એક બાજુ વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીને લઈને દેશના રાજકારણમાં ગરમાવો આવી ગયો
છે ત્યાં અણ્ણા હજારેએ પંજાબથી ભારતભરમાં ફરનારી જનતંત્ર યાત્રાના મંડાણ કર્યા છે.
અણ્ણા હજારે આ યાત્રાને ‘બીજી સ્વતંત્રતા ચળવળ’ ગણાવી રહ્યા છે. બીજી તરફ, અરવિંદ કેજરીવાલ નવી દિલ્હીમાં સુંદર નગરીમાં ‘બીજલી-પાની સત્યાગ્રહ’ અંતર્ગત ભૂખ હડતાળ પર ઉતર્યા છે. અણ્ણા દેશને ભ્રષ્ટાચારથી
સ્વતંત્ર કરાવવા માગે છે, જ્યારે આરટીઆઈ એક્ટિવિસ્ટમાંથી રાજકારણમાં ઝંપલાવનારા
કેજરીવાલે હાલ પૂરતી નવી દિલ્હીને પોતાની કર્મભૂમિ બનાવી છે. અણ્ણાએ જનતંત્ર
યાત્રા દરમિયાન એ વાતનો આડકતરો સંકેત આપી દીધો છે કે તેઓ રાજકારણથી દૂર રહેવાના
હોવા છતાં તેમનો અને કેજરીવાલનો હેતુ એક જ છે.
અણ્ણા હજારે અને અરવિંદ કેજરીવાલ છૂટા પડ્યા ત્યારથી તેમણે એકબીજા પ્રત્યેનો આદર જાળવી રાખ્યો છે. ઊલટાનું છૂટા પડ્યાં પછી પણ કેજરીવાલ તેમને જાહેરમાં પોતાના આદર્શ ગણાવતા હતા. એ વાત અલગ છે કે, એક જ હેતુ માટે કાર્યરત અણ્ણા અને કેજરીવાલે જુદા જુદા માર્ગ અપનાવ્યા છે. અણ્ણાએ સામાજિક સંગઠન મજબૂત કરીને જનમત ઊભો કરવાનો માર્ગ અપનાવ્યો છે, તો કેજરીવાલે આમ આદમી પક્ષની રચના કરીને રાજકારણનો માર્ગ અખત્યાર કર્યો છે. પંજાબથી જનતંત્ર યાત્રા શરૂ કરતી વખતે અન્ના હજારેએ કહ્યું હતું કે, તેઓ દેશને ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટ રાજકારણીઓથી મુક્તિ અપાવવા માંગે છે. આ ઉપરાંત તેમણે રાજકારણમાં ગુનાખોરીની વાત કરતાં કહ્યું હતું કે, આજે રાજકારણમાં અનેક ‘ગુંડા’ છે, જેમની સામે ફોજદારી ગુના નોંધાયેલા છે.
આ દરમિયાન અણ્ણા હજારેએ તેમનો કે તેમના સાથીદારોનો લોકસભાની ચૂંટણી લડવાનો ઈરાદો નહીં હોવાની પણ વાત કરી હતી. અણ્ણાની જનતંત્ર યાત્રાનો હેતુ આગામી લોકસભા ચૂંટણીમાં પ્રામાણિક ઉમેદવાર લાવવાનો છે. જેથી કરીને ગુનેગારો અને ભ્રષ્ટાચારીઓને ચૂંટણીથી દૂર રાખી શકાય. આમ જનતંત્ર યાત્રાના હેતુ પરથી એટલું તો કહી શકાય કે, આગામી લોકસભા ચૂંટણીમાં તેઓ કેજરીવાલ અને તેમના આમ આદમી પક્ષનું સમર્થન કરે તો બહુ નવાઈ પામવા જેવું નહીં હોય. અણ્ણા હજારે પાંચ મહિના પછી નવી દિલ્હીના રામલીલા મેદાનમાં ફરી એકવાર જન સંસદનું આયોજન કરવાના છે, જે ભ્રષ્ટ સરકારનું ભાવિ નક્કી કરશે. એટલે કે, આગામી લોકસભાની ચૂંટણીને કદાચ સાતેક મહિના બાકી હશે ત્યારે ફરી એકવાર અણ્ણા કોંગ્રેસ વિરુદ્ધ જનમત ઊભો કરવામાં વ્યસ્ત થઈ જશે. વળી, તેમણે નવી દિલ્હીમાં ઉપવાસ કરી રહેલા કેજરીવાલની પણ મુલાકાત લીધી છે. અહીં પણ અણ્ણાએ ‘ભ્રષ્ટ સરકાર સામે એક’ થવાની વાત કરી હતી.
આ દરમિયાન તેમણે કેજરીવાલને ઉપવાસ તોડવાની સલાહ ભલે આપી, પરંતુ તેઓ મીડિયાકર્મીઓ સમક્ષ કેજરીવાલના ભારોભાર વખાણ કરવાનું ચૂક્યા ન હતા. તેમણે કહ્યું હતું કે, “અરવિંદ તેના માટે નથી લડતો. તે ન્યાય માટે લડે છે. તે ગરીબ સામાન્ય માણસ માટે લડી રહ્યો છે.” અહીં અણ્ણાએ ખાસ ‘પ્રેસ વાલા’ને યાદ કરીને કહ્યું હતું કે, “અમારા માર્ગ અલગ હોઈ શકે છે, પરંતુ અમારો હેતુ એક જ છે. સમાજ કી ભલાઈ, દેશ કી ભલાઈ. અરવિંદને જ્યારે પણ મારી જરૂર પડશે, અમે સાથે હોઈશું, અમે એકબીજાની પડખે રહીશું.” અણ્ણાના નિવેદનો ઘણું બધુ કહી જાય છે. અણ્ણાની જનતંત્ર યાત્રાના 25 મુદ્દાના કાર્યક્રમમાં સ્પષ્ટ શબ્દોમાં ઉલ્લેખ છે કે, તેઓ આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસની આગેવાનીમાં ચાલી રહેલી યુપીએ સરકારની વિરુદ્ધમાં જનમત ઊભો કરી રહ્યા છે. આ ઉપરાંત તેઓ જન લોકપાલ બિલ લાવવા પણ લોકજાગૃતિ ફેલાવી રહ્યા છે.
બીજી તરફ, કેજરીવાલ પણ ‘મુજે ચાહિયે જન લોકપાલ’નું સૂત્ર લખેલી ગાંધી ટોપી પહેરીને ઉપવાસ પર બેઠા છે. અહીં કહેવાનો અર્થ એ જ છે કે, અણ્ણા હજારે અને અરવિંદ કેજરીવાલનો હેતુ એક જ છે. અણ્ણા અને કેજરીવાલની કામ કરવાની પદ્ધતિને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ અને ભાજપની કાર્ય પદ્ધતિ સાથે સરખાવી શકાય. અણ્ણા પોતાનું કામ એક સામાજિક સંગઠન હેઠળ કરી રહ્યા છે, જ્યારે કેજરીવાલ રાજકીય પક્ષના કર્તાહર્તા છે. આમ તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ક્યારેય સીધેસીધું રાજકારણમાં નથી ઝંપલાવ્યું, પરંતુ સંઘ તેની રાજકીય પાંખ ભારતીય જનતા પક્ષ મારફતે રાજકારણમાં દોરીસંચાર કરતો રહે છે.
એક સમયે કોંગ્રેસના નેતાઓ કેજરીવાલ પર સંઘ-ભાજપના હાથા તરીકે વર્તવાનો આક્ષેપ મૂકતા હતા અને આ આક્ષેપોને નબળા પાડવા માટે જ કેજરીવાલે નીતિન ગડકરી જેવા ભાજપના સિનિયર નેતાઓના ભ્રષ્ટાચાર સામે પણ અવાજ ઉઠાવ્યો હતો. પરંતુ એક વાત નક્કી છે કે, પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ માર્કન્ડેય કાત્જુ ચોક્કસ કોઈના હાથા તરીકે વર્તી રહ્યા છે. કાત્જુ કોઈ અજ્ઞાત કારણોસર સંજય દત્તને બચાવવા માગે છે, પણ તેમને અણ્ણા અને કેજરીવાલથી વાંધો છે. કાત્જુના મતે, “અણ્ણા પાસે ‘વિચાર’ નથી, અને કેજરીવાલના પક્ષનો કોઈ ‘જનાધાર’ નથી. ભ્રષ્ટાચાર ખતમ કરવા રામલીલા મેદાનમાં આંદોલન અને પ્રદર્શનો કરવાથી કંઈ નહીં થાય. વધુમાં વધુ બે મહિનામાં લોકો બધું ભૂલી જશે. અણ્ણાના આંદોલનમાં વૈજ્ઞાનિક વિચારોનો અભાવ છે. આગામી વીસ વર્ષ સુધી દેશમાંથી ભ્રષ્ટાચારનો અંત નહીં આવે.” જોકે, આગામી વીસ વર્ષ સુધી દેશમાંથી ભ્રષ્ટાચારનો અંત નહીં આવે એ પાછળ તેમનો કયો વૈજ્ઞાનિક તર્ક છે એ વિશે તેમણે ફોડ પાડ્યો નથી.
આગામી વીસ વર્ષ સુધી દેશમાંથી ભ્રષ્ટાચારનો અંત નહીં આવે તેનો અર્થ એ નથી કે, આપણે ભ્રષ્ટાચાર સામે અવાજ ન ઉઠાવવો જોઈએ. જોકે, આમ આદમી પક્ષે દાવો કર્યો છે કે, તેમની અપીલને પગલે છ લાખથી વધારે દિલ્હીવાસીઓએ વીજળી-પાણીનું બિલ નથી ભરવાના. કેજરીવાલનું માનવું છે કે, દિલ્હી સરકાર અને પ્રાઈવેટ ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓના ભ્રષ્ટાચારના કારણે જ વીજળી-પાણીના બિલમાં વધારો થયો છે. હવે બૉલ મુખ્ય મંત્રી શીલા દિક્ષિતની કોર્ટમાં છે અને આમ આદમી કેજરીવાલ સાથે છે. જો, આ દાવામાં તથ્ય હોય તો કેજરીવાલ અને તેમના પક્ષનો દિલ્હીવાસીઓ પર પૂરતો પ્રભાવ છે, એવું કહી શકાય.
પરંતુ કેટલાક રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, જો કેજરીવાલ ખરેખર પ્રભાવશાળી હોય તો આપણે મુશ્કેલીમાં છીએ. કારણ કે, જેના લીધે દેશમાં ગરીબી વધી છે તે સમાજવાદી નીતિઓની જ કેજરીવાલ તરફેણ કરી રહ્યા છે. બીજી તરફ, દિલ્હીમાં છેલ્લાં એક દાયકામાં થયેલા વીજ-વિતરણ સુધારાની ગતિ પણ તેમના કારણે ખોરંભે પડી શકે છે. તેઓ ગરીબી, મોંઘવારી અને ભ્રષ્ટાચાર જેવી મુશ્કેલીઓ માટે પણ ‘ક્રોની કેપિટલિઝમ’ ને જવાબદાર ઠેરવે છે. જેમ કે, સરકારો જમીનથી લઈને પાણી, કોલસાથી લઈને સ્પેક્ટ્રમ સુધીના સંસાધનોની લ્હાણી કરે છે અને સહિયારી નફાખોરીમાં રચ્યાપચ્યા રહેતા મૂડીવાદીઓને સીધી કે આડકતરી રીતે ઉત્તેજન આપે છે. આ મૂડીવાદીઓની રાજકારણીઓ સાથે સાંઠગાંઠ હોય છે અને કેટલીકવાર રાજકારણીઓ પોતે જ મોટા બિઝનેસમેન હોય છે. આમ ભ્રષ્ટ સરકાર પરસ્પરના લાભમાં ખેલાતા મૂડીવાદી રાજકારણનો હિસ્સો બની જાય છે અને ભ્રષ્ટ રાજકારણનું ચક્ર ચાલ્યા કરે છે. પરંતુ આવી સરકારને ઉખાડીને ફેંકી દેવાથી એટલે કે, સત્તાના પરિવર્તનથી કાયમ માટે ભ્રષ્ટાચારનો અંત આવી જશે? આ સવાલ પણ અત્યંત મહત્ત્વનો છે.
જોકે, વિવિધ મુશ્કેલીઓ માટે મૂળભૂત રીતે રાજકીય રચના પણ જવાબદાર છે. આ વાત કેજરીવાલ પણ સારી રીતે જાણે છે અને એટલે જ તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો છે. તેઓ રાજકારણમાં સત્તાનું અને પછી વ્યવસ્થાનું પરિવર્તન કરવા માગે છે. હવે કેજરીવાલ પોતે પણ રાજકીય અખાડામાં આવી ચૂક્યા છે ત્યારે જોઈએ સિસ્ટમનો હિસ્સો બનીને તેઓ કેવી રીતે પરિવર્તન લાવવાનો પ્રયાસ કરે છે!
મતદારો પર કેજરીવાલનો પ્રભાવ પડશે?
આગામી લોકસભાની ચૂંટણીમાં મતદારો પર અરવિંદ કેજરીવાલનો પ્રભાવ કેટલો રહેશે તે તો સમય જ કહેશે. પરંતુ હાલ તો પ્રતિષ્ઠિત ‘ટાઈમ’ મેગેઝીને વિશ્વના સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓની યાદીમાં અરવિંદ કેજરીવાલની પસંદગી કરી લીધી છે. આશ્ચર્યની વાત તો છે કે, આ યાદીમાં ભારતમાંથી એકમાત્ર કેજરીવાલ છે. વર્ષ 2011માં આ યાદીમાં મહેન્દ્ર સિંહ ધોનીને સ્થાન મળ્યું હતું, તો વર્ષ 2007 અને 2008 એમ સતત બે વર્ષ સોનિયા ગાંધી પણ આ યાદીમાં સ્થાન મેળવી ચૂક્યા છે. જોકે, કેજરીવાલની સિદ્ધિ એ છે કે, તેમનો ફક્ત આ યાદીમાં સમાવેશ નથી થયો, પરંતુ આ લખાય છે ત્યારે 26,532 મત સાથે આ યાદીમાં તેઓ બીજા નંબરે છે. તેમના પહેલાં ઈજિપ્તના પ્રમુખ મોહમ્મદ મોર્સી છે, જેમને 58,185 મત મળ્યા છે. અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાને પણ અત્યાર સુધી ફક્ત 3,241 મત મળ્યા છે. ‘ટાઈમ’ના ટોપ 100 પ્રભાવશાળી ઉમેદવારો માટે હજુ 12મી એપ્રિલ સુધી મતદાન જારી રહેશે અને તેના પરિણામો 18મી એપ્રિલે જાહેર થશે.
નોંધઃ તસવીર નેટ પરથી લીધી છે.
No comments:
Post a Comment