12 September, 2017

એ ડોશી નાનપણમાં જ મરી ગઈ હતી...


હિમાલયના પહાડોની વચ્ચે એક સુંદર ગામ હતું. એ ગામમાં એક ઘરડો ખેડૂત રહેતો હતો. એક દિવસ તેના મૃત્યુનો દિવસ નજીક આવ્યો. ત્યારે ખેડૂતે તેના પુત્રને ખાટલા નજીક બોલાવીને કહ્યું કે, ''પુત્ર, મારે તને ફક્ત એક જ સલાહ આપવાની છે. રાગી (બાજરા જેવું ધાન) ખાતા પહેલાં તેને મીઠી કરજે...''

આટલું બોલીને ખેડૂત મૃત્યુ પામ્યો. પુત્ર વિચારતો જ રહી ગયો કે, રાગીનો લોટ મીઠો કેમ કરવાનો? લોટમાંથી કોઈ વાનગી બનાવીએ એ મીઠી કરીને જ ખાવાની? શું રહસ્ય હશે પિતાજીની વાતનું? જોકે, આવા કોઈ સવાલનો તેને જવાબ નથી મળતો. એટલે પિતાની સૂચનાને ગંભીરતાથી લઈને પુત્રે ગોળ, મધ અને ખાંડ સાથે રાગીનો લોટ ખાવાનો પણ પ્રયાસ કર્યો, પરંતુ નિરાશ થયો. રાગીનો લોટ મ્હોંમાં પણ ઘૂસતો ન હતો.

થોડા દિવસ પછી પુત્ર ફરી એકવાર ખેતીના કામમાં પરોવાઈ ગયો. એક દિવસ તે જંગલે લાકડા કાપવા ગયો, પરંતુ વરસાદના કારણે લાકડા ભીના થઈ ગયા હોવાથી સૂકા લાકડા ભેગા કરવામાં બપોર થઈ ગઈ. તે થાકીને લોથપોથ થઈ ગયો હતો અને કકડીને ભૂખ પણ લાગી હતી.

એ જ વખતે તેને યાદ આવ્યું કે, આજે તો તેની પત્નીએ રાગીના રોટલા બાંધી આપ્યા છે. મનોમન ખુશ થઈને તેણે પોટલામાંથી રોટલા, મરચું અને ચટણી કાઢ્યા અને ખાવા લાગ્યો. પહેલો કોળિયો ખાતા ખાતા જ ખેડૂત પુત્રને ગજબની અનુભૂતિ થઈ. રાગીના રોટલાનું વાળું આટલું મીઠું અને સ્વાદિષ્ટ તેને ક્યારેય નહોતું લાગ્યું. એ જ ઘડીને તેને પિતાના છેલ્લાં શબ્દો યાદ આવ્યા. તે તરત જ સમજી ગયો કે, મરણપથારીએ પડેલા પિતાજી તેને શું કહેવા માગતા હતા!

ખેડૂત તેના પુત્રને કહેવા માંગતો હતો કે, જો તમારે તમારા ભોજનમાં મીઠાશ જોઈતી હોય તો મહેનત કરો. મીઠી ભૂખની મજા માણવી હોય તો મહેનતનું જ ખાઓ.

***

રાત્રે સ્માર્ટફોન મચેડીને કે ટીવી શૉ જોઈને સૂઈ જતા બાળકોને આવી સુંદર બોધકથાઓ નસીબ નથી. આ નાનકડી વાર્તામાં બાળકોને રસ પડે એ રીતે કેટલી ઊંડી વાત કરાઈ છે! જો આ જ વાત બાળકોને એક જ લીટીમાં કહીએ તો સ્વાભાવિક રીતે જ ભેજામાં ના ઉતરે. એટલે જ સીધીસાદી વાતોને બાળકોના મનમાં ઠસાવવા વાર્તાઓ છે. બાળકનું મનોવિશ્વ ખૂબ જ નાજુક હોય છે. નાનપણમાં સાંભળેલી વાર્તાઓ અર્ધજાગ્રત (સબ કોન્સિયસ) મન પર ઘેરી અસર કરતી હોય છે. આપણે અનેક સફળ વ્યક્તિઓ વિશે સાંભળ્યું છે, જેમના પર નાનપણમાં દાદા-દાદી કે બીજા વડીલોએ કહેલી વાર્તાઓએ પ્રચંડ પ્રભાવ પડ્યો હોય છે! અરે, સાહિત્યમાં નોબેલ પુરસ્કાર મળ્યો હોય એવા પણ અનેક લેખકો-કવિઓ પણ તેમાંથી બાકાત નથી.



વાર્તાઓમાંથી બાળકો જીવનના બોધપાઠ સિવાય પણ ઘણું બધું શીખે છે. દરેક વાર્તામાંથી બાળકો કંઈક નવી જ વાત શીખી લે છે, જેનો ક્યારેક વાર્તા કહેનારાને પણ અહેસાસ નથી થતો. આપણે ઉપરોક્ત વાર્તાની જ વાત કરીએ. આ વાર્તામાં હિમાલયની વાત આવે છે. હિમાલયની પર્વતમાળામાં પણ ગામડાં છે. ત્યાંના લોકો પણ ખેતી કરે છે. કોઈ બાળક પૂછશે પણ ખરો કે, સ્નોમાં ખેતી થાય? એ પછી રાગી નામના ધાનની વાત આવી. હિમાલયના અનેક વિસ્તારોમાં રાગી રોજિંદુ ભોજન છે. આ રાગી એટલે શું? એ આપણે બાળકોને ગૂગલમાં શોધીને બતાવી શકીએ. રાગી એટલે બાજરી જેવું લાગતું એક પ્રકારનું ધાન્ય. રાગી ડાળખી પર દાણાદાણ સ્વરૂપમાં થાય. તેના આકારના કારણે અંગ્રેજીમાં તે 'ફિંગર મિલેટ' તરીકે ઓળખાય છે. આ વાર્તામાં પાત્રોના નામ પણ નથી અને છતાં આપણે કલ્પના કરીને ખેડૂત અને ખેડૂત પુત્રને જોઈ લઈએ છીએ. અને છેલ્લે આવે છે બોધપાઠઃ ભોજનમાં સ્વાદ જોઈતો હોય તો મહેનતનું જ ખાઓ.

આ પૃથ્વી પર એવો કયો વિસ્તાર હશે, જ્યાં આ વાર્તાને સ્થળ-કાળનું બંધન નડતું હશે? ક્યાંય નહીં. આ પ્રકારની વાર્તાઓનું સૌથી મજબૂત પાસું જ એ હોય છે. આ વાર્તા હિમાલયના રાજ્યોમાં ઘણી જાણીતી છે. થોડા સમય પહેલાં જ કાશ્મીરમાં આ વાર્તા સાંભળી હતી. ભારત પાસે આવી વાર્તાઓનો ખજાનો છે કારણ કે, ભારત પાસે ભાષાઓનો ખજાનો છે. હિમાલયની વાર્તા તમે ગુજરાતીમાં વાંચી એવી જ રીતે, બીજી અનેક ભાષાઓમાં ગઈ હશે. બીજી ભાષાઓની વાર્તાઓ હિમાલયના રાજ્યોમાં ગઈ હશે અને રીતે સાંસ્કૃતિક આદાનપ્રદાન થયું હશે. આમ, સાંસ્કૃતિક આદાનપ્રદાનની રીતે પણ વાર્તાઓ અત્યંત મહત્ત્વનું માધ્યમ છે. એટલે જ બાળકોને વાર્તા કહેવાની પરંપરા જીવંત રાખવી જોઈએ. એક સમયે બાળકોને ફક્ત આનંદ-મસ્તી માટે હોરર, થ્રીલર અને સસ્પેન્સ વાર્તાઓ કહેવાતી. આ કારણસર બાળકો એવી વાર્તાઓમાં રસ લેતા અને પછી તેમનું વાંચન વિશ્વ વિસ્તરતું જતું. એ વાર્તાઓમાં બાળકોને વિચારતા કરી દે એવા રમૂજી વાક્યો આવતા. જેમ કે, એ ગામમાં એક ડોશી રહેતી હતી. તે નાની હતી ત્યારે જ મરી ગઈ હતી...

દુનિયાની દરેક સંસ્કૃતિ પાસે નવલકથા, નવલિકા અને મહાકાવ્ય સિવાય પણ વાર્તા કહેવાના જાતભાતના માધ્યમો છે. ભારત પાસે પણ વાર્તા  કહેવાના વૈવિધ્યસભર માધ્યમો છે. નાટક, નૃત્ય નાટિકા, કઠપૂતળી, રામકથા, ભવાઈ અને સપ્તાહ બેસાડવી એ શું છે? આ બધા વાર્તાના જ માધ્યમો છે. ચીનમાં આજેય શેડો (પડછાયો) આર્ટથી વાર્તા કહેવાય છે. ફિલ્મ, કોમિક્સ અને ઓપેરા પણ વાર્તા કહેવાના જ આધુનિક માધ્યમો છે. સાંસ્કૃતિક અને સાહિત્યિક વારસો વાર્તાઓથી જીવે છે, ભાષાઓથી નહીં. ભાષા ખતમ થઈ જાય છે પણ વાર્તા જીવે છે. અહીં વાર્તાનો અર્થ વ્યાપક અર્થમાં લેવાનો છે. ભારતમાં છેલ્લાં ૫૦ વર્ષમાં ૨૨૦ ભાષા લુપ્ત થઈ ગઈ, પરંતુ લુપ્ત થઈ ગયેલી ભાષાઓનો વાર્તા વૈભવ (જો હોય તો) બીજી ભાષાઓમાં પહોંચીને જીવંત રહ્યો છે. આ વાત એક સીધાસાદા ઉદાહરણથી સમજીએ.



લદાખના અંતરિયાળ પહાડી વિસ્તારોમાં અનેક લોકો પગપાળા પ્રવાસ કરનારાને રાતવાસો કરવાનું આમંત્રણ આપે છે. ત્યાં અજાણ્યાની મહેમાનગતિ કરવી એ પરંપરા છે. મહેમાનગતિની આ પરંપરા હિમાચલ પ્રદેશ, કાશ્મીર, પંજાબ, હરિયાણા અને છેક અફઘાનિસ્તાનના પઠાણો સુધી વિસ્તરેલી છે. લદાખી લોકોનું માનવું છે કે, આપણને આપણા ઘરો પ્રત્યે મોહ ના હોવો જોઈએ. જો ઘર માટે મોહ હોય તો પુનર્જન્મમાં આપણે કાચબો બનીએ. કેમ કાચબો? આ સવાલ પૂછતા જ તેઓ કહે છે કે, કાચબાએ આખું જીવન પોતાનું ઘર સાથે લઈને ફરવું પડે છે.  સંથાલ નામના આદિવાસીઓમાં પણ માન્યતા છે કે, આ પૃથ્વી કાચબાના શરીર પર ગોઠવાયેલી છે. સંથાલ આદિવાસીઓની વસતી પશ્ચિમ બંગાળ, આસામ, બિહાર, ઝારખંડ, ઓડિશા તેમજ નેપાળ, બાંગ્લાદેશ સુધી જોવા મળે છે. એ લોકોની ભાષા સંથાલી છે. હવે બિલકુલ આવી જ માન્યતા અમેરિકા અને કેનેડાના ઓડાવા બોલી બોલતા આદિવાસીઓમાં પણ છે. તેઓ પણ માને છે કે, પૃથ્વી એક મહાકાય કાચબા પર ગોઠવાયેલી છે. એકબીજાથી હજારો કિલોમીટર દૂરની સંસ્કૃતિઓમાં આ વાત કદાચ વાર્તાઓ થકી જ ગઈ હશે!

કોમિક ફેન્ટસી જોનરની વાર્તાઓના ધુરંધર બ્રિટીશ લેખક ટેરી પ્રેચટે પણ કાચબાની પીઠ પર પૃથ્વીની કલ્પના કરીને સળંગ ૪૧ નવલકથા લખી હતી. આ નવલકથાઓમાં પ્રેચટે ગ્રેટ એ'ટુઇન જેવું વિચિત્ર નામ ધરાવતા કાચબાની મહાકાય પીઠ પર ચાર ખૂણામાં ચાર હાથી અને તેના પર એક ડિસ્ક (થાળી)ની કલ્પના કરી હતી. એ ડિસ્ક પરની દુનિયાને પ્રેચટે 'ડિસ્કવર્લ્ડ' નામ આપ્યું હતું. પ્રેચટની 'ડિસ્કવર્લ્ડ' શ્રેણીની નવલકથાઓનો ૩૬થી વધુ ભાષામાં અનુવાદ થયો છે. પ્રેચટ માસ્ટર સ્ટોરી ટેલર હતા એમાં કોઈ શંકા નથી, પરંતુ હજારો વર્ષ પહેલાં લખાયેલી ભારતીય પુરાણકથાઓમાં પણ 'ચુકવા' અને 'અકુપાર' નામના મહાકાય કાચબાની વાતો આવે છે.

પુરાણોમાં વાંચવા મળે છે એવી જ માન્યતા ભારત-અમેરિકા અને કેનેડાના આદિવાસીઓથી માંડીને ટેરી પ્રેચટ સુધી  કેવી રીતે પહોંચી હશે! આ જ તો વાર્તાઓની તાકાત છે. ટેરી પ્રેચટનું ૧૨મી માર્ચ, ૨૦૧૫ના રોજ મૃત્યુ થયું ત્યારે આ જ કોલમમાં તેમના વિશે લેખ લખ્યો હતો. પ્રેચટને ભણવામાં રસ ન હતો, એટલે હોશિયાર માતાએ નાનકડા ટેરીને જાતભાતના કાવાદાવા કરીને વાંચનમાં રસ લેતો કર્યો હતો. એ પછી તો ટેરીએ બ્રિટનના બકિંગહામશાયરમાં બેકન્સફિલ્ડની પબ્લિક લાઇબ્રેરીના બધા જ પુસ્તકો વાંચી કાઢ્યા. કદાચ એ વખતે તેમણે ‘કાચબાની પીઠ પર પૃથ્વી છે એવું કંઈ’ વાંચ્યું હોઈ શકે!



ઓસ્ટ્રેલિયાની ધરતી પર પણ એક સમયે સમૃદ્ધ આદિવાસી (એબઓરિજિનિલ્સ) સંસ્કૃતિ હતી. આ આદિવાસીઓનો પણ મોટા ભાગનો સાંસ્કૃતિક વારસો લુપ્ત થઈ ગયો છે, પરંતુ વાર્તાઓના કારણે તેમનું થોડું ઘણું પરંપરાગત જ્ઞાન સચવાયું છે. જેમ કે, આશરે સાત હજારથી ૧૮ હજાર વર્ષ પહેલાં ઓસ્ટ્રેલિયાના દરિયા કિનારાની સપાટી ખૂબ વધી ગઈ હતી. અત્યારના વિજ્ઞાનીઓ આ વાત જાણે છે એવી જ રીતે, ઓસ્ટ્રેલિયાના બાકી બચેલા ૩૦૦-૪૦૦ આદિવાસીઓને પણ આ વાતની જાણકારી છે. આ માહિતી તેમણે પેઢી દર પેઢી સાંભળેલી વાર્તાઓમાંથી મેળવી છે. આ વાર્તાઓમાં સત્ય અને કલ્પનાનું જોરદાર મિશ્રણ થયેલું હોય છે. ભારતમાં પણ આ પરંપરા છે. વાંચતા પણ આવડતું એવા ભારતીયો પણ રામાયણ, મહાભારત અને પુરાણોની વાતોથી વાકેફ હોય છે. તેમણે પણ એ જ્ઞાન સાંભળીને મેળવ્યું હોય છે. હા, ટેલિવિઝનમાં પણ એ વાતો સાંભળી હોઈ શકે છે.

દાદા-દાદી, માતા-પિતા કે ઘરના બીજા વડીલોમાં જ વાચનનો શોખ ઘટી રહ્યો છે. એ માટે મોબાઈલ ફોન અને ટેલિવિઝન જેવા સ્માર્ટ માધ્યમો જવાબદાર છે, પરંતુ રોજિંદા જીવનની ઘટમાળમાં કોને પ્રાથમિકતા આપવી અને શું પાછું હડસેલવું એ આપણા હાથની વાત છે. અહીં સ્માર્ટ ફોન કે ટેલિવિઝનનો જૂનવાણી વિરોધ નથી, પરંતુ બાળકોને અઠવાડિયામાં બે-ચાર વાર વાર્તા સંભળાવવાનો નિયમ બનાવવો જોઈએ એવું કહેવા આ વાર્તા કરાઈ છે. જો આ જ વાત એક જ લીટીમાં કહેવાય તો કોને રસ પડે? ગુજરાતમાં તો બહુ ઓછા પરિવારોમાં ગુણવત્તાસભર વાંચનની આદત જોવા મળે છે. એમાંય બાળકો માટે ઉત્કૃષ્ટ બાળ સાહિત્ય વાંચનારા અને ઉત્તમોતમ પુસ્તકો વસાવનારા વડીલો કેટલા? જો બાળકોને વાર્તા કહેવાનો નિયમ બનાવ્યો હશે તો વડીલોએ પણ વાંચવુ પડશે અને સારી વાર્તાઓની શોધમાં નવા નવા પુસ્તકો પણ શોધીને વસાવવા પડશે.

હવે બાળકોને વાર્તા કહેવાના નિયમનો અમલ કરો ત્યારે એટલું યાદ રાખજો કે, તમે એક બાળકમાં સારા ગુણોનું સીંચન કરવાની સાથે સાથે ભવ્ય સાંસ્કૃતિક વારસો ટકાવવામાં પણ ફાળો આપી રહ્યા છો.

નોંધઃ તસવીરો પ્રતીકાત્મક છે. 

8 comments:

  1. વિશાલ ભાઇ, બાળકોનાં ઊછેરમાં વાર્તાઓ ખુબ જ અસરકાર નીવડી શકે. મારા દાદા અને માતાજી પાસે ઘણી વાતો સાંભળી હતી તે મારાં બાળકૉ ને સંભળાવીને મોટા કર્યા છે. ન્હાના હતાં ત્યારે બાળવાર્તાઓ બકોર પટેલ, મિયાં ફૂસકી, વગેરે સંભળાવી, પછી જેમ મોટા થતા ગયા તેમ વાર્તાઓનો પ્રકાર બદલતા જઈને આજે પણ યુવાન બાળકો કોઈ પ્રેણાત્મક વાત કે સમાચર હોય તો સાંભ્ળીને અમારે ચર્ચા-વિચારણા થાય છે.આજે મારા બાળકો મારા શ્રેષ્ઠ મિત્રો છે. નો જનરેશન ગેપ.

    ReplyDelete
    Replies
    1. :) ગુડ. જનરેશન ગેપ પણ ઘટી શકે, બાળકો સાથે આ રીતે સંવાદ સાધવાથી.

      Delete
  2. બે'ક વાત....
    મીઠી ભુખનો સ્વાનુભવ...
    ૧૯૬૩ - ગીરનારની મુલાકાત. અંબાજીની ટૂક તો સર કરી લીધી હતી પણ અમે થોડાક જુવાનિયાઓએ ( એ વખતે જુવાન હતો હોં ! ) આગળ બીજી એક ટૂક સર કરવાનું નક્કી કર્યું. મીરાં દાતાર પહોંચી ગયા. એની પણ આગળ એક ટૂક હતી - મોટે ભાગે 'મચ્ચિંદરનાથની ટૂક'ત્યાંય પહોંચી ગયા.
    પણ પેટમાં તો લ્હ્યાય બળે અને બપોરના બે વાગી ગયા હતા. શું કરવું ? ત્યાં એક માટીની મઢૂલિ દેખાઈ. ત્યાં કોઈ બાબા એમના ચેલા જોડે રહેતા હતા. સંકોચથી એમની સાથે વાત કરી. તરત તાજા, ગરમા ગરમ રોટલા ડુંગળી અને મરચાં સાથે અમને બનાવી જમાડ્યા. એ જમણ જેવી મીઠાશ કદી વેડમી ને કઢીનું મનભાવતું જમણ જમતાં પણ આવી નથી.
    પછી ખીસ્સામાં હાથ નાંખ્યો તો ત્રણ જણ વચ્ચે માંડ એક રૂપિયો હતો. મોં વકાસી અમે અમારી લાચારી વ્યક્ત કરી અને બાબા બોલ્યા , ' હમકો કોઈ ધંધા નહીં કરના હૈ ।ચેત મછિંદર ગોરખ આયા...'
    આજે ૫૪ વર્ષ પછી એ સુભગ યાદ તાજી થઈ ગઈ.
    ------------
    બીજી વાત...
    બાળકોને વાર્તા કહેવી - એ સલાહ સારી તો છે, પણ કેટલાંને બાળવાતો યાદ હશે? એમને માટે એક સેવા અહીં પીરસી છે -
    બાળવાર્તાઓ
    http://evidyalay.net/kid_stories

    નેટ પરથી ભેગું જ કર્યું છે, પણ એક જગ્યાએ મળી જાય.
    અને ઠીક ઠીક વિડિયો પણ ( થેન્ક્સ ટુ હીરલ શાહ - ઈ-વિદ્યાલયની માલકણ !
    http://evidyalay.net/gujarati

    ReplyDelete
    Replies
    1. સરસ. મને પણ આવા અનેક અનુભવો થયા છે. સેવા પીરસવા માટે પણ આભાર.

      Delete
  3. કેટલો અદભુત લેખ...!! હું ફેસબુકના વારતાકળા લેખન માટેના ગ્રુપ " વારતા રે વારતા" માં શેર કરું છું...

    ReplyDelete
  4. Wah.. fascinating details.. lucidly put..

    ReplyDelete