08 April, 2015

સુપ્રીમો, હાઈ કમાન્ડ... બોલે તો, માઇ બાપ સરકાર


આમ આદમી પાર્ટીમાં અરવિંદ કેજરીવાલ જૂથ અને પક્ષના અન્ય નેતાઓ વચ્ચે ચાલી રહેલી હુંસાતુંસીએ આપણા રાજકીય પક્ષો અંગે બે મહત્ત્વના પ્રશ્નો સર્જ્યા છે. પહેલો પ્રશ્ન, આપણા રાજકીય પક્ષોના નેતાઓ પોતાને સુપ્રીમો, હાઈ કમાન્ડ કે અલ્ટિમેટ ઓથોરિટી તરીકે પ્રોજેક્ટ કેમ કરતા હોય છે? બીજો પ્રશ્ન એ છે કે, આપણા મોટા ભાગના રાજકીય પક્ષોમાં સત્તાના વિકેન્દ્રિકરણના બદલે સત્તાના કેન્દ્રિકરણનો ઝોક કેમ વધારે હોય છે? હજુ વર્ષ ૨૦૧૩માં દિલ્હી વિધાનસભાની ચૂંટણીથી રાજકીય કારકિર્દી શરૂ કરનારી આમ આદમી પાર્ટીમાં વર્ષ ૨૦૧૫ સુધી મોટી ઉથલપાથલ થઈ ચૂકી છે. અરવિંદ કેજરીવાલે સ્થાપેલી આમ આદમી પાર્ટીના બે મહત્ત્વના ચહેરા યોગેન્દ્ર યાદવ અને પ્રશાંત ભૂષણનું કહેવું છે કે, પાર્ટીમાં આંતરિક લોકશાહી નથી. આ સિવાય પણ 'આપ'ના અનેક નેતાઓ કેજરીવાલની કામ કરવાની સરમુખત્યાર પદ્ધતિ સામે અવાજ ઉઠાવી ચૂક્યા છે.

ભારતના રાજકારણમાં હાઈ કમાન્ડ અને સુપ્રીમો જેવા શબ્દો કદાચ એક જ પરિવારના વારસાગત રાજકારણના આધારે ઊભા થયેલા  રાજકીય પક્ષોને વધારે લાગુ પડે છે. આવા રાજકીય પક્ષો પર એક જ કુટુંબ અને સ્થાપિત હિતોની મજબૂત પક્કડ હોય છે. કોંગ્રેસ, શિવસેના, સમાજવાદી પક્ષ, વાયએસઆર કોંગ્રેસ, તેલુગુ દેસમ પાર્ટી, દ્રવિડ મુનેત્ર કઝગમ, અકાલી દલ અને બીજુ જનતા દલ જેવા તમામ પક્ષોને વત્તેઓછે અંશે આ ઉધઈ લાગેલી છે. જોકે, કોઈ એક જ કુટુંબનો કબજો ના હોય એવા રાજકીય પક્ષોમાં પણ સત્તાનું કેન્દ્રિકરણ જોવા મળે છે. આવા પક્ષોમાં તૃણમૂલ કોંગ્રેસ, બહુજન સમાજ પાર્ટી અને ઓલ ઈન્ડિયા દ્રવિડ મુનેત્ર કઝગમ જેવા પક્ષોનો પણ સમાવેશ કરી શકાય. હાલ આ ત્રણેય પક્ષોમાં અનુક્રમે મમતા બેનરજી, માયાવતી અને જયલલિતા સર્વશક્તિમાન છે. અત્યારે તમિલનાડુના મુખ્યમંત્રી ઓ. પન્નીસેલવમ છે પણ સત્તાનું સુકાન જયલલિતા પાસે જ છે. અપ્રમાણસરની મિલકતના કેસમાં સર્વોચ્ચ અદાલતે જયલલિતાની ચાર વર્ષની સજા રદ્ કરી એ પછી તેઓ પન્નીસેલવમને કંટ્રોલ કરીને સરકાર ચલાવી રહ્યા છે. સામસામેની વિચારધારા ધરાવતા ભારતીય જનતા પક્ષ અને ડાબેરી પક્ષોનું સત્તાનું માળખું આ પક્ષોથી ઘણું અલગ છે, પરંતુ અત્યારના ભાજપની સત્તા 'મજબૂત' નેતાઓના હાથમાં કેન્દ્રિત થઈ ગઈ છે.

અરવિંદ કેજરીવાલ

ભારતના રાજકીય પક્ષોમાં સત્તાનું કેન્દ્રિકરણ થવાના કારણો ઘણાં ઊંડા છે. દેશના મોટા ભાગના રાજકીય પક્ષોમાં સ્વતંત્ર સંગઠનનો અવાજ ઉપર સુધી સંભળાય એવું માળખું જ નથી. દેશમાં પૈસાદારથી લઈને ગરીબ અને બિઝનેસમેનથી લઈને નોકરિયાત સુધીના તમામ લોકો માટે સરકાર માઇ બાપ છે. આ સરકાર એટલે જેના પાસે આપણાથી વધારે સત્તા છે તે વ્યક્તિ. એક બિઝનેસમેન માટે સેલ્સ ટેક્સ અધિકારી માઇ બાપ છે, સેલ્સ ટેક્સના અધિકારી માટે સેલ્સ ટેક્સ કમિશનર માઇ-બાપ છે અને સેલ્સ ટેક્સ કમિશનર માટે તેનાથી વધારે સત્તા ધરાવતી વ્યક્તિ માઇ બાપ છે. આ તમામનો પણ કોઈ માઇ બાપ હોય છે. રાજકીય પક્ષોના કાર્યકરોએ પણ રાજકીય કારકિર્દી ટકાવી રાખવા કે આગળ વધારવા 'ગોડફાધર' પર આધારિત રહેવું પડે છે. આ ગોડફાધરનો પણ પાછો કોઈ ગોડફાધર હોય છે. દરેક વ્યક્તિ નાના-મોટા સ્વાર્થ ખાતર માઇ બાપને શરણે થાય છે. આ વ્યક્તિ પૂજાનો પડઘો આપણી રાજકીય વ્યવસ્થામાં પણ પડે છે. પટાવાળાથી લઈને ઉદ્યોગપતિ સુધી સૌ કોઈ પોતપોતાની તાકાત પ્રમાણે સત્તાના કેન્દ્રિકરણને આડકતરી રીતે મજબૂત કરતા રહે છે.

રાજ્ય સરકારો માટે કેન્દ્ર સરકાર માઇ બાપ છે. રાજ્ય સરકારોએ પોતાની પ્રજાના ભલા માટે કેન્દ્ર પાસે વધુને વધુ આર્થિક મદદ મેળવવા લોબિંગ કરવું પડે છે. સ્થાનિક રાજકારણીઓએ પ્રજાને વધારાની રેલવે, શહેરમાં ઈન્ડસ્ટ્રિયલ હાઉસ કે એરપોર્ટની સુવિધા મેળવવા પણ હાઈ કમાન્ડને દબાણ કરવું પડે છે. આ દબાણમાં હંમેશાં વિનંતીનું તત્ત્વ હોય છે. જોકે, પ્રજાને ક્યારે, કેટલી સુવિધા મળે છે તેનો આધાર હાઈ કમાન્ડને સ્થાનિક રાજકારણીની કેટલી જરૂર છે તેના પર હોય છે. આ સિસ્ટમમાં રાજકારણી જેટલો મોટો હોય એટલો એને વધારે ફાયદો થાય છે. એક દિવસ આપણને પણ લાભ મળવાનો જ છે એ આશામાં સ્થાનિક રાજકારણી હાઈ કમાન્ડના તળિયા ઘસતો રહે છે. આવી જ આશા તેના સ્થાનિક ટેકેદારો અને પ્રજાને પણ હોય છે અને તેથી તેઓ સ્થાનિક સ્તરે સત્તાના કેન્દ્રિકરણને પ્રોત્સાહન આપે છે. જો રાજકીય પક્ષ સત્તામાં હોય તો મોટો રાજકારણી નાના રાજકારણીને સ્થાનિક કક્ષાએ મજબૂત પણ થવા દે છે. જોકે, આપણા નેતાઓ બહુ સમજી-વિચારીને આ દિશામાં આગળ વધે છે કારણ કે, સ્થાનિક રાજકારણી પોતાની સ્વતંત્ર રાજકીય તાકાત ઊભી કરે તો ભવિષ્યમાં બળવાખોરીની શક્યતા રહે છે. આવી સ્થિતિ સર્જાય ત્યારે સર્વોચ્ચ રાજકારણીની તરફેણ કરતા નેતાઓ સુપ્રીમો, હાઈ કમાન્ડ એટલે કે માઇ બાપ સરકારની તરફદારી કરીને સત્તાના કેન્દ્રિકરણને પ્રોત્સાહન આપે છે. એનું મુખ્ય કારણ એ હોય છે કે, એ તમામ નેતાઓની રાજકીય કારકિર્દી એ નેતા પર નિર્ભર હોય છે. જો એ નેતા ખતમ, તો પોતાની રાજકીય કારકિર્દી પણ ખતમ- એ વાત તેઓ સારી રીતે જાણતા હોય છે.

અત્યારે આમ આદમી પાર્ટીમાં ચાલી રહેલો સંઘર્ષ આ સ્થિતિ સમજવાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. હાલ આપમાં બે જૂથ સામસામે આવી ગયા છે, એક અરવિંદ કેજરીવાલ જૂથ અને બીજું કેજરીવાલ વિરોધી જૂથ. કેજરીવાલ જૂથ માને છે કે, કોઈ પણ સંજોગોમાં 'કેજરીવાલજી' જ આપનું નેતૃત્વ કરે, તેઓ જ મુખ્યમંત્રીપદે ચાલુ રહે, અને યોગેન્દ્ર યાદવ-પ્રશાંત ભૂષણ ગ્રેસફૂલી પાર્ટી છોડીને જતા રહે. કારણ કે, તમે પાર્ટીના ભાગ છો તો તમારે તમારા નેતાનો સ્વીકાર કરવો જ પડશે... કુમાર વિશ્વાસની જેમ કેજરીવાલના જૂથના બધા નેતાઓ આ રેકોર્ડ જાહેરમાં વગાડી ચૂક્યા છે. કેજરીવાલના તરફદારોને ખબર છે કે, કેજરીવાલ 'આપ'નો ચહેરો છે, કેજરીવાલ છે તો 'આપ' છે અને 'આપ' છે તો જ તેમની રાજકીય કારકિર્દી હેમખેમ છે. આ કારણોસર તેઓ સત્તાનું કેન્દ્રિકરણ કેજરીવાલ પાસે થાય એમ ઈચ્છી રહ્યા છે. કેજરીવાલ પણ સમજી-વિચારીને સત્તાનું સુકાન પોતાના હાથમાં રાખવા માગે છે અને પોતાને મજબૂત નિર્ણયો લઈ શકતા નેતા તરીકે પ્રોજેક્ટ કરી રહ્યા છે.

રાજકીય પક્ષોમાં સત્તાના કેન્દ્રિકરણને પ્રોત્સાહન મળવાનું બીજું એક કારણ ચૂંટણીઓમાં મળતું ભંડોળ છે. અબજોની સંપત્તિ ધરાવતા ઉદ્યોગપતિઓથી માંડીને મોટા બિઝનેસમેન અને વેપારી જૂથો માઇ બાપ સરકારને ચૂંટણીઓ લડવા જંગી ભંડોળ પૂરું પાડે છે, જેમાં સફેદ કરતા કાળું નાણું વધારે હોય છે. કાળુ નાણું આપતા લોકોને માઇ બાપ સરકાર સત્તામાં આવે ત્યારે સાચવી લે છે. રાજકીય પક્ષોને અપાતું ભંડોળ એ દાન નહીં પણ સમજી-વિચારીને કરેલું રોકાણ હોય છે, જે ભવિષ્યમાં ઉગી નીકળવાનું હોય છે. આજે ભારતનો એકય રાજકીય પક્ષ દાવો કરી શકે એમ નથી કે, તેમને મળતા ભંડોળની પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક છે. ચૂંટણી ભંડોળ ઉઘરાવવામાં આમ આદમી પાર્ટી શરૂઆતમાં સૌથી જુદી પડતી હતી. જોકે, કેજરીવાલ અને તેમના વિરોધીઓ વચ્ચે આ મુદ્દે પણ ટકરાવ થયો હોવાના સંકેત મળી રહ્યા છે.

ભારતમાં કોઈ પણ રાજકીય પક્ષે ચૂંટણી ટિકિટ આપતી વખતે ઉમેદવારની પૈસા ખર્ચવાની ક્ષમતા, જાતિવાદી સમીકરણો તેમજ સ્થાનિક સ્તરે સ્વીકૃતિ જેવા અનેક પરિબળો ધ્યાનમાં રાખવા પડે છે. આર્થિક રીતે મજબૂત ઉમેદવાર ગમે તેવો ગંભીર ગુનાઇત ઈતિહાસ ધરાવતો હોય તો પણ રાજકીય પક્ષોને કે પ્રજાને કોઈ ફર્ક પડતો નથી કારણ કે, આવા ઉમેદવારોએ સમાજના ભલા માટે કાળુ નાણું ખર્ચીને પોતાનો ટેકેદાર વર્ગ ઊભો કર્યો હોય છે. તેઓ ગુનેગાર હોય તો શું થયું? આખરે તેઓ સરકાર માઇ બાપ છે. આવો ઉમેદવાર ચૂંટાઈને આવે તો કંપનીઓ, બિઝનેસમેનો, વેપારી સંસ્થાઓ અને કોન્ટ્રાક્ટરોને લાયસન્સો આપીને, કોન્ટ્રાક્ટ પાસ કરાવીને કે નાના-મોટા હિતો સાચવીને કમિશન લે છે. આ કમિશનનો અમુક હિસ્સો તે માઇ બાપ હાઈ કમાન્ડ સુધી પહોંચાડે છે કારણ કે, એ છે તો તેની દુકાન ચાલવાની છે. સરકાર માઇ બાપની ચકોર નજર છેક સ્થાનિક સ્તર સુધી હોય છે અને તેથી ડરના માર્યા પણ મોટા ભાગના ભંડોળનું કેન્દ્રિકરણ હાઈ કમાન્ડ પાસે થાય છે. પક્ષને ભંડોળ મળતું હોય તો સ્થાનિક રાજકારણીની દુકાન ચાલ્યા કરે એમાં સુપ્રીમોને વાંધો નથી હોતો.

ભારતમાં રાજકીય પક્ષોના ભાગલા પડવાનો પણ સુવર્ણ ઈતિહાસ છે. તમામ સ્તરના નેતાઓની ઊંચે પહોંચીને વધુને વધુ સત્તા મેળવવાની ભૂખને કારણે રાજકીય પક્ષોમાં સુપ્રીમો કે હાઈ કમાન્ડની જી-હજુરી કરવાનું વલણ જોવા મળે છે. જો જી-હજુરી કરીને પણ સફળતા ના મળે તો સ્થાનિક નેતાઓ બીજા પક્ષમાં જતા રહે છે પણ દરેક વખતે તે સરળ નથી હોતું. આ કારણોસર જ રાજ્ય સ્તરના નેતાઓ સત્તાનું કેન્દ્રિકરણ કરીને જનાધાર ઊભો કરતા હોય છે. તેમની પાસે આવકના સ્થિર અને મજબૂત સાધનો પણ હોય છે, જેથી  ભવિષ્યમાં અલગ થવાની નોબત આવે તો નવો રાજકીય પક્ષ સ્થાપી શકે. જો બળવાખોર નેતા સ્થાનિક સ્તરે રાજકીય કાવાદાવા કરીને સત્તાનું મજબૂત રીતે કેન્દ્રિકરણ કરવામાં સફળ થયો હોય તેમજ સ્થાનિક રાજકારણ અને ઉદ્યોગ જગતમાં તે 'માઇ બાપ' હોય તો તેને રાજકીય પક્ષ ઊભો કરવામાં ઓછી મુશ્કેલી પડે છે. જોકે, તેની સફળતાનો આધાર હાઈ કમાન્ડના કંટ્રોલ તેમજ વિરોધ પક્ષની મજબૂતાઈ પર નિર્ભર હોય છે. ભારતમાં દરેક ચૂંટણીમાં નવા નવા રાજકીય પક્ષો ઉમેરાતા જાય છે એ પાછળ પણ સત્તાના કેન્દ્રિકરણનો અન્ડર કરન્ટ જ કારણભૂત છે.

સત્તાના કેન્દ્રિકરણથી ઉચ્ચ સ્તરે નેતાગીરીનો અભાવ સર્જાય છે અને કોંગ્રેસ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. કોંગ્રેસના નેતાઓએ પોતાની રાજકીય કારકિર્દી ટકાવી રાખવા માટે એક જ પરિવાર સમક્ષ કેન્દ્રિત સત્તાને સીધું કે આડકતરું પ્રોત્સાહન આપવું પડે છે. જોકે, 'આપ' વિશે આવું કંઈ કહેવું અત્યારે વહેલું છે. હવે 'આપ'ની સફળતાનો આધાર સત્તાના કેન્દ્રિકરણ અને સ્વતંત્ર અવાજ વચ્ચે કેજરીવાલની સંતુલન કરવાની ક્ષમતા પર રહેલો છે. 

3 comments:

  1. બિલ્કુલ ખરી વાત છે.. રાજકારણમાં સૂક્ષ્મદૃષ્ટિથી કરેલું અવલોકન એકદમ સચોટ છે..

    ReplyDelete