05 March, 2018

આઝાદી પહેલાના એ છ દિવસઃ એક ભૂલાયેલું આંદોલન


૧૮મી ફેબ્રુઆરી, ૧૯૪૬ના રોજ બોમ્બે ડોકયાર્ડમાં લાંગરેલા રોયલ ઈન્ડિયન નેવીના જહાજ 'એચએમઆઈએસ તલવાર' પર તૈનાત ભારતીય સૈનિકોની સવાર વહેલી પડી ગઈ હતી. તલવાર એક સિગ્નલ ટ્રેઇનિંગ શિપ હતું. એ દિવસની સવારનો ઉચાટિયો માહોલ કંઈક અસામાન્ય થવાના સંકેત આપી રહ્યો હતો. ત્યાં તો બપોર થતાં જ ભારતીય સૈનિકોએ બ્રિટીશરો સામે આક્રમકતાથી વિરોધની ચિનગારી ફૂંકી અને થોડા સમયમાં આખુ બોમ્બે આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયું. બોમ્બેમાં ફાટી નીકળેલી એ આગ જોતજોતામાં અખંડ હિંદુસ્તાનના કરાચીથી કોલકાતા અને વિઝાગ, મદ્રાસ અને કોચિન સુધી ફેલાઇ ગઇ. ક્રાંતિના એ હુતાશને આઝાદીના ભભૂકતા સ્વાતંત્ર્ય સંગ્રામમાં પણ થોડો સમય ગરમી આપવાનું કામ કર્યું હતું.

માંડ છ દિવસ ચાલેલા એ આંદોલને મહાન સંગીતકાર-ગીતકાર સલીલ ચૌધરીથી લઈને સલમાન રશદી જેવા લેખકના સર્જનને પણ પ્રભાવિત કર્યું હતું. ઉત્પલ દત્તે તો એ ઘટના પરથી એક નાટક લખીને જેલવાસ પણ ભોગવ્યો હતો. હિન્દી ફિલ્મોના જાણીતા ગીતકાર આનંદ બક્ષી તેમજ જેમ્સ બોન્ડના સર્જક ઇયાન ફ્લેમિંગે જેમના પરથી બોન્ડના બોસ 'એમ'નું પાત્ર સર્જ્યું હતું એ બ્રિટીશ લશ્કરી અધિકારી પણ આ ઘટનાનો સાક્ષી હતો.

કઈ હતી એ ઘટના?

બોમ્બે ટુ કરાચી, કોલકાતા અને મદ્રાસ

આઝાદી પહેલાના ભારતના બીજા વિભાગોની જેમ રોયલ ઈન્ડિયન નેવીમાં પણ સૈનિકોથી માંડીને નાના-મોટા અધિકારીઓ ભારતીયો હતા, પરંતુ એ બધાના ઉચ્ચ અધિકારી તરીકે તુમાખીબાજ બ્રિટીશરો હતા. ઉચ્ચ બ્રિટીશ અધિકારીઓ ભારતીય સૈનિકો સાથે ખુલ્લેઆમ રંગભેદી વર્તન કરતા, તેમને ભોજન પણ બ્રિટીશરો કરતા ઉતરતી કક્ષાનું પીરસાતું અને ભારતીય સૈનિકોની રહેવાના સ્થળ પણ ગંદા-ગોબરા રહેતા. આ દરમિયાન ૧૬મી જાન્યુઆરી ૧૯૪૬ના રોજ થાણેમાં તૈનાત 'એચએમઆઈએસ અકબર' યુદ્ધજહાજના ૬૭ સૈનિકો સ્વયંભૂ ભેગા થયા. તેમણે ફોર્ટ મુંબઈના મિન્ટ રોડ પર આવેલા કેસલ બરાકમાં જઇને ઉચ્ચ બ્રિટીશ અધિકારીઓને ઉતરતી કક્ષાના ભોજન સહિત વિવિધ ફરિયાદો કરી, પરંતુ બ્રિટીશરોએ હંમેશાની જેમ તેમને ઉડાઉ જવાબ આપીને રવાના કરી દીધા. બ્રિટીશરો સામાન્ય રીતે આવું જ વર્તન કરતા, અને, તેના કારણે ભારતીય સૈનિકોમાં ધીમે ધીમે અન્યાયની ભાવના ઘર થઈ ગઈ હતી.  

બોમ્બે ડોકયાર્ડ પર લાંગરેલા એચએમઆઈએસ અકબર, એચએમઆઈએસ હિંદુસ્તાન.
(નીચે) મુંબઈના કોલાબામાં એ છ દિવસના આંદોલનની યાદમાં મૂકેલું
ભારતીય સૈનિકનું પૂતળું અને છેલ્લે સ્વાતંત્ર્યસેનાની મદન સિંઘ 

આ ઘટનાના એકાદ મહિના પછી ૧૮મી ફેબ્રુઆરી, ૧૯૪૬ના રોજ બોમ્બે ડોકયાર્ડમાં તૈનાત 'એચએમઆઈએસ તલવાર' પર તૈનાત સૈનિકોએ હડતાળ પાડી. ત્યાં ફરજ બજાવતા મોટા ભાગના સૈનિકો સમાજના ઉચ્ચ વર્ગમાંથી આવતા હતા. તેમણે હડતાળ સુવ્યવસ્થિત રીતે ચલાવવા તાત્કાલિક એક સમિતિની પણ રચના કરી. એ સમિતિના પ્રમુખ અને ઉપ પ્રમુખ તરીકે લેફ્ટનન્ટ એમ. એસ. ખાન અને ટેલિગ્રાફિસ્ટ મદન સિંહની સર્વાનુમતે વરણી કરાઈ. આ હડતાળને બોમ્બે સહિત અનેક શહેરોમાં સામાન્ય લોકોનું પણ સમર્થન મળ્યું કારણ કે, બહાદુરીના પ્રતીક એવા ભારતીય સૈનિકોએ બ્રિટીશરો સામે અવાજ ઉઠાવ્યો હતો. સામાન્ય લોકો માટે તેઓ હીરો હતા, જેથી એ લોકોએ પણ સૈનિકોના સમર્થનમાં આખા મુંબઈમાં ઠેર ઠેર તોડફોડ અને આગચંપી કરી.

આ દરમિયાન સૈનિકોએ આઝાદ હિંદ ફોજના ધરપકડ કરાયેલા દસ હજાર સૈનિકોને છોડવાની માંગ સાથે બુચર આઈલેન્ડનો કબ્જો લઈ લીધો. ત્યાં બ્રિટીશ સેનાએ આખી બોમ્બે પ્રેસિડેન્સીનો દારૂગોળો સાચવ્યો હતો. આ ઘટનાના પ્રત્યાઘાત એટલા પ્રંચડ હતા કે, બોમ્બેની પશ્ચિમે ૮૮૦ કિલોમીટર દૂર કરાચીમાં ભારતીય સૈનિકોએ રોયલ ઈન્ડિયન નેવીના યુદ્ધજહાજ 'એચએમઆઈએસ હિંદુસ્તાન'નો રીતસરનો કબ્જો લઈ લીધો. કરાચીના મનોરા બિચ નજીકની બ્રિટીશ લશ્કરી છાવણીઓમાં પણ સૈનિકો હડતાળના સમર્થનમાં રસ્તા પર ઉતર્યા. બે-ત્રણ દિવસમાં બોમ્બેની હડતાળ વધુ ઉગ્ર બનતા કરાચીમાં 'એચએમઆઈએસ બહાદુર' તેમજ 'હિમાલય' અને 'ચમક' નામના જહાજોમાં સૈનિકોએ 'એચએમઆઈએસ હિંદુસ્તાન' તરફ કૂચ શરૂ કરી અને ત્યાંના શસ્ત્રાગાર પર પણ કબ્જો કરી લીધો.

આ ક્રાંતિકારીઓમાં આનંદ બક્ષી નામનો એક ક્રાંતિકારી યુવાન સૈનિક પણ હતો, જે પાછળથી હિન્દી ફિલ્મોના ગીતકાર તરીકે પ્રસિદ્ધ થયા. એવી જ રીતે, કોલકાતા, વિઝાગ, મદ્રાસ અને કોચિનના રોયલ ઈન્ડિયન નેવી સ્ટેશનો પર પણ સૈનિકોએ દેખાવો કરીને બ્રિટીશરોને ભીંસમાં લીધા. બોમ્બે ડોકયાર્ડની સૈનિકોની એક સામાન્ય હડતાળમાં જોતજોતામાં ૨૦ હજાર ભારતીય સૈનિકો અને ૬૬ જહાજ જોડાઈ ગયા. આ આંદોલન ફક્ત છ દિવસ- ૨૩મી ફેબ્રુઆરી ૧૯૪૬ સુધી ચાલ્યું પણ ભારતના આઝાદીના આંદોલનમાં પ્રાણ ફૂંકવામાં તે મહત્ત્વનું સાબિત થયું.

સામાન્ય હડતાળે ઉગ્ર રૂપ કેવી રીતે ધારણ કર્યું?

આ આંદોલને થોડા કલાકોમાં જ ઉગ્ર રૂપ કેવી રીતે ધારણ કર્યું એ સમજવા ત્યારનો માહોલ જાણવો જરૂરી છે. આ આંદોલન માટે એકથી વધુ પરિબળો જવાબદાર હતા, પરંતુ આપણે મુખ્ય પરિબળોની વાત કરીશું. વાત એમ હતી કે, બીજી સપ્ટેમ્બર, ૧૯૪૫ના રોજ બીજું વિશ્વ યુદ્ધ પૂરું થયું હતું. એ ભીષણ યુદ્ધમાં ૨૫ લાખ ભારતીય સૈનિક બ્રિટીશ સેનાની આગેવાનીમાં જુદા જુદા દેશોમાં યુદ્ધ મોરચે ગયા હતા અને ૮૭ હજારથી વધુ સૈનિકે શહીદી વ્હોરી હતી. ભારતના અનેક સૈનિકોએ દેશદાઝથી પ્રેરાઈને નહીં પણ બ્રિટીશ સેનામાં નોકરી કરતા હોવાના કારણે યુદ્ધમાં લડવા જવું પડ્યું હતું. વિશ્વયુદ્ધ પછી સ્વદેશ આવેલા લાખો સૈનિકોને 'બ્રિટીશરોએ આપણો ઉપયોગ કરી લીધો' એવી લાગણી થઈ રહી હતી.

રોયલ ઈન્ડિયન નેવીમાં ફરજ બજાવ્યા પછી હિન્દી ફિલ્મોના
ગીતકાર તરીકે કાઠું કાઢનારા આનંદ બક્ષી

આ કારણસર યુદ્ધ મોરચે જઈ આવેલા યુવાન સૈનિકોમાં અન્યાયી બ્રિટીશ શાસન પ્રત્યે અસંતોષ, અજંપો અને ગુસ્સો વધી રહ્યો હતો. વિશ્વ યુદ્ધના કારણે વૈશ્વિક સ્તરે અછત સર્જાઈ હતી, જેથી જીવનજરૂરી ચીજવસ્તુઓમાં કાપ મૂકાયો હતો. એ માહોલમાં સૌથી બદતર હાલત સૈનિકોની હતી. આ દરમિયાન ઈન્ડિયન નેશનલ કોંગ્રેસની આગેવાનીમાં આઝાદીનું આંદોલન પણ પૂરજોશમાં ચાલી રહ્યું હતું. લાખો યુવાનો કોંગ્રેસ સહિત અનેક નાના-મોટા જૂથોમાં આઝાદીના આંદોલનમાં વ્યસ્ત હતા અને મોટા ભાગના મજબૂરીના માર્યા બ્રિટીશ શાસનમાં નોકરીઓ કરતા હતા. યુવાનો પાસે જીવનની ચોક્કસ દિશા ન હતી.

અરાજકતાના એ માહોલમાં મોટા ભાગના ભારતીયો સ્વતંત્રતા માટે અધીરા બની ગયા હતા. ભારતીયોના દિલોદિમાગમાં 'આઝાદીથી ઓછું કશું નહીં' અને 'હિંદ છોડો'ના નારા છવાયેલા હતા. બ્રિટીશ સેનામાં ફરજ બજાવતા સૈનિકો પણ તેમાંથી બાકાત ન હતા. અહીં બીજી પણ એક મહત્ત્વની વાત નોંધવા જેવી છે. આ બળવો થયો તેના એકાદ મહિના પહેલા, જાન્યુઆરી 1946માં, રોયલ ઈન્ડિયન એરફોર્સના સંખ્યાબંધ બ્રિટીશ એરમેને બળવો (ભારતીય એરમેને નહીં, બ્રિટીશરોએ. બ્રિટીશરો સામે બ્રિટીશરોની લડાઈ બળવો જ કહેવાય) કરી દીધો હતો. એ બળવાના કારણે રોયલ ઈન્ડિયન નેવીના ભારતીય સૈનિકોને ઉચ્ચ બ્રિટીશ અધિકારીઓ સામે આંદોલન છેડવાનું પ્રોત્સાહન મળ્યું હતું. તત્કાલીન વાઇસરોય આર્ચિબાલ્ડ વેવેલે પણ આ વાતની સત્તાવાર નોંધ લીધી હોવાના પુરાવા છે.

રોયલ ઈન્ડિયન નેવીના સૈનિકોએ હડતાળ પાડીને કબ્જે કરી લીધેલા જહાજો પર કોંગ્રેસ, મુસ્લિમ લિગ અને કોમ્યુનિસ્ટ પાર્ટીના લાલ ધ્વજ એકસાથે ફરકતા હતા, પરંતુ ગાંધીજી, સરદાર પટેલ અને મોહમ્મદ અલી ઝીણાએ આ હડતાળ કડક શબ્દોમાં વખોડી કાઢી હતી.

હડતાળ સામ્યવાદીઓનું બહુ મોટું કાવતરું હતું?

રોયલ ઈન્ડિયન નેવીમાં બળવો થયો ત્યારે નેતાજીએ આઝાદ હિંદ ફોજની સ્થાપના કરી દીધી હતી. એ દિવસોમાં રોયલ ઈન્ડિયન નેવીમાં ફરજ બજાવતા સૈનિકો સહિત કોઇ પણ ભારતીય પાસેથી આઝાદ હિંદ ફોજનું સાહિત્ય મળે તો દેશદ્રોહનો કેસ ચલાવાતો. બોમ્બે ડોકયાર્ડમાં પણ બળવાખોર સૈનિકોએ સૌથી પહેલાં બી.સી. દત્ત નામના સૈનિકને તાત્કાલિક મુક્ત કરવાની માગ કરી હતી. બી.સી. દત્ત પર પણ આઝાદ હિંદ ફોજનું સાહિત્ય રાખવાનો તેમજ સેનાના જહાજો પર છુપી રીતે 'જય હિંદ' અને 'ક્વિટ ઇન્ડિયા' જેવા સૂત્રો ચીતરી નાંખવાનો આરોપ હતો. જોકે, બ્રિટીશરોની સેનામાં તો બી. સી. દત્ત જેવા લાખો યુવાનો ઘૂસી ગયા હતા. કેવી રીતે? એ સમજીએ.

બીજા વિશ્વ યુદ્ધની શરૂઆતમાં બ્રિટીશરોએ બ્રિટીશ સેનામાં ખૂબ ઝડપથી જવાનોની ભરતી શરૂ કરી. આ સ્થિતિનો લાભ લઇને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયાના નેતાઓએ, ૧૯૪૨થી ૧૯૪૫ વચ્ચે, એકસાથે હજારો યુવાનોની ભરતી કરવા બ્રિટીશરોને ભરપૂર મદદ કરી. આ સામ્યવાદી નેતાઓ પણ બ્રિટીશ ઈન્ડિયન આર્મી અને રોયલ ઈન્ડિયન નેવીમાં ફરજ બજાવતા હતા. સામ્યવાદીઓનો હેતુ બ્રિટીશ સેનાની સાથે રહી નાઝી જર્મનીને હરાવવાનો હતો. આ કારણસર ૧૯૪૫માં બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું ત્યાં સુધી રોયલ ઈન્ડિયન નેવીના સૈનિકોની સંખ્યા ૧૯૩૯માં હતી તેના કરતા દસ ગણી વધી ગઈ હતી. જોકે, બીજું વિશ્વયુદ્ધ પૂરું થતાં બ્રિટીશ સેનામાં ફરજ બજાવતા લાખો ભારતીય સૈનિકો બ્રિટીશ શાસનના વિરોધી થઈ ગયા. વળી, હજારો સૈનિકો બ્રિટીશ સેના છોડીને સુભાષચંદ્ર બોઝે સ્થાપેલી આઝાદ હિંદ ફોજમાં જોડાઈ ગયા. આ કારણસર બ્રિટીશરોને લાગ્યું હતું કે, બ્રિટીશ શાસન સામે થયેલો ‘બળવો’ સામ્યવાદીઓનું કાવતરું છે.

લાલ કિલ્લા, દિલ્હીના સ્વાતંત્ર્ય સેનાની મ્યુઝિયમમાં મૂકેલી કર્નલ પ્રેમકુમાર સહગલ,
મેજર જનરલ શાહનવાઝ ખાન અને કર્નલ ગુરુબક્ષ સિંઘની તસવીર
‘રાગ દેશ’નું પોસ્ટર

એ વખતે દેશભરના ક્રાંતિકારી યુવાનોમાં આઝાદ હિંદ ફોજનું સાહિત્ય વાંચવાનો અને નેતાજીના ભાષણ સાંભળવાનો જુવાળ હતો. રોયલ ઈન્ડિયન નેવીના સૈનિકોની અત્યંત આક્રમક હડતાળ પાછળ આ કારણ પણ જવાબદાર હતું. રોયલ ઈન્ડિયન નેવીનો બળવો થયો ત્યારે બીજી પણ એક મહત્ત્વની ઘટના બની. બ્રિટીશ શાસને આઝાદ હિંદ ફોજના કર્નલ પ્રેમકુમાર સહેગલ, મેજર જનરલ શાહનવાઝ ખાન અને કર્નલ ગુરુબક્ષ સિંઘ ધિલોનને ઝડપીને કાયદેસરની કાર્યવાહી ચાલુ કરી હતી. નેતાજીના આ ત્રણેય લશ્કરી અધિકારીઓ સામે 'બ્રિટીશ શાસન સામે યુદ્ધ છેડવાનો' તેમજ આઝાદ હિંદ ફોજની 'વિધ્વંસક પ્રવૃત્તિ'માં સામેલ થવાનો ગંભીર આરોપ મૂકાયો હતો. આ ત્રણેય ભારતીય સૈનિકો સામે લાલ કિલ્લાની અંદર અદાલતી ટ્રાયલ ચાલે ત્યારે બહાર હજારો લોકો તેમની એક ઝલક મેળવવા ભેગા થતાં. ભારતીયો માટે એ ત્રણેય અધિકારી 'દેશપ્રેમી' હતા, જેમણે અંગ્રેજ શાસન સામે અવાજ ઉઠાવ્યો હતો. આઝાદી ઈતિહાસ લખવામાં-ભણાવવામાં કંઈક એવી ગરબડ થઈ કે, આપણે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને યાદ રાખ્યા, પરંતુ આઝાદ હિંદ ફોજના આ ત્રણેય બહાદુરોને આપણે ભૂલી ગયા! શું એ માટે નેતાજીના કોંગ્રેસ સાથેના મતભેદો જવાબદાર છે?

ટૂંકમાં, આઝાદ હિંદ ફોજના એ ત્રણેય સૈનિકોના ટ્રાયલના કારણે બ્રિટીશરો સામે જબરદસ્ત લોકજુવાળ ઊભો થયો હતો. તિગ્માંશુ ધુલિયાની જુલાઈ ૨૦૧૭માં રિલીઝ થયેલી 'રાગ દેશ' ફિલ્મ આ જ ઘટના પર આધારિત છે.

ઉત્પલ દત્તને આંદોલન પરથી નાટક લખવા બદલ જેલ

રોયલ ઈન્ડિયન નેવીના સૈનિકોનું આંદોલન બ્રિટીશરો માટે 'બળવો' હતું, પરંતુ ભારતીય સૈનિકો માટે હક માટેનું આંદોલન કે અન્યાય સામેની લડાઈ હતું. આ આંદોલનના સમાચાર તત્કાલીન બ્રિટીશ વડાપ્રધાન કેલમેન્ટ એટલીને મળતા તેમણે રોયલ ઈન્ડિયન નેવીના કમાન્ડર જ્હોન હેનરી ગોડફ્રેને 'સૈનિકોનો બળવો' તાત્કાલિક ડામી દેવાનો આદેશ કર્યો. હેનરી ગોડફ્રે લશ્કરી નેવિગેશનના ખેરખાં હતા. જેમ્સ બોન્ડ જેવા મહાન પાત્રના સર્જક ઇયાન ફ્લેમિંગે બીજા વિશ્વયુદ્ધમાં નેવલ ઇન્ટેલિજન્સમાં હેનરી ગોડફ્રેના હાથ નીચે કામ કર્યું હતું. ફ્લેમિંગે કહ્યું હતું કે, મેં સર્જેલું જેમ્સ બોન્ડના બોસ 'એમ'નું પાત્ર હેનરી ગોડફ્રેથી પ્રેરિત છે.

(ક્લોકવાઈઝ) રોયલ બ્રિટીશ નેવીના કમાન્ડર જ્હોન હેનરી ગોડફ્રે, જેના પરથી
જેમ્સ બોન્ડના સર્જક ઇયાન ફ્લેમિંગે બોન્ડના બોસ ‘એમ’નું પાત્ર રચ્યું.
બોન્ડ જેવા જ ડેશિંગ લેખક ઇયાન ફ્લેમિંગ, પોતાને મજાકમાં બીજા મોઝાર્ટ
ગણાવતા ધુરંધર સંગીતકાર સલીલ ચૌધરી અને ઉત્પલ દત્ત


સલીલ ચૌધરીએ લખેલું અને સંગીતબદ્ધ કરેલું એ ગીત. 




રોયલ ઈન્ડિયન નેવીના આંદોલનનો ભારતના પોપ કલ્ચર પર ખાસ્સો પ્રભાવ પડ્યો હતો. હિન્દી, બંગાળી અને મલયાલમ ફિલ્મોના ધુરંધર સંગીતકાર સલીલ ચૌધરીએ રોયલ ઈન્ડિયન નેવીના આંદોલન પરથી પ્રેરણા લઈને 'ધેઉ ઉથ્ચે, કારા તુચ્છે' જેવું યાદગાર બંગાળી ગીત રચીને તેને સંગીતબદ્ધ પણ કર્યું હતું. સલમાન રશદીની ૧૯૯૫માં પ્રકાશિત 'ધ મૂર્સ લાસ્ટ સાઇ' નામની નવલકથામાં પણ આ આંદોલનનું વર્ણન આવે છે. હિન્દી ફિલ્મોના જાણીતા અભિનેતા ઉત્પલ દત્તે આ આંદોલનમાંથી પ્રેરણા લઈને 'કલ્લોલ' નામનું નાટક લખ્યું હતું, જે ૧૯૬૫માં સૌથી પહેલીવાર ભજવાયું હતું. આ નાટક લખવા બદલ બ્રિટીશ ભારતના જૂનાપુરાણા ઈન્ડિયા ડિફેન્સ એક્ટ હેઠળ તેમની ધરપકડ થઈ, અને, કેટલાક મહિના જેલવાસ પણ ભોગવવો પડ્યો.

***

૧૮મી ફેબ્રુઆરીએ શરૂ થયેલું એ આંદોલન બ્રિટીશરોએ ૨૩મી ફેબ્રુઆરીએ સંપૂર્ણપણે કાબુમાં લઈ લીધું. કોંગ્રેસ અને મુસ્લિમ લિગે પણ સૈનિકોની સમિતિને હડતાળ સમેટી લેવા દબાણ કર્યું. હડતાળ પૂરી થયેલી પણ જાહેર થઈ, પરંતુ 'બળવો' કરવા બદલ ૪૭૬ સૈનિકોને કોર્ટમાર્શલ કરાયા.

ત્યાં સુધી તો બધુ ઠીક હતું, પરંતુ દેશ આઝાદ થઈ ગયા પછી ભારત કે પાકિસ્તાની સેનામાં કોર્ટમાર્શલ કરાયેલા સૈનિકોને નોકરીઓ ના અપાઈ. કારણ કે, આઝાદ ભારતના ‘મહાન’ રાજકારણીઓ એ આંદોલનને 'બળવો' જ ગણતા હતા.

નોંધઃ ‘ટ્રિબ્યુન’ના એચજેએસ વારાઇચે લીધેલા મદન સિંઘના ઈન્ટરવ્યૂની લિંક.  
http://www.tribuneindia.com/2004/20040321/spectrum/main5.htm 
તેઓ આજે હયાત છે કે નહીં એ વિશે કમનસીબે કોઈ જ જાણકારી ગૂગલ પર મળતી નથી.

2 comments:

  1. ઈતિહાસના પાનામાં ખોવાઈ ગયેલી આ ઘટના વિશે વિસ્તારપૂર્વક માહિતી પ્રદાન કરતો અદ્ભૂત લેખ.

    કમનસીબે અંદરોઅંદર વિગ્રહ કરતાં રહેતા દેશવાસીઓને લીધે જે બિટિશરો આપણા પર રાજ કરી ગયા તેમની સામે લડવામાં અને આઝાદી મેળવવામાં પણ આપણે એક ના થઈ શક્યા. આજે પણ જાતિ, જ્ઞાતિ, કોમ, અનામત અને રાજ્યોની વ્હેંચણી વચ્ચે વહેંચાઈ ગયેલી દેશની જનતા ઈતિહાસ અને પૂર્વજો પાસેથી કઈં જ નથી શીખી

    ReplyDelete
  2. ભૂલાયેલા ઐતિહાસિક પૃષ્ઠની તાદશ્ય છણાવટ..

    ReplyDelete