23 October, 2012

રાજકીય અખાડામાં કેજરીવાલ ટકી શકશે?


અરવિંદ કેજરીવાલ અને તેમના સાથીઓએ અણ્ણા હજારે સાથે છેડો ફાડ્યા પછી ભ્રષ્ટાચાર વિરુદ્ધનું આંદોલન તેજ બનાવ્યું છે. હજુ થોડા દિવસ પહેલાં કેજરીવાલ એક કર્મશીલ એટલે કે, એક્ટિવિસ્ટ તરીકે ઓળખાતા હતા. પરંતુ તેમણે રાજકીય પક્ષ રચવાની તૈયારી કરતા જ પત્રકારો અને રાજકારણીઓ તેમને એક ‘મહત્ત્વકાંક્ષી રાજકારણી’ ગણાવી રહ્યા છે. આપણે માની લઈએ કે તેમને રાજકીય મહત્ત્વકાંક્ષા હોઈ શકે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તેમને ભ્રષ્ટાચારનો વિરોધ કરવાનો હક્ક નથી. કેજરીવાલે યુપીએ સરકારના મહારથીઓના કપડાં ઉતાર્યા પછી તેમના પર ભાજપના એજન્ટ હોવાના આક્ષેપો થયા હતા. પરંતુ આ સ્થિતિમાં પણ કેજરીવાલે માસ્ટર સ્ટ્રોક ફટકાર્યો અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નીતિન ગડકરીને કઠેડામાં ઊભા કરી દીધા. આવું કરવા પાછળનો તેમનો તર્ક એ જ છે કે, હવે કોઈ તેમને ભાજપના એજન્ટ નહીં કહી શકે. પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે, શું એક કર્મશીલ યુવાન રાજકીય અખાડામાં ટકી શકશે ખરો?

છેલ્લાં કેટલાક સમયથી અરવિંદ કેજરીવાલ જેવી રીતે ભ્રષ્ટાચાર વિરુદ્ધનું આંદોલન ચલાવી રહ્યા છે એ જોતા તમામ રાજકીય પક્ષો તેમનાથી સલામત અંતર રાખી રહ્યા છે. બીજી તરફ, કેટલાક પક્ષો તો મૂંઝવણમાં છે કે, કેજરીવાલને સાથ આપવો કે પછી તેમનો વિરોધ કરવો? તેમનો ઉપયોગ કરવો કે પછી તેમનાથી દૂર રહેવું? કારણ કે, કેજરીવાલ નામની બંદૂકમાંથી ક્યારે, કઈ બાજુ ગોળી છૂટશે એ કોઈ કહી શકે એમ નથી. હવે, બધા જ રાજકીય પક્ષો એકસૂરે કહે છે કે, ‘આ કોઈ રીત નથી.’, ‘કેજરીવાલની લડવાની પદ્ધતિ ખોટી છે.’ વગેરે. પરંતુ મૂળ વાત એ છે કે, જડભરત રાજકારણીઓ સામે લડવાની સાચી રીત કઈ? આ દેશના ભ્રષ્ટાચારી નેતાઓએ આ પહેલાં ક્યારેય આટલી મુશ્કેલી નથી અનુભવી. કેજરીવાલ માને છે કે, પ્રજા જ એક આંદોલન ઊભું કરે અને ભ્રષ્ટાચારીઓ પાસેથી સત્તા ખૂંચવી લે.

પરંતુ લગભગ બધા જ પક્ષના રાજકીય આગેવાનો કેજરીવાલની લડવાની આ રીતને અયોગ્ય અને અરાજકતા ફેલાવનારી કહીને વખોડી રહ્યા છે. કેજરીવાલે રોબર્ટ વાડરા પર આક્ષેપો કર્યા પછી કર્ણાટક કોંગ્રેસના રાજકીય આગેવાન ઓસ્કાર ફર્નાન્ડિસે કહ્યું હતું કે, “વાડરાએ પોતાનો પક્ષ રજૂ કર્યો છે અને જો કોઈને તકલીફ હોય તો દેશમાં એક સિસ્ટમ છે. સુપ્રીમ કોર્ટ છે, હાઈકોર્ટ અને મેજિસ્ટ્રિયલ કોર્ટ છે. તમે ત્યાં જઈ શકો છો. લોકોની વચ્ચે જઈને મુદ્દાઓ ઊઠાવવા અને ‘હીટ એન્ડ રન’ની નીતિ અપનાવવી એ સારી વાત નથી.” ગાંધી પરિવારના જમાઈ પર આક્ષેપો કર્યા પછી કોંગ્રેસ મોવડીઓ આવી શાણી ભાષામાં વાત કરે એ સ્વભાવિક છે.


અરવિંદ કેજરીવાલ

હા, એક વાત સાચી કે કેજરીવાલ ફક્ત પ્રજા વચ્ચે જઈને મુદ્દા ઉઠાવે છે. પરંતુ આ તેમની રીત છે. તેઓ પ્રજાને એ સમજાવવા માંગે છે કે, સબ ચોર હૈ. કોંગ્રેસ અને ભાજપ હળીમળીને ભ્રષ્ટાચાર કરે છે. દેશ માટે અત્યંત ખતરનાક તેરી ભી ચૂપ, મેરી ભી ચૂપની રાજનીતિ અપનાવે છે. કેજરીવાલનો તર્ક ખૂબ સીધોસાદો છે- અમને જાણકારી મળી છે કે તમે આ કૌભાંડોમાં સંડોવાયેલા છો. અમને જણાવો કે સાચું શું અને ખોટું શું? તમે સાચા છો કે ખોટા છો તે જણાવવાની જવાબદારી તમારી છે, અમારી નહીં. કારણ કે, અમે તો પ્રજા છીએ પરંતુ તમે અમારા પર રાજ કરો છો. ભારતીય રાજકારણમાં પહેલીવાર આવી અનોખી પદ્ધતિથી ભ્રષ્ટાચાર વિરુદ્ધ આંદોલન ચાલી રહ્યું છે.

વળી, આપણે જાણીએ છીએ તેમ કેજરીવાલ કોઈ સામાન્ય માણસ નથી. આઈઆઈટી ખરગપુરના સ્નાતક અને પૂર્વ સંયુક્ત ઈન્કમટેક્સ કમિશનર અરવિંદ કેજરીવાલ પ્રખર બુદ્ધિમતા ધરાવે છે અને ઘણાં વર્ષોથી રાઈટ ટુ ઈન્ફર્મેશન અને જનલોકપાલ બિલ જેવી ચળવળોમાં સક્રિય ભાગ લઈ ચૂક્યા છે. શું અરવિંદ કેજરીવાલ એ પહેલી વ્યક્તિ છે જેમણે રોબર્ટ વાડરા, સલમાન ખુરશીદ, પી. ચિદમ્બરમના કૌભાંડો શોધી કાઢ્યા હોય. તો જવાબ છે, ના. શું ભાજપ આ કૌભાંડોથી અજાણ હતું? ભાજપ કેમ એક જવાબદાર વિરોધ પક્ષને છાજે એવી રીતે મુદ્દા નથી ઉઠાવતો. શું દિલ્હી ભાજપના નેતાઓ એ વાત નથી જાણતા કે, રોબર્ટ વાડરા થોડા જ સમયમાં અત્યંત ધનવાન બની ગયા છે. ડીએલએફ જેવી કંપનીએ તેમને રૂ. 60 કરોડથી પણ વધુ રકમની અનસિક્યોર્ડ લોન કેમ આપી? આ મુદ્દા ભાજપે કેમ ન ઉઠાવ્યા?

અરવિંદ કેજરીવાલ અને પ્રશાંત ભૂષણે 60 મીડિયાકર્મીઓના કેમેરા અને લગભગ 100 જેટલા પત્રકારો સામે રોબર્ટ વાડરા પર આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, “કોંગ્રેસ શાસિત ત્રણ રાજ્યો હરિયાણા, રાજસ્થાન અને નવી દિલ્હીમાં વાડરા 31 સંપત્તિની માલિકી ધરાવે છે.” આ દરમિયાન તેઓ કેટલાક સત્તાવાર દસ્તાવેજો પણ લઈને આવ્યા હતા અને તેના આધારે તેમણે આ સંપત્તિની વિગતો, કિંમત વગેરે જાહેર કર્યું. વળી, તેમણે પત્રકારોને રોબર્ટ વાડરાએ રાજસ્થાનમાં ખરીદેલી 160 એકર જમીનના પુરાવા પણ આપ્યા. ત્યાર પછી પ્રશાંત ભૂષણે પત્રકારોને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, “વાડરાની તમામ સંપત્તિમાં પ્રિયંકા ગાંધી કે સોનિયા ગાંધીની સંડોવણીના કોઈ પુરાવા મળ્યા નથી. પરંતુ હરિયાણાના મુખ્યમંત્રી ભૂપિન્દરસિંહ હુડા, ડીએલએફ અને રોબર્ટ વાડરાએ કેવી રીતે સાંઠગાંઠ કરી છે તે મીડિયાએ શોધવાનું છે.” કારણ કે, તેઓ વચ્ચે કોઈ લાભ ખાતર ચોક્કસ કંઈક રંધાયુ છે એવું ટીમ કેજરીવાલ માને છે.

આ દરમિયાન વાડરાએ એક સંક્ષિપ્ત નિવેદનમાં જણાવ્યું છે કે, હું એક બિઝનેસમેન છું અને જાતમહેનતથી આગળ આવ્યો છું. અંબિકા સોની, મનીષ તિવારી, રાજીવ શુકલા અને સલમાન ખુરશીદ પણ હંમેશાંની જેમ ગાંધી પરિવારના જમાઈનો બચાવ કરવા કૂદી પડ્યાં. પરંતુ તેમણે આક્ષેપોનો તર્કબદ્ધ જવાબ આપવાના બદલે કેજરીવાલ અને ભૂષણ પર આરોપોની ઝડી વરસાવી. આ બધાએ એક જ વાતની રેકર્ડ કર્યે રાખી કે, વાડરા એક બિઝનેસમેન છે. ખરેખર વાડરાએ ભારતના કરોડો બિઝનેસમેનોને તેમની ‘જાદુઈ’ બિઝનેસ સ્ટ્રેટેજી બતાવવી જોઈએ. જો તેઓ આ મહામૂલું ‘દાન’ કરે તો ભારત નજીકના વર્ષોમાં જ ધનિક રાષ્ટ્રોની હરોળમાં આવી જાય અને દેશમાંથી ગરીબી નાબૂદ થઈ જાય.

કોઈને પણ એવું કહેવાનો હક્ક નથી કે, કેજરીવાલ ફક્ત પ્રસિદ્ધિ માટે જવાબદાર વ્યક્તિઓ પર આરોપો લગાવે છે. આપણે જાણીએ છીએ કે, આપણા જવાબનાર નેતાઓ સંસદમાં કેટલું જવાબદાર વર્તન કરે છે? કેજરીવાલ પ્રસિદ્ધિ માટે આક્ષેપો કરતા હોય તેનો અર્થ એ નથી કે, તેમના આક્ષેપોનો તર્કબદ્ધ ખુલાસો ન આપવો. ખેર, હવે તો કેજરીવાલે નવેમ્બર સુધીમાં રાજકીય પક્ષની રચના કરવાની પણ જાહેરાત કરી દીધી છે. આ અંગે કેજરીવાલના નવા સાથી અને વિદ્વાન પ્રોફેસર યોગેન્દ્ર યાદવ કહે છે કે, કેજરીવાલની જાહેરાતથી રાજકીય પક્ષોના ભંડોળ અને પારદર્શકતા જેવા ઘણાં મુદ્દા સામે આવી શકે છે. હાલના રાજકારણમાં દરેક પક્ષો આ મુદ્દે મૌન સેવે છે. ઘણાં લોકો માને છે કે, ભારતમાં ચૂંટણી સુધારાની તાકીદે જરૂર છે.

ખેર, કેજરીવાલે પક્ષની જાહેરાત કરીને પોતાનો વિઝન ડોક્યુમેન્ટ જાહેર કરી દીધો છે. પરંતુ હવે તેમણે ફક્ત મુદ્દા ઊભા કરવા અને આક્ષેપો કરવાના બદલે ચૂંટણી જીતવી પડશે. ભારતમાં છેલ્લાં ત્રણેક દાયકામાં આવા ઘણાં નાના પક્ષો રચાયા, પરંતુ કમનસીબે તેઓ કોઈ ગંભીર કે અસરકારક પરિવર્તન ન કરી શક્યા. તૃણમૂલ કોંગ્રેસ કે નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીને પણ આવા પક્ષોની યાદીમાં મુકી શકાય. આ બંને પક્ષોની પિતૃસંસ્થા કોંગ્રેસ જ છે. એવી જ રીતે, વર્ષ 2006માં રાજ ઠાકરેએ સ્થાપેલા મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પક્ષની પિતૃસંસ્થા શિવસેના છે. પરંતુ આવા પક્ષોનું રાજકારણ તેના સ્થાપકની આસપાસ જ ઘૂમતું રહે છે અને લાંબા ગાળે તેમાં નેતાગીરીનો અભાવ સર્જાય છે. અહીં કહેવાનો મતલબ એ છે કે, મમતા બેનરજી વિના તૃણમૂલ કોંગ્રેસ, શરદ પવાર વિના નેશનાલિસ્ટ કોંગ્રેસ કે રાજ ઠાકરે વિના મહારાષ્ટ્ર નવનિર્માણ સેના તેમજ માયાવતી વિના બહુજન સમાજ પક્ષની કલ્પના કરવી મુશ્કેલ છે.

જોકે, કેજરીવાલ શરદ પવાર કે રાજ ઠાકરે કરતા ઘણું અલગ બેકગ્રાઉન્ડ ધરાવે છે. હવે કેજરીવાલે આ પક્ષોના રાજકારણમાંથી બોધપાઠ લેવાનો છે. મમતા બેનરજી પશ્ચિમ બંગાળની શેરીઓમાં જાણીતા સામાજિક કાર્યકર હતા અને નેશનાલિસ્ટ કોંગ્રેસ પક્ષની સ્થાપના પહેલાં શરદ પવાર પણ કંઈક આવું જ કામ કરતા હતા. એવી જ રીતે, રાજ ઠાકરે પણ કોલેજના દિવસોથી પાયાના રાજકારણમાં સક્રિય હતા. કેજરીવાલનો હેતુ ભલે ગમે તેટલો ઉમદા હોય પરંતુ તેમના સામે દેશના જાતિગત રાજકારણનો સામનો કરવાનો પણ પડકાર છે. આ માટે નિષ્ઠાવાન કાર્યકરો પહેલી અને અનિવાર્ય શરત છે. જો, મતદાતાઓ તેમના વિશે કંઈ જાણતા જ નહીં હોય તો તેઓ સરેઆમ નિષ્ફળ જશે. આ ઉપરાંત તેઓ પક્ષ માટે ભંડોળ ક્યાંથી લાવશે એ પણ તેમના માટે યક્ષપ્રશ્ન સાબિત થશે!

બીજી તરફ, આજના ભારતમાં ફક્ત રોટી, કપડા ઔર મકાન જેવી પ્રાથમિક જરૂરિયાતોના આધારે જ ચૂંટણી નહીં જીતી શકાય. તેમણે અનામત, રોજગારી અને માળખાગત વિકાસ જેવા અઘરા મુદ્દે પણ પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરવું પડશે. મતદાતાઓની અપેક્ષામાં સતત વધારો થઈ રહ્યો છે. ફક્ત હેડલાઈનોમાં ચમકીને મતો નહીં મેળવી શકાય એ વાત કેજરીવાલ ટીમે ખૂબ ઝડપથી સમજી લેવી પડશે. વળી, મીડિયા સાથે પણ તેમણે સંબંધો રાખતા શીખવું પડશે. કારણ કે, નજીકના ભવિષ્યમાં ટીવીના માઈક કેજરીવાલ નામના ‘ન્યૂઝ’નો પીછો કરવાનું બંધ કરી શકે છે. ભ્રષ્ટાચાર માટે લડતી કેજરીવાલ ટીમને ચૂંટણીમાં પ્રજાનું સમર્થન કદાચ ન પણ મળે. જ્યાં બહુ મોટો શિક્ષિત વર્ગ મતદાન નથી કરતો અને ગરીબોના મત પૈસા, દારૂ આપીને ખરીદી શકાય છે એ દેશમાં આમ થવું શક્ય છે.

આપણે આશા રાખીએ કે અરવિંદ કેજરીવાલ ફક્ત તેમના ભવિષ્યના પક્ષનું પ્રતીક બનીને ના રહી જાય. સલમાન ખુરશીદે આપેલી આડકતરી ધમકીનો જવાબ આપતા કેજરીવાલે કહ્યું હતું કે, મને મારવાથી કંઈ નહીં થાય. તમે એક કેજરીવાલને મારશો તો બીજા હજાર પેદા થશે. આશા રાખીએ કે, બીજા હજાર કેજરીવાલ પેદા થાય.

1 comment:

  1. કદાચ અરવિંદ કેજરીવાલ સાચુ કહે છે કે ..એક અરવિંદને મારવાથી બીજા એકસો અરવિંદ જન્મ લેશે....

    ReplyDelete