22 April, 2015

ઈશ્વરે મળમૂત્રનો ઢગલો કર્યો અને સર્જાયું, કોલકાતા...


ભારત, ઈઝરાયેલ અને જર્મનીમાં ગયા અઠવાડિયે એક જ ઘટના સાથે ગાઢ રીતે સંકળાયેલી હોય એવી ત્રણ ઘટનાઓનો અનોખો યોગાનુયોગ સર્જાયો. પશ્ચિમ બંગાળમાં ૧૮મી એપ્રિલે યોજાયેલી કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં મમતા બેનરજીએ કોલકાતાનું સંપૂર્ણ બ્યુટિફિકેશન કરવાનું વચન આપીને મત માગ્યા. આ ચૂંટણીના પ્રચારની છેલ્લી તારીખ ૧૬મી એપ્રિલ હતી. નહેરુ સરકાર સુભાષચંદ્ર બોઝની જાસૂસી કરાવતી હતી એ વાત બહાર આવ્યા પછી મોદી સરકારે નેતાજીના જીવન સંબંધિત કયા દસ્તાવેજો જાહેર કરી શકાય એમ છે, એ મુદ્દે તપાસ કરવા ૧૪મી એપ્રિલે એક સમિતિની રચના કરી. આ વર્ષે હિબ્રુ કેલેન્ડરના નિસાન (એપ્રિલ-મે)નો ૨૭મો દિવસ ૧૫મી એપ્રિલે આવ્યો. નિસાનનો ૨૭મો દિવસ ઈઝરાયેલમાં હોલોકાસ્ટ રિમેમ્બ્રન્સ ડે તરીકે ઊજવાય છે. દ્વિતિય વિશ્વયુદ્ધ વખતે જર્મનીના હિટલર યુગમાં સામૂહિક નરસંહારનો ભોગ બનેલા ૬૦ લાખ લોકોની યાદમાં નિસાનના ૨૭મા દિવસે ઈઝરાયેલ સહિત અમેરિકા-યુરોપના દેશોમાં મૌન પાળવામાં આવે છે. આ ત્રણેય ઘટના સાથે જેને સંબંધ છે એ ઘટના ૧૩મી એપ્રિલે જર્મનીમાં બની. આ દિવસે જર્મનીના નોબલ પુરસ્કાર વિજેતા સાહિત્યકાર ગુન્ટર ગ્રાસનું અવસાન થયું.


ગુન્ટર ગ્રાસ

ગુન્ટર ગ્રાસ ઉત્તમ નવલકથાકાર, કવિ, નાટયકાર હોવાની સાથે સારા ઇલસ્ટ્રેટર, ગ્રાફિક ડિઝાઈનર અને શિલ્પકાર પણ હતા. ગ્રાસ વર્ષ ૧૯૭૫માં પહેલીવાર ભારતમાં કોલકાતાની મુલાકાતે આવ્યા હતા. ત્યાર પછી વર્ષ ૧૯૮૬-૮૭માં ગ્રાસ ફરી એકવાર કોલકાતા આવ્યા અને આશરે છ મહિના રોકાયા. એ પછી વર્ષ ૨૦૦૫માં પણ તેઓ કોલકાતાની ટૂંકી મુલાકાતે આવ્યા હતા. કોલકાતાની પહેલી જ મુલાકાતે ગુન્ટર ગ્રાસના વિચારો પર ઊંડી અસર કરી હતી. વર્ષ ૧૯૭૭માં ગ્રાસે જર્મન લોક-કથા 'ધ ફિશરમેન એન્ડ હિઝ વાઈફ' પર આધારિત 'ધ ફ્લાઉન્ડર' નામની ઐતિહાસિક કથાવસ્તુ ધરાવતી નવલકથામાં કોલકાતાનો ઉલ્લેખ કર્યો હતો. આ નવલકથામાં પુરુષ અને સ્ત્રી વચ્ચે દરેક સ્તરે થતા સંઘર્ષની વાત છે, પરંતુ તેની કથાવસ્તુમાં ગ્રાસે કોલકાતાને બખૂબી વણી લીધું છે. આ નવલકથામાં વાસ્કો દ ગામા નામના ઐતિહાસિક પાત્રના મ્હોંમાં ગ્રાસે કોલકાતા વિશે કાલ્પનિક શબ્દો મૂક્યા છેઃ ઈશ્વરે કરેલા મળમૂત્રના ઢગલા પર કવિતા કેમ ના હોઈ શકે, જેને નામ આપ્યું છે કોલકાતા. આ ઢગલો જીવડાંથી ખદબદી રહ્યો છે, ગંધાઈ રહ્યો છે, જીવી રહ્યો છે અને સતત મોટો થઈ રહ્યો છે... જર્મનીની આર્થિક રાજધાની ફ્રેન્કફર્ટ વિશે પણ ગ્રાસે કહ્યું હતું કે, ઈશ્વરે કોંક્રિટ જેવી ગંદકીનો ઢગલો કર્યો અને સર્જાયું ફ્રેન્કફર્ટ...

કોલકાતા અને ફ્રેન્કફર્ટ વિશે આવું લખવા બદલ તેઓ કહેતા હતા કે, ''કોલકાતા એ ભારતની મુશ્કેલીઓનું પ્રતીક છે અને દુનિયાભરની મુશ્કેલીઓ પણ આવી જ છે.'' ગુન્ટર ગ્રાસના આવા ગૂઢ શબ્દોનું ગણિત સમજવા જેવું છે. વર્ષ ૧૯૭૫માં પહેલીવાર કોલકાતાની મુલાકાતે આવેલા ગુન્ટર ગ્રાસ કોલકાતાની ભયાનક ગંદકી, ગરીબી અને આર્થિક અસમાનતા જોઈને વ્યથિત થઈ ગયા હતા. આ મુલાકાતના બે વર્ષ પછી ૧૯૭૭માં આવેલી નવલકથા 'ધ ફ્લાઉન્ડર'માં આ જ વાતનો પડઘો પડે છે, જેમાં તેમણે કોલકાતાની મુશ્કેલીઓને ખુદ ભગવાને કરેલી ગંદકીના ઢગલા સાથે કલાત્મક રીતે સરખાવી છે. ગ્રાસ કોલકાતાના લોકોને કે ગરીબોને નહીં પણ વિકસિત અને વિકાસશીલ દેશો વચ્ચેની આર્થિક અસમાનતાને ધિક્કારતા હતા. કોલકાતાના પોશ વિસ્તારોમાં મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગની જાહોજલાલી જોઈને તેઓ વધુ આકરા બન્યા હતા. ભારતની મુલાકાત પછી જ ગ્રાસના મનમાં મૂડીવાદ વિરોધી વલણ વધુ મજબૂત થયું હતું. ગ્રાસ કહેતા કે, ઉચ્ચ વર્ગ તેમની આસપાસ ફેલાયેલી ગંદકી (ગંદકી અને ગરીબી, બંને તરફ ઈશારો) બાબતે આંધળો અને સંવેદનશૂન્ય છે. કોલકાતામાં છ મહિના રોકાયા પછી હું અત્યંત પ્રભાવિત થયો છું. ભારતે મારી આંખો ખોલી નાંખી છે અને મને વાસ્તવિકતાનું ભાન કરાવ્યું છે. ભારતે મારો દૃષ્ટિકોણ જ નથી બદલ્યો પણ મારી ક્રિયેટિવિટી પર પણ ઊંડી અસર કરી છે. વિકસિત અને વિકાસશીલ દેશોની મુશ્કેલીઓ એકબીજા સાથે કેવી રીતે જોડાયેલી છે તે હું વધુ સારી રીતે જાણી શક્યો છું... 

જોકે, ગુન્ટર ગ્રાસે કોલકાતા વિશે કરેલા આકરા નિવેદનોથી અનેક બંગાળીઓ રોષે ભરાયા હતા. વર્ષ ૧૯૮૬માં ગ્રાસ ફરી કોલકાતાની મુલાકાતે આવ્યા ત્યારે લોકોએ તેમને 'ડ્રેઇન ઇન્સ્પેક્ટર' એટલે કે ગટર ઇન્સ્પેક્ટર પાછો આવ્યો એમ કહીને ધુત્કાર્યા હતા. આમ છતાં, ગ્રાસ કોલકાતામાં છ મહિના રોકાયા હતા. આ છ મહિનામાં ગ્રાસે ઝૂંપડપટ્ટીઓમાં બાળકો સાથે, ખીચોખીચ ભરેલી ગંદી ટ્રેનોમાં, કોલકાતામાં યોજાતી સાહિત્યની શિબિરોમાં તેમજ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે મહત્તમ સમય વિતાવ્યો હતો. આ દરમિયાન તેમણે વધુને વધુ સામાન્ય લોકોને મળીને તેમની સાથે વાતચીત કરી હતી, ચિત્રો દોર્યા હતા તેમજ જાતભાતના અનુભવો ડાયરીમાં ટપકાવ્યા હતા. કોલકાતાની ઝૂંપડપટ્ટીઓનું જીવન જોઈને તેઓ દુઃખી પણ થયા અને પ્રભાવિત પણ. ભારતની ઝૂંપડપટ્ટીઓમાં રહેતા લોકો વિશે ગ્રાસ કહેતા કે, આ લોકોના હઠીલાપણાની હું પ્રશંસા કરું છું. તેમની અસ્તિત્વ ટકાવી રાખવાની, કામ કરવાની અને જીવતા રહેવાની ઈચ્છાશક્તિ ઉદાહરણીય છે. આ લોકો પેઢીઓથી ઝૂંપડપટ્ટીઓમાં રહે છે અને છતાં તેમનો ઉત્સાહ તૂટયો નથી. જર્મનીમાં યુદ્ધ પછીના દિવસો મને બરાબર યાદ છે. જર્મનીના એ ખરાબ દિવસો હવે ચાલ્યા ગયા છે પણ ભારતની ઝૂંપડપટ્ટીમાં સંઘર્ષ એ રોજિંદી બાબત છે. તેમનો સંઘર્ષ જોઈને મને સતત પ્રેરણા મળે છે. ભારતમાં મારા સૌથી યાદગાર અનુભવ ગરીબ કલાકારો, ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો તેમજ કઠોર પરિશ્રમ કરતી સ્ત્રીઓ સાથેના છે...

કોલકાતાની ઝૂંપડપટ્ટીઓમાં રખડપટ્ટી કરતી વખતે ગ્રાસની મુલાકાત રબિન્દ્ર ભારતી યુનિવર્સિટીના અંગ્રેજી નાટકના પ્રોફેસર અમિતાવ રોય સાથે થાય છે. રોય ગ્રાસના નાટક 'ધ પ્લેબિયન્સ'નું બંગાળી રૂપાંતર કરીને તેને ભજવવાના હતા. આ નાટકની ભજવણી માટે રોય અને ગ્રાસ સાથે કામ શરૂ કરે છે. એ વખતે ગ્રાસના મનમાં સુભાષચંદ્ર બોઝના જીવન આધારિત નાટક બનાવવાનો વિચાર આવે છે. કોલકાતા આવ્યા પછી ગ્રાસે નેતાજી વિશે પુષ્કળ વાંચ્યુ હોય છે. ગ્રાસ છ મહિનાના રોકાણ પછી જર્મની જાય છે ત્યારે તેમની પાસે નેતાજી વિશેના મહત્ત્વના પુસ્તકો, નોંધો અને મગજમાં સંઘરેલુ પુષ્કળ વાંચન હોય છે. જર્મની જઈને તેઓ સુભાષચંદ્ર બોઝ વિશે એક નાટક લખવાની શરૂઆત કરે છે અને રોયને તેમાં મદદરૂપ થવાનું પણ કહે છે. આ નાટકના પહેલું જ દૃશ્ય કંઈક આવું હોય છેઃ કોલકાતાની ઝૂંપડપટ્ટીમાં નેતાજીના શ્રદ્ધાંજલિ કાર્યક્રમની ઉજવણી થઈ રહી હોય છે. રાજકારણીઓ ભાવશૂન્ય રીતે નેતાજીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા હોય છે. રાજકારણીઓ જતા રહે છે પછી ગરીબો પોતાનો કાર્યક્રમ શરૂ કરે છે. તેઓ આસપાસથી નકામી ચીજવસ્તુઓ ભેગી કરીને ભંગારમાં નેતાજીની છબિ બનાવે છે...

આ દૃશ્યની ભજવણીની કલ્પના કરીને જ રોય સ્તબ્ધ થઈ જાય છે અને ગ્રાસને કહે છે કે, આ નાટક કોલકાતામાં ભજવાયું તો આપણને ગોળી મારી દેવામાં આવશે. આ ખૂબ જ વિવાદાસ્પદ છે. જોકે, ગ્રાસ રોયને સાંત્વના આપે છે કે, હું તારી બાજુમાં ઊભો રહીને ગોળી ખાઈશ... ખેર, ભારતમાં આ નાટક માટે મંજૂરી મળવી અશક્ય હોય છે. પરિણામે આજેય આ નાટક અધુરું છે. એ પછીયે ગ્રાસ ગમે તે ભોગે નેતાજી વિશે કંઈક લખવા માગતા હોય છે. છેવટે વર્ષ ૧૯૯૨માં ગ્રાસ 'ધ કૉલ ઓફ ધ ટોડ' નામની નવલકથા લખે છે. આ નવલકથાના એક પાત્રનું નામ સુભાષચંદ્ર ચેટરજી હોય છે, જે પોલેન્ડના દાઝિન્ગ શહેરમાં જઈને બાંગ્લાદેશથી સાયકલ રિક્ષા આયાત કરે છે. આ વાહનની મદદથી તે પ્રદૂષણ મુક્તિનો સંદેશ આપે છે અને વિકસિત દેશના લોકોનું દિલ જીતી લે છે. વર્ષ ૨૦૦૫માં રોબર્ટ ગ્લિન્સ્કીએ આ જ નામથી ફિલ્મ બનાવી હતી, જેમાં ચેટરજીનું પાત્ર ભાસ્કર પટેલ નામના બ્રિટિશ અભિનેતાએ ભજવ્યું હતું. ગ્રાસ વર્ષ ૧૯૮૭માં જર્મની પરત જાય છે અને બે વર્ષ પછી કોલકાતાના લોકો, મકાન, સંસ્કૃતિ અને ગરીબીની વાત કરતું 'શૉ યોર ટંગ' નામનું પુસ્તક લખે છે. આ પુસ્તકનું શીર્ષક ગ્રાસને કાલી પૂજામાં કાલી માતાની જીભ જોઈને સૂઝ્યું હોય છે.

ગુન્ટર ગ્રાસ વર્ષ ૧૯૫૯માં પ્રકાશિત પોતાની પહેલી જ નવલકથા 'ધ ટિન ડ્રમ'થી વિશ્વ સાહિત્ય જગતમાં છવાઈ ગયા હતા. 'ધ ટિન ડ્રમ' દાનઝિગ ટ્રિલોજીની પહેલી નવલકથા છે, જ્યારે બીજી બે નવલકથા 'કેટ એન્ડ માઉસ' અને 'ડોગ યર્સ' છે. ગ્રાસનો જન્મ ૧૬મી ઓક્ટોબર, ૧૯૨૭ના રોજ દાનઝિગમાં જ થયો હતો. આ શહેર અત્યારે પોલેન્ડમાં છે. આ ટ્રિલોજીના કારણે જ ગ્રાસ દ્વિતિય વિશ્વયુદ્ધ પછીના મહાન લેખકોમાં સ્થાન પામ્યા હતા. વર્ષ ૧૯૯૯માં ગુન્ટર ગ્રાસને સાહિત્યિક પ્રદાન માટે નોબલ પુરસ્કાર મળ્યો હતો. નોબલ પુરસ્કાર મળ્યા પછી ઓગસ્ટ ૨૦૦૬માં ગ્રાસે ભવિષ્યમાં આવનારા પુસ્તક 'ધ પીલિંગ ઓનિયન' અંગે ઈન્ટરવ્યૂ આપતી વખતે કબૂલ્યું હતું કે, દ્વિતિય વિશ્વયુદ્ધ વખતે તેઓ 'વેફન એસએસ'ના સભ્ય હતા પણ તેમણે ક્યારેય એક ગોળી સુદ્ધાં છોડી ન હતી. 

આ કબૂલાત પછી જર્મની જ નહીં પણ સમગ્ર યુરોપમાં ભૂકંપ સર્જાય છે કારણ કે, 'વેફેન એસએસ' ગ્રૂપે યહૂદીઓ સહિત ૬૦ લાખ લોકોની સામૂહિક નરસંહાર કરવામાં સક્રિય ભાગ લીધો હતો. આ ગ્રૂપનો વડો એડોલ્ફ હિટલરનો કુખ્યાત ચિફ કમાન્ડર અને નાઝી પક્ષના મુખ્ય સભ્યોમાંનો એક હેનરિક હિમલર હતો. આ કબૂલાત પછી દ્વિતિય વિશ્વયુદ્ધના સત્તાવાર દસ્તાવેજો તપાસતા માલુમ પડે છે કે, વર્ષ ૧૯૪૪માં ગ્રાસ 'વેફન એસએસ'ના સભ્ય હતા. એ વખતે તેમની ઉંમર ૧૭ વર્ષ હતી. વર્ષ ૧૯૪૫માં અમેરિકન લશ્કરે ગ્રાસની યુદ્ધ કેદી તરીકે ધરપકડ કરી હતી અને એપ્રિલ ૧૯૪૬માં તેમને મુક્ત કરાયા હતા. ગ્રાસે આશરે ૬૦ વર્ષ આ વાત છુપાવી રાખી હોવાથી શરૂઆતમાં તેમનો જોરદાર વિરોધ થયો હતો પણ બાદમાં અનેક રાજકીય-સામાજિક હસ્તીઓ તેમજ સામાન્ય લોકો પણ ગ્રાસના સમર્થનમાં બહાર આવ્યા હતા. આ લોકોનું માનવું હતું કે, આટલી ઊંચાઈએ પહોંચીને આવી ભૂલની કબૂલાત કરવી અન્ય લોકો માટે ઉદાહરણીય છે. કદાચ એ ઈતિહાસનું સર્જન કોઈના કાબૂમાં ન હતું.  

કોલકાતાની સુંદરતા, સુભાષચંદ્ર બોઝ અને જર્મનીના નાઝી યુગમાં થયેલો સામૂહિક નરસંહાર- આ ત્રણેય ઘટના ગુન્ટર ગ્રાસ સાથે સંકળાયેલી છે. આ ત્રણેય ઘટનાનું પ્રતિબિંબ સીધી કે આડકતરી રીતે ગ્રાસના સાહિત્યમાં પડે છે. ગ્રાસ વર્ષ ૧૯૭૫માં પહેલીવાર કોલકાતા આવ્યા ત્યારે કોલકાતાની ગંદકી જોઈને વ્યથિત થયા હતા. આજે ચાર દાયકા પછીયે મમતા બેનરજીએ કોલકાતાને સુંદર બનાવવાનું વચન આપીને મત ઉઘરાવવા પડે છે,  જે આપણી કમનસીબી છે. ગુન્ટર ગ્રાસ એકમાત્ર નોબલ પુરસ્કૃત વિદેશી સાહિત્યકાર છે, જેમના સાહિત્ય અને વિચારો પર ભારત કે ભારતના એક શહેરની 'ગંદકી'ની આટલી પ્રચંડ અસર થઈ હતી. 

શું આપણા માટે આ ગૌરવની વાત છે? સવાલ અઘરો છે.

No comments:

Post a Comment