જો પેટ્રોલ કે ડીઝલના
ભાવ વધે ત્યારે ત્યારે દેશભરના મીડિયામાં તે મોટા સમાચાર હોય છે. પરંતુ દૂધ જેવી જીવન
જરૂરિયાતની ચીજના ભાવ વારંવાર વધવા છતાં તેને જેટલું મળવું જોઈએ એટલું મહત્ત્વ મળતું
નથી. પેટ્રોલ કે ડીઝલમાં થતા ભાવ વધારાના કારણે બીજી અનેક ચીજવસ્તુઓના ભાવ વધે છે એટલે
તેને વધારે મહત્ત્વ અપાય એ સમજી શકાય એમ છે. પરંતુ દૂધ જેવી જીવનજરૂરી ચીજવસ્તુઓના
ભાવ સતત વધ્યા કરે અને તે પણ જાહેર ચર્ચાનો વિષય ન બને ત્યારે આશ્ચર્ય જરૂર થાય. કારણ
કે, દૂધમાં કરાતો ભાવવધારો પણ પેટ્રોલ કે ડીઝલમાં થતા ભાવવધારા જેવો જ જટિલ અને ગૂંચવાડાભર્યો
છે. ખાદ્ય ચીજવસ્તુઓના ફુગાવામાં દૂધ અને દૂધની બનાવટોના ઉત્પાદનોનો ખૂબ મોટો હિસ્સો હોય છે.
આ મુદ્દે ગૂગલ પર ખાંખાખોળા
કરતા માલુમ પડે છે કે, હમણાં જ એક જાણીતી ડેરીએ દૂધના ભાવમાં રૂ. ત્રણનો વધારો કર્યો
છે. દેશના વિવિધ રાજ્યોમાં દૂધની કિંમતોમાં અનેકવાર નાનો-મોટો ભાવવધારો ઝીંકાયો છે
અને કદાચ એટલે જ તેની ‘ન્યૂઝ વેલ્યૂ’ સમયાંતરે ઓછી થઈ ગઈ છે. વર્ષ 2009થી વિવિધ કંપનીઓના
દૂધના ભાવમાં કુલ બાર વખત, રૂ. એકથી લઈને રૂ. ચાર સુધીનો વધારો થયો છે. છેલ્લાં ચારેક
વર્ષમાં જ ભારતમાં દૂધની સરેરાશ કિંમત રૂ. 21.33થી વધીને રૂ. 34.50 થઈ ગઈ છે. એટલે
એવું કહી શકાય કે, ચાર જ વર્ષમાં દૂધની કિંમતોમાં 62 ટકાનો જંગી વધારો થયો છે. તાજેતરમાં
જ ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (જીસીએમએમએફ)એ દિલ્હીમાં અમૂલ દૂધમાં
રૂ. બેનો વધારો કર્યો હતો.
દૂધની કિંમતોમાં વધારો
કરવામાં ખાનગી અને જાહેર ક્ષેત્રની ડેરીઓ તો ઠીક દેશભરની સહકારી મંડળીઓ પણ પાછળ નથી.
આ અંગે તેઓ મોટે ભાગે એવું કારણ આપે છે કે, “અમે ખેડૂતોને સતત ઊંચી કિંમતો આપીએ છીએ...”
આ ઉપરાંત ક્યારેક એવી પણ દલીલ કરાય છે કે, અમે ક્યારેય દૂધની અછત નથી સર્જાવા દેતા
અને તેથી તમે જે કિંમતો ચૂકવો છો તે યોગ્ય જ છે. જીસીએમએમએફના મેનેજિંગ ડિરેક્ટર આર.એસ.
સોઢી પણ જાહેરમાં આવું કહી ચૂક્યા છે. જીસીએમએમએફના દૂધના ટર્નઓવરમાં દર વર્ષે 15 ટકાનો
વધારો થાય છે. એટલે કે, તેઓ જેટલું દૂધ મેળવે છે અને તેમાંથી જે કંઈ ઉત્પાદનોનું વેચાણ
થાય છે તે સમગ્ર વોલ્યુમમાં દર વર્ષે 15 ટકાનો વધારો થાય છે.
નવાઈની વાત તો એ છે કે,
પ્રમાણમાં સારો કહેવાય એવો આ વધારો પૂરતો નથી. ભારત સરકાર દૂધ ઉત્પાદનમાં દર વર્ષે
પાંચ ટકાના વધારાનું લક્ષ્ય રાખે છે, પરંતુ આપણે ફક્ત 3.9 ટકા વધારો કરી શકીએ છીએ.
બીજી તરફ, દૂધની માગમાં પણ દર વર્ષે છથી સાત ટકા વધે છે. આમ દૂધની માગ અને તેના પુરવઠા
વચ્ચે મોટો તફાવત છે. દૂધની કિંમતોમાં વધારો થવા પાછળ આ કારણ પણ આગળ કરાય છે. દૂધમાં
ભેળસેળ વધવા માટે પણ આ કારણ અપાય છે. જોકે, દૂધની માગમાં દર વર્ષે છ-સાત ટકાનો વધારો
થાય છે એ ફક્ત એક ધારણા છે, પરંતુ કેટલાક નિષ્ણાતોના મતે દૂધની માગમાં આટલો મોટો વધારો
થતો જ નથી. જો ખરેખર આવું થતું હોય તો આપણે ગંભીર મુશ્કેલીનો સામનો કરતા હોઈએ!
પરિણામે એવી શંકા થયા
વિના રહે નહીં કે, ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા સ્થાપિત હિતો દૂધની કિંમતોમાં વધારો
ઝીંકીને લાભ ખાટતા હોઈ શકે છે. ગયા વર્ષે મહારાષ્ટ્ર સરકારે 60 હજાર ટન સ્કિમ્ડ મિલ્ક
પાઉડરનો વધારાનો જથ્થો નિકાસ કરી દેવો પડ્યો હતો. વળી, આ દરમિયાન મહારાષ્ટ્ર દુકાળનો
સામનો કરી રહ્યું હતું. અહીં બીજા મહત્ત્વના આંકડાઓ પર પણ નજર કરવા જેવી છે. જેમ કે,
ભારતે છેલ્લાં પાંચ વર્ષમાં ફક્ત 0.12 ટકા મિલ્ક સોલિડની આયાત કરી છે, જે માંડ એક મિલિયન
ટન દૂધ બરાબર ગણાય. ભારતે આટલા જ સમયમાં છ મિલિયન ટન પાઉડર અને પનીરની નિકાસ કરી છે,
જે પાંચ મિલિયન ટન દૂધ બરાબર ગણી શકાય. જે દેશમાં દૂધની અછત હોય તે પોતાની આયાત કરતા
પાંચ ગણું દૂધ નિકાસ કરી શકે?
ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા
કેટલાક નિષ્ણાતોનો તો મત છે કે, ડેરી ઉત્પાદનોમાં ફુગાવો થવાનું સૌથી મોટું કારણ ખેડૂતોને
ચૂકવાતી ઊંચી કિંમતો છે. કારણ કે, પશુઓના ઘાસચારાની કિંમતોમાં પણ 15 ટકાનો વધારો થયો
હોવાથી તેમને યોગ્ય કિંમતો આપવી જરૂરી છે. પરંતુ તેનો અર્થ એ નથી કે, દૂધની અછત છે.
આમ છતાં દૂધની જબરદસ્ત અછત હોય એવું વાતાવરણ સર્જીને દૂધ ઉત્પાદનમાં વધારો થવો ઘણો
જરૂરી છે એવું ઠસાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. આ બધી મુશ્કેલીઓનો જવાબ ફક્ત બીજી એક
સફેદ ક્રાંતિ હોય એવી વાતો પણ કરવામાં આવે છે. ‘ડેરી ઈન્ડિયા યર બુક’ના પ્રકાશક અને
એડિટર શરદ ગુપ્તાનું કહેવું છે કે, “આપણને બીજી એક સફેદ ક્રાંતિની જરૂર છે અને એ પણ
પહેલી ક્રાંતિથી ઓછા સમયમાં. આવનારા વર્ષોમાં ભારતીય ડેરી ઉત્પાદનો વૈશ્વિક સ્તરે જ
નહીં પણ સ્થાનિક સ્તરે બજારમાં ઠલવાતા ઈમ્પોર્ટેડ ઉત્પાદનોને પણ સ્પર્ધા પૂરી પાડતા
હશે.”
નવાઈની વાત તો એ છે કે,
તાજેતરમાં આયોજન પંચે જાહેર કરેલા વચગાળાના મૂલ્યાંકન અહેવાલમાં જણાવાયું છે કે, સહકારી
મંડળીઓ કે સંગઠિત ખાનગી ક્ષેત્રના દૂધ ઉત્પાદકો અને ખરીદારોના જોડાણોમાં ધારણા મુજબનો
સુધારો થયો નથી. પરિણામે દૂધ ઉત્પાદન દરમાં ટકાઉ સુધારો (થોડા સમય પછી ઉત્પાદન દર ઘટી
ન જાય એવો) કરવો હજુ એક પડકાર છે. આજે પણ દેશના 127.9 મિલિયન ટન દૂધ પૈકીનું ફક્ત 18 ટકા દૂધ ઉત્પાદન જ દેશના સંગઠિત ક્ષેત્ર દ્વારા થાય છે, જેમાં સહકારી મંડળીઓ અને
ખાનગી ક્ષેત્રનો પચાસ-પચાસ ટકા હિસ્સો છે. આવા બે છેડાના મતોના કારણે જ દૂધની કિંમતોમાં
ભાવવધારો થાય ત્યારે તેની જાહેરમાં વિષદ્ છણાવટ થવી જરૂરી છે.
દૂધમાં ‘સુરક્ષિત’ ભેળસેળનું
દુષણ
દૂધમાં ભેળસેળના દુષણ
અંગે પણ કેટલીકવાર દૂધની અછતનું કારણ આગળ ધરવામાં આવે છે, પરંતુ આ વાત માની શકાય એમ
નથી. દૂધ સિવાયની અનેક ચીજવસ્તુઓની અછત નહીં હોવા છતાં ભેળસેળ બેરોકટોક ચાલે છે અને
ભ્રષ્ટ તંત્ર અને નબળા કાયદાના કારણે ભેળસેળિયાઓ છટકી જાય છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ
ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ કે. ચંદ્રમૌલી માહિતી આપતા કહે છે કે, ગયા વર્ષે સમગ્ર
દેશમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાંથી દૂધના 1,791 નમૂના એકત્રિત કરાયા હતા. આ સર્વેક્ષણમાં
માલુમ પડ્યું હતું કે, દૂધમાં ભેળસેળનું દુષણ અસંગઠિત ક્ષેત્રમાં છે. જોકે, આ તમામ
નમૂનાઓમાં ભેળસેળ ‘સુરક્ષિત’ હતી. એટલે કે, તેમાં ફક્ત પાણી જ ઉમેરવામાં આવ્યું હતું.
જ્યારે ખાદ્યપદાર્થોમાં લોકોના આરોગ્યની ચિંતા કર્યા વિના ખુલ્લેઆમ ભેળસેળ ચાલતી હોય
ત્યારે આપણે આ વાતને લઈને સંતોષ જ માનવો પડે!
નોંધઃ પ્રતીકાત્મક તસવીર ગૂગલ પરથી લીધી છે.
No comments:
Post a Comment