29 April, 2015

...અને હિમાલયના ગર્ભમાં 'અણુ બોમ્બ' દફન થઈ ગયો


કેટલાક રહસ્યો ખૂબ લાંબા સમય સુધી રહસ્ય રહ્યા પછી વધુને વધુ ઘેરા બનતા જાય છે. આ પ્રકારના રહસ્યોને ઉજાગર કરવાના તનતોડ પ્રયાસ પછીયે રહસ્ય અકબંધ રહે તો તેના પર પુસ્તકો લખાય છે. પુસ્તકો લખાયા પછી દાવા-પ્રતિદાવા થાય છે અને તેમાં કલ્પના તત્ત્વ પણ ઉમેરાતું જાય છે. જો આવું થાય તો કેવું થાય- એ પ્રકારની કલ્પનાનું તત્ત્વ ભળ્યા પછી એ ઘટના પરથી હોલિવૂડ ફિલ્મ બનાવે એવી શક્યતા વધી જાય છે. ઉત્તરાખંડની ગઢવાલ હિમાલય પર્વતમાળામાં આવેલા ભારતના બીજા નંબરના સૌથી ઊંચા શિખર નંદા દેવી પર આશરે પાંચ દાયકા પહેલાં બિલકુલ આવી જ ઘટના બની હતી.

શું છે એ રહસ્યમય ઘટના?

વર્ષ ૧૯૬૨માં ભારત શરમજનક રીતે ચીન સામેનું યુદ્ધ હારી ગયું હતું અને એશિયામાં ચીનની તાકાત વધી રહી હતી. આ સ્થિતિનો લાભ લઈને અમેરિકાએ હિમાલય પરથી ચીનની જાસૂસી કરવા ભારતને એક જાસૂસી મિશન માટે મનાવી લીધું હતું. આ યોજનાના ભાગરૂપે ઈન્ડિયન ઈન્ટેલિજન્સ બ્યુરો અને અમેરિકાની જાસૂસી સંસ્થા સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સીએ (સીઆઈએ) ચીન સામેની હારના ત્રણ વર્ષ પછી ૧૯૬૫માં હિમાલયના ૭,૮૧૫ મીટર (૨૫,૬૪૩ ફૂટ) ઊંચા નંદા દેવી શિખર પર ન્યુક્લિયર પાવર્ડ સેન્સિંગ ડિવાઈસ ગોઠવવા એક ગુપ્ત જાસૂસી મિશન શરૂ કર્યું હતું. એ વર્ષોમાં સેટેલાઈટથી જાસૂસી કરવાનો યુગ હજુ શરૂ થયો ન હતો. આ જાસૂસી મિશન હેઠળ નંદા દેવીની ટોચ પર ન્યુક્લિયર ડિવાઈસ પહોંચાડવાની જવાબદારી ભારતીય નૌકાદળના ઉચ્ચ અધિકારી અને આંતરરાષ્ટ્રીય સ્તરના પર્વતારોહક કેપ્ટન મનમોહનસિંઘ કોહલીને સોંપાઈ હતી. જોકે, મિશનની બ્લુ પ્રિન્ટ તૈયાર કરવામાં બે વ્યક્તિની ભૂમિકા મુખ્ય હતી. એક, આઝાદી પછી ઈન્ડિયન ઈન્ટેલિજન્સના પહેલાં ડિરેક્ટર અને ભારતીય જાસૂસી તંત્રના પિતામહ્ ભોલાનાથ મલિક અને બીજા, રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગના ફાઉન્ડિંગ ડિરેક્ટર રામેશ્વર નાથ કાઓ.


કેપ્ટન એમ.એસ. કોહલી અને બી.એન. મલિક

રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગના ફાઉન્ડિંગ ડિરેક્ટર રામેશ્વરનાથ કાઓ

કેપ્ટન કોહલી એ વખતે ઈન્ડો તિબેટન બોર્ડર પોલીસમાં ડેપ્યુટેશન પર હતા. આ જાસૂસી મિશન હેઠળ કેપ્ટન કોહલી અને તેમની ટીમે આઠથી દસ ફૂટ ઊંચા એન્ટેના, બે ટ્રાન્સરિસિવર સેટ અને સૌથી મહત્ત્વની ન્યુક્લિયર ઓક્ઝિલરી પાવર જનરેટર સિસ્ટમ જેવો ૫૬ કિલો વજન ધરાવતો સાધન-સરંજામ લઈને ઓક્ટોબર ૧૯૬૫માં નંદા દેવીનું ચઢાણ શરૂ કર્યું હતું. સમગ્ર ટીમ ૧૮મી ઓક્ટોબર, ૧૯૬૫ના રોજ ૨૪ હજાર ફૂટની ઊંચાઈએ આવેલા કેમ્પ નંબર ચાર પર પહોંચી તો ખરી, પણ એ દિવસે હિમાલયની હાડ થીજાવતી ઠંડીમાં બરફના ભયાનક તોફાને ઉત્પાત મચાવવાનું શરૂ કરી દીધું હતું. સિત્તેરના દાયકામાં પર્વતારોહકો પાસે આજના જેવી ટેક્નોલોજીનો સાથ ન હતો. બરફના તોફાને એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે, કેપ્ટન કોહલીએ તેમની ટીમ અને સાધન-સરંજામમાંથી કોઈ એકની પસંદ કરવાની હતી. આ સાધન-સરંજામમાં સૌથી ખતરનાક વસ્તુ હતી, પ્લુટોનિયમ જેવા ઘાતક ન્યુક્લિયર બળતણથી ભરેલું જનરેટર. બર્ફીલા તોફાનમાં જીવિત રહેવું જ અશક્ય હતું ત્યાં ન્યુક્લિયર ડિવાઈસ ઈન્સ્ટોલ કરવાનો તો પ્રશ્ન જ ન હતો.

આ સ્થિતિમાં કેપ્ટન કોહલી અને અન્ય અધિકારીઓ જનરેટર સહિતના સાધનો નંદા દેવી શિખરના કેમ્પ નંબર ચાર પર સુરક્ષિત જગ્યાએ બાંધીને નીચે ઉતરી ગયા કારણ કે, હિમાલયના બર્ફીલા તોફાનમાં જનરેટર ગરમી ઓકતું હતું અને તમામ લોકો કિરણોત્સર્ગના (રેડિયોએક્ટિવિટી) ખતરાથી પણ થોડા ભયભીત હતા. હિમાલય પર્વતમાળામાં વાતાવરણ અનુકૂળ થયા પછી કેપ્ટન કોહલી તેમની ટીમને લઈને મે, ૧૯૬૬માં એ જ સ્થળે પરત ગયા હતા. જોકે, ત્યાં પહોંચતા જ કોહલી સહિતના અધિકારીઓ આઘાત અને આશ્ચર્યની લાગણીથી રીતસરના દિગ્મૂઢ થઈ ગયા હતા કારણ કે, તેમણે સાચવીને મૂકેલો તમામ ન્યુક્લિયર સાધન-સરંજામ ત્યાં હતો જ નહીં. ભેદી રીતે ગૂમ થયેલા સામાનમાં સૌથી મહત્ત્વની વસ્તુ જનરેટર ચલાવવા માટે જરૂરી ચાર પ્લુટોનિયમ કેપ્સ્યુલ્સ હતી. આ જથ્થો જાપાનના હીરોશીમા શહેર પર ઝીંકાયેલા અણુબોમ્બથી લગભગ અડધી શક્તિ ધરાવતો હતો. આટલી મહત્ત્વની ચીજ ગુમ થયા પછી ભારત-અમેરિકાની સરકારો તેમજ લશ્કરી અને જાસૂસી વર્તુળોમાં ભૂકંપ મચવો સ્વાભાવિક હતો.

વર્ષ ૨૦૧૫માં આ ઘટનાના પાંચ દાયકા પછીયે હિમાલયની વાદીઓમાં દફન થયેલો આ 'અણુ બોમ્બ' આપણે શોધી શક્યા નથી. ભારતીય લશ્કરની દુનિયામાં કેપ્ટન એમ.એસ. કોહલી નામે જાણીતા નંદા દેવી જાસૂસી મિશનના વડા અત્યારે ૮૩ વર્ષના છે. આ મિશન માટે કેપ્ટન કોહલી સૌથી યોગ્ય પસંદગી હોય છે એ વાત આજેય સ્વીકારાય છે. મહાન પર્વતારોહક તેનજિંગ નોર્જે નંદા દેવીને સૌથી અઘરું ચઢાણ કહેતા હતા, જેના પર કેપ્ટન કોહલી અને તેમની ટીમે વર્ષ ૧૯૬૫થી ૧૯૬૮ વચ્ચે બારેક વાર ન્યુક્લિયર ડિવાઈસ લઈને ચઢાણ કર્યું હતું. ‘સ્પાય્સ ઇન ધ હિમાલયાઝઃ સિક્રેટ મિશન્સ એન્ડ પેરિલસ ક્લાઇમ્બસ’ નામના પુસ્તકમાં એમ.એસ. કોહલીએ કહ્યું છે કે, બરફના તોફાનમાં ટીમના સભ્યોની સુરક્ષાના બદલે ન્યુક્લિયર સાધન-સરંજામ સાથે રાખવાનો મોહ રાખ્યો હોત તો લગભગ બધાનું મોત નક્કી હતું.

લાખો લોકોને જીવનું જોખમ

હિમાલયમાં પ્લુટોનિયમ શોધ અભિયાન સાથે સંકળાયેલા નિષ્ણાતોનું માનવું છે કે, આજે પણ હિમાલયના ખડકોમાં ક્યાંક પ્લુટોનિયમ કેપ્સ્યુલ્સ ધરબાયેલી હશે. પ્લુટોનિયમનું આયુષ્ય ૧૦૦ વર્ષ કરતા પણ વધારે હોવાથી ગંગા નદીના પટ્ટામાં વસતા તમામ લોકો પર હજુ બીજા પાંચ દાયકા સુધી કિરણોત્સર્ગના ખતરાની શક્યતા છે. નંદા દેવી પર જે સ્થળે પ્લુટોનિયમ ગૂમ થયું હતું એ વિસ્તાર તેમજ તેની આસપાસ ફેલાયેલું નંદા દેવી અભયારણ્ય છેલ્લાં પાંચ દાયકાથી બંધ છે. મિલિટરી કે ઈન્ડિયન માઉન્ટેનિયરિંગ ફાઉન્ડેશન દ્વારા આયોજિત અપવાદરૂપ પર્વતારોહણ અભિયાનોને બાદ કરતા ત્યાં કોઈ જઈ શકતું નથી. નંદા દેવીનું ચઢાણ કરવાની મંજૂરી નહીં આપવા બદલ સરકાર સામાન્ય રીતે 'પર્યાવરણને ખતરો' હોવાનું કારણ આપે છે. સરકારે આ વિસ્તાર તો બંધ કરી દીધો પણ જો પ્લુટોનિયમ હિમપ્રપાતો સાથે સરકીને ગંગા નદીમાં પહોંચશે તો લાખો લોકોનો જીવ જોખમમાં મૂકાઈ શકે છે. આ પ્રકારની શક્યતા હોવાનું મજબૂત કારણ પણ છે. નંદા દેવીના હિમપ્રવાહોને ગંગા નદીમાં ઠાલવતી ઋષિ ગંગા નદીની ખૂબ નજીકના વિસ્તારમાંથી પ્લુટોનિયમ ગાયબ થયું હતું. આમ, ઋષિ ગંગા કિરણોત્સર્ગથી પ્રદૂષિત થશે તો ગંગા નદી પણ કિરણોત્સર્ગથી દુષિત થશે. જો આવું થાય તો ગંગા કિનારાની માનવ-વસતીને જ નહીં પણ ગંગાના સહારે જીવતા જળચરો, પશુ-પક્ષીઓ અને વનસ્પતિનો પણ વિનાશ સર્જાઈ શકે છે. 

નંદા દેવી શિખર

ઋષિ ગંગાનું પાણી અને તેના માર્ગમાં આવતા ખડકો કિરણોત્સર્ગથી પ્રદૂષિત થયા છે કે નહીં એ જાણવા અનેકવાર ચકાસણી કરાઈ છે. જોકે, પાંચ દાયકા પછીયે આવી કોઈ દુર્ઘટના સર્જાઈ નથી એ આપણું સદનસીબ છે અને રહસ્ય પણ. કિરણોત્સર્ગ નહીં થવાના કારણે પ્લુટોનિયમ કેપ્સ્યુલ્સ ક્યાં હશે એ રહસ્ય વધુ ઘેરું બની રહ્યું છે.

ન્યુક્લિયર ડિવાઈસ બીજી વાર ગાયબ

હિમાલયમાં પ્લુટોનિયમ કેપ્સ્યુલ્સ ગાયબ થઈ ગયા પછીયે વર્ષ ૧૯૬૭માં ભારત અને અમેરિકાએ હિમાલયમાં ન્યુક્લિયર પાવર્ડ લિસનિંગ ડિવાઈસ ઈન્સ્ટોલ કરવા બીજું એક ગુપ્ત જાસૂસી શરૂ કર્યું હતું. આ મિશનમાં પણ અમેરિકાને મદદ કરવાની જવાબદારી કેપ્ટન કોહલી, એચ.સી.એસ. રાવત અને ભારતીય લશ્કરના અન્ય સાહસિક પર્વતારોહકોને સોંપાઈ હતી. બીજા જાસૂસી મિશનમાં નંદા દેવી નજીક ૨૨,૫૧૦ ફૂટ ઊંચાઈએ આવેલા નંદા કોટ શિખર પર ન્યુક્લિયર ડિવાઈસ ગોઠવવાની કામગીરી સફળતાપૂર્વક પાર પડાઈ હતી. ત્યાર પછી એ જ વર્ષે એચ.સી.એસ. રાવતને ગુપ્ત કામગીરી માટે ફરી એકવાર નંદા કોટ મોકલાયા અને ત્યાં પહોંચતા જ રાવત અને તેમની ટીમ ડઘાઈ ગઈ કારણ કે, નંદા કોટ પર ઈન્સ્ટોલ કરેલા ન્યુક્લિયર ડિવાઈસ પણ ગૂમ હતા.

આ ઘટના વિશે એમ.એસ. કોહલી વર્ષ ૨૦૦૫માં પ્રકાશિત 'વન મોર સ્ટેપ' નામના પુસ્તકમાં કહે છે કે, નંકા કોટ શિખર પર ઈન્સ્ટોલ કરેલા ન્યુક્લિયર ડિવાઈસ ગાયબ હોવાથી એચ.સી.એસ. રાવત સહિતના લોકોની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ હતી. આ જગ્યાએ બે ફૂટ જેટલા બરફના થર ખોદતા તેમને વધુ આઘાત લાગ્યો. હિમાલયની હાડ થીજાવતી ઠંડીમાં પણ જનરેટરની ગરમીના કારણે આઠ ફૂટની ત્રિજ્યામાં બરફ ઓગળી ગયો હતો અને તેના કારણે જમીનથી બે ફૂટ નીચે બિલકુલ ગોળાકાર હિમ ગુફાનું સર્જન થયું હતું. પુસ્તકમાં આ ઘટનાના પ્રકરણને કોહલીએ 'કેથેડ્રલ ઈન આઈસ' નામ આપ્યું છે.

દેશના અગ્રણી વિજ્ઞાનીઓ અને નિષ્ણાતોની વિવિધ સમિતિઓએ આપેલા અહેવાલ મુજબ, નંદા કોટ શિખર પર પ્લુટોનિયમ કેપ્સ્યુલ્સથી ચાલતું જનરેટર આઠેક ફૂટની ત્રિજ્યામાં જ બરફ ઓગાળી શક્યું હતું. જો આવું હોય તો કિરણોત્સર્ગથી હિમાલય કે ગંગાને નુકસાન થવાની શક્યતા નહીંવત છે. ખેર, નંદા દેવી પર ઈન્સ્ટોલ કરાયેલું પ્લુટોનિયમ કેપ્સ્યુલ્સથી ચાલતું જનરેટર હિમાલયમાં ગુફાનું સર્જન કરીને ઢંકાઈ ગયું હશે, હિમપ્રપાતોમાં ધીમે ધીમે પ્રવાસ કરીને ક્યાંક ફસાઈ ગયું હશે કે પછી બર્ફીલા ખડકના ગર્ભમાં ઊંડે ઉતરી ગયું હશે? આ વાત આજે પણ રહસ્ય છે.

સંસદમાં મોરારજી દેસાઈની કબૂલાત

ભારત અને અમેરિકન સરકાર આશરે દસ વર્ષ સુધી વર્ષ ૧૯૬૫ના નિષ્ફળ જાસૂસી મિશનની વાત છુપાવી રાખવામાં સફળ રહે છે. છેવટે વર્ષ ૧૯૭૭માં અમેરિકન મેગેઝિન 'આઉટસાઈડ'માં ઈન્ડિયન ઈન્ટેલિજન્સ બ્યુરો અને સીઆઈએના નંદા દેવી જાસૂસી મિશનનો અહેવાલ છપાયો. આ અહેવાલ છપાતા જ ભારત, ચીન અને અમેરિકા સહિત વિશ્વભરમાં બૂમરાણ મચી ગઈ અને હિમાલયને પ્રદૂષિત કરવા બદલ પર્યાવરણવાદીઓએ પણ ભારત-અમેરિકાની સરકારોની બરાબરની ઝાટકણી કાઢી. આ અહેવાલ છપાયા પછી જ તત્કાલીન વડાપ્રધાન મોરારજી દેસાઈએ ભારત-અમેરિકાના સંયુક્ત જાસૂસી મિશન વિશે સંસદમાં જાણકારી આપવી પડી હતી. બંને દેશોના ‘બેજવાબદાર જાસૂસી મિશન’ પછી મોરારજી દેસાઈએ સંસદમાં ખાતરી આપવી પડી હતી કે, હવે આ પ્રકારના ન્યુક્લિયર ડિવાઈસ ભારતની ધરતી પર નથી...

વર્ષ ૧૯૬૮માં અમેરિકા તેના ખામીયુક્ત ન્યુક્લિયર સાધનો હાઈ ટેક હેલિકોપ્ટરોમાં પરત લઈ ગયું હતું એ વાત પણ 'આઉટસાઈડ'ના અહેવાલ પછી જ બહાર આવી હતી. આ જાસૂસી મિશન જાહેર થઈ ગયા પછી કેટલાક પુસ્તકો જાતભાતની થિયરી રજૂ કરીને આ રહસ્યને વધુ ઘેરું કરે છે. જેમ કે, વર્ષ ૨૦૦૪માં પ્રકાશિત 'નંદા દેવીઃ અ જર્ની ટુ ધ લાસ્ટ સેન્ચુરી' નામના પુસ્તકમાં લેખક હ્યુજ થોમસન કહે છે કે, સીઆઈએને શંકા છે કે, ભારતે પોતાનો ન્યુક્લિયર પ્રોગ્રામ શરૂ કરવા પ્લુટોનિયમનો જથ્થો ચોરી લીધો હોવાની શક્યતા છે. માર્ચ ૨૦૧૫માં પ્રકાશિત 'બિકમિંગ ધ માઉન્ટેઇનઃ હિમાલયન જર્ની ઈન સર્ચ ઓફ ધ સેકર્ડ એન્ડ ધ સબલાઈમ' નામના પુસ્તકમાં સ્ટિફન ઓલ્ટર નામના લેખક દાવો કરે છે કે, આ મિશન વખતે પ્લુટોનિયમ લઈને જતા અનેક શેરપા કિરણોત્સર્ગના કારણે કમોતે મરી ગયા હતા. જોકે, આ પ્રકારના અનેક દાવા ભારત અને અમેરિકાએ ફગાવી દીધા છે.


5 comments:

  1. good job for
    Like me as a common peoples

    ReplyDelete
  2. Thx a Lott Mehul, Din... Ur two words are alwys giv me tons of Motivation... :)

    ReplyDelete
  3. સનસનાટીપૂર્ણ અને એક્સક્લુસિવ આર્ટિકલ..

    ReplyDelete