19 March, 2013

હાઈ-ટેક કળાના આધુનિક આશ્રયદાતા


પશ્ચિમી દેશોમાં કળાના વિશ્વમાં પણ વિજ્ઞાન અને ટેક્નોલોજીની મદદથી જાતભાતના પ્રયોગો થતા રહે છે. અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોના વિશ્વ વિખ્યાત ઓકલેન્ડ બે બ્રિજ પર પાંચમી માર્ચે આવો જ એક પ્રયોગ થયો. એ દિવસથી બે બ્રિજને 25 હજાર એલઈડી લાઈટથી સજાવાયો છે. હવેના બે વર્ષ સુધી બે બ્રિજને સમી સાંજથી રાત્રિના બે વાગ્યા સુધી આવી રીતે ઝળાંહળાં કરાશે અને બે વર્ષમાં ક્યારેય તેની લાઈટ પેટર્નનું પુનરાવર્તન નહીં થાય. એટલે કે, બે બ્રિજ પર સતત બે વર્ષ સુધી જુદી જુદી એબ્સ્ટ્રેક્ટ લાઈટ પેટર્ન જોવા મળશે. આવું શક્ય બન્યું છે, સોફ્ટવેર ટેક્નોલોજીની મદદથી. આ પ્રકારના આર્ટિસ્ટિક લાઈટ ઈન્સ્ટૉલેશનનો ખર્ચ ખૂબ ઊંચો આવતો હોય છે. તો પછી પશ્ચિમી દેશોના સામાન્ય કલાકારો આવું કામ કેવી રીતે પાર પાડી શકે છે?

આ સવાલનો જવાબ મેળવતા પહેલાં બે બ્રિજ પર આર્ટિસ્ટિક ઈન્સ્ટૉલેશન કરનારા કલાકાર લિયો વિલારિયલ વિશે જાણીએ. કળાની દુનિયામાં લિયો લાઈટ આર્ટિસ્ટ તરીકે જાણીતા છે. અમેરિકાના વૉશિંગ્ટન ડી.સી.માં આવેલી નેશનલ ગેલરી ઓફ આર્ટ તેમના કાયમી લાઈટ ઈન્સ્ટૉલેશનથી શોભે છે, જે 41 હજાર લાઈટની મદદથી તૈયાર કરાયું છે. તેઓ કમ્પ્યુટર સોફ્ટવેર ટેક્નોલોજીના નિષ્ણાત છે, પરંતુ તેમને ટેક્નોલોજીની મદદથી કળાને લગતું કામ કરવામાં રસ છે. બે બ્રિજનું લાઈટ્સ ડેકોરેશન કરવા માટે તેમણે ગ્રાફિક્સ આર્ટિસ્ટ દ્વારા ઉપયોગમાં લેવાતા સોફ્ટવેરનો ઉપયોગ કર્યો છે. આવા સોફ્ટવેરની મદદથી ફિલ્મો કે વીડિયો ગેમ્સમાં વરસાદ અને સ્નો ફૉલિંગ કરી શકાય છે. ટેક્નોલોજી સમજી શકે એવું ભેજું અને એક કલાકારનું હૃદય ધરાવતી વ્યક્તિ જ આવા સોફ્ટવેર પાસેથી ઉત્તમ કામ લઈ શકે.

સાન ફ્રાન્સિસ્કોનો પ્રખ્યાત બે બ્રિજ અને લિયો વિલારિયલ

કમ્પ્યુટરની મદદથી કરાયેલા આ લાઈટ સ્કલ્પ્ચર માટે એંશી લાખ ડૉલરનો ખર્ચ થાય એમ હતો. પરંતુ અમેરિકાના શ્રીમંતો-ઉદ્યોગસાહસિકો તંદુરસ્ત સમાજમાં કળાનું મહત્ત્વ સારી રીતે સમજે છે અને છુટ્ટા હાથે દાન પણ કરે છે. ભારતમાં પણ રાજા-મહારાજાઓ દરબારમાં જુદા જુદા ક્ષેત્રના વિદ્વાનોને આશ્રય આપતા હતા. જોકે, મહેનતથી કમાયેલી સંપત્તિનું દાન કરવાની પહેલ પણ મૂડીવાદના ગઢસમાન અમેરિકાના શ્રીમંતોએ જ કરી છે. લિયોને યાહુના સીઈઓ મારિસા માયર અને અન્ય ઈન્ટરનેટ ઉદ્યોગસાહસિકોએ આર્થિક મદદ કરી. ત્યાર પછી લિયોએ પોતે બે બ્રિજનું લાઈટ ડેકોરેશન કરવા એક સોફ્ટવેર બનાવવાનું ચાલુ કર્યું હતું. વર્ષ 1990માં માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક પોલ એલનની થિંક ટેંકમાં પસંદગી પામેલા લિયો માટે આ કામ અશક્ય ન હતું.

હાલ, સાન ફ્રાન્સિસ્કોમાં વિશિષ્ટ પ્રકારની ફેશન ચાલી રહી છે. આ શહેરમાં આવીને યુવા ટેક્નોલોજિસ્ટો બિઝનેસ શરૂ કરે છે, અઢળક પૈસા કમાય છે અને પછી કળાની દુનિયામાં રસ લે છે. ટેક્નોલોજિસ્ટો પણ કળાની દુનિયામાં રસ લે છે એ પાછળ લિયો જેવા અનેકટેક આર્ટિસ્ટજવાબદાર છે. આ યુવા ઉદ્યોગસાહસિકો કલાકારો માટે બધું જ કરી છુટે છે. આ સંજોગોમાં પશ્ચિમી જગતના મ્યુઝિયમ, આર્ટ ડીલર, કન્સલ્ટન્ટ અને કળાની દુનિયાના ખેરખાંઓનું ધ્યાન કળાવિશ્વના આ નવા પ્રકારના ટ્રેન્ડ તરફ જવું સ્વાભાવિક છે. અમેરિકાના આર્ટ ડીલરોનું માનવું છે કે, આજના ટેક ઉદ્યોગસાહસિકો ભવિષ્યના કળા વિશ્વના સૌથી મોટા ગ્રાહકો છે. કારણ કે, અમેરિકા અને યુરોપના કળાજગતમાં પ્રવેશેલા અનેક આર્ટ કલેક્ટરો પણ વ્યવસાયિક રીતે ટેક્નોલોજી સાથે સંકળાયેલા છે અથવા હતા

નેશનલ ગેલેરી ઓફ આર્ટમાં લિયો વિલારિયલનું કાયમી લાઈટ ઈન્સ્ટૉલેશન

સ્વાભાવિક રીતે જ તેઓને ટેક્નોલોજીની મદદથી સર્જાતી ડિજિટલ આર્ટમાં વધારે રસ છે, અને પશ્ચિમી દેશોમાં આ ક્ષેત્ર ખૂબ ઝડપથી વિકસ્યું છે. એક ટેક્નોલોજી કંપની સફળતાપૂર્વક ઊભી કરીને માઈક્રોસોફ્ટને 100 મિલિયન ડૉલરમાં વેચી દેનારા 44 વર્ષીય ટ્રેવર ટ્રેઈના પણ હવે ફોટોગ્રાફી કલેક્ટર બની ગયા છે. ટ્રેવર કહે છે કે, “એક એન્જિનિયર જેવી રીતે ફોટોગ્રાફી કે વીડિયોને જુએ એવી રીતે એક બેંકર ના જોઈ શકે. અમે એકથી ઝીરોની ભાષામાં વિચારીએ છીએ.” સાન ફ્રાન્સિસ્કોના અનેક જાણીતા ડીલરોના ગ્રાહકો ટેક્નોલોજીના વિશ્વ સાથે સંકળાયેલા છે. કારણ કે, અત્યારે ટેક્નોલોજીની દુનિયામાં કોઈ પાસે જાણીતા ચિત્રકારનું એક ચિત્ર હોય તો તે પાસપોર્ટ જેવું કામ કરે છે. એટલે કે, એક ચિત્રની મદદથી હાઈ સોશિયલ સર્કલમાં આસાનીથી પ્રવેશી શકાય છે. અમેરિકન મીડિયા સમક્ષ અનેક આર્ટ કલેક્ટરો આવી કબૂલાત કરી ચૂક્યા છે.

કળા અને સ્ટેટસ હજારો વર્ષોથી એકબીજાના પૂરક રહ્યા છે. હા, સાવ એવું પણ નથી કે તેઓ ફક્ત સ્ટેટસ સિમ્બોલ ખાતર કળામાં રસ લે છે. કળા અને કલાકારોના વિકાસ માટે પણ તેઓ બધું જ કરી છૂટે છે. બીજી તરફ, ટેક્નોલોજિસ્ટો ડિજિટલ સિવાયની કલામાં પણ એટલો જ રસ લઈ રહ્યા છે. વિશ્વની સૌથી મોટી આર્ટ ઓક્શન કંપની ક્રિસ્ટીઝે પણ બે વર્ષ પહેલાં સાન ફ્રાન્સિસ્કોમાં ઓફિસ શરૂ કરવી પડી છે. કારણ કે, ટેક કંપનીઓનો ગઢ ગણાતા સાન ફ્રાન્સિસ્કોમાં પેઈન્ટિંગ સહિતની ચીજવસ્તુના ખરીદારો સતત વધી રહ્યા છે અને તેનો બહુ મોટો વર્ગ ટેક્નોલોજી વિશ્વ સાથે સંકળાયેલો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠા ધરાવતા ચિત્રકારોના ચિત્રોની કિંમત પણ મિલિયનથી બિલિયન ડૉલર સુધી હોય છે. પરંતુ ટેક્નોલોજિસ્ટો એક ચિત્ર માટે આટલી રકમ ખર્ચતા ખચકાતા નથી.

એવું કહેવાય છે કે, ગૂગલના સહ-સ્થાપક લેરી પેજના પત્ની લુસિન્ડા સાઉથવર્થે પણ કળામાં રસ લેવાનું શરૂ કર્યું છે. સાન ફ્રાન્સિસ્કોના ટેક્નોલોજિસ્ટોને કલાના જગતમાં રસ પડવાનું બીજું એક કારણસુરક્ષિત રોકાણપણ છે. પશ્ચિમી જગતના શ્રીમંતો માને છે કે, કળાના ઉત્તમ નમૂનાને ખરીદી લેવાથી ઉત્તમ બીજું એકેય રોકાણ નથી. કારણ કે, કળાના નમૂનાનો ભાવ શેરની જેમ ગગડતો નથી. ઊલટાનું પેઢી દર પેઢી તેનો ભાવ આસમાનને આંબતો રહે છે. બીજી તરફ, અમેરિકા સહિતના દેશોમાં નવી નવી પ્રતિભાઓને શોધીને તેમને મજબૂત પ્લેટફોર્મ પણ પૂરું પાડવામાં આવે છેઅમેરિકાના ટેક્નોલોજી વ્યવસાયિકોને રાતોરાત કળાજગતમાં રસ પડી ગયો એવું નથી. વર્ષો પહેલાં ઓરેકલ અને યાહૂના પૂર્વ અધિકારીઓ પણ કળામાં ઊંડો રસ ધરાવતા હતા, કળાકારોનું સન્માન કરતા હતા અને ઉત્તમ કલાકૃતિઓ ખરીદીને રોકાણ પણ કરતા હતા

ઓરેકલના સીઈઓ લેરી એલિસન 100 વર્ષ જૂની જાપાની કલાકૃતિ ખરીદીને અખબારોમાં ચમક્યા હતા. તો યાહૂના સહ-સ્થાપક અને પૂર્વ સીઈઓ જેરી યાંગ પણ ચાઈનીઝ કેલિગ્રાફીમાં રસ લેતા હતા. માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક પોલ એલન તો ઘણાં વર્ષોથી વિન્સેન્ટ વાન ગોઘ અને માર્ક રોથોકો જેવાબ્લુ-ચિપકલાકારોની કલાકૃતિઓનું કલેક્શન કરી રહ્યા છે. ભારતની વાત છે ત્યાં સુધી અહીંના ધનવાનો કલાજગતમાં ખાસ રસ લેતા નથી. તાજેતરમાં કેરળમાં યોજાયેલા કોચી મુઝિરિસ બિનિયલ જેવા આંતરરાષ્ટ્રીય કક્ષાના કળા પ્રદર્શનની સફળતા જોઈને આશ્વાસન લઈ શકાય કે, ભારતમાં ધીમી પણ મક્કમ ગતિએ કળાજગત વિકસી રહ્યું છે.

સાન ફ્રાન્સિસ્કોના મ્યુઝિયમોની મહત્ત્વની ભૂમિકા

સાન ફ્રાન્સિસ્કો મ્યુઝિયમ ઓફ મોડર્ન આર્ટ ટ્વિટર, પિન્ટરેસ્ટ અને ડ્રોપ બોક્સ જેવી કંપનીઓ સાથે તાલમેલ સાધવા પ્રયત્નશીલ છે. આ કંપનીઓએ નવી ઓફિસો સિલિકોન વેલીના બદલે સાન ફ્રાન્સિસ્કોમાં શરૂ કરી છે. તાજેતરમાં જ સાન ફ્રાન્સિસ્કો મ્યુઝિયમના બોર્ડ ઓફ ટ્રસ્ટીમાં કેટલાક ટેક્નોલોજિસ્ટોનો સમાવેશ કરાયો છે. વર્ષ 2012 સુધી મ્યુઝિયમના બોર્ડમાં 12 નવા ટ્રસ્ટીનો સમાવેશ કરાયો છે, જેમાંથી અડધા ટેક્નોલોજીની દુનિયા સાથે સંકળાયેલા છે. કારણ કે, મ્યુઝિયમના કર્તાહર્તાઓ કબૂલે છે કે, દાન, લોન અને કલાકૃતિઓ સાચવવા માટે અત્યાધુનિક ટેક્નોલોજી સિસ્ટમની વાત આવે ત્યારે ટેક્નોલોજીની દુનિયામાંથી જ સૌથી વધારે મદદ મળે છે. વળી, ટૂંક જ સમયમાં મ્યુઝિયમ વૈશ્વિક સ્તરે 555 મિલિયન ડૉલરના ખર્ચે વિસ્તરણ કરવાનું છે. અમેરિકાના યુવા કલાકારો પણ ટેક્નોલોજી વ્યવસાયિકોને આકર્ષવા માટે સાન ફ્રાન્સિસ્કોની વિવિધ ગેલેરીઓમાં પ્રદર્શનો યોજે છે. કારણ કે, અહીં પ્રદર્શન યોજવા માટે તેમને સહેલાઈથી લોન મળી જાય છે.

હજુ ગયા અઠવાડિયે જ ફાઈન આર્ટ્સ મ્યુઝિયમ ઓફ સાન ફ્રાન્સિસ્કોના વાર્ષિક સમારંભમાં યાહૂના સીઈઓ મારિસા મેયર સહિતની ટેક્નોલોજી ક્ષેત્રની અનેક હસ્તીઓ હાજર રહી હતી. આ ઉપરાંત સાન ફ્રાન્સિસ્કો કન્ટેમ્પરરી જ્યુઈશ મ્યુઝિયમે પણ તેના બોર્ડમાં ટેક્નોલોજિસ્ટોનો સમાવેશ કર્યો છે. આ નવા ટ્રસ્ટીઓ પોતાના મ્યુઝિયમ બોર્ડમાં ગૂગલ કે ફેસબુક જેવી કંપનીમાં ઉચ્ચ હોદ્દા શોભાવતા ટેક્નોલોજિસ્ટો અને આર્ટ કલેક્ટરોને પણ સમજાવીને લઈ આવે છે. અહીં એ વાત નોંધવા જેવી છે કે, આ ટેક્નોલોજિસ્ટો બોર્ડ ઓફ ટ્રસ્ટીમાં અડિંગો જમાવીને બેસી નથી જતા. પરંતુ મ્યુઝિયમ સાથે જોડાઈને કળાને પ્રોત્સાહન આપવા તનતોડ મહેનત કરે છે. જેમ કે, તેમની મદદથી જ કન્ટેમ્પરરી જ્યુઈશ મ્યુઝિયમનો સ્ટોર અગાઉ કરતા ઘણોઅપગ્રેડથઈ ગયો છે. અગાઉ આ સ્ટોર જ્યુઈશ થીમ પૂરતો મર્યાદિત હતો. હવે, મ્યુઝિયમની પોતાની વેબસાઈટ પણ હોય છે. આ મ્યુઝિયમોમાંઆર્ટ ઓફ કલેક્ટિંગએટલે કે કળાની પરખ કરીને કેવી કલાકૃતિઓ સંગ્રહ કરવાને લાયક હોય છે, તેની પણ તાલીમ આપવામાં આવે છે.

અત્યાર સુધી અમેરિકાના અનેક મ્યુઝિયમ સ્ટોર કે ગેલરીમાં અનેક જાણીતા કલાકારોની કૃતિઓ વેચાતી ન હતી. કારણ કે, મોટા ભાગના લોકો જાણતા જ ન હતા કે તે આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતા કલાકારો છે. જોકે, ટેક્નોલોજિસ્ટોની મદદથી અમેરિકાના કળાજગતની ગાડી અત્યારે ટોપ ગિયરમાં છે.

No comments:

Post a Comment