09 March, 2013

નવજાત શિશુને એચઆઈવીમાંથી મુક્તિઃ ભ્રમણા અને હકીકત


અમેરિકાના તબીબોએ નવજાત શિશુને એચઆઈવીમાંથી સંપૂર્ણ મુક્તિ અપાવ્યાનો દાવો કરતા જ મેડિકલ જગતમાં ફરી એકવાર નવજાત શિશુને એચઆઈવી સારવારની ચર્ચા જાગી છે. અમેરિકાના યુનિવર્સિટી ઓફ મિસિસિપ્પી મેડિકલ સેન્ટરના સંશોધકોએ દાવો કર્યો છે કે, તેમણે અઢી વર્ષની ઉંમરની એચઆઈવીગ્રસ્ત બાળકીને સફળતાપૂર્વક ચેપમુક્ત કરી દીધી છે. આ સંશોધનથી સ્વાભાવિક રીતે જ મેડિકલ જગતને નજીકના ભવિષ્યમાં નવજાત શિશુઓને એચઆઈવી મુક્ત કરવાની આશા બંધાઈ છે. પરંતુ કેટલાક વિજ્ઞાનીઓએ આ પ્રયોગ સામે સ્વાભાવિક રીતે જ અમુક પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમાં મેડિકલ જગત માટે સૌથી મહત્ત્વનો પ્રશ્ન એ છે કે, શું મિસિસિપી બેબીની જેમ એચઆઈવીનો ચેપ લઈને જન્મ લેતા વિશ્વભરના લાખો બાળકોને આવી રીતે બચાવવા શક્ય છે

હાલ પૂરતો આ પ્રશ્નનો જવાબ તો મેડિકલ વિજ્ઞાનીઓ પાસે પણ નથી. પરંતુ આ પહેલાં આપણે એ સમજી લેવું જોઈએ કે, આખરે મિસિસિપ્પીમાં જન્મ લેનારી બાળકીને તબીબોએ કેવી રીતે બચાવી છે. વર્ષ 2010માં મિસિસિપ્પીના અંતરિયાળ વિસ્તારની એક નાનકડી હોસ્પિટલમાં પેટમાં બાળક સાથે એક મહિલા આવી હતી. જોકે, આ મહિલા જાણતી ન હતી કે તે એચઆઈવીનો ભોગ બની ચૂકી છે. પરંતુ એક બાળકીને જન્મ આપ્યા પછી માતા અને બાળકીના વિવિધ ટેસ્ટ કરતા આ વાત બહાર આવી. પરિણામે માતા અને બાળકીને તાત્કાલિક યુનિવર્સિટી ઓફ મિસિસિપ્પી મેડિકલ સેન્ટરમાં મોકલી દેવામાં આવ્યા. બાળકીને અહીં લાવવામાં આવી ત્યારે તેની ઉંમર ફક્ત 30 કલાકની હતી. 

ડૉ. હાના બી. ગે

આ સેન્ટરના એસોસિયેટ પ્રોફેસર ઓફ પીડિયાટ્રિક્સ હાના બી. ગેએ સૌથી પહેલાં બાળકીના લોહીમાં વાયરસનું પ્રમાણ કેટલું છે તે જાણવાનું કામ કર્યું. જેમાં માલૂમ પડ્યું કે, બાળકીના લોહીમાં વાયરસનું પ્રમાણ એક મિલિલિટરે 20 હજારનું છે, જે તેમના મતે ખૂબ નીચું ગણાય. આ ટેસ્ટ સમય કરતાં ઘણો વહેલો કરી દેવાયો હોવાથી બાળકીની સારવાર કરવા માટે પૂરતો સમય પણ હતો. જોકે, બાળકીને ડિલિવરી વખતે નહીં પણ ગર્ભમાં હતી ત્યારે જ એચઆઈવીનો ચેપ લાગી ચૂક્યો હતો. એચઆઈવીગ્રસ્ત નવજાત શિશુની સારવાર કરવા મોટે ભાગે એકસાથે બે દવાનો કોર્સ ચાલુ કરાય છે. પરંતુ ડૉ. હાનાનો અનુભવ કહેતો હતો કે, આવા કિસ્સામાં ખાસ પ્રકારની ત્રણ દવાનું કોકટેલઆપવું હિતાવહ છે, અને આ સારવાર તેમણે ટેસ્ટ રિઝલ્ટ જોયા વિના જ ચાલુ કરી દીધી હતી. ભવિષ્યમાં થનારો બીજો એક ટેસ્ટ આ બાળકીની સારવામાં લાગેલા તમામ તબીબોને ચોંકાવી દેવાનો હતો.

એક મહિના સુધી સતત આ દવાઓ આપ્યા પછી તેમને માલૂમ પડ્યું કે, આ સારવારની સાથે લોહીમાં વાયરસનું પ્રમાણ ઘટી રહ્યું છે. જ્યારે બાળકી એક મહિનાની થઈ ત્યારે તો લોહીમાં વાયરસ શોધવા લગભગ મુશ્કેલ બની ગયા હતા. બાળકીને સતત 18 મહિના સુધી આવી રીતે સારવાર અપાઈ, પરંતુ એ પછી માતાએ બાળકીને લઈને હોસ્પિટલ આવવાનું બંધ કરી દીધુ હતું. કોઈ પણ ઉંમરના એચઆઈવી ચેપગ્રસ્તને મોટે ભાગે આવી એન્ટિરિટ્રોવાયરલ દવા આપવામાં આવે છે. આ દવાથી ચેપ વધુ ફેલાતો અટકે છે અને સતત સારવારના કારણે માણસ સામાન્ય જીવન જીવી શકે છે. હવે, મિસિસિપ્પી મેડિકલ સેન્ટરમાં માતા અને બાળકીને પાંચ મહિના પછી ફરી એકવાર હોસ્પિટલ બોલાવવામાં આવ્યા. ડૉ. હાનાને હતું કે, આટલા સમય પછી બાળકીમાં વાયરસનું પ્રમાણ ખૂબ વધી ગયું હશે, પરંતુ બ્લડ ટેસ્ટમાં ખબર પડી કે, બાળકી એચઆઈવીથી મુક્ત થઈ ગઈ છે. આમ છતાં, તબીબોને વિશ્વાસ ન હતો કે, આવું શક્ય છે. ડૉ. હાનાને પણ એવું જ લાગતું હતું કે, આ લેબોરેટરીની ભૂલ હોઈ શકે છે. તેથી તેમણે એકનો એક ટેસ્ટ વારંવાર કર્યો અને તબીબોના આશ્ચર્ય વચ્ચે તમામ ટેસ્ટ નેગેટિવ હતા.

મહત્ત્વની વાત એ છે કે, ‘મિસિસિપ્પી બેબીની સારવારના પ્રયોગમાં જોડાયેલા સંશોધકોએ ત્રીજી માર્ચ, 2013ના રોજ અમેરિકાના એટલાન્ટામાં રિટ્રોવાયરસ એન્ડ ઓપર્ચ્યુનિસ્ટિક ઈન્ફેક્શનમુદ્દે યોજાયેલી કોન્ફરન્સમાં આ બધી વાતો જાહેર કરી હતી. આ સંશોધન વિષદ્ છણાવટ કરતા કોઈ મેડિકલ જર્નલમાં નથી છપાયું, જેનો અર્થ એ છે કે, આ પ્રયોગની ઊંડી વૈજ્ઞાનિક સમીક્ષા કરવાની હજુ બાકી છે. સામાન્ય રીતે એચઆઈવીનો ચેપ લાગ્યા પછી જીવનભર એન્ટિરિટ્રોવાયરલ દવાઓ લેવી પડતી હોય છે. કારણ કે, એચઆઈવી શરીરના કોષોમાં છુપાઈને રોગપ્રતિકારક શક્તિ ખતમ કરવા સક્ષમ છે. એટલું જ નહીં, તે લોહીના શ્વેતકણોમાં પણ જીવી શકે છે અને દવાઓ બંધ કરી દેવાય તો ફરી એકવાર આક્રમક થઈ શકે છે.

ડૉ. જ્હોન ફ્રેટર

એચઆઈવીગ્રસ્ત બાળકીને સાજી કરવામાં તબીબો સફળએ મુજબના સમાચારો અંગે કેટલાક વિજ્ઞાનીઓએ તીવ્ર પ્રતિક્રિયા આપી હતી કે, આવા દાવા અપરિપક્વ હોઈ શકે છે. યુનિવર્સિટી ઓફ ઓક્સફોર્ડમાં એચઆઈવી ઈરેડિકેશન ગ્રુપમાં ઈમ્યુનોલોજી પર સંશોધન કરી રહેલા ડૉ. જ્હોન ફ્રેટરે આ મુદ્દે જાહેરમાં પ્રશ્ન કર્યો છે કે, “જો બાળક ખરેખર એચઆઈવીનો ભોગ બન્યું હતું અને જો આ સારવારહતી તો શું તે ભવિષ્યમાં ઉપયોગી નીવડશે?” ટૂંકમાં તેમનો પ્રશ્ન પણ એ જ છે કે, શું એચઆઈવીનો ચેપ લઈને જન્મ લેતા તમામ બાળકોની સારવાર શક્ય છે? તેમનું કહેવું છે કે, “વાયરસ પાછા આવશે કે નહીં તે તો સમય જ કહી શકશે.જોકે, તેઓ કબૂલે છે કે, “સંશોધકોએ બાળકીમાં વાયરસ શોધવા સોફિસ્ટિકેટેડ ટેસ્ટ કર્યા હતા, પરંતુ આ વાયરસ શરીરમાં ક્યાંય પણ છુપાઈ શકે છે.” 

કેટલાક વિજ્ઞાનીઓને આ સંશોધન નવું નથી લાગતું. કારણ કે, વર્ષ 1995માં ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિનમાં કોઈ પણ જાતની સારવાર વિના સાજા થઈ ગયેલા અનેક બાળકોનો ઉલ્લેખ કરાયો હતો. યુનિવર્સિટી ઓફ નોર્થ કેરોલિનાના ડૉ. ડેવિડ માર્ગોલિસે તો મીડિયામાં છપાયેલા અહેવાલોને જ બેજવાબદાર ઠેરવે છે. અહીં એક વાત યાદ રાખવી જોઈએ કે, આ દાવાને લઈને શંકા કરનારા વિજ્ઞાનીઓ અમેરિકાના જ છે. કારણ કે, વિજ્ઞાન જગતમાં કોઈ નવા શોધ-સંશોધનોના દાવા થાય ત્યારે અન્ય દેશના વિજ્ઞાનીઓ દ્વારા તેને સામાન્યગણાવવાની હોડ લાગવી સામાન્ય છે. વળી, આ વિજ્ઞાનીઓ દાવો નકારતા નથી, પરંતુ તર્કબદ્ધ પ્રશ્નો કરે છે. ડૉ. ડેવિડનું માનવું છે કે, “આ બાળકી સુપર-કંટ્રોલર હોઈ શકે છે.જો ડૉ. ડેવિડનું અનુમાન સાચું હોય તો દરેક એચઆઈવી બાળકની આવી રીતે સારવાર શક્ય નથી. કારણ કે, સુપર કંટ્રોલર બાળકોમાં એચઆઈવી સામે લડવાની કુદરતી શક્તિહોય છે. 

વર્ષ 2000માં વિજ્ઞાનીઓને પહેલીવાર આવી સુપર કંટ્રોલર દર્દી મળી હતી. રસેલ નામની આ યુવતી ડ્રગ્સ અને દારૂની બંધાણી હતી અને તેના બોયફ્રેન્ડ થકી એચઆઈવીનો ભોગ બની હતી. જોકે, રસેલ અત્યારે પણ એકદમ તંદુરસ્ત છે અને હાલ સાન ફ્રાન્સિસ્કોમાં રહે છે. નવાઈની વાત તો એ છે કે, રસેલ સતત 15 વર્ષ સુધી એચઆઈવીગ્રસ્ત રહી હતી અને ચેપ અટકાવવા તેણે દવા પણ લીધી ન હતી. આખરે સુપર કંટ્રોલરો પાસે એવી તો કઈ શક્તિ હોય છે કે તેઓ એચઆઈવીનો ભોગ બન્યા પછી પણ સામાન્ય જીવન જીવી શકે છે. વિધિની વક્રતા તો એ છે કે, તેઓ જનીનિક ખામીના કારણે એચઆઈવીથી બચી જાય છે. તેમના શ્વેતકણોના સરફેસ રિસેપ્ટરમાં જનીનિક ખામી હોય છે, જે મેડિકલની ભાષામાં CCR5 તરીકે ઓળખાય છે. માનવશરીરમાં પોતાની શક્તિ વધારવા એચઆઈવીના વાયરસ આ રિસેપ્ટરની મદદ લે છે, પરંતુ સુપર કંટ્રોલરોમાં આ રિસેપ્ટર ખામીયુક્ત હોવાથી તેઓ એચઆઈવીથી બચી જાય છે. 

સુપર કંટ્રોલરોને બાદ કરીએ તો અત્યાર સુધી વિશ્વમાં ફક્ત જર્મનીની એક જ વ્યક્તિને એચઆઈવીથી મુક્ત કરી શકાયો છે. ટિમોથી રે બ્રાઉન નામનો આ યુવક વર્ષ 2007માં એચઆઈવીનો ભોગ બન્યો હતો. વળી, તે લ્યુકેમિયાનો પણ શિકાર હતો. ટિમોથીની સારવાર કરવા તબીબોએ એક સુપર કંટ્રોલરના સ્ટેમ સેલ અને બોન-મેરો ટ્રાન્સપ્લાન્ટ કર્યા હતા. આમ કરવાથી તેના શ્વેતકણો પણ ખામીયુક્ત CCR5 રિસેપ્ટર ધરાવતા થઈ ગયા હતા, અને સમયાંતરે તે સંપૂર્ણ એચઆઈવી મુક્ત થઈ ગયો હતો. એ સમયે મેડિકલ જગતમાં ટિમોથીનો કિસ્સો બહુ ગાજ્યો હતો. મીડિયાના કારણે ટિમોથી બર્લિન પેશન્ટતરીકે જાણીતો થઈ ગયો હતો.

જોકે, વિશ્વભરના લાખો દર્દીઓની આવી રીતે સારવાર કરવી અશક્ય છે. કારણ કે, ટ્રાન્સપ્લાન્ટ વખતે દર્દીનું મૃત્યુ થવાની પૂરેપૂરી સંભાવના છે અને દર્દીને માફક આવે એવો સ્ટેમ સેલ અને બોન-મેરો દાતા શોધવો પણ અઘરો છે. આ ઉપરાંત એચઆઈવીના વાયરસ  સુષુપ્ત અવસ્થામાં જઈ શકે છે અને હાલ જે કોઈ દવાઓ ઉપલબ્ધ છે તે આ સ્થિતિમાં વાયરસ સુધી પહોંચી શકતી નથી. બીજી તરફ, દવા આપવાનું બંધ કરવામાં આવે કે તરત જ આ વાયરસ ફરી વાર સક્રિય થઈ શકે છે. પરિણામે તેને રોકવાનો એક જ ઉપાય છે, એચઆઈવીનો પ્રતિકાર કરી શકે એવી રસી. 

આ પ્રકારની રસી વિકસાવવામાં વ્યસ્ત વિજ્ઞાનીઓને આશા છે કે, એક દિવસ તેઓ એચઆઈવી પ્રતિરોધક રસી પણ બનાવી લેશે. બીજી તરફ, ‘મિસિસિપ્પી બેબીની સફળ સારવાર પછી વિજ્ઞાનીઓ પ્રયોગ કરવા જઈ રહ્યા છે કે, શું આવી આક્રમક એન્ટિરિટ્રોવાયરલ દવાઓ આપીને તમામ એચઆઈવીગ્રસ્ત નવજાત શિશુને બચાવવા શક્ય છે?

No comments:

Post a Comment