17 May, 2013

આતંકવાદ અને માનવાધિકારઃ યે આગ કભી નહીં બુઝેગી


જો માનવાધિકારો જેવા નૈતિક મૂલ્યોનો ખુલ્લેઆમ ભંગ કરવામાં આવે તો માણસજાત જંગલી યુગ તરફ ધકેલાઈ શકે છે એ વિચારીને જ કદાચ વિશ્વમાં માનવાધિકારો જેવા ખ્યાલને સ્વીકારાયો હશે. પરંતુ માનવાધિકારના કાયદાનો આ અધિકારને લાયક ના હોય એવા આતંકવાદીઓને પણ લાભ આપવો પડે છે અને આતંકવાદીઓ પણ માનવાધિકારનો આબાદ ઉપયોગ કરીને પોતાનું મિશન આગળ ધપાવતા રહે છે. આ વાતનું ઉત્તમ ઉદાહરણ છે બ્રિટનસ્થિત આતંકવાદીઓ હારૂન આસ્વાત અને અબુ કતાડા. અત્યારે બ્રિટનમાં આ બંને આતંકવાદી અને તેમના માનવાધિકારોની ચર્ચાએ જોર પકડ્યું છે.

પહેલાં હારૂન આસ્વાત વિશે જાણકારી મેળવીએ. હારૂન આસ્વાત મોસ્ટ વૉન્ટેડ આતંકવાદી અને અન્ય ધર્મો માટે ધિક્કાર ફેલાવતા મૌલવી અબુ હમઝાનો સાગરિત છે. આવા હેટ પ્રિચરનું કામ વધુને વધુ યુવાનોમાં કટ્ટરવાદનું ઝેર ભરવાનું હોય છે. પ્રમાણમાં સારું શિક્ષણ પામેલા, પ્રભાવશાળી વક્તા અને વિદ્વાન લોકોને જ આવું કામ આપવામાં આવે છે. હારૂન પર અબુ હમઝાની મદદથી અમેરિકાના ઓરેગોનમાં જેહાદ તાલીમ કેમ્પ ઊભો કરવાનો આરોપ છે. પરંતુ યુરોપિયન કોર્ટ ઓફ હ્યુમન રાઈટ્સે હારૂનની માનસિક સ્થિતિ સારી નહીં હોવાથી તેને અમેરિકાને સોંપવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. બ્રિટનની માનવાધિકાર અદાલતે પોતાના મિત્રરાષ્ટ્ર એવા અમેરિકાને એક આતંકવાદીને સોંપવાની ના પાડી દીધી તેના કારણો પણ ખૂબ રસપ્રદ છે. જો બ્રિટન હારૂન જેવો આતંકવાદી અમેરિકાને સોંપી દે તો અમેરિકન સરકાર તેને કોલોરાડોની કુખ્યાત સુપરમેક્સજેલમાં ધકેલી દે  અને અભેદ્ય સુરક્ષા વ્યવસ્થા ધરાવતી આ જેલ તેની અમાનવીય વ્યવહાર માટે જાણીતી છે.

અબુ હમઝા

હારૂન અત્યારે બ્રિટનની સજ્જડ સુરક્ષા વ્યવસ્થા ધરાવતી બ્રોડમૂર સાઈકિયાટ્રિક હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. હારૂન પેરેનોઈડ સ્ક્રીઝોફેનિયાનો ભોગ બન્યો છે. વર્ષ 2005માં અમેરિકન સરકારની ભલામણને પગલે હારૂનની બ્રિટને ધરપકડ કરી હતી અને ત્યારથી હારૂનના વકીલો તેને છોડાવવા માટે સંખ્યાબંધ અપીલો કરી ચૂક્યા છે. જોકે, હારૂનનો ટ્રેક રેકોર્ડ જોતા બ્રિટન સરકાર તેને મુક્ત કરી શકતી તેમજ તેની માનસિક બીમારી અને માનવાધિકાર કાયદાને લઈને અમેરિકાને પણ સોંપી શકતી નથી. યુરોપિયન કોર્ટ ઓફ હ્યુમન રાઈટ્સે તેના ચુકાદામાં કહ્યું છે કે, તેઓ અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસની વિનંતી પર વિચારણા કરી રહ્યા છે, પરંતુ એ બાબત અનિશ્ચિત હતી કે જો મિ. આસ્વાતનું અમેરિકામાં પ્રત્યાર્પણ કરાય તો ટ્રાયલ પહેલાં અને પછી અટકાયતમાં તેમને કેવી સુવિધા મળશે. આ ઉપરાંત એ પણ સ્પષ્ટ ન હતું કે, તેમને કેટલો સમય રિમાન્ડમાં રખાશે. જોકે, મિ. આસ્વાતને અમેરિકાની કોઈ પણ જેલમાં માનસિક સારવાર મળે એવું અમે માનીએ છીએ પરંતુ તેને એક એવા દેશમાં મોકલાય જ્યાં તેના સગાવ્હાલા નથી, જ્યાં તેનું ભવિષ્ય અનિશ્ચિત છે, તેને કઈ જેલમાં મોકલવામાં આવે તે પણ નક્કી નથી... અને કદાચ તેને કોલોરાડોની સુપરમેક્સ જેલમાં મોકલવામાં આવે તો માનવાધિકારનો ભંગ થઈ શકે છે.

આ ચુકાદાથી માનવાધિકારની વાત આવતા જ છળી પડતા લોકોના પેટમાં તેલ રેડાય એ સ્વાભાવિક છે. બીજી તરફ, આ ચુકાદાથી અમેરિકા પણ નારાજ થયું છે. કારણ કે, આ અદાલતે અમેરિકામાં માનવાધિકારનો ભંગ થશે એ શક્યતાના આધારે જ હારૂનને અમેરિકાને સોંપવાની વિરુદ્ધમાં ચુકાદો આપ્યો છે. આ મુદ્દે બ્રિટનની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થઈ છે. બીજી તરફ, હાલ બ્રિટનમાં અબુ કતાડા નામના આતંકવાદીને લઈને પણ વિવાદ સર્જાયો છે. મૂળ જોર્ડનનો અબુ કતાડા અલ-કાયદાની મદદથી આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ છે. વર્ષ 2002માં બ્રિટનમાં તેની એન્ટી-ટેરરિઝમ હેઠળ ધરપકડ કરાઈ હતી. જોકે, બ્રિટનમાં તેની સામે કોઈ સત્તાવાર ફરિયાદ નથી, પરંતુ જોર્ડન સહિત અનેક દેશોએ તેની સામે આતંકવાદી પ્રવૃત્તિઓના આરોપ મૂક્યા હતા. આમ છતાં, યુરોપિયન કોર્ટ ઓફ હ્યુમન રાઈટ્સે માનવાધિકારને આગળ ધરીને અબુ કતાડાને જોર્ડન મોકલવા મનાઈ ફરમાવી દીધી હતી અને તે બ્રિટનમાં ખુલ્લેઆમ રહી શકતો હતો. તેથી બ્રિટનના વડાપ્રધાન ડેવિડ કેમરૂને કહ્યું હતું કે, “જો અબુ કતાડા સ્વેચ્છાએ જોર્ડન જતો રહેશે તો હું બ્રિટનનો સૌથી ખુશ માણસ હોઈશ.

હારૂન આસ્વાત

અબુ કતાડા સપ્ટેમ્બર, 1993માં નકલી પાસપોર્ટના આધારે બ્રિટનમાં આવી ગયો હતો અને એક વર્ષ પછી વર્ષ 1994માં તેને વિસ્થાપિત તરીકે બ્રિટનમાં રહેવાની મંજૂરી અપાઈ હતી. વર્ષ 1998માં તેણે બ્રિટનમાં અનિશ્ચિત મુદત સુધી રહેવાની અરજી કરી હતી. પરંતુ વર્ષ 1999માં જોર્ડનમાં તેના પરના આતંકવાદના આરોપો સાબિત થઈ ગયા અને તેને આજીવન કેદની સજા ફટકારાઈ. એટલે સ્વાભાવિક રીતે જ તે પોતાના મૂળ વતન જવા માગતો ન હતો અને કાયદાકીય આંટીઘૂંટીનો ફાયદો ઉઠાવીને બ્રિટનમાં રહેતો હતો. વર્ષ 1999માં તેણે લંડનમાં એક જાહેર ભાષણમાં યહૂદીઓ અને અમેરિકનો પરના હુમલાઓનું સમર્થન કર્યું હતું. નવાઈની વાત તો એ છે કે, અહીં રહીને તે કેટલીક શંકાસ્પદ પ્રવૃત્તિઓ કરતો હતો. ફેબ્રુઆરી 2001માં બ્રિટન પોલીસને તેના ઘરમાંથી રોકડા 1,70,000 પાઉન્ડ મળ્યા હતા, જેમાં 805 પાઉન્ડ મૂકેલા એક એન્વેલોપનો પણ સમાવેશ થતો હતો. આ એન્વેલોપ પર ફોર ધ મુજાહિદ્દીન ઈન ચેચેન્યાલખેલું હતું.

આતંકવાદી પ્રવૃત્તિમાં અબુ કતાડાની સામેલગીરીનો આ સજ્જડ પુરાવો હતો. આ ઘટના પછી તે કોઈ અજ્ઞાત જગ્યાએ ચાલ્યો ગયો હતો, પરંતુ ડિસેમ્બર 2001માં બ્રિટન સરકારે તેને મોસ્ટ વૉન્ટેડ જાહેર કર્યા પછી ઓક્ટોબર 2002માં તેની ધરપકડ કરી હતી. છેવટે વર્ષ 2005માં બ્રિટન સરકારે તેને શરતી જામીન આપવા પડ્યા હતા. પરંતુ હવે બ્રિટનની ઈન્ટેલિજન્સ એજન્સીઓની તેની પર બાજનજર હતી. છેવટે ઓગસ્ટ 2005માં બ્રિટન સરકારે અબુ કતાડાની ઈમિગ્રેશન કાયદાના હેઠળ ધરપકડ કરીને તેને દેશપાર મોકલવાનો નિર્ણય કર્યો. પરંતુ આ ગુંચવાડામાંથી બહાર નીકળવા માટે અબુ કતાડાએ માસ્ટર સ્ટ્રોક માર્યો. ડિસેમ્બર 2005માં અબુ કતાડાએ વિશ્વશાંતિ માટે ચળવળ ચલાવતી વખતે ઈરાકમાં અપહરણ કરાયેલા બ્રિટિશ પીસ એક્ટિવિસ્ટ નોર્મન કેમ્બરને મુક્ત કરી દેવા માટે ઈરાકી અપહરણકારોને વીડિયો અપીલ કરી.

અબુ કતાડા

ત્યાર પછી એપ્રિલ 2008માં બ્રિટનની એક અદાલતે ચુકાદો આપ્યો કે, અબુ કતાડાને જોર્ડન મોકલવો તેના માનવાધિકારનો ભંગ છે. કારણ કે, જોર્ડનમાં તેની વિરુદ્ધના પુરાવા જેલમાં ટોર્ચર થકી મેળવાયા હોઈ શકે છે. આ ઘટનાક્રમ પરથી સમજી શકાય છે કે, બ્રિટન સરકારે પોતાના નાગરિક નોર્મન કેમ્બરને છોડાવવા અને અબુ કતાડાએ માનવાધિકારનો કેવો આબાદ ઉપયોગ કર્યો હતો. જોકે, આમાં કોણે કોનું બ્લેકમેઈલિંગ કર્યું એ બાબત કદાચ ક્યારેય જાણી નહીં શકાય. આમ, અબુ કતાડાને જામીન મળી ગયા અને બ્રિટનની વોર્સેસ્ટરશાયરની જેલમાંથી આઠ લાખ પાઉન્ડની કિંમતના ચાર બેડરૂમના ઘરમાં મોકલવામાં આવ્યો. ત્યાર પછીના થોડા વર્ષો પણ અબુ કતાડા અને બ્રિટન પોલીસ વચ્ચે સંતાકૂકડી ચાલતી રહી. ફેબ્રુઆરી 2009માં તો યુરોપિયન કોર્ટ ઓફ હ્યુમન રાઈટ્સે ટ્રાયલ વિના અબુ કતડાની અટકાયતને પગલે થયેલા માનવાધિકાર ભંગ બદલ 2,500 પાઉન્ડ ચૂકવ્યા. આમ છતાં, બ્રિટન સરકારે તેને સવારના આઠથી ચાર વાગ્યા સુધી જ ઘર બહાર નીકળવાની છૂટ આપી છે. વળી, ઈન્ટેલિજન્સ તેની પર સતત દેખરેખ રાખી શકે એ માટે તેણે ફરજિયાત ઈલેક્ટ્રિક ટેગ પહેરવો પડે છે. એટલું જ નહીં, તે દરેકને મળી શકતો પણ નથી. આ ઉપરાંત તે કમ્પ્યુટર અને મોબાઈલ ફોનનો પણ ઉપયોગ કરી શકતો નથી.

આમ આશરે વીસેક વર્ષથી બ્રિટનને હંફાવતા અબુ કતાડાને લઈને અનેક રાજકારણીઓ અને નાગરિકો નારાજ હોય એ સ્વાભાવિક છે. પરંતુ હવે બ્રિટનને આશા છે કે, જોર્ડન સાથે સંધિનું કામ પાર પડશે તો અબુ કતાડા બ્રિટન સ્વેચ્છાએ છોડી દેશે અને બ્રિટિશરો રાહતનો શ્વાસ લઈ શકશે. જોકે, માનવાધિકાર જેવા સંવેદનશીલ મુદ્દે બંને પક્ષે મોકળા મને વિચારીને અમલ કરવામાં આવે તો જ તેનો ફાયદો ઉઠાવી શકાશે. માણસના મૂળભૂત અધિકારની વાત કરતા આવા ગૌરવપૂર્ણ કાયદાનો દુરુપયોગ ન થાય એ માટે ગંભીર વિચારણા કરવાનો સમય આવી ગયો છે.

સુપરમેક્સ જેલ શું છે?

વિકસિત દેશોમાં અત્યંત ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ધરાવતા દેશોમાં આવેલી કંટ્રોલ યુનિટજેલોને સુપરમેક્સ નામે ઓળખવામાં આવે છે. જેલોની દુનિયામાં સૌથી છેલ્લાં સ્તરની સુરક્ષા વ્યવસ્થા આ પ્રકારની જેલોમાં હોય છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રીતે ખતરો બની શકે એવા અત્યંત ખૂંખાર ગુનેગારોને લાંબા સમય સુધી સુરક્ષિત વાતાવરણમાં રાખવા માટે આવી જેલો બનાવવામાં આવે છે. સુપરમેક્સ જેલો અત્યંત દૂરસુદુરના વિસ્તારોમાં હોય છે અને તેની આસપાસના ઘણા મોટા વિસ્તારમાં માનવ વસતી હોતી નથી. અમેરિકાના કોલોરાડોની ફ્રેમોન્ટ કાઉન્ડીમાં આ જેલ આવેલી છે, જે અલકતરાઝ તરીકે પણ ઓળખાય છે. યુનાઈટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસના ફેડરલ બ્યુરો ઓફ પ્રિઝન્સ અંતર્ગત તેનું સંચાલન થાય છે.

નોંધઃ ત્રણેય તસવીરો ગૂગલ પરથી લીધી છે. 

No comments:

Post a Comment