03 March, 2015

મંગળ પર માણસને લાયક બત્રીસ લક્ષણા સ્થળો


મંગળ પર માનવ યાન મોકલવાના નાસાના એક પછી એક સફળ પ્રયોગોને પગલે અમેરિકન પ્રમુખ બરાક ઓબામાએ વર્ષ ૨૦૧૬ના નાસાના બજેટમાં વધારો કરવાનું સૂચન કર્યું છે. છેલ્લી અડધી સદીમાં સફળ મંગળ મિશનોને પગલે મળેલી તસવીરો અને રડાર ડેટાના આધારે વિજ્ઞાનીઓની મંગળ ગ્રહની સમજમાં અનેકગણો વધારો થયો છે. મંગળની વધારેમાં વધારે માહિતી ભેગી કરીને વિજ્ઞાનીઓ એટલું નક્કી કરી શક્યા છે કે, આ ગ્રહ પર માનવ વસાહતો સ્થાપવા માટે કયા વિસ્તારો સૌથી યોગ્ય છે. ઉત્સાહી ફ્યુચરોલોજિસ્ટોએ તો મંગળ પર માનવ વસાહતો સ્થપાયા પછી આવનારી મુશ્કેલીઓ વિશે વિચારવાનું પણ અત્યારથી શરૂ કરી દીધું છે. જેમ કે, આ જ કટારમાં તમે વાંચ્યુ હતું કે, મંગળ પર માનવ વસાહતો સ્થપાઈ જાય એ પછી ત્યાં કરવેરાનું માળખું કેવું હશે એ દિશામાં વિચારવાની પણ ધીમી શરૂઆત થઈ ગઈ છે.

ખેર, મંગળ પર યાન મોકલવાની પસંદગી પ્રક્રિયા અને માણસના ઉતરાણ માટે નક્કી કરાતા સ્થળની પસંદગીમાં બહુ મોટો ફર્ક છે. મંગળ પર માનવ વસાહતો સ્થાપવી હોય તો અવકાશયાત્રીઓને મંગળના એ વિસ્તારોમાં મોકલવા પડે જ્યાં પાણી હોય, ઊર્જા મેળવવાની શક્યતા હોય, મકાનોના ચણતર માટે જરૂરી મટિરિયલ હોય તેમજ જ્યાં ઓછામાં ઓછા જોખમે માનવ યાનનું ઉતરાણ શક્ય હોય. મંગળ પર માનવ વસાહતો સ્થાપવાની સૌથી પહેલી શરત મંગળ પર માનવ યાનનું સફળ ઉતરાણ છે. એવી જ રીતે, માનવ યાનના ઉતરાણ માટે મંગળના કોઈ એક વિસ્તારની પસંદગી પણ એટલી જ મહત્ત્વની છે. જોકે, મંગળનું કદ લગભગ પૃથ્વી જેટલું હોવા છતાં વિજ્ઞાનીઓ અત્યાર સુધી મંગળના પાંચેક વિસ્તારને માનવ યાન મોકલવા માટે સૌથી વધારે યોગ્ય ગણી રહ્યા છે.

વિજ્ઞાનીઓએ આ પાંચ વિસ્તારો કયા માપદંડોના આધારે પસંદ કર્યા છે અને તેના ફાયદા-ગેરફાયદા શું છે તેની આપણે ટૂંકમાં જાણકારી.

મંગળ પર આવેલી લાવા ગુફાઓ

હજુ થોડા વર્ષો પહેલાં જ નાસાએ લીધેલી કેટલીક તસવીરોના આધારે મંગળની ભૂમધ્યરેખા પર લાવારસથી બનેલી આ ગુફાઓની ઓળખ થઈ છે. લાવારસના વહેણના કારણે બનતી કુદરતી ગુફાઓ લાવા ટયૂબ્સ તરીકે ઓળખાય છે. મંગળ પરના થાર્સિસ રીજનમાં પાવોનિસ મોન્સ નામના શિલ્ડ વોલ્કેનોની આસપાસ આવી અનેક ગુફાઓ આવેલી છે. ધગધગતા પ્રવાહી લાવામાંથી ઠંડા પડીને બનેલા જ્વાળામુખી શિલ્ડ વોલ્કેનો તરીકે ઓળખાય છે કારણ કે, ઠંડા પડવાના કારણે તેનો આકાર ઢાલ (શિલ્ડ) જેવો થઈ જાય છે. અવકાશયાત્રીઓ કોસ્મિક અને સોલાર રેડિયેશનથી બચવા આ જ્વાળામુખની આસપાસની ગુફાઓમાં શરણું લઈ શકે છે અને ગુફામાં બાહ્ય વાતાવરણથી પણ થોડું ઘણું રક્ષણ મળે છે.




નાસા, ઈસરો અને રશિયન વિજ્ઞાનીઓએ એકસૂરે કહે છે કે, મંગળ જેવા ગ્રહો પર આ પ્રકારની ગુફાઓ વિજ્ઞાનીઓ માટે વરદાન છે કારણ કે, અહીં લાંબા સમય સુધી રહીને પ્રયોગો કરી શકાય છે. આ ઉપરાંત જ્વાળામુખી અને તેમાંથી બનેલા ખડકોના આધારે મંગળના વાતાવરણની પણ ચોક્કસ જાણકારી મેળવી શકાય છે.  અહીંની જમીન પર ઓછામાં ઓછા ત્રણ મહિના રહેવામાં આવે તો પણ રેડિયેશનના કારણે કેન્સર થતું નથી.

જ્વાળામુખી વિસ્તારોમાં પાણી અને એટલે જીવન હોવાની શક્યતા વધારે છે, પરંતુ જ્વાળામુખી પર્વતો ઊંચાઈ પર આવેલા હોવાથી ત્યાં યાનનું ઉતરાણ અશક્ય છે. વળી, જમીન પરથી ગણતરી કરીને લાવા ગુફાઓની આસપાસ યાન ઉતારવું પણ બહુ મોટો પડકાર છે. જો મંગળ યાન અહીં ઉતારવાનું હોય તો અવકાશયાત્રીઓને પર્વતારોહણના હાર્નેસ અને રેપલિંગ ગિયર જેવા સાધનો સાથે મોકલવા પડે. અહીંના ગુરુત્વાકર્ષણમાં તેઓ તેનો કેટલો સારી રીતે ઉપયોગ કરી શકે એ કળવું પણ મુશ્કેલ છે. જોકે, મંગળ પર ઓળખેલા પાંચ વિસ્તારોમાં પાણી સહિતની સૌથી ઓછી કુદરતી સંપત્તિ અહીં હોવાની શક્યતા છે.

અરેબિયા ટેરા

મંગળની ઉત્તરે આવેલા અરેબિયન ક્વોડ્રેન્ગલ વિસ્તારમાં કરોડો વર્ષ પહેલાં વિવિધ કુદરતી અકસ્માતોને પગલે જમીનનું જોરદાર ધોવાણ થયું હતું. અહીં આવેલી મહાકાય ખીણોની આસપાસનો ૪,૫૦૦ કિલોમીટરના ખડકાળ વિસ્તારને વિજ્ઞાનીઓ અરેબિયન ટેરા તરીકે ઓળખે છે. મંગળના સૌથી જૂના વિસ્તારોમાં પણ તેની ગણતરી થાય છે. છેલ્લાં કેટલાક વર્ષોમાં વિજ્ઞાનીઓને અહીંના ખીણ વિસ્તારોમાં પાણી હોવાના પુરાવા મળ્યા છે. જો અહીં માનવ યાનનું ઉતરાણ કરવામાં સફળતા મળે તો મંગળના વિવિધ વિસ્તારોની ઉત્પત્તિ અને ઉંમર તેમજ નદીઓ અને નદીઓના મુખત્રિકોણ પ્રદેશોના જન્મ અને લુપ્તતાને લગતા ઘણાં રહસ્યોની જાણકારી મળે. વળી, માનવ યાનના ઉતરાણ માટે અરેબિયન ટેરામાં અનેક સુરક્ષિત જગ્યાઓ આવેલી છે.

જોકે, આ વિસ્તારમાં પાણીની હાજરી ખનીજોના સ્વરૂપમાં હોવાથી ઊર્જા અને ટેક્નોલોજીની દૃષ્ટિએ  તેમાંથી પાણી મેળવવું અત્યંત ખર્ચાળ છે. આ પ્રકારના ખનીજોમાંથી પાણી મેળવવાની પદ્ધતિ શોધાઈ ગઈ છે. મંગળની ધરતી પર પણ આ પદ્ધતિ અપનાવી શકાય છે, પરંતુ પૃથ્વી પર જે પદ્ધતિ સફળ હોય તે મંગળ પર પણ સફળ બને એની કોઈ ગેરંટી નથી.

હેલાસ બેઝિનમાં આવેલા માર્ટિયન ગ્લેશિયર્સ

મંગળના મધ્ય અક્ષાંશમાં આવેલા હેલાસ બેઝિન (તટપ્રદેશ)માં લાખો વર્ષ પહેલાં ગ્લેશિયર (અત્યંત ધીમા કે સ્થિર બર્ફીલા પ્રવાહ)ની રચના થઈ હતી, જે હેલાસ બેઝિનના માર્ટિયન ગ્લેશિયર તરીકે ઓળખાય છે. વિજ્ઞાનીઓનું માનવું છે કે, આ ગ્લેશિયરના પોલાણોમાં ગ્લેશિયર્સની રચનાના રહસ્યો ધરબાયેલા હોઈ શકે છે. ગ્લેશિયરના પોલાણોમાં રહેલા અવશેષો અને તેની રચનાનો અભ્યાસ કરીને મંગળની મહત્તમ જાણકારી મેળવી શકાય છે. એટલું જ નહીં, મંગળ પરના બરફનો અભ્યાસ કરીને ત્યાંના વાતાવરણ અને જીવનના ઘણાં રહસ્યો ઉકેલી શકાય છે. જો ગ્લેશિયરની નજીકના વિસ્તારમાં માનવ યાનનું ઉતરાણ કરવામાં સફળતા મળે તો મંગળના વર્તમાન અને નજીકના ભૂતકાળના વાતાવરણની લગભગ બધી જ માહિતી મળી શકે એવી વિજ્ઞાનીઓને આશા છે.

જોકે, ગ્લેશિયર ખડકાળ વિસ્તારોમાં આવેલા હોવાથી ત્યાં માનવ યાનનું ઉતરાણ કરવું અઘરું છે. આ માટે ગ્લેશિયરની નજીકના સપાટ મેદાનમાં માનવ યાનનું ઉતરાણ કરવું પડે અને અવકાશયાત્રીઓએ ગ્લેશિયરની નજીક જઈને પોતે જ્યાં રહેતા હોય ત્યાં સુધી પાણી અને બરફના નમૂના લાવવા પડે, પરંતુ અહીં ચાલીને જવું વિજ્ઞાનીઓ માટે અત્યંત જોખમી છે. જેમ પૃથ્વી પરના બર્ફીલા પર્વતોની વચ્ચે ઊંડા પોલાણો હોય છે એવા જ પોલાણો મંગળ પર હોવાની પૂરી શક્યતા છે.

વાલેસ મરિનરીસમાં આવેલી ઊંડી ખીણો

થાર્સિસ રીજનમાં આવેલી વાલેસ (ખીણો માટે વપરાતા લેટિન શબ્દ વેલીઝ પરથી) મરીનરીઝ ચાર હજાર કિલોમીટર લાંબી, ૨૦૦ કિલોમીટર પહોળી અને સાત કિલોમીટર ઊંડી ખીણનો પ્રદેશ છે. વર્ષ ૧૯૭૧-૭૨માં મરીનર ૯ માર્સ ઓર્બિટરે આ પ્રદેશ શોધ્યો હોવાથી વિજ્ઞાનીઓ તેને વાલેસ મરીનરીઝ તરીકે ઓળખે છે. વિજ્ઞાનીઓનું માનવું છે કે, લાખો કરોડો વર્ષ પહેલાં અહીંની જમીનમાં રહેલું પાણી આગળ જતા કોઈ સપાટ જમીન પર પડતું હતું એવી શક્યતા છે. આ પ્રકારના પ્રદેશ પણ કરોડો વર્ષ સુધી ધસમસતા પાણીના કારણે પડેલા ઘસારાથી સર્જાયા હોય છે. અહીં સૂક્ષ્મ સજીવો જીવિત હોવાની પૂરેપૂરી શક્યતા છે. આ વિસ્તારમાં દિવસનું વાતાવરણ શૂન્ય ડિગ્રી સેલ્સિયસ હોય છે, જેથી અહીં સપાટી પરનું પાણી વર્ષમાં બે વાર જામે છે અને એ વખતે સહેલાઈથી બરફના નમૂના લઈને સંશોધન કરી શકાય છે.

જોકે, આ વિસ્તાર ખડકાળ હોવાથી બરફના નમૂના લેવા માટે ઢોળાવો કે ઊંચાઈ પર જવું પડે અને એેકવાર વિજ્ઞાનીઓ આ સ્થળે પહોંચી પણ જાય તો ત્યાંથી સંભવિત નમૂના લેવા માટે ત્યાં ડ્રિલિંગ પણ કરવું પડે. જો અહીંથી નમૂના ના મળે તો માર્સ મિશન બધા જ અર્થમાં ખર્ચાળ સાબિત થાય. આ વિસ્તારમાં પાણીનો મોટો જથ્થો હોવાની પણ જોરદાર શક્યતા છે. જોકે, આ પાણી અત્યંત ખારું હોવાથી પ્રક્રિયા કર્યા વિના તેનો ઉપયોગ અશક્ય છે. આ વિસ્તારમાં માનવ વસાહતો ઊભી કરવાનો વિચાર કરતા પહેલાં આ દિશામાં વિચારવું જરૂરી છે. વિજ્ઞાનીઓનું માનવું છે કે, અહીં માનવ યાનનું ઉતરાણ કરતા પહેલાં ખીણ વિસ્તારોમાં પવનની ઝડપ જાણવી જરૂરી છે, પરંતુ એ વિશે વિજ્ઞાનીઓ હજુ કશું જાણતા નથી.

ઉત્તર ગોળાર્ધમાં બાહ્ય સપાટી પર આવેલી ૩ કિ.મી. જાડી આઈસ કેપ

પૃથ્વીનો અભ્યાસ કરવા વિજ્ઞાનીઓ બર્ફીલા પહાડોમાં ડ્રિલિંગ કરીને કરોડો વર્ષોથી સચવાયેલા આકારો અને અવશેષોના આધારે અભ્યાસ કરે છે. એવી જ રીતે, મંગળનો ઈતિહાસ પણ ખોદી શકાય છે. પૃથ્વીની સપાટી નીચેથી પણ સૂક્ષ્મ સજીવો મળે છે અને મંગળ પર પણ આવું શક્ય છે. મંગળના ઉત્તર ગોળાર્ધમાં આવેલી ત્રણ કિલોમીટર જાડી આઈસ કેપ એકદમ સપાટ હોવાથી ત્યાં માનવ યાનનું ઉતરાણ સૌથી સરળ છે. વળી, મંગળની ભ્રમણકક્ષા પૃથ્વી કરતા લાંબી હોવાથી મંગળના ઉત્તર ગોળાર્ધમાં સતત છ મહિના સૌથી પ્રકાશ હોય છે. જો મંગળ પર પ્રકાશ મળી રહે તો પૃથ્વી પર સતત સંપર્કમાં રહી શકાય જ્યારે ધ્રુવ પ્રદેશો સિવાયના (નોન-પોલર સાઈટ્સ) સ્થળેથી પૃથ્વી પર સંપર્ક કરવા યાનને મળતા સિગ્નલ પર આધાર રાખવો પડે. આ ઉપરાંત મંગળનો ઉત્તર ધ્રુવ દક્ષિણ ધ્રુવ કરતા છ કિલોમીટર નીચે તરફ ઢળેલો છે, જેના કારણે માનવ યાનની ગતિ ધીમી પાડવા પૃથ્વી પરના વિજ્ઞાનીઓને વધુ સમય મળે છે. અહીં યાનને સુરક્ષિત રીતે ઉતરાણ કરાવવાની શક્યતા અનેકગણી વધારે છે. નાસાના વિજ્ઞાનીઓના મતે, મંગળ પર માનવ યાનના ઉતરાણ માટે આ સૌથી ઉત્તમ સ્થળ છે.

હાલ નાસા 'માર્સ ૨૦૨૦ રોવર મિશન' અંતર્ગત વર્ષ ૨૦૨૦ સુધીમાં મંગળ પર યાન મોકલવાની તૈયારી કરી રહ્યું છે. ભવિષ્યમાં 'મંગળ પર માણસ' માટે આ મિશન ઘણું જ મહત્ત્વનું છે. માર્સ ૨૦૨૦ મિશન માટે નાસાના વિજ્ઞાનીઓએ શરૂઆતમાં મંગળના ૬૦ જેટલા સ્થળો પસંદ કર્યા હતા, જેમાંથી નાસાની રોવર લેન્ડિંગ સાઈટ સ્ટિયરિંગ કમિટીએ ૩૦ સ્થળ શોર્ટ લિસ્ટ કર્યા છે, જ્યારે માનવ યાનના ઉતરાણ માટે ઉપરના પાંચ સહિત ગણ્યાગાંઠયા સ્થળો વિજ્ઞાનીઓના વિવિધ માપદંડોમાં ખરા ઉતરે છે. મંગળ પર જઈને અવકાશયાત્રીઓ સફળતાપૂર્વક ખનીજોમાંથી પાણી મેળવી શકે, લેબોરેટરીમાં ખેતી કરી શકે, રસોઈ બનાવી શકે અને થ્રીડી પ્રિન્ટરનો પણ ઉપયોગ કરી શકે એવા 'બત્રીસ લક્ષણા' સ્થળોની પસંદગી માટે પણ મંગળ પર માનવ યાનના ઉતરાણ માટે સ્થળની પસંદગી સૌથી મહત્ત્વની છે.

નોંધઃ તસવીર પ્રતીકાત્મક છે. 

1 comment: