દુનિયાભરને કાર રેસિંગનું ઘેલું લગાડનારી 'ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ' સિરીઝની સાતમી ફિલ્મ 'ફ્યુરિયસ 7' ભારતમાં બીજી એપ્રિલે રિલીઝ થઈ હતી. આ ફિલ્મે અત્યાર સુધી ભારતીયોના ખિસ્સામાંથી રૂ. ૧૦૦ કરોડથી પણ વધુ
રકમ ખંખેરી લીધી છે અને હજુ તેની કમાણી ચાલુ છે. આગામી દિવસોમાં 'ફ્યુરિયસ 7' ભારતમાં સૌથી વધારે કમાણી કરનારી
હોલિવૂડ ફિલ્મ બને એવી પૂરેપૂરી શક્યતા છે. હાલ આ રેકોર્ડ 'અવતાર'ના નામે છે, જેણે ભારતમાંથી રૂ. ૧૪૫
કરોડથી પણ વધારે કમાણી કરી હતી. 'ફ્યુરિયસ 7'એ ઓપનિંગ વિકએન્ડ્સમાં જ (રિલીઝ ડેટથી રવિવાર
સુધી) રૂ. ૫૦ કરોડ કમાઈ લીધા હતા. આ પહેલાં ઓપનિંગ વિકએન્ડ્સમાં રૂ. ૩૦.૫ કરોડ
સાથે સૌથી વધારે કમાણી કરવાનો રેકોર્ડ વર્ષ ૨૦૧૪માં આવેલી 'અમેઝિંગ સ્પાઈડરમેન-૨'ના નામે હતો. 'ફ્યુરિયસ 7'ના એક જ દિવસ પછી ત્રીજી એપ્રિલે રિલીઝ થયેલી
દિબાકર બેનરજીની બહુચર્ચિત 'ડિટેક્ટિવ બ્યોમકેશ બક્ષી' ઓપનિંગ વિકએન્ડ્સ (શુક્રથી રવિવાર)માં માંડ રૂ. ૧૪ કરોડની
કમાણી કરી શકી હતી.
પોલ વોકર અને વિન ડીઝલ |
એક અંદાજ પ્રમાણે, છેલ્લાં ૧૮ મહિનામાં હિન્દી ફિલ્મોનું બોક્સ
ઓફિસ કલેક્શન સતત ઘટી રહ્યું છે અને આગામી વર્ષોમાં આ આંકડો હજુ વધારે ઘટે એવી
શક્યતા છે. 'ફ્યુરિયસ 7'ની સફળતાથી ફિલ્મ ટ્રેડ પંડિતોની આંખો પણ
પહોળી થઈ ગઈ છે. આ ફિલ્મના સફળતાને કારણે 'ડિટેક્ટિવ બ્યોમકેશ બક્ષી'ના વિતરક યશરાજ ફિલ્મ્સની કમાણી રીતસરની ધોવાઈ ગઈ છે. 'ફ્યુરિયસ 7' 'એ' સર્ટિફિકેટ અપાયું છે, એટલે કે ૧૮ વર્ષથી નીચેની વ્યક્તિ થિયેટરમાં જઈને આ ફિલ્મ
જોઈ ના શકે. આમ છતાં, આ ફિલ્મે આટલી જંગી કમાણી કરી છે, જે હિન્દી ફિલ્મો માટે ખરેખર ચિંતાનો વિષય છે. હિન્દી
ફિલ્મોમાં દેશના વિવિધ પ્રદેશોની સંસ્કૃતિ, રહેણીકરણી, ખાન-પાન અને સંગીતનું સ્થાન વિદેશી ફિલ્મો ના
લઈ શકે એ વાત ખરી પણ હોલિવૂડની ફિલ્મો હિન્દી ફિલ્મોની કમાણીમાં બહુ મોટો ભાગ
પડાવી રહી છે અને આ આંકડો સ્થિર રીતે વધી રહ્યો છે, એ હકીકત છે. 'ફ્યુરિયસ 7'ના સ્ટાર પોલ વોકરના મૃત્યુને કારણે આ
ફિલ્મને ભારતમાં મેગા સક્સેસ મળે એ શક્ય જ નથી.
દેશના ૨,૬૦૦ સ્ક્રીનમાં રિલીઝ
'ફ્યુરિયસ 7'ને એકસાથે ભારતના ૨,૬૦૦ સ્ક્રીનમાં રિલીઝ કરાઈ હતી અને તેની સફળતાનું સૌથી
મોટું કારણ આ જ છે. ભારતમાં હિન્દી ફિલ્મોનું પ્રમોશન કરવું સ્વાભાવિક રીતે જ સરળ
હોય. હિન્દી ફિલ્મોને ટેલિવિઝન, થિયેટર અને ઈન્ટરનેટ જેવા માધ્યમોની સાથે
વિવિધ ચેનલો પર પ્રાઈમ ટાઈમમાં પ્રસારિત થતાં નાના-મોટા કાર્યક્રમોમાં પ્રમોટ કરી
શકાય છે. છેલ્લાં કેટલાક વર્ષોથી બોલિવૂડ સ્ટાર્સ પણ ફિલ્મ રિલીઝ પહેલાં મહત્ત્વના
સેન્ટરોની મુલાકાત લઈને પોતાની ફિલ્મનું માર્કેટિંગ કરે છે. ઓપનિંગ વિકએન્ડ્સમાં જ
ફિલ્મ પાછળ ખર્ચેલા નાણા પાછા મળી જાય એ માટે આવી વ્યૂહરચના ઘડાતી હોય છે.
મેઇનસ્ટ્રીમ મીડિયામાં ઓછા અને મધ્યમ કદના બજેટની ફિલ્મોનું માર્કેટિંગ રિલીઝ ડેટના
સાતથી આઠ અઠવાડિયા પહેલાં કરાતું હોય છે. આ માટે સંગીત કંપનીઓનું દબાણ જવાબદાર હોય
છે કારણ કે, ભારતમાં ફક્ત સંગીતના કારણે ફિલ્મ સારો
બિઝનેસ કરી શકે છે અને મ્યુઝિક કંપનીઓને પણ તગડો નફો થઈ જાય છે.
જોકે, હોલિવૂડની ફિલ્મ માટે આવુ કંઈ શક્ય નહીં
હોવાથી તેમણે ફક્ત થિયેટર, ટેલિવિઝન અને ઈન્ટરનેટ માર્કેટિંગ પર જ આધાર
રાખવો પડે છે. આ સિવાય હોલિવૂડની ફિલ્મ બહુ બહુ તો થિયેટર રિલીઝની વ્યૂહરચના ઘડી
શકે છે. આ કારણથી જ 'ફ્યુરિયસ 7'ને બોલિવૂડ બ્લોકબસ્ટર્સની જેમ વધુને વધુ
સ્ક્રીનમાં રિલીઝ કરવાનું નક્કી કરાયું હતું. 'ફ્યુરિયસ 7' 'બી' અને 'સી' ગ્રેડના સેન્ટરો એટલે કે નાના શહેરો અને
નગરોમાં રિલીઝ થનારી પહેલી હોલિવૂડ ફિલ્મ છે. વિદેશી ફિલ્મોનું ભારતમાં વિતરણ કરતા
સ્ટુડિયો સારી રીતે જાણે છે કે, નાના શહેરો અને નગરોમાં હોલિવૂડ એક્શન
ફિલ્મોનું જબરદસ્ત આકર્ષણ હોય છે કારણ કે, આ પ્રકારના સેન્ટરોમાં ઈન્ટરનેટ પરથી
ગેરકાયદે ડાઉનલોડિંગનું પ્રમાણ સૌથી વધુ હોય છે. પાઇરેસી ટ્રેકિંગ સાઇટ 'એક્સિપિયો'ના મતે, બીજી એપ્રિલથી છઠ્ઠી એપ્રિલ વચ્ચે 'ફ્યુરિયસ 7' ભારતમાં ૫,૭૮,૦૦૦ વાર ગેરકાયદે ડાઉનલોડ થઈ છે. ત્યાર પછી
પાકિસ્તાન (૩,૨૧,૦૦૦), ચીન (૨,૮૯,૦૦૦), અમેરિકા (૨,૫૧,૦૦૦) અને યુ.કે. (૧,૦૧,૦૦૦)નો નંબર આવે છે. આ દુષણ પર કાબૂ મેળવવો
અશક્ય હોવાથી હોલિવૂડ સ્ટુડિયો પાસે વધુમાં વધુ સ્ક્રીનમાં ફિલ્મ રિલીઝ સિવાય કોઈ
વિકલ્પ બચ્યો નથી.
સ્ક્રીનની ગુણવત્તા ના જાળવી
હોલિવૂડની ફિલ્મોનું વિતરણ કરતા સ્ટુડિયો પોતાની ફિલ્મ રિલીઝ
માટે સ્ક્રીનની ગુણવત્તા સાથે ક્યારેય સમાધાન નથી કરતા. 'ફ્યુરિયસ 7'ના વિતરક યુનિવર્સિલ પિક્ચર્સ સ્ટુડિયોએ આ
નિયમ પણ તોડયો છે. 'ફ્યુરિયસ 7'ને
પહેલાં જ દિવસે વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા યુનિવર્સલ સ્ટુડિયોએ 2Xથી
નીચી ગુણવત્તા ધરાવતા સ્ક્રીનમાં ફિલ્મ રિલીઝને મંજૂરી આપી હતી. 2X સ્ક્રીનનું
રિઝોલ્યુશન સામાન્ય રીતે ૨૦૪૮ X ૧૫૩૬ પિક્સેલ હોય છે. આ પ્રકારના થિયેટરોમાં
પાઇરેસી સામે કોઈ સુરક્ષા અપાતી નથી. જોકે, આ પ્રકારના થિયેટરોમાં ફિલ્મ રિલીઝ કરી
દેવાતા આડકતરી રીતે પાઇરેસી પર પણ કાબૂ મેળવી શકાયો છે.
હોલિવૂડ સ્ટુડિયો ભારતમાંથી મહત્તમ કમાણી કરવા બીજી પણ એક
મહત્ત્વની બાબત ધ્યાનમાં રાખે છે. છેલ્લાં કેટલાક વર્ષોથી હોલિવૂડની અનેક ફિલ્મોની
રિલીઝ ડેટ ભારત સહિતના દેશોમાં યુએસએ કરતા વહેલી રખાય છે. 'ફ્યુરિયસ 7' ભારતમાં બીજી એપ્રિલ અને યુએસએમાં ત્રીજી
એપ્રિલે રિલીઝ કરાઈ હતી કારણ કે, હોલિવૂડની ફિલ્મોનું મુખ્ય બજાર યુએસએ હોવાથી
પાઇરેસીનું સૌથી વધારે જોખમ પણ ત્યાં જ હોય છે. જો બીજા દેશોમાં યુએસએ કરતા વહેલી
ફિલ્મ રિલીઝ કરાય તો પાઇરેટેડ કોપી ઓછામાં ઓછા લોકો સુધી પહોંચે અને બોક્સ ઓફિસ
કલેક્શન વધી જાય. 'એડવેન્ચર ઓફ ટિનટિનઃ ધ સિક્રેટ ઓફ ધ
યુનિકોર્ન', 'ટ્રાન્સફોર્મર્સઃ ડાર્ક ઓફ ધ મૂન', 'મિશન ઈમ્પોસિબલ- ઘોસ્ટ પ્રોટોકોલ' અને 'ક્વોન્ટમ ઓફ સોલાસ' જેવી અનેક ફિલ્મો ભારતમાં યુએસએ કરતા પહેલાં રિલીઝ કરવાનું
કારણ આ જ હતું.
આ ઉપરાંત હોલિવૂડ સ્ટુડિયોએ મલ્ટીપ્લેક્સના રેસ્ટોરન્ટ, પાર્કિંગ અને અન્ય
બિઝનેસને ધ્યાનમાં રાખીને જાહેર રજાઓ, પરીક્ષાની તારીખો અને અન્ય હિન્દી ફિલ્મોની
રિલીઝને ધ્યાનમાં રાખીને રિલીઝ ડેટ નક્કી કરવાની હોય છે. હોલિવૂડની ફિલ્મ પહેલાં
અમેરિકામાં જ રિલીઝ થાય એવો આગ્રહ નફો ઘટાડી શકે છે.
'ફ્યુરિયસ 7' ગેમ ચેન્જર બનશે?
ભારતની મેગા બજેટ હિન્દી અને દક્ષિણ ભારતીય ફિલ્મોની
કમાણીમાં હોલિવૂડની ફિલ્મો કદાચ ભાગ નથી પડાવી શકતી પણ નાના બજેટની ફિલ્મો માટે તે
ચોક્કસ મુશ્કેલી ઊભી કરે છે. સલમાન ખાનની 'કિક' કે આમિર ખાનની 'પીકે' જેવી ફિલ્મોના માર્કેટિંગ પાછળ ધરખમ ખર્ચ
કરાયો હોય છે. આવી મેગા બજેટ ફિલ્મોની રિલીઝ ડેટ અને સ્ક્રિનિંગની વ્યૂહ
રચના તમામ બાબતોને ધ્યાનમાં રાખીને ઘડાઈ હોય છે. જોકે, 'ફ્યુરિયસ 7'ને નાના શહેરો અને નગરોમાં રિલીઝ કરવાનું
હોવાથી તેનું હિન્દી, તમિલ અને તેલુગુમાં પણ ડબિંગ કરીને રિલીઝ
કરાયું હતું. આ કારણથી પણ 'ફ્યુરિયસ 7' ભારતમાં તગડી કમાણી કરી શક્યું છે. વિદેશી
ફિલ્મોનું વિતરણ કરતા સ્ટુડિયો આગામી ફિલ્મોની રિલીઝ માટે 'ફ્યુરિયસ 7'ની સક્સેસ સ્ટોરીમાંથી પ્રેરણા લેશે તો આ
ફિલ્મ 'ગેમ ચેન્જર' બની રહેશે.
ભારતની હિન્દી અને પ્રાદેશિક ફિલ્મોનું બજાર અનેક વિશિષ્ટતા
ધરાવતું હોવાથી ભવિષ્યમાં હોલિવૂડની તેના પર શું અસર થશે એનું અનુમાન કરવું અઘરું
છે. આજે પણ દક્ષિણ ભારતના શહેર કે ગામડાની ફિલ્મના શોખીનો હોલિવૂડ કરતા પ્રાદેશિક
ફિલ્મની મેગા બજેટ ફિલ્મ માટે પૈસા ખર્ચવાનું વધુ પસંદ કરે છે. અત્યારે ભારતમાં
હોલિવૂડની ફિલ્મોનો માર્કેટ શેર માંડ દસેક ટકા છે પણ તે સ્થિર ગતિએ વધી રહ્યો છે, જ્યારે થિયેટરોમાં હોલિવૂડ ૧૨ ટકા ઝડપે ઘૂસણખોરી કરી રહ્યું
છે. છેલ્લાં બે દાયકામાં હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પણ કોર્પોરેટ સ્ટાઈલમાં બિઝનેસ
કરી રહી હોવાથી દરેક સ્તરે ટેલેન્ટેડ લોકોને તક અપાઈ રહી છે.
આમ છતાં, હિન્દી ફિલ્મો આજે પણ 'સ્ટાર ડિપેન્ડન્ટ' છે. ફક્ત વિદેશોમાં શુટિંગ કરવાથી આપણે મોડર્ન નથી થવાતું. બોલિવૂડનું નામ પણ હોલિવૂડથી પ્રેરિત છે, આપણી ફિલ્મોની આખેઆખી વાર્તાઓ, દૃશ્યો અને ફિલ્મોના પોસ્ટરો પણ હોલિવૂડમાંથી પ્રેરિત હોય છે. હવે બોલિવૂડે આ નકલખોરી છોડીને હોલિવૂડમાં એક ફિલ્મ ઈન્ડસ્ટ્રી તરીકે તમામ સ્તરે કેવી રીતે કામ થાય છે એમાંથી પ્રેરણા લેવી જોઈએ.
આમ છતાં, હિન્દી ફિલ્મો આજે પણ 'સ્ટાર ડિપેન્ડન્ટ' છે. ફક્ત વિદેશોમાં શુટિંગ કરવાથી આપણે મોડર્ન નથી થવાતું. બોલિવૂડનું નામ પણ હોલિવૂડથી પ્રેરિત છે, આપણી ફિલ્મોની આખેઆખી વાર્તાઓ, દૃશ્યો અને ફિલ્મોના પોસ્ટરો પણ હોલિવૂડમાંથી પ્રેરિત હોય છે. હવે બોલિવૂડે આ નકલખોરી છોડીને હોલિવૂડમાં એક ફિલ્મ ઈન્ડસ્ટ્રી તરીકે તમામ સ્તરે કેવી રીતે કામ થાય છે એમાંથી પ્રેરણા લેવી જોઈએ.
આ ફિલ્મો આપણે અમેરિકનો કરતા પહેલાં જોઈશું
એવેન્જર્સ સિરીઝની 'ધ એવેન્જર્સઃ એજ ઓફ અલ્ટ્રોન' ભારતમાં અમેરિકા કરતા એક અઠવાડિયું વહેલા
૨૪મી એપ્રિલે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મના વિતરણના હક્કો ડિઝની સ્ટુડિયો પાસે છે.
ડિઝનીએ વર્ષ ૨૦૧૨માં એવેન્જર્સ સિરીઝની પહેલી ફિલ્મ 'ધ એવેન્જર્સ'ને પાઈરેસથી બચાવવા આ જ વ્યૂહરચના અપનાવી
હતી. જોકે, 'ધ એવેન્જર્સઃ એજ ઓફ અલ્ટ્રોન' તો વહેલા અને 'ધ એવેન્જર્સ' કરતા બમણા સ્ક્રીનમાં રિલીઝ થવાની છે. આ
વર્ષે ડિઝની સ્ટુડિયો જુલાઈમાં 'એન્ટ મેન' અને ડિસેમ્બરમાં 'સ્ટાર વોર્સઃ ધ ફોર્સ અવેકન્સ' રિલીઝ કરી રહ્યું છે, યુનિવર્સલ પિક્ચર્સ જૂનમાં મેગા બજેટ ફિલ્મ 'જુરાસિક વર્લ્ડ' લઈને આવી રહ્યું છે, જ્યારે પેરામાઉન્ટ પિક્ચર્સ સ્ટુડિયો જુલાઈમાં મિશન 'ટર્મિનેટર જિનેસિસ' અને 'ઈમ્પોસિબલ-૫' એમ બે મેગા બજેટ ફિલ્મો રિલીઝ કરવાનું છે. આ
ફિલ્મો પણ 'ફ્યુરિયસ 7'ની જેમ એકસાથે વધુમાં વધુ સ્ક્રીન પર રિલીઝ
થવાની છે. કારણ કે, ભારતમાં પણ એવેન્જર્સ, સ્ટાર વોર્સ, જુરાસિક પાર્ક, ટોમ ક્રૂઝ અને આર્નોલ્ડ શ્વાર્ઝનેગરનો બહુ
મોટો ચાહક વર્ગ છે. હોલિવૂડ સ્ટુડિયોઝ ક્યારેય એવું નહીં ઈચ્છે કે, તેમની મેગા બજેટ ફિલ્મો ભારતીયો મફતમાં ડાઉનલોડ કરીને જોઈ
લે.
true
ReplyDelete