૨૧મી સદીની શરૂઆતના પહેલા દાયકા સુધી 'મંગળ પર માણસ' વિષય સાયન્સ કરતા સાયન્સ ફિક્શનમાં વધારે સફળ રહ્યો. જોકે,
અમેરિકન અવકાશ સંસ્થા નાસા
નજીકના ભવિષ્યમાં આ મ્હેણું ભાંગે એવી પૂરેપૂરી શક્યતા છે. આજે ભારત જેવા વિકાસશીલ
દેશો પણ મંગળ પર માનવ સહિતનું યાન મોકલવા તનતોડ મહેનત કરી રહ્યા છે. તાજેતરમાં જ ઈસરોના
અધ્યક્ષ કે. રાધાક્રિશ્નને એક ટીવી ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા કહ્યું હતું કે,
ઈસરો વર્ષ ૨૦૨૧ સુધીમાં હ્યુમન
મિશન ટુ માર્સની તૈયારી કરી રહ્યું છે. અમેરિકાએ તો મંગળ પર વનસ્પતિના બીજ મોકલીને
ત્યાં જ નાનકડો છોડ વિકસાવવાના પ્રયોગો કરવાની પણ શરૂઆત કરી દીધી છે કારણ કે,
મંગળની ધરતી પર છોડનો વિકાસ
જેટલો સારી રીતે થશે એટલું ત્યાં માણસો માટે રહેવું સરળ હશે. થોડું કુતુહલ થાય એવી
વાત તો એ છે કે, આ પ્રયોગોની સફળતા પછી અમેરિકા મંગળ પર માનવ વસાહતો સ્થાપવામાં સફળ થાય તો ત્યાંનું
કરવેરાનું માળખું કેવું હશે, એ દિશામાં પણ અત્યંત ધીમી અને રસપ્રદ ચર્ચા શરૂ થઈ ગઈ છે.
એક સમયે અશક્ય અને હાસ્યાસ્પદ લાગતા અનેક શોધ-સંશોધનો પછી થયેલા પરિવર્તનો આજે
ખૂબ જ સહજ બની ગયા છે. એટલે એવું માનવાનું બિલકુલ કારણ નથી કે,
આ તો બહુ દૂરની વાત છે.
વિજ્ઞાનીઓની મંગળ ગ્રહની સમજમાં રોજેરોજ વધારો થઈ રહ્યો છે. મંગળ પર વસાહતો
સ્થાપવા માટે આર્થિક શક્તિ અને સંશોધનોની દૃષ્ટિએ સૌથી આગળ કોઈ દેશ હોય તે અમેરિકા
છે. હાલમાં જ અમેરિકાએ મંગળ સુધી માણસોને પહોંચાડવા ડિઝાઈન કરેલા 'રોકેટ શિપ'નું ટેસ્ટિંગ કર્યું હતું. નવાઈની વાત તો એ છે કે,
હોલિવૂડની ફિલ્મોએ
સર્જેલા ઉન્માદને પગલે અનેક લોકો ફક્ત વિજ્ઞાનીઓના પ્રયોગોમાં મદદરૂપ થવા સ્વૈચ્છિક
રીતે મંગળ પર જવા તૈયાર છે. આ લોકો સારી રીતે જાણે છે કે,
આ પ્રયોગોના ચક્કરમાં
તેઓ મંગળ પરથી ક્યારેય પાછા ના આવે એવું પણ બની શકે છે! એટલે અમેરિકન વિજ્ઞાનીઓ મંગળ પર માનવ વસાહતો
સ્થાપવામાં સફળ થાય તો ત્યાં લોકો રહેવા જવા તૈયાર નહીં થાય એવું માનવાનું પણ કોઈ
કારણ નથી. આ ઉપરાંત માણસ મંગળ પર સરળતાથી જીવી શકે એ માટે વિજ્ઞાનીઓ સતત પ્રયોગો
કરી રહ્યા છે.
મંગળ પર માણસોની કોલોનીની કાલ્પનિક તસવીર |
માણસજાતે આદિમાનવમાંથી 'માણસ' બનવા સુધીની સફરમાં અગ્નિ, પૈડું, ખેતી, સાટા પદ્ધતિ (ચલણના અભાવે પરરસ્પરની જરૂરિયાતો સંતોષવા માટે
અસ્તિત્વમાં આવેલું આદાનપ્રદાન. જેમ કે, અનાજના બદલામાં શાકભાજી), ચલણ (કરન્સી) અને પ્લાસ્ટિક મની શોધવા માટે કરોડો વર્ષો
ખર્ચી નાંખ્યા, પરંતુ મંગળવાસીઓએ આ માટે આટલા વર્ષોનો ભોગ નહીં આપવો પડે. અહીં રહેતા લોકો
માટે અમેરિકા 'રેડીમેઇડ બજાર'ની સ્થાપના કરીને તેઓ ગુજરાન ચલાવી શકે એવી વ્યવસ્થા કરશે અને એ બજાર માટે
કરવેરાનું માળખું પણ તૈયાર કરશે. અમેરિકા શરૂઆતના વર્ષોમાં મંગળ માટે નવું ચલણ રજૂ
નહીં કરે, પણ ડોલરથી જ કામકાજ આગળ ધપાવશે. હાલ વિશ્વભરમાં ફેલાયેલા અમેરિકનોને
વર્લ્ડવાઈડ સિસ્ટમ ઓફ ટેક્સેશન હેઠળ આવરી લેવાયા છે, પરંતુ એ પછી 'નોન-રેસિડન્ટ એલિયન'ને પણ આ કાયદા લાગુ પડશે.
અમેરિકન કોંગ્રેસે વર્ષ ૧૯૮૬માં જ સ્પષ્ટતા કરી હતી કે,
કોઈ પણ અમેરિકને અવકાશી
પ્રવૃત્તિથી કરેલી આવક અમેરિકામાંથી થયેલી જ ગણાશે અને તેના પર કરવેરો લાગશે. મંગળ
પર માનવ વસાહતો સ્થાપ્યા પછી ત્યાં જન્મેલા લોકો એવી દલીલ પણ કરી શકે છે કે,
અમે અમેરિકનો નહીં પણ
નોન-રેસિડેન્ટ એલિયનો હોવાથી ફક્ત અમેરિકામાં કરેલી કમાણી પર જ કરવેરો ચૂકવવા
બંધાયેલા છીએ, મંગળ પર કરેલી કમાણી પર નહીં. જોકે, અમેરિકાની ખંધી વિદેશનીતિ જોતા એવી થોડી પણ શક્યતા નથી કે,
તેઓ નાસાના સંશોધનો તેમજ
અમેરિકન નાગરિકોને મંગળ પર મોકલવા માટે કરેલા જંગી ખર્ચ પછી લાલ ગ્રહ પર આવી
સ્થિતિ ઊભી થવા દે.
અમેરિકન કાયદો વિદેશમાં કમાયેલી એક લાખ ડોલર સુધીની આવકને કર માફી આપે છે. જો
મંગળ વિદેશમાં ગણાઈ જાય તો કોઈ મુશ્કેલી જ નથી, પરંતુ અમેરિકા એવું થવા દે તો તેને મંગળની કુદરતી સંપત્તિથી
ભરપૂર જમીન ગુમાવવી પડે. એટલે મંગળ એ વિદેશ નહીં પણ અમેરિકાનું જ 'પરગણું' ગણાશે અને ત્યાં રહેતા લોકો અમેરિકાને કાયદેસર રીતે કરવેરા
ચૂકવવા બંધાયેલા હશે. આ ઉપરાંત મંગળ પર માનવ વસાહતો સ્થાપવા માટે શરૂઆતમાં હાઈલી
સ્કિલ્ડ (મોટે ભાગે જુદા જુદા ક્ષેત્રના વિજ્ઞાનીઓ) લોકોને પસંદ કરાયા હશે,
જે ત્યાં કામ કરીને
ઓછામાં ઓછી એક લાખ ડોલરથી વધુ કમાણી કરતા હશે. આ સ્થિતિમાં મંગળવાસીઓને કર માફીની
સુવિધા મળે એવી શક્યતા નહીવત છે. જોકે, મંગળ પર માનવ વસાહતો અને કરવેરાનું માળખું ઊભું કરવાનું
અમેરિકાનું સપનું ત્યારે જ શક્ય બને, જ્યારે અમેરિકાને કોઈ મુશ્કેલી વિના મંગળની ધરતીની માલિકી
મળી જાય.
૧૦મી ઓક્ટોબર, ૧૯૬૭ના રોજ થયેલી આઉટર સ્પેસ ટ્રિટી પ્રમાણે અમેરિકા કાયદેસર રીતે મંગળની ધરતી
પર માલિકીનો દાવો ના કરી શકે. ૨૭મી જાન્યુઆરી, ૧૯૬૭ના રોજ અમેરિકા, યુ.કે. અને સોવિયેત યુનિયને સંયુક્ત રીતે આ સંધિ કરીને વિશ્વ
સમક્ષ રજૂ કરી હતી, જેના પર મે ૨૦૧૩ સુધી એકસોથી પણ વધારે દેશો સહી કરી ચૂક્યા
છે. આ સંધિ હેઠળ અવકાશમાં ચંદ્ર સહિતની કોઈ પણ અવકાશી મિલકતનો ઉપયોગ કરવાના
કાયદા-કાનૂન બનાવવામાં આવ્યા છે. આમ, અમેરિકાને મંગળની જમીનની માલિકીને લગતો કોઈ વિવાદ સર્જાય તો
અમેરિકાએ મંગળ પરનું કરવેરા માળખું વર્જિન આઈલેન્ડ્સ જેવી ટેરિટરીને ધ્યાનમાં
રાખીને ઘડવું પડે એવી પણ શક્યતા છે. કેરિબિયનમાં આવેલા આ ટાપુઓ સામૂહિક રીતે
વર્જિન આઈલેન્ડ તરીકે ઓળખાય છે, જે અમેરિકાનો જ હિસ્સો ગણાય છે. આ સિવાય પણ કેટલાક રસપ્રદ
પ્રશ્નો છે. મંગળ ગ્રહનું એક વર્ષ ૬૮૬ દિવસનું છે, તો શું મંગળવાસી કરદાતાઓ માટે સ્થાનિક કેલેન્ડર લાગુ કરાશે
કે પછી પૃથ્વીના કેલેન્ડર પ્રમાણે જ તેમને હિસાબ-કિતાબ રાખવાની મંજૂરી અપાશે?
જોકે, અત્યારે અમેરિકન સરકાર આ સવાલોની ખાસ ચિંતા કર્યા વિના મંગળ પર માનવ વસાહત ઊભી
કરવાની દિશામાં ગંભીરતાથી આગળ વધી રહ્યું છે. જાન્યુઆરી ૨૦૧૫ના પહેલાં અઠવાડિયે જ
નાસાના વિજ્ઞાનીઓએ મંગળના પાતળા વાતાવરણમાં યાન ઉતારવા માટે હાયપરસોનિક ઈનફ્લેટેબલ
એરોડાયનેમિક ડિસિલેરેટરનું ટેસ્ટિંગ કર્યું હતું. આ સાધનની મદદથી યાન મંગળની
દક્ષિણે આવેલા મેદાનમાં ઉતરાણ કરશે. રોકેટની મદદથી મહાકાય યાનનું ચંદ્રની ધરતી પર
ઉતરાણ શક્ય છે, પરંતુ મંગળના વાતાવરણમાં તે શક્ય નથી. એક વાર મંગળ પર પહોંચવાની ટેકનિકલ
મુશ્કેલીઓનો અંત આવી જશે એ પછી 'મંગળ પર કરવેરા' જેવા જટિલ વિષયની ચર્ચા જોર પકડશે.
મંગળ પર ફૂલોના બીજ અને પૃથ્વીની હવા લઈ જવાશે!
નાસાએ 'માર્સ પ્લાન્ટ એક્સપિરિમેન્ટ' (એમપીએક્સ) પ્રોગ્રામ હેઠળ વર્ષ ૨૦૨૦માં મંગળ પર
એરેબિડોપ્સિસ (કોબીજ અને રાઈ સાથે સંકળાયેલા નાનકડા ફૂલોના છોડ)ના બીજ મોકલવાની
તૈયારી શરૂ કરી છે, જે વર્ષ ૨૦૨૧માં મંગળ પર પહોંચી જશે. આ બીજ મૂકવા માટે નાસા
નાના અને સસ્તા ઉપગ્રહોમાં લગાડવામાં આવતા ક્યુબસેટ બોક્સનો ઉપયોગ કરશે. વર્ષ
૨૦૨૦માં મંગળ પર જનારા મંગળ યાનની બહારની સપાટી પર આ બોક્સ જોડી દેવામાં આવશે. આ
બોક્સમાં એરેબિડોપ્સિસના ૨૦૦ બીજની સાથે પૃથ્વીની હવા પણ હશે. પ્લાન્ટ બાયોલોજીમાં
સંરચના સમજવા આ છોડનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થાય છે. યાન મંગળની સપાટીનો સ્પર્શ
કરશે ત્યારે બીજને પાણી મળશે અને બે અઠવાડિયા સુધી તેનો ઉછેર કરાશે. વિજ્ઞાનીઓને
આશા છે કે, આ છોડનો પંદરેક દિવસનો વિકાસ જોઈને જ ખ્યાલ આવી જશે કે,
મંગળ પરના હાઈ રેડિયેશન
અને ઓછા ગુરુત્વાકર્ષણની મુશ્કેલીઓ સામે કેવી રીતે બાથ ભીડવાની છે!
જોકે, વિજ્ઞાનીઓ જાણે છે કે, મંગળ પર શ્વાસ ના લઈ શકાય એટલી પાતળી હવા છે,
કાર્બન ડાયોક્સાઈડનું
પ્રમાણ ખૂબ ઊંચું છે અને સૂર્યના કારણે રેડિયેશન પણ જોખમકારક સ્તરે છે. વળી,
અહીં સરેરાશ તાપમાન
માઈનસ ૬૩ ડિગ્રી સેલ્સિયસ હોય છે. આ વાતાવરણમાં ખેતી કેવી રીતે શક્ય બનશે?,
આ સવાલનો જવાબ પણ આ
પ્રયોગમાંથી જ મળશે. કારણ કે, મંગળ પર એક કિલો ખાદ્યસામગ્રી પહોંચાડવાનો ખર્ચ ૨૩ હજાર
ડોલર જેટલો આવશે. અમેરિકાના વોશિંગ્ટનમાં આયોજિત હ્યુમન ટુ માર્સ સમિટ ૨૦૧૪માં
એમપીએક્સના ડેપ્યુટી પ્રિન્સિપલ ઈન્વેસ્ટિગેટર હીથર સ્મિથે કહ્યું હતું કે,
''... મંગળ પર લાંબો સમય ટકી
રહેવા માટે આપણે ત્યાં કમસેકમ છોડનો વિકાસ કરી શકવા સક્ષમ હોવા જોઈએ. મંગળ પર
પહોંચવાનું આ પહેલું પગથિયું છે. અમે મંગળ બીજ મોકલીને તેનો વિકાસ જોવા માગીએ
છીએ...''
નોંધઃ તસવીર ગૂગલ પરથી લીધી છે.
Writing out of box Article
ReplyDeleteસમજી ગયો તુ શું કહેવા માગે છે ;)
Delete