08 May, 2013

‘જેવા સાથે તેવા’ની નીતિ અંતહીન


ભારત અને પાકિસ્તાનના ભાગલા થયાને 65 વર્ષ કરતા પણ વધારે સમય વીતી ગયો છે, પરંતુ આટલા વર્ષો પછીયે બંને દેશો એકબીજા સાથે શાંતિપૂર્વકના અને સુમેળભર્યા સંબંધો વિકસાવી શક્યા નથી. ઊલટાની બંને દેશ વચ્ચે વિશ્વાસની ખાઈ દિવસે ને દિવસે પહોળી થતી ગઈ છે. ભારત-પાકિસ્તાન જાણે છે કે, તેઓ પાડોશી બદલી શકવાના નથી. આમ છતાં, તેમની ઉંદર-બિલાડીની રમત બંધ થતી નથી અને અર્ધી સદીથી પણ વધારે સમયથી તેઓ એકબીજા સાથે ‘જેવા સાથે તેવા’ની નીતિ અપનાવી રહ્યા છે. પરોક્ષ રીતે ચાલી રહેલા આ યુદ્ધમાં સૌથી વધારે ભોગ સામાન્ય માણસોનો જ લેવાય છે, પછી તે ભારત કે પાકિસ્તાનની સરહદોની રક્ષા કરતા ‘સામાન્ય’ સૈનિકો હોય, બંને દેશોએ એકબીજા પર દાઝ રાખીને અટકાયતમાં લીધેલા માછીમારો હોય કે પછી સરબજિત સિંઘ જેવા બલિના બકરા હોય.  

આ રીતે ચાલી રહેલા યુદ્ધમાં કમનસીબે બંને દેશોએ ફક્ત વાટાઘાટો પર જ શ્રદ્ધા રાખવી પડે છે. વાટાઘાટો વખતે બંને દેશોના રાજકારણીઓએ પોતપોતાની પ્રજાની રૂખ કઈ તરફ છે તેનું પણ ધ્યાન રાખવું પડે છે. વળી, પ્રજાની રૂખ નક્કી કરવામાં બંને દેશના મીડિયાની અવિચારી રાષ્ટ્રવાદી નીતિ પણ બળતામાં ઘી હોમવાનું કામ કરે છે. ભારતીય મીડિયામાં પાકિસ્તાનની જેલોમાંથી પરત આવેલા કેદીઓ અને પાકિસ્તાની મીડિયામાં ભારતની જેલોમાંથી પરત આવેલા કેદીઓની જ ‘ન્યૂઝ વેલ્યુ’ હોય છે. પાકિસ્તાને સરબજિત સિંઘ જેવો હાઈ પ્રોફાઈલ કેદી ભારતને કેમ ના સોંપ્યો તેને ઝીણવટપૂર્વક સમજવું જરૂરી છે. પાકિસ્તાનમાં ચૂંટણીનો માહોલ છે ત્યારે ઈજાગ્રસ્ત સરબજિત સિંઘને માનવતાના ધોરણે ભારતને સોંપી દેવો જોઈએ એમ કહેવાની પહેલ પાકિસ્તાનનો કયો પક્ષ કરે? આવી પહેલથી પ્રજાની રૂખ તેમની વિરુદ્ધમાં જઈ શકે એમ હતી. આ ઉપરાંત સરબજિતે પાકિસ્તાનમાં જે કંઈ જોયું-જાણ્યું તે બધું ભારત જઈને બોલી નાંખે એવું પણ પાકિસ્તાન ના ઈચ્છતું હોય એ સ્વાભાવિક છે. બીજી તરફ, ભારત સરકાર સરબજિતને પાછો લાવી ના શકી એ મુદ્દે સરકારને જવાબદાર ઠેરવવાનો પ્રયાસ છે, પરંતુ સરબજિતને પાછો લાવવા આપણે લશ્કર ના મોકલી શકીએ એ પણ ધ્યાનમાં રાખવું જરૂરી છે.


21મી સદીમાં જેટ ગતિએ આગળ વધી રહેલા વિશ્વની સાથે રહેવા માટે ભારત કે પાકિસ્તાન બેમાંથી એક પણ દેશને યુદ્ધ કરવું પોષાય એમ નથી. વળી, બંને દેશો ખતરનાક અણુશસ્ત્રો ધરાવે છે. કમનસીબે પાકિસ્તાન જેવા દેશ સાથે યુદ્ધ પણ એક સારો વિકલ્પ નથી. ધારો કે યુદ્ધ કરવામાં આવે તો પણ તેની સૌથી ઘાતક અસરો બંને દેશની સરહદો નજીક વસતા સામાન્ય લોકો, સ્ત્રીઓ અને બાળકોને જ થશે. યુદ્ધ પૂર્ણ થઈ ગયા પછીયે આતંકવાદ સહિતની મુશ્કેલીઓનો અંત આવી જાય એ અશક્ય છે. આતંકવાદ ઊલટાનો વધુ વકરી શકે છે. તાજેતરમાં જ અમેરિકાના કોમ્બેટિંગ ટેરરિઝમ સેન્ટરે વર્ષ 1989થી 2008ની વચ્ચે મૃત્યુ પામેલા લશ્કર-એ-તૈયબાના 924 આતંકવાદીઓની ઝીણામાં ઝીણી વિગતો એકઠી કરી હતી. આ તમામ આતંકવાદીઓના પિતા કે અન્ય કુટુંબીજનો ભારત સામે વર્ષ 1965 અને 1972માં યુદ્ધ લડ્યા હતા. આ યુવાનોને ઈમોશનલ બ્લેક મેઈલિંગ અને બ્રેઈન વૉશિંગ કરીને આતંકવાદી બનાવી દેવાયા હતા.

આવી સ્થિતિમાં પણ બંને દેશોએ પરસ્પર વેપારી સંબંધો જાળવી રાખવા પડે છે. વિવિધ કારણોસર બંને દેશોએ ગમે તેવા જટિલ પ્રશ્નો ઉકેલવા માટે ફક્ત વાટાઘાટો પર મદાર રાખવો પડે છે. સરબજિતનું મૃત્યુ ‘જેવા સાથે તેવા’ની વણલિખિત નીતિનું જ તાજું ઉદાહરણ છે, જેમાંથી ભારત અને પાકિસ્તાન બંનેએ કંઈક શીખવું જોઈએ. સરબજિત છેલ્લાં 21 વર્ષથી લાહોરની કોટ લખપત જેલમાં સબડી રહ્યો હતો. તેના પર વર્ષ 1990માં લાહોર અને ઈસ્લામાબાદમાં ચાર બોમ્બ વિસ્ફોટોમાં સંડોવણીનો આરોપ હતો. આ ઘટનામાં 14 લોકોના મૃત્યુ થયા હતા. જોકે, અહીં સવાલ એ નથી કે, આ ઘટનામાં સરબજિતની સંડોવણી હતી કે નહીં. સવાલ એ છે કે, જો બંને દેશોએ તેમના સંરક્ષણ ખર્ચનો સામાજિક યોજનાઓ તરફ વાળવો હશે અને આગામી વર્ષોમાં વિકસિત દેશોની હરોળમાં આવવું હશે તો પરોક્ષ યુદ્ધનો માર્ગ ત્યજવો પડશે. આપણે જાણીએ છીએ કે, પાકિસ્તાને વર્ષ 1965 અને 1971ના યુદ્ધમાં ભારત સામે પછડાટ ખાધા પછી તેમજ કાશ્મીર મુદ્દે ભારતને તમામ સ્તરે નુકસાન પહોંચાડવા માટે આતંકવાદનો માર્ગ અપનાવ્યો છે. એ રીતે બંને દેશોના સંબંધો બગાડવામાં પાકિસ્તાન ઘણું વધારે જવાબદાર છે.

જોકે, આતંકવાદને સીધું કે આડકતરું પ્રોત્સાહન આપવાના કારણે પાકિસ્તાનને જ ભારે મુશ્કેલીઓ સહન કરવી પડી રહી છે. આજે અનેક આતંકવાદી જૂથો પાકિસ્તાન સરકારના કાબૂ બહાર છે અને નાની-મોટી માગણીઓ પૂરી કરવા પાકિસ્તાનમાં જ છાશવારે હુમલા કરે છે. તાલિબાનો સામે બોલતી-લખતી મલાલા યુસુફઝાઈ જેવી નાનકડી છોકરીને પણ પાકિસ્તાન સરકાર સુરક્ષા આપી શકતી નથી અને હવે આ છોકરીએ બ્રિટન, લંડનમાં દેશવટો ભોગવવાનો વારો આવ્યો છે. ભારત સામે આતંકવાદી પ્રવૃત્તિ કરતા આતંકવાદી જૂથો અને પ્રજાને ખુશ રાખવા માટે પણ પાકિસ્તાન સરકારે તેમને સીધી કે આડકતરી મદદ કરવી પડે છે. તેમની તમામ પ્રવૃત્તિઓ સામે આંખ આડા કાન કરવા પડે છે. પાકિસ્તાન એ વાત નથી સમજતું કે, આતંકવાદને જીવિત રાખવા માટે કટ્ટરપંથીઓને જોઈતા યુવાનો આકાશમાંથી નથી ટપકતા. ખરેખર તો પાકિસ્તાનનું ભવિષ્ય બની શકે એવા અનેક હોનહાર યુવાનોનું નાનપણથી જ બ્રેઈન વૉશિંગ કરીને આતંકવાદી બનાવી દેવાય છે. આવી બેવકૂફ નીતિથી ભારત તો મુશ્કેલીઓનો સામનો કરી જ રહ્યું છે, પણ સાથે સાથે પાકિસ્તાનને પણ વ્યાપક નુકસાન થઈ રહ્યું છે.

અમેરિકાના કોમ્બેટિંગ ટેરરિઝમ સેન્ટરના અહેવાલમાં બીજો પણ એક રસપ્રદ ઉલ્લેખ છે. વર્ષ 1989થી 2008ની વચ્ચે મૃત્યુ પામેલા લશ્કર એ તૈયબાના 924 આતંકવાદીઓથી મોટા ભાગનાને ભારતના કબજા હેઠળના કાશ્મીરમાં આતંકવાદ ફેલાવવા માટે તાલીમ અપાઈ હતી. ભારતીય ઈન્ટેલિજન્સ એજન્સીઓનું માનવું છે કે, લશ્કર એ તૈયબા અને તાલિબાનોએ અજમલ કસાબ અને અફઝલ ગુરુના મોતનો બદલો લેવા માટે સરબજિતની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. એવી પણ વાત છે કે, સરબજિત પર હુમલો કરનારા મુદસ્સર અને આફતાબ નામના કેદીઓ તો લશ્કર એ તૈયબા અને તેહરી-એ-તાલિબાન નામના આતંકવાદી જૂથોના ‘લડવૈયા’ હતા. એ માનવું અઘરું છે કે, એક હાઈ પ્રોફાઈલ કેદીને મારવામાં લાહોરની કોટ લખપત જેલના ઉચ્ચ અધિકારીઓ, આઈએસઆઈ કે સરકારે મદદ ના કરી હોય. વળી, કસાબ અને અફઝલના મોત પછી ખુદ સરબજિતે કહ્યું હતું કે, અહીં તે સુરક્ષિત નથી. બીજી તરફ, ભારત સરકાર પણ દેશની વિવિધ જેલોમાં સજા કાપી રહેલા પાકિસ્તાની કેદીઓની સુરક્ષા બાબતમાં ઉણી ઉતરી છે. જોકે, સરબજિતની હત્યા પછી ભારત સરકારે કેટલાક પાકિસ્તાની કેદીઓની સુરક્ષા વધારી દીધી છે એ સારી વાત છે.

આમ છતાં, ભારત કે પાકિસ્તાનના રાજકારણીઓએ પોતપોતાની પ્રજાની ખુશી ધ્યાનમાં રાખીને એકબીજા સામે કેવું વલણ રાખવું તે નક્કી કરવું પડે છે. સરબજિત પરના હુમલા પછી જમ્મુ-કાશ્મીરની કોટ ભલવલ જેલમાં પાકિસ્તાની કેદી સનાઉલ્લાહ હક પર જીવલેણ હુમલો થયો છે. મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સનો અહેવાલ કહે છે કે, આ હુમલાને સરબજિતની હત્યા સાથે કોઈ લેવાદેવા નથી. સનાઉલ્લાહ પર અંગત દુશ્મનાવટના કારણે હુમલો થયો છે. બાદમાં ભારતે સત્તાવાર ધોરણે સનાઉલ્લાહ પરના હુમલાને ખેદજનક ગણાવતા કહ્યું કે, બંને દેશોએ એકબીજાના કેદીઓ સાથે માનવતાભર્યો વ્યવહાર કરવો જોઈએ. પરંતુ બીજી તરફ, ફારૂક અબ્દુલ્લા કહે છે કે, “સરબજિત મરી ગયો, સનાઉલ્લાહ નહીં મરે... અમે અમારો ગુસ્સો કાબૂમાં રાખી રહ્યા છીએ.” આમ કહીને તેઓ શું સાબિત કરવા માગે છે. અમે જેલમાં બંધ એક કેદીને મારી શકીએ છીએ, પણ નહીં અમે તેને નહીં મરવા દઈએ એમ જ ને? આ નિવેદન તેમણે પ્રજાને ખુશ રાખવા અને ભારત પ્રત્યેની વફાદારી સાબિત કરવા જ કર્યું છે. 

ભારતની જેલોમાં સનાઉલ્લાહ ખાન જેવા બીજા 220 પાકિસ્તાની કેદીઓ સબડી રહ્યા છે. જોકે, આ આંકડામાં પાકિસ્તાની માછીમારોનો સમાવેશ નથી થતો. એવી જ રીતે, પાકિસ્તાનની જેલોમાં પણ અનેક વર્ષોથી કેટલાય ‘સરબજિત’ સજા કાપી રહ્યા છે. ભારત-પાકિસ્તાન એકબીજાના કેદીઓને મુક્ત કરવા સતત પ્રયત્નશીલ હોય છે, પરંતુ બંને પક્ષે અવિશ્વાસના કારણે નક્કર પગલાં લઈ શકાતા નથી. સર્વોચ્ચ અદાલતે 12 ડિસેમ્બર, 2012ના રોજ ભારતની જેલમાં વીસ વર્ષથી સજા ભોગવી રહેલા પાકિસ્તાની વિજ્ઞાની ખલીલ ચિશ્તીને છોડવાનો હુકમ કર્યો ત્યારે તેઓ એંશી વર્ષના હતા. તેમની પર હત્યાનો આરોપ હતો, જેને છેલ્લે સુધી તેઓ નકારતા રહ્યા હતા. આસિફ અલી ઝરદારીએ પણ ચિશ્તીને માનવતાના ધોરણે મુક્ત કરવાની ભારતને વિનવણી કરી હતી. સરબજિતનો કેસ તો મીડિયામાં ચગવાના કારણે લોકોના ધ્યાનમાં આવ્યો, પરંતુ આ વર્ષે આવા જ બે કિસ્સા નોંધાયા હતા. કદાચ એટલે જ ક્યાંય ચર્ચા નથી થઈ કે, આ કિસ્સા સાથે સરબજિતનો કિસ્સો ગાઢ રીતે સંકળાયેલો છે.

આ વર્ષે જાન્યુઆરી મહિનામાં લાહોરની એ જ કોટ લખપત જેલમાં એક ભારતીય કેદી પર પાકિસ્તાની કેદીઓએ હુમલો કરીને તેને મોતને ઘાટ ઉતારી દીધો. અનેક રજૂઆતો પછીયે પાકિસ્તાને હજુ સુધી તેનો ઓટોપ્સી રિપોર્ટ ભારતને સોંપ્યો નથી. જ્યારે પાંચમી એપ્રિલ, 2013ના રોજ એક કેદીએ આત્મહત્યા કરી, પરંતુ આ વખતે કોટ લખપત નહીં પણ ગુજરાતના બનાસકાંઠાની જેલ હતી. અહીં કહેવાનો અર્થ એ જ છે કે, બંને દેશોની ‘જેવા સાથે તેવા’ની નીતિનો ભોગ રાજકારણીઓ નહીં પણ સામાન્ય માણસો જ બને છે. 65 વર્ષ જૂના કડવાશભર્યા સંબંધો રાતોરાત સુધરી નહીં જાય. એ માટે બંને દેશો પાસે નક્કર વાટાઘાટો સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.

નોંધઃ ફોટોગ્રાફ ગૂગલ પરથી લીધો છે

No comments:

Post a Comment