ભારતની પહેલી ફિલ્મ
કઈ હતી અને એ કોણે બનાવી હતી? જનરલ નોલેજ
તરીકે પૂછાતા આ પ્રશ્નોના જવાબ આપણને નાનપણથી ગોખાઈ ગયા છે કે, ભારતની પહેલી ફિલ્મ 'રાજા હરિશ્ચંદ્ર' હતી, જે ધુંડીરાજ ગોવિંદ ફાળકેએ બનાવી હતી. ભારતીય
સિનેમાના જનક ગણાતા એ ફિલ્મમેકરને આજે આપણે દાદાસાહેબ ફાળકે તરીકે ઓળખીએ છીએ. ફાળકે
સાહેબે ત્રીજી મે, ૧૯૧૩ના રોજ દક્ષિણ મુંબઈના ગિરગાંવમાં
આવેલા વિખ્યાત કોરોનેશન એન્ડ વેરાયટી હૉલમાં ચાળીસ મિનિટ લાંબી એ મૂંગી ફિલ્મ રજૂ
કરી હતી. આજના ધારાધોરણો પ્રમાણે 'રાજા હરિશ્ચંદ્ર' શોર્ટ ફિલ્મ ગણાય, પરંતુ ઐતિહાસિક મહત્ત્વને
ધ્યાનમાં રાખીને તેને ભારતની પહેલી ફૂલ લેન્થ ફિચર ફિલ્મનું બહુમાન મળ્યું છે. આ
તો જાણીતી વાત થઈ પણ તમને જાણીને નવાઈ લાગશે કે, ફાળકે
સાહેબે પહેલી ફિલ્મ રજૂ કર્યાના વર્ષો પહેલાં એક બંગાળી યુવકે ૧૮૯૭થી ૧૯૧૩ વચ્ચે
એક-બે નહીં પણ કુલ ૩૦ ફિલ્મ બનાવી હતી.
***
એ ફિલ્મ મેકર એટલે
હીરાલાલ સેન.
ભારતીય અને વિદેશી
ફિલ્મ ઈતિહાસકારો પણ સ્વીકારે છે કે, ભારતના
પહેલાં ફિલ્મ મેકર તરીકેનું બહુમાન હીરાલાલ સેનને જ મળવું જોઈએ. જોકે, હીરાલાલે જે કંઈ સર્જન કર્યું તેને ફિલ્મોના ખાનામાં મૂકી શકાય કે નહીં એ
ચર્ચાનો વિષય છે કારણ કે, તેમની મોટા ભાગની ફિલ્મો માંડ અમુક
સેકન્ડો કે મિનિટની હતી. ઐતિહાસિક નોંધોમાં માહિતી મળે છે કે, દાદાસાહેબ ફાળકેની
ફિલ્મ રિલીઝ થયાના વર્ષો પહેલાં, ૧૯૦૩માં,
હીરાલાલ સેને 'અલીબાબા એન્ડ ફોર્ટી થિવ્સ'
નામની બે કલાક લાંબી ફૂલ લેન્થ ફિચર ફિલ્મ બનાવી હતી. એમ તો દાદાસાહેબ
ફાળકેએ ભારતમાં પહેલી ફિલ્મ રિલીઝ કરી તેના ૧૭ વર્ષ પહેલાં, સાતમી
જુલાઈ ૧૮૯૬ના રોજ, બોમ્બેની વૉટ્સન હોટેલમાં ઓગસ્ટ અને લુઈ
લુમિયરે રજૂ કરેલી કુલ છ ફિલ્મ માંડ એક-એક મિનિટની જ હતી. આમ છતાં, ભારતમાં રજૂ કરાયેલી પહેલી ફિલ્મોની વાત આવે ત્યારે ફ્રાંસના લુમિયર
બંધુઓને જ યાદ કરાય છે ને?
લુમિયર બંધુઓ, હીરાલાલ સેન યુવાનીમાં અને નીચેની તસવીરમાં (ડાબેથી પહેલા) ટેન્ટમાં બેસીને ફિલ્મ જોતા વૃદ્ધ હીરાલાલ સેન |
લુમિયર બંધુઓ પાસે તો
ફિલ્મ દર્શાવવા ટેક્નોલોજિકલ સપોર્ટ હતો અને બજેટનો પણ કોઈ પ્રશ્ન ન હતો,
જ્યારે હીરાલાલ સેને ૧૮૯૭માં ટાંચા સાધનો અને મર્યાદિત બજેટમાં
પહેલી ફિલ્મ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. એટલે કે, લુમિયર
બંધુઓએ ભારતમાં પહેલી ફિલ્મ રજૂ કરી તેના એક જ વર્ષ પછી હીરાલાલે ફિલ્મ બનાવવાના
ક્રાંતિકારી પ્રયોગ કર્યા હતા. આ સિવાય પણ તેમના નામે અનેક સિદ્ધિઓ બોલે છે.
ક્યારેક તો હીરાલાલે ફક્ત ડોક્યુમેન્ટરી બનાવવાના હેતુથી ઐતિહાસિક ઘટનાઓના શોટ્સ
લીધા હતા. ૧૯૦૧માં તેમણે બંગાળના વિખ્યાત ક્લાસિક થિયેટરના અનેક નાટકોના મહત્ત્વના
દૃશ્યોનું શૂટિંગ કરી લીધું હતું. ૧૯૦૩માં
ઇંગ્લેન્ડના રાજા જ્યોર્જ પાંચમાનો દિલ્હીમાં ભવ્ય રાજ્યાભિષેક થયો, એ ઘટનાના પણ હીરાલાલે 'કોરોનેશન સેરેમની એન્ડ દરબાર'
નામની ડોક્યુમેન્ટરી માટે શોટ્સ લીધા હતા.
૧૯૦૪માં લોર્ડ કર્ઝને
બંગાળના ભાગલા કરવાનો નિર્ણય કર્યો તેના વિરોધમાં હજારો લોકોએ રેલી કાઢી હતી.
અંગ્રેજોના આ નિર્ણય સામે બંગાળીઓનો ગુસ્સો દર્શાવવા હીરાલાલે બહુમાળી ઈમારત પર
કેમેરા ગોઠવીને જંગી રેલીના દૃશ્યોનું શૂટિંગ કર્યું હતું. આ દરમિયાન
બંગાળના ક્રાંતિકારી નેતા સુરેન્દ્રનાથ બેનરજીએ રેલીને સંબોધન કર્યું હતું. એ
પ્રસંગની પણ હીરાલાલે વીડિયોગ્રાફી કરી હતી. આ નાનકડી ફિલ્મને ઈતિહાસકારો ભારતની
પહેલી રાજકીય ડોક્યુમેન્ટરી ગણે છે. ૧૯૦૬માં બાળ ગંગાધર ટિળકે જાહેરમાં ગંગાસ્નાન
કર્યું, એ દૃશ્યોનું શૂટિંગ કરીને પણ
હીરાલાલે 'તિલક બાથિંગ એટ ધ ગંજીસ' નામે
ડોક્યુમેન્ટરી બનાવી હતી. ૧૯૧૩માં તેમણે કુંભ મેળાના દૃશ્યોનું શૂટિંગ કરીને 'હિંદુ બાથિંગ ફેસ્ટિવલ એટ અલ્લાહાબાદ' નામની
ડોક્યુમેન્ટરી બનાવી હતી.
***
હીરાલાલ સેન જમાનાથી
કેટલા આગળ હતા એની વધુ એક સાબિતી તેમણે જાહેરખબર ક્ષેત્રે કરેલા પ્રયોગો પરથી મળે
છે. તમે ‘જબકુસુમ’ હેર ઓઈલનું નામ સાંભળ્યુ હશે! હીરાલાલે
૧૯૦૫માં આ હેર ઓઈલની એડવર્ટાઈઝ બનાવવા હુગલી નદીના કિનારે એક ભવ્ય બંગલૉમાં સેટ
ડિઝાઈન કરાવ્યો હતો. એ જમાનામાં કોઈ પ્રોડક્ટની જાહેરખબર માટે ડિરેક્ટર સેટ ડિઝાઈન
કરાવે એ પ્રયોગ જ નવતર હતો. એ જ વર્ષે તેમણે એડવર્ડ્'સ એન્ટિ મેલેરિયા ડ્રગની જાહેરખબર પણ બનાવી હતી. આટલા વર્ષો પહેલાં તેમણે
દવા વેચવા અઠંગ એડગુરુ જેવી કમાલ કરી બતાવી હતી. આમ, દેશની
પહેલી ફિલ્મ અને રાજકીય
ડોક્યુમેન્ટરી જ નહીં, પહેલી એડવર્ટાઈઝમેન્ટ
બનાવવાનો શ્રેય પણ હીરાલાલને જ જાય છે.
હીરાલાલ સેને ઉપયોગમાં લીધેલા કેમેરા, જે ફિલ્મ ઈતિહાસકાર અંજન બોઝના પરદાદા અને વિખ્યાત ફિલ્મ ડિસ્ટ્રિબ્યુશન કંપની અરોરા ફિલ્મ્સના સ્થાપક અનાદિનાથ બોઝે ખરીદી લીધા હતા. |
ભારતીય સિનેમાના
ઈતિહાસમાં હીરાલાલ સેનનું પ્રકરણ સુવર્ણ અક્ષરોમાં લખાવું જોઈએ,
પરંતુ આજે સિનેમાના વિદ્યાર્થીઓ અને ઈતિહાસકારો સિવાય ભાગ્યે જ
કોઈને તેમના વિશે પૂરતી જાણકારી છે. કોલકાતા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ૨૦૧૨થી
તંબૂઓ ઊભા કરીને મૂંગી ફિલ્મો દર્શાવાય છે. ફિલ્મ રસિયા વીસમી સદીના માહોલનો અનુભવ
કરી શકે માટે આ રીતે ફિલ્મો રજૂ કરાય છે. કોલકાતા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલે આ
પ્લેટફોર્મને 'હીરાલાલ સેન મંચ' નામ
આપ્યું છે. આ મહાન ફિલ્મ સર્જકને મળેલી સૌથી મોટી ઓળખ એટલે આ મંચ. આ સિવાય તેમના
નામે કોઈ નાનો-મોટો એવોર્ડ કે પ્રમાણપત્ર સુદ્ધાં અપાતું નથી. આ વર્ષે દસમીથી ૧૭મી
નવેમ્બર દરમિયાન યોજાયેલા ૨૪મા કોલકાતા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં હીરાલાલ
સેનની બાયોપિક 'હીરાલાલ' પણ પ્રદર્શિત
થઈ. અરુણ રોયે બનાવેલી આ ફિલ્મ બંગાળીમાં
છે, પરંતુ આ ફિલ્મના કારણે હીરાલાલ સેને ભારતીય સિનેમાને
કરેલું પ્રદાન ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યું છે.
***
હીરાલાલનો સિનેમા
સાથેનો નાતો ખૂબ રસપ્રદ રીતે શરૂ થયો હતો. હીરાલાલનો જન્મ બીજી ઓગસ્ટ,
૧૮૬૬ના રોજ બંગાળના માણિકગંજ (હાલ બાંગ્લાદેશમાં) જિલ્લાના બાગજુરી
ગામના જમીનદાર પરિવારમાં થયો હતો. તેમના જમીનદાર પિતા ચંદ્રમોહન સેન સફળ એડવોકેટ હતા.
હીરાલાલને નાનપણથી જ પેઈન્ટિંગ અને સ્ટિલ ફોટોગ્રાફીમાં ભારે રસ હતો. જોકે,
ફક્ત શ્રીમંતો અને અંગ્રેજો જ આવા મોંઘેરા શોખ રાખી શકતા હતા, અને, હીરાલાલ એ નસીબદારો
પૈકીના એક હતા. ઈસ. ૧૮૮૭માં હીરાલાલે ભારતની
સૌથી મોટી બુર્ન એન્ડ શેફર્ડ ફોટોગ્રાફી સ્પર્ધામાં ભાગ લઈને પ્રથમ મેડલ જીત્યો
હતો. એ વખતે સ્ટિલ ફોટોગ્રાફીના સાધનોના સૌથી મોટા ડીલર તરીકે બુર્ન એન્ડ શેફર્ડ
નામના ધરાવતી કંપની હતી.
કોલેજનો અભ્યાસ પૂરો
કર્યો ત્યાં સુધી હીરાલાલ સ્ટિલ ફોટોગ્રાફીની સ્પર્ધાઓમાં કૌવત બતાવી ચૂક્યા હતા.
આ દરમિયાન પ્રો. સ્ટિવન્સન નામના એક અંગ્રેજે કોલકાતાના સ્ટાર થિયેટરમાં 'ધ ફ્લાવર ઓફ પર્શિયા' નામની ફિલ્મનો શૉ યોજ્યો. એ
શૉમાં હીરાલાલે પહેલીવાર ફિલ્મ જોઈ, અને, ફક્ત સ્ટિલ ફોટોગ્રાફી જાણતા હીરાલાલ 'મોશન પિક્ચર્સ'
જોઈને જ ચોંકી ગયા. એ પછી તેમણે પણ અંગ્રેજી જર્નલોનો અભ્યાસ શરૂ
કરીને પોતાનું 'ચલચિત્ર' બનાવવાનો
પડકાર ઝીલી લીધો. એકસમાન શોખ ધરાવતા પ્રો. સ્ટિવન્સન અને હીરાલાલની દોસ્તી પણ જામી
ગઈ. હીરાલાલે પ્રો. સ્ટિવન્સનના કેમેરા પર હાથ અજમાવવાનું શરૂ કર્યું અને તેમની
ફિલ્મ 'ધ ફ્લાવર ઓફ પર્શિયા'માંથી થોડા
દૃશ્યો લેવાની મંજૂરી પણ મેળવી લીધી.
કોલકાતાનું ઐતિહાસિક સ્ટાર થિયેટર, જ્યાં પ્રો. સ્ટિવન્સને યોજેયા શૉમાં હીરાલાલ સેને પહેલીવાર ‘મોશન પિક્ચર’ જોયું હતું |
એ વર્ષ હતું,
૧૮૯૮. એ વર્ષે હીરાલાલે પ્રો. સ્ટિવન્સનની ફિલ્મમાંથી થોડા દૃશ્યો
લઈને પોતાની પહેલી ફિલ્મ રજૂ કરી, 'ડાન્સિંગ સીન્સ ફ્રોમ ધ
ફ્લાવર ઓફ પર્શિયા'. આઈએમડીબીએ પણ હીરાલાલની પહેલી ફિલ્મ
તરીકે આ જ ફિલ્મની નોંધ કરી છે. એ પછી હીરાલાલે લંડનની વૉરવિક ટ્રેડિંગ કંપનીમાંથી
સિનેમેટોગ્રાફ મશીન મંગાવ્યું. એ મશીન ખરીદવા હીરાલાલના પિતાએ એ જમાનામાં પુત્રને
રૂ. પાંચ હજાર આપ્યા હતા. બંગાળમાં કળા અને સાહિત્ય ક્ષેત્રે આવેલી ક્રાંતિથી પ્રભાવિત
એવા ચંદ્રમોહન સેનને પોતાનો પુત્ર સિનેમાની કળામાં રસ લે એમાં વાંધો ન હતો. ત્યાર
પછી હીરાલાલે તેમના ભાઈ મોતીલાલ સેન સાથે રોયલ બાયોસ્કોપ કંપની શરૂ કરી. એ વળી
ભારતની પહેલી ફિલ્મ કંપની ગણાય છે. આ કંપનીના બેનર હેઠળ તેઓ અમુક સેકન્ડની ફિલ્મો
બનાવતા તેમજ યુરોપથી ફિલ્મો આયાત કરીને શ્રીમંતોની પાર્ટીઓ-લગ્નોમાં શૉ કરીને
કમાણી કરતા.
***
એ જમાનામાં બંગાળના
ફક્ત બે જ વિસ્તારમાં વીજળી પહોંચતી, હાવરા બ્રિજ
અને મૈદાન. આ વિસ્તારોમાં પણ સતત વીજળી મળતી નહીં, એટલે
હીરાલાલ ચુના અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા કરીને ફિલ્મના પડદામાં ઉજાસ લાવતા. આ
કામમાં તેમને કોલકાતાની સેન્ટ ઝેવિયર્સ કોલેજના ફાધર ઈ. જે. લેફોન્ટે મદદ કરી હતી.
ફાધર લેફોન્ટ વિદ્યાર્થીઓના ક્લાસ લેતી વખતે ફોનોગ્રાફ અને ચુના પર પ્રક્રિયા
કરીને જલાવેલા ફાનસનો ઉપયોગ કરતા. જે જમાનામાં અમુક સેકન્ડોની ફિલ્મ રિલીઝ કરવી
મોટી સિદ્ધિ ગણાતી, એ સમયે હીરાલાલે સિનેમા ક્ષેત્રે ઈનોવેશન
કર્યા હતા. હીરાલાલ ખરા અર્થમાં સર્જક હતા. તેમણે એકાદ-બે ફિલ્મો બનાવીને સંતોષ
માનવાના બદલે રંગભૂમિ અને રાજકીય ઘટનાઓનું શૂટિંગ કરી લીધું હતું એ વાત જ કેટલી
રોમાંચક છે! હીરાલાલે એક જગ્યાએ કેમેરા ફિક્સ કરીને શૂટિંગ કરવાના બદલે ક્લોઝ અપ, પેનિંગ અને ટિલ્ટ જેવી ટેક્નિક્સથી શૂટિંગ કર્યું હતું.
હીરાલાલ સેનની બાયોપિક બનાવનારા (ક્લોકવાઈઝ) અરુણ રોય, મુખ્ય ભૂમિકામાં બંગાળી અભિનેતા કિંજલ નંદા અને ગુજરાતી પારસી ફિલ્મ ઉદ્યોગસાહસિક જમશેદજી ફરામજી માદનની ભૂમિકામાં શાશ્વત ચેટરજી |
જોકે,
હીરાલાલ નાની ઉંમરમાં જ ગળાના કેન્સરનો ભોગ બન્યા હતા. એ પછી
૧૯૧૩માં રોયલ બાયોસ્કોપ કંપનીએ નાદારી નોંધાવી, અને, હીરાલાલે કેમેરા સહિતના બધા જ સાધનો વેચી દીધા. ત્યાર પછી ૨૪મી ઓક્ટોબર,
૧૯૧૭ના રોજ હીરાલાલને સમાચાર મળ્યા કે, પશ્ચિમ
બંગાળના ચિતપુરમાં આવેલા તેમના ભાઈના ગોડાઉનમાં આગ ફાટી નીકળી છે. એ ગોડાઉનમાં
હીરાલાલે બનાવેલી બધી જ ફિલ્મોની પ્રિન્ટ બળીને ખાક થઈ ગઈ હતી. કદાચ આ જ કારણસર
તેઓ ઈતિહાસમાં ગૂમનામ થઈ ગયા. આ ઘટનાના થોડા સમય પછી તેમનું પણ મૃત્યુ થઈ ગયું.
આશા રાખીએ કે,
હીરાલાલની બાયોપિક હિન્દી સહિતની બીજી ભાષાઓમાં પણ રિલીઝ થાય અને આ
મહાન ફિલ્મ સર્જકે ભારતીય સિનેમા માટે કરેલા પ્રદાનની જાણકારી વધુને વધુ લોકો સુધી
પહોંચે!
નોંધઃ
- હીરાલાલની ફિલ્મો બળી ગઈ એ માટે અરુણ રોયે ‘હીરાલાલ’માં જમશેદજી ફરામજી માદન જવાબદાર હોવાનો સંકેત આપ્યો છે. આ વિશેના કોઈ સત્તાવાર પુરાવા નથી, પરંતુ ઐતિહાસિક તવારીખના આધારે ફક્ત શંકાના આધારે તેમણે ફિલ્મમાં જમશેદજીને વિલન બતાવ્યા છે.
- પશ્ચિમ બંગાળની વિખ્યાત ફૂટબોલ ક્લબ મોહન બાગાને ૧૯૧૧માં પહેલીવાર અંગ્રેજોની ઈસ્ટ યોર્કશાયર ફૂટબોલ ટીમને હરાવી હતી. એ મેચથી ફૂટબોલની રમતમાં અંગ્રેજોની જીતની અતૂટ પરંપરા તૂટી હતી. આ ઘટનાને કેન્દ્રમાં રાખીને પણ અરુણ રોયે ‘ઈગારો’ (એટલે અગિયાર) નામની બંગાળી ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મ યૂ-ટ્યૂબ પર જોઈ શકાય છે.
અજબ ગજબનું લઈ આવો છો.
ReplyDeletereally great investigating article
ReplyDelete@Suresh Jain @mhthaker Thanks :)
ReplyDeletegood one!
ReplyDeleteસાચા હીરો હીરાલાલ જેવા અનેકોની સિધ્ધી શોધી પ્રગટ કરવા બદલ ધન્યવાદ
ReplyDelete