાન્યુઆરી, 2005માં વડાપ્રધાને તેમને સાયન્ટિફિક એડવાઈઝરી કાઉન્સિલના વડા તરીકે નિમ્યા હતા. હાલ તેઓ ઈન્ટરનેશનલ સેન્ટર ફોર મટિરિયલ સાયન્સના ડિરેક્ટર તરીકે પણ સેવા આપી રહ્યા છે.
ડૉ. રાવે ભારત સહિત અમેરિકા અને યુરોપની પણ અનેક યુનિવર્સિટીઓમાં લેક્ચરર તરીકે સેવા આપી છે. વર્ષ 1963થી 1976 સુધી તેઓ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી, કાનપુરના કેમિસ્ટ્રી વિભાગમાં ફેકલ્ટી મેમ્બર હતા. વર્ષ 1984થી 1994 સુધી સતત દસ વર્ષ તેમણે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સના ડિરેક્ટર તરીકે સેવા આપી હતી. આ દરમિયાન તેઓ અમેરિકાની ઓક્સફર્ડ, પર્ડ્યુ, કેલિફોર્નિયા અને બ્રિટનની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં વિઝિટિંગ ફેકલ્ટી તરીકે પણ સેવા આપતા હતા. ડૉ. રાવે સાયન્સ ઈનિશિયેટિવ ગ્રૂપ બોર્ડને પણ પોતાના અનુભવોનો લાભ આપ્યો હતો. આ ઉપરાંત શૈક્ષણિક સંસ્થાઓને આર્થિક મદદ કરવા સ્થપાયેલી ફંડ્સ ફોર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન સાયન્સ એન્ડ ટેક્નોલોજી તેમજ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ, ડિપાર્ટમેન્ટ ઓફ અર્થ સાયન્સ જેવી સંસ્થાઓ સ્થાપવામાં પણ તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી છે.
ડૉ. રાવને ભારત રત્ન આપવાની જાહેરાત થઈ ત્યારે જ તેમણે વિજ્ઞાનીઓને ઓછું ભંડોળ આપવા બદલ નેતાઓને મૂર્ખ કહ્યા હતા. પરંતુ હકીકત એ છે કે, તેમણે ઓછા ભંડોળની પરવા કર્યા વિના સંશોધન ક્ષેત્રે ઝળહળતી સિદ્ધિઓ મેળવી છે. ડૉ. રાવને ભારત રત્ન આપવાની જાહેરાત થઈ એ પછી ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ કેમિકલ ટેક્નોલોજી, મુંબઈના પૂર્વ નિયામક એમ. એમ. શર્માએ તેમને શુભેચ્છા આપતા કહ્યું હતું કે, “હું તેમને ન્યુક્લિયર રિએક્ટર સાથે સરખાવીશ. તેઓ ખૂબ ઓછા ઈનપુટ સાથે ઘણું બધું આઉટપુટ આપી રહ્યા છે.”
ડૉ. રાવને મળેલા સન્માનો
- વર્ષ 1974માં પદ્યમશ્રી, 1985માં પદ્મવિભૂષણ અને કર્ણાટક સરકાર દ્વારા કર્ણાટક રત્ન.
- વર્ષ 2000માં રોયલ સોસાયટી દ્વારા હ્યુજિસ મેડલ એનાયત.
- સોલિડ સ્ટેટ કેમિસ્ટ્રી અને મટિરિયલ સાયન્સમાં અદ્વિતિય સિદ્ધિ બદલ વર્ષ 2004માં ભારત સરકાર દ્વારા ઈન્ડિયા સાયન્સ એવોર્ડ.
- વર્ષ 2005માં ઈઝરાયેલની તેલ અવીવ યુનિવર્સિટી દ્વારા અમેરિકાના રસાયણશાસ્ત્રીઓ જ્યોર્જ વ્હાઈટસાઈડ્સ અને રોબર્ટ લેન્ગર સાથે સંયુક્ત ધોરણે. ડેન ડેવિડ પ્રાઈઝ.
- ફ્રાંસ સરકાર દ્વારા નાઈટ ઓફ ધ લિજિયન ઓફ ઓનરનો પ્રતિષ્ઠિત ખિતાબ.
- બાંગલાદેશ એકેડેમી ઓફ સાયન્સના ફોરેન ફેલો તરીકેનું સન્માન.
- ભારત અને ચીન વચ્ચે વૈજ્ઞાનિક સહકાર વધારવામાં અમૂલ્ય યોગદાન આપવા બદલ વર્ષ 2013માં ચાઈનીઝ એકેડેમી ઓફ સાયન્સ દ્વારા ચીનનો સર્વોચ્ચ વિજ્ઞાન પુરસ્કાર એનાયત.
- વર્ષ 2013માં આઈઆઈટી, પટણા દ્વારા ‘ડિસ્ટિન્ગિવશ્ડ એકેડેમિશિયન એવોર્ડ’થી સન્માનિત.
- ડૉ. રાવ યુએસ નેશનલ એકેડેમી ઓફ સાયન્સ, અમેરિકન એકેડેમી ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સ, રોયલ સોસાયટી-લંડન, ફ્રેન્ચ એકેડેમી, જાપાનીઝ એકેડેમી, સર્બિયન એકેડેમી ઓફ સાયન્સ એન્ડ આર્ટ્સ અને પોન્ટિફિકલ એકેડેમી જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓના સભ્ય છે.
- 16મી નવેમ્બર, 2013ના રોજ ભારત સરકાર દ્વારા ભારત રત્ન આપવાનો નિર્ણય.
ડૉ. રાવ પર ‘સાહિત્ય ચોરી’નો પણ આરોપ હતો
પ્રો. સી.એન.આર. રાવની સિદ્ધિઓ સામે કોઈ જ શંકા નથી પણ સંશોધન પેપર પ્રકાશિત
કરવાની લાલચમાં તેઓ પણ પ્લેજિયારિઝમ (સાહિત્યિક ચોરી) કરી ચૂક્યા છે. આ મુદ્દે ડૉ.
રાવે ડિસેમ્બર 2011માં ‘એડવાન્સ્ડ મટિરિયલ’ નામની જર્નલની માફી માગવી પડી હતી. કારણ
કે, તેમણે અન્ય વિજ્ઞાનીની મંજૂરી વિના કેટલાક લખાણનો પોતાના સંશોધન પેપરમાં
ઉલ્લેખ કર્યો હતો. આ સંશોધન પેપરના સહ-લેખક અને તેમના સાથીદાર પ્રો. એસ. બી.
કૃપાનિધિએ આ મુદ્દે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સમાં તેમના પીએચ.ડી.
વિદ્યાર્થીને જવાબદાર ઠેરવ્યો હતો. આ અંગે ખુલાસો આપતા તેમણે કહ્યું હતું કે, “એ
વાક્ય સંશોધન પેપરની પ્રસ્તાવનામાં લેવાયો છે, જે અમારા વિદ્યાર્થીએ લખ્યું હતું,
અમારા બેમાંથી કોઈએ એ તરફ ધ્યાન આપ્યું ન હતું.” જોકે, પીએચ.ડી.ના વિદ્યાર્થીએ પણ
આ મુદ્દે જવાબદારી લઈને માફી માગી હતી. બાદમાં ડૉ. રાવે જર્નલમાં છપાયેલા સંશોધન
પેપરને રદબાતલ ગણવાની પણ ઑફર કરી હતી, પણ એડિટરે પ્રસિદ્ધ થઈ ગયેલા પેપરને માન્યતા
આપી હતી. આ કિસ્સામાં એક જુનિયર સંશોધક પર જવાબદારી ઢોળી દેવાના બંને સિનિયર
વિજ્ઞાનીઓના પગલાંની ભારતીય વિજ્ઞાનીઓએ જ આકરી ટીકા કરી હતી. ડૉ. રાવનો દાવો છે
કે, તેઓ ક્યારેય આ પ્રકારના કામમાં સંડોવાયા નથી. પ્રો. રાવનું સંશોધનકાર્ય જોતા અનેક લોકો સ્પષ્ટપણે માનતા હતા કે, આ ભૂલ પ્રો. રાવ અને તેમના સાથીદારની બેદરકારીના કારણે થઈ છે, નહીં કે તેઓ ચોરી કરવાની મનોવૃત્તિ ધરાવે છે.
good
ReplyDeleteThx
Delete