ભારતમાં ચારેય તરફ સ્પોટ ફિક્સિંગ છવાઈ ગયું હતું ત્યારે
નક્સલવાદીઓએ છત્તીસગઢના સુકમા જિલ્લામાં કોંગ્રેસની પરિવર્તન રેલી પર હુમલો કરીને 27 લોકોની હત્યા કરી દીધી છે. આ વખતે નક્સલોએ સરકારી અધિકારી, પોલીસ કે લશ્કરી
જવાનોને લક્ષ્ય બનાવવાના બદલે રાજકારણીઓ પર જ હુમલો કરી દીધો. આ ઘટના બાદ
ઈન્ટેલિજન્સ નેટવર્ક અને નક્સલવાદ ડામવા માટે સરકારના પ્રયાસો સહિતના પ્રશ્નો
ઉપસ્થિત થયા છે. કારણ કે, છત્તીસગઢના સુકમા વિસ્તારમાં જ્યાં હુમલો થયો છે તે
પહેલેથી જ નક્સલવાદીઓનો ગઢ છે, તો આ વિસ્તારમાંથી પસાર થઈ રહેલી પરિવર્તન રેલીને ઈન્ટેલિજન્સ
એજન્સીઓએ કે પોલીસે ગંભીરતાથી કેમ ન લીધી? વળી, આ રેલીમાં નક્સલવાદીઓ જેમને પોતાના
સૌથી મોટા દુશ્મન ગણતા હતા તે ‘સલવા જુડમ’ના પ્રણેતા મહેન્દ્ર કર્મા પણ સામેલ હતા.
હજુ થોડા સમય પહેલાં જ મહેન્દ્ર કર્માએ નક્સલવાદ અંગે કહ્યું હતું કે, “આ શાંતિનો સમય છે, અને એ આપણા માટે જોખમી છે.” નક્સલોની
નીતિરીતિથી સારી રીતે વાકેફ મહેન્દ્ર કર્મા જાણતા હતા કે, હવે નક્સલો કંઈક મોટું
કરવાના મૂડમાં છે, અને કર્મા સાચા પડ્યા. આ હુમલો સુકમા નજીક તોંગપાલ અને દરબા
વિસ્તાર વચ્ચેના જંગલો અને પહાડોથી ઘેરાયેલા વિસ્તારમાં થયો છે. અહીં નક્સલવાદીઓએ
સુરંગ બિછાવીને બે કાર ઉડાવી દીધી, રસ્તા પર એક મોટું ઝાડ પાડીને રેલી રોકી દીધી
અને ત્યાર પછી આસપાસના પહાડી વિસ્તારમાં છુપાયેલા 200થી પણ વધુ નક્સલોએ અંધાધૂંધ
ગોળીબાર કરીને અનેક લોકોને મોતને ઘાટ ઉતારી દીધા. આ રેલીમાં કોંગ્રેસના મોટા નેતાઓ
હતા અને તેઓ કમાન્ડોથી ઘેરાયેલા હતા. જ્યારે મહેન્દ્ર કર્મા ઝેડ પ્લસ સિક્યોરિટીથી
ફૂલપ્રૂફ હતા. એનો અર્થ એ છે કે, આ હુમલા માટે નક્સલવાદીઓએ ઘણાં સમય પહેલાંથી
સજ્જડ તૈયારી કરી રહ્યા હતા.
નક્સલવાદ પ્રભાવિત વિસ્તારોમાં ચાંપતી નજર રાખવા કેન્દ્ર સરકારે
ઈઝરાયેલ પાસેથી ચાર મિલિયન ડૉલરથી પણ વધુનો ખર્ચ કરીને હેરોન લૉન્ગ રેન્જ
સર્વેઈલન્સ ડ્રોન ખરીદ્યા છે. પરંતુ સુરક્ષા નિષ્ણાતો જાહેરમાં કબૂલી ચૂક્યા છે
કે, આ ડ્રોન ફક્ત ઉડ્યા જ કરે છે, તેઓ સચોટ માહિતી લાવી જ નથી શકતા અને લાવે છે તો
નેશનલ ટેકનિકલ રિકોનાઈસન્સ ઓર્ગેનાઈઝેશન તે ડેટાનું સચોટ વિશ્લેષણ જ નથી કરી
શકતું. ઈન્ટેલિજન્સ એજન્સીની બાતમીને ગંભીરતાથી લેવામાં ના આવે એ પણ આપણે ત્યાં સામાન્ય
ઘટના છે. આ ઘટના વખતે પણ અહેવાલ છે કે, એપ્રિલ, 2013માં ઈન્ટેલિજન્સ એજન્સીઓએ
ચેતવણી આપી હતી કે, નક્સલવાદીઓ હાઈ પ્રોફાઈલ અને મહત્ત્વના લક્ષ્યાંક પર ધ્યાન
કેન્દ્રિત કરી રહ્યા છે. આટલો મોટો હુમલો છત્તીસગઢ પોલીસ તો ઠીક ઈન્ટેલિજન્સ
એજન્સીઓની પણ નિષ્ફળતા દર્શાવે છે. મીડિયામાં સતત ચમકતા નક્સલવાદીઓના અહેવાલ પરથી
એટલું તો સાબિત થાય જ છે કે, તેઓનું નેટવર્ક જડબેસલાક છે અને એકદમ સુવ્યવસ્થિત
રીતે ચાલે છે, જ્યારે સામે પક્ષે સરકારી તંત્ર રામ ભરોસે છે. નક્સલો પોતાના
હેતુમાં પ્રતિબદ્ધ છે, જ્યારે આપણું રાજકારણ, ઈન્ટેલિજન્સ અને પોલીસ ભ્રષ્ટાચારથી
ખદબદે છે.
ભારતના કેટલા જિલ્લા, જંગલ વિસ્તારો નક્સલવાદથી પ્રભાવિત છે
એ અંગેની મોટા ભાગની માહિતી વિવાદાસ્પદ છે. એવું કહેવાય છે કે દેશના 180 જિલ્લામાં
નક્સલવાદીઓની હાજરી છે. શોષણ અને અન્યાયની લાગણીથી સર્જાયેલા નક્સલવાદ અને હાલના
નક્સલવાદમાં ઘણું અંતર છે. અત્યારે નક્સલવાદના ટોચના નેતાઓ પોતાના લાભ માટે આ ચળવળ
જીવિત રાખી રહ્યા છે. નક્સલવાદીઓનું સર્વોચ્ચ તંત્ર પોલિટ બ્યુરો કે કેન્દ્રિય
સમિતિ તરીકે ઓળખાય છે. આ સમિતિમાં 13થી 14 સભ્યો હોય છે. આ સભ્યો રાજકારણીઓ અને પાડોશી
દેશો સાથે સાંઠગાંઠ રાખીને ભંડોળ ભેગું કરે છે. ભારતમાં નક્સલવાદ વકરાવવામાં આતંકવાદી
સંગઠનોને પણ રસ છે અને નક્સવાદીઓ તેમના હાથા બની ગયા છે. વળી, નક્સલવાદીઓનું
ટોચનું તંત્ર ઉદ્યોગસાહસિકોને પણ ડરાવી ધમકાવીને ખંડણી ઉઘરાવે છે. પોલિટ બ્યુરો
અંતર્ગત સ્પેશિયલ એરિયા કમિટી, સ્પેશિટલ ઝોનલ કમિટિ અને સ્ટેટ કમિટી હોય છે. મોટે
ભાગે જંગલોમાં રહેતા નક્સલવાદીઓને હુમલો કરવાનો આદેશ આ કમિટીઓ દ્વારા મળે છે. આ
તમામ કમિટીના પણ ચોક્કસ કામ હોય છે અને દરેકે તેમને ફાળવેલું કામ જ કરવાનું હોય
છે. આ ઉચ્ચ સ્તરીય સમિતિઓની નીચે રીજનલ કમિટી હોય છે, અને તેની નીચે ઝોનલ,
ડિસ્ટ્રિક્ટ અને ડિવિઝનલ કમિટી હોય છે. આમ તમામ કમિટીના સભ્યો સબ-ઝોનલ, સબ ડિવિઝનલ
અને એરિયા કમિટીની રચના કરીને સ્થાનિક નેટવર્ક મજબૂત કરે છે.
રીજનલ કમિટીની અંતર્ગત આવતી આ તમામ કમિટીઓની મદદથી એરિયા
કમિટીને ભંડોળ, જંગલમાં જીવવા માટે જરૂરી હોય એ તમામ સાધનસામગ્રી અને શસ્ત્રો
પહોંચાડવામાં આવે છે. એરિયા કમિટી સુધી પહોંચાડાયેલી તમામ ચીજવસ્તુઓ પહોંચાડવા
ક્યારેક સ્થાનિક સમિતિઓનો પણ ઉપયોગ કરવામાં આવે છે. તાજેતરમાં જ ભારત સરકાર સમક્ષ
આત્મસમર્પણ કરનારા રઘુ સાદમાતે (39) નામના નક્સલવાદીએ લશ્કર અને પોલીસ અધિકારીઓને
રસપ્રદ માહિતી આપી હતી. ફક્ત 15 વર્ષની વયે નક્સલવાદી બની ગયેલો રઘુ નક્સલી
તંત્રમાં શક્તિશાળી ગણાતી ઝોનલ કમિટીના સભ્ય સુધી પહોંચ્યો હતો. રઘુએ કહ્યું હતું
કે, “જંગલનું જીવન અત્યંત હાડમારીભર્યું હોય છે. દિવસો સુધી ખાવાનું નસીબ નથી
થતું. જંગલમાં સતત ચાલતા રહેવાનું હોવા છતાં અમે રોજિંદી પ્રવૃત્તિઓ નિયમિત અને
ફરજિયાત ધોરણે કરીએ છીએ. આઠ દસ લોકોના જૂથની જરૂરિયાત પૂરી કમાન્ડરને દૈનિક ધોરણે
રૂ. 100થી 200 પહોંચાડાય છે...”
આ પૈસાની મદદથી તેઓ સ્થાનિક કમિટીની મદદથી જોઈતી ચીજવસ્તુઓ
ખરીદી લે છે. સ્થાનિક સમિતિઓમાં વિલેજ કમિટી, બસ્તી, ફેક્ટરી અને કોલેજ કમિટી જેવા
વિભાગ હોય છે. આવી કેટલીક સમિતિઓમાં સંદેશો પહોંચાડવા કુરિયર પણ હોય છે. મોટે ભાગે
સ્થાનિક ભાષા જાણતા અને જંગલ વિસ્તારનું ઊંડુ જ્ઞાન ધરાવતા લોકોની આ કામ માટે
પસંદગી કરાય છે. નક્સલવાદીઓ સ્થાનિક સમિતિઓની બાતમીના આધારે રહેઠાણ બદલતા રહે છે
અને જંગલમાં એક દિવસમાં 30-40 કિલોમીટર ચાલવું સામાન્ય છે. જોકે, ચાલવાની સાથે કરાતી
રોજિંદી પ્રવૃત્તિમાં રસોઈ અને માઓ-લેનિન-માર્ક્સવાદી વિચારધારાના વર્ગોનો સમાવેશ
થાય છે. નક્સલવાદી પ્રવૃત્તિનું સૌથી પ્રાથમિક જૂથ સેલ નામે ઓળખાય છે, જ્યાંથી
લોકોમાં નક્સલવાદનું ઝેર ભરવામાં આવે છે. રઘુએ કહ્યું હતું કે, “અનેક લોકોની હત્યા
અને આત્મસમર્પણ કર્યા પછી મેં ગાંધીજીના વિચારો વિશે સાંભળ્યું હતું અને તે શીખવાનું
શરૂ કર્યું હતું.”
એક અંદાજ મુજબ, ભારતના પાંચમા ભાગના જંગલ વિસ્તારમાં
નક્સલોનું વર્ચસ્વ છે. આ તમામ વિસ્તારોમાં નક્સલવાદીઓ ઘાતકી હુમલા કરતા રહે છે. છેલ્લાં
દસ વર્ષમાં નક્સલોએ આનાથી પણ વધુ મોટા હુમલા કર્યા છે. છઠ્ઠી એપ્રિલ, 2010ના રોજ
નક્સલવાદીઓએ છત્તીસગઢના જ દાંતેવાડામાં 76 સીઆરપીએફ જવાનોને મોતને ઘાટ ઉતારી દીધા
હતા. નક્સલવાદના ઈતિહાસનો સૌથી મોટો હુમલો ખરેખર એ હતો, પરંતુ એ વખતે કોઈ
રાજકારણીની હત્યા થઈ ન હોવાથી એ ભૂલાઈ ગયો હતો. કદાચ એટલે જ નક્સલવાદીઓ ‘મોટો
હુમલો’ કરવાના મૂડમાં હતા. છેલ્લાં દસ વર્ષોમાં હજારો નિર્દોષો, પોલીસ અને સરકારી
અધિકારીઓ અને લશ્કરી જવાનો શહીદ થઈ ચૂક્યા છે. આમ છતાં, કેન્દ્ર સરકારે નક્સલવાદીઓનો
સામનો કરવા સુવ્યવસ્થિત તંત્ર ઊભું કરવાની શરૂઆત પણ કરી નથી.
વર્ષ 2010માં છત્તીસગઢ સરકારે એક લાખ, 92 હજાર સ્ક્વેર
કિલોમીટરમાં ફેલાયેલા જંગલમાં પેટ્રોલિંગ કરવા 27,597 પોલીસ જવાનોની નિમણૂક મંજૂર
કરી હતી, જેમાંથી હાલ 17 હજાર જેટલા જવાનો જંગલ વિસ્તારોમાં ટાંચા સાધનોની મદદથી
ફરજ બજાવી રહ્યા છે. છત્તીસગઢ જેટલા જ જંગલ વિસ્તાર માટે ગુજરાતમાં 64,200 અને
દિલ્હીમાં 69,801 પોલીસ જવાનો છે. એવી જ રીતે, છત્તીસગઢ સરકારને ડેપ્યુટી
સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસથી લઈને સિનિયર સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ સુધીના હોદ્દા
માટે 370 સિનિયર અધિકારીઓની જરૂર છે, પરંતુ હાલ ફક્ત 288 અધિકારીઓની મદદથી કામ
ચલાવાઈ રહ્યું છે. કડવી સચ્ચાઈ એ છે કે, લોકશાહીના મૂલ્યો જાળવવા પણ આપણે નક્સલવાદીઓ સામે લશ્કરની મદદથી કડક હાથે કામ લેવું પડશે, નહીં તો નિર્દોષો મરતા રહેશે અને આતંકવાદીઓ તેમની મદદથી નાપાક ઈરાદા પાર પાડતા રહેશે.
‘બસ્તર કા શેર’ મહેન્દ્ર કર્મા કોણ હતા?
મહેન્દ્ર કર્મા છત્તીસગઢમાં કોંગ્રેસ સાથે સંકળાયેલા નેતા
હતા. વર્ષ 2004થી 2008 સુધી છત્તીસગઢ વિધાનસભામાં તેમણે વિરોધ પક્ષના નેતા તરીકેની
ફરજ બજાવી હતી. મહેન્દ્ર કર્માના પિતા દારાબોડા કર્મા બસ્તરના જાણીતા નેતા હતા.
મહેન્દ્ર કર્માએ કોલેજ સુધીનું શિક્ષણ લીધું હતું અને તેઓ દંતેશ્વરી કોલેજમાં ભણતા
હતા ત્યારથી સ્થાનિક રાજકારણમાં ઊંડો રસ લેતા હતા. તેમના મોટા ભાઈ લક્ષ્મણ કર્મા
પણ સંસદ સભ્ય હતા. તેમના બીજા એક ભાઈ પોડિયારામની નક્સલવાદીઓને હત્યા કરી દીધી
હતી. પોડિયારામ ભાઈરામગઢ જનપદ પંચાયતના પ્રમુખ હતા. નક્સલવાદીઓએ સમયાંતરે કર્મા
પરિવારના વીસ લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. મહેન્દ્ર કર્માએ કોમ્યુનિસ્ટ
પાર્ટી ઓફ ઈન્ડિયાના સ્થાનિક નેતા તરીકે રાજકીય કારકિર્દી શરૂ કરી હતી, અને બાદમાં
તેઓ કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા.
‘બસ્તર કા શેર’ તરીકે જાણીતા બનેલા મહેન્દ્ર કર્મા |
મહેન્દ્ર કર્માએ વર્ષ 2005માં જ નક્સલવાદીઓ સામે સશસ્ત્ર
લડાઈ કરવા ‘સલવા જુડમ’ નામના વિવાદાસ્પદ જૂથની રચના કરી હતી. સલવા જુડમ એ ગોંડી
ભાષાના શબ્દો છે અને તેનો અર્થ ‘પીસ માર્ચ’ કે ‘પ્યોરિફિકેશન હન્ટ’ થાય છે. આ
સંસ્થા નક્સલ પ્રભાવિત ગામોના યુવાનોને નક્સલવાદીઓ સામે લડવાની તાલીમ આપતી હતી. સલવા
જુડમને રાજ્ય સરકારનો પણ ટેકો હતો. જોકે, નક્સલવાદીઓ સામે લડવાના હેતુથી શરૂ થયેલા
સલવા જુડમની અમર્યાદ સત્તા મહેન્દ્ર કર્મા પચાવી શક્યા ન હતા. કર્મા પર આરોપ હતો કે,
તેઓ પોતાના વિરોધીને નક્સલવાદી અથવા તેમના ઈન્ફોર્મરમાં ખપાવીને હત્યા કરાવી દેતા
હતા. અશિક્ષિત, બેરોજગાર યુવાનો તેમજ બાળકોને પણ અયોગ્ય રીતે શસ્ત્રો ચલાવવાની
તાલીમ આપવા બદલ પણ સલવા જુડમ બદનામ થયું હતું. છેવટે પાંચમી જુલાઈ, 2011ના રોજ
સર્વોચ્ચ અદાલતે સલવા જુડમને ગેરકાયદે અને ગેરબંધારણીય જાહેર કરીને તેના પર
પ્રતિબંધ મૂકી દીધો હતો અને છત્તીસગઢ સરકારને સલવા જુડમ વિખેરી નાંખવાના આદેશ
કર્યા હતા. આ ઉપરાંત અદાલતે ગ્રામવાસીઓને વહેંચેલા હથિયારો તાત્કાલિક ધોરણે પરત લઈ
લેવા અને સલવા જુડમની ગેરકાયદે પ્રવૃત્તિની તપાસ કરવા માટે પણ સરકારને હુકમ કર્યો
હતો.
મહેન્દ્ર કર્મા બસ્તર જિલ્લાના આદિવાસી હતા, પરંતુ
રાજકારણમાં આવ્યા પછી તેઓ છત્તીસગઢની રાજધાની રાયપુરના લક્ઝુરિયસ ઘરમાં રહેતા હતા.
કેટલાક લોકોનું માનવું છે કે, ‘બસ્તરના ટાઈગર’ તરીકે ઓળખાતા મહેન્દ્ર કર્માને
મારવા માટે જ નક્સલવાદીઓએ આ હુમલો કર્યો હતો. આ હુમલામાં બચી ગયેલા કોંગ્રેસના
નેતા સત્તાર અલીએ મીડિયાને જણાવ્યું છે કે, “કર્માને માર્યા પછી નક્સલો તેમની
લાશની આજુબાજુ નાચ્યા હતા. આ જોઈને અમે ડઘાઈ ગયા હતા.” મહેન્દ્ર કર્મા પર અગાઉ પણ
અનેકવાર હુમલા થયા હતા. છત્તીસગઢમાં યોજાયેલી પરિવર્તન રેલી વખતે પણ કર્મા તેમની
ઝેડ પ્લસ સિક્યોરિટીના કમાન્ડોથી ઘેરાયેલા હતા. નક્સલોએ રેલીને ઘેરી લીધા પછી કર્માએ
તેમની સામે હથિયાર ઉઠાવ્યા હતા, પરંતુ બાદમાં બીજા લોકોની સુરક્ષા ખાતર તેમણે
આત્મસમર્પણ કરી દીધું હતું. 62 વર્ષીય કર્માને નક્સલો જંગલમાં ઢસડીને લઈ ગયા હતા
અને તેમના શરીરમાં 50થી 60 ગોળીઓ ધરબી દીધી હતી.
નોંધઃ તસવીરો ગૂગલ પરથી લીધી છે.
No comments:
Post a Comment