23 March, 2015

...જ્યારે શેરલોક હોમ્સનો સર્જક એક પારસીને બચાવવા 'શેરલોક' બન્યો


શેરલોક હોમ્સ જેવા વિશ્વવિખ્યાત જાસૂસ પાત્રના સર્જક સર આર્થર કોનાન ડોયલે એકવાર પોતાના જ પાત્ર 'શેરલોક ધ જાસૂસ'ની ભૂમિકા ભજવી હતી. ના, ડોયલે ફિલ્મ કે ટીવી પડદે નહીં પણ વાસ્તવિક જીવનમાં શેરલોકની ભૂમિકા ભજવી હતી અને એ પણ એક પારસીને બચાવવા. આ પારસી એટલે છેક ૧૮૭૬માં બ્રિટનના સાઉથ સ્ટેફર્ડશાયરના ગ્રેટ વિર્લી પરગણાંના સેંટ માર્ક્સ ચર્ચના વિકાર (ઊંચો હોદ્દો ધરાવતા ડેપ્યુટી કક્ષાના પાદરી) અને ક્યુરેટ (સમગ્ર પરગણાંના ધાર્મિક વડા) જેવા હોદ્દા સુધી પહોંચનારા પહેલા એશિયન શાપુરજી એડલજીના પુત્ર જ્યોર્જ એડલજી. અંગ્રેજી ભાષામાં આ રસપ્રદ કિસ્સા પર આધારિત સર આર્થર કોનાન ડોયલના 'સ્ટોરી ઓફ મિ. જ્યોર્જ એડલજી', 'ધ કેસીસ ઓફ એડલજી એન્ડ સ્લેટર', 'ધ કેસ ઓફ મિ. જ્યોર્જ એડલજી- ધ કલેક્ટેડ વર્ક્સ ઓફ સર આર્થર કોનાન ડોયલ' જેવા કેટલાક પુસ્તકો ઉપલબ્ધ છે. ગોર્ડન વિવરનું 'કોનાન ડોયલ એન્ડ ધ પાર્સન્સ સન : ધ જ્યોર્જ એડલજી કેસ' તેમજ રોજર ઓલ્ડફિલ્ડનું 'આઉટરેજ : ધ એડલજી ફાઈવ એન્ડ ધ શેડો ઓફ શેરલોક હોમ્સ' પણ જાણીતા પુસ્તકો છે.


     ‘આર્થર એન્ડ જ્યોર્જ’ ટીવી સિરીઝમાં સર આર્થર કોનાન ડોયલનું પાત્ર ભજવનાર બ્રિટિશ અભિનેતા
માર્ટિન ક્લુન્સ અને જ્યોર્જ એડલજીનું પાત્ર ભજવનાર પાકિસ્તાની બ્રિટિશ અભિનેતા અર્શર અલી

વર્ષ 2005માં મેન બુકર પ્રાઈઝ માટે નોમિનેટ થયા ત્યારે ‘આર્થર એન્ડ જ્યોર્જ’ પુસ્તક સાથે જુલિયન બાર્ન્સ 

જોકે, પુસ્તકોના મર્યાદિત વેચાણ જેવા અનેક કારણોસર પારસીઓ, ગુજરાતીઓ અને ભારતીયો માટે ઘણું રસપ્રદ કહેવાય એવું આ પ્રકરણ બહુ ઓછું જાણીતું છે. વર્ષ ૨૦૦૫માં બ્રિટિશ લેખક જુલિયન બાર્ન્સનું આ કિસ્સા પર આધારિત 'આર્થર એન્ડ જ્યોર્જ' નામનું પુસ્તક આવ્યું અને તેની મેન બુકર પ્રાઈઝ માટે પસંદગી થઈ. ત્યાર પછી બ્રિટિશ નાટયકાર ડેવિડ ઈગરે વર્ષ ૨૦૧૦માં આ પુસ્તકનું નાટય રૂપાંતર કરીને તેને ભજવ્યું. આમ, વર્ષ ૨૦૦૫ અને વર્ષ ૨૦૧૦માં આ કિસ્સો થોડો ચર્ચાસ્પદ થયો અને પછી ભૂલાઈ ગયો. પરંતુ યુ.કે.માં ત્રીજી માર્ચ, ૨૦૧૫ના રોજ 'આર્થર એન્ડ જ્યોર્જ' પુસ્તક પર આધારિત ત્રણ હપ્તાની ટીવી સિરીઝ પ્રદર્શિત થઈ છે ત્યારે આ કિસ્સો ફરી એકવાર તાજો કરીએ.

શાપુરજી એડલજી પરિવારનું બેકગ્રાઉન્ડ

વર્ષ ૧૮૪૧માં બ્રિટિશકાળના મુંબઈમાં પારસી વેપારી દોરાલજી એડલજીના ત્યાં શાપુરજીનો જન્મ થયો હતો. શાપુરજીએ મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાં ઈન્ડિયન નેશનલ કોંગ્રેસના દાદાભાઈ નવરોજી જેવી હસ્તીના હાથ નીચે અભ્યાસ કર્યો હતો. આ દરમિયાન તેમની સાથે દિનશા એડલજી વાચા પણ અભ્યાસ કરતા હતા. દાદાભાઈ નવરોજી અને સર દિનશા એડલજી વાચા ઈન્ડિયન નેશનલ કોંગ્રેસના સ્થાપકો પૈકીના એક છે. એ વખતના ભારતીય સમાજમાં તિરસ્કાર અને અવગણનાથી વ્યથિત શાપુરજી વર્ષ ૧૮૫૬માં સ્કોટિશ પાદરી જ્હોન વિલ્સનથી પ્રભાવિત થઈને ખ્રિસ્તી ધર્મ અપનાવે છે અને વર્ષ ૧૮૬૪માં મુંબઈની ફ્રી કિર્ક કોલેજમાં પ્રવેશ મેળવે છે. વર્ષ ૧૮૪૩માં ચર્ચ ઓફ સ્કોટલેન્ડનું પ્રભુત્વ ફગાવીને નવો ખ્રિસ્તી સંપ્રદાય ઊભો કરનારા પાદરીઓ ફ્રી કિર્ક તરીકે ઓળખાય છે. ખ્રિસ્તીઓના આ સંપ્રદાયની મુંબઈસ્થિત કોલેજ પણ 'ફ્રી કિર્ક કોલેજ' તરીકે ઓળખાતી હતી. અહીં અભ્યાસ કર્યા પછી તેઓ વારલી આદિવાસીઓ માટે થોડો સમય કામ કરે છે અને પછી પાદરી બની જાય છે.

શાપુરજી એડલજી

અત્યંત રસપ્રદ વાત એ છે કે, શાપુરજી એડલજીએ ૧૮૬૩માં 'ગુજરાતી એન્ડ ઈંગ્લિશ ડિક્શનરી' અને વર્ષ ૧૮૬૭માં 'ગ્રામર ઓફ ધ ગુજરાતી લેંગ્વેજ' એમ બે પુસ્તકો લખ્યા હતા. આ બંને પુસ્તકોમાં ગુજરાતીનો સ્પેલિંગ Gujeratiછે. સિવાય વર્ષ ૧૮૬૪માં બોમ્બે ડાયલેક્ટિક સમાજમાં આપેલા ભાષણોનું 'ધ બ્રહ્મ સમાજ' નામનું સંકલિત પુસ્તક પણ તેમના નામે છે. વર્ષ ૧૮૬૬માં તેઓ બ્રિટનના કેન્ટબરીની સેંટ ઓગસ્ટાઈન કોલેજમાં પાદરીની વિધિવત તાલીમ લે છે અને ૧૮૬૯માં ક્યુરેટ (વિકાર કરતા નીચેનો હોદ્દો ધરાવતા ખ્રિસ્તી સંત)ની પદવી લઈને ઓક્સફોર્ડ, લેન્કેશાયર, કોર્નવેલ અને બ્રોમ્બલી સેંટ લિયોનાર્ડના ચર્ચમાં ક્યુરેટ તરીકે સેવા આપે છે. ૧૭મી જૂન, ૧૮૭૪માં શાપુરજી શ્રોપશાયરના કેન્ટલીના વિકાર થોમ્પસન સ્ટોનહામની પુત્રી શેર્લોટ એલિઝાબેથ સ્ટુઅર્ટ સાથે લગ્ન કરે છે. આ દંપત્તિને જ્યોર્જ, હોરેસ અને મૌડ નામના ત્રણ સંતાન હોય છે.

વર્ષ ૧૮૭૬માં લિંચફિલ્ડના બિશપ જ્યોર્જ સેલ્વિન શાપુરજી એડલજીની સેંટ માર્ક્સ ચર્ચના વિકાર તેમજ ગ્રેટ વિર્લીના પેરિશ તરીકે નિમણૂક કરે છે. અહીં તેઓ સતત ૪૨ વર્ષ જીવનના અંત સુધી સેવા આપે છે. એ પહેલાં કોઈ એશિયન ખ્રિસ્તી ધર્મમાં આટલા ઊંચા હોદ્દા પર પહોંચ્યો ન હતો. શાપુરજી એડલજી પ્રતિષ્ઠિત ધાર્મિક આગેવાન હતા પણ વર્ષ ૧૮૭૯માં ઈંગ્લેન્ડની સ્કૂલોના સ્થાનિક ચર્ચના ભવિષ્ય મુદ્દે તેઓ કેટલાક લોકો સાથે ઘર્ષણમાં ઉતર્યા ત્યારે તેમની પ્રતિષ્ઠાને ઝાંખપ લાગી હતી. વર્ષ ૧૯૧૮માં પાંચ અઠવાડિયા હેમરેજની પીડા ભોગવ્યા પછી  ૨૩મી મેના રોજ શાપુરજીનું અવસાન થયું હતું.

એડલજી દંપત્તિના પુત્ર જ્યોર્જ પર શંકા

વર્ષ ૧૮૮૮, ૧૮૯૨ અને ૧૮૯૫માં ગ્રેટ વિર્લીમાં રહેતા એડલજી પરિવારને ગાળો દેતા, જાતભાતના આરોપો મૂકતા અને ધમકી આપતા નનામા પત્રો મળે છે. અન્ય પાદરીઓ, પ્રતિષ્ઠિત પરિવારો અને આ કેસની તપાસ કરતા પોલીસ અધિકારીઓને પણ આવા પત્રો મળે છે. આ મુદ્દે સ્થાનિક પોલીસની તપાસમાં અન્ય લોકોની સાથે શાપુરજીના ત્રણ સંતાનો પૈકી સૌથી મોટા પુત્ર જ્યોર્જ અર્નેસ્ટ થોમ્પસન એડલજીનું પણ નામ સામે આવે છે. વર્ષ ૧૮૮૮માં મળેલા નનામા પત્રો જ્યોર્જ એડલજીની સ્કૂલ હોમવર્ક બુકના પાનાં પર લખાયા હતા. એ વખતે જ્યોર્જની ઉંમર ફક્ત સાડા બાર વર્ષ હતી. આમ છતાં, પોલીસને શંકા હતી કે, આ પત્રો લખવામાં અન્યોની સાથે જ્યોર્જની પણ સંડોવણી છે. જોકે, આ આરોપોનો શાપુરજી આક્રમક વિરોધ કરે છે. આ કેસનું સંશોધન કરનારા મોટા ભાગના લેખકોએ નોંધ્યું છે કે, એડલજી પરિવાર એ વખતના ઈંગ્લેન્ડની સ્ટેફર્ડશાયર કાઉન્ટીના ગ્રેટ વિર્લી જેવા નાનકડા ગામમાં લોકોની રંગભેદ માનસિકતાનો ભોગ બન્યા હોય એવું માનવાના અનેક કારણો છે. વળી, શાપુરજીએ સ્થાનિક રાજકારણમાં અત્યંત આક્રમક રીતે ભાગ લઈને અનેક લોકોની ખફગી પણ વ્હોરી લીધી હતી.


જ્યોર્જ એડલજી

આ દરમિયાન જ્યોર્જ કાયદાની પ્રોફેશનલ એક્ઝામ અસામાન્ય રીતે ઊંચા માર્ક્સે પાસ કરીને સોલિસિટરની પદવી મેળવે છે અને વર્ષ ૧૮૯૯માં પરિવારની મદદથી બર્મિંગહામમાં ઓફિસ ઊભી કરીને પ્રેક્ટિસ શરૂ કરે છે. નનામા પત્રોની ઘટના માંડ થાળે પડી હોય છે ત્યાં વર્ષ ૧૯૦૩માં ગ્રેટ વિર્લીમાં ઘોડા, ગાય અને ઘેંટા પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવાની ઘટનાઓ બને છે. એ વખતે જ્યોર્જ ૨૭ વર્ષના હોય છે. આ પહેલાં સ્ટેનફોર્ડના ખેડૂત સમાજે પ્રાણીઓ પર ઘાતકી હુમલાની ઘટનાઓ જોઈ-સાંભળી ન હતી. પોલીસને ફરી એકવાર નનામો પત્ર મળે છે, જેમાં પ્રાણીઓ પરના હુમલા માટે જ્યોર્જ એડલજી સહિત તેમના કેટલાક મિત્રોને જવાબદાર ઠેરવાયા હોય છે. પ્રાણીઓ પરના હુમલા વિકારેજ (પાદરીનું રહેઠાણ) આસપાસ જ થતા હોય છે. પોલીસનો દાવો હોય છે કે, જ્યોર્જના બૂટની હિલ વિચિત્ર રીતે ફાટેલી હોવાથી જમીન પર ખાસ પ્રકારની નિશાની પડતી હોય છે અને એ નિશાન વિકારેજ સુધી જાય છે. બાદમાં પોલીસ વિકારેજમાં જઈને હથિયાર શોધવાનો નિષ્ફળ પ્રયાસ કરે છે, પરંતુ પોલીસને જ્યોર્જના કાદવવાળા બૂટ, ટ્રાઉઝર અને હાઉસકોટ મળે છે.

આ પુરાવાના આધારે જ્યોર્જ સામે કાયદાકીય કાર્યવાહી ચાલે છે. સ્થાનિકોમાં એડલજી પરિવાર પ્રત્યેના અણગમાની બાબતને ધ્યાનમાં રાખીને આ કેસ બહારની અદાલતમાં ખસેડાય છે. આમ છતાં, જ્યોર્જને સાત વર્ષની કડક કેદની સજા થાય છે.

સર આર્થર કોનાન ડોયલની એન્ટ્રી

જ્યોર્જ એડલજીની તરફેણમાં હજારો વકીલો સહિત દસેક હજાર લોકો ઓટોગ્રાફ કરે છે. આ અભિયાનને મુંબઈમાં જન્મેલા નોબલ પુરસ્કાર વિજેતા બ્રિટિશ લેખક રૂડયાર્ડ કિપ્લિંગનો પણ ટેકો હોય છે. અગ્રણી વકીલોનું કહેવું હોય છે કે, ઇંગ્લિશ કાયદા હેઠળ નનામા પત્રો લખવા બદલ તેમજ પ્રાણીઓ પર ઘાતકી હુમલો કરવા બદલ- એમ બંને ગુનાની કાર્યવાહી જુદી જુદી થવી જોઈએ. પ્રાણીઓ પર હુમલા જ્યોર્જે કર્યા હતા એવું સાબિત કરવા નનામા પત્રો જ્યોર્જે લખ્યા હતા એવા પુરાવાનો આધાર ના લઈ શકાય...


શેરલોક હોમ્સના વિખ્યાત પાત્રના સર્જક સર આર્થર કોનાન ડોયલ

આવી વિવિધ રજૂઆતો બાદ ત્રણ વર્ષ પછી જ્યોર્જને જામીન મળે છે. આ દરમિયાન જ્યોર્જ એડલજી સર આર્થર કોનાન ડોયલને પત્ર લખીને પોતાને નિર્દોષ સાબિત કરવા વિનંતી કરે છે. એ વખતે તેઓ શેરલોક હોમ્સ જેવા અમર પાત્રનું સર્જન કરીને વિશ્વભરમાં જબરદસ્ત પ્રસિદ્ધિ મેળવી ચૂક્યા હોય છે. આ મુદ્દે વાત કરવા જ્યોર્જ અને સર આર્થર કોનાન ડોયલ લંડનની ચેરિંગ ક્રોસ હોટેલમાં મળે છે. અહીં તેઓ તુરંત જ જ્યોર્જને ઓળખી લે છે કારણ કે, ફોયરમાં ફક્ત એક જ ભારતીય હોય છે. જોકે, જ્યોર્જ ફોયરમાં તેમની રાહ જોતા અખબાર વાંચી રહ્યો હોય છે ત્યારે સર આર્થર કોનાન ડોયલ નોંધે છે કે, જ્યોર્જની દૃષ્ટિ નબળી હતી કારણ કે, તેણે અખબાર આંખથી માંડ થોડા ઈંચ દૂર રાખ્યું હતું. આટલી નબળી દૃષ્ટિ ધરાવતી વ્યક્તિ રાતના અંધારામાં પ્રાણીઓ પર હુમલો ના કરી શકે. આ મુલાકાત પછી તેઓ જ્યોર્જને માફી અપાવવા નનામા પત્રોની લીટીએ લીટીનો ઊંડો અભ્યાસ કરે છે, પ્રાણીઓ પર હુમલાના સ્થળોએ જઈને તપાસ કરે છે, અન્ય શંકાસ્પદોને મળે છે તેમજ પુરાવાની વિશ્વસનિયતા સામે ગંભીર પ્રશ્નાર્થ ઊભા કરે છે.

આ કેસના વિવિધ પુરાવા ભેગા કરીને તેઓ આ કેસ સાથે સંકળાયેલા પોલીસ અધિકારીઓ અને ગૃહ મંત્રાલયને સંખ્યાબંધ પત્રો લખે છે. લંડનના 'ધ ડેઈલી ટેલિગ્રાફ'માં જ્યોર્જ એડલજીની તરફેણમાં લેખો લખે છે. સર આર્થર કોનાન ડોયલનું આક્રમક વલણ જોઈને ગૃહ મંત્રાલય આ કેસની તપાસ કરવા સમિતિની રચના કરે છે. આ સમિતિ મે ૧૯૦૭માં પ્રાણીઓ પરના હુમલાના કેસમાં જ્યોર્જને માફી આપે છે, પણ કેટલાક નનામા પત્રો તેણે જ લખ્યા હોવાનું પુરાવાના આધારે તારણ આપે છે. કાયદાકીય દૃષ્ટિએ જ્યોર્જ ક્યારેય સંપૂર્ણ નિર્દોષ સાબિત થતાં નથી અને એટલે જ સજા ભોગવવા બદલ તેમને આર્થિક વળતર પણ મળતું નથી. જોકે, નવેમ્બર ૧૯૦૭માં તેમને સોલિસિટર તરીકે પ્રેક્ટિસ કરવાની મંજૂરી મળી જાય છે. આ કેસમાંથી બહાર નીકળીને જ્યોર્જ એડલજી સોલિસિટર તરીકે પ્રેક્ટિસમાં વ્યસ્ત થઈ જાય છે અને ૧૭મી જૂન, ૧૯૧૭ના રોજ ૭૭ વર્ષની વયે તેમનું અવસાન થાય છે.

ખેર, આજે પણ અનેક લોકો સર આર્થર કોનાન ડોયલ સાથે સહમત નથી અને જ્યોર્જ ખરેખર નિર્દોષ હતા કે નહીં એ વાત આજે પણ વિવાદાસ્પદ છે. આ સત્ય ઘટના પર આધારિત 'આર્થર એન્ડ જ્યોર્જ' ટીવી સિરીઝમાં સર આર્થર કોનાન ડોયલનું ધાંસુ પાત્ર બ્રિટિશ અભિનેતા માર્ટિન ક્લુન્સે અને જ્યોર્જ એડલજીનું પાત્ર અર્શર અલીએ ભજવ્યું છે.

2 comments: