24 March, 2013

રાષ્ટ્રીય પુરસ્કારઃ લઘુતાથી ગુરુતા તરફ


આ વર્ષનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારપાન સિંઘ તોમરને મળ્યો હોવાથી ‘બરફી’ની ચર્ચા થવી સ્વાભાવિક છે. કારણ કે, ઓસ્કાર એવોર્ડની બેસ્ટ ફોરેન લેન્ગ્વેજ કેટેગરીમાં ભારતીય ફિલ્મ તરીકે ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ ‘બરફી’ને મોકલી હતી. તો શું તેનો અર્થ છે કે‘બરફી’ની પસંદગી ખોટી હતી? અથવા તો એવું પણ કહી શકાય કે, ‘પાન સિંઘ તોમરની પસંદગી ખોટી છે? જોકે સવાલનો જવાબ આટલો સીધોસાદો નથી. ભારતીય ભાષાની ફિલ્મને ઓસ્કાર એવોર્ડ માટે પસંદ કરતી સમિતિના સભ્યોની સામાન્ય રીતે એવી દલીલ હોય છે કે, રાષ્ટ્રીય પુરસ્કાર અને ઓસ્કાર બંને અલગ વસ્તુ છે. બંનેની સરખામણી કરી શકાય, કારણ કે, બંનેના માપદંડો અલગ છે. વળી, ઓસ્કાર એવોર્ડમાં ભાગ લેવા માટે જંગી બજેટની જરૂરિયાતનું બહાનું પણ આગળ ધરવામાં આવે છે. કોઈ નાના નિર્માતાની સારી ફિલ્મની પસંદગી થઈ પણ જાય તો તેઓ ઓસ્કાર એવોર્ડમાં જવા માટે તેઓ પૂરતો ખર્ચ કરી શકતા નથી. જોકે, એક પણ દલીલ સંપૂર્ણ સાચી નથી

ઓસ્કાર એવોર્ડ માટે ભારતીય ફિલ્મની પસંદગી કરતી જ્યૂરી સામાન્ય રીતે આવા જવાબો આપીને સંતોષ માની લે છે. પરંતુ સૌથી મહત્ત્વનો પ્રશ્ન છે કે, આપણે ઓસ્કાર એવોર્ડને આટલું બધું મહત્ત્વ આપીને સંપૂર્ણ ભારતીય પરિપ્રેક્ષ્યમાં બનેલી ફિલ્મોની અવગણના કેમ કરવી જોઈએ? ઓસ્કાર માટે અનુરાગ બાસુની ‘બરફી’ની પસંદગી થઈ ત્યારે અનેક ફિલ્મ વિવેચકોએ તટસ્થાપૂર્વક કહ્યું હતું કે‘બરફી’ સુંદર ફિલ્મ છે, પરંતુ ઓસ્કારમાં મોકલવા માટે આપણી પાસે હજુ સારા વિકલ્પો છે. જેમાંપાન સિંઘ તોમરસહિતકહાની’, ‘ડર્ટી પિક્ચર’, ‘વિકી ડૉનર’, ‘ફેરારી કી સવારીવગેરે મૂકી શકાય. અરે‘બરફી’ સાથે તમિળ ફિલ્મ ‘7ઓમ અરિવુ’, તેલુગુ ફિલ્મ ‘ઈગા’, મલયાલમ ફિલ્મઅક્ષનિન્થે નિરમઅને મરાઠી ફિલ્મદેઓલવગેરે પણ હરીફાઈમાં હતી. પરંતુ ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયાની સમિતિએ ‘બરફી’ પસંદ કરી. 

રાષ્ટ્રીય પુરસ્કારની રેસમાં ‘પાન સિંઘ તોમર’ની જીત

ઓસ્કાર સમારંભમાં મોકલવા માટે ‘બરફી’ની પસંદગી થવાથી અનુરાગ બાસુ સ્વાભાવિક રીતે જ ખૂબ ખુશ હતા, પરંતુ હવે રાષ્ટ્રીય પુરસ્કાર નહીં મળવાથી તેઓ દુઃખી છે. આ ઉપરાંત પ્રિયંકા ચોપરા પણ દુઃખી થઈ ગઈ છે. કારણ કે, આપણાં ફિલ્મ દિગ્દર્શકો, કલાકારો એક સરેરાશ ભારતીયથી પણ વધારે લઘુતાગ્રંથિ અનુભવે છે. તેઓ માટે ઓસ્કાર જ સર્વસ્વ છે. આમ તો‘બરફી’ને 58મા ફિલ્મફેર એવોર્ડ સમારંભમાં એક-બે નહીં પણ સાત-સાત એવોર્ડ મળ્યા હતા. જેમાં બેસ્ટ ફિલ્મ (અનુરાગ બાસુ), બેસ્ટ એક્ટર (રણબીરકપૂર), બેસ્ટ મ્યુઝિક ડિરેક્ટર (પ્રિતમ) સહિતના એવોર્ડ સામેલ છે. ‘બરફી’ને 19મા કલર્સ સ્ક્રીન એવોર્ડમાં પણ 23 નોમિનેશન્સ મળ્યા હતા, જેમાંથી તેણે નવ જીતી લીધા હતા. આ ઉપરાંત 14મા ઝી સિને એવોર્ડમાં પણ ‘બરફી’ને આઠ એવોર્ડ મળ્યા હતા. તો શું આ બધા જ એવોર્ડનું તેમના માટે કોઈ મૂલ્ય નથી?

સવાલમાં ગર્ભિત જવાબ છુપાયેલો છે કે, આટઆટલા એવોર્ડ ઘરભેગા કર્યા પછીયે આપણા દિગ્દર્શકો અને કલાકારોને ઓસ્કાર એવોર્ડનું ઘેલું છે. કારણ કે, ઓસ્કાર એવોર્ડ ભલે વિવાદોમાં સપડાતો હોય, પરંતુ આજે પણ વિશ્વ સિનેમાના વિવિધ એવોર્ડ્સમાં સૌથી ઊંચુ સ્થાન તે ભોગવે છે. આજે પણ જે ફિલ્મ કે અભિનેતાને ઓસ્કાર એવોર્ડ મળે છે તેની વિશ્વભરના માધ્યમોમાં ચર્ચા થાય છે. તાજેતરમાં લિંકનફિલ્મ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ જીતેલા ડેનિયલ ડે લુઈસ તેનું તાજું ઉદાહરણ છે. ઓસ્કાર પણ અન્ય એવોર્ડ્સની જેમ વિવાદોમાં સપડાય છે. આમ છતાં એકેડેમીએ ફિલ્મની પસંદગી કરવાના પોતાના ઉચ્ચ પ્રકારના ધારાધોરણો જાળવી રાખ્યા છે, વાત કબૂલવી પડે.

‘બરફી’ને ઓસ્કારમાં મોકલવાના વિરોધીઓની એવી પણ દલીલ હતી કે‘બરફી’ યુનિક ભારતીય ફિલ્મ નથી. દલીલમાં પૂરતું વજૂદ છે. કારણ કે, ઓસ્કાર એવોર્ડ માટે મોટે ભાગે પોતાના દેશ-પ્રદેશની વાત કહેતી, તેમની મુશ્કેલીઓને વાચા આપતી ફિલ્મોને ખૂબ મહત્ત્વ આપવામાં આવે છે. વળી, ભારત પાસે તો આવી પ્રાદેશિક ફિલ્મોનો વિશ્વભરમાં કોઈની પાસે હોય એવો વારસો છે. ભારતમાં હિંદી, મરાઠી, તમિળ, તેલુગુ, મલયાલમ અને બંગાળી જેવી ભાષાઓમાં પણ આંતરરાષ્ટ્રીય સ્તરે સરાહના પામી શકે એવી ફિલ્મો બને છે. આમ છતાં, ઓસ્કાર માટે બેસ્ટ ફોરેન લેન્ગ્વેજ કેટેગરીમાં ફક્ત હિંદી ફિલ્મને મહત્ત્વ મળે છે. ભારત વર્ષ 1952થી બેસ્ટ ફોરેન લેન્ગ્વેજ કેટેગરીમાં 45 ફિલ્મો મોકલી ચૂક્યું છે, પરંતુ અત્યાર સુધી ફક્ત ત્રણ  ફિલ્મની પસંદગી થઈ છે, ‘મધર ઈન્ડિયા’ (1957), ‘સલામ બોમ્બે’ (1988) અને ‘લગાન’ (2001). 

‘ચિત્તગોંગ’ના દિગ્દર્શક બેડાબ્રતા પેન
‘દેખ ઈન્ડિયન સર્કસ’ ફિલ્મનું એક દૃશ્ય

જોકે, વખતે ‘બરફી’ સાથે સ્પર્ધામાં હતી એવી અનેક હિંદી ફિલ્મોને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા છે. ‘પાન સિંઘ તોમરને બેસ્ટ ફિલ્મ અને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે. તોવિકી ડોનરમાટે શૂજિત સરકાર અને જ્હોન અબ્રાહમને સંપૂર્ણ પણે મનોરંજન પૂરી પાડતી બેસ્ટ પોપ્યુલર ફિલ્મ જેવી વિશિષ્ટ કેટેગરીમાં રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે. સિવાય પણવિકી ડોનરને બેસ્ટ સપોર્ટિંગ એક્ટર અને એક્ટ્રેસના વધુ બે પુરસ્કાર મળ્યા છે. બેસ્ટ ડેબ્યુ ફિલ્મ ડિરેક્ટરનો રાષ્ટ્રીય પુરસ્કાર ચિત્તગોંગ ફેઈમ બેડાબ્રતા પેનને ફાળે ગયો છે. બેસ્ટ મેલ પ્લેબેક સિંગર (શંકર મહાદેવન) અને બેસ્ટ લિરિક્સ (પ્રસૂન જોષી)ના રાષ્ટ્રીય પુરસ્કાર પણ ચિત્તગોંગને મળ્યા છે. બેડાબ્રતા કોલકાતામાં ઉછર્યા છે અને કોલેજ પૂરી કરીને વધુ અભ્યાસ માટે આઈઆઈટી ખરગપુર જાય છે. અહીં તેઓ ઈલેક્ટ્રિક્સ એન્ડ ઈલેક્ટ્રિકલ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં સ્નાતક થઈ ન્યૂયોર્કની કોલમ્બિયા યુનિવર્સિટીમાં એડમિશન લઈને માસ્ટર્સ અને પીએચડી કરે છે. બાદમાં તેઓ નાસામાં 18 વર્ષ સુધી સિનિયર રિસર્ચ સાયન્ટિસ્ટ તરીકે કામ કરે છે. આજે અમેરિકામાં તેમના નામે બે-ચાર નહીં પણ કુલ 87 પેટન્ટ બોલે છે. આટલા ઊંડા અભ્યાસની સાથે પણ તેઓ નાટકો અને ફિલ્મોમાં પણ રસ લે છે, અને હવે તેઓ ફૂલટાઈમ ફિલ્મમેકર છે.

બેડાબ્રતાએ ભારતીય ઈતિહાસમાં ભૂલાઈ ગયેલા ચિત્તગોંગના બળવા પર આધારિત ફિલ્મ બનાવી હતી. અગાઉ આશુતોષ ગોવારીકરે પણ વિષય પર ફિલ્મ બનાવી હતી. ડિરેક્ટોરેટ ઓફ ફિલ્મ ફેસ્ટિવલે તેમને એવોર્ડ આપીને ભારતીય સિનેમાનું સાચું સન્માન કર્યું છે. ઉપરાંત મંગેશ હડાવાલેનીદેખ ઈન્ડિયન સર્કસને તો બેસ્ટ ચિલ્ડ્રન ફિલ્મ, બેસ્ટ ચાઈલ્ડ આર્ટિસ્ટ, સ્પેશિયલ જ્યૂરી એવોર્ડ અને સ્પેશિયલ મેન્શન એમ ચાર-ચાર એવોર્ડ મળ્યા છે. ફિલ્મની વાર્તા ગામડાંમાં રહેતા જેઠુ (નવાજુદ્દીન સિદ્દિકી) અને કજરો (તનિષ્ઠા ચેટરજી) નામના પતિ-પત્નીની આસપાસ ફરે છે, જે તેમના બંને બાળકોને શહેરમાં ભણાવવા માગતા હોય છે. ફિલ્મના દિગ્દર્શક મંગેશ હડાવાલે કોણ છે? તેમનો જન્મ પૂણેના રજૂરી નામના નાનકડા ગામમાં એક ખેડૂત પરિવારમાં થયો હતો. તેમણે યુનિવર્સિટી ઓફ પૂણેના સેન્ટર ફોર પર્ફોર્મિંગ આર્ટ્સમાંથી થિયેટરમાં ડિગ્રી લીધી છે. ‘દેખ ઈન્ડિયન સર્કસ ન્યૂયોર્ક ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ એક્ટર અને બેસ્ટ એક્ટ્રેસ તેમજ દક્ષિણ કોરિયાના બુસાન ફિલ્મ ફેસ્ટિવલમાં ઓડિયન્સ ચોઈસ એવોર્ડ જીત્યો હતો.

અશ્વિન કુમાર 

ઉપરાંત ઓસ્કારમાં ‘બરફી’ની સ્પર્ધકકહાનીને બેસ્ટ સ્ક્રીન પ્લે (સુજોય ઘોષ) અને બેસ્ટ એડિટિંગ (નમ્રતા રાવ)ના રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા છે. બેસ્ટ એનિમેટેડ ફિલ્મનો પુરસ્કાર દિલ્હી સફારીના નિખિલ અડવાણીના ફાળે ગયો છે. તો તેલુગુ ફિલ્મ ‘ઈગા’ને બેસ્ટ સ્પેશિયલ ઈફેક્ટ અને બેસ્ટ ફિચર ફિલ્મ તેલુગુનો પુરસ્કાર મળ્યો છે. નવાઈની વાત તો છે કે, અત્યારે ફક્ત ‘પાન સિંઘ તોમર’ની ચર્ચા છે, પરંતુ ડિરેક્ટોરેટ ઓફ ફિલ્મ ફેસ્ટિવલ્સ બેસ્ટ ફિલ્મ ઓન ફેમિલિ વેલફેર, બેસ્ટ ફિલ્મ ઓન નેશનલ ઈન્ટિગ્રેશન, બેસ્ટ એગ્રિકલ્ચર ફિલ્મ, બેસ્ટ એજ્યુકેશનલ/મોટિવેશનલ/ઈન્સ્ટ્રક્શનલ, બેસ્ટ એન્વાયર્મેન્ટ ફિલ્મ, બેસ્ટ સાયન્ટિફિક ફિલ્મ અને બેસ્ટ ઈન્વેસ્ટિગેટિવ ફિલ્મ જેવા વિશિષ્ટ પુરસ્કાર પણ આપે છે. જોકે, આવી ફિલ્મો ખૂબ ઓછી બને છે. પરિણામે આ પુરસ્કારો પણ અનિયમિત ધોરણે અપાય છે.

વર્ષ 2013ના બેસ્ટ ઈન્વેસ્ટિગેટિવ ફિલ્મના રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અશ્વિનકુમાર છે. હા, આપણે કોઈ તેમને જાણતા નથી, પરંતુ તેમની દરેક ફિલ્મ આંતરરાષ્ટ્રીય સ્તરે નામના પામે છે. વર્ષે અશ્વિનકુમારનેઈન્શાલ્લાહ, કાશ્મીરમાટે બેસ્ટ ઈન્વેસ્ટિગેટિવ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. ગયા વર્ષેઈન્શાલ્લાહ, ફૂટબોલનામની તેમની ફિલ્મને બેસ્ટ સોશિયલ વેલફેર ફિલ્મની કેટેગરીમાં રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. અશ્વિનકુમારે વર્ષ 2003માંરોડ ટુ લદાખનામે પહેલી ફિલ્મ બનાવી હતી, જેમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ઈરફાન ખાને. વર્ષ 2005માં અશ્વિનકુમારનીલિટલ ટેરરિસ્ટનામની ફિલ્મ ઓસ્કાર એવોર્ડ માટે નોમિનેટ થઈ હતી, અને આ સાથે જ તેઓ ઓસ્કારમાં નોમિનેટ થનારા સૌથી નાની ઉંમરના ભારતીય ફિલ્મ દિગ્દર્શક, લેખક બન્યા હતા. આ વર્ષે રીજનલ એવોર્ડ કેટેગરીમાં બેસ્ટ ગુજરાતી ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર દિગ્દર્શક જ્ઞાન અરોરાની ‘ધ ગુડ રોડ’ને મળ્યો છે, જ્યારે બેસ્ટ ફેમિલી વેલફેરનો એવોર્ડ મળ્યો છે એ ફિલ્મ ‘આફ્ટર ગ્લો’ પણ અંગ્રેજી અને ગુજરાતી ભાષાની છે. આ ફિલ્મ કૌશલ ઓઝાએ બનાવી છે.

ખરેખર આપણે લઘુતાગ્રંથિ છોડીને દેશના સૌથી પ્રતિષ્ઠિત અને સત્તાવાર સિને એવોર્ડનું ઓસ્કાર જેવું બ્રાન્ડિંગ કરવું જોઈએ, જેથી આવા ટેલેન્ટેડ યુવા ફિલ્મમેકરોની પણ નોંધ લેવાતી થાય

No comments:

Post a Comment