03 May, 2014

નિષ્ફળતા પછી રાજીનામુંઃ નૈતિકતા કે બેજવાબદારી?


કોઈ રાજકારણીએ કેવા પ્રકારની નિષ્ફળતા પછી રાજીનામું આપી દેવું જોઈએ? આ સવાલના લાંબા અને તર્કબદ્ધ જવાબો આપી શકાય. જોકે, જાહેર જીવનમાં રાજીનામાનો મુદ્દો તર્ક સાથે ઓછો અને નૈતિકતા સાથે વધુ જોડાયેલો છે. દક્ષિણ કોરિયામાં થયેલા કરુણ દરિયાઈ અકસ્માત પછી વડાપ્રધાન ચુંગ હોંગ વોને રાજીનામું આપી દઈને નૈતિકતાના ઉચ્ચ ધોરણોનું ઉદાહરણ આપ્યું છે. રેલવે મંત્રી તરીકે લાલુપ્રસાદ યાદવના કાર્યકાળમાં પણ અનેક રેલ અકસ્માતો થયા હતા. આ દરમિયાન અનેક લોકોએ ખોટી કે સાચી રીતે તેમના પર રાજીનામું આપવાનું દબાણ કર્યું હતું. કેટલાક લોકોએ લાલુપ્રસાદ યાદવને લાલ બહાદુર શાસ્ત્રીની યાદ અપાવી હતી, જેમણે રેલવે અકસ્માત પછી નૈતિકતાના ધોરણે રેલવે મંત્રી તરીકે રાજીનામું આપી દીધું હતું. જોકે, આવી વાત સાંભળ્યા પછી લાલુપ્રસાદ યાદવ ભડક્યા હતા અને તેમણે કહ્યું હતું કે, “લોકોએ અમને મંત્રી તરીકેની જવાબદારી લેવા માટે ચૂંટ્યા છે, ભાગી જવા માટે નહીં.લાલુપ્રસાદ યાદવ કાયદેસર રીતે ખુરશીને ચીટકી રહ્યા હતા.

ખેર, જાહેર જીવન બેધારી તલવાર પર ચાલવા જેવું છે. દક્ષિણ કોરિયાના વડાપ્રધાન પણ રાજીનામું આપ્યા પછી બેજવાબદારહોવાના આક્ષેપોનો સામનો કરી રહ્યા છે. અહીંના મુખ્ય વિરોધ પક્ષ ન્યૂ પોલિટિક્સ એલાયન્સ ફોર ડેમોક્રેસીએ વડાપ્રધાન પર સીધો જ આક્ષેપ કરતા કહ્યું છે કે, ચુંગનો નિર્ણય બેજવાબદાર છે. અલબત્ત, વિરોધ પક્ષ જૂનમાં યોજાઈ રહેલી ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય નિવેદનબાજી કરી રહ્યો છે. આ દુર્ઘટના પછી વડાપ્રધાને લોકોનો ગુસ્સો જોઈને પ્રમુખ પાર્ક જ્યૂન હેયને ફક્ત રાજીનામું ઓફર કર્યું હતું, જે તેમણે થોડી આનાકાની પછી સ્વીકારી લીધું હતું. આ સંજોગોમાં તેમના પર સહાનુભૂતિ જીતવા અને મત મેળવવા રાજીનામું આપ્યું છે એવો આક્ષેપ વધુ પડતો કહી શકાય. એમ.વી. સેવોલ નામનું વહાણ કુલ 476 મુસાફરોને લઈને ઈન્ચલિયોનથી જેજુ શહેર તરફ જવા નીકળ્યું ત્યારે જેજુ નજીક જ ડૂબી ગયું હતું. આ દરમિયાન 300 લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયા, જેમાં મોટા ભાગના હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ હતા.

દક્ષિણ કોરિયાના પૂર્વ વડાપ્રધાન ચુંગ હોંગ વોન 

આ ઘટના પછી ‘હિંદુસ્તાન ટાઈમ્સ’ના કાર્ટૂનિસ્ટ
શ્રેયસ નવારેએ દોરેલું કાર્ટૂન 

એમ.વી. સેવોલ 6,825 ટન વજન ધરાવતું મહાકાય વહાણ હતું. આ દુર્ઘટનાની પ્રાથમિક તપાસમાં સુરક્ષા, નીતિનિયમો અને સરકારી સ્ટાફને લગતી ઘણી ખામીઓ બહાર આવી હતી. સરકાર તાત્કાલિક ધોરણે બચાવ અભિયાન શરૂ કરવામાં પણ નિષ્ફળ રહી હતી. વળી, આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મોટા ભાગના મુસાફરો યુવાનો હતા અને આ લખાય છે ત્યાં સુધી તે તમામની લાશો પણ મળી શકી નથી. વહાણના કેપ્ટન સહિતના સ્ટાફે મેરીટાઈમ કાયદાનું સરેઆમ ઉલ્લંઘન કર્યું હોવાના પણ અહેવાલ હતા. બીજી બાજુ, 69 વર્ષીય વહાણના કેપ્ટન લી જૂન સિઓક અને અન્ય 14 ઉચ્ચ અધિકારીઓ વહાણ અને મુસાફરોને મૂકીને કોસ્ટ ગાર્ડે મોકલેલા બે વહાણોમાં બેસીને નાસી છૂટ્યા હતા. જોકે, એ તમામ અત્યારે દક્ષિણ કોરિયા પોલીસની કસ્ટડીમાં છે અને તેમના પર અકસ્માતે સામૂહિક હત્યાના ફોજદારી ગુનાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ દુર્ઘટનામાં લોકોનો રોષ ફાટી નીકળવા માટે આટલા કારણો પૂરતા હતા.

નવાઈની વાત તો એ છે કે, આ દુર્ઘટનાના થોડા કલાકોમાં જ વડાપ્રધાન ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ દરમિયાન મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોએ ચુંગ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને તેમના પર પાણીની બોટલો ફેંકીને ગુસ્સો પ્રદર્શિત કર્યો હતો. આ ઘટનાથી વ્યથિત થઈને જ વડાપ્રધાને પ્રમુખને રાજીનામું ઓફર કર્યાના અહેવાલ છે. પ્રમુખના પ્રવક્તાએ કહ્યું હતું કે, “જ્યાં સુધી બચાવ અભિયાન પૂરું ના થાય ત્યાં સુધી અમે વડાપ્રધાનને હોદ્દો નહીં છોડવા જણાવ્યું હતું.પરંતુ વડાપ્રધાનને રાજીનામું આપતી વખતે રાષ્ટ્રીય ટેલિવિઝન ચેનલ સમક્ષ જણાવ્યું હતું કે, “જ્યારે મેં લોકોનું દુઃખ અને ગુસ્સો જોયો ત્યારે મેં વિચાર્યું કે, મારે માફી માગીને આ હોદ્દો છોડી દેવો જોઈએ. આ દરિયાઈ અકસ્માત નહીં અટકાવી શકવા બદલ અને એ પછી પણ કામગીરી યોગ્ય રીતે નહીં સંભાળી શકવા બદલ પણ હું આ દેશની માફી માગુ છું.

દક્ષિણ કોરિયામાં વડાપ્રધાનનો હોદ્દો અત્યંત ઔપચારિક ગણાય છે અને મોટા ભાગની સત્તા પ્રમુખ પાસે હોય છે. આવી કોઈ દુર્ઘટના વખતે, કોઈ કૌભાંડ થાય ત્યારે કે કોઈ યોજના નિષ્ફળ જાય ત્યારે લોકોનો ગુસ્સો ઠંડો પાડવા માટે વડાપ્રધાનનું રાજીનામું લઈ લેવામાં આવે છે. એટલે જ રાજકીય વિશ્લેષકો વડાપ્રધાનનું રાજીનામું પ્રતીકાત્મક હોવાનું કહી રહ્યા છે. જોકે, વડાપ્રધાનનું રાજીનામું પ્રતીકાત્મક હોય તો પણ આ દુર્ઘટનામાં સરકારે આટલી ગંભીરતાથી બતાવી એ વાતને દક્ષિણ કોરિયાનો એક બહુ મોટો વર્ગ હકારાત્મકતાથી લઈ રહ્યો છે. કારણ કે, તેમને આશા છે કે, વડાપ્રધાનનું રાજીનામું લઈ લીધા પછી સરકાર આ દિશામાં પૂરતી ગંભીરતાથી આગળ વધે એ મુદ્દો વધારે જરૂરી છે. વડાપ્રધાને પણ રાજીનામું આપ્યા પછી કહ્યું હતું કે, “આપણા સમાજમાં દરેક સ્તરે અનિયમિતતા અને દુષણ ઘૂસી ગયા છે. હું આશા રાખું છું કે, છેક મૂળિયા સુધી પહોંચી ગયેલા આ રાક્ષસનું આ વખતે નાશ પામે અને આવી દુર્ઘટના બીજી વાર ના થાય...

દક્ષિણ કોરિયામાં પ્રમુખ પછીનો સર્વોચ્ચ હોદ્દો વડાપ્રધાનનો જ છે એ વાત પણ ના ભૂલવી જોઈએ. લોકશાહીમાં રાજીનામાનું પ્રતીકાત્મક મહત્ત્વ હોવું પણ એટલું જ જરૂરી છે અને કોઈ પણ મોટી નિષ્ફળતા પછી વડાપ્રધાન માફી માગીને રાજીનામું આપે એ ખરેખર આવકારદાયક અને સ્વીકાર્ય ઘટના છે. સર્વોચ્ચ હોદ્દે બિરાજતા લોકોએ નિષ્ફળતા પછી રાજીનામું આપવું જોઈએ કે નહીં એ વિશે મતમતાંતર હોઈ શકે છે, પણ લોકશાહીમાં નૈતિક જવાબદારીઓનો દાખલો બેસાડવા માટે પણ ઉચ્ચ હોદ્દે બિરાજતી કોઈ પણ વ્યક્તિ અસામાન્ય રીતે નિષ્ફળ જાય તો તેમની પાસેથી રાજીનામું લેવું જરૂરી હોય છે. 

No comments:

Post a Comment