21 March, 2018

ભારત વર્લ્ડ ક્લાસ ટેક કંપની કેમ ઊભી ના કરી શકે?


ઈન્ડિયન કલ્ચરમાં સફળતાનો માપદંડ એકેડેમિક એક્સલન્સ પર આધારિત છે. અહીં સફળતા એટલે ભણો, શીખો, પ્રેક્ટિસ કરો અને સારી જોબ લઈને સારું જીવન જીવો. અહીં પણ ઘણું ખરું સિંગાપોર જેવું જ છે. ભણો અને ભણો, સખત કામ કરો, એમબીએ કરો, તમારી પાસે મર્સીડિઝ હોવી જોઈએ, પણ ક્રિએટિવિટી ક્યાં છે? તમારું વર્તન પ્રેડિક્ટેબલ થઇ જાય ત્યારે ક્રિએટિવિટી ખતમ થઇ જાય છે. અહીં બધા જ સરખા છે...

એપલના કો-ફાઉન્ડર સ્ટિવ વોઝનિયાક ગયા મહિને નવી દિલ્હીમાં યોજાયેલી ગ્લોબલ બિઝનેસ સમિટમાં ભાગ લેવા આવ્યા ત્યારે તેમણે આ વાત કરી હતી. કેટલાકે વોઝનિયાકના નિવેદનને વખોડયું, તો કેટલાકે ઓવર સિમ્પ્લિફિકેશન કરીને કોરસ ગાન શરૂ કર્યું કે, વોઝનિયાક ઈઝ રાઈટ. અહીં કોઇ રિસ્ક લેતું નથી, કોઈ એક્સપિરિમેન્ટ્સ કરતું નથી અને એ દિશામાં ખાસ કોઇ ડેવલપમેન્ટ પણ નથી... વગેરે વગેરે. વોઝનિયાકે મીડિયા સાથેની વાતચીતમાં ટેક્નોલોજી કંપનીઓના સંદર્ભમાં આ મુદ્દો ઉપાડયો હતો. એ પણ ખૂબ સાહજિકતાથી અને બિલકુલ કડવાશ વિના. તેમણે કહ્યું પણ ખરું કે, હું કંઈ પુરાતત્ત્વવિદ નથી. હું ભારતીય સંસ્કૃતિને સારી રીતે જાણતો નથી, પરંતુ ભારતીય ટેક કંપનીઓ કંઇ કાઠું કાઢી રહી હોય એવું મને દેખાતું નથી. અહીં મોટી કંપની કઇ છે, કદાચ ઇન્ફોસીસ? પરંતુ ઇન્ફોસીસમાં કશું ક્રાંતિકારી કામ નથી રહ્યું અને આ વાત હું પહેલાં પણ ત્રણ વાર કરી ચૂક્યો છું...

આ મુદ્દે વોઝનિયાકની ઝાટકણી કાઢીને આખા મુદ્દાનું ઓવર સિમ્પ્લિફિકેશન નથી કરવું. આપણને ખરેખર એવો સવાલ થવો જ જોઈએ કે, ભારતમાં ટેક્નોલોજી કંપનીઓ કેમ સફળ નથી થતી? માનવ જીવનને બદલી નાંખે એવી ટેક્નોલોજી લાવવામાં ભારત કેમ સરેઆમ નિષ્ફળ છે? અહીં આપણે આ સવાલોના જવાબ શોધવાનો પ્રયાસ કરીશું. લેટ્સ સ્ટાર્ટ.  

એપલ શરૂ કરી ત્યારે સ્ટિવ વોઝનિયાક અને સ્ટિવ જોબ્સ 

ભારતની ઈન્ફોસીસ અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ પ્રા. લિ. જેવી મહાકાય આઈટી કંપનીઓનું ટેક્નોલોજીમાં પ્રદાન નહીંવત છે. વાત સાચી. છેલ્લાં કેટલાક સમયમાં આઈટી કંપનીઓના રિસર્ચ અને ઈનોવેશનના કારણે માણસના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તનો આવ્યા છે, પરંતુ ૨૦૧૭ના ફોર્ચ્યુન ૫૦૦ કંપનીની યાદીમાં ફક્ત સાત ભારતીય કંપની છે અને એમાંની ત્રણ પ્રાઈવેટ છે: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ટાટા મોટર્સ અને રાજેશ એક્સપોર્ટ્સ. આ ત્રણમાંથી એકેયે ટેક્નોલોજી કંપની નથી. અહીં ટેક કંપનીનો અર્થ સમજવા જેવો છે. આ પ્રકારની કંપનીઓ માનવજીવનમાં ધરખમ ફેરફારો કરવા કોઇ ક્રાંતિકારી સંશોધન કરે છે, ઇનોવેશનને પ્રોત્સાહન આપે છે અને એ માટે વધુને વધુ પૈસા ખર્ચે છે.

આવી કંપનીની વાત થાય એટલે સૌથી પહેલાં મગજમાં લેરી પેજ અને સર્ગેઇ બ્રિનની ગૂગલ કે બિલ ગેટ્સની માઇક્રોસોફ્ટનું નામ દિમાગમાં આવે. ઇલોન મસ્કની ટેસ્લા પણ એવી જ કંપની છે. ઈન્ટરનેટની મદદથી આખું વિશ્વ માઉસની ક્લિક પર આપી દીધા પછી ગૂગલ ડ્રાઇવરલેસ કારથી લઇને એવા સંખ્યાબંધ પ્રોજેકટ્સ પર કામ કરે છે, જે માણસનું જીવન બદલી નાંખશે. માઇક્રોસોફ્ટ વર્ચ્યુઅલ રિયાલિટી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની દિશામાં કામ કરી રહી છે. ટેસ્લા આખી દુનિયાનું ટ્રાન્સપોર્ટેશન સરળ બનાવવા તનતોડ મહેનત કરી રહી છે. ડેલ કમ્પ્યુટર્સ કે એપલે કન્ઝ્યુમર ડિઝાઇનિંગના ક્ષેત્રમાં ક્રાંતિકારી પરિવર્તન કર્યું છે. એપલ પાસે તો ૯,૮૦૦ ડિઝાઇનિંગ પેટન્ટ છે. દુનિયાની ૪૧ ટકા પેટન્ટ તો એકલા અમેરિકા પાસે છે, ૨૮ ટકા સાથે જાપાન બીજા નંબર છે અને ત્રીજા નંબરે ૧૫ ટકા સાથે નાનકડું દક્ષિણ કોરિયા છે.

તો ભારતીય કંપનીઓ ક્યાં કાચી પડે છે? આ મુદ્દો સમજવા આપણે સિમ્પ્યુટરનું ઉદાહરણથી લઇએ. ભારતીય વિજ્ઞાની ડૉ. સ્વામી મનોહરની આગેવાનીમાં સાત વિજ્ઞાનીએ પર્સનલ કમ્પ્યુટરનો વિકલ્પ બની શકે એવું હેન્ડી કમ્પ્યુટર વિકસાવ્યું, જેનું નામ હતું સિમ્પ્યુટર. સિમ્પ્યુટર વિકસાવવા નવેમ્બર ૧૯૯૯માં સિમ્પ્યુટર ટ્રસ્ટ પણ બનાવાયું હતું. આ ટ્રસ્ટનો હેતુ જ સસ્તું કમ્પ્યુટર વિકસાવીને ભારતમાં ક્રાંતિકારી પરિવર્તન લાવવાનો હતો. બજારમાં આવતા જ ૫૦ હજાર સિમ્પ્યુટર વેચાઇ ગયા. કર્ણાટકે જમીનોના રેકોર્ડ તૈયાર કરવા, નાની લોનોનું દસ્તાવેજીકરણ કરવા અને છત્તીસગઢે ઇ-એજ્યુકેશન માટે સિમ્પ્યુરનો ઉપયોગ કર્યો. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ ઓટોમોબાઇલ એન્જિનની ખામીઓ શોધવા અને ગોવાએ ખાણકામમાં ટ્રેકિંગ કરવા સિમ્પ્યુટરનો ઉપયોગ શરૂ કર્યો. અનેક રાજ્યોએ ટ્રાફિક ગુનો કરતા લોકોને શોધવા અને મેમો ફાડવા ટ્રાફિક પોલીસને સિમ્પ્યુટર આપ્યા. યુકે અને ઘાના વચ્ચે ઇલેક્ટ્રોનિક મની ટ્રાન્સફરમાં પણ સિમ્પ્યુટરનો ઉપયોગ શરૂ થયો.

સ્ટિવ વોઝનિયાક ભારત આવ્યા ત્યારે

ટૂંકમાં, મની ટ્રાન્સફરથી લઈને દસ્તાવેજીકરણ અને વેધર, ખેડૂતોને મદદ કરવા કોમોડિટી પ્રાઈઝિંગ જેવા ક્ષેત્રમાં સિમ્પ્યુટરે ધમાકો મચાવી દીધો. આ સ્ટાઇલિશ ફૂલ્લી ટચસ્ક્રીન ગેજેટને 'ન્યૂયોર્ક ટાઇમ્સ'એ ૨૦૦૧નું 'કમ્પ્યુટર ટેક્નોલોજીની દુનિયાનું સૌથી મહત્ત્વનું ઇનોવેશન' ગણાવ્યું હતું. જોકે, શરૂઆતમાં મળતી અણધારી સફળતાથી જીવનભર સફળતા નથી મળ્યા કરતી. સિમ્પ્યુટરના સર્જકો પણ હોશિયાર જ હતા, તેમનો હેતુ સારો હતો પણ ૨૦૦૬માં સિમ્પ્યુટરનું ઉત્પાદન બંધ કરવું પડયું. કેમ ખબર છે? કારણ કે, તેમની પાસે ઉત્તમ ગુણવત્તા ધરાવતું હાર્ડવેર ઉત્પાદન કરવા મૂડી જ નહોતી. ભારતીયો ધર્મના નામે અબજોનું દાન કરે છે પણ રિસર્ચ-ઇનોવેશન માટે આપણા વિજ્ઞાનીઓ પાસે મૂડીનો સતત અભાવ હોય છે. સોશિયલ રિસ્પોન્સિબિલિટીના ખ્યાલ ધરાવતા સ્ટાર્ટ અપને વેન્ચર કેપિટલિસ્ટ મળતા નથી. ભલે પછી તે ગમે તેવા સોશિયો-ઇકોનોમિક પરિવર્તનો કરવા સક્ષમ હોય. આપણને ફક્ત ઇશ્વરમાં શ્રદ્ધા છે પણ જીવતા જાગતા માણસોમાં નહીં.

આ સ્થિતિમાં ઇનોવેશન કરીને માર્કેટમાં કેવી રીતે ટકી શકાય? ભારતની પણ એકેય કંપનીએ સિમ્પ્યુટરને બચાવવાનો પ્રયાસ ના કર્યા. આપણી કંપનીઓની 'કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી'ના ખયાલાત ગ્લોસી પેજમાં તૈયાર કરેલા એન્યુઅલ રિપોર્ટની રંગીન તસવીરોમાં કેદ છે. સિમ્પ્યુટર પ્રોજેક્ટની નિષ્ફળતા હજુયે પ્રસ્તુત છે. એક કંપનીને માર્કેટમાં ટકી રહેવા મૂડી જોઈએ અને સ્કિલ્ડ વર્કર્સનો ફોર્સ જોઇએ. જો એવું હોય તો જ પ્રોડક્ટમાં ક્રાંતિકારી સુધારા થઈ શકે. ભારતીય કંપનીઓના કર્તાહર્તાઓ આ સ્થિતિમાં ઘી હોમવાનું કામ કરે છે. તેઓ પશ્ચિમી દેશોના કોર્પોરેટ્સ કરતા પણ વધુ મની માઈન્ડેડ છે. આ લોકો સ્માર્ટ બિઝનેસના નામે રિસર્ચ કરતા નથી અને કરવા દેતા નથી. તેમને ઝડપી અને વધુ રિટર્ન જોઇએ છે. રિસર્ચ માટે કરાતો ફિઝુલ ખર્ચ તો કંપનીની બેલેન્સ શીટ બગાડવા બરાબર છે. ભારતીય કંપનીની જેમ, એક સરેરાશ ભારતીય પણ આવી જ માનસિકતા ધરાવે છે. આ લોકો પર શેરબજાર હાવી છે.

ભારતમાં ટેક કંપનીઓનો વિકાસ નહીં થવા માટે બીજું પણ એક મહત્ત્વનું કારણ છે. ભારતની આઝાદીને ફક્ત ૭૦ વર્ષ થયા છે અને આટલા વર્ષોમાં આપણી પાસે ખાસ કોઈ મૂડી ઊભી થઈ નથી. ઊલટાનું,  અંગ્રેજોએ ભારતના અર્થતંત્રને જબરદસ્ત ફટકા માર્યા પછી આપણને આઝાદી આપી હતી, જ્યારે પશ્ચિમના વિકસિત દેશો દાયકાઓથી જંગી મૂડી ઊભી કરી રહ્યા છે. ભારતની તો વસતી પણ સતત વધી રહી છે, જે બહુ જ મોટા મધ્યમ અને ગરીબ વર્ગને જન્મ આપી રહી છે. વસતીની સાથે મોંઘવારી પણ વધી રહી છે અને એટલે જ આપણા દેશમાં પૈસો સામાન્ય માણસને સુરક્ષાની ભાવના આપે છે. આપણું માળખું કુટુંબલક્ષી છે. ભારતનું સામાજિક માળખું પણ યુવાનોને ફક્ત 'સેટલ' થવાનું પ્રોત્સાહન આપે છે. વળી, સંતાનોને સારું ભણાવીને સેટલ કરવાની જવાબદારી માતા-પિતાની છે અને સંતાનો પાસે અપેક્ષા રખાય છે કે, તેઓ ઘડપણમાં મા-બાપની સારસંભાળ રાખે.

સ્વામી મનોહર સિમ્પ્યુટર સાથે 

એવી જ રીતે, પશ્ચિમના વિકસિત દેશોમાં નાગરિકોની મૂળભૂત ‘જવાબદારી’ સરકારો લે છે. તેઓ માટે 'પૈસો એ જ પરમેશ્વર' ના હોય એ સમજી શકાય છે. પૈસો સુખ નથી ખરીદી શકતો એ કિતાબી વાતો છે. વ્યાસપીઠ પર બેસીને આ પ્રકારના ઉપદેશો આપવા સહેલા છે, પરંતુ એક સામાન્ય માણસો આ બધી વાતો એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાંખે છે. ચપોચપ વેચાતા પુસ્તકો પર નજર કરી જોજો. આજના યુવાનોને ઝડપથી સફળ થવાની અને કરોડપતિ થવાની ટીપ્સ વધારે આકર્ષે છે.

આપણી યુનિવર્સિટીઓ પણ એ જડ સામાજિક માળખું તોડવામાં મદદ કરવાના બદલે રિસર્ચ, પ્રેક્ટિકલને નહીં પણ જોબ પ્લેસમેન્ટને મહત્ત્વ આપે છે. સ્કૂલોમાં ગૂગલ પર સર્ચ કરતા શીખી ગયા પણ 'ઇન્ફોર્મેશન પોલ્યુશન'ના જમાનામાં હીરા અને કાંકરા જુદા કરવાની દિશા યુનિવર્સિટીઓએ બતાવવાની હોય. જો કોઈ એન્જિનિયરો કંઈક નવું કરવા માંગતા હોય તો ભારતમાં તેમને યોગ્ય વાતાવરણ જ નથી મળતું, જેથી તેઓ વિદેશી કંપનીઓમાં કામ કરવા જતા રહે છે. જેમ કેગૂગલમાં સુંદર પિચાઇ. જો એ દુ:ખી થવા જેવી બાબત નથી તો ખુશ થવા જેવી બાબત પણ નથી જ. 'ટાઈમ્સ હાયર એજ્યુકેશન'ના યુનિવર્સિટી રેન્કિંગ રિપોર્ટ પ્રમાણે, ટોપ ૨૦૦ યુનિવર્સિટીમાં ભારતની એક પણ નથી. ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ સાયન્સ-બેંગલુરુ જેવી ઈન્સ્ટિટટયુટનો નંબર પણ ૨૫૦થી ૩૦૦ની વચ્ચે આવે છે. આપણે બધી બાબતમાં ચીન સાથે સરખામણી કરીએ છીએ પણ ચીનની બે યુનિવર્સિટી ટોપ ૩૦૦માં છે અને સાત ટોપ ૨૦૦માં છે.

ભારતનો જીડીપી ૧૯૯૦ સુધી ચીનના જીડીપીના ૮૩ ટકા જેટલો હતો, જ્યારે ૨૦૧૧ સુધીમાં આ આંકડો ૪૩ ટકાએ પહોંચી ગયો હતો. ચીનને આ સફળતા રાતોરાત નથી મળી. ચીન સજ્જડ યુનિવર્સિટી સિસ્ટમ ઊભી કરવામાં સફળ રહ્યું હોય તો જ અલીબાબા, હ્યુઆવેઇ અને ટેન્સેન્ટ હોલ્ડિંગ જેવી કંપનીઓ ઊભી થઈ શકે. આ કારણસર ચીન વૈશ્વિક અર્થતંત્રમાં પણ ઘણી મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. ચીન ભારતની જેમ ફક્ત 'બજાર' નથી પણ દાયકાઓથી મેન્યુફેક્ચરિંગ હબ છે. કદાચ એટલે જ ચીનના સ્કિલ્ડ વર્કર સારી રીતે જાણે છે કે, આજના જમાનાની જરૂરિયાત શું છે. જેમ કે, આઈ ફોનનું ઉત્પાદન પણ ચીનમાં થાય છે. અમેરિકાની વર્લ્ડ ક્લાસ યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા ચાઈનીઝ વિદ્યાર્થીઓની સંખ્યા પણ ભારત કરતા બે ગણી છે. ગ્લોબલ ટેલેન્ટેડ વર્ક ફોર્સમાં ભારત કરતા ચીનની ભાગીદારી વધારે છે. ચીન પાસે ભારત કરતા અનેકગણા વધારે આંત્રપ્રિન્યોર છે, જે નોકરી કરવાનું નહીં નોકરીઓ કેવી રીતે ઊભી કરીએ એ દિશામાં વિચારે છે. ફોર્ચ્યુન ૫૦૦ યાદીમાં ચીનની ૧૧૫ કંપની છે.     

ખેડૂતોથી લઈને ટ્રાફિક પોલીસ પાસે સિમ્પ્યુટર 

આઝાદી પછીના સાત દાયકામાં ભારત તેની 'વૈવિધ્યસભર' મુશ્કેલીઓ સામે લડી લડીને ઘણું આગળ વધ્યું છે. એ માટે આપણા ખૂબ સમય અને પૈસા ખર્ચાયા છે, પરંતુ હવે ફક્ત ને ફક્ત મજબૂત શિક્ષણ પદ્ધતિ પાછળ સંપૂર્ણ શક્તિ ખર્ચવાનો સમય આવી ગયો છે. નવી નવી મુશ્કેલીઓ ઊભી કરીને દેશની મહામૂલી મૂડી વેડફવાનું આપણને પોસાય એમ નથી. આ વાત સમજવા રોકેટ સાયન્ટિસ્ટ નહીં પણ સજ્જ નાગરિક હોઇએ એટલું કાફી છે.

આશા રાખીએ કે, ભારતમાં ઝડપથી આ પરિવર્તનનો પવન ફૂંકાય અને એ જોવા વોઝનિયાક જીવતા હોય!

4 comments:

  1. excellent bro... got to know about SIMPUTER for the first time... very informative, that was!!!

    ReplyDelete
  2. પહેલીવાર જાણવા મળ્યું સીમયૂટર વિશે... હાલની પરિસ્થિતિ જોતા શિક્ષણ ક્ષેત્રે કોઈ સુધારો આવે એવું લાગતું નથી...આશરે 4 વર્ષ પહેલાં સફારીના તંત્રી લેખમાં ચીને સમય પારખી કેવી રીતે પોતાની એજ્યુકેશન સિસ્ટમ બદલી રહી છે તેના પર લેખ આપ્યો હતો...

    ReplyDelete
  3. સાલું અહીં તો શિક્ષણવિદોના વિરોધો વચ્ચે સેમેસ્ટર સિસ્ટમ લાદવા, હટાવવા ને ફીની બબાલોમાંથી ઊંચા નથી આવતા. અધ્યાપકોને સાચા સંશોધક વિદ્યાર્થી કરતાં માનિતી છાત્રાઓના એડમિશન અને થિસીસની ચર્ચાના નામે લાળ ટપકાવતી વાતો કરવામાં રસ હોય છે, નામ પૂરતા રિસર્ચ કરી ગ્રાન્ટ ગુપચાવવામાં રસ હોય છે. જોરદાર આર્ટિકલ..

    ReplyDelete