15 October, 2012

ફક્ત 14 વર્ષીય મલાલાથી તાલિબાનો ડરે છે કેમ?


જો પાકિસ્તાનનું કંઈ ભવિષ્ય હશે તો તે ચોક્કસ મલાલા યુસફઝઈમાં હશે! કારણ કે, પાકિસ્તાનના ખૂણેખૂણામાં આતંક ફેલાવી રહેલા ખૂંખાર તાલિબાનો પણ તેનાથી ડરે છે. તાલિબાનો તેનાથી એટલા ભયભીત છે કે નવમી ઓક્ટોબર, 2012ના રોજ તેમણે પાકિસ્તાનની સ્વાત વેલીમાં મલાલાના માથા અને ગરદન પર ગોળી મારીને તેને મોતને ઘાટ ઉતારવાનો પ્રયાસ કર્યો. જોકે, મલાલાને તાત્કાલિક પેશાવરની હોસ્પિટલમાં લઈ જવાઈ અને ડૉક્ટરોએ ત્રણ કલાકની મહેનત પછી તેના માથામાંથી એક ગોળી દૂર કરીને તેને બચાવી લીધી. હાલ મલાલાની તબિયત સુધારા પર છે. બીજી તરફ, પાકિસ્તાની તાલિબાનના મુખ્ય પ્રવક્તા એહસાનુલ્લાહ એહસાને આ હુમલાની જવાબદારી સ્વીકારતા કહ્યું છે કે, “મલાલા નાસ્તિકતા અને બિભત્સતાનું પ્રતીક છે. તે આ વિસ્તારમાં પશ્ચિમી સંસ્કૃતિનું પ્રતીક બની ગઈ છે, અને તેનો ખુલ્લેઆમ પ્રચાર કરી રહી છે. જો તે બચી જશે તો અમે બીજી વાર હુમલો કરીશું.”

કોણ છે મલાલા  યુસફઝઈ? મલાલા ફક્ત 14 વર્ષની વિદ્યાર્થિની છે. હા, તે સ્વાત વેલીમાં સ્કૂલમાંથી પાછી ફરી રહી ત્યારે જ તાલિબાનોએ સ્કૂલ બસ રોકીને તેના પર ગોળીઓ છોડી હતી. કારણ કે, મલાલા કોઈ સામાન્ય છોકરી નથી. વર્ષ 2009માં બીબીસી ઉર્દૂ બ્લોગ લખવાનું ચાલુ કર્યું ત્યારે તે પ્રકાશમાં આવી હતી. જોકે, એ વખતે તે ‘ગુલ મકાઈ’ નામે બ્લોગિંગ કરતી હતી. તાલિબાનોએ સ્વાત વેલીમાં સ્ત્રીશિક્ષણ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. આ સ્થિતિમાં અહીં ભણવું કેટલું મુશ્કેલીભર્યું છે એ અંગે તે બીબીસી ઉર્દૂ બ્લોગમાં પોતાના અનુભવો લખતી હતી. વર્ષ 2007થી 2009 સુધી તાલિબાનોએ સ્વાત વેલીનો કબજો લઈ લીધો હતો. આ દરમિયાન મલાલાના લખાણોએ જોરદાર લોકપ્રિયતા હાંસલ કરી હતી અને પાકિસ્તાન આર્મીએ આ વિસ્તારમાંથી તાલિબાનોનો ખાત્મો કરવાની ફરજ પડી હતી.

મલાલા યુસફઝઈ 

જોકે, બાદમાં મલાલાની ઓળખ છતી થઈ ગઈ હતી અને તે ઈન્ટરનેશનલ ચિલ્ડ્રન પીસ પ્રાઈઝ માટે નોમિનેટ થઈ. આ એવોર્ડ માટે પહેલીવાર કોઈ પાકિસ્તાનીની પસંદગી થઈ હતી. જોકે, આ એવોર્ડ તે જીતી ના શકી અને ફક્ત રનર-અપ રહી. બાદમાં પાકિસ્તાન સરકારે તેને નેશનલ પીસ પ્રાઈઝથી સન્માનિત કરી હતી. નવેમ્બર, 2010માં પાકિસ્તાનના તત્કાલીન વડાપ્રધાન યુસુફ રઝા ગિલાનીએ તેના નામ પરથી એક એવોર્ડની શરૂઆત કરી હતી. એટલું જ નહીં, મલાલાની વિનંતીને ધ્યાનમાં રાખીને ખુદ વડાપ્રધાને સ્વાત ડિગ્રી કોલેજ ફોર વિમેનમાં આઈટી કેમ્પસ સ્થાપવાનો પણ આદેશ કર્યો હતો. પાકિસ્તાન સરકારે મલાલાના માનમાં ધ ગવર્મેન્ટ ગર્લ્સ સેકન્ડરી સ્કૂલ, મિશન રોડનું નામ બદલીને મલાલા યુસફઝઈ ગવર્મેન્ટ ગર્લ્સ સેકન્ડરી સ્કૂલ કરીને પણ તેનું સન્માન કર્યું છે. 

આવી હોનહાર વિદ્યાર્થિની હાલ હોસ્પિટલના બિછાને પડી હોવાથી પશ્વિમી મીડિયા મલાલાની તબિયતના તાજા સમાચારો પ્રકાશિત કરી રહ્યું છે. એક નાનકડી માસુમ બાળકીને તાલિબાનોએ ગોળી મારી છે અને તે કોમામાં સરી પડી છે એવી તસવીરોના જબરદસ્ત પ્રત્યાઘાત પડ્યા છે. મલાલા પરના હુમલાની અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ પણ કડક શબ્દોમાં ટીકા કરી છે. તેમણે કહ્યું છે કે, “આ હુમલો નિંદનીય, ધૃણા પેદા કરનારો અને અત્યત દુઃખદ છે.” એટલું જ નહીં, આ હુમલા અંગે કોઈ પણ પ્રકારની મદદની પણ અમેરિકાએ તૈયારી દર્શાવી છે. યુનાઈટેડ નેશન્સના સેક્રેટરી જનરલ બાન કી મૂને પણ 14 વર્ષીય વિદ્યાર્થિની પરના હુમલાને ‘આઘાતજનક’ ગણાવ્યો છે. તેમણે કહ્યું છે કે, તેઓ મલાલાના પરિવારને હિંમત આપવા એક પત્ર લખવાના છે. 

ઝિયાઉદ્દીન યુસફઝઈ
જો મલાલા બચી જશે તો અમે બીજી વાર હુમલો કરીશું એવી તાલિબાનોની ધમકીથી પણ પાકિસ્તાનની પ્રજા જોરદાર રોષે ભરાઈ છે. એવા અહેવાલ છે કે, તાલિબાનોએ તો મલાલાના પિતા ઝિયાઉદ્દીન યુસફઝઈ પર પણ હુમલો કરવાનો નિર્ણય લીધો છે. તેથી તેમણે પાડોશીઓને વિનંતી કરે છે કે, તેઓ મલાલાના ખબર-અંતર પૂછવા હોસ્પિટલ ન આવે. કારણ કે, તાલિબાનો ગમે ત્યારે હુમલો કરી શકે છે. જોકે આ સ્થિતિમાં યુએન વિમેન, યુનેસ્કો અને યુનિસેફ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓએ પણ મલાલાના પરિવારને પોતાનો સહકાર જાહેર કર્યો છે. યુનેસ્કોના ડિરેક્ટર જનરલ ઈરિના બોકોવાએ કહ્યું છે કે, “શિક્ષણનો અધિકાર કે અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય બંદૂકોથી નહીં છીનવી શકાય.” જ્યારે યુએન વિમેનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મિસેલ બેચલેટે કહ્યું છે કે, “વિશ્વમાં ગમે ત્યાં જન્મેલી યુવતી પોતાના વિચારો વ્યક્ત કરી શકે છે, હિંસામુક્ત અને ભેદભાવહીન સમાજમાં જીવી શકે છે. આ ઉપરાંત પોતાની સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરીને આગળ વધી શકે છે. સ્વતંત્રતા, ન્યાય અને શાંતિયુક્ત સમાજ તમામને સમાન હક્કોના પાયા પર જ રચાઈ શકે.”

વિશ્વભરમાંથી મલાલાને આવો પ્રચંડ સહકાર મળી રહ્યો છે અને પાકિસ્તાનમાં પણ લાખો લોકો તાલિબાનો પર ફિટકાર વરસાવી રહ્યા છે. મલાલા પર હુમલો થયાના બીજા દિવસે પાકિસ્તાન સંસદમાં પણ આ મુદ્દે ચર્ચા થઈ હતી. જોકે, એ દિવસે કોઈ પાકિસ્તાની સાંસદે એવું નહોતું કહ્યું કે તાલિબાનો ‘આપણા ભાઈઓ’ છે. તેમની સાથે લડવાના બદલે આપણે વાતચીતથી ઉકેલ લાવવા જોઈએ. મલાલા પરના હુમલાથી પાકિસ્તાનને ભારે નીચાજોણું થયું છે. વિશ્વના નકશા પર આધુનિક રાષ્ટ્ર તરીકેની છબી ઊભી કરવા પાકિસ્તાન હંમેશાં પ્રયત્નશીલ હોય છે. મલાલાને કંઈક થઈ જાય તો વિશ્વભરમાંથી કેવા પ્રચંડ પ્રત્યાઘાતો આવી શકે એ વિચારથી જ પાકિસ્તાને મલાલાની સારવારમાં કોઈ કચાશ રાખી નથી. 

કદાચ એટલે જ પાકિસ્તાન સરકારે પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સનું એક બોઈંગ જેટ વિમાન પેશાવર એરપોર્ટ પર તૈનાત રાખ્યું છે. જેથી મલાલાનો જીવ સહેજ પણ જોખમ લાગે તો તાત્કાલિક સારવાર માટે દુબઈ કે યુએઈ લઈ જઈ શકાય. પરંતુ હોસ્પિટલના એક સિનિયર તબીબ જણાવી રહ્યા છે કે, અત્યારના સંજોગોમાં મલાલાને વિમાનમાં ખસેડીને ક્યાંય લઈ જવી શક્ય નથી. તેને વેન્ટિલેટર પર રખાઈ છે અને તેની સ્થિતિ અત્યંત નાજુક છે. પ્રોવિન્સિયલ ઈન્ફર્મેશન મિનિસ્ટર ઈફ્તિખાર હુસૈને તો હુમલાખોરોની માહિતી આપનારા માટે એક લાખ ડૉલરના સરકારી ઈનામની પણ જાહેરાત કરી દીધી છે. વર્ષ 2010માં તેમના એકના એક પુત્રની પણ તાલિબાનોએ જ ગોળી મારીને હત્યા કરી હતી.

ગોળી વાગવાથી મલાલાના મગજને ગંભીર નુકસાન થયું છે

આ ઉપરાંત ખુદ પાકિસ્તાના આર્મી ચિફ જનરલ અશરફ પરવેઝ કયાનીએ પણ મલાલા જે હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે ત્યાંની મુલાકાત લીધી હતી. તેમણે તાલિબાનોને કાયર કહીને આ કૃત્યને વખોડી કાઢ્યું છે. જ્યારે પૂર્વ ક્રિકેટર ઈમરાન ખાને મલાલાની સારવાર માટે આર્થિક મદદ કરવાની તૈયારી દર્શાવી છે. જોકે, તેમની જ પાર્ટીના કેટલાક સભ્યો તાલિબાનો પ્રત્યે ‘સોફ્ટ કોર્નર’ ધરાવે છે. આશ્ચર્યની વાત તો એ છે કે, લશ્કરે તૈયબા માટે દાન ઉઘરાવતી સંસ્થા જમાત ઉદ દાવાએ પણ તાલિબાનોના હુમલાને વખોડી કાઢતા કહ્યું છે કે, “આ હુમલો શરમજનક, અધમ અને જંગલી છે.”

ખેર, પાકિસ્તાનમાં તાલિબાનો પ્રત્યો ગમે તેટલો આક્રોશ ફાટી નીકળ્યો હોય, પરંતુ આ ઘટના પછી પાકિસ્તાન સરકાર ખૂબ ઝડપથી પોતાની નીતિઓમાં કંઈક હકારાત્મક ફેરફારો કરશે એવી કોઈ શક્યતા નથી. કારણ કે, આજે પણ પાકિસ્તાનની સંસદમાં તાલિબાનો પ્રત્યે કુણું વલણ ધરાવતા રાજકારણીઓની કમી નથી. તેમને ડર છે કે, પાકિસ્તાન તાલિબાનોને ખદેડવાનું ચાલુ કરશે તો ભવિષ્યમાં અફઘાનિસ્તાન પર કાબૂ રાખવા માટે તેમની પાસે કોઈ હથિયાર નહીં રહે. બીજી તરફ, અમેરિકા અફઘાનિસ્તાનમાંથી તાલિબાનોનો સફાયો કરી રહ્યું છે ત્યારે મલાલા પરના હુમલાએ પાકિસ્તાનની સ્થિતિ કફોડી કરી નાંખી છે. હવે, પાકિસ્તાને દુનિયાને બતાવવા ખાતર પણ તાલિબાનો વિરુદ્ધ મિલિટરી ઓપરેશન કરવું પડે એમ છે. 

જો આમ નહીં થાય તો મલાલાએ બચવા માટે સુરક્ષાકર્મીઓ વચ્ચે જીવન વ્યતિત કરવું પડશે અથવા અન્ય દેશમાં આશ્રય લેવો પડશે.

મલાલા યુસફઝઈનો ટૂંકો પરિચય

માલાલનો જન્મ વર્ષ 1998માં એક પશ્તુન કુટુંબમાં થયો હતો. મલાલાના માતાપિતાએ તેનું નામ પશ્તુન કવયિત્રી અને જાણીતી યોદ્ધા મલાલાઈના નામ પરથી રાખ્યું હતું. મલાલાઈએ પશ્તુનોના લશ્કરની આગેવાની લઈને બ્રિટિશરો સામે યુદ્ધે ચડ્યા હતા અને તેમાં જીત પણ હાંસલ કરી હતી. હાલ તે પાકિસ્તાનની સ્વાત વેલીના સૌથી મોટા શહેર મિંગોરાની એક સ્કૂલમાં અભ્યાસ કરી રહી છે. નાનકડી મલાલા સમગ્ર પાકિસ્તાનમાં સ્ત્રીઓના હક્કો માટે ઝુંબેશ કરતી વિદ્યાર્થિની તરીકે જાણીતી છે. તાલિબાનોએ વર્ષ 2007થી 2009 સુધી સ્વાત વેલીનો કબજો લઈને સ્ત્રીશિક્ષણ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. આ દરમિયાન વર્ષ 2009માં ફક્ત 11 વર્ષની વયે મલાલાએ બીબીસી ઉર્દૂ પર તાલિબાનો વિરુદ્ધ ‘ગુલ મકાઈ’ નામે બ્લોગિંગ શરૂ કર્યું હતું અને સ્ત્રીશિક્ષણની જોરદાર તરફેણ કરી હતી. ગુલ મકાઈ પશ્તુન ભાષાની લોકવાર્તાઓની બહુ જાણીતી નાયિકા છે. તેના આ લખાણોના પ્રત્યાઘાતરૂપે જ પાકિસ્તાન આર્મીએ આ વિસ્તારમાંથી તાલિબાનોનો સફાયો કરવો પડ્યો હતો. જોકે, ત્યાર પછી મલાલાનું નામ જાહેર થઈ ગયું  અને તેને પાકિસ્તાનના નેશનલ પીસ પ્રાઈઝ સહિતના અનેક સન્માનો મળ્યા હતા.

મલાલાની ડાયરીના અંશ

“ગઈ કાલે મને મિલિટરી હેલિકોપ્ટર અને તાલિબાનોનું ભયાનક સપનું આવ્યું. સ્વાતમાં જ્યારથી મિલિટરી ઓપરેશન શરૂ થયા છે ત્યારથી મને આવા સપનાં આવે છે. મારી મમ્મીએ સવારે મારા માટે નાસ્તો બનાવ્યો અને હું સ્કૂલે ગઈ. હું સ્કૂલે જતા ડરતી હતી કારણ કે, તાલિબાનોએ છોકરીઓને સ્કૂલે નહીં મોકલવાનો આદેશ કર્યો છે. આજે સ્કૂલમાં 27માંથી ફક્ત 11 વિદ્યાર્થી આવ્યા છે. તાલિબાનોના આદેશના કારણે સંખ્યા ઘટી ગઈ છે. મારા ત્રણ મિત્રો તેમના પરિવારો સાથે પેશાવર, લાહોર અને રાવલપિંડી જતા રહ્યા છે. સ્કૂલેથી ઘરે પાછા ફરતી વખતે મેં એક માણસને ‘હું તને મારી નાંખીશ’ એવું કહેતા સાંભળ્યો. મેં ચાલવાની ઝડપ વધારી દીધી અને પછી મેં પાછુ વળીને જોયું તો પણ તે મારી પાછળ આવતો હતો. પરંતુ મારા આશ્ચર્ય વચ્ચે તે તેના મોબાઈલ પર વાતો કરતો હતો અને ફોન પર તે બીજા કોઈને ધમકાવી રહ્યો હતો.”

નોંધઃ તમામ તસવીરો ઈન્ટરનેટ પરથી લીધી છે. મલાલાની ડાયરી વાંચવા અહીં ક્લિક કરો. ન્યૂયોર્ક ટાઈમ્સે મલાલા યુસફઝઈ પર એક ડોક્યુમેન્ટ્રી ફિલ્મ પણ બનાવી છે. આ ફિલ્મ જોવા અહીં ક્લિક કરો. 

No comments:

Post a Comment