14 May, 2013

મોદીનું ગુજરાતઃ આધી હકીકત, આધા ફસાના


કર્ણાટકની ચૂંટણીઓમાં વિજય મેળવ્યા પછી કોંગ્રેસે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન તાક્યું હતું. કારણ કે, નરેન્દ્ર મોદીએ કર્ણાટકમાં ચૂંટણી સભાઓ ગજવીને કોંગ્રેસને આડે હાથ લીધી હતી. પરંતુ વડાપ્રધાનપદના આ ઉમેદવારે જ્યાં જ્યાં પ્રચાર કર્યો ત્યાં ભાજપની હાર થતા કોંગ્રેસના નેતાઓ ગેલમાં આવી ગયા છે. આ ચૂંટણી પહેલાં અહેવાલો હતા કે, મોદી પોતાને વડાપ્રધાનપદ માટે પ્રોજેક્ટ કરી રહ્યા હોવાથી કર્ણાટક ચૂંટણી તેમના માટે લિટમસ ટેસ્ટ છે. પરિણામે મોદીએ જ્યાં જ્યાં પ્રચાર કર્યો ત્યાં કોંગ્રેસ અને રાજકીય વિશ્લેષકોની નજર હતી. એવું બિલકુલ માનવાની જરૂર નથી કે, મીડિયા કારણ વિના મોદીને આડે હાથ લઈ રહ્યું છે. હકીકત એ છે કે, નરેન્દ્ર મોદી છેલ્લાં ઘણાં સમયથી પોતાને અત્યંત આક્રમક રીતે વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કરી રહ્યા હોવાથી જ રાજકીય વિશ્લેષકોની તેમના પર નજર રહે છે. વળી, મોદી થોડા પ્રચાર અને થોડા અપપ્રચારનો હોંશિયારીપૂર્વક ઉપયોગ કરીને રાજકીય લાભ ખાટવાની એક પણ તક છોડતા નથી. આ કારણોસર જ મીડિયામાં તેમની ઝીણામાં ઝીણી સફળતા કે નિષ્ફળતાનું માઈક્રોસ્કોપિક સ્કેનિંગ થાય છે.

નરેન્દ્ર મોદીની વડાપ્રધાનપદની દાવેદારીને રાજકીય વિશ્લેષકો અને મીડિયા પણ એટલું ગંભીરતાથી લઈ રહ્યું છે કે, મીડિયામાં છાશવારે મોદી વિરુદ્ધ રાહુલ, મોદી વિ. નીતિશ, મોદી વિ. અડવાણી તેમજ મોદી વિ. ઓબામા જેવી તાર્કિક-અતાર્કિક સરખામણી થતી રહે છે અને તેમને પોઝિટિવ કે નેગેટિવ રાજકીય માઈલેજ મળતું રહે છે. મોદીના ચાહકો સોશિયલ મીડિયાના માધ્યમથી તેમને સુપરમેન તરીકે ચીતરી રહ્યા છે. તેઓ મોદીને કંઈક એવી રીતે રજૂ કરે છે જાણે બધી સમસ્યાઓનો એકમાત્ર જવાબ મોદી જ હોય. મોદી ફેસબુક, ટ્વિટર અને યુ-ટ્યુબ સહિતની સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સનો સ્વપ્રચાર માટે ભરપૂર ઉપયોગ કરે છે. ફેસબુક પર તેમના સત્તાવાર પેજની સાથે ‘મોદીનું ગુજરાત’ નામનું પેજ પણ છે. આ તમામ સાઈટ્સ નિયમિત અપડેટ થાય છે. મોદીના સત્તાવાર ફેસબુક પેજ પર સ્કિલ+વિલ+ઝીલ= વિન એવું સૂત્ર અને તેમની વિજયી મુદ્રા ધરાવતો કવર ફોટોગ્રાફ છે. વળી, તેઓ નિયમિત બ્લોગિંગ પણ કરે છે.

ફેસબુક પર મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સત્તાવાર પેજનો પ્રિન્ટ સ્ક્રીન

ફેસબુક પર નરેન્દ્ર મોદીનું ‘મોદીનું ગુજરાત’ નામનું ફેન પેજ

વડાપ્રધાનપદની દાવેદારી માટે થઈ રહેલા આટલા આક્રમક અભિયાન અને સ્વપ્રચારના કારણે જ ભાજપ અને તેના સાથી પક્ષોના નેતાઓનું આ તરફ ધ્યાન ખેંચાયું છે. મોદી આડકતરી રીતે પોતાને બીજાથી ચડિયાતા, વહીવટમાં કુશળ, મજબૂતાઈથી નિર્ણય લઈ શકનારા, વિદેશી રોકાણો આકર્ષવા સતત પ્રયત્નશીલ અને રાજ્યના વિકાસ માટે સતત રચ્યાપચ્યા રહેતા નેતા ગણાવે છે. મોદીના વડાપ્રધાનપદ માટેની દાવેદારી માટે મુખ્યત્વે ત્રણ વાત પર ભાર મૂકાય છે. એક, મોદી નવા વિચારો અને કુશળ વહીવટી દૃષ્ટિ ધરાવતા નેતા છે. બીજું, કોમી રમખાણોનું લાંછન હોવા છતાં તેઓ સમાજના દરેક વર્ગના હિતમાં કામ કર્યું છે અને કરી રહ્યા છે. ત્રીજું, પ્રજા તેમને સ્વીકારે પણ છે. પરિણામે આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપ માટે તેમનાથી સારો વડાપ્રધાનપદનો ઉમેદવાર હોઈ જ ના શકે. પરંતુ એનડીએ અને ભાજપના અન્ય સિનિયર નેતાઓ આવું માને છે કે નહીં તે વાત પણ મહત્ત્વની છે. ઉપરોક્ત ત્રણેય મુદ્દામાં થોડું ઘણું વજૂદ હોઈ શકે છે અને કદાચ એટલે જ તેઓ સતત ત્રણ ચૂંટણીમાં વિજય હાંસલ કરી શક્યા છે.

પરંતુ અહીં એ વાતનો પણ ઉલ્લેખ કરવો જોઈએ કે, જાતીય અસમાનતા, કુપોષણના પ્રશ્નો, જાહેર આરોગ્યનું ખખડધજ માળખું, બાળમૃત્યુ દરની ચિંતાજનક સ્થિતિ, માથાદીઠ આવક અને વાસ્તવિક વિદેશી રોકાણ જેવા અનેક મુદ્દે મોદીના ચાહકો મૌન છે. હા, મોદીના કાર્યકાળમાં ગુજરાતમાં માળખાકીય વિકાસ પ્રમાણમાં સારો થયો છે. પરંતુ ગરીબાઈ, કુપોષણ, માથાદીઠ આવક અને જાહેર સાહસોની બાબતમાં કશું વાયબ્રન્ટ નથી અને તેને કોઈ સંજોગોમાં વિકાસનું સફળ મોડેલ ગણી જ ના શકાય. વર્ષ 2013ના આંકડા મુજબ, સૌથી વધુ માથાદીઠ આવક ધરાવતા રાજ્યોમાં ગુજરાતનો સમાવેશ નથી થતો. આ યાદીમાં પહેલાં નંબરે બિહાર છે, ત્યાર પછી મધ્યપ્રદેશ, કેરળ, મહારાષ્ટ્ર, અરુણાચલ પ્રદેશ, ગોવા, ઝારખંડ, મિઝોરમ, ત્રિપુરા અને સિક્કિમ છે. આ તમામ રાજ્યો પછી 11મા નંબરે ગુજરાત છે. આ યાદીમાં પહેલા નંબરે બિહાર અને બીજે મધ્ય પ્રદેશ છે એ રસપ્રદ યોગાનુયોગ છે. કારણ કે, બિહારમાં નીતિશકુમારની આગેવાનીમાં ભાજપના સાથી પક્ષ જનતાદળ (યુ)ની અને મધ્યપ્રદેશમાં શિવરાજસિંઘ ચૌહાણના મુખ્યમંત્રી પદે ભાજપની સરકાર છે.

આ બંને રાજ્યોના મુખ્યમંત્રીઓએ પણ વિકાસ કાર્યો કર્યા છે. ભાજપ અને સંઘ પરિવારના અનેક નેતાઓ માને છે કે, નીતિશકુમારનું વિકાસ મોડેલ ગુજરાત કરતા વધુ ‘પીપલ ફ્રેન્ડ્લી’ છે. તાજેતરમાં જ જનતાદળ (યુ)ના અધ્યક્ષ શરદ યાદવે કહ્યું હતું કે, “નરેન્દ્ર મોદી ગુજરાતના વિકાસ મોડેલની વાત કરે છે. પરંતુ અમે ઘણાં વર્ષોથી ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં કામ કરી છીએ, જ્યાં ભયાનક ગરીબી છે. તમે કયા વિકાસની વાત કરો છો?  ભારત જેવા દેશમાં તમે બધાને સાથે લઈને ના ચાલો તો તમારી પાસે ક્યાંથી વિકાસ હોય?” બીજી તરફ, ભાજપ તેના વડાપ્રધાનપદના ઉમેદવાર માટે ગુજરાતના વિકાસ મોડેલને આગળ ધરવાનો પ્રયાસ કરે છે. આ મુદ્દે પણ શરદ યાદવ તર્કબદ્ધ જવાબ આપે છે. તેઓ કહે છે કે, “ભારત જેવા વિશાળ દેશમાં વિકાસનું એક જ મોડેલ ના હોઈ શકે. દરેક રાજ્ય પાસે જુદા જુદા સ્રોત છે. ખેતી આધારિત રાજ્ય બિહારમાં આવું મોડેલ ના ચાલે, જ્યારે ઝારખંડ ખનીજ સંપત્તિ ધરાવતું રાજ્ય છે. વડાપ્રધાન પદની વાતને આટલા નીચા સ્તરે ના લાવો. આ સિવાય પણ અનેક મહત્ત્વના મુદ્દા છે, પરંતુ મીડિયા એક વ્યક્તિ પર ધ્યાન કેન્દ્રિત કરીને તેને મહત્ત્વહીન બનાવી દે છે.”

નીતિશકુમાર પણ જાહેરમાં કહી ચૂક્યા છે કે, એનડીએનું સુકાન ‘રાજધર્મ’ નિભાવી જાણતો હોય એવા સેક્યુલર નેતાના હાથમાં હોવું જોઈએ. આમ કહીને નીતિશકુમારે આડકતરી રીતે મોદી અંગે પોતાનો અભિપ્રાય આપી દીધો છે. મોદીના આક્રમક પ્રચારના કારણે જ ભાજપના સાથી પક્ષો ઈચ્છી રહ્યા છે કે, ભાજપે લોકસભાની ડિસેમ્બર સુધીમાં વડાપ્રધાનપદના ઉમેદવારની સત્તાવાર જાહેરાત કરવી જોઈએ. નવી દિલ્હીમાં 13 અને 14 એપ્રિલે  યોજાયેલી જનતાદળ (યુ)ની રાષ્ટ્રીય કારોબારીમાં ભાજપને વર્ષ 2013ના અંત સુધીમાં વડાપ્રધાનપદનો ઉમેદવાર જાહેર કરવાનું સૂચન કરાયું હતું અને એ વાત પર ભાર મૂકાયો હતો કે, આ હોદ્દા માટે પસંદ કરેલી વ્યક્તિ સેક્યુલર હોવી જરૂરી છે. નવાઈની વાત તો એ છે કે, જનતાદળ (યુ)ની જેમ શિવસેના પણ આડકતરી રીતે મોદી પ્રત્યે અણગમો દર્શાવી ચૂકી છે.

શિવસેનાના મુખપત્ર ‘સામના’માં મોદીનો ઉલ્લેખ કર્યા વિના કહેવાયું હતું કે, કોઈને વડાપ્રધાનપદ માટે પસંદ કરતી વખતે પાંચ-દસ બેઠકોનો ફાયદો થઈ શકે છે, પરંતુ કેટલાક જૂના સાથી પક્ષો નારાજ થશે તો 25 બેઠકો ગુમાવવાનો વારો આવશે. આ ઉપરાંત તેમાં એનડીએને અર્જુનના રથ સાથે સરખાવીને ચેતવણી અપાઈ હતી કે, રથ એકથી વધુ ઘોડાથી ચાલતો હોય છે અને તેમાં દરેક ઘોડો મહત્ત્વનો હોય છે. શિવસેનાના સ્થાપક સ્વ. બાલ ઠાકરેએ જાહેરમાં કહ્યું હતું કે, આગામી લોકસભાની ચૂંટણીમાં તેમના મતે વડાપ્રધાનપદના શ્રેષ્ઠ ઉમેદવાર સુષ્મા સ્વરાજ છે, જે હાલ લોકસભાના વિરોધ પક્ષના નેતા તરીકે ફરજ નિભાવી રહ્યા છે. તેમણે સુષ્મા સ્વરાજને પ્રતિભાશાળી અને બુદ્ધિશાળી ગણાવીને કહ્યું હતું કે, “મને લાગે છે કે આ પદ માટે તે એકમાત્ર યોગ્ય ઉમેદવાર છે. વડાપ્રધાન તરીકે તે સારું કામ કરશે.” હાલ વડાપ્રધાનપદ મુદ્દે ભાજપ તેના સાથી પક્ષોને જવાબ આપી શકવાની સ્થિતિમાં નથી, પરંતુ હવે એ જાહેર થઈ ચૂક્યું છે કે મોદીની સંભવિત પસંદગી મુદ્દે સાથી પક્ષોની સ્પષ્ટ ના છે.

એવું કહેવાય છે કે, ખુદ એલ.કે. અડવાણી અને સુષ્મા સ્વરાજ પણ વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે મોદીને નથી ઈચ્છતા. ભાજપ પ્રમુખ રાજનાથ સિંઘે નરેન્દ્ર મોદીના જાહેરમાં વખાણ કર્યા તેને પણ મોદીના ચાહકોએ હરખપદુડા થઈને વધાવી લીધા હતા. પરંતુ રાજનાથ સિંઘે સુષ્મા સ્વરાજની કામગીરીની પણ પ્રશંસા કરી હતી. જ્યારે સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે, આજે પણ ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે સૌથી પહેલી પસંદ એલ.કે. અડવાણી જ છે. જોકે, આ બધી જ મુશ્કેલીઓમાંથી હેમખેમ બહાર નીકળવા માટે મોદી વધુને વધુ આક્રમક રીતે સ્વપ્રચાર કરી રહ્યા છે. એવું કહેવાય છે કે, મોદીને પસંદ કરતા કેટલાક ઉદ્યોગગૃહોએ મોદીની સ્વીકૃતિ જાણવા એક રાષ્ટ્રીય સ્તરનું સર્વેક્ષણ કરાવ્યું છે. આ સર્વેક્ષણ મુજબ, આગામી લોકસભા ચૂંટણીમાં મોદીને વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કરવામાં આવે તો ભાજપ 190 બેઠકો મેળવી શકે છે. જ્યારે તેમની પસંદગી ના કરાય તો ભાજપ વધુમાં વધુ 160 બેઠકો મેળવી શકે. ભાજપના નીચેના સ્તરના નેતાઓ અને કાર્યકરોમાં આ વાત ખૂબ હોંશિયારીપૂર્વક ફેલાવવામાં આવી છે.

જોકે, મોદીનો આક્રમક સ્વપ્રચાર તેમની નકારાત્મક છબી ઉપસાવે છે. આ ઉપરાંત વહીવટ કરવાની તેમની આપખુદ શૈલી અને ‘વિકાસ’નું માઈક્રોસ્કેનિંગ થાય છે. કમસેકમ આ કારણોસર મોદી વિરોધીઓએ તેમનો ખાસ આભાર માનવો જોઈએ.

સોશિયલ મીડિયાની પહોંચનો ઉપયોગ

દેશભરના રાજકારણીઓમાં સોશિયલ મીડિયાનો સૌથી હોંશિયારીપૂર્વક ઉપયોગ નરેન્દ્ર મોદીએ કર્યો છે એ વાતમાં કોઈ શંકા નથી. ગૂગલ હેન્ગઆઉટનો ઉપયોગ કરીને સંવાદ કરનારા પણ તે પહેલાં રાજકારણી છે. મોદી પોતાની આગવી છબી ઉપસાવવા સોશિયલ મીડિયાનો અત્યંત ફોકસ્ડ ઉપયોગ કરી રહ્યા છે. સોશિયલ મીડિયાના કારણે જ ભારતનો મધ્યમવર્ગ તેમને એક મર્દ, આક્રમક અને અવિરત સિદ્ધિઓ મેળવી રહેલા નેતા તરીકે જુએ છે. મોદી વિરોધીઓ કહે છે કે, મોદી અને તેના ટેકેદારો ઓનલાઈન અપપ્રચાર કરે છે. પરંતુ મોદીને જવાબ આપવા તેઓ આ જ માધ્યમનો યોગ્ય ઉપયોગ કેમ નથી કરતા તે મુદ્દે તેઓ ચૂપ છે. જોકે, ભાજપના સિનિયર નેતાઓ કહે છે કે, ઓનલાઈન પ્રવૃત્તિ સ્વયંભૂ છે. પરંતુ એવું કહેવાય છે કે, મોદીએ સ્વપ્રચાર માટે સુવ્યવસ્થિત તંત્ર ગોઠવ્યું છે. નડિયાદના ભાજપના આઈટી સેલમાંથી મોદીની તરફેણમાં આક્રમક અભિયાન ચલાવાય છે. ડિસેમ્બર, 2012 સુધી ફેસબુક કે ટ્વિટર પર ગુજરાતના વિકાસના ગુણગાન ગવાતા હતા, પરંતુ ત્યાર પછી મોદીને વડાપ્રધાનપદના ઉત્તમ ઉમેદવાર સાબિત કરવા ‘એક હી વિકલ્પ મોદી’ જેવા અભિયાનો ચાલુ થયા છે. અહીં મોટી સંખ્યામાં બિનનિવાસી ભારતીય પરિવારો રહેતા હોવાથી ગુજરાતના વિકાસની વાત અન્ય દેશોમાં ફેલાવવા આ સેલ મહત્ત્વની કામગીરી કરી રહ્યો છે. આવા સેલ ગુજરાતના લગભગ દરેક જિલ્લામાં સક્રિય છે, પરંતુ તે કેટલો સક્રિય છે તેનો આધાર જે તે જિલ્લા પ્રમુખ પર આધારિત છે.

No comments:

Post a Comment