31 March, 2015

કલ્પના-વિશ્વના મહામેઘાવી સર્જકની વિદાય


ઈંગ્લેન્ડના બકિંગહામશાયરના બેકન્સફિલ્ડ નામના નાનકડા શહેરમાં રહેતા ડેવિડ પ્રેચટ અને એલિન પ્રેચટ નામના દંપત્તિના ઘરે ૨૮મી એપ્રિલ, ૧૯૪૮ના રોજ એક બાળકનો જન્મ થાય છે. નાનકડા ગામમાં ઉછરી રહેલો આ બાળક સ્કૂલમાં જાય છે ત્યાં સુધી તેના સીધાસાદા માતા-પિતા સમજી જાય છે કે, ટેણિયો ભણવા-ગણવામાં બહુ સામાન્ય છે. જોકે, એલિન સામાન્ય પરંતુ સમજદાર માતા હોય છે. પુત્ર રખડી ના ખાય એ માટે એલિન પુત્રને હોશિયારીથી વાચન જેવી પ્રવૃત્તિઓ માટે પ્રોત્સાહન આપતી રહે છે. એક પાનું સારી રીતે વાંચીશ તો એક પેની આપીશ- એવી લાલચ આપીને પણ એલિન ટેણિયાને પુસ્તકોમાં વ્યસ્ત રાખવાની કોશિષ કરતી હોય છે. સ્કૂલમાં જતા પુત્રને પુસ્તકોમાં ખાસ રસ નથી પણ પૈસાની લાલચે વાંચવા ખાતર વાંચ્યા કરે છે.

આવી જ રીતે એક દિવસ ટેણિયો કેનેથ ગ્રેહામનું 'ધ વિન્ડ ઈન ધ વિલોઝ' નામનું પુસ્તક વાંચતો હોય છે. વાંચવા ખાતર વાંચતો હોવા છતાં ટેણિયો જેમ જેમ પુસ્તક વાંચતો જાય છે તેમ તેમ આશ્ચર્યમાં ડૂબતો જાય છે. આ પુસ્તકમાં ઉંદર, છછુંદર અને કીડીખાઉં જેવા પ્રાણીઓ માણસોની જેમ બોલતા હોય છે, વર્તતા હોય છે. ટેણિયો વિચારે છે કે, આ તો જૂઠ છે, આવું શક્ય જ નથી પણ તેને સવાલ થાય છે કે, આ જૂઠ કેટલું જબરદસ્ત છે? આ પુસ્તકમાં ટેણિયાને એવી મજા પડે છે કે, ટેણિયો બેકન્સફિલ્ડ પબ્લિક લાઈબ્રેરી ધમરોળી નાંખે છે અને વધુ વાંચન કરવા લાઈબ્રેરીમાં જ પાર્ટ ટાઈમ જોબ કરે છે. 

ટેરી પ્રેચટ

આ ટેણિયો એટલે ૬૬ વર્ષના આયુષ્યમાં ૭૦થી પણ વધારે પુસ્તકો લખનારા સર ટેરેસ ડેવિડ જ્હોન ઉર્ફે ટેરી પ્રેચટ. કલ્પના-વિશ્વના આ મહામેઘાવી સર્જકે 'ડિસ્કવર્લ્ડશ્રેણી હેઠળ એકબીજા સાથે સંકળાયેલી કથાવસ્તુ ધરાવતી જ બે-ચાર નહીં પણ સળંગ ૪૧ નવલકથા લખી છે. ટેરી પ્રેચટના પુસ્તકોનો વિશ્વની ૩૬થી વધારે ભાષામાં અનુવાદ થયો છે અને સાડા આઠ કરોડથી પણ વધુ નકલોનું વેચાણ થયું છે. આ મહાન લેખકનું ૧૨મી માર્ચ, ૨૦૧૫ના રોજ બ્રિટનના વિલ્ટશાયરમાં અવસાન થયું છે ત્યારે તેમના જીવન પર એક નજર...

કિશોરાવસ્થાથી જ લેખન

વર્ષ ૧૯૫૯માં ટેરી પ્રેચટ ઈલેવન પ્લસ એક્ઝામ પાસ કરીને બકિંગહામશાયરની ટેકનિકલ સ્કૂલમાં પ્રવેશ મેળવે છે. અહીં ટેરીને ખગોળશાસ્ત્રમાં રસ પડે છે અને એટલે તે ટેલિસ્કોપ પણ વસાવી લે છે. આ શોખ તેને સાયન્સ ફિક્શનના વાચન તરફ વાળે છે. ટેરી ફક્ત ૧૩ વર્ષની વયે સ્કૂલના મેગેઝિનમાં 'ધ હેડ્સ બિઝનેસ' નામની વાર્તા લખે છે. ટેરી ૧૫ વર્ષનો થાય છે ત્યારે આ વાર્તા ફરી એકવાર છપાય છે અને તેનો પુરસ્કાર પણ મળે છે. આ વાર્તા છપાતા તેનો આત્મવિશ્વાસ વધે છે. અવકાશ વિજ્ઞાન વિશે વધુ માહિતી મેળવવાની જિજ્ઞાસાને પગલે વર્ષ ૧૯૬૩-૬૪માં ટેરી ૧૬ વર્ષની વયે સાયન્સ ફિક્શન કન્વેશનમાં હાજરી આપે છે. ટેરીને ખગોળશાસ્ત્રી બનવું હોય છે પણ ગણિતમાં અત્યંત નબળો હોવાના કારણે એ શક્ય નથી બનતું. એ વખતે ટેરી મહાન સાયન્સ ફિક્શન લેખક એચ.જી. વેલ્સ તેમજ ક્રાઈમ ફિક્શન અને સસ્પેન્સ થ્રીલરના પ્રચંડ લોકપ્રિય લેખક આર્થર કોનાન ડોયલના પુસ્તકો વાંચી નાંખે છે.

ટેરીની પહેલી નવલકથા ‘ધ કાર્પેટ વર્લ્ડ’

બ્રિટિશ સેકન્ડરી સ્કૂલિંગ હેઠળ ટેરી કળા, અંગ્રેજી ભાષા અને ઈતિહાસનો અભ્યાસ કરે છે. જોકે, વર્ષ ૧૯૬૫માં 'બક્સ ફ્રી પ્રેસ'માં પત્રકાર તરીકેની નોકરી કરવા સ્કૂલનો અભ્યાસ છોડી દે છે. હવે ટેરીને લેખનનો બરાબરનો ચસ્કો લાગ્યો હોય છે અને તેથી તેને પત્રકાર બનવું હોય છે. આ ઘેલછા સંતોષવા તે અંગ્રેજી ભાષા અને પત્રકારત્વનો સર્ટિફિકિટ કોર્સ કરે છે. 'બક્સ ફ્રી પ્રેસ'ના 'ચિલ્ડ્રન્સ સર્કલ' નામના બાળકોના વિભાગ માટે ટેરી અન્કલ જિમ નામે બાળ વાર્તાઓ લખે છે. આ તમામ વાર્તાઓ 'મુનરુંગ્સ' નામના કાલ્પનિક લોકોની આસપાસ ફરતી હોય છે, જે 'કાર્પેટ' નામે ઓળખાતી દુનિયામાં વસતા હોય છે. વર્ષ ૧૯૭૧માં આ વાર્તાઓ પર આધારિત ટેરીની પહેલી નવલકથા 'ધ કાર્પેટ વર્લ્ડ' પ્રકાશિત થાય છે. એ વખતે ટેરીની ઉંમર ૨૩ વર્ષ હોય છે.

ડિસ્કવર્લ્ડ શ્રેણીને પ્રચંડ સફળતા

થોડું ઘણું પત્રકારત્વ અને લેખન કર્યા પછી ટેરી પ્રેચટ વર્ષ ૧૯૮૦માં સેન્ટ્રલ ઈલેક્ટ્રિસિટી જનરેટિંગ બોર્ડ (સીઈજીબી)માં પબ્લિસિટી ઓફિસર તરીકે કામ કરતા હોય છે. અહીં તેઓ 'ધ કલર ઓફ મેજિક' નામે એક નવલકથા લખે છે. ટેરીની 'ધ કાર્પેટ વર્લ્ડ'નું પ્રકાશન કરનારી કંપની કોલિન સ્મિથ લિ. વર્ષ ૧૯૮૩માં 'ધ કલર ઓફ મેજિક'નું પણ પ્રકાશન કરે છે. આ નવલકથાને સારો એવો આવકાર મળતા તેમને વધુ છ નવલકથા લખવાનો આગોતરો કોન્ટ્રાક્ટ મળે છે. આ કોન્ટ્રાક્ટથી તેમનો આત્મવિશ્વાસ ઓર વધે છે અને સીઈજીબીની નોકરી છોડીને ફૂલ ટાઈમ લેખનની કારકિર્દી શરૂ કરે છે. વર્ષ ૧૯૮૩માં 'ધ કલર ઓફ મેજિક'થી ડિસ્કવર્લ્ડ શ્રેણીની શરૂઆત થાય છે અને વર્ષ ૨૦૧૫માં તેમનું મૃત્યુ થાય છે ત્યાં સુધી આ વણથંભી નવલકથા લેખનની યાત્રા ચાલુ રહે છે. હવે સપ્ટેમ્બર ૨૦૧૫માં ડિસ્કવર્લ્ડ શ્રેણીની 'ધ શેફર્ડ્સ ક્રાઉન' નામની છેલ્લી ૪૧મી નવલકથા પ્રકાશિત થવાની છે.

‘ચુકવા’ કે ‘અકુપાર’ જેવો  ડિસ્કવર્લ્ડનો ગ્રેટ એ’ટુઈન કાચબો

ડિસ્કવર્લ્ડની પહેલી નવલકથા
‘ધ કલર ઓફ મેજિક’

એવું તો શું છે ડિસ્કવર્લ્ડ શ્રેણીની નવલકથાઓમાં? ડિસ્કવર્લ્ડ શ્રેણીની નવલકથાઓને કોમિક ફેન્ટસી (ફિક્શન નહીં) એટલે કે કાલ્પનિક પણ હાસ્યરસ ઉપજાવે એ પ્રકારના ખાનામાં મૂકાય છે. ડિસ્કવર્લ્ડ એક દુનિયા છે. આ દુનિયા એટલે ગ્રેટ એ'ટુઇન નામના મહાકાય કાચબાની પીઠ પર ચાર ખૂણામાં ચાર હાથી. એ હાથીઓની પીઠ પર થાળી (ડિસ્ક) જેવું એક વાસણ અને તેમાં ખાસ પ્રકારનું પ્રવાહી. આ પ્રવાહી સતત થાળીમાંથી બહાર પડતું રહે છે. જેની પીઠ પર આ દુનિયા છે એ ગ્રેટ એ'ટુઇન કાચબો હિંદુ પૌરાણિક કથાઓમાં જોવા મળે છે એ ચુકવા અને અકુપાર જેવા કાચબા સાથે સામ્યતા ધરાવે છે. ડિસ્કવર્લ્ડની વાર્તાઓમાં ટેરી પ્રેચટ જે.આર.આર. ટોલ્કિન, રોબર્ટ હોવાર્ડ, એચ. પી. લવક્રાફ્ટ અને શેક્સપિયર જેવા ધુરંધર લેખકો તેમજ પૌરાણિક કથાઓ, લોક સંસ્કૃતિ અને પરીકથાઓમાંથી પ્રેરણા લઈને સામાજિક અને રાજકીય વ્યવસ્થા પર વેધક કટાક્ષ કરે છે.

આ વાર્તાઓમાં તેમણે આટલા જુદા જુદા પ્રકારના રસ એવી રીતે ભેળવ્યા છે કે, વાચક લંબાઈથી કંટાળવાના બદલે આશ્ચર્યમાં ડૂબી જાય છે. ડિસ્કવર્લ્ડની દુનિયા, શહેરો, નકશા, ત્યાંનો સમાજ, સંસ્કૃતિ, કળા, પાત્રો અને તેમના સ્વભાવ, તેમની મુશ્કેલીઓ અને પ્રાણીઓ વિશે માહિતી મેળવવા પણ પુસ્તકો છે. ડિસ્કવર્લ્ડના વિજ્ઞાનની માહિતી આપવા વર્ષ ૧૯૯૯થી ૨૦૦૨ દરમિયાન 'ધ સાયન્સ ઓફ ડિસ્કવર્લ્ડ' નામના પુસ્તકના ચાર ભાગ પ્રકાશિત થયા હતા. વર્ષ ૨૦૦૨માં ડિસ્કવર્લ્ડની વાનગીઓ, રહેણીકરણી અને ફૂલોની માહિતી આપવા 'ધ ઓગ'સ કૂકબુક' નામના પુસ્તક પ્રકાશિત થયું હતું. ડિસ્કવર્લ્ડ શ્રેણી વિશે લોકોની જાણવાની ભૂખ સંતોષવા વર્ષ ૧૯૯૪થી ડિસ્કવર્લ્ડના એન્સાઈક્લોપીડિયાનું પ્રકાશન શરૂ થયું હતું. જોકે, વર્ષ ૨૦૧૨માં પ્રકાશિત થયેલો 'ટર્ટલ રિકોલઃ ધ ડિસ્કવર્લ્ડ કમ્પેનિયન' એન્સાઈક્લોપીડિયા તેની છેલ્લી આવૃત્તિ છે. ટેરી પ્રેચટે સમગ્ર લેખન કારકિર્દીમાં ૭૦ જેટલા પુસ્તકો લખ્યા છે, જેમાં ડિસ્કવર્લ્ડ સિવાયની નવલકથાઓનો પણ સમાવેશ થાય છે.

દુનિયાએ જે. કે. રોલિંગ લિખિત હેરી પોટરની જબરદસ્ત સફળતા જોઈ નહોતી એ પહેલાં નેવુંના દાયકામાં  અંગ્રેજી ભાષાના સૌથી વધુ કમાતા લેખક ટેરી પ્રેચટ હતા. બ્રિટન સહિતના દેશોમાં અંગ્રેજી વાંચતા લોકોને ડિસ્કવર્લ્ડનું ઘેલું લાગ્યા પછી ટેરી પ્રેચટને ટૂંકી વાર્તાઓ, ડિસ્કવર્લ્ડ આધારિત ક્વિઝ બુક્સ, ઓડિયો બુક્સ અને ગ્રાફિક નોવેલ્સ લખવાની ઓફર થતી રહે છે. ડિસ્કવર્લ્ડની કેટલીક વાર્તાઓના આધારે ફિલ્મ અને ટીવી સિરીઝ પણ બની છે, પરંતુ જટિલ કથાવસ્તુના કારણે ડિસ્કવર્લ્ડની વાર્તાઓને કચકડે મઢવી અઘરી હોવાથી તેને પૂરતી સફળતા મળી નથી. જોકે, એન્ટાર્કટિકા સહિતના વિશ્વના તમામ ખંડમાં ડિસ્કવર્લ્ડની કોઈને કોઈ વાર્તાની તખ્તા પર ભજવણી થઈ છે, જે ટેરી પ્રેચટની અનોખી સિદ્ધિ છે. બાળકો, કિશોરો અને યુવાનોમાં ડિસ્કવર્લ્ડની લોકપ્રિયતાને પગલે છેલ્લાં બે દાયકાથી ડિસ્કવર્લ્ડ આધારિત બોર્ડ ગેમ્સ, કાર્ડ ગેમ તેમજ વીડિયો ગેમનું બજાર પણ ધૂમ મચાવી રહ્યું છે.

આસિસ્ટેડ સુસાઈડની તરફેણ

લેખન કારકિર્દી બરાબર જામી રહી હોય છે ત્યારે વર્ષ ૧૯૬૮માં ટેરી પ્રેચટ લિન પર્વ્સ નામની યુવતી સાથે લગ્ન કરે છે અને જીવનના અંત સુધી સાથ નિભાવે છે. લગ્ન કરીને તેઓ સોમરસેટમાં સ્થાયી થાય છે અને વર્ષ ૧૯૭૬માં લિન પુત્રીને જન્મ આપે છે. પ્રેચટ દંપત્તિની પુત્રી રિહાન્ના પ્રેચટ પણ વીડિયો ગેમ લેખિકા છે. ઓગસ્ટ ૨૦૦૭માં ટેરી પ્રેચટ મગજના હુમલાનો ભોગ બને છે, જેમાં જમણી બાજુના મગજને નુકસાન થતા તેમણે ડ્રાઈવિંગ કે લેખન જેવી પ્રવૃત્તિ બંધ કરવી પડે એવી સ્થિતિ સર્જાય છે. સપ્ટેમ્બર ૨૦૦૭માં તેઓ અલ્ઝાઈમર (જ્ઞાનતંતુઓ નબળા પાડી દેતો રોગ)નો ભોગ બને છે, જેમાં તેમની હલનચલન કરવાની ક્ષમતા હણાઈ જાય છે. આ સ્થિતિમાં પણ તેઓ કહેતા હોય છે કે, હજુ હું કેટલાક પુસ્તકો લખી શકું એમ છું...

ટેરી પ્રેચટનો સ્પિરિટ  :)

માર્ચ ૨૦૦૮માં તેઓ અલ્ઝાઈમર્સ રિસર્ચ માટે એક લાખ ડોલરનું દાન આપે છે કારણ કે, અલ્ઝાઈમરથી યુરોપ-અમેરિકામાં લાખો લોકો પીડાતા હોવા છતાં તેના માટે ઓછું ભંડોળ મળે છે, એ વાતનો તેમને ખટકો હોય છે. એપ્રિલ ૨૦૦૮માં બીબીસી 'ટેરી પ્રેચટઃ લિવિંગ વિથ અલ્ઝાઈમર્સ' નામની ડોક્યુમેન્ટ્રી બનાવે છે, જેને ફેક્ચ્યુઅલ સિરીઝ કેટેગરીમાં બાફ્ટા એવોર્ડ મળે છે. આ દરમિયાન તેઓ લેખન માટે તેમના આસિસ્ટન્ટ અથવા સ્પિચ રેકગ્નિશન સોફ્ટવેર પર આધાર રાખતા હોય છે. વર્ષ ૨૦૦૯માં સાહિત્યની સેવા બદલ ટેરી પ્રેચટને નાઈટહુડ (સર)ના ખિતાબથી નવાજવામાં આવે છે. હવે તેઓ અલ્ઝાઈમરનો ગંભીર રીતે ભોગ બની રહ્યા હોય છે. વર્ષ ૨૦૦૯માં એક લેખ લખીને તેઓ ફિઝિશિયન આસિસ્ટેડ સુસાઈડથી મૃત્યુ પામવાની ઈચ્છા વ્યક્ત કરે છે. આ રોગથી પીડાતા હોવાથી જ તેઓ પીડિતને તબીબની મદદથી મૃત્યુ પામવાનો અધિકાર હોવો જોઈએ એવું દૃઢપણે માનતા થઈ જાય છે. જોકે, આવું માનતા હોવા છતાં ૧૨મી માર્ચ, ૨૦૧૫ના રોજ અલ્ઝાઈમરના કારણે જ તેમનું કુદરતી મૃત્યુ થાય છે. 

ટેરી પ્રેચટે મૃત્યુ વિશે એકવાર કહ્યું હતું કે, ''મૃત્યુ ક્રૂર નથી, પણ પોતાનું કામ કરવામાં અતિશય સારું છે.'' ડિસ્કવર્લ્ડની ૪૧મી નવલકથા પ્રકાશિત થવાની હજુ બાકી છે ત્યારે તેમના ચાહકોના કાનમાં આ વાત પડઘાતી હશે!

No comments:

Post a Comment