31 March, 2013

લુપ્ત પ્રજાતિઓને પુનઃજીવિત કરવાનો પ્રયાસ


માણસજાતે આંધળા વિકાસની દોડમાં પૃથ્વી પર એકમાત્ર તેનો જ હક્ક હોય એમ અત્યાર સુધી અનેક સજીવોની કત્લેઆમ કરી છે. પૃથ્વી ગ્રહ પર માલિકી ભોગવતા માણસે ફક્ત મનોરંજન કે પેટ ભરવા પશુ-પક્ષીઓનો બેફામ શિકાર કર્યો છે. બીજી તરફ, દીશાહીન વિકાસના નામે જંગલોનો વિનાશ વેર્યો છે અને તેના કારણે ક્લાઈમેટ ચેન્જ જેવી મુશ્કેલીઓ સર્જાઈ છે. પરિણામ? અનેક પ્રજાતિઓ લુપ્ત થઈ ગઈ છે અને બીજી અનેક સમયાંતરે લુપ્ત થવાની નજીક છે. જોકે, જનીન વિજ્ઞાનીઓ લુપ્ત થઈ ગયેલા જીવોને ‘જુરાસિક પાર્ક’સ્ટાઈલમાં પુનઃજીવિતકરવા સઘન સંશોધનો કરી રહ્યા છે.વિજ્ઞાનીઓને આશા છે કે, નજીકના ભવિષ્યમાં તેઓ પૃથ્વી પરથી લુપ્ત થઈ ગયેલા અનેક જીવોને ફરી એકવાર જન્મ આપશે. જોકે, ફર્ક એટલો જ હશે કે તેમનો જન્મ લેબોરેટરીમાં થશે.

તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટી ઓફ ન્યૂ સાઉથ વેલ્સના પેલેન્ટોલોજિસ્ટ (સજીવો અને વનસ્પતિના અશ્મિઓના નિષ્ણાત) માઈકલ આર્ચરે ટેડ ડી-એક્સ્ટિન્ક્શન ઈવેન્ટમાં લુપ્ત થઈ ગયેલી પ્રજાતિને પુનઃજીવિત કરી શકાય છે એ અંગે મુદ્દાસર રજૂઆતો કરી હતી. ટેડ (ટેક્નોલોજી, એન્ટરટેઈનમેન્ટ, ડિઝાઈન) અને નેશનલ જિયોગ્રાફિક સોસાયટીના સહકારમાં ચાલી રહેલા રિવાઈવ એન્ડ રિસ્ટોર પ્રોજેક્ટની કોન્ફરન્સમાં માઈકલે અમેરિકાના વૉશિંગ્ટન ડીસીમાં આયોજિત કોન્ફરન્સમાં પોતે કેવી રીતે ઓસ્ટ્રેલિયન પ્રજાતિના દેડકાને પુનઃજીવિત કર્યો તે પણ જણાવ્યું હતું. જોકે, તેમનું સંશોધન હજુ સુધી કોઈ સાયન્સ જર્નલમાં છપાયું નથી, પરંતુ ‘ટેડ’ જેવી પ્રતિષ્ઠિત કોન્ફરન્સમાં આ રજૂઆતોથઈ હોવાથી ફરી એકવાર ચર્ચા છેડાઈ છે કે, લુપ્ત થઈ ગયેલી પ્રજાતિઓને પુનઃજીવિત કરી શકાય કે નહીં?

પ્રો. માઈકલ આર્ચર

ગેસ્ટ્રિક બ્રૂડિંગ ફ્રોગ

માઈકલ અને તેમની ટીમે ઓસ્ટ્રેલિયામાં ચાળીસેક વર્ષ પહેલાં લુપ્ત થઈ ગયેલી ગેસ્ટ્રિક બ્રૂડિંગ ફ્રોગ નામની દેડકાની એક પ્રજાતિને પુનઃર્જીવન આપ્યું છે. આ દેડકાની પ્રજાતિ વિશિષ્ટ રીતે પોતાના બચ્ચાંને જન્મ આપતી હતી. આ પ્રજાતિના દેડકા પોતાના જ ઈંડા ગળી જતા હતા. આમ કર્યા પછી તેમનું પેટ ગર્ભમાં ફેરવાઈ જતું અને બચ્ચાં પૃથ્વી પર આવવાને લાયક થઈ જાય ત્યારે દેડકા ઊલટી કરીને બચ્ચાંને જન્મ આપતા. આ કારણથી જ દેડકાની આ પ્રજાતિ ‘ગેસ્ટ્રિક બ્રૂડિંગ ફ્રોગ’ નામે ઓળખાય છે. જોકે, વર્ષ 1970ની આસપાસ આવો એક દેડકો મળતા વિજ્ઞાનીઓએ તેને થીજાવીને સાચવી રાખ્યો હતો.

આ થીજાવેલા દેડકાની પેશીઓમાં રહેલા કોષોને બરફના કણોના કારણે નુકસાન પહોંચ્યું હતું, પરંતુ સદનસીબે કેટલાક કોષો બચી ગયા હતા. આ કોષોની મદદથી માઈકલ આર્ચર અને તેમની ટીમે સજીવન કરવાનો સફળ પ્રયોગ કર્યો હતો. આ માટે વિજ્ઞાનીઓએ કોષના બીજને લુપ્ત થઈ ગયેલા દેડકાની સૌથી નજીકની પ્રજાતિના દેડકાના ઈંડામાં પ્રત્યોરોપિત કર્યા. આ પ્રયોગના જે પરિણામો આવ્યા તે જોઈને માઈકલ સહિતના વિજ્ઞાનીઓ ચોંકી ગયા હતા, અને બાદમાં ‘ટેડ’ કોન્ફરન્સમાં હાજર રહેલા વિજ્ઞાનીઓ પણ. ચમત્કાર જોવાની આશાએ માઈકલ અને તેમની ટીમે એકસાથે હજારો ઈંડા પર આવો પ્રયોગ કર્યો હતો, પરંતુ તેમાંથી ફક્ત એક જ ઈંડામાં ‘જીવન’ સર્જાયું હતું.

ગેસ્ટ્રિક બ્રૂડિંગ ફ્રોગ એ પહેલી પ્રજાતિ છે જેને વિજ્ઞાનીઓ દ્વારા પુનઃજીવન મળ્યું હોય. જોકે, વર્ષ 2003માં પણ કેટલાક વિજ્ઞાનીઓએ એક પ્રજાતિને સજીવન કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. જેમાં વિજ્ઞાનીઓએ સ્પેનમાં જોવા મળતી પહાડી બકરીને એક હાઈબ્રિડ બકરીની મદદથી પુનઃજીવિત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ બકરી યોગ્ય રીતે શ્વાસ લઈ શકતી નહીં હોવાથી ફક્ત દસ મિનિટમાં જ મૃત્યુ પામી હતી. જોકે, આવા પ્રયાસો નિષ્ફળ ગયા હોવા છતાં વિજ્ઞાનીઓને એ પ્રશ્ન તો સતાવવા જ માંડ્યો હતો કે, શું લુપ્ત થઈ ગયેલી પ્રજાતિઓને સજીવન કરી શકાય?

સિક્સ્થ એક્સ્ટિન્ક્શન

માઈકલ આર્ચર સહિતના વિજ્ઞાનીઓનું એક જૂથ માને છે કે, જો માણસજાતે અનેક પ્રજાતિઓને લુપ્ત કરી નાંખી હોવાથી વિજ્ઞાનની ફરજ છે કે, લુપ્ત થઈ ગયેલી પ્રજાતિઓને સજીવન કરવા શક્ય એટલા પ્રયાસ કરવા. વિજ્ઞાનની આ શાખા ‘સિન્થેટિક બાયોલોજી’ તરીકે ઓળખાય છે, અને તેનું ધ્યેય છે પૃથ્વી પરથી લુપ્ત થઈ ગયેલી પ્રજાતિઓને પુનઃજીવિત કરવી. અત્યાર સુધી લુપ્ત થઈ ગયેલી પ્રજાતિઓ માટે માણસજાત જ સીધી કે આડકતરી રીતે જવાબદાર છે. જેમ કે, ક્લાઈમેટ ચેન્જના કારણે જ અનેક પ્રજાતિઓ નાશપ્રાય થઈ ગઈ છે અથવા તો ખતરામાં છે. આ ક્લાઈમેટ ચેન્જ માટે પણ માણસે કરેલો બેજવાબદાર ઔદ્યોગિક વિકાસ જવાબદાર છે.

ટેડ ડી-એક્સ્ટિન્ક્શનમાં યુનિવર્સિટી કોલેજ ઓફ લંડનના વિજ્ઞાની કેટ જોન્સે કહ્યું હતું કે, “માણસ પ્રજાતિ હોવાના નાતે આપણી પાસે કોઈ પણ વસ્તુને લુપ્ત કરવાની આશ્ચર્યજનક ક્ષમતા છે.” આ એક જ વાક્યમાં તેમણે ઘણું બધું કહી દીધું છે. એવું કહેવાય છે કે, આ સદીના અંત સુધીમાં બીજી હજારો પ્રજાતિઓનો નાશ થઈ ગયો હશે અને પૃથ્વીઆ યુગમાં વર્ષો પહેલાં પ્રવેશી ચૂકી છે. વૈજ્ઞાનિક ભાષામાં આ યુગ સિક્સ્થ એક્સ્ટિન્ક્શન કે હોલોસિન એક્સ્ટિન્ક્શન તરીકે ઓળખાય છે. વર્ષ 1500થી વર્ષ 2009 વચ્ચે જ પૃથ્વી પરથી 875 પશુ-પક્ષીઓ અને વનસ્પતિઓ લુપ્ત થઈ ગયા છે. જોકે, આ પ્રજાતિઓની ઈન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચરલ એન્ડ નેચરલ રિસોર્સીસ દ્વારા નોંધણી કરાઈ છે, પરંતુ બીજી હજારો પ્રજાતિઓ આજે પણ વણનોંધાયેલી છે.

સજીવોને સજીવન કરવાની મુશ્કેલીઓ

પૃથ્વી પરથી લુપ્ત થઈ ગયેલી પ્રજાતિઓને પુનઃજીવિત કરવા માટે લોંગ નાઉ ફાઉન્ડેશનના રિવાઈવ એન્ડ રિસ્ટોર પ્રોજેક્ટ હેઠળ અનેક વિજ્ઞાનીઓનો પ્રયત્નશીલ છે. તેમને આશા છે કે, જો તેઓ આવું કંઈક શોધી શકશે તો પેસેન્જર પિજન, ડોડો, ડોસાઈલ, આઈવરી બિલ્ડ વુડપેકર જેવા પક્ષીઓ તેમજ પ્લેઈન ઝેબ્રા, એશિયન ચિત્તો, તાસ્માનિયન ટાઈગર, વૂલી મેમથ જેવા પ્રાણીઓ તેમજ અનેક વનસ્પતિઓને સજીવન કરી શકાશે. જોકે, વૂલી મેમથને સજીવન કરવાનું સંશોધન દક્ષિણ કોરિયાના વિજ્ઞાનીઓ દ્વારા થઈ રહ્યું છે. જોકે, વૂલી મેમથ કે ડાયનોસોર જેવા પ્રાણીઓને પુનઃજીવિત કરવાનું કામ વૈજ્ઞાનિક રીતે ખૂબ પડકારભર્યું છે. કારણ કે, આ પ્રાણીઓ હજારો વર્ષ પહેલાં લુપ્ત થઈ ગયા હતા.

એશિયન ચિત્તો

ડોડો

આઈવરી બિલ્ડ વુડપેકર

ડોસાઈલ

તાસ્માનિયન ટાઈગર

પ્લેઈન ઝીબ્રા

વૂલી મેમથ

આ પ્રોજેક્ટ હેઠળ કાર્યરત વિજ્ઞાનીઓને લુપ્ત થઈ ગયેલા પશુ, પક્ષી અને વનસ્પતિને સજીવન કરવામાં સફળ થશે તો નિનડેર્થલજેવી લુપ્ત થઈ ગયેલી માનવ પ્રજાતિને પણ પુનઃજીવિત કરવાનું સહેલું થઈ જશે. જોકે, આવી કોઈ પણ પ્રજાતિને સજીવન કરવા વૈજ્ઞાનિકો પાસે જે તે પ્રજાતિના ડીએનએ હોવા જરૂરી છે. જેમ કે, વિજ્ઞાનીઓ પાસે ડાયનોસોરના ડીએનએ છે, પરંતુ ડાયનોસોરને જન્મ આપવા માટે તે ઘણાં જૂના છે. વિજ્ઞાનીઓ કબૂલે છે કે, કોઈ પણ પ્રજાતિને પુનઃજીવિત કરવી સહેલી નથી. 

સ્પેનની પહાડી બકરીને પુનઃજીવિત કરવા વિજ્ઞાનીઓએ એક માદા ક્લોનનું સર્જન કર્યું હતું, બાદમાં નર પેદા કરવા માટે તેમણે વાયરંગસૂત્ર મેળવ્યું હતું અને પછી તેને ક્લોન્ડ ડીએનએ સાથે જોડ્યું હતું. એડવાન્સ્ડ સેલ ટેક્નોલોજીના વિજ્ઞાની રોબર્ટ લાન્ઝાએ બીજી પણ એક રીત પર પ્રયોગો કર્યા છે. તેઓ જૂના ડીએનએની મદદથી ક્લોનિંગ કરવાના બદલે લુપ્ત થઈ ગયેલી પ્રજાતિના ડીએનએ સાથે મેળ ખાય એવા ઈંડાના કોષોનું સર્જન કરે છે, અને બાદમાં તેને જિનેટિક કોડ ફાળવે છે. આવા પ્રયોગો ખૂબ જ ધીરજ માંગી લે છે, અને લાખો પ્રયત્નોના અંતે પણ સફળતાની કોઈ ગેરંટી નથી હોતી.

આ ઉપરાંત કેટલાક વિજ્ઞાનીઓએ લુપ્ત થઈ ગયેલા પ્રાણીઓની અનુકુળ ઈકોસિસ્ટમનો મુદ્દો પણ ઉઠાવ્યો છે. હજારો વર્ષ પહેલાં લુપ્ત થઈ ગયેલા વુલી મેમથ કદાચ હિમ યુગમાં જીવિત રહેવા જ સર્જાયા હતા. તેથી આવા પ્રાણીઓને સજીવન કરવા જોઈએ કે નહીં તેમજ તેમને સજીવન કરવામાં આવે તો તેઓ લાંબુ ટકી શકશે કે નહીં તેવા અનેક સવાલો ઉપસ્થિત થયા છે. પરંતુ વિજ્ઞાનીઓ નજીકના ભૂતકાળમાં લુપ્ત થઈ ગયેલા સજીવોને પુનઃજીવિત કરવા કટિબદ્ધ છે.

No comments:

Post a Comment