10 December, 2013

માનવશરીર વાયરસ સામે કેવી રીતે લડે છે?


આજે પણ વિશ્વમાં વાયરલ ઈન્ફેક્શન એટલે કે ચેપી રોગોના કારણે દર વર્ષે લાખો લોકોના મૃત્યુ થાય છે. ભારત જેવા વિકાસશીલ દેશોમાં કુપોષણ, ગંદકી અને સ્વચ્છતાના પ્રશ્નોના કારણે પણ વાયરલ ઈન્ફેક્શનના કારણે મૃત્યુ પામતા લોકોની સંખ્યા વધારે છે. ખાસ કરીને ચોમાસા અને શિયાળામાં લોકો વાયરલ ઈન્ફેક્શનનો ભોગ બને છે. વાયરલ ઈન્ફેક્શન લાગે ત્યારે માનવશરીર આપોઆપ જ સક્રિય થઈ જાય છે અને આપમેળે એ વાયરસ સામે લડે છે. જોકે, દરેક શરીર વિવિધ વાયરસ સામે જુદી જુદી રીતે પ્રતિક્રિયા આપે છે અને દરેકની વાયરસ સામે લડવાની ક્ષમતા પણ જુદી જુદી હોય છે.

વાયરસ સામેની લડાઈ

કોઈ પણ વ્યક્તિને વાયરલ ઈન્ફેક્શન લાગે છે ત્યારે શરીર આપમેળે એક પદ્ધતિસરની ડિફેન્સ સિસ્ટમ ઊભી કરે છે, જેને વૈજ્ઞાનિક ભાષામાં ‘ઈમ્યુન રિસ્પોન્સ’ કહેવાય છે. આ ઈમ્યુન સિસ્ટમ એટલે બીજું કંઈ નહીં પણ રોગપ્રતિકારક તંત્ર. આ તંત્ર શરીરની તંદુરસ્તી માટે જરૂરી કોષોને ઓળખવા સક્ષમ હોય છે. તેની મદદથી શરીર વાયરસ જેવા હુમલાખોરોને શરીરમાં આવતા અટકાવે છે. હુમલાખોરો સામે લડવા માટે માનવશરીરમાં ‘સુરક્ષા કોષો-ડિફેન્સ સેલ્સ’નું મોટું લશ્કર હોય છે, જેમાં જુદા જુદા પ્રકારના શ્વેતકણોનો પણ સમાવેશ થાય છે. માનવશરીરના બોનમેરોમાં રોજેરોજ આવા અબજો કોષ બનતા રહે છે. હાડકાની અંદરના ભાગમાં આવેલી સ્થિતિસ્થાપક (ફ્લેક્સિબલ) પેશીઓને બોનમેરો કહેવાય છે.

શ્વેતકણો દુશ્મનોને ઓળખીને તેમનો નાશ કરતા હોય છે. જોકે, વાયરસ શરીરમાં ઘૂસીને ઈન્ફેક્શન કરી શકે એટલી મજબૂતાઈ હાંસલ કરવાનું શરૂ કરી દે તો ‘ટી’ અને ‘બી’ લિમ્ફોસાઈટ્સ નામના શ્વેતકણોને લડાઈ માટે ઉતારવામાં આવે છે. આ લડાઈમાં ‘બી’ લિમ્ફોસાઈટ્સ એન્ટિબોડી નામનું ખાસ પ્રકારનું પ્રોટીન બનાવવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે, જે ઈમ્યુનોગ્લોબ્યુલિન તરીકે ઓળખાય છે. ‘વાય’ આકારના આ પ્રોટીનની મદદથી જ ઈમ્યુન સિસ્ટમ શરીરને નુકસાન કરે એવા વાયરસ અને બેક્ટેરિયાને શોધી કાઢે છે. આ પ્રોટીન વાયરસને એકસાથે બાંધી દે છે, જેથી તેઓ પોતાના જેવા બીજા વાયરસ ઉત્પન્ન કરીને તાકાત વધારી ના શકે. આ દરમિયાન એન્ટિબોડી નુકસાન પામેલા કોષોને શોધી-શોધીને તેમને ‘ટેગ’ કરતું જાય છે. ટેગ કરવાના કારણે રક્તકણો શરીર માટે હાનિકારક વાયરસને ઝડપથી ઓળખે છે અને તેનો નાશ કરે છે.


જ્યારે ‘ટી’ લિમ્ફોસાઈટ્સ થોડી જુદા પ્રકારની ભૂમિકા ભજવે છે. માનવશરીર પર વાયરસનો હુમલો થાય ત્યારે કેટલાક ‘ટી’ કોષો ચોકીદારી કરતા કૂતરા જેવી ભૂમિકા ભજવે છે. વાયરસ આવે ત્યારે તેઓ ‘એલાર્મ’ વગાડવાનું કામ કરે છે અને કેટલાક ‘ટી’ કોષો વાયરસનો ચેપ લાગ્યો હોય એવા કોષોને મારવાનું પણ કામ કરે છે. એટલું જ નહીં, તેઓ એન્ટિબોડી ઉત્પન્ન કરવા માટે ‘બી’ કોષોને પણ મદદ કરે છે. એકવાર તમામ વાયરસ મરી જાય પછી કેટલાક સ્પેશિયાલિસ્ટ ‘બી’ અને ‘ટી’ કોષો નાશ કરાયેલા કોષોને યાદ રાખી લે છે.  

આપણા કોષો નુકસાનકર્તા વાયરસ સામે આવું જડબેસલાક કામ કરતા હોવાથી તંદુરસ્ત રહેવા ઈમ્યુન સિસ્ટમ અત્યંત મહત્ત્વની છે. વળી, નુકસાન કરે એવા વાયરસની કોષો નોંધ પણ કરી લે છે અને એટલે જ એ વાયરસ શરીરને બીજી વાર નુકસાન નથી કરી શકતા. આ પ્રક્રિયા ‘એક્વાયર્ડ ઈમ્યુનિટી’ તરીકે ઓળખાય છે. જેમ કે, નાનપણમાં એકવાર ગાળપચોળિયું થાય તો તેના વાયરસ સામે શરીરના કોષો આપણને જીવનભર રક્ષણ આપે છે. આ રક્ષણ આપણને ‘એક્વાયર્ડ ઈમ્યુનિટી’ના લીધે મળે છે. વિજ્ઞાનીઓ માનવશરીરની આ કુદરતી પ્રક્રિયાને ઊંડાણપૂર્વક સમજીને નવા નવા રોગોની ‘રસી’ વિકસાવવાની મથામણ કરતા રહે છે. 

જોકે હજુ પણ કેટલાક રોગોનો ઉપચાર વિજ્ઞાન શોધી શક્યું નથી. આ રોગો સામે માનવશરીર કેવી રીતે પ્રતિક્રિયા આપે છે તેમજ તેના વાયરસને કેવી રીતે નાથી શકાય છે- એ દિશામાં સંશોધન કરીને જ વિજ્ઞાનીઓ કેન્સર અને એઈડ્સ જેવા રોગોની રસી પણ શોધી રહ્યા છે. રસી આપવા માટે વિકસાવેલી દવા એ બીજું કંઈ નહીં પણ માનવશરીરને ઈન્ફેક્શન કરી શકે એવા વાયરસ જ હોય છે. જોકે, આ વાયરસ મૃત કે પ્રમાણમાં નબળા હોય છે, જે શરીરમાં સિંરિજ દ્વારા દાખલ કરાય છે. આ વાયરસથી મૃત્યુ કે ચેપનો ભય નથી હોતો. આ વાયરસ શરીરમાં જતા જ ઈમ્યુન સિસ્ટમ તેને ઓળખી કાઢે છે અને પછી શરીરને જીવનભર તે વાયરસથી બચાવે છે.

અમુક વાયરસ કેમ હઠીલા હોય છે?

આ સવાલનો જવાબ જાણતા પહેલાં જાણી લઈએ કે, ઘણાં બધા પ્રકારના વાયરસ માણસને ફ્લૂ જેવી બીમારીઓનો ભોગ બનાવે છે. આ વાયરસ પોતાના જેવા બીજા વાયરસ અત્યંત ઝડપથી પેદા કરી શકે છે. આ પ્રક્રિયા દરમિયાન નવા પેદા થતા દરેક વાયરસના જનીનો તેને પેદા કરનારા વાયરસથી થોડા અલગ હોય છે. આ નાનકડું પરિવર્તન વાયરસનું જીવન ટકાવી રાખવામાં મદદરૂપ થાય છે. હવે, અન્ય વ્યક્તિને વાયરલ ઈન્ફેક્શન/ચેપ લાગે ત્યારે પણ તેમાં થોડો ઘણો બદલાવ આવતો રહે છે. આ પ્રક્રિયામાં વાયરસનો દેખાવ બદલાઈ જાય છે અને એટલે માનવશરીરની ઈમ્યુન સિસ્ટમને નવા વાયરસ ઓળખવામાં મુશ્કેલી પડે છે અથવા તો તે ભૂલ કરે છે. આ સ્થિતિમાં વાયરસને શરીરમાં ઘૂસીને નુકસાન કરવાનો છૂટો દોર મળી જાય છે. આપણને એટલે જ વારંવાર તાવ કે શરદી જેવી બીમારી થાય છે. કારણ કે, સતત નવા વિકસી રહેલા વાયરસને ઈમ્યુન સિસ્ટમ ઓળખી શકતી નથી.

ફ્લૂના વાયરસને બીજો પણ એક લાભ મળે છે. આ વાયરસ માણસો અને પશુ-પક્ષીને પણ ચેપ લગાડવા માટે સક્ષમ છે. બર્ડ ફ્લૂ કે સ્વાઈન ફ્લૂ જેવા રોગો માટે આવા હોશિયાર વાયરસ જવાબદાર છે. આ પ્રકારના વાયરસ વિવિધ પશુઓમાં પ્રસરે ત્યારે પણ પોતાની ઓળખ સતત બદલતા રહે છે. આ સ્થિતિમાં કોઈ પણ ઈમ્યુન સિસ્ટમ માટે તેમને ઓળખવા મુશ્કેલ બની જાય છે. જો આ પ્રકારનો વાયરસ માનવશરીરમાં ફરી હુમલો કરે તો તે ખૂબ જ ઝડપથી પ્રસરવા માંડે છે. કારણ કે, તેણે પોતાની ઓળખ સંપૂર્ણપણે બદલી નાંખી હોય છે.

ફ્લૂથી વિપરિત શરદી ફક્ત એક વાયરસના કારણે નથી થતી, પરંતુ એકસાથે હજારો પ્રકારના વાયરસના કારણે થાય છે. આ વાયરસ ફ્લૂના વાયરસ જેવો પરિવર્તનશીલ નથી અને એટલે જ આપણી ઈમ્યુન સિસ્ટમ દરેક વખતે તેના પર કાબૂ રાખી શકે છે. છતાં શરદી વારંવાર થાય છે. કારણ કે, એકસાથે હજારો વાયરસથી થતાં શરદી જેવા રોગોમાં ઈમ્યુન સિસ્ટમે દર વખતે જુદા જુદા દુશ્મનોને ઓળખવાના હોય છે અને તેમની સામે લડવાનું હોય છે. આ ઉપરાંત અછબડાં જેવા રોગો પણ વાયરસના કારણે જ થાય છે. ઈમ્યુન સિસ્ટમ આ વાયરસનો ખાતમો બોલાવે એ પહેલાં તે નિષ્ક્રિય અને શરીરમાં સુષુપ્તાવસ્થામાં પડ્યા રહે છે. બાદમાં શારીરિક કે માનસિક તણાવ વખતે સક્રિય થાય છે. નાનપણમાં અછબડાંનો ભોગ બન્યા હોય એવા દસમાંથી એક વ્યક્તિને પુખ્તવયે એકવાર આ રોગ બીજી વાર થાય છે. જોકે, તેની તીવ્રતા ઓછી-વત્તી હોઈ શકે છે. એવી જ રીતે, ચાંદા, ફોલ્લા અને તાવ લાવનારો હર્પીસ સિમ્પ્લેક્સ નામનો એક વાયરસ ઈમ્યુન સિસ્ટમના મજ્જાતંતુમાં જઈને છુપાઈ જાય છે. આ વાયરસ હોર્મોન્સની મદદથી અથવા માનસિક તણાવ થાય ત્યારે સક્રિય થાય છે. આ વાયરસ ચામડીના કોષોને મારવાનું શરૂ કરે છે અને તેના કારણે ચાંદા પડવા, તાવ આવવો વગેરે રોગો થાય છે. આ વાયરસ હોઠ કે તેની આસપાસ ચાંદા પાડે છે અને તેમાંથી બહાર આવીને ચેપ લગાડે છે.

આવા વિવિધ વાયરસ જુદી જુદી પદ્ધતિની મદદથી જીવન ટકાવી રાખે છે. જો વાયરસને શરીરમાં થતો કોઈ ફેરફાર પોતાના અસ્તિત્વ માટે જોખમી લાગે તો તે સુરક્ષિત રહેવા નવું શરીર શોધવા માંડે છે.

શું શરદીની દવા ક્યારેય નહીં શોધાય?

આજે પણ અમેરિકા અને યુરોપમાં એવી એન્ટિ-વાયરલ દવા શોધવાની મથામણ ચાલી રહી જે એકસાથે અનેક વાયરસને મારી શકે. જેમ કે, એન્ટિબાયોટિક્સ એકસાથે બહુ બધા બેક્ટેરિયાને મારી શકે છે. જોકે, અત્યારે એચઆઈવી અને હિપેટાઈટિસ જેવા વાયરસથી થતા રોગોની દવા શોધવા વધુ સંશોધનો થઈ રહ્યા છે. કારણ કે, આ દિશામાં સંશોધનો કરવા પૂરતું ભંડોળ મળી રહ્યું છે. તાજેતરમાં જ અમેરિકાની માસાચ્યુસેટ્સ યુનિવર્સિટી, ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજીના વિજ્ઞાનીઓએ એવી દવા વિકસાવી છે જે એકસાથે 15 પ્રકારના વાયરસ પર અસર કરી શકે છે. શરદી જેવા રોગોની દવા શોધવા માટે વિજ્ઞાનીઓ ‘વાયરિંગ ટુગેધર’ નામની પદ્ધતિ અપનાવી રહ્યા છે. આ પદ્ધતિમાં બે જુદા જુદા કુદરતી પ્રોટીન પર પ્રક્રિયા કરવામાં આવે છે, જેથી એક પ્રોટીન વાયરસ પ્રવેશે ત્યારે તેને ઓળખે અને બીજું પ્રોટીન નુકસાન પામેલા કોષોને મારવાનું કામ કરે. આ પ્રક્રિયા બોલવામાં જેટલી સરળ છે એના કરતા અનેકગણી વધારે જટિલ છે. હાલ આ દિશામાં વિશ્વના અનેક દેશોના વિજ્ઞાનીઓ સંશોધન કરી રહ્યા છે.

એચઆઈવી કેમ હાવી થઈ જાય છે?

એઈડ્સ થવા પાછળ હ્યુમન ઈમ્યુનોડેફિસિયન્સી વાયરસ એટલે કે એચઆઈવી જવાબદાર હોય છે. આ વાયરસ ઈમ્યુન સિસ્ટમના ‘ટી’ લિમ્ફોસાઈટ્સ નામના કોષોને નકામા કરી દઈને આખી સિસ્ટમ નકામી કરવા સક્ષમ છે. ‘ટી’ લિમ્ફોસાઈટ્સ એ કોષો છે જે અન્ય ચેપી કોષોને મારવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ‘ટી’ કોષો વિના ઈમ્યુન સિસ્ટમના ‘બી’ કોષો પણ સારી રીતે કામ કરી શકતા નથી. આ પ્રક્રિયા સતત ચાલતી રહે છે અને ખરાબ કોષોનો પ્રતિકાર કરતા કોષો સતત નાશ પામતા રહે છે. છેવટે, જે રોગ થાય છે તે એઈડ્સ તરીકે ઓળખાય છે.

No comments:

Post a Comment