03 March, 2015

મેડિકલ એજ્યુકેશનને 'પ્રિસ્ક્રિપ્શન'ની જરૂર


એક સમયે તબીબો સાક્ષાત ભગવાનનું રૂપ મનાતા હતા કારણ કેતેઓ માણસને મોતના મુખમાંથી ઉગારી લાવવા સક્ષમ હોય છે. એ પછી તબીબી જગતમાં વ્યવસાયિકરણ (પ્રોફેશનાલિઝમ) વધતું ગયું અને આ પ્રતિષ્ઠિત વ્યવસાયમાં પણ ચોંકાવનારા દુષણો ઘર કરતા ગયા. પૈસા નહીં તો દવા નહીં એ વણલિખિત નિયમના કારણે વ્યક્તિનું મોત થઈ જાય એવા દૃશ્યો આપણે હિન્દી ફિલ્મોમાં પણ જોઈ ચૂક્યા છીએ. તબીબી વ્યવસાય સામાજિક જવાબદારી સાથે જોડાયેલો હોવા છતાં સરકાર કે સમાજ કોઈ પણ વ્યવસાયિક (પ્રોફેશનલ) તબીબને પરાણે સેવા માટે મજબૂર ના કરી શકે. તબીબી વ્યવસાયમાં ઘૂસી ગયેલા દુષણોના મૂળ તબીબી શિક્ષણ (મેડિકલ એજ્યુકેશન)માં વ્યાપેલા ભ્રષ્ટાચારમાં છે. ભારતમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે વ્યાપ્ત ભ્રષ્ટાચારનો મુદ્દો હંમેશા 'કરન્ટ ઈવેન્ટહોવાથી તેની ન્યૂઝ વેલ્યૂ ખતમ થઈ ગઈ છે. જોકેઉચ્ચ શિક્ષણના અન્ય ક્ષેત્રો કરતા તબીબી જગત સામાજિક જવાબદારી સાથે વધારે જોડાયેલું હોવાથી થોડું ઘણુંય તેને ગંભીરતાથી લેવામાં આવે છે. 

હાલમાં જ 'બ્રિટિશ મેડિકલ જર્નલ'માં ભારતની પ્રાઈવેટ મેડિકલ કોલેજો દ્વારા વસૂલાતી 'કેપિટેશન ફી'ના દુષણની વાત છેડાતા આ મુદ્દો ફરી એકવાર ચર્ચામાં છે. કેપિટેશન (માથાદીઠ) ફી શિક્ષણ સંસ્થાના વિકાસ માટે વિદ્યાર્થી પાસેથી વસૂલાતું એક પ્રકારનું 'ડોનેશનછે. એ વાત અલગ છે કેવિશ્વની સૌથી મોટી લોકશાહીમાં પ્રાથમિકથી લઈને ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં ડોનેશન (દાન) પણ ફરજિયાત છે. બ્રિટિશ મેડિકલ જર્નલની ટિપ્પણી પછી દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલના સર્જિકલ એન્ટ્રોલોજી એન્ડ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ વિભાગના વડા તેમજ 'કરન્ટ મેડિસિન રિસર્ચ એન્ડ પ્રેક્ટિસ'ના એડિટર ઈન ચિફ સમીરન નંદીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, ''દેશની હેલ્થકેર ઈન્ડસ્ટ્રીમાં ચારેકોર ભ્રષ્ટાચાર વ્યાપેલો છે અને તેની શરૂઆત કેપિટેશન ફીથી થાય છે.'' નવાઈની વાત તો એ છે કેસર્વોચ્ચ અદાલતે પ્રાઈવેટ મેડિકલ કોલેજોને તબીબી બેઠકો વેચવા મનાઈ ફરમાવી છે. આમ છતાંપ્રાઈવેટ મેડિકલ કોલેજો વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયા વસૂલીને તેમને તબીબ બનાવે છે. પ્રાઈવેટ મેડિકલ કોલેજોની દુકાન ધમધમતી રહેવાનું એક કારણ વિદ્યાર્થીઓની તબીબ બનવાની અથવા તો સંતાનોને ગમે તેમ કરીને તબીબ બનાવવાની વાલીઓની ઘેલછા પણ છે. દેશના મોટા ભાગના રાજ્યોમાં પ્રાથમિકથી લઈને ઉચ્ચ શિક્ષણના વ્યાપારીકરણ સામે થયેલા આંદોલનો નિષ્ફળ જવાનું આ પણ એક મહત્ત્વનું કારણ છે. 



અહીં આપણે ફક્ત તબીબી શિક્ષણની વાત કરીએ. વિદ્યાર્થી લાખો રૂપિયા ખર્ચીને તબીબી શિક્ષણ મેળવેસફળ તબીબ બનેતગડી કમાણી કરીને લાખો-કરોડોના ખર્ચે હોસ્પિટલ ઊભી કરે અને પછી તેને પ્રશ્ન થાય કેઆટલો જંગી ખર્ચ કરીને ઊભી કરેલી હોસ્પિટલનો વારસો આપીશ કોનેઆ પ્રશ્નમાંથી પુત્ર કે પુત્રીને જ તબીબ બનાવવાની ઘેલછા જન્મે. કોઈ પણ તબીબ પોતાના સંતાનો તબીબ જ બને એવું વિચારે એમાં કશું ખોટું નથી પણ તબીબોના સંતાનો પણ તબીબો બને એ ઘેલછા રાજકારણીના સંતાન રાજકારણીઆર્કિટેક્ટના સંતાન આર્કિટેક્ટ અને પત્રકારના સંતાન પત્રકાર બને એના કરતા ઘણી વધારે ગંભીર છે. કારણ કેતબીબ બનવા માટેની શૈક્ષણિક લાયકાત સીધી સામાજિક જવાબદારી સાથે જોડાયેલી છે. લાયકાત વિનાનો રાજકારણી કે પત્રકાર આપોઆપ ફેંકાઈ જાય છે પણ માતા કે પિતાએ ઊભી કરી આપેલી હોસ્પિટલ કે દવાખાનામાં પ્રેક્ટિસ કરતો લાયકાત વિનાનો તબીબ સમાજ માટે વધારે જોખમી છે. 
ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં બોગસ ડોક્ટરોના કૌભાંડો આપણે જોઈ ચૂક્યા છીએ.

શૈક્ષણિક લાયકાત વિનાના વિદ્યાર્થીને સરકારી મેડિકલ કોલેજમાં પ્રવેશ ના મળે ત્યાં સુધી બધું બરાબર હોય છેપરંતુ આ પ્રકારના વિદ્યાર્થીઓ માટે પ્રાઈવેટ મેડિકલ કોલેજો હાજર છે. હાલ દેશમાં ૧૮૩ સરકારી અને ૨૧૫ પ્રાઈવેટ એમ કુલ ૩૯૮ મેડિકલ કોલેજોમાં ૫૨,૧૦૫ બેઠકો છે. જો સરકાર વધુને વધુ મેડિકલ કોલેજો બનાવે અને મેરિટના આધારે જ વિદ્યાર્થીઓને પ્રવેશ આપે તો બધી મુશ્કેલીનો અંત આવી જાયપરંતુ મેડિકલ કોલેજો ઊભી કરવા જંગી મૂડીની જરૂર પડે અને સરકાર પાસે તેનો અભાવ છે. આ સ્થિતિમાં મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવવા માગતા વિદ્યાર્થીઓની માગને પહોંચી વળવા સરકારે દર વર્ષે પ્રાઈવેટ મેડિકલ કોલેજોને પણ મંજૂરી આપવી પડે છે. પ્રાઈવેટ શિક્ષણ સંસ્થાઓને મંજૂરી આપ્યા પછી ભ્રષ્ટ સરકારી તંત્ર તેના પર કાબૂ રાખવામાં ઉદાસીન રહે છે. ગુજરાતમાં છ સરકારી અને ૧૩ પ્રાઈવેટ મેડિકલ કોલેજ છેજેમાં અનુક્રમે ૧,૦૮૦ અને ૨,૭૮૦ જેટલી બેઠકો છે. આ કોલેજોમાં પ્રવેશ લેવા ૧૧-૧૨ ધોરણ અને ગુજકેટના ૬૦ઃ૪૦ રેશિયો તેમજ નેશનલ એલિજિબિલિટી એન્ડ એન્ટ્રન્સ ટેસ્ટ (નીટ)ના મેરિટના પ્રમાણે પ્રવેશ મળે છે.

આ પહેલાં 'નીટઓલ ઈન્ડિયા પ્રિ મેડિકલ એન્ટ્રન્સ ટેસ્ટ તરીકે ઓળખાતી હતી. ગુજરાતમાં ૧૫ ટકા ક્વોટા 'નીટ'નો અને બાકીનો ક્વોટા રાજ્ય સરકારનો છે. ગુજરાતમાં અન્ય રાજ્યોની સરખામણીએ તબીબી શિક્ષણ સ્વર્ગ સમાન છે. હાલ ગુજરાતમાં છ સરકારી તેમજ ૧૩ અર્ધસરકારી અને પ્રાઈવેટ મેડિકલ કોલેજો છે. અર્ધસરકારી કોલેજોમાં પણ સરકારી મેડિકલ કોલેજોની સરખામણીએ ૫૦ ગણી વધારે ફી વસૂલવામાં આવે છેજ્યારે પ્રાઈવેટ મેડિકલ કોલેજોમાં તો કોઈ પણ પ્રકારની નોંધ વિના તોતિંગ કેપિટેશન ફી કે ડોનેશન વસૂલવામાં આવે છે. એવું કહેવાય છે કેગુજરાતમાં પોસ્ટ ગ્રેજ્યુએટ તબીબી શિક્ષણની સૌથી વધુ માગ હોય એવી એક-એક બેઠક રૂ. ૫૦ લાખ સુધીમાં વેચાય છે. જેમ કેપી.જી.માં કાર્ડિયોલોજીન્યુરોલોજીનેફ્રોલોજી અને કેન્સરની માગ વધારે હોવાથી આ બેઠકોનો બંધબારણે ધંધો થાય છે. આવી કોલેજમાંથી તબીબ થનારો વિદ્યાર્થી શિક્ષણ માટે ખર્ચેલી ફી વસૂલે કે ગામડે જઈને સામાજિક સેવા કરે?

જોકેદેશના અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં સ્થિતિ ઘણી સારી છે. મહારાષ્ટ્રકર્ણાટક અને તમિલનાડુ  સહિતના રાજ્યોની પ્રાઈવેટ કોલેજોમાં એમબીબીએસ કરવાનો ભાવ રૂ. ૬૦ લાખ સુધી જાય છેજ્યારે પી.જી.માં પ્રવેશ માટે એમબીબીએસથી અઢી ગણી વધુ કિંમત વસૂલાય છે. એટલે કે એમબીબીએસ થવા માટે માતાપિતા જ અમેરિકાની હાવર્ડ યુનિવર્સિટીમાં થાય એટલો ખર્ચ કરે છે. નેશનલ ઈન્સ્ટિટયુટ ઓફ  પબ્લિક ફાઈનાન્સ એન્ડ પોલિસીના અહેવાલ પ્રમાણેવર્ષ ૨૦૧૪માં પ્રાઈવેટ મેડિકલ કોલેજોેએ ૬૦ અબજ રૂપિયા જેટલી કેપિટેશન ફી વસૂલી હોવાનો અંદાજ છે. આ અહેવાલમાં પ્રાઈવેટ એજ્યુકેશન ક્ષેત્રને દેશમાં કાળા નાણાનો ઉદ્ભવ કરતા સૌથી મોટા ક્ષેત્રોમાં બીજો નંબર અપાયો છે. આંકડાકીય રીતેહાલ દેશમાં એક હજાર વ્યક્તિએ એક કરતા પણ ઓછા તબીબ છે. દેશમાં તબીબોની જોરદાર માગવિદ્યાર્થીઓ અને માતાપિતાની તબીબ બનવાની ઘેલછા અને ભ્રષ્ટ તંત્રના કોકટેલના કારણે તબીબી શિક્ષણ મોટા ધંધામાં ફેરવાઈ ગયું છે.

મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ જૂન ૨૦૧૪માં માળખાગત સુવિધાઓ અને શિક્ષકોના અભાવ જેવા કારણોસર દસ પ્રાઈવેટ મેડિકલ કોલેજોની મંજૂરી રદ કરી દીધી છે. પ્રાઈવેટ મેડિકલ કોલેજોમાં શિક્ષકોની હંમેશા અછત હોય છે. કારણ કેવિદ્યાર્થીઓને તબીબ બનીને શિક્ષક બનવામાં નહીં પણ ફક્ત પ્રેક્ટિસ કરીને કરીને કમાણી કરવામાં રસ હોય છે. પ્રાઈવેટ મેડિકલ કોલેજોમાં જંગી ફી ભરીને તબીબ બનેલો વિદ્યાર્થી તો ભૂલથીય શિક્ષક બનવાના 'ખોટના ધંધા'માં પડતો નથી. એમસીઆઈ પ્રાઈવેટ મેડિકલ કોલેજો સાથે સખ્તાઈથી વર્તીને કોલેજો બંધ કરાવે તો વિદ્યાર્થીઓ માટે બેઠકોની અછત સર્જાય  છે. આ સ્થિતિમાં પ્રાઈવેટ મેડિકલ કોલેજોની બેઠકોના ભાવ ઓર ઊંચા જાય છે અને વધુ કેપિટેશન ફી વસૂલાય છે. જેમ કેગયા વર્ષે એમસીઆઈએ વિવિધ કારણોસર કેટલીક પ્રાઈવેટ મેડિકલ કોલેજો બંધ કરાવી હોવાથી આ વર્ષે 'નીટઆપનારા આઠેક લાખ વિદ્યાર્થીઓ માટે એમબીબીએસની ૬,૩૦૦ જેટલી બેઠકો ઘટી ગઈ છે. જોકેએબીબીએસની બેઠકના ભાવ ગમે તેટલા ઊંચા બોલાય તો પણ પ્રાઈવેટ મેડિકલ કોલેજોને કરોડપતિ વિદ્યાર્થીઓ મળી જશે એ આપણું કમનસીબ છે. 

દેશમાં હલકી ગુણવત્તાની મેડિકલ એજ્યુકેશન સિસ્ટમ ઊભી કરવા બદલ સરકાર અને સમાજ બંને જવાબદાર છે. આ ક્ષેત્રના નિષ્ણાતોનું કહેવું છે કેપ્રાઈવેટ મેડિકલ કોલેજના તબીબોની ક્લિનિકલ સ્કિલ ઓછી હોઈ શકે છે કારણ કેઆ કોલેજો ભરોસાપાત્ર હોસ્પિટલો સાથે સંકળાયેલી નહીં હોવાથી તેમની તાલીમ યોગ્ય રીતે ના પણ થઈ હોય. શું આપણે આ મેડિકલ એજ્યુકેશન સિસ્ટમ પાસે ગુણવત્તાયુક્ત અને સામાજિક રીતે જવાબદાર તબીબની અપેક્ષા રાખી શકીએ?

ભ્રષ્ટાચારને કાબૂમાં લેવાના 'સરકારીપ્રયાસ

ફાઉન્ડેશન ઓફ એડવાન્સમેન્ટ ઓફ ઈન્ટરનેશનલ મેડિકલ એજ્યુકેશનના વર્ષ ૨૦૧૦ના વૈશ્વિક અહેવાલમાં  કહેવાયું છે કેવિશ્વમાં સૌથી વધારે મેડિકલ સ્કૂલ ભારતમાં છેપરંતુ ગુણવત્તા અને પારદર્શકતાની દૃષ્ટિએ પ્રાઈવેટ સ્કૂલોનો વિકાસ ચિંતાજનક છે. નિષ્ણાતોનું માનવું છે કેભારતમાં ભ્રષ્ટાચારી મેડિકલ માફિયાઓઅને રાજકારણીઓની સાંઠગાંઠને પગલે તબીબી શિક્ષણની હાલત કથળી ગઈ છે. તબીબી શિક્ષણમાં ભ્રષ્ટાચારનો મુદ્દો ઉછળ્યા પછી વર્ષ ૨૦૦૯માં આરોગ્ય મંત્રાલયે સંસદમાં રજૂ કરેલા નેશનલ કાઉન્સિલ ફોર હ્યુમન રિસોર્સીસ ફોર હેલ્થ બિલમાં નોંધ્યું હતું કેપ્રાઈવેટ મેડિકલ કોલેજોમાં વિદ્યાર્થીઓ પર ફીનું જોરદાર ભારણ છે અને તેમની પ્રવેશ પ્રક્રિયામાં પણ પારદર્શકતાનો અભાવ છે. જોકેમેડિકલ માફિયાઓ સાથે હિત ધરાવતા કેટલાક સાંસદોના દબાણ પછી આ બિલ દફનાવી દેવાયું છે. આ મુદ્દો સર્વોચ્ચ અદાલતમાં ગયો એ પછી જુલાઈ ૨૦૧૩માં તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ અલતમસ કબીરની ખંડપીઠે દેશભરની કોલેજોમાં પ્રવેશ માટે એક જ રાષ્ટ્રીય સ્તરની પ્રવેશ પરીક્ષા લેવાનું સૂચન કર્યું હતું. ઓગસ્ટ ૨૦૧૪માં પણ સર્વોચ્ચ અદાલતમાં મુખ્ય ન્યાયાધીશ એફ.એમ.આઈ. કલિફુલ્લા અને શિવા કિર્તી સિંઘની ખંડપીઠે પ્રાઈવેટ મેડિકલ અને એન્જિનિયરિંગમાં કેપિટેશન ફીના દુષણને નાબૂદ કરવા યોગ્ય પગલાં લેવાનું સૂચન કર્યું હતું. આ ઉપરાંત ખંડપીઠે  કેપિટેશન ફીના દુષણને જડમૂળમાંથી નાબૂદ કરવા જાણીતા વકીલ અને પૂર્વ મંત્રી સલમાન ખુરશીદની એમિકસ ક્યુરી (અદાલત મિત્ર) તરીકે નિમણૂક કરીને વિવિધ સૂચનો પણ મંગાવ્યા હતા. જોકેઆ દિશામાં શું પ્રગતિ થઈ એ જાણવું અને પછી સમજવું અઘરું છે.

1 comment:

  1. વેલ સેઇડ.. એજ્યુકેશનને ધનપતિઓ અને રાજકારણીઓએ ‘પાવર’ના જોરે ‘ગરીબ કી જોરુ’ બનાવી દીધી છે..

    ReplyDelete