22 October, 2012

બોલિવૂડમાં સ્પેશિયલ ઈફેક્ટની માયાજાળ


કેટલાક વર્ષોથી ભારતમાં ટેકનિકલ નિષ્ણાતો અને ક્રિએટિવ લેખકોનો વ્યાપ વધવાથી તેમજ પૌરાણિક વાર્તાઓ પરથી ફિલ્મો, સીરિયલો બનવાનું ચલણ વધ્યું હોવાના કારણે સ્પેશિયલ ઈફેક્ટ (વીએફએક્સ) ઈન્ડસ્ટ્રીનો કૂદકે ને ભૂસકે વિકાસ થઈ રહ્યો છે. ઓક્ટોબરમાં પ્રદર્શિત થયેલી ‘મખ્ખી’ ફિલ્મમાં ઉચ્ચ દરજ્જાની વિઝ્યુઅલ ઈફેક્ટનો ઉપયોગ કરાયો છે. તમિળ ફિલ્મ ‘ઈગા’ની હિન્દી આવૃત્તિ ‘મખ્ખી’માં સ્પેશિયલ ઈફેક્ટની મદદથી તૈયાર કરાયેલી એનિમેટેડ માખી મુખ્ય ભૂમિકામાં છે. આ એનિમેટેડ માખીના પરફેક્શને અનેક નિષ્ણાતોનું ધ્યાન ખેંચ્યુ છે. એનિમેશન ફિલ્મને બોક્સઓફિસ પર સફળતા મળશે કે નહીં તેનો આધાર વાર્તાની સાથે વિઝ્યુઅલ ઈફેક્ટની ગુણવત્તા પર પણ રહેલો છે. સદનસીબે, આજે ભારતમાં અનેક કંપનીઓ સારી ગુણવત્તા ધરાવતી એનિમેશન ટેકનિક ઓફર કરે છે.
    
સ્પેશિયલ ઈફેક્ટ ઈન્ડસ્ટ્રીના નિષ્ણાતોના જણાવ્યાનુસાર, હવે બોલિવૂડના અનેક નિર્માતાઓ પોતાની ફિલ્મમાં વિઝ્યુઅલ ઈફેક્ટ માટે મસમોટું બજેટ ફાળવતા થયા છે. જેમ કે, ‘મખ્ખી’ના નિર્માતાઓએ રૂ. 30 કરોડના બજેટમાંથી બહુ મોટી રકમ તો એક કમ્પ્યુટર જનરેટેડ માખી બનાવવા પાછળ જ ખર્ચી નાંખ્યા હતા. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ‘રોબોટ’, ‘રા-વન’ અને ‘એક થા ટાઈગર’ જેવી ફિલ્મોથી વિઝ્યુઅલ ઈફેક્ટનું ચલણ વધ્યું છે. આમ છતાં ભારતીય માર્કેટમાં વિઝ્યુઅલ ઈફેક્ટની જરૂર પડે એવી સાયન્સ ફિક્શન ફિલ્મો નથી બનતી. જોકે, હાલ એક્શન, હોરર અને એડવેન્ચર ફિલ્મોમાં સ્પેશિયલ ઈફેક્ટનો ભરપૂર ઉપયોગ કરવામાં આવતો હોવાથી આ ઈન્ડસ્ટ્રીને વેગ મળી રહ્યો છે. જેમ કે, ઓગસ્ટમાં આવેલી ‘એક થા ટાઈગર’ ફિલ્મના એક હજારથી પણ વધુ દૃશ્યોમાં વિઝ્યુઅલ ઈફેક્ટ ટેક્નોલોજીનો ઉપયોગ કરાયો હતો.

‘મખ્ખી’ ફિલ્મની કમ્પ્યુટર જનરેટેડ માખી

‘રા-વન’ ફિલ્મનું પોસ્ટર 

જોકે, અત્યારે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કુલ ટર્નઓવરમાં વિઝ્યુઅલ ઈફેક્ટ ઈન્ડસ્ટ્રીનો હિસ્સો ઘણો ઓછો છે, પરંતુ અગાઉના વર્ષોની સરખામણીમાં આ ઈન્ડસ્ટ્રીનો ખૂબ ઝડપથી વિકાસ થઈ રહ્યો છે. ફિક્કી-કેપીએમજી ઈન્ડિયન મીડિયા એન્ડ એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રી રિપોર્ટ 2012માં જણાવ્યાનુસાર, વર્ષ 2011માં વિઝ્યુઅલ ઈફેક્ટ ઈન્ડસ્ટ્રીમાં આગલા વર્ષ કરતા 45 ટકા વધારો નોંધાયો હતો અને આ આંકડો રૂ. 1,970 કરોડે પહોંચી ગયો હતો. આ આંકડો દર્શાવે છે કે, ભારતીય દર્શકો સ્પેશિયલ ઈફેક્ટ ધરાવતી ફિલ્મો માટે તૈયાર છે. વળી, હોલિવૂડની સ્પેશિયલ ઈફેક્ટથી ભરપૂર ફિલ્મો પણ ભારતમાં સારો એવો વકરો કરે છે. આ વાત પણ દર્શાવે છે કે, ભારતીય દર્શકોને આવી ફિલ્મો પસંદ છે. પરંતુ હજુ પણ હિન્દી ફિલ્મોમાં સ્પેશિયલ ઈફેક્ટનું પ્રમાણ ઘણું ઓછું કહી શકાય એવું છે.

તાજેતરનો ભૂતકાળ તપાસીએ તો મેઈન સ્ટ્રીમ ઈન્ડસ્ટ્રીમાં પણ સ્પેશિયલ ઈફેક્ટ પર આધારિત સ્ક્રીપ્ટ પરથી અનેક ફિલ્મો બની છે. શાહરૂખખાનની ‘રા-વન’ કે રજનીકાંતની ‘રોબોટ’ને પણ આ જ શ્રેણીમાં મૂકી શકાય. આ ફિલ્મોમાં હોલિવૂડ બ્લોકબસ્ટર ‘અવતાર’ કરતા પણ વધુ સ્પેશિયલ ઈફેક્ટનો ઉપયોગ કરાયો છે. ઉચ્ચ ગુણવત્તા ધરાવતી સ્પેશિયલ ઈફેક્ટ કરી આપતા નિષ્ણાતોનો વ્યાપ વધવાના કારણે સ્ક્રીપ્ટ રાઈટર અને ડિરેક્ટરોને પણ ક્રિએટિવ ફિલ્મો બનાવવા મોકળું મેદાન મળ્યું છે. થોડા વર્ષો પહેલાં ફિલ્મોમાં સ્પેશિયલ ઈફેક્ટનો ભાગ્યે જ ઉપયોગ થતો હતો, પરંતુ અત્યારે એવી અનેક સ્ક્રીપ્ટ લખાઈ રહી છે જેના પરથી ફિલ્મ બનાવવા માટે સ્પેશિયલ ઈફેક્ટ અનિવાર્ય શરત છે. આજની ફિલ્મોમાં કલ્પનાશીલ એક્શન દૃશ્યો કે હીરોને સુપરહીરો તરીકે દર્શાવીને ટિકિટ બારી સુધી દર્શકો ખેંચી લાવવા માટે સ્પેશિયલ ઈફેક્ટની માયાજાળ જરૂરી થઈ ગઈ છે.

ભારતમાં સ્પેશિયલ ઈફેક્ટ પ્રોડક્શનનો કુલ હિસ્સો અમેરિકા કરતા ચોથા ભાગનો અને કોરિયા, ફિલિપાઈન્સ જેવા દેશો કરતા 35 ટકા જેટલો ઓછો છે. પરંતુ હોલિવૂડના અનેક નિર્માતાઓ સ્પેશિયલ ઈફેક્ટનું કામ ભારતીય સ્ટુડિયોમાં કરાવતા હોવાથી આ ઈન્ડસ્ટ્રીને ફાયદો થઈ રહ્યો છે. જોકે, વિદેશી નિર્માતાઓને અહીં કામ કરાવવું ઘણું સસ્તુ પડતું હોવાથી તેઓ અહીં આવી રહ્યા છે. વળી, જે કામમાં ઓછામાં ઓછી ક્રિએટિવિટીની જરૂર હોય તેવું કામ જ ભારતીય સ્ટુડિયોને સોંપાઈ રહ્યું છે. આમ છતાં એટલું તો કહી શકાય કે, ભારતમાં સ્પેશિયલ ઈફેક્ટ ઈન્ડસ્ટ્રીનો ધીમો પણ મક્કમ ગતિએ વિકાસ થઈ રહ્યો છે.

‘એક થા ટાઈગર’નું એક દૃશ્ય 

‘રોબોટ’માં રજનીકાંત

તાજા સમાચાર છે કે, રિલાયન્સ મીડિયાવર્ક્સે લોસ એન્જલસની ડિજિટલ ડોમેઈન પ્રોડક્શન્સ નામની કંપની સાથે જોડાણ કર્યું છે. આ અમેરિકન કંપનીએ તાજેતરમાં જ ‘ટ્રાન્સફોર્મર્સઃ ડાર્ક ઓફ ધ મૂન’માં સ્પેશિયલ ઈફેક્ટનું મહત્ત્વનું કામ પાર પાડીને લોકોનું ધ્યાન ખેંચ્યુ હતું. હવે, આ કંપની રિલાયન્સ મીડિયાવર્ક્સની ભાગીદારીમાં મુંબઈ અને લંડનમાં સ્ટુડિયો ખોલીને ફિલ્મ, ટેલિવિઝન અને એડવર્ટાઈઝિંગના સ્પેશિયલ ઈફેક્ટ માર્કેટમાં ઝંપલાવી રહી છે. આ ઉપરાંત તે 3D કન્વર્ઝનનું પણ કામ હાથ ધરવાની છે. એક ભારતીય કંપની માટે આ ભાગીદારી અત્યંત મહત્ત્વની ગણી શકાય. કારણ કે, ડિજિટલ ડોમેઈન ‘અવતાર’, ‘ટાઈટેનિક’ અને ‘ટર્મિનેટર’ જેવી ફિલ્મો બનાવનાર જેમ્સ કેમરૂનના ભેજાની ઉપજ છે. આ ઉપરાંત આ કંપની સાથે ‘ટ્રાન્સફોર્મરઃ ડાર્ક ઓફ ધ મૂન’ના ડિરેક્ટર માઈકલ બે પણ સંકળાયેલા છે.

આ અંગે રિલાયન્સ મીડિયાવર્ક્સના સીઈઓ અનિલ અર્જુન જણાવે છે કે, “આજે બહુ બધી ફિલ્મોમાં સ્પેશિયલ ઈફેક્ટનો ઉપયોગ કરવામાં આવે છે. વળી, અનેક 3Dમાં પણ અનેક ફિલ્મો રિલીઝ થાય છે. ભારતમાં સ્પેશિયલ ઈફેક્ટ ઈન્ડસ્ટ્રીનો સતત વિકાસ થઈ રહ્યો છે. અમને આશા છે કે, ત્રણેક વર્ષમાં 100 જેટલી 3D ફિલ્મો રિલીઝ થશે. આ ઈન્ડસ્ટ્રી પાસેથી અમને ઘણી આશા છે.”

રિલાયન્સ મીડિયાવર્ક્સે નવી મુંબઈમાં આવેલી તેની 90 હજાર સ્ક્વેર ફૂટમાં પથરાયેલી મીડિયા બીપીઓની બિલ્ડિંગમાં જ અત્યાધુનિક સ્ટુડિયો સ્થાપવાનો નિર્ણય લીધો છે. અહીં 600 જેટલા કમ્પ્યુટર આર્ટિસ્ટ કાર્યરત રહેશે, જેમાં 400 વિઝ્યુઅલ ઈફેક્ટના અને 250 3D કન્વર્ઝનના આર્ટિસ્ટ હશે. બીજી તરફ ભારતમાં ટેકનિકલર અને રિધમ જેવી કંપનીઓ તો પહેલેથી કાર્યરત છે. આ સંજોગોમાં તમામ કંપનીઓ વચ્ચે સારી એવી સ્પર્ધા થશે અને ભારતમાં હજુ વધુ ગુણવત્તાવાળું અને સસ્તું કામ થશે. અત્યારે ફિલ્મોમાં સ્પેશિયલ ઈફેક્ટનો ઉપયોગ કરતા ટોપ ફાઈવ દેશોમાં અમેરિકા, યુ.કે., જાપાન, ફ્રાંસ અને જર્મનીનો સમાવેશ થાય છે. આ તમામ દેશોના નિર્માતાઓ સ્પેશિયલ ઈફેક્ટ માટે આઠથી દસ ટકા જેટલું બજેટ ફાળવતા હોય છે. હવે, વર્ષે સૌથી વધુ ફિલ્મ બનાવતું ભારત પણ આ દેશોની હરોળમાં સહેલાઈથી પહોંચી જવાની ઈન્ડસ્ટ્રીના નિષ્ણાતો આશા રાખી રહ્યા છે.

આજનો ભારતીય યુવા વર્ગ નિયમિત રીતે હોલિવૂડની ફિલ્મો જુએ છે. પરિણામે આજના દર્શકો ફિલ્મ કે સ્પેશિયલ ઈફેક્ટની ગુણવત્તાને ખૂબ સારી રીતે સમજે છે. તેથી ડિજિટલ મીડિયા જેવી અનેક કંપનીઓ માટે ભારતીય ફિલ્મો માટે ઉચ્ચ ગુણવત્તાવાળી સ્પેશિયલ ઈફેક્ટનું કામ પાર પાડવું એ પણ એક મોટો પડકાર છે.

સ્પેશિયલ ઈફેક્ટ શું છે?

વિઝ્યુઅલ ઈફેક્ટ ટૂંકમાં વીએફએક્સ તરીકે ઓળખાય છે. ફિલ્મમેકર પોતાની કલ્પનાનો ઉપયોગ કરીને કોઈ આબેહૂબ (રિયાલિસ્ટિક) દૃશ્ય ઊભું કરવા માંગે ત્યારે આ ટેકનિકનો ઉપયોગ કરાય છે. જેમ કે, ‘રા-વન’ ફિલ્મમાં શાહરૂખખાન સાયન્સ ફિક્શન સુપરહીરો જેવો લાગે એ માટે સ્પેશિયલ ઈફેક્ટનો ઉપયોગ કરાયો હતો. આ ફિલ્મમાં 3,500 જેટલા શોટમાં સ્પેશિયલ ઈફેક્ટ ટેકનિકનો ઉપયોગ કરાયો હતો. આ પ્રકારની ફિલ્મમાં પાત્રને ખાસ પ્રકારના કોસ્ચ્યૂમ્સ અને મેકઅપ કરીને તૈયાર કરવામાં આવે છે, અને બાદમાં પાત્રને વાર્તા મુજબ કમ્પ્યુટરની મદદથી આબેહૂબ દર્શાવવાનો પ્રયાસ કરાય છે.

વિઝ્યુઅલ ઈફેક્ટને સામાન્ય રીતે ચાર વર્ગમાં વિભાજિત કરવામાં આવે છે. પહેલો પ્રકાર છે મોડેલ્સ. તેમાં મીનિયેચર સેટ અને મોડેલ ઊભા કરીને એનિમેટેડે પાત્રો સર્જવામાં આવે છે. કાર્ટૂન ફિલ્મોમાં મોટે ભાગે આવી ટેકનિકનો ઉપયોગ કરાય છે. બીજો પ્રકાર મેટ્ટ પેઈન્ટિંગ અને સ્ટીલનો છે. જેમાં ડિજિટલ પેઈન્ટિંગ અને ફોટોગ્રાફનો બેકગ્રાઉન્ડ તરીકે ઉપયોગ કરીને દૃશ્ય સર્જવામાં આવે છે. પરંતુ આ દૃશ્ય પેઈન્ટિંગ જેવું નહીં પણ એકદમ રિયાલિસ્ટિક લાગે છે. ત્રીજો પ્રકાર લાઈવ એક્શન ઈફેક્ટ્સ તરીકે ઓળખાય છે. ફિલ્મોમાં એક્શન દૃશ્યોમાં મોટે ભાગે આ ટેકનિકનો ઉપયોગ કરાય છે. જ્યારે ચોથો પ્રકાર ડિજિટલ કે સ્પેશિયલ ઈફેક્ટ તરીકે ઓળખાય છે. અત્યારની મોશન ફિલ્મ પ્રોડક્શન ઈન્ડસ્ટ્રીમાં તેનો ભરપૂર ઉપયોગ થાય છે.

No comments:

Post a Comment