વિશ્વમાં એવો એક પણ દેશ નથી જ્યાં કમરના દુઃખાવાથી પીડાતા દર્દીઓ ના હોય. કમરના દુઃખાવાની ફરિયાદ દરેક ઉંમરના લોકો તેમજ પુરુષો અને સ્ત્રીઓ બંને કરતા હોય છે. ઓફિસમાં લાંબો સમય બેસીને કામ કરતા લોકો નાની ઉંમરથી જ કમરના દુખાવાથી પીડાવા લાગે છે. ભારત સહિતના દેશોમાં વીસથી ચાળીસ વર્ષની વય વચ્ચેના લોકો કમરના દુઃખાવાનો સૌથી વધુ ભોગ બને છે. ગરદનથી લઈને કરોડરજ્જુ અને તેની આસપાસના કુલ 26 હાડકામાં ખામી સર્જાય ત્યારે કમરનો દુખાવો થાય છે. પરંતુ ખુશીની વાત એ છે કે, તાજેતરમાં જ ડેન્માર્કના વિજ્ઞાનીઓએ કમરના હઠીલા દુખાવાની એન્ટિબાયોટિક સારવાર વિકસાવ્યાનો દાવો કર્યો છે. આ અંગેનો અહેવાલ યુરોપની પ્રતિષ્ઠિત ‘યુરોપિયન સ્પાઈન જર્નલ’માં છપાયો છે. વળી, કેટલાક પ્રતિષ્ઠિત તબીબોએ આ શોધ નોબલ પ્રાઈઝને લાયક હોવાનું કહ્યું છે. એટલે સ્વાભાવિક રીતે જ વૈશ્વિક મેડિકલ જગતમાં ફરી એકવાર આ મુદ્દે ચર્ચા થઈ રહી છે, ત્યારે આપણે આ શોધ શું છે એ વિશે થોડી જાણકારી મેળવીએ.
કમરના દુઃખાવાની સારવાર શોધનારા વિજ્ઞાનીઓએ દાવો કર્યો છે કે, હવે હઠીલા કમર દર્દથી પીડાતા 40 ટકાથી વધુ દર્દીઓને એન્ટિબાયોટિકની મદદથી જ સાજા કરી શકાશે અને સર્જરીની જરૂર જ નહીં રહે. બ્રિટનની યુનિવર્સિટી ઓફ કોલેજ લંડન હોસ્પિટલના ન્યુરોલોજિસ્ટ એન્ડ સ્પાઈનલ સર્જન પીટર હેમલિન સહિત અન્ય દેશોના તબીબો પણ પોતાના વ્યવસાયિક અનુભવોના આધારે કહે છે કે, આ શોધ નોબલ પ્રાઈઝને લાયક છે. આ અંગે તેઓ કહે છે કે, “હવે અડધાથી પણ વધારે સર્જરીનું સ્થાન એન્ટિબાયોટિક્સ સારવાર લઈ લેશે, જે બહુ મોટી વાત છે.” તેઓ મેદાન પર ઈજાગ્રસ્ત થયેલા રગ્બી કે ફૂટબોલ ખેલાડીઓની સારવાર કરી ચૂક્યા છે. એટલે કે, કમરના દુખાવાનું કારણ દર વખતે બેક્ટેરિયલ ઈન્ફેશન ના પણ હોય. ગ્રાઉન્ડ સ્પોર્ટ્સ રમતા કે અકસ્માત વખતે થયેલી ઈજા પણ હઠીલા કમર દર્દનું કારણ બની શકે છે. જોકે, યુનિવર્સિટી ઓફ સધર્ન ડેન્માર્કના સંશોધકોનો દાવો છે કે, કમરના નીચેના ભાગમાં સખત દુખાવાના ચાળીસેક ટકા કેસમાં બેક્ટેરિયલ ઈન્ફેક્શન જ મુખ્ય કારણ હોય છે.
કમર દર્દને સર્જરી વિના કેવી રીતે મટાડી શકાય એ દિશામાં પ્રયોગો કરતી વખતે ડેન્માર્કના સંશોધકોના ધ્યાનમાં આવ્યું હતું કે, તેમાંના ઘણાં લોકો બેક્ટેરિયલ ઈન્ફેક્શનનો ભોગ બનવાના કારણે કમર દર્દનો ભોગ બન્યા હતા. સંશોધકોએ કમરમાં નીચેની તરફ થતા દુખાવાથી પીડાતા દર્દીઓને સર્જરી નહીં પણ એન્ટિબાયોટિક સારવાર આપીને સાજા કર્યા હતા. એટલું જ નહીં, સર્જરીના વિકલ્પ તરીકે ઉપયોગમાં લીધેલી એન્ટિબાયોટિકનું મૂલ્ય આશરે 114 પાઉન્ડ જેટલું છે, જે ખર્ચાળ સર્જરીથી ઘણું ઓછું કહેવાય. યુનિવર્સિટી ઓફ સધર્ન ડેન્માર્કના સંશોધકો પૈકીના એક ડૉ. હાના આલબર્ટ કહે છે કે, “આ એન્ટિબાયોટિક સામાન્ય દુખાવામાં મદદરૂપ નહીં થાય. આ દવા એક્યુટ કે સબ-એક્યુટ સ્તરના ક્રોનિક લૉઅર બેક પેઈનના દર્દીઓ માટે જ છે.” ડૉ. હાનાનો મુદ્દો સમજવા કમર દર્દનું મેડિકલ વર્ગીકરણ સમજવું જરૂરી છે.
કમર દર્દ મુખ્યત્વે ચાર ભાગમાં થાય છે, જેમાં ગરદન (નેક), કમરનો વચ્ચેનો ભાગ (મિડલ બેક), કમરનો નીચેનો ભાગ (લૉઅર બેક) અને કરોડના છેલ્લાં મણકા (ટેઈલ-બોન)નો સમાવેશ થાય છે. એવી જ રીતે, કમર દર્દ જેટલો સમય રહે તેના આધારે પણ ઓળખાય છે. કમર દર્દ સતત સાત અઠવાડિયા સુધી રહે તો એક્યુટ, સાતથી બાર અઠવાડિયા રહે તો સબ-એક્યુટ અને બાર અઠવાડિયાથી લાંબો સમય રહે તો મેડિકલ પરિભાષામાં ક્રોનિક પેઈન (હઠીલું દર્દ) તરીકે ઓળખાય છે. આ ઉપરાંત અયોગ્ય મુદ્રામાં બેસી રહેવાના કારણે થતું કમર દર્દ પોશ્ચર સિન્ડ્રોમ તરીકે ઓળખાય છે. યુવાનીમાં કમર દર્દ થવા પાછળનું સૌથી મોટું કારણ આ જ છે. એવી જ રીતે, ‘સ્લિપ ડિસ્ક’ના કારણે થતો દુખાવો ડિરેન્જમેન્ટ સિન્ડ્રોમ તરીકે ઓળખાય છે. સ્લિપ ડિસ્કને સાદી ભાષામાં ‘ગાદી ખસી જવી’ એમ કહે છે. જ્યારે સાંધા-સ્નાયુઓ અને લિગામેન્ટ્સ (બે હાડકાને જોડતા સ્નાયુઓ)ની પોચી પેશીઓને નુકસાન થવાથી થતું કમર દર્દ ડાયસફંક્શન સિન્ડ્રોમ તરીકે ઓળખાય છે. સતત ભાગદોડભર્યું જીવન જીવતા અને કસરત નહીં કરતા લોકો આ રોગનો ભોગ બને છે. પરંતુ ડૉ. હાના કહે છે કે, “આવા લોકો ફરી એકવાર એટલા સામાન્ય થઈ શકે છે, જેની તેમણે કલ્પના સુદ્ધાં નહીં કરી હોય.”
ડૉ. હાના આલબર્ટ |
છેલ્લાં એક દાયકાથી એકથી વધારે દેશના અનેક સંશોધકોએ, અનેક દર્દીઓ પર પ્રયોગો કરીને આ સારવારની શોધ કરી છે. સંશોધકોએ સતત દસ વર્ષ સુધી અનેક ઉતાર-ચઢાવ આવ્યા હોવા છતાં સંશોધન કાર્ય આગળ ધપાવ્યે રાખ્યું હતું. ‘યુરોપિયન સ્પાઈન જર્નલ’માં સંશોધકોએ વિસ્તૃત રીતે સમજાવ્યું છે કે, ગાદીમાં બેક્ટેરિયલ ઈન્ફેક્શન કેવી રીતે કમર દર્દમાં પરિવર્તિત થઈ જાય છે. એટલું જ નહીં, તેના કારણે કરોડમાં લાંબા ગાળે હેર લાઈન (વાળ જેટલા પાતળા) ફ્રેક્ચર પણ થઈ જાય છે. ડેન્માર્કના સંશોધકોએ આ હઠીલા કમર દર્દથી પીડાતા દર્દીઓની કરોડરજ્જુની આસપાસની પેશીઓના નમૂનાનું બારીક નિરીક્ષણ કર્યું હતું, અને 80 ટકાથી પણ વધારે દર્દીઓમાં ‘પ્રોપિઓનિબેક્ટેરિયમ એક્નેસ’ નામના જીવાણુઓ જોવા મળ્યા હતા. ચહેરા પર ખીલ (Acne) થવાનું કારણ આ બેક્ટેરિયા જ હોય છે. આ બેક્ટેરિયા વાળના બારીક મૂળિયા કે દાંત વચ્ચેની જગ્યામાં રહેતા હોય છે, પરંતુ આપણે બ્રશ કરીએ ત્યારે તે સહેલાઈથી લોહીમાં ભળી જાય છે.
સામાન્ય રીતે આ બેક્ટેરિયા નુકસાન નથી કરતા, પરંતુ જો તમે સ્લિપ ડિસ્કથી પીડાતા હો તો સંજોગો બદલાતા વાર નથી લાગતી. સ્લિપ ડિસ્કથી પીડાતું શરીર આપમેળે સારવાર કરવા નાનકડી રક્તવાહિનીઓનું સર્જન કરે છે. જોકે, તેનાથી દર્દીના દુખાવામાં રાહત થવાના બદલે બેક્ટેરિયાને મદદ મળે છે. કારણ કે, આ રક્તવાહિનીઓની મદદથી બેક્ટેરિયા સ્લિપ ડિસ્કની આસપાસ પહોંચી જાય છે અને ત્યાં જઈ ગંભીર નુકસાન પહોંચાડે છે. સ્લિપ ડિસ્કના દર્દીનું એમઆરઆઈ સ્કેન કરાવવાથી આ સોજા દેખાય છે. સંશોધકોના મતે, તેઓ હઠીલા કમર દર્દને પણ 100 ટકા મટાડી શકે છે. પરંતુ એ માટે દર્દીના દુખાવાનો અભ્યાસ કરીને એન્ટિબાયોટિક ડોઝ લેવા પડે છે. આ સંશોધનોમાં પસંદ થયેલા કમર દર્દના 80 ટકા દર્દીઓને આવી રીતે સારવાર આપવાથી રાહત આપી શકાઈ છે. આ તમામ દર્દીઓ છ મહિનાથી પણ વધુ સમયથી કમર દર્દથી પીડાતા હતા અને તેમના એમઆરઆઈ સ્કેનમાં નુકસાન પામેલા હાડકા જોઈ શકાતા હતા.
ડૉ. પીટર હેમલિન |
જોકે, ડૉ. હાના આલબર્ટ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે, “દરેક દર્દી પર એન્ટિબાયોટિક અસર ના પણ કરે. આ પ્રકારની દવાનો વધુ પડતો ઉપયોગ કરાય તો બેક્ટેરિયા એન્ટિબાયોટિકથી બચવાની ક્ષમતા મેળવી લઈ શકે છે.” મેડિકલ જગત પહેલેથી જ આ મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે. પરંતુ એન્ટિબાયોટિક સારવાર સર્જરીથી સારો વિકલ્પ છે અને તેની મદદથી સર્જરી કર્યા પછી પણ કમર દર્દથી પીડાતા લોકોમાં ચોક્કસ ઘટાડો કરી શકાશે. સંશોધકોનું કહેવું છે કે, હવે લોકોમાં જાગૃતિ લાવવી જોઈએ અને ડૉક્ટરોને પણ શિક્ષિત કરવા જોઈએ જેથી દરેક દર્દીને જે જરૂરી હોય એવી જ સારવાર મળે, તેમજ આગામી પાંચેક વર્ષમાં બિનજરૂરી સર્જરીને નિવારી શકાય. પીટર હેમલિન કહે છે કે, “ભવિષ્યમાં આ સંશોધકોનું લક્ષ્ય એન્ટિબાયોટિકની વધુમાં વધુ દર્દીઓ પર કેવી રીતે અસર થાય તેમજ દર્દમાંથી તેઓ બને તેટલા ઝડપથી કેવી રીતે મુક્ત કરી શકાય, એ દિશામાં હોવું જોઈએ. આ સિદ્ધિ તેઓ કદાચ ‘ટારગેટેડ ડ્રગ્સ’ની મદદથી મેળવી શકે છે.”
જોકે, એ યાદ રાખવું જરૂરી છે કે, આ સારવાર કમર દર્દથી પીડાતા દર્દીઓ માટે છે. પરંતુ કમર દર્દનો ભોગ ના બનીએ એ માટે નિયમિત કસરત, પોષણયુક્ત આહાર અને સમતોલ પેટ સિવાય બીજો એક પણ વિકલ્પ નથી. હાડકાને મજબૂતાઈ બક્ષવામાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આ ઉપરાંત ન્યુટ્રિશનિસ્ટ તો ત્યાં સુધી કહે છે કે, કરોડરજ્જુને મજબૂત કરવા વિટામિન D3, વિટામિન C અને ફોસ્ફેટ જેવા તત્ત્વો પણ ખૂબ જરૂરી છે. ગર્ભાવસ્થા પછી થતું કમર દર્દ નિવારવા સ્ત્રીઓએ પણ પોષણયુક્ત આહાર અને નિયમિત કસરત કરીને પેટ પરની ચરબીને કાબૂમાં રાખવી જોઈએ, જેથી કમર દર્દથી બચી શકાય.
No comments:
Post a Comment