15 October, 2012

‘દિલ્હી સફારી’: મનોરંજન અને સંદેશનો સુંદર સમન્વય


આપણે જાણીએ છીએ કે, વિશ્વભરમાં સૌથી વધુ ફિલ્મો ભારતમાં બને છે. આમ છતાં ભારતમાં ઘણાં વર્ષો સુધી બાળફિલ્મો બનવાનું પ્રમાણ ચિંતાજનક રીતે અત્યંત ઓછું રહ્યું. બાળકો દેશનું ભવિષ્ય હોય છે અને આપણે જાણીએ છીએ કે, બાળફિલ્મો શિક્ષણનું પણ કામ કરે છે. જોકે, છેલ્લાં કેટલાક વર્ષોમાં સુંદર કથાવસ્તુ ધરાવતી બાળફિલ્મો તેમજ એનિમેશન ફિલ્મોના પ્રોડક્શનમાં ઘણો સુધારો થયો છે. યુવા લેખકો અને દિગ્દર્શકો પણ પૌરાણિક પાત્રો પરથી સુંદર ફિલ્મો, કાર્ટૂન સીરિયલો બનાવી રહ્યા છે. વળી, યુવા ભારતમાં એનિમેશન કે કાર્ટૂન ફિલ્મના બિઝનેસમાં પણ જંગી વધારો થવાના કારણે અનેક નિર્માતાઓ તેમાં રોકાણ કરી રહ્યા છે. હવે, નિખિલ અડવાણી પણ ‘દિલ્હી સફારી’ નામની એનિમેશન ફિલ્મ લઈને આવી રહ્યા છે. 

‘દિલ્હી સફારી’નું પોસ્ટર 

‘દિલ્હી સફારી’ની સ્ટોરી અત્યાર સુધીની તમામ બાળફિલ્મોથી ઘણી અલગ છે. સૌથી સારી વાત તો એ છે કે, આ એક 3D એનિમેશન ફિલ્મ છે અને તેમાં અત્યંત મનોરંજક રીતે પર્યાવરણના મુદ્દા ઉઠાવાયા છે. આ ફિલ્મની વાર્તા એવી છે કે, મુંબઈના બોરિવલી નેશનલ પાર્કમાં રહેતા પ્રાણીઓ એક દિવસ સવારે ઉઠે છે. એ દિવસ દીપડાના બચ્ચાં યુવી સિવાયના તમામ પ્રાણીઓ માટે રોજના જેવો જ હોય છે, પરંતુ યુવી માટે આજની સવાર કંઈક અલગ રહેવાની હોય છે. આજે યુવી પોતાના પિતા સુલતાન પાસેથી જીવનનો બહુ મોટો પાઠ શીખવાનો હોય છે. સુલતાન જંગલમાં રહેતા દીપડાઓનો આગેવાન છે. જોકે એ દિવસે યુવી પિતા પાસેથી કશું શીખી શકતો નથી. કારણ કે, સુલતાનને માણસો એટલે કે, શિકારીઓએ ઘેરી લીધો હોય છે. માણસોનો એક જ એજન્ડા છે કે, જેમ બને તેમ ઝડપથી જંગલોનો સફાયો કરો અને પ્રાણીઓને ખતમ કરો. કારણ કે, તેઓ ત્યાં મહાકાય બિલ્ડિંગો બાંધવા ઈચ્છતા હોય છે.

બસ, હવે અસલી વાર્તા શરૂ થાય છે. હવે જંગલના બધા જ પ્રાણીઓ જંગલોના સફાયા મુદ્દે દિલ્હી સરકાર સામે જંગે ચડે છે. દીપડાનું બચ્ચું યુવી અને તેની માતા બેગમ દિલ્હી જઈને સાંસદો સમક્ષ અરજી કરવાનો નિર્ણય લે છે. આ કામમાં અત્યંત ગુસ્સાવાળો વાંદરો બજરંગી અને તેના એંગર મેનેજમેન્ટ ગુરુ રીંછ એટલે કે ડૉ. બગ્ગા પણ તેમને સાથ આપે છે. પરંતુ તેઓ માણસોની ભાષા જાણતા નહીં હોવાથી એલેક્સ નામના પોપટનું અપહરણ કરે છે. તે માણસોની ભાષા સારી રીતે જાણતો હોય છે. હવે તેઓ મુંબઈથી દિલ્હી જવા નીકળે છે અને આ મુસાફરીમાં એકબીજાના દુશ્મન પ્રાણીઓ વચ્ચે મિત્રતા કેળવાય છે. તેઓ પણ જંગલોના સફાયા મુદ્દે યુવીને સાથ આપવાનો નિર્ણય લે છે.

એક એનિમેશન ફિલ્મ માટે નિખિલ અડવાણીએ ગોવિંદા, સુનીલ શેટ્ટી, બોમન ઈરાની અને ઉર્મિલા માંતોડકર જેવા કલાકારોને મનાવીને માસ્ટર સ્ટ્રોક ફટકાર્યો છે. આ સ્ટાર કાસ્ટના કારણે ફિલ્મના પ્રમોશનમાં આપોઆપ લાભ થઈ રહ્યો છે. દીપડાના સરદારનો અવાજ સુનીલ શેટ્ટીએ અને તેની બેગમનો અવાજ ઉર્મિલા માંતોડકરે આપ્યો છે. જ્યારે તેમના બચ્ચાંનો અવાજ બાળ એક્ટ્રેસ સ્વિની ખરાએ આપ્યો છે. સ્વિનીને આપણે ‘બા બહુ ઓર બેટી’ સીરિયલમાં જોઈ ચૂક્યા છે. આ ઉપરાંત તે ‘ચીની કમ’, ‘હરિ પુત્તર’ અને ‘પાઠશાલા’ જેવી ફિલ્મો પણ કરી ચૂકી છે. ગુસ્સાવાળા વાંદરાનો અવાજ ગોવિંદા અને તેના એંગર મેનેજમેન્ટ ગુરુનો અવાજ બોમન ઈરાનીએ આપ્યો છે. તો, માણસોની ભાષા જાણતા એલેક્સ પોપટનો અવાજ અક્ષય ખન્નાએ આપ્યો છે. જ્યારે ફિલ્મનું સંગીત શંકર, અહેસાન અને લોયે આપ્યું છે.

‘દિલ્હી સફારી’ હજુ 19મી ઓક્ટોબરે પ્રદર્શિત થવાની છે. ફિલ્મના નિર્માતા અનુપમા પાટિલ અને કિશોર પાટિલ જણાવે છે કે, “બાળકો સિવાયનો બહુ મોટો વર્ગ પણ આ ફિલ્મની રાહ જોઈ રહ્યો છે.” તેમની વાત બિલકુલ સાચી છે. યુવાનોના દેશ ભારતમાં એનિમેશન અને કાર્ટૂન ફિલ્મોના દર્શકોમાં જબરદસ્ત વધારો થયો છે. વળી, ‘દિલ્હી સફારી’ને તો તેની મજબૂત વાર્તાના કારણે અત્યારથી જ જોરદાર માઈલેજ મળ્યું છે. કારણ કે, ‘દિલ્હી સફારી’ના હીરો યુવી એટલે કે દીપડાના બચ્ચાંની મુંબઈના બોરિવલીમાં આવેલા સંજય ગાંધી નેશનલ પાર્કના મેસ્કોટ તરીકે પસંદગી કરવામાં આવી છે.

આ અંગે ચિફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ અને સંજય ગાંધી નેશનલ પાર્કના ડિરેક્ટર સુનીલ લિમયે કહે છે કે, “સંજય ગાંધી નેશનલ પાર્કના દીપડા પણ યુવી જેવી જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આ નેશનલ પાર્ક તેમનું ઘર છે અને રોજેરોજ વધુને વધુ વૃક્ષોનો સફાયો થઈ રહ્યો છે. પરિણામે તેઓ માનવ વસતીમાં ઘૂસી જાય છે અને છેવટે માણસ સાથેના સંઘર્ષમાં તેમને મારી નાંખવામાં આવે છે. તેમનું જીવન ખતરામાં છે. યુવી આ તમામ મુશ્કેલીઓનું પ્રતીક છે.” લિમયેની વાત બિલકુલ સાચી છે. આપણે અખબારોમાં રોજેરોજ માનવ વસતીમાં ઘૂસી આવતા દીપડાના સમાચારો વાંચીએ છીએ.

સુનીલ લિમયે નેશનલ પાર્કમાં યુવીનું બેનર મૂકીને સંતોષ નથી માનવાના. તેઓ નેશનલ પાર્કની સમગ્ર બોર્ડર પર યુવીના બેનરો મૂકવાની તૈયારી કરી રહ્યા છે. તેઓ કહે છે કે, “નેશનલ પાર્કના તમામ પ્રાણીઓ જંગલ વિસ્તાર ઓછો પડવો, ઘોંઘાટ અને શહેરીકરણ જેવી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. યુવીનું પાત્ર ખૂબ સુંદર છે અને તેથી જ અમે મેસ્કોટ તરીકે તેની પસંદગી કરી છે.” આમ તો નેશનલ પાર્કમાં અસલી પ્રાણીઓના ફોટોગ્રાફ કે પેઈન્ટિંગ મૂકાયા જ હોય છે. પરંતુ ખાસ કરીને બાળકોને કોઈ સંદેશ આપવા માટે ફિલ્મનું પાત્ર ઘણું અસરકારક પુરવાર થતું હોય છે. તેઓ કહે છે કે, “નેશનલ પાર્કમાં અસલી પશુ-પક્ષીઓના બેનરો એટલા રસપ્રદ નથી હોતા. પરંતુ એનિમેટેડ પાત્રો ઘણાં આકર્ષક હોય છે. તેથી અમે તેમના બેનરો લગાવવાનું નક્કી કર્યું છે.”

‘દિલ્હી સફારી’ના પોસ્ટરમાં યુવી 

‘સેવ મુંબઈ નેશનલ પાર્ક’ નામના પ્રોજેક્ટ સાથે સંકલાયેલા લોકો પણ ‘દિલ્હી સફારી’ જેવી ફિલ્મ બનાવવા બદલ ફિલ્મ ક્રૂનો આભાર માની રહ્યા છે. તેમનું માનવું છે કે, આ ફિલ્મના કારણે પર્યાવરણ મુદ્દે થઈ રહેલા આંદોલનોને ઘણી મદદ મળશે. બીજી તરફ, પ્રાણીઓના હક્કો અંગે જાગૃતિ ફેલાવવાનું કામ કરતી આંતરરાષ્ટ્રીય સંસ્થા ‘પેટા’ પણ ‘દિલ્હી સફારી’ને પ્રમોટ કરી રહી છે. ફિક્કી ફ્રેમ્સ 2012માં ‘દિલ્હી સફારી’ને બેસ્ટ ફિચર ફિલ્મનો એવોર્ડ મળી ચૂક્યો છે. એટલું જ નહીં, એનિમેશન ફિલ્મો માટેના અત્યંત પ્રતિષ્ઠિત એનેસી ફિલ્મ ફેસ્ટિવલમાં પણ ભારત સરકારે ‘દિલ્હી સફારી’ની સત્તાવાર પસંદગી કરીને મોકલી દીધી છે.

‘દિલ્હી સફારી’ને અત્યારથી જ આટલો સારો પ્રતિસાદ મળતા નિર્માતાઓએ તેને એકસાથે 300 સિનેમાઘરોમાં રજૂ કરવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત આ ફિલ્મ અંગ્રેજીમાં પણ બનાવવાની જાહેરાત કરાઈ છે. ફિલ્મની અંગ્રેજી આવૃત્તિમાં હોલિવૂડના કલાકારો અવાજ આપવાના છે. જ્યારે ચાઈનીઝ અને રશિયન ભાષામાં પણ ‘દિલ્હી સફારી’ બની ચૂકી છે. આ અંગે નિખિલ અડવાણી કહે છે કે, “આટલી સફળતા બહુ મોટા ગર્વની વાત છે. અમે આશા રાખીએ છીએ કે, આ ફિલ્મ થકી અમે વાઈલ્ડ લાઈફ પ્રત્યે જાગૃતિ લાવવામાં મદદરૂપ થઈશું.”

આપણે પણ આશા રાખીએ કે, આ ફિલ્મ થકી કમસે કમ બાળકોમાં પર્યાવરણ અંગે થોડીઘણી જાગૃતિ આવે. આજે પણ મોટા ભાગના ભારતીયો ફક્ત મનોરંજન માટે ફિલ્મો જુએ છે, અને કદાચ એટલે જ મોટા ભાગના ભારતીય ફિલ્મમેકરો માટે ફિલ્મ એક બિઝનેસ છે. જોકે, છેલ્લાં દસેક વર્ષમાં દર્શકોનો ટેસ્ટ બદલાયો છે. પરિણામે અત્યારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કંઈક નવું કરવા માંગતા લેખકો અને દિગ્દર્શકોનો ઝડપથી સ્વીકાર થઈ રહ્યો છે. આજના યુવા લેખકો અને દિગ્દર્શકોમાં ક્રિએટિવિટી ઠાંસી ઠાંસીને ભરી છે. તેઓ જાણે છે કે, કોઈ સંદેશ આપવા માટે અત્યંત નીરસ ફિલ્મ બનાવવાનો કોઈ મતલબ નથી. ફિલ્મ જેવા મજબૂત માધ્યમનો ઉપયોગ કરીને કોઈ સંદેશ આપવો હોય તો તેમાં મનોરંજનનું તત્ત્વ પણ સુંદર રીતે વણાયેલું હોવું જરૂરી છે.

નોંધઃ તમામ તસવીરો ઈન્ટરનેટ પરથી લીધી છે. 

No comments:

Post a Comment