18 March, 2013

મોબાઈલ ગેમ્સથી ડિપ્રેશનનો ઈલાજ


એવું કહેવાય છે કે, હાલ વિશ્વના લગભગ બધા જ દેશોમાં ડિપ્રેશનના દર્દીઓ છે અને તેમની સંખ્યા સતત વધી રહી છે. આજે મોટા ભાગની ભાષામાં વ્યક્તિત્વ વિકાસ, ચિંતન અને પોઝિટિવ થિંકિંગ પ્રકારના પુસ્તકો સૌથી ટપોટપ વેચાય છે. આ શું દર્શાવે છે? એવું નથી કે, આવા પુસ્તકો વાંચનારા ડિપ્રેશનનો ભોગ બન્યા હોય છે. પરંતુ આજની ભાગદોડ ભરી અને તણાવયુક્ત જિંદગીમાં આ પ્રકારનું વાંચન લોકો હળવાથવા માટે કરે છે. જો, માનસિક શાંતિ આપતા પુસ્તકો ફટાફટ વેચાઈ જતા હોય તો મોબાઈલ એપ કેમ પાછળ રહે? એપ્સની દુનિયામાં અત્યારે આરોગ્યને લગતા લાખો એપ ઉપલબ્ધ છે, પરંતુ તેમાંથી બહુ ઓછા સારું કામ આપે છે, બિલકુલ પુસ્તકોની જેમ જ.

જોકે, આ બધા એપમાં હજુ સુધી બજારમાં નહીં આવેલું મૂડ ટ્યૂનસૌથી અલગ હશે એવો જોરશોરથી દાવો કરાઈ રહ્યો છે. આ એપના સર્જકનો દાવો છે કે, ‘મૂડ ટ્યૂનનો ઉપયોગ કરવાથી ડિપ્રેશન પર કાબૂ રાખી શકાય છે. આ દાવાને પગલે એપ મેકર્સ તો ઠીક મેડિકલ જગતનું ધ્યાન પણ ખેંચાયું છે. કારણ કે, આ દાવો કોઈ ટેક્નોલોજી કંપનીએ નહીં, પણ હાવર્ડ યુનિવર્સિટીના સાઈકિયાટ્રી (મનોરોગવિજ્ઞાન)ના પ્રોફેસર ડિયેગો પિઝાગેલીએ કર્યો છે. ડિયેગો પિઝાગેલીએ હાવર્ડ યુનિવર્સિટીમાં સતત દસ વર્ષ સુધી ડિપ્રેશનપર સંશોધન કર્યું છે, અને આ દરમિયાન તેમને પ્રશ્ન થતો હતો કે, આવા સંશોધનો સામાન્ય માણસને કેવી રીતે ઉપયોગી થઈ શકે? આ પ્રશ્નમાંથી જ તેમને આવું એપ બનાવવાનો આઈડિયા આવ્યો હતો.

ડિયેગો પિઝાગેલી

ડિયેગોએ ડિપ્રેશન વિશેના સંશોધનોને મોબાઈલ એપ્લિકેશનમાં પરિવર્તિત કરવા મેરીલેન્ડના બાલ્ટિમોરમાં આવેલી કેન્ટરબરી રોડ પાર્ટનર નામની કંપની સાથે ભાગીદારી કરી છે. મૂડ ટ્યૂનબીજું કંઈ નથી, પરંતુ સીધીસાદી મોબાઈલ ગેમ્સ છે, પરંતુ એક જાણીતા વિજ્ઞાનીના સંશોધનોના આધારે તેનું સર્જન કરાયું હોવાથી તેનું મહત્ત્વ અનેકગણું વધી જાય છે. ડિયેગોને વિશ્વાસ છે કે, જો મૂડ-ટ્યૂન્સની જુદી-જુદી મોબાઈલ ગેમ્સને દરરોજ 15 મિનિટ સુધી રમવામાં આવે તો ડિપ્રેશનનો પણ ઈલાજ થઈ શકે છે. પરંતુ અહીં પ્રશ્ન એ છે કે, આટલી સીધી સાદી લાગતી ગેમ્સ ધાર્યું કામ આપે ખરી?

ડિયેગો પિઝાગેલીએ વર્ષ 1999માં ડિપ્રેશન પર કામ કરવાનું શરૂ કર્યું હતું, અને વર્ષ 2001માં તેમણે મનોવિજ્ઞાન જગતમાં અત્યંત મહત્ત્વના કહેવાય એવા સંશોધન પેપરો પ્રસિદ્ધ કર્યા હતા. અત્યાધુનિક મેડિકલ સાધનોની મદદથી મગજમાં ડિપ્રેશન કે એન્ટિ-ડિપ્રેશન વખતે કેવા ફેરફારો થાય છે એ જોઈ શકાય છે. ડિપ્રેશન મગજના એન્ટેરિયર સિન્ગ્યુલેટ કોર્ટેક્સનામના ભાગ સાથે સંકળાયેલું છે. ત્વરિત નિર્ણયો લેવાના હોય છે ત્યારે પણ આ ભાગ સક્રિય થઈ જાય છે. ડિયેગોનું કહેવું છે કે, એનો અર્થ એ થયો કે, જો તમે ત્વરિત નિર્ણયો લઈ શકો તો ડિપ્રેશનને દબાવી શકાય. આ વૈજ્ઞાનિક આધાર લઈને તેમણે એક સોફ્ટવેર બનાવડાવ્યું અને તેના લેબોરેટરી ટેસ્ટ ચાલુ કર્યા. જેમાં માલુમ પડ્યું કે, આ એપ્લિકેશનની મદદથી ડિપ્રેશન પર કાબૂ રાખી શકાય છે.

મૂડ ટ્યૂનનું સોફ્ટવેર મગજની સર્કિટરી સિસ્ટમને મજબૂત કરે છે. ડિયેગોનો દાવો છે કે, આ સિસ્ટમ ડિપ્રેશનની સાયકલ તોડવા સક્ષમ છે. આ દુનિયાનું પહેલું એપ છે, જે ડિપ્રેશનની સારવાર કરી શકે છે. વળી, ડિયેગો અને તેમની ટીમ પાસે આ પ્રયોગના મજબૂત વૈજ્ઞાનિક પુરાવા પણ છે. આ એપનું ટેસ્ટિંગ હાવર્ડ યુનિવર્સિટીની તમામ સાધન-સુવિધાથી સજ્જ લેબોરેટરીમાં થયું છે. મનોરોગવિજ્ઞાનમાં કાઠું કાઢી ચૂકેલા અનેક ખેરખાંઓએ ડિયેગોના સંશોધનને માન્યતા આપી છે.

સંશોધનનું માર્કેટાઈઝેશન

ડિયેગો પિઝાગેલી માટે સંશોધનના આધારે મોબાઈલ એપ્લિકેશન બનાવડાવવાનું કામ સંશોધન કરતા પણ વધારે અઘરું હતું. જોકે, કેન્ટબરી કંપની ડિયેગોના સંશોધનોના આધારે કંઈક નક્કર સર્જન કરવા મક્કમ હતી. એટલું જ નહીં, તેમને જેમ બને તેમ ઝડપથી આવી કોઈ પ્રોડક્ટ બજારમાં મૂકવી હતી. ડિયેગો જેવા પ્રતિષ્ઠિત સંશોધકની સાથે કામ કરીને માર્કેટમાં છવાઈ જવા માગતી કેન્ટબરીએ મૂડ ટ્યૂનમાં કોઈ કચાશ રાખી નથી, એ સમજી શકાય એવી બાબત છે.

કેન્ટબરી જેમ બને તેમ જલદીથી મૂડ ટ્યૂનનું માર્કેટિંગ કરવા આતુર છે. પરંતુ હાવર્ડ યુનિવર્સિટીએ ડિપ્રેશન ભગાડતી એપમતલબનો દાવો કરતા પહેલાં વધુ એપના વધુ સચોટ પરીક્ષણ પર ભાર મૂકવાનું  મુનાસિબ માન્યું છે. હવે, ‘મૂડ ટ્યૂનનું મેકલિન હોસ્પિટલમાં ડિપ્રેશનના દર્દીઓ પર ટેસ્ટિંગ કરવામાં આવનાર છે. આ એપની મદદથી માર્કેટમાં છવાઈ જવા માગતી કેન્ટબરીએ ફક્ત સંશોધન કરવા માટે બ્રેઈન ટેસરનામની બીજી એક કંપની ઊભી કરી છે. આ કંપનીના સીઈઓ તરીકે કેન્ટબરીએ આંદ્રે કોનિંગને પસંદ કર્યા છે, જે છેલ્લાં એક દાયકાથી આ પ્રકારના બિઝનેસ મોડેલને વિકસાવવા માટે વિવિધ કંપનીઓમાં કન્સલ્ટન્સી કરી રહ્યા છે. હાલ, ડિયેગો અને આંદ્રે બ્રેઈન-ટ્રેસરબેનર હેઠળ મૂડ ટ્યૂનને ધમાકેદાર રીતે માર્કેટમાં મૂકવા માટે તૈયારી કરી રહ્યા છે. એટલું જ નહીં, આ એપ્લિકેશનને માર્કેટમાં મૂકવા હવે તેનું ખરું ડિઝાઈનિંગ થઈ રહ્યું છે.

‘મૂડ ટ્યૂન’ની િડિઝાઈન

ડિયેગોના સંશોધનને સારી રીતે સમજતા હાવર્ડ સહિતની ઈન્સ્ટિટ્યૂટના વિજ્ઞાનીઓ કહે છે કે, આ એપથી ડિપ્રેશન ઘટી જાય છે એ વાતમાં કોઈ શંકા નથી. આ ઉપરાંત મૂડ ટ્યૂનમેડિકલી ટેસ્ટેડ એપ હોવાથી તેની વિશ્વસનીયતા પણ અન્ય મેડિકલ એપ કરતા અનેકગણી વધી જાય છે. વળી, આ એપ પ્લેસિબોજેવું નહીં, પણ વાસ્તવિક કામ આપે છે. ક્યારેક દર્દીને ફક્ત માનસિક રાહત આપવા માટે એવી દવા આપવામાં આવે છે જેની ખરેખર કોઈ શારીરિક અસર નથી થતી. પરંતુ આવી દવા લીધા પછી દર્દીને સારવાર લીધાનો સંતોષ થાય છે અને માનસિક રાહત મળે છે. મેડિકલની ભાષામાં તેને પ્લેસિબોઅથવા પ્લેસિબો ઈફેક્ટકહે છે. ડિયેગો અને આંદ્રેને આશા છે કે, આ એપ માટે તેમને નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ, અમેરિકાની ગ્રાંટ પણ મળી શકે છે.

જોકે, એક વાત નક્કી છે કે, નજીકના ભવિષ્યમાં ડિયેગો પિઝાગેલી એન્ટિ-ડિપ્રેશન એપ માર્કેટના પ્રણેતા સાબિત થવાના છે. 

મૂડ ટ્યૂનકેવી રીતે કામ કરશે?

મૂડ ટ્યૂનમાં છથી સાત ગેમનો સમાવેશ કરાયો છે. તેમાં કેવી ગેમ હશે એનું ઉદાહરણ આપતા ડિયેગો પિઝાગેલી કહે છે કે, એક ગેમમાં તમને મોબાઈલ સ્ક્રીન પર ચહેરો દેખાશે. આ ચહેરાને જોતી વખતે યુઝર્સનો મૂડ હશે એ મુજબનો ચહેરો અને શબ્દો ફ્લેશ થશે. જેમ કે, ‘હેપ્પીકે સેડ’. હવે, યુઝર્સ જેમ જેમ આ શબ્દો સાથે મેળ બેસાડવાનો પ્રયાસ કરશે તેમ તેમ તેના મગજમાં ચોક્કસ પ્રકારના ફેરફારો થશે. બાદમાં યુઝર્સની માનસિક સ્થિતિ જેમ જેમ સુધરતી જશે તેમ તેમ તેનો રિવ્યૂ થશે અને એ પ્રમાણેના પોઈન્ટ મળશે.

ડિયેગોનું કહેવું છે કે, “આવી કસરતથી મગજના ચોક્કસ હિસ્સામાં અસર થશે. મગજના ચોક્કસ હિસ્સાને સક્રિય કરવા આટલી કસરત પૂરતી છે. જો આ કસરત રોજ પંદરેક મિનિટ કરવામાં આવે તો ડિપ્રેશનને સંપૂર્ણપણે નાથી શકાશે.મનોરોગવિજ્ઞાનની ભાષામાં આ પ્રકારની સારવાર કોગ્નિટિવ ટ્રેઇનિંગતરીકે ઓળખાય છે. વર્ષ 2003માં સ્ક્રીઝોફેનિયાના દર્દીઓ પર થયેલી એક કોગ્નિટિવ ટ્રેઇનિંગ પદ્ધતિમાં માલુમ પડ્યું હતું કે, આ પ્રકારની કસરતથી મગજના ચોક્કસ હિસ્સાને સક્રિય કરી શકાય છે. આ ઉપરાંત જર્નલ ઓફ ધ અમેરિકન મેડિકલ એસોસિયેશનમાં પણ આવા અનેક અભ્યાસ પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે. પરંતુ ડિયેગોએ પોતાના નક્કર સંશોધનો અને ટેક્નોલોજીની મદદથી એક સીધુંસાદું એપ બનાવીને ડિપ્રેશનના દર્દીઓ માટે મહત્ત્વનું કામ પાર પાડ્યું છે.

મગજને તાલીમ મુદ્દે શંકા

કેટલાક મનોવિજ્ઞાનીઓ માને છે કે, મગજને તાલીમ આપી શકાય એ વાત શંકાસ્પદ છે. આ પહેલાં લુમોસિટી નામની કંપની પણ બ્રેઈન ટ્રેઇનિંગને લગતી સોફ્ટવેર પ્રોડક્ટ બજારમાં મૂકી ચૂકી છે. આ કંપનીએ પણ સીધીસાદી ગેમ્સ બનાવીને જ બજારમાં મૂકતા દાવો કર્યો હતો કે, આ ગેમ રમીને યાદશક્તિ અને એકાગ્રતા વધારી શકાય છે.  આ ગેમ્સ પણ ન્યૂરોસાયન્સના વિવિધ અભ્યાસોના આધારે જ ડિઝાઈન કરાઈ હતી.

ગ્રાહકો માટે કાર્યરત વિચ?/ Which? નામની સંસ્થાએ ન્યૂરો-ગેજેટ્સની વિશ્વસનીયતા સાબિત કરવા વિવિધ વિજ્ઞાનીઓને પૃચ્છા કરી હતી, જેમાં લુમોસિટીની પ્રોડક્ટ્સનો પણ સમાવેશ થતો હતો. આ દરમિયાન વિજ્ઞાનીઓએ કહ્યું હતું કે, આવી પ્રોડક્ટથી મગજને ફાયદો થાય છે એના કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જોકે, વિજ્ઞાનીઓએ કબૂલ્યું હતું કે, મગજમાં થતી આવી અસર તો ક્રોસવર્ડ પઝલ જેવી ગેમ્સથી પણ થાય જ છે. પરંતુ તેનો અર્થ એ નથી કે, તેનાથી મગજની શક્તિ વધે છે.

આ અંગે ડિયેગો કહે છે કે, અમારી ગેમ ફક્ત ડિપ્રેશન પર કેન્દ્રિત છે, અને મૂડ ટ્યૂનફક્ત ડિપ્રેશનને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયું હોવાથી તે બીજા કરતા અલગ છે. આ ઉપરાંત યુઝર્સ કંપનીને તુરંત પ્રતિભાવ પણ આપી શકશે, જેથી એપ કેવું કામ કરે છે તેનું નિયમિત પરીક્ષણ થઈ શકે અને એપ અપડેટ પણ કરી શકાય. આ ઉપરાંત મૂડ ટ્યૂનનો માસિક ખર્ચ ડિપ્રેશનની સારવાર કરતા ઘણો ઓછો રાખવાનો પ્રયાસ થઈ રહ્યો છે, એ રીતે પણ તે લાભદાયી છે. જોકે, આ પ્રયોગ સાથે નહીં સંકળાયેલા વિજ્ઞાનીઓ માને છે કે, કોઈ પણ એપથી ડિપ્રેશનને નાથી શકાય એવી આશા રાખવી કંઈક વધારે છે.

1 comment:

  1. ગેમ આવે અને સફળતા પ્રાપ્ત કરે તો માનવજીવન માટે આશીર્વાદરુપ થઇ પડે. આશા રાખીએ કે જગતહિતાય સફળતા મળે.

    ReplyDelete